Mumukshu Vachna | 29-04-20 | Navsari Tapovan

22 Min Read

શરણસ્વીકાર

પંચાચારમાં ચારિત્રાચાર પછી તપાચાર. બાહ્યતપ એ સ્થૂળ અને અભ્યંતર તપ એ સૂક્ષ્મ તપાચાર. સાધનાના ૩ અવરોધો – રાગ-દ્વેષ-અહંકારમાંથી મુખ્ય અવરોધ છે અહંકાર; _હું_. પછી જ્યાં _હું_ ને ગમે છે, ત્યાં રાગ થાય. _હું_ ને અણગમો છે, ત્યાં દ્વેષ થાય. અહંકારને ભૂંસવા માટે પંચસૂત્રમાં શરણસ્વીકારની સાધના આપી.

તમે શરણસ્વીકાર માટે તૈયાર પણ ક્યારે થશો? _જો પ્રભુનું શરણ, સદ્ગુરુનું શરણ મને નહિ મળે, તો આ ભવરણમાં હું ક્યાં ફેંકાઈ જઈશ એની ખબરેય નહિ પડે_ – આવી રીતે તમે પોતાને જયારે અસહાય માનશો, ત્યારે જ તમે શરણસ્વીકાર માટે તૈયાર થશો.

એમાંય અરિહંતો કે સિધ્ધોનું શરણું લેવું સરળ છે; અઘરું શરણસ્વીકાર સદ્ગુરુનું છે. સદ્ગુરુન પોતાની ફરજના ભાગરૂપે તમારા બધા જ દોષો તમને pin-point કરીને બતાવશે એ તમારા અહંકારને ખટકશે. _અનંતગુણોનો માલિક એવો હું અત્યારે અનેક દોષોથી ભરપૂર છું; મારા એ દોષોને કાઢીને સદ્ગુરુ મારા ગુણોને નીખારી આપે એ માટે એમના ચરણોમાં મારે જીવન સમર્પિત કરવું છે_ – આવો ભાવ આવે, ત્યારે ખરા અર્થમાં શરણસ્વીકાર થાય.




નવસારી તપોવન વાચના – 32 [29.4.2020]

પંચાચારમાં ચારિત્રાચાર પછી તપાચાર. બાહ્યતપ એ સ્થૂળ તપાચાર અને અભ્યંતર તપ એ સુક્ષ્મ તપાચાર. અભ્યંતરતપની બહુ મજાની વાત વિનય અને વૈયાવચ્ચની છે. આપણી સાધનામાં મુખ્ય તયા અવરોધ ત્રણ કહ્યાં – રાગ જેમ કે દેહ પ્રત્યેનો રાગ હોય તો પણ સાધનામાં આપણે થોડા આગળ ન જઈ શકીએ, જીવદ્વેષ આવી ગયો કોઈના ઉપર તો પણ આપણી સાધના ઠપ થઈ જાય, અને અહંકાર આવ્યો તો પણ સાધના અટકી જાય.
તો મુખ્યતયા અવરોધો ત્રણ. એમાંથી પણ મુખ્ય અવરોધ અહંકારનો છે. ‘હું’ એક માંની લીધું. પછી ‘હું’ ને ગમે છે ત્યાં રાગદશા. ‘હું’ ને અણગમો છે ત્યાં દ્વેષદશા. હકીકતમાં તમને જે દ્વેષ આવે છે એ તમારા અહંકારને કારણે આવે છે. આમને કેમ આમ કર્યું? અરે, પણ તને કોણે મીનીસ્ટર બનાવ્યો છે? એણે શું કરવું કે શું ન કરવું, એ જાણે કે એના ગુરુ જાણે! પણ આપણો એક અહંકાર છે, અને એ અહંકાર આખી બોર્ડર બાંધી દે છે – આમને આમ કરવું જોઈએ, આમને આમ કરવું જોઈએ, આમને આમ કરવું જોઈએ!
મેં એક પ્રવચનમાં હમણાં કહેલું કે પહેલાના યુગમાં અને આજના યુગમાં ફરક શો પડ્યો? પહેલા પતિ એમ માનતો કે પત્ની માટેની મારી ફરજો શું છે? દીકરાઓ માટેની મારી ફરજો શું છે? એ જ સામી બાજુથી પત્ની માનતી કે પતિ પ્રત્યેની મારી શું ફરજ? બાળકો પ્રત્યેની મારી શું ફરજ? બાળકોના મનમાં એ હતું કે માતપિતાના પ્રત્યેની અમારી શું ફરજ? આજે ગડબડ ક્યાં થઈ ગઈ? દરેક એમ કહે છે કે બીજાએ આમ કેવું જોઈએ! પતિ નક્કી કરીને જ બેઠો છે કે પત્નીથી આમ જ થાય, દીકરાઓથી આમ જ થાય! પણ તારે શું કરવાનું છે, એ નક્કી કરને! આ બાજુ પત્ની પણ નક્કી કરીને બેસી ગઈ છે, પતિએ આમ જ કરવું જોઈએ! ઘરમાં જે સંઘર્ષ છે એનું કારણ આ છે. તો આપણને જે જીવદ્વેષ આવે છે, એનું ઊંડું કારણ આ છે.
પછી એ જીવદ્વેષ જે છે ને એ બે પ્રકારનો છે – કાર્યાધારિત, વ્યક્તિ આધારિત. કાર્યાધારિત જીવદ્વેષ હજુ delete થઈ જશે. એક મહાત્માએ કામ બરોબર ન કર્યું. તમને એ બરોબર ન લાગ્યું. હકીકતમાં તમારે એમાં જવાનું હતું જ નહિ. અનધિકાર ચેષ્ટા હતી તમારી. છતાં તમે ગયા. તમે માર્ક કર્યું કે એમનું કામ ખોટું હતું. ભલે બોલી શક્યા નહિ તમે. અંદર જીવદ્વેષ થઈ ગયો. પણ એકાદ કાર્ય કે બે-ચાર કાર્ય પ્રત્યે દ્વેષ થઈ જાય એનો વાંધો નથી. એ પાછી વ્યક્તિ સારું કામ કરશે કે અથવા તમારી આરતી ઉતારશે એટલે પાછું બધું ઠેકાણે પડી જશે. પણ એ જો કાર્યાધારિત દ્વેષ વ્યક્તિ આધારિત દ્વેષમાં પલટાઈ ગયો તો ખલાસ! પછી સમરાદિત્ય મહાકથાની જેમ કેટલા જન્મો સુધી એ વેરની પરંપરા ચાલશે, ખ્યાલ નહિ રહે!
એટલે ખલનાયક અહંકાર છે. અને એટલે જ આપણી આખી જ પરંપરાએ એ અહંકારને ભૂંસવા માટે સાધના આપી. પંચસૂત્ર આપણી પરંપરાનું બહુ જ બહુ જ બહુ જ આદરણીય સૂત્ર. એના પહેલા સૂત્રમાં સાધના ત્રિપદી આપી – શરણસ્વીકાર, દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના. આ ત્રણેય ત્રણ સાધના કઈ બાજુ જાય છે? અહંકારને ભૂંસવા તરફ. તમે શરણ સ્વીકાર કરશો ક્યારે? તમારી જાતને તમે અસહાય નહિ માનો ત્યાં સુધી શરણ સ્વીકાર ક્યાં આવવાનો છે? આ પ્રભુનું શરણ ન મળે, આ સદ્ગુરુનું શરણ ન મળે, તો ભવરણમાં હું ક્યાં ફેંકાઈ જઈશ, ખબર નહિ પડે!
અરણીક મુનિ વેશ્યાને ત્યાંથી આવ્યા ત્યારે એમને આ જ ભાવ આવેલો કે હું મારી સાધના ઉપર મારો પોતાનો વિશ્વાસ રાખીને બેઠો હતો. Self confidence! કે હું સાધના કરું છું! મારી સાધના કેવી હોય, હવે ખબર પડી ગઈ! એ વેશ્યાને ત્યાંથી ગુરુ પાસે આવે છે. એક જ વાત કે ‘હું’ ઉપર જો આધાર મેં રાખ્યો. તો મારો ‘હું’ મને નરક અને નિગોદમાં જ લઇ જશે. માત્ર અને માત્ર સદ્ગુરુના ચરણમાં હું પડી જાઉં. અને અરણીક મુનિએ કશું જ નથી કર્યું! માત્ર ગુરુના ચરણોમાં પડી ગયા છે! ગુરુએ પણ કાંઈ કર્યું નથી, માત્ર શક્તિપાત કરી દીધો છે!
તો શરણસ્વીકાર તમારા અહંકારને ભૂંસે. પણ આપણે ત્યાં તકલીફ શું છે એ સમજાવું. સાધકોની પણ આ તકલીફ હોય છે. સામાન્ય લોકોની પણ આ તકલીફ હોય છે. તકલીફ એ છે કે પ્રભુના શરણે જઈ શકાય. અરિહંત અને સિદ્ધના શરણે જાઉં છું એમ બોલી શકાય. કારણ કે એ કાંઈ હાથ પકડવાના છે નહિ. લાફો ઠોકવાના છે નહિ. અઘરું શરણસ્વીકાર સદ્ગુરુનું છે. સદ્ગુરુની એક ફરજ છે. તમારા જેટલા પણ દોષો હશે, એને pin point કરીને બતાવશે. એ વખતે અહંકાર તમને નડી જશે. તમારો અહંકાર દલીલ શું કરશે? ગુરુને મારા ઉપર દ્વેષ જ છે બસ! બીજા બધામાં ગુણ દેખાય છે એમને, મારામાં દ્વેષ જ દેખાય છે! એટલે અનંત જન્મોમાં જે ભૂલ આપણે કરી એ ભૂલનું રિપીટેશન આ જન્મમાં ન જ થવું જોઈએ.
હું ઘણીવાર પૂછું વાચનામાં કે ડોક્ટર કેવા ગમે આમ? હેન્ડસમ હોય એવા? હસતો ચહેરો હોય એવા? કે એના વિષયમાં નિષ્ણાંત હોય એવા? કારણ? ડોક્ટર પાસે જાઓ છો ત્યારે તમારી એક અપેક્ષા છે કે ડોક્ટર મારા દર્દને નાબૂદ કરે. એને સરખું બોલતા ન ફાવતું હોય તોય વાંધો નહિ. કદાચ ચહેરા ઉપર ગુસ્સો જ ઝળકતો હોય તો પણ વાંધો નહિ. એ નિષ્ણાંત માણસ છે! અને આમાં પસંદગી બરાબર થઈ! કેડબરીની ચોકલેટ આપે એ ડોક્ટર નહિ, કડવી દવા આપે એ ડોકટર જોઈએ છે. ઇન્જેક્શન આપે એ ડોક્ટર જોઈએ છે. ડોક્ટરની પસંદગી સાચી કેમ થઈ? કે તમારો હેતુ સાચો હતો, કે મારા દર્દને એ નાબૂદ કરે. હવે જ્યારે ગુરુની પસંદગી કરવાની છે ત્યારે તમે શું જુઓ છો બોલો? અહીંયા મોટી ભૂલ-થાપ ખવાઈ ગઈ. અનંતગુણનો માલિક હું અત્યારે અનેક દોષોથી ભરપુર છું. મારામાં રહેલા દોષોને સદ્ગુરુ કાઢી આપે અને મારા ગુણોને ગુરુદેવ નીખારી આપે માટે સદ્ગુરુના ચરણોમાં મારે જીવન સમર્પિત કરવું છે. આ ભાવ હશે તો પછી ગુરુ પાસે તમારી અપેક્ષા ક્યારેય પણ નહિ રહે (કે) ગુરુ મને પ્રેમથી બોલાવે, ગુરુ સ્મિત આપે.
હું ઘણીવાર કહું નાના સાધુઓને કે ભાઈ અઠવાડિયું દસ દિવસ થાય એટલે તમારા ગુરુ તમારી કોઈ ભૂલ ન કાઢે તો તમારે મારી પાસે ન આવવું જોઈએ કે સાહેબ અમારા ગુરુઓને કહો ને અમને લડતાં કેમ નથી! અમે તો નવા-સવા છીએ. ભૂલ તો અમારાથી થવાની જ છે. તો અમારા ગુરુઓ અમને લડતાં કેમ નથી? આ એટલી મોટી ભૂલથાપ ખાધી છે આપણે, પણ હવે જો ખ્યાલ આવી જાય ને તો આ જ જન્મની અંદર આ ભૂલ-થાપ નીકળી જવી જોઈએ. સદ્ગુરુના ચરણોમાં હું શા માટે જાઉં છું? દોષમુક્ત બનવા માટે. પછી સદ્ગુરુ any how દોષમુક્ત બનાવે. કોઈ ડોક્ટરની એવી ઈચ્છા નથી હોતી. મારે ઓપરેશન કરી જ નાંખવું. પૈસાનો લોભી હોય જુદી વસ્તુ છે. સારો ડોક્ટર હોય (તો) દવાથી પતતું હોય તો દવા જ આપે, દવાથી ન પતે એમ હોય તો ઇન્જેક્શનમાં જાય, ઇન્જેક્શનથી પણ પતે એવું નથી, એપેન્ડીક્ષ જ છે, ને દુઃખાવો છે અને કાઢવું જ પડે એમ છે તો ઓપરેશન. હવે એ ગુરુએ નક્કી કરવાનું છે. ડોકટરે નક્કી કરવાનું છે. શું આપવાનું છે? શું કરવાનું છે? તો તમે કોરા ચેકની જેમ સદ્ગુરુની પાસે આવી શકો?
મેં વચ્ચે કહેલું, ગુરુદેવ નથી એમ નહિ માનવાનું. ગુરુદેવ છે જ. હકીકતમાં છે ને ગુરુ જ હોય છે શિષ્ય નથી હોતો! ગુરુ તો હોય જ છે! ગુરુ તો અહીંથી દેવલોકમાં ગયા છે. ત્યાંથી ખબર રાખે. શિષ્ય ક્યાં છે?
સોક્રેટીસ એથેન્સની ગલીઓમાં નીકળેલા ધોળા દિવસે ફાનસ લઈને. કો’કે પૂછ્યું; કેમ આમ? તો કહે કે માણસ શોધવા માટે નીકળ્યો છું. એમ ગુરુ કદાચ આ રીતે નીકળી પડે ને, એ શિષ્યને શોધવા માટે નીકળે. તમે સમર્પિત નથી બન્યાં, માટે જ અનંતા જન્મો થયા. હું પણ સમર્પિત નહિ બનેલો માટે મારો સંસાર ચાલુ રહ્યો. આ જન્મમાં totally surrender થઈ જવું છે. સદ્ગુરુને તમને આજ્ઞા આપતા વિચાર કરવો પડે તો માનવાનું કે તમારું શિષ્યત્વ તળિયે પહોંચી ગયું. કોઈ ગુરુ એમ કહે; બેટા! આ જગ્યાએ જવાનું છે, તને ફાવશે? એ વખતે શિષ્યની આંખમાં આંસુ આવવા જોઈએ કે ગુરુદેવ કયા ગુનાહની મને સજા આપો છો? તમે ઉઠીને મને પૂછો છો? તને ફાવશે? મને તો એ જ ફાવે છે, તમે કહો તે. છે આ surrender?
તો ડોક્ટર પાસે જવામાં હેતુ સાચો માટે પસંદગી પણ સાચી. હવે બની શકે તમે દીક્ષા લીધી એ પહેલા તમને ખ્યાલ નહતો, અનાદિની સંજ્ઞામાં જ તમે હતા તો એ વખતે તમારા મનમાં એવી ઈચ્છા હોય કે smiling face વાળા મારા ગુરુ જોઈએ, મને પંપાળે એવા ગુરુ જોઈએ. ભાઈને આજે એકાસણું છે જરા બરોબર એને ચા – પાણી આપજો, એવું કહેનાર ગુરુ ગોતે. પણ એ પહેલા; હવે તમને ખ્યાલ આવી ગયો. હવે તો ગુરુ પાસે તમારી પ્રાર્થના હોય, :ગુરુ હું તો દોષોનો ભંડાર છું જ. તમે કેમ મને ત્યારે કહેતા નથી? ઠપકો કેમ નથી આપતા? મારા એક-એક દોષને pin point કરીને જુઓ અને કાઢી આપો.” સદ્ગુરુ તૈયાર. શિષ્ય તૈયાર હોય તો કામ કાજ આગળ ચાલે.
એટલે ‘અરિહંતે શરણં પવજ્જામિ’ સરળ છે, ‘સિદ્ધે શરણં પવજ્જામિ’ સરળ છે, ‘ધમ્મં શરણં પવજ્જામિ’ સરળ છે પણ આ ‘સાહુ શરણં પવજ્જામિ’ અઘરું છે. આથી પણ એક બીજો માઈનસ પોઈન્ટ આપણો એ છે કે આપણે દોષદ્રષ્ટિવાળા માણસો હજુ છીએ. અને એથી કરીને સામાન્ય વ્યક્તિ પણ અનંતગુણોથી યુક્ત હોય છે અને એના અનંતગુણ આપણે જોવા જોઈએ. એના બદલે એવું બની શકે કે આપણી દોષદ્રષ્ટિના કારણે સદ્ગુરુમાં પણ આપણને દોષો દેખાય. એનું કારણ સદ્ગુરુ નથી, કારણ તમે છો. તમારી દોષદ્રષ્ટિ છે.
હું છે ને ઘણીવાર હસવાના મુડમાં એક સરસ વાત કહું. કોઈ શિષ્ય હોય, એમ માને મનમાં કે ગુરુ મહારાજથી આમ કરાતું હશે? એમણે આમ કરવું જોઈએ! આવું જે શિષ્ય માને ને, બોલે તો નહિ કદાચ ખાનદાન હોય એટલે. આવું જે માને ને એને પરમગુરુની પદવી હું આપું. ગુરુનો એ ગુરુ..! કારણ કે ગુરુને શું કરવું? એ તો ગુરુના ગુરુ જ કહી શકે! ૐકારસૂરી દાદા હતા કે અરવિંદસૂરી દાદા હતા. મને કહેતા તારે આમ કરવાનું. તારે આમ કરવાનું. મારા પણ ગુરુ હતા. તો જો કોઈ શિષ્ય વિચાર કરે કે ગુરુએ આમ કરવું જોઈએ. ગુરુએ કેમ આમ કર્યું? તો આપણે એને degrade નહિ કરવાનો, upgrade કરવાનો, એને પરમગુરુની પદવી આપી દેવાની! degrade કરીએ તો ખોટું લાગે ને? upgrade કરી નાંખવાનો. ભાઈ, તું પરમગુરુ આજથી!
એમ લાગે છે કે મૂળગામી અનુપ્રેક્ષણ નહિ હોય ને ત્યાં સુધી આપણે અત્યારે જે સાધના કરીએ છીએ ને એ ક્યાં સ્તર સુધી પહોંચશે એ ખ્યાલ નથી આવતો. જો દોષોથી તમે વિમુક્ત નથી બન્યા તો આ સાધના જે છે એ તમને ક્યાં સુધી લઇ જશે? રાગ-દ્વેષ-અહંકાર અનંત જન્મોથી તમારી પાસે છે. અને હવે એને જો આપણે પુષ્ટ કરવાના હોય સાધના દ્વારા? તો આ તો શું થયું? દવા દ્વારા રોગને પુષ્ટ કર્યો! ભણ્યાં અને અહંકાર આવ્યો!
સાધના એકદમ સરસ કરો છો. ૧૭ સંડાસાપૂર્વક ખમાસમણ દો છો. મુહપત્તિ બરોબર પલેવો છો. એનો અહંકાર આવ્યો તો? મૂળભૂત કાઢવાનો તો અહંકાર જ છે. મૂળભૂત કાઢવાનો રાગ-દ્વેષ છે. એ ન જાય તો કેમ ચાલે?
યોગશતકમાં એક સાધક હોય ને એ રાત્રે આંતરનિરીક્ષણ કરે એમ કહ્યું છે. અને ત્યાં શબ્દો છે: (ગાથા સૂત્ર). એ સાધક ગ્રહસ્થ છે, એ પોતાની જાતને પૂછે છે કે મને સાધનામાં રસ્તામાં અવરોધ કરનાર તત્વો કયા? હું રાગબહુલ આત્મા છું? દ્વેષબહુલ આત્મા છું? કે અહંકારબહુલ આત્મા છું? તો હવે પોતે અનુપ્રેક્ષણ કરે. તકલીફ એ હોય છે કે આપણું નિરીક્ષણ બીજાના માટે શાર્પ હોય છે, આપણા માટે સોફ્ટ રહેવાનું. એથી કદાચ આપણા દોષો આપણને ન દેખાય તો? તો એ વખતે નાના ગામોમાં ગુરુદેવોનો સમાગમ તો બહુ મળતો નહતો. તો એક શ્રાવક શું કરે છે? બહુ મજાની વાત લખી…
રોજ સાંજના સમયે પ્રતિક્રમણ કરવા બધા ભેગા થાય, ૧૦-૧૫ શ્રાવકો. તો આ ભાઈની ઈચ્છા છે, કે મારો દોષ શું છે? એ મારે મારા કલ્યાણમિત્રો પાસેથી જાણવું છે. કલ્યાણમિત્ર એમ તો નહિ કહે પણ એના માટે મારે ટેકનીક વાપરવી પડશે. તો સાંજના સાતેક વાગે પ્રતિક્રમણ શરૂ થતું હોય. બધા આવી ગયા અને આ એક ભાઈ નહતાં આવ્યા. ભાઈ લાલચંદ નથી આવ્યો, કહે છે. જુઓ દસ મિનીટ રાહ, નહિતર શરૂ કરો. આ ભાઈ તો જાણી જોઇને મોડા આવવાના હતા. અડધું પ્રતિક્રમણ થયું હશે ત્યારે આવી ગયા. અંધારું હતું. એક થાંભલાની પાસે એવી રીતે બેઠા કે સ્થાપનાજી પોતાને દેખાય. બીજા લોકો કોઈ જોઈ શકે નહિ. સામાયિક લીધું. પ્રતિક્રમણ શરૂ કર્યું. પેલા લોકોનું પ્રતિક્રમણ પૂરું થઈ ગયું. સામાયિક પતાવીને એ લોકો બહાર ઓટલે બેઠા. ઓટલે બેઠા અને ચર્ચા કરવા માંડ્યા. પેલો લાલચંદ કેમ નથી આવ્યો કહે છે આજે?
માનવના માનસની એક ખૂબી છે કે જે ગેરહાજર હોય એની ટીકા થોડી થાય. પેલો ચરવડાથી પુંજતો-પુંજતો બારી પાસે આવી ગયો કે હવે મારા માટે વાત ચાલુ. અને પેલા લોકો – એક જણો કહે સાલો એ તો લોભિયો છે લોભિયો. એને ઘરાક મળે ને તો પડીક્કમણું રાત્રે બાર વાગે એ કરે. અને એ શ્રાવક ખુશ થઈ ગયો! ઓહો આ લોભનો દોષ મને પીડે છે, મારે એને કાઢવો છે. તમે એ રીતે કોઈ રાખ્યા છે કલ્યાણમિત્ર?
મેં વિપશ્યના સાધના ભીલડીયાજી તીર્થમાં કરી. એ પણ આપણી બધી જ ક્રિયાઓ સાથે. એક પ્રોફેસર હતા વિપશ્યનાના એ આવેલા. વર્ષો સુધી એમણે ઘૂંટેલી. મહિના મહિનાની સાધના ઘણી કરેલી. જૈન જ હતા. આવેલા. એમણે મને કહ્યું; કે વિપશ્યનામાં આજે મૌન હોય છે. એટલે સંપૂર્ણ મૌન રાખવાનું. પણ તમારી કક્ષા થોડી ઉંચકાયેલી છે. એટલે તમને હું થોડી છૂટ આપું છું. અનિવાર્ય રૂપે કંઇક બોલવું પડે, અનિવાર્ય રૂપે તો અડધી મિનીટ પાડીને બોલી લેવું. પણ એમાં એક સાવધાની જરૂર રાખવાની છે. આપણે સપોસ આઠ વાગે ધ્યાનમાં બેસવાનું છે તો એના અડધા કલાક પહેલાં તો totally મૌન થવું જ જોઈએ. મેં પૂછ્યું; કારણ શું? મને એમને બહુ સરસ વાત કરી. મને કહે; તમારી કક્ષા હજુ એ નથી પહોંચી કે પાંચ મિનીટ પહેલા કોઈએ તમને કંઈ કહ્યું હોય, તમે એને જવાબ આપ્યો હોય, અને એ વાત તમારા મનમાં ન ઘુમરાય, પા કલાક – અડધો કલાક સુધી, એવું હજુ તમારું મન નથી. એટલે આઠમાં પાંચ મીનીટે તમે કોઈની જોડે વાત કરી. એમનો જવાબ તમને ન પણ ગમ્યો કદાચ. ન ગમ્યો તો મનમાં એના પ્રત્યે તિરસ્કાર પણ તમને થયો. આ તિરસ્કારના ભાવ સાથે તમે આવો; ધ્યાન થઈ શકે નહિ. એટલે ધ્યાનના અડધો કલાક પહેલા, ધ્યાનના અડધો કલાક પછી તમારે સંપૂર્ણ મૌનમાં રહેવું. મને એ વાત એટલી બધી ગમી ગઈ.
હું મારી વાચનામાં કહું છું શ્રાવકોને કે તમે પ્રતિક્રમણ કરો છો. એમાં થોડો સુધારો કરી દો. અત્યારે એ લોકો કઈ રીતે કરે છે? બધા ઉપાશ્રય બહાર બેઠા હોય. બધી અલક-મલકની ચોવટ ચાલતી હોય. કોરોનાનો અપડેટ ચાલતો હોય અને મોનીટર શ્રાવકોએ બુમ મારી, ‘ઇચ્છામિ ખમાસમણો’; બધા પહોંચી જાય અંદર. એટલે કોરોનામાંથી મનને કાઢતા કેટલો ટાઈમ થાય? પ્રતિક્રમણ આખું થઈ જાય અને મજાની વાત એ હોય કે કોઈની વાત ચાલતી હોય એટલી યાદ હોય કે સામાયિક પારીને ત્યાં બેઠાં હોય ને કહે પેલું શું થયું હતું? બોલો આનું પ્રતિક્રમણ કેવું થયું? એટલે હું આ લોકોને કહું છું. પ્રતિક્રમણની પહેલા એક નવકારવાળી ગણો. પ્રતિક્રમણ પૂરું થયા પછી એક નવકારવાળી ગણો. તો પ્રતિક્રમણ સેન્ડવીચ થઈ જાય.
એટલે આપણી સાધના પરિશુદ્ધ કેમ બને? મૂળ વાત શું થઈ? ડોક્ટરની પસંદગીમાં હેતુ શુદ્ધ હતો. ડોક્ટર મારી જોડે પ્રેમથી વાત કરે એ વાત નથી ત્યાં. ડોક્ટરને બે રીતે મળવા જવાય – પેશન્ટ રૂપે પણ જવાય, ફ્રેન્ડ રૂપે પણ જવાય. કોઈ ડોક્ટર તમારો લંગોટિયો ભાઈબંધ હોય, મળવા જવાય. તો ત્યાં કેમ છો? મજામાં છો? કેમ પ્રેક્ટીસ ચાલે છે? એ વાતો હોય. પણ પેશન્ટ તરીકે જાવ ત્યારે? તો અહિયાં તમે આવ્યા કઈ રીતે બોલો? પેશન્ટ તરીકે? કે ગુરુની શાતા પૂછનાર તરીકે?
કોઈ હોય ને ડોક્ટરની ખબર કાઢવા, સાહેબ, કેમ છો? મજામાં છો? સુખ સંયમ યાત્રા નિર્વહો છો જી? એનો મતલબ શું? ગુરુ તો સંયમયાત્રા સુખપૂર્વક મહાલી રહ્યા છે. એનો પ્રશ્ન અશબ્દમાં છે કે સાહેબજી મારી સંયમયાત્રા કેમ ચાલે છે? જોઈ આપો ને? ક્યારેય પૂછ્યું સદ્ગુરુને કે સાહેબ મારી સંયમયાત્રા કેમ ચાલે છે જોઈ આપો ને? Am I right sir? હું બરોબર છું? પૂછો? અત્યાર સુધી જે થયું એ થયું. ગયી તિથિ જોશી પણ ના વાંચે, આપણે પણ નહિ વાંચીએ. હવે શું? હવે પણ આ જ રિપીટેશન ચાલશે? અનંતા જન્મોમાં ચાલ્યું એ જ?
મેં એકવાર કહેલું, એક ભાઈ હતા અને સ્તવન ગાતા હતા – ‘સુણો-શાંતિજીણંદ સૌભાગી રે’. એમાં આખી આત્મનિંદાની વાતો આવે છે. એ ભાઈને ક્રોધ વારંવાર આવતો હતો. એટલે પેલી કડી આવી. ‘હું તો ક્રોધ કષાયનો ભરીયો, તું તો ઉપશમરસનો દરિયો’. રીપીટ કરી-કરીને ગાય. એક ભાઈ એનો પાડોશી જ હતો. સાંભળતો હતો. દેરાસરમાંથી બહાર નીકળ્યા. પેલાના પાડોશીએ કહ્યું; કે તમે ભગવાનને બહુ સાચી વાત કરી હો! તમે ખરેખર ક્રોધના દરિયા જ છો. શું થાય? દરિયામાં તરત ભરતી આવે.! મને શું કહે છે, તું તારું સંભાળને.! તો ભગવાનને કહેવાનો શું હતું? જાત જોડેની છેતરપિંડી કરી!
એટલે જ આપણી સાધના માત્ર અને માત્ર દોષમુક્તિ માટે અને ગુણપુષ્ટિ માટે થવી જોઈએ. એટલે હરીભદ્રસૂરી મહારાજે બહુ સ્પષ્ટ વ્યાખ્યા આપી: ‘શુદ્ધિ પુષ્ટિ મત્ચિત્તં એવ ધર્મ’. એમણે ચિત્તને ધર્મ કહ્યો છે, કાયાને નહિ! એ ધર્મની ગંગોત્રી ચિત્તમાંથી ઉદ્ભવે છે પછી એ ગંગા કાયાના સ્તર ઉપર લહેરે તો વાંધો નહિ. પ્રભુ દર્શન કરતા આંખોમાંથી આંસુ ઝરે, બધું જ થાય પણ ગંગોત્રી point કાયા નહિ, આટલું યાદ રાખજો. ગંગોત્રી point કાયા માનો તો અભવી પાસે એ છે જ. આપણે શું ક્રિયા કરીએ? હું શું ક્રિયા કરું? એટલું શુદ્ધ ચારિત્ર પાડે કે ઠેઠ પહોંચી જાય આગળ, ગ્રેવેયક સુધી! તો કાયાથી starting point નથી, ચિત્તથી starting point છે. તો તમે જે કરો છો એ જોઈ લો. એ સાધના ચિત્તના બરોબર અનુપ્રેક્ષણ પૂર્વક, ચિત્તની સ્થિરતા પૂર્વક બરાબર થઈ રહી છે? એ કાર્ય કરવા પાછળનો તમારો હેતુ શું?
ડોકટરે કહ્યું; ૧૦૦ ટેબ્લેટ લેવાની. પેલાને શ્વાસ ચડે છે. બે ડગલાં ચાલતા હાંફી જાય છે. ૧૦૦ ટેબ્લેટ લેવાનું કહ્યું છે. ૮૦ ટીકડી ગળી પણ ગયો એ. ફરક કશો જ પડતો નથી. ડોક્ટર પાસે આવે કે ન આવે? એનો ઉદેશ્ય હતો કે ૧૦૦ ટીકડી લઉં, મારો દર્દ નાબુદ થવો જોઈએ. આપણે પ્રતિક્રમણ કરીએ છીએ હેતુ શું? આપણે એક-એક ક્રિયા જે કરીએ છીએ એની પાછળનો હેતુ શું? એટલે એક- એક ક્રિયાનો હેતુ સમજાય; અને પછી જોવાનું એ રહે કે એના દ્વારા મને એની પ્રાપ્તિ થઈ કે નહિ? સાધન દ્વારા સાધ્ય મળવું જ જોઈએ! અને જે સાધન સાધ્ય તરફ ન લઇ જાય એ સાધન નકામું. કાર હોય અને મશીન ખોડ્કાઈ ગયું હોય, બેસવા માટે સરસ ગાદી છે અંદર પણ ક્યાંક જવું હોય તો? એ સાધન રૂપે નથી. એમ આપણી જે ગાડી ચાલે છે સાધનાની, એ સાધ્ય તરફ ચાલી રહી છે? જોજો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *