Mumukshu Vachna | 28-04-20 | Navsari Tapovan

21 Min Read

યોગનાલિકા

ઈડા, પિંગળા અને સુષુમ્ણા. સામાન્યથી આ ત્રણ નાડીઓને શ્વાસના સંદર્ભમાં સમજાવાય છે: ઈડા એટલે ડાબો શ્વાસ, પિંગળા એટલે જમણો શ્વાસ વગેરે. પણ આધ્યાત્મિક ક્ષેત્રની વાત છે: ઈડા એટલે ચંદ્રનાડી, પિંગળા એટલે સૂર્યનાડી અને સુષુમ્ણા એ યોગનાલિકા.

તમે રાગદશામાં વહી રહ્યા છો, તો ઈડા. તમે દ્વેષમાં છો, તો પિંગળા. અને સમભાવ સતત રહે, તો સુષુમ્ણા ચાલુ થાય. ચક્રો બધા સુષુમ્ણામાં જ ગોઠવાયેલા છે અને કુંડલિનીનું ઉત્થાન થાય, ત્યારે સુષુમ્ણામાંથી જ ઉપર જવાનું છે. સાધક તરીકે તમારો પ્રયત્ન સતત સમભાવમાં રહેવાનો હોય છે જેથી તમારી સુષુમ્ણા નાડી સતત ચાલુ રહે.

છઠ્ઠા ગુણઠાણાનું તમારું લક્ષ્ય હોય છે કે એ સમભાવ સતત ટકેલો રહે. સમભાવ એક વખત પકડાઈ ગયો પછી વિભાવમાં જવાનું થતું નથી. સાતમા ગુણઠાણાની ટોચ ઉપર તમારી પાસે ઉદાસીનદશા અને પરમ આનંદ હોય છે. અને એ ઉદાસીનદશામાં તમે આવી ગયા, પછી આ ભવનું ભ્રમણ તમારા માટે રહેતું નથી..




નવસારી તપોવન વાચના – 31 [28.4.2020]

વચનગુપ્તિની સજ્ઝાયની એક કડી છે, જે આપણે જોઈ રહ્યા છીએ. ‘અનુભવ રસ આસ્વાદતા, કરતા આતમ ધ્યાન; વચન તે બાધક ભાવ છે, ન વદે મુનિ અનિદાન’. અનુભૂતિના ઉપરના પડાવે એવો આનંદ તમે માણતા હોવ છો કે શબ્દોના સ્તર ઉપર તમે ઉતરી શકતા નથી. એ વખતે શબ્દ પણ તમને વિભાવ લાગે છે, પર લાગે છે, વિચાર પણ તમને પર લાગે છે; માત્ર તમારા સ્વરૂપની કે તમારા ગુણોની અનુભૂતિમાં રહેવું એ જ તમારા માટે સ્વ હોય છે.

એ અનુભૂતિનો પ્રારંભ શી રીતે થાય? એની વાત શ્રીપાળરાસમાં લખી. અજીતસેન મુનિની સ્તવના શ્રીપાળકુમાર કરી રહ્યા છે. “તેં પુગ્ગલ અપ્પા બિહું પક્ખે થપ્પા લક્ષણ એ વારુજી.” સમયસારની ગાથાનો સીધો અનુવાદ છે. “તે પુગ્ગલ અપ્પા બિહું પખ્ખે થપ્પા લક્ખણે વારુજી” તમે શું કર્યું? બે વિભાગ / બે division પાડી દીધા: એક પુદ્ગલનું ખાનું, એક આત્માનું ખાનું. અને જ્યાં પણ પુદ્ગલનું ખાનું ખુલે ત્યાં તમારે જવાનું નથી.

એની એક સરસ અભિવ્યક્તિ ઉત્તરાધ્યયન સુત્રના ‘મૃગાપુત્રના અધ્યયન’ માં છે. મૃગાપુત્ર દીક્ષા લેવા માટે નીકળે છે. એ વખતનું એટલું સરસ મજાનું શબ્દચિત્ર છે. ‘रेणुअं व पडे लग्गं, निध्धुणित्ता ण निग्गओ’ – કપડાં ઉપર પડેલી ધૂળને ખંખેરીને કોઈ નીકળે, એમ વિભાવોની રજને ખંખેરીને મૃગાપુત્ર ચાલ્યા. ‘रेणुअं व पडे लग्गं, निध्धुणित्ता ण निग्गओ’. અને એ પછી સમભાવની અનુભૂતિ તમને થાય છે.

જેના માટે એક સરસ કડી શ્રીપાળરાસમાં આવી:

‘તિહાં યોગનાલિકા સમતા નામે વિશ્વનો તારું જી,

તેં જોવા માંડી ઉત્પથ છાંડી ઉદ્યમે વારુ જી.’

ઈડા, પિંગળા અને સુષુમ્ણા. તમને ખ્યાલ છે? સુષુમ્ણા જે છે ને એ યોગીઓની પ્યારી બેટી કહેવાય છે. એટલે યોગીઓ એને સુખમના કહે છે. આવું જ ચાર અવસ્થામાં છેલ્લી ઉજાગર માટે છે. ઉજાગર અવસ્થા યોગીઓની લાડકી બેટી છે. તો લાડકી બેટીઓને ક્યારેય નામથી આપણે બોલાવતા નથી હોતા. એટલે ક્યારેય પણ યોગીઓ ઉજાગરને ઉજાગર તરીકે નહિ કહે. તુરિયા, ચતુર્થી, the fourth.

તો ઈડા, પિંગળા અને સુષુમ્ણા. શરૂઆતમાં તમે શ્વાસ ઉપર ખોલો છો. ડાબો શ્વાસ જાય છે. જમણો જાય છે. આધ્યાત્મિક ક્ષેત્રે ઊંડાણમાં એ વાત છે: ઈડા એટલે ચંદ્રનાડી, પિંગલા સૂર્યનાડી અને સુષુમ્ણા જે છે એ યોગ નાલિકા. તો ઈડા ખુલી છે એનો મતલબ શું થયો? તમે રાગદશામાં વહી રહ્યા છો તો ઈડા. તમે દ્વેષમાં છો તો પિંગલા. એક ચંદ્રનાડી, એક સૂર્યનાડી, વચલી જે છે સુષુમ્ણા.

તો બહુ સરસ કડી આવી; ‘તિહાં યોગનાલિકા સમતા નામે વિશ્વનો તારું જી, તે જોવા માંડી ઉત્પથ છાંડી ઉદ્યમે’. હવે તમારી નજર માત્ર સુષુમ્ણા ઉપર છે. સમભાવ સતત રહે તો સુષુમ્ણા ચાલુ થાય. આમ છે ને ચક્રો પણ સુષુમ્ણામાં જ ગોઠવાયેલા છે, અને કુંડળીનું ઉત્થાન થશે ત્યારે સુષુમ્ણામાંથી જ ઉપર જવાનું છે. આપણી પ્રાચીન પરંપરામાં કુંડલીની ઉત્થાનની વાત નથી, પાછળથી જરૂર આવી છે. પાછળથી એટલે ૭૦૦ વરસ – ૮૦૦ વરસ પહેલાના ગ્રંથોમાં પણ કુંડલીની ઉત્થાનની વાત મળે છે. એટલે શું થતું? કે પરસ્પરની અસરો રહેતી. આદાન-પ્રદાન રહેતું. કુંડલીની ઉત્થાનની વાત હિંદુ સભ્યતામાં બહુ જ પ્રસરી. તો આપણે ત્યાં સાધકો એ કહે કે આપણે ત્યાં કંઇ નથી આવું? તો આચાર્યોએ એ ગ્રંથો બનાવ્યાં કે જો અમારે ત્યાં પણ છે, તું કરી શકે છે.

એ જ રીતે વીરવિજય મહારાજની કે પદ્મવિજય મહારાજની પૂજાઓ કેમ શરૂ થઈ? ગુજરાતમાં હવેલી સંગીત થતું. એટલે શ્રીનાથજીનું મંદિર હોય ઠાકોરજીનું, એમાં સવારની મંગલાથી માંડીને રાત્રિના શયન સુધી અલગ-અલગ-અલગ પદો ગવાય. સુરદાસના પદો જોયા હોય તો તમને ખ્યાલ આવે. તો મોટી જે હવેલી હોય એમાં બહુ મોટા સંગીતકારો રાખે. અને એટલા શાસ્ત્રીય રાગમાં એ લોકો પદોને આલાપે કે આપણા લોકો પણ સંગીત સાંભળવા માટે ત્યાં જતા રહે. તો એ વખતે મહાપુરુષોએ કહ્યું કે ભાઈ ત્યાં જવાની જરૂર નથી. આપણે પણ અહીંયા બધું શરૂ કરી દઈએ.

એ જ રીતે આંગી. અંગરચના કેમ આવી? શ્રુંગાર ને કારણે. શ્રી કૃષ્ણનો શ્રુંગાર થાય અલગ-અલગ રૂપે. આજતો આ રૂપ છે ભગવાનનું. આજ તો ભગવાનનું આ રૂપ છે. આજ તો જોવા જેવું છે! એટલે ભોળા લોકો ત્યાં જોવા માટે જાય. ત્યારે પૂર્વાચાર્યોએ આપણે ત્યાં આંગીની રચના શરૂ કરી. આપણે એ ભગવાનની અંગરચના કરો, કહે છે. તો બધી જ આવી પારસ્પરિક અસરો રહેતી. આદાનપ્રદાન સંસ્કૃતિમાં ચાલુ જ રહેતું.

તો સુષુમ્ણા ખુલે ક્યારે? સમભાવ હોય ત્યારે. રાગદશા છે ચંદ્રનાડી, દ્વેષ છે સૂર્યનાડી પણ સમભાવ તમારો સતત છે તો સુષુમ્ણા ખુલે. એટલે કહે છે; ‘તિહાં યોગ નાલિકા’. નાલિકા એટલે નાડી. યોગની નાડી એટલે સુષુમ્ણા નાડી. આખરે નાડી જ છે સુષુમ્ણા. તો “તિહાં યોગનાલિકા સમતા નામે, તે જોવા માંડી” – તમે એને જોવા માંડ્યા. લક્ષ્ય તમારું એ છે હવે, દીક્ષા લીધા પછી તરત, કે સતત સમભાવ મારો રહે, હું રાગ અને દ્વેષમાં બિલકુલ ન જાઉં, સતત સમભાવમાં રહું અને એ રીતે સુષુમ્ણા મારી ચાલુ રહે. તમે શું કર્યું? તે “જોવા માંડી ઉત્પથ છાંડી ઉદ્યમે.” ઉત્પથ – રાગ અને દ્વેષ, એ ઉત્પથને ઉદ્યમે છાંડી. પહેલા તો પ્રયાસ કરવો પડે. એકવાર સમભાવ પકડાઈ ગયો પછી વિભાવમાં જવાનું થતું નથી. તો શરૂઆતમાં તમે વિભાવના આદિ છો તો વિભાવને છોડવા માટે પ્રયાસ પણ કરવો પડશે.

એ પછી કહે છે:

તિહાં દીઠી દૂરે આનન્દ પુરે વિશ્વનો તારુજી,

ઉદાસીનતા શેરી નહિ ભવફેરી વક્ર છે વારુ જી.

શ્રીપાળરાસમાં આ તત્વ મુક્યું છે! બિચારા પંડિતજીઓ શ્રીપાળરાસનો અર્થ કરી જાય, પણ એમને ખબર જ ના હોય કે આ શું છે? કારણકે એમનો વિષય નહિ. તો હવે કહે છે કે સમભાવ સતત રહે એ તમારું હમણાંનું લક્ષ્ય છે – છઠ્ઠા ગુણઠાણામાં. સાતમાની ટોચ ઉપર તમારી પાસે ઉદાસીનદશા હશે અને પરમ આનંદ હશે.

તો કહે છે; “તિહાં દીઠો દૂરે આનંદ પૂરે ઉદાસીનતા શેરી નહિ ભવફેરી વક્ર છે.” આનંદ નામનું નગર તમે જોયું અને એમાં ઉદાસીનતા નામની શેરીને તમે જોઈ; અને એ ઉદાસીનદશામાં તમે આવી ગયા તો ‘નહિ ભવફેરી વક્ર છે વારુ જી’. આ ભવનું ભ્રમણ હવે છે જ નહિ તમારા માટે. આ બધી અનુભૂતિની વાતો શ્રીપાળરાસમાં ઉપાધ્યાયજી ભગવન લઈને આવ્યા છે. ગુજરાતીમાં કેટલું બધું આપણે ત્યાં મુકાયેલું છે!

દ્રવ્યગુણ પર્યાયનો રાસ એક એવી વિશિષ્ટ ઘટના છે કે ગુજરાતીમાં લખાયેલા ગ્રંથ એના ઉપર સંસ્કૃતમાં ટીકા થયેલી છે. ઉપાધ્યાયજી મહારાજ એમનું સંસ્કૃત તો એકદમ fluent, powerful. પ્રાકૃતમાં પણ એ જ ગતિ, ગુજરાતીમાં એટલું સરસ લખ્યું. તો ગુજરાતીમાં પણ બે માર્ગ ઉપર ચાલ્યા – ભક્તિમાર્ગ ઉપર ને સાધનામાર્ગ ઉપર. ભક્તિમાર્ગમાં ત્રણ ચોવીસીઓ આપી એમણે. બીજા ઘણા બધા સ્તવનો. સ્તોત્રો એટલા સરસ સંસ્કૃતમાં આપ્યા. અને એક સાધનામાર્ગમાં તો સવાસો ગાથાનું સ્તવન, સાડા ત્રણસો ગાથાનું સ્તવન, બધું જ આપી દીધું એમણે! તો “અનુભવ રસ આસ્વાદતા, કરતા આતમ ધ્યાન.” તમે આ ભૂમિકાએ પહોંચી ગયા એકવાર પછી – “વચન તે બાધક ભાવ છે.” 

હમણાંની એક ઘટના તમને કહું. જર્મનીના એક મહિલા પ્રોફેસર. એ યુનિવર્સીટીમાં બૌદ્ધ ગ્રંથો ભણાવતા હતા. એમાં એક ગ્રંથ એમને બહુ જ ગમી ગયો. કહો કે એમના હૃદયને સ્પર્શી ગયો. એ વાંચતા વાંચતા એમને વિચાર આવે છે ઘણીવાર કે ૪૦૦ વરસ પહેલા આ ગુરુ થઈ ગયા, હું ૪૦૦ વરસ મોડી જન્મી. જેમના શબ્દોમાં આટલી અનુભૂતિ ટપકે છે, એ ગુરુની ઊર્જામાંથી અનુભૂતિ કેટલી ટપકતી હશે! ૪૦૦ વરસ પહેલા જન્મી હોત તો એ ગુરુની ઊર્જા મને માણવા મળત.

હરિભદ્રાચાર્યના ગ્રંથોથી આપણે અભિભૂત થઈએ તો આપણને પણ થાય કે એમની અભિવ્યક્તિમાં આટલું બળ છે તો અનુભૂતિ કેવી હશે? શબ્દોમાં તો અનુભૂતિનો હજારમો અંશ પણ માંડ આવી શકે તો.. એટલી પણ શક્યતા નથી. અનુભૂતિ એ દરિયામાં તરતી હિમશીલા છે અને શબ્દ એનું બહાર આવેલું ટોપચું માત્ર છે. ટોપચું તો નાનકડું જ બહાર દેખાય છે, આખી હિમશીલા અંદર જ હોય છે.

તો પ્રોફેસરને થયું કે આ સદ્ગુરુની અનુભૂતિ, એમની ઊર્જા એ મને માણવા મળ્યું હોત તો કેવું સારું હોત.. પણ એ પ્રોફેસર તંત્રના પણ જાણકાર હતા. એટલે એમને ખ્યાલ આવ્યો કે ગુરુ તો ખરેખર જતા હોતા નથી. ગુરુ આવે છે, ગુરુ જતા હોતા નથી. તમારા ગુરુદેવ અહીંયા જ છે. ચંદ્રશેખરવિજય મહારાજ સાહેબ અહીંયા જ છે! હું તો ઘણીવાર આવો સાક્ષાત્કાર કરું છું. શંખેશ્વરમાં જાઉં તો કલાપૂર્ણસૂરી દાદાનો સાક્ષાત્કાર થાય. મારા ગુરુ મહારાજ ગયા એવું મને કદી લાગતું જ નથી. એ અદ્રશ્ય રૂપે આપણી જોડે જ હોય છે.

તો એ પ્રોફેસરને થયું કે ગુરુ તો જતા હોતા નથી; અને એમાં પણ બૌદ્ધ ગુરુ માટે શું થાય વિશેષતા કે એક જ મઠમાં એમણે જીંદગી પસાર કરેલી હોય. આપણે ત્યાં શું બને? કે ગુરુ ચાર મહિના, છ મહિના, આઠ  મહિના રોકાયેલા હોય. એટલે ઊર્જા થાય પણ ખરી પણ કદાચ નષ્ટ થઈ શકે. આપણે ત્યાં વિદ્યાશાળામાં બાપજી મહારાજે પ્રયોગ કર્યો. એ સઘન પ્રયોગ હતો. ૪૦ વરસ લગાતાર વિદ્યાશાળામાં રહ્યા અમદાવાદમાં. અને એને કારણે એ વિદ્યાશાળાની ઊર્જા જે છે ને એ એકદમ ઘનીભૂત થઈ ગઈ.

તમને કદાચ ખ્યાલ નહિ હોય. આજે સાહેબની પુણ્યતિથીએ જાપ હોય છે ત્યાં વિદ્યાશાળામાં. મોટો હોલ, સાહેબની મૂર્તિ છે એ હોલ, અને બીજો હોલ બધું જ ભરાઈ જતું હોય છે. મારું અમદાવાદ ચોમાસું હતું ત્યારે હું ત્યાં ગયેલો. તો લગભગ સાધકો ૨૦ થી ૨૨ વરસની ઉંમરોના, મોટા તો બહુ ઓછા. પછી મેં થોડાક સાધકોને પૂછ્યું કે તમે તો દાદાને જોયા નથી. તો કહે ના, દાદાનું દર્શન નથી થયું. એક જણ કહે કે સાહેબ દાદાનું દર્શન એમ નથી થયું પણ એમ થયું છે. સ્વપ્નમાં દાદાનું દર્શન થયું છે. એક સાધકે તો મને ત્યાં સુધી કહ્યું; કે સાહેબ હું કરેમિ ભંતે મારી જાતે ઉચ્ચરતો નથી. ‘ઈચ્છકારી ભગવન્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી’ બોલું છે, એટલે દાદા પોતે મને કરેમિ ભંતે ઉચરાવે છે. આવું બની શકે, ન બની શકે એવું નથી. એનો આભાસ પણ હોઈ શકે પણ આવું બની શકે, ન બની શકે એવું નથી.

તો એ પ્રોફેસરને થયું કે મારે તિબેટમાં એ ગુરુ જ્યાં રહેતા હતા, એ મઠની મુલાકાત લેવી જોઈએ. હવે આ યુરોપિયન માણસ. બૌદ્ધ મઠમાં એને પ્રવેશ મળે કે ન પણ મળે. પણ પ્રોફેસર બહુ જ લાગવગવાળા હતાં. જર્મનીના ઉચ્ચસત્તાવાળાઓપાસે પોતાની વાત પહોંચાડી. એ લોકોએ તિબેટના સત્તાવાળાઓ જોડે વાતચીત કરી. અને એ તિબેટના સત્તાવાળાઓએ મઠવાળાઓ જોડે વાત કરી. અને છેવટે કહ્યું; કે મહિનાની પરવાનગી અમે તમને આપીએ છીએ. તમે રોજ કલાક કે બે કલાક મઠમાં આવીને બેસી શકશો.

પ્રોફેસર યુનિવર્સિટીમાં રજા મૂકી, તિબેટ પહોંચી ગયા. લાસા પાટનગર તિબેટનું. ત્યાંની એક ફાઈવ સ્ટાર હોટલમાં ઉતરી ગયા. અને પછી કાર લઈને પેલો આશ્રમ જ્યાં હતો ત્યાં પહોંચી ગયા. એક દિવસ, બે દિવસ, ચાર દિવસ અલગ-અલગ જગ્યાએ બેસે છે. પણ જે ગુરુની અનુભૂતિને એમણે શબ્દોમાં માણી છે ને, એવા કંઇ vibrations મળતાં નથી. આ રૂમમાં, આ રૂમમાં, આ રૂમમાં. અઠવાડિયું થઈ ગયું. ફરી પાછુ પૂછ્યું; કે ગુરુ અહીંયા જ રહેતા હતા? તો કહે, અહીંયા જ.

પછી મઠ બહુ મોટો હતો. પ્રોફેસર મઠમાં ચકકર લગાવે છે. તો એક રૂમ એવો હતો. જે લોક થયેલો હતો. અને એની બારીઓ હિમાલય તરફ પડતી હતી. પ્રોફેસરને થયું આ ગુરુ એકાંતમાં રહેનારા જ હતા અને છેવાડાનો રૂમ આ જ છે એટલે કદાચ આ જ રૂમમાં ગુરુ રહેતા હશે. હવે પાછી ઝંઝટ આવી. કે ભાઈ આ રૂમમાં મારે સાધના કરવી છે. તો કહે; ભાઈ આ રૂમ તો બંધ જ છે. આ રૂમને ક્યારેય ખોલાતો જ નથી. બસ આ જ એક પરંપરા. એ ગુરુ પછી કોઈ ગુરુ આવી ગયા હશે. જેમને ખ્યાલ આવી ગયો; કે આ ગુરુની ઊર્જા અહીંયા એકદમ સઘન છે. તો એમણે કહી દીધું, રૂમને લોક કરી દો. કે જેવી તેવી વ્યક્તિ રૂમમાં સાદા વિચારોને લઈને જાય અને એ ઉર્જાને આઘાત પહોંચાડે એવું નથી કરવું.

આપણા દરેક તીર્થોમાં મંદિરમાં મોટું ચોગાન આપણે રાખીએ એનું કારણ આ જ છે કે મંદિરની નજીકમાં કોઈ ઘર ન જોઈએ. મંદિરની નજીક કોઈ વસવાટ ન જોઈએ. કારણ? ઘરમાં રહેનારા જે વિચારો કરતા હોય એ વિચારોની ઊર્જા જે છે ને એ ઊર્જા મંદિરની ઉર્જાને disturb કરી શકે. એટલે મંદિરની ઊર્જા તો અંદર સચવાઈ રહી છે. મંદિરની બહારના પરિસરની જે ઊર્જા છે, એ ઊર્જા પણ સચવાયેલી રહેવી જોઈએ અને એના માટે નિયમો હતા કે મંદિરની ધજા ઘર ઉપર ન પડવી જોઈએ.

તો હવે વિમાસણ થઈ ગઈ પ્રોફેસરને નક્કી લાગ્યું કે આ જ રૂમમાં ગુરુ  રહેતા હોવા જોઈએ. સત્તાવાળાઓને કીધું. એ લોકો કાનમાં વાત ધરે જ નહિ. ના આ રૂમતો ખોલી જ ન શકાય. ફરી એણે જર્મનીમાં લાગવગ લગાડી સત્તાધીશો જોડે. સત્તાધીશોએ ફરી તિબેટના સત્તાધીશોને કહ્યું. એ લોકોએ મઠવાળાને કહ્યું; કે આ પ્રોફેસર બહુ જ નિષ્ણાંત માણસ છે, અને એમને સાધનામાં બહુ રસ છે, એટલે એમના માટે આ રૂમ તમે ખોલી આપો, પરવાનગી આપો. બહુ જ દબાણ આવ્યું ઉપરથી ત્યારે એ રૂમ ખોલવામાં આવ્યો. જ્યાં એ રૂમ ખુલ્યો. પ્રોફેસર અંદર ગયા. એ જ અનુભૂતિ, બસ! ગુરુના શબ્દોમાં જે વાત હતી, એ જ ઊર્જા દ્વારા ગુરુ કહી રહ્યા છે. આમ શબ્દો તો સ્થૂલ છે ને પાછા. સુક્ષ્મ તો ઊર્જા જ છે.

હું ઘણીવાર કહું છું. ગુરુ શબ્દો કહેશે. કેટલા કહેશે? અડધો કલાક, કલાક, અને એમના શરીરમાંથી નીકળતી ઊર્જા? હરિભદ્રસૂરી મહારાજે એક મુનિને આલોચના આપી પ્રાયશ્ચિતમાં. સામાચારીમાં એને કંઈક ભંગ કર્યો હશે. તો સાહેબે એને પ્રાયશ્ચિત આપ્યું કે એક મહિના સુધી તારે મારું પડીલેહણ કરવાનું નહિ. તો શિષ્ય ધ્રુજી ગયો. ગુરુની આજ્ઞા બીજું તો કંઇ થઇ શકે નહિ. પણ મનમાં એમ કહે કે સાહેબ માસક્ષમણ સહેલું પડે પણ આ બહુ અઘરું છે. તમે જે વસ્તુ વાપરેલ હોય બાર કલાક અને એનો સ્પર્શ મને મળે પ્રતિલેખન વખતે. કેટલી બધી ઊર્જા એમાંથી મળે! બસ એ ઊર્જા લેવાનું મારું સદ્ભાગ્ય ગયું?

એટલે આખી જ અનુભૂતિ માટેની સિસ્ટમ હતી. ઈલોરાની ગુફાઓમાં પણ જૈન ગુફાઓ છે. કારણ એક જ – એકાંતમાં જાઓ ગુરુની આજ્ઞા લઇને અને એકાંતમાં તમારી સાધનાને ઘૂંટો. અને એ શિષ્ય ગીતાર્થ બને તો ગુરુ એને ના નહિ પાડતા. એક જાઓ, બે જાઓ, ત્રણ જાઓ વાંધો નહિ.

હું ઘણીવાર મારી વાચનાઓમાં કહું કે ધન્નાજી અને શાલીભદ્રજીની ઈર્ષ્યા આવે છે આપણને? બસ વૈભારગિરિની ગુફાઓમાં મસ્તીથી અનુભૂતિની ધારામાં ચાલવાનું. પ્રભુનું સમવસરણ રાજગૃહીમાં હોય ત્યારે બંને મુનિવરો સમવસરણમાં આવે, અને સમવસરણ પૂરું થાય પાછા પોતાની ગુફામાં. હજારો લોકો એમની સામે આંગળી તાકતા હોય. પેલા આગળ જાય એ ધન્ના મુનિ, પેલા શાલીભદ્ર મુનિ. હજારો આંખો એમને જોતી હોય, એ બધાથી બેપરવાહ. ઈર્યાનું શોધન કરતાં કરતાં ગુફામાં આવે. ઈરીયાવહિયા કરે. અને ઈરીયાવહિયા કર્યા પછી શું કરે? આ બહુ મજાની વાત છે. પ્રભુએ જે થીયરીકલ ફોર્મમાં આપેલું છે એને પ્રેક્ટીકલ ફોર્મમાં ફેરવવાનું કામ એ કરે.

સાપુતારામાં એકવાર મારી વાચના હતી અને એમાં સાંજનો સમય. પાંચ વાગે લગભગ મારી વાચના પૂરી થઈ હશે. અને એમાં મેં વૈભારગિરિની વાત કરેલી. સાડા પાંચ થયા. ત્યાં આપણા પ્રાણલાલ દોશી મુંબઈવાળા આવ્યા. સાહેબ મારા પૌત્રને જોયો અજીતને? મેં કહ્યું; ના અહીંયા નથી. ઉપાશ્રયમાં નથી મેં કીધું. મને કહે જમવાનો ટાઈમ થયો. દેખાતો નથી. રૂમ પર નથી. અહીં નથી. બીજે તો ક્યાંય જાય એમ છે નહિ. અચાનક મને યાદ આવ્યું કે મેં આજે મેં વૈભારગિરિની વાત કરેલી છે. અહીં તો ગુફા ક્યાં હશે મને એ ખબર નથી પણ આ હોલના ટેરેસ ઉપર એકદમ મજાનું એકાંત છે, ચારેબાજુ પહાડો વચ્ચે બેસવાનું એક સુખ મળે એવું છે. તો મેં એમને કહ્યું; જરાક ટેરેસ પર તપાસ કરો તો. એ ટેરેસ પર ગયા તો પેલા ભાઈસાબ બેઠેલાં. ચાલ ચાલ જલ્દી જમવા માટે. શું કરતો હતો તું અહીંયા? તો કહે સાહેબે નહતું કહ્યું; કે હું જે થીયરીકલ ફોર્મમાં આપું છું એને તમારે પ્રેક્ટીકલ ફોર્મમાં ફેરવવાનું. એટલે અહીંયા એકાંતમાં આવેલો કે સાહેબે જે કહેલું છે એને મારે પ્રેક્ટીકલી કઈ રીતે કરવું.

એટલે હવે જે જે ગ્રંથોને વાંચોને ભલે બે કલાક, ત્રણ કલાક સ્વાધ્યાય કરો. એક કલાક એવી અનુપ્રેક્ષા કરો કે આમાંથી શું હું પ્રેક્ટીકલ કરી શકું એમ છું? અને એ અનુપ્રેક્ષામાં નક્કી કર્યા પછી એનું પ્રેક્ટીકલ એ જ દિવસે કરો. કોલેજમાં સ્ટુડન્ટ હોય, પ્રેક્ટીકલમાં ફેઈલ થાય તો? થીયરીકલ ગમે તેટલું આવડતું હોય પ્રેક્ટીકલ જોઇશે ને? તો આપણી પાસે પણ પ્રેક્ટીકલ જોઇશે.

પતંજલિ ઋષિએ કહ્યું;” तत्र स्थितौ यत्नोऽभ्यास: ।।” એમણે અભ્યાસની વ્યાખ્યા આપી; “तत्र स्थितौ यत्न: अभ्यास:” સ્વરૂપ અવસ્થામાં તમે સહેજ ગયા પછી ત્યાં જ રહેવા માટેનો અભ્યાસ તમે જે કરો, પ્રયત્ન જે કરો, એ જ તમારો અભ્યાસ છે. એટલે એમણે શરૂઆતમાં સૂત્રોમાં કહ્યું: “योगश्चित्तवृत्तिनिरोध:” પછી તરત કહ્યું: “तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम्” જ્યારે તમે યોગમાં જાઓ છો, ધ્યાનમાં જાઓ છો ત્યારે શું થાય છે? ‘तदा द्रष्टुः स्वरूपेऽवस्थानम्’ – તમે તમારા સ્વરૂપમાં જતા રહો છો.

એટલે યોગ અને ધ્યાન. યુજ ધાતુ છે ને એ યોગ અર્થમાં તો છે જ પણ સમાધિ અર્થમાં પણ છે. ‘યુજ્રિમ્પિ સમાધં’. આ હેમ ધાતુ પાઠમાં છે. એટલે યોગ એટલે સમાધિ. ધ્યાન એટલે અનુભૂતિ.

તો પ્રેક્ટીકલ કરવું છે. આજનો દિવસ સારો છે! આજથી શરૂઆત. દસ મિનીટ શાંત ચિત્તે બેસી જવાનું. વિચાર આવે તો જોવાનો.. માત્ર જોશો ને એટલે ભાગી જશે! વિચારમાં અંદર જવાનું નહિ! વિચાર વિચાર છે, તમે તમે છો. ખુરશી, ખુરશી છે; અને હું, હું છું. જેમ ખુરશી ‘પર’ એમ વિચાર પણ ‘પર’ છે. વિચાર તમારું સ્વરૂપ નથી! તમે દ્રષ્ટા છો ને? વિચાર દ્રશ્ય છે. વિચાર દ્રશ્યકોટિમાં છે. તો વિચારને જુઓ! તો માત્ર વિચારોને જોવાની એક ટેવ પાડી દો. તમે જોઈ લો. નિર્વિકલ્પ દશા કેટલી સહેલી છે! કશું જ અઘરું નથી! મારો એક logo છે – it is so easy… It is easy નથી કહેતો, It is so easy… બહુ જ સરળ છે! તો આજથી કરવા માંડો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *