પ્રભુનું દર્શન
ચારિત્ર એટલે નિજ સ્વરૂપ સ્થિરતા. ભીતરની એ સ્થિરતાને કારણે પ્રભુના મુખ ઉપર એક દિવ્ય આનંદ ઝળકી રહ્યો છે. તમે હીરાનો હાર પહેરાવો કે સોનાનો મુગટ પહેરાવો – પ્રભુની બાજુ તો પરમ ઉદાસીનદશા જ છે; પ્રભુ બિલકુલ સ્વમાં સ્થિર છે.
પ્રભુની એ સ્થિરતાને જોઈને જો આપણી અંદર થોડીક સ્થિરતાની ધારા આવે, તો આપણે ખરેખર કહી શકીએ કે મેં પ્રભુનું દર્શન કર્યું; નહીતર તો લગભગ આપણે લોકો માત્ર આંગીનું કે મૂર્તિનું જ દર્શન કરતા હોઈએ છીએ!
ચિત્તસ્થૈર્ય એટલે દ્વન્દ્વાતીતદશા. અત્યારે તમે રતિ-અરતિના દ્વન્દ્વ વચ્ચે ઝુલ્યા કરો છો. તમારી ઇચ્છામાં, આગ્રહમાં આ રતિ-અરતિનું બીજ પડેલું છે. તમારી ઈચ્છા પ્રમાણે થાય, તો રતિ અને ઈચ્છા પ્રમાણે ન થાય, તો અરતિ. જો તમે નિરાગ્રહ બની જાઓ, તો રતિ-અરતિના આ દ્વન્દ્વથી મુક્ત થઈ જાઓ. નિરાગ્રહશીલદશા એ કારણ; દ્વન્દ્વાતીતદશા એ કાર્ય.
નવસારી તપોવન વાચના – 58 [6.6.2020]
માનવિજય મ.સા. એ સુમતિનાથ પ્રભુના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનની વાત કરી. પ્રભુના મૂર્તિદેહને જોઇને સાધક સ્વાનુભૂતિ શી રીતે કરી શકે, એનું step by step વર્ણન ત્યાં છે. સાત ચરણો આપ્યાં છે. આપણે પહેલું અને બીજું ચરણ જોતાં હતાં કાલે.
પહેલું ચરણ – પ્રભુ રૂપનું દર્શન. બીજું ચરણ ચિત્તસ્થૈર્ય. પ્રભુના સ્વરૂપમાં રહેલી સ્થિરતાને આપણે જોઈશું તો કુદરતી રીતે જ આપણે થોડાક સ્થિર થઇ જઈશું.
હું ઘણીવાર પૂછું; શ્રોતાઓને કે પ્રભુનું દર્શન સવારે કર્યું, શું જોયું તમે? પ્રભુ સ્વમાં સ્થિર થયેલા છે. તમે હીરાનો હાર પહેરાવ્યો, કે સોનાનો મુગટ પહેરાવ્યો. એ બાજુ પરમઉદાસીનદશા જ છે. પ્રભુ બિલકુલ સ્વમાં સ્થિર છે. એ પ્રભુની સ્થિરતાને જોઈને જો અંદર થોડીક સ્થિરતાની ધારા આવે, તો આપણે કહી શકીએ કે પ્રભુનું દર્શન મેં કર્યું. નહીતર લગભગ આપણે લોકો આંગીનું કે મૂર્તિનું દર્શન કરીને પાછા આવીએ છીએ. તો હવે પ્રભુની સ્થિરતાને જોવી છે. જ્ઞાનસારે કહ્યું;
चारित्रं स्थिरतारुपमत: सिध्धेष्वपीष्यते
‘चारित्रं स्थिरता रुपं अत: सिध्धेष्वपीष्यते’. સિદ્ધોમાં પણ જે ચારિત્ર છે એ નિજ સ્વરૂપ સ્થિરતા રૂપ છે. તો એ નિજ સ્વરૂપ સ્થિરતાને કારણે પ્રભુના મુખ ઉપર એક દિવ્ય આનંદ ઝલકી રહ્યો છે. તો દિવ્ય આનંદનું પગેરું શું? ભીતરની સ્થિરતા! એટલે એક બોધ જો સ્થિર થાય કે હું પણ સ્થિર થાઉં, તો આનંદની ધારામાં આવી શકાય. સીધી વાત છે, અત્યારે તમારું ચિત્ત અસ્થિર છે, તો તમે રતિ અને અરતિની ધારામાં જોડો છો. અનુકુળ પરિસ્થિતિ આવી તો રતિભાવ. પ્રતિકુળ પરિસ્થિતિ આવી તો અરતિભાવ. એ રતિ અને અરતિના દ્વન્દ્વોમાંથી તમારે બહાર આવવાનું.
યોગબિંદુમાં હરીભદ્રસૂરિ મહારાજ કહે છે; કે પ્રાથમિક સાધક પાસે પણ બે ગુણો હોવા નિતાંત જરૂરી છે. નિરાગ્રહશીલતા અને દ્વન્દ્વાતીતતા. પ્રાથમિક સાધક પણ નિરાગ્રહશીલ હોય. એનો કોઈ આગ્રહ ન હોય. ગુરુની આજ્ઞા એનો સ્વીકાર. ગુરુની આજ્ઞા એનું પાલન. ના, હું તો આમ જ કરું! હું તો એકાસણું જ કરું, બેસણું કરું જ નહિ ક્યારેય. હું તો આવી જ ગોચરી લઉં, આવી જ ગોચરી લઉં જ નહિ! આ આજ્ઞા પ્રારંભિક સાધક માટે નુકશાનકારક છે. કેમ ભાઈ? સારી ઈચ્છા છે આમાં? ઈચ્છા ખરાબ છે? હું એકાસણું રોજ કરું, કે શુદ્ધ ગોચરી લાવું આ કંઈ ઈચ્છા ખરાબ છે? પણ એ ઈચ્છાની પાછળ તમારો અહંકાર ધ્વનિત થાય છે. હું આમ જ કરું. ‘હું!’ ગુરુ, યાદ રાખો તમારી શુભ ઈચ્છાને પણ ઠુકરાવશે. કારણ – શુભ ઈચ્છા જોડે વાંધો નથી. તમારા હું જોડે ગુરુને વાંધો છે. એ શુભ ઈચ્છાને સ્થિર કરીને તમે તમારા હું ને દ્રઢ કરવા માંગતા હોવ તો ગુરુને કોઈ સંયોગોમાં એ વસ્તુ ચાલતી નથી.
મેં પહેલા તમને કહ્યું હતું, કે ૧૦૦ આયંબિલ ગુરુ કરવા દેશે. ૯૯ ઓળી એની પુરી થઇ ગઈ છે. ૧૦૦મી ઓળી કરવાની ઇચ્છાથી ઓળી પેલાએ શરૂ કરી. ગુરુએ હા પાડી. ૧૦૦ આયંબિલ કરવા દીધા. ૧૦૧માં દિવસે એકાસણાનું પચ્ચક્ખાણ આપી દીધું. તમે હોવ તો શું કરો? સાહેબ! મારી ૧૦૦મી ઓલીનું શું? અરે ૧૦૦ ઓળી તો ઘણીવાર કરી તે, ઘણી દિક્ષાઓમાં! ગુરુ આજ્ઞાનું પાલન નથી કર્યું, એ કર ને પણ! ૧૦૦ ઓળીથી મોક્ષ મળતો હોત તો તમને છૂટ આપી દઉં ચાલો. તમે ૧૦૦ ઓળી કરો ને તમને મોક્ષ મળે. તમે ૧૦૦ શિષ્યો કરો ને મોક્ષ મળે. બધી છૂટ આપીએ તમને ચાલો. જે મોક્ષનો માર્ગ હોય એની છૂટ આપી દઈએ. એવો એ શિષ્ય હતો, ગુરુદેવને કહેતો નથી કે સાહેબજી આજે તો મારે ઉપવાસનું પચ્ચક્ખાણ હોય ને! ૧૦૦ આયંબિલ થઇ ગયા. ગુરુદેવ કહે; મને ખબર છે, તારે એકાસણું આજે કરવાનું છે. શિષ્ય એ જાણવા પણ નથી માંગતો કે સાહેબ કેમ આમ કરે છે. સાહેબની જે ઈચ્છા. અને ગુરુના મનમાં એક બહુ ઊંડી સમજણ હતી, ગુરુને ખ્યાલ હતો કે આ ૧૦૦મી ઓળી પુરી થઇ એટલે અહંકાર આવવાનો છે એને, કે મેં ૧૦૦ ઓળી કરીને પૂર્ણ કરી! આરાધના થઇ ગઈ એની. ૧૦૦ આયંબિલ કરી લીધા. એના અહંકારને મારે પનપવા દેવો નથી. એટલે ગુરુએ ૧૦૧ માં દિવસે ઉપવાસની ના પાડી દીધી.
અને તમને બેમાંથી પસંદ કરવાનું હોય તો શું પસંદ કરો? ૧૦૦મી ઓળી પુરી થઇ અને સિક્કો લાગી ગયો. શેનો સિક્કો? અહંકારનો સિક્કો લાગ્યો ને? સિક્કો લાગ્યો કોનો? અહંકારનો. મેં ૧૦૦ ઓળી કરી. જે ક્ષણે તમે નક્કી કરશો, કે જે ગુરુ કહે, એ મારા માટે જીવનમંત્ર, મારો કોઈ આગ્રહ નથી, મારી કોઈ ઈચ્છા નથી; તમે નિરાગ્રહશીલ બન્યા, તો જ તમે પ્રારંભિક કક્ષાના પણ સાધક બન્યા, નહીતર પ્રારંભિક કક્ષાના સાધક પણ તમે નહિ.
અને પછી મજાની વાત કરી; દ્વન્દ્વાતીતતા. તમે નિરાગ્રહ બન્યા; તો દ્વન્દ્વાતીત બની ગયા. તમારા આગ્રહમાં, તમારા અહંકારમાં, તમારી ઈચ્છામાં જ રતિ અને અરતિનું બીજ પડેલું છે. મારી ઈચ્છા પ્રમાણે થાય એટલે મને સુખની અનુભૂતિ થાય. મારી ઈચ્છા પ્રમાણે ન થાય મને અરતિ થાય. તમે જે ક્ષણે દ્વન્દ્વાતીત બન્યા, નિરાગ્રહશીલ બન્યા, સાધના start થઇ ગઈ. તો નિરાગ્રહશીલદશા એ કારણ છે; દ્વન્દ્વાતીતદશા એ કાર્ય છે. પહેલા નિરાગ્રહશીલ બની જાવ. જે ગુરુદેવની આજ્ઞા.
એક વાત યાદ રાખો. તમે શાસ્ત્રોમાંથી કોઈ આજ્ઞા લઇ શકતાં નથી જ. માત્ર શાસ્ત્રમાંથી આજ્ઞા લઇ અને સીધું જે સાધુ ધર્મમાં આગળ જાય, તો એ ઊંધું જ ક્યાંક પડી જવાનું છે. અંગ્રેજી ભણેલો માણસ છે. મેડીકલ બુલેટીસ ઘણા વાંચ્યા. એને ટેબલેટનું પુસ્તક વાંચી કાઢ્યું. પછી હાથે દવા લેવા મંડી પડે, તો શું થાય? હોસ્પિટલ ભેગો જ એને કરવો પડે. એક પેલો માણસ ડોક્ટર થયેલો, MBBS થયેલો પાંચ-પાંચ વર્ષ સુધી કાળી મજુરી કરે છે. એ થીયરીકલ, પ્રેક્ટીકલ. ડોકટરો કહેતાં હોય છે, કે સાહેબ કાળી મજુરી હોય છે અમારી. ત્રણ ટાઈમ જમવાનો સમય માંડ – માંડ મળે. આટલા મડદા ચીરવાના. આટલું આ કરવાનું. આટલું આ કરવાનું. આટલું આ કરવાનું. એટલું બધું botheration હોય છે અમારા ઉપર. અને ત્યારે અમે લોકો તૈયાર થયેલા હોય છે.
એટલે તમારે કોઈએ શાસ્ત્રમાંથી સીધી આજ્ઞા પકડવાની નથી. જ્ઞાનસારે સ્પષ્ટ કહ્યું; ‘भौतहंतुर्यथा तस्य पदस्पर्शनिवारणम्’. હું તો આધાકર્મી ગોચરી વાપરું જ નહિ! ગુરુ મહારાજ જોડે આટલા ઠાણા છે ને, અહીં ઘર ઓછા છે ને, અહીં આધાકર્મી ગોચરી હોય, હું તો એકલો વિચરું..!
તો એના માટે આ જ્ઞાનસારે કહ્યું; કે સરસ વાત છે. એક ભીલ હતો. ભીલોમાં પણ રાજા હોય પાછો. રાજા હોય એના નોકરો હોય. તો ભીલોનો એ રાજા હતો. એના એક ગુરુ હતા. ગુરુ મહારાજની એકવાર પોતાના ત્યાં પધરામણી કરાવી. ગુરુ મહારાજે મુગટ બહુ સરસ પહેરેલો. એટલે રાજાની રાણીને એ મુગટ ગમી ગયો. આ તો સ્ત્રીહઠ. મારે તો આ ગુરુનો મુગટ જોઈએ, જોઈએ, ને જોઈએ. અરે પણ ગાંડી ગુરુ મહારાજ છે. આપણે એમની પાસે કેમ માંગી શકીએ? આપણે તો એમને આપવાનું હોય. મારે તો એ જોઈએ, બીજી વાત નહિ. પણ આ તો ગુરુ મહારાજ છે. આપણે કહીએ સાહેબ, જોઈએ છે મારી રાણીને, અને ગુસ્સે થાય ધલોત-પલોત કાઢી નાંખે આપણું. રાણી કંઈ સાંભળવા તૈયાર નથી. એ કહે મારે બીજી કોઈ વાત નહિ. જોઈએ એટલે જોઈએ.
હવે? ગુરુ પાસે લેવું શી રીતે? રાજા અકળાઈ ગયો. આ તો મોહાધીન માણસ હતો. રાણી માનવાની નથી. પણ ગુરુ મહારાજ પાસે જીવતા જીવતે મળે નહિ. ગુરુનું માથું ઉતારી નાંખવાનું બીજું શું? પોતાના સેવકોને કહ્યું; અડધી રાત્રે જવાનું. બરોબર જોવાનું ગુરુ મહારાજ સુતેલા હોય, તો તલવારથી માથું કાપી નાંખવાનું. જાગતા હોય તો નહિ જતાં હો, ગુરુ છે એ તો. મંત્રો-તંત્રો બધું જાણે છે. તમને કાંઈ ચક્ર બનાવી નાંખે. ઊંઘેલા હોય તો જવાનું, અને માથું ઉતારી નાંખવાનું. પછી આપણે મુગટ લઇ શકશું. પણ, સાવધાની આપે છે, આ માથું આપણે કાપવું પડે છે, ગુરુ બહુ પૂજનીક છે હો. એટલે એમના ચરણને તમારો પગ ન લાગી જાય એની ખાતરી રાખવાની પાછી! ગુરુના ચરણે અડકવાનું નહિ, પણ ગુરુનું માથું કાપી નાંખવાનું.!
તો તમારે આજ્ઞા ગુરુ પાસેથી લેવાની છે. સંવિગ્ન ગીતાર્થ ગુરુ એ તમને આજ્ઞા આપે. એમાં પણ હું ઘણીવાર કહું છું, આગમસુત્રો છે. પણ આ સુત્રોનો અર્થ આમ થાય. આવું અર્થઘટન કોણ કરશે? એક ગીતાર્થ ગુરુ જ કરી શકે. સંવિગ્ન ગીતાર્થ ગુરુ કરે એ જ અર્થ માન્ય કરાય.
જેમ ભારતનું બંધારણ છે. અંગ્રેજીમાં છે. તો અંગ્રેજીનો ખા હોય કોઈ, કદાચ બેરિસ્ટર પણ હોય. કાયદાની કલમોને પણ સમજનારો છે. પણ, એ કોઈ કાયદાની કલમનો અર્થ કરશે, એને કોઈ માન્ય ઠરાવશે નહિ. Even હાઈકોર્ટની બેચ જે છે ને, એ કાયદાનો અર્થ કરે ને તો, પણ સુપ્રીમકોર્ટને બરોબર ન લાગે તો એને ગેરકાયદે ઠરાવી દે. એટલે સુપ્રીમકોર્ટની છેલ્લી બેચ જે છે એ નક્કી કરે એ જ કાયદાનો અર્થ થાય, બીજો અર્થ થાય નહિ.
એ કેવી સરસ વ્યવસ્થા છે કોર્ટમાં પણ તમે વિચાર કરો. નીચેલી કોર્ટે કોઈ માણસને ગુનેગાર ઠહરાયો. ફાંસીની સજા આપી. હાઈકોર્ટમાં ગયો. હાઈકોર્ટના જ્જ વિચારે છે કે માણસ નિર્દોષ છે. થોડોક દોષિત ખરો પણ, ફાંસીની સજાને પાત્ર નથી. એટલે ફાંસીની સજાને રદ કરી નાંખે. પાંચ કે દસ વર્ષની જેલની સજા એને આપી દે. સુપ્રીમકોર્ટમાં એ જાય, અને સુપ્રીમકોર્ટના લોકોને લાગે, કે ના, આ તો બિલકુલ નિર્દોષ છે. એટલે નિર્દોષ ઠહરાવી દે. જેને નીચેની કોર્ટવાળાએ અત્યંત ગુનેગાર ગણેલો. જેને હાઈકોર્ટવાળાએ પણ થોડોક ગુનેગાર ગણેલો. એને સુપ્રીમકોર્ટવાળા નિર્દોષ ગણી લે. એક પણ હાઈકોર્ટના મીનીસ્ટરને લાગતું નથી કે આ ન કરી શકાય. એક પણ મીનીસ્ટર બોલે ખરો આમ? સુપ્રીમકોર્ટના જજો કઈ રીતે આ ચુકાદો આપી શકે? સવાલ જ નથી, બોલી જ ન શકે. બોલે તો સીધો જ એને બહાર ફેંકી દેવો પડે.
આપણે ત્યાં આ પરંપરા ખરી બોલો? ગુરુ આચાર્ય કે પંન્યાસ છે. પોતાના શિષ્યનું કોઈ સ્ખલન જોયું, અને એને કોઈ શિક્ષા આપી, એ શિષ્ય ગુરુ પાસે જાય, આચાર્ય ભગવંત પાસે, ગીતાર્થ ગુરુ પાસે. ગીતાર્થ ગુરુને લાગે કે આ નિર્દોષ છે. એટલે આચાર્યને બોલાવીને ખખડાવી નાંખે. શું તે આને સજા આપી? આ સજાને પાત્ર નથી. એ વખતે એ આચાર્ય કે પંન્યાસ આંખમાં આંસુ સાથે હાથ જોડીને ઉભો રહે. ગુરુદેવ તહત્તિ. આપણે ક્યાં ચુક્યા? અહંકાર નથી ગયો ત્યાં જ ચુક્યા છીએ. તમે કદાચ ખાનદાન હોય ને, તો કોઈ બાબતમાં તમે કહેશો, નહિ, ગુરુની આજ્ઞાને સ્વીકારી લેશો. તમારું મન તો કહેતું હશે કે ગુરુથી આમ કહેવાય ખરું? થાય કે નહિ આમ? અને એવા શિષ્યને હું પરમ ગુરુની પદવી આપું છું. એ શિષ્ય નહિ, પરમ ગુરુ. ગુરુનો ય ગુરુ!
અરવિંદસૂરિ દાદા હતાં. તો મને કહી શકતા કે યશોવિજય આ નથી કરવાનું. ગુરુ હતાં. મારો શિષ્ય હોય ને વિચાર કરે, ગુરુથી આમ ન કરાય, એને હું પરમગુરુની પદવી આપી દઉં. કે ભાઈ! તું ગુરુનો ય ગુરુ થઇ ગયો! આખી પરંપરા ડી – લીંક થઇ છે.
આપણી વાત એ હતી કે શાસ્ત્રમાંથી સીધી આજ્ઞા નથી લેવી, ગુરુ દ્વારા લેવી છે, અને એ રીતે આપણે આગળ વધવું છે. તો ગુરુ તમને પ્રભુનું રૂપ કેમ દેખાડવું એ શીખવશે. શાસ્ત્રમાંથી નહિ મળે. એટલે જ તો કહ્યું; ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, પેંખે પરમ નિધાન; હૃદય નયણ નિહાળે જગધણી’ જે ક્ષણે ગુરુ પ્રવચન અંજન કરે તમારા હૃદયમાં, પરમાત્માના પ્યારા શબ્દોનો શક્તિપાત તમારા ઉપર કરે, એ જ ક્ષણે તમે પ્રભુનું દર્શન કરવા મંડી પડો. એ જ ક્ષણે – on that very moment! પણ કયા હૃદયથી? જે હૃદયમાં ગુરુએ પ્રવચન અંજન કર્યું છે એ હૃદય દ્વારા.
આનંદઘનજી ભગવંતે એક કડીમાં એક મજાનો શબ્દ મુક્યો ‘જો’. “પ્રવચન અંજન ‘જો’ સદ્ગુરુ કરે.” હું ઘણીવાર પૂછું મારા પ્રવચનમાં કે સદ્ગુરુ conditionally ખુલી શકે? શરતી ખુલી શકે? હું કરું તો! હું શક્તિપાત કરું ને તો, તું ભગવાનને જોઈ શકે. પણ હું કરું તો.! કેમ નહિ? ગુરુ conditionally વાત કેમ કરે છે? એટલા માટે કે ગુરુ શક્તિપાત કરવાના છે. પ્રવચન અંજન એટલે શબ્દ શક્તિપાત. શક્તિપાત ઘણી રીતે થાય. અને એમાં એક પ્રકાર શબ્દ શક્તિપાત. એવા શબ્દો તમને સદ્ગુરુ આપે, કે સીધા જ તમારા અસ્તિત્વમાં પ્રવેશી જાય. યાદ રાખો, શબ્દો એક જ છે, પ્રભુના. એને ઝીલવા માટેની ભૂમિકા તમને નથી મળી; એ શબ્દો સેંકડો વાર સંભળાશે, તમારી ભીતર કંઈ જ નહિ થાય.
રીન્ઝાઈ નામના એક બૌદ્ધ ગુરુ હતાં. પહેલા તો ભિક્ષુ હતાં. એ ભિક્ષુ હતાં ને એકવાર મંદિરમાં બેઠેલા, અને લોટસ સૂત્રનો સ્વાધ્યાય ચાલુ હતો ત્યાં. અને એમાં એક સૂત્ર આવ્યું; કે તું જેને, જે આનંદને બહાર શોધી રહ્યો છે, તે તારી ભીતર છે. એક જ સૂત્ર અને રીન્ઝાઈ સંબોધિને પામી જાય છે. એ પોતાના પૂર્ણ આનંદને પામી જાય છે. પછી મોટા ગુરુ બન્યાં. સેંકડો શિષ્યો એમના થયા. સેંકડો શિષ્યો. હવે ગુરુને થયું કે હું જે સૂત્ર દ્વારા પામ્યો છું, એ સુત્રનો ઘોષ તો અહીંયા રોજ કરાવવો જોઈએ. એટલે ગુરુ પોતે ધ્યાન કરાવે ત્યારે રોજ ત્રણવાર આ મંત્ર બોલાવે. આ સુત્રનો ઘોષ કરાવે – કે ભાઈ! જેને તું, જે આનંદને તું બહાર શોધે છે, એ તારી ભીતર જ છે. પણ સેંકડો સાધકોમાંથી, સેંકડો ભિક્ષુઓમાંથી એકેયને સંબોધિ ન મળી. એ સૂત્ર સંબોધિ આપે એવું હતું. ગુરુ એ ક્ષણનો કદાચ ઉપયોગ કરી લે કે તમે તૈયાર થયેલા હોય, તો તમને સંબોધિ કદાચ આપી પણ શકે. પણ તમે તૈયાર થયેલા હોય તો. સૂત્ર એ, ગુરુ એ, પણ તમે એ નથી ને! – તકલીફ આ છે.
તો એકદમ અહોભાવની પરાકાષ્ઠાએ તમે આવેલા હોવ, કે સદ્ગુરુ પ્રત્યેનું પરમ બહુમાન તમારી ભીતર જામેલું હોય. આ તમારી સજ્જતા. તો એ સજ્જતા આવી. સદ્ગુરુએ ખાલી એક સૂત્ર પ્રભુનું કહ્યું; શક્તિપાત. કારણ – ગુરુ શક્તિપાત તો ક્યારના કરતાં હતાં. તમે એને ઝીલવા માટે તૈયાર ન હતાં. ગુરુ કહી રહ્યા છે. મજા આવે છે. એટલે સાંભળી પણ લઈએ. આપણા ૯૯% શ્રોતાઓ કેવા હોય? 99% કહું કે 99.9 કહું? Point 1 કદાચ બાકાત રહે. વ્યાખ્યાનમાં મજા આવે છે હો, સાંભળી લઈએ. ભાઈ તારી entertainment માટે આ વ્યાખ્યાન છે? તારા મનને તોડવા માટે વ્યાખ્યાન છે.
તો તમારી સજ્જતા આ – કે સદ્ગુરુ પ્રત્યેનું પરમ બહુમાન. એવું પરમ બહુમાન, ગુરુ એક વાક્ય આપે ને તમે નાચી ઉઠો. મારા ગુરુએ આપ્યું..! મારા પ્રભુએ મને આપ્યું.! તમે નાચી ઉઠો, એક સુત્રને પામીને, એ શક્તિપાત!
તો ‘પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે’ સદ્ગુરુ તૈયાર હોય છે. તમે તૈયાર નથી હોતાં. એટલે સદ્ગુરુને dual action કરવું પડે છે. પહેલા તમને તૈયાર કરવાનાં. તૈયાર થાવ એટલે શક્તિપાત કરવાનો. પણ તમને તૈયાર કરવામાં ગુરુ ચેતનાને કેટલા જન્મો નીકળી ગયાં. વર્ષો નહિ જન્મો.! એટલે હું ઘણીવાર મારી વાચનામાં પૂછું; કેટલાય જન્મોથી ગુરુ ચેતના તમારી રાહ જોઈ રહી છે, હવે સદ્ગુરુને કેટલી રાહ જોવડાવવાની છે બોલો? હવે શક્તિપાત ઝીલવાનો છે કે નથી ઝીલવાનો?
એક સાધક ગુરુ પાસે ગયેલો. ગુરુના ચરણોમાં ઝૂક્યો. એની ઈચ્છા હતી; ગુરુ બે શબ્દ પણ કહે. એને વધુ સમય રોકાવાય એવું હતું નહિ. પણ સદ્ગુરુ છે. તમે માત્ર વિનંતી કરી શકો. તમારો આગ્રહ ન હોય. એણે કહ્યું પણ નથી, સાહેબ મને હિતશિક્ષા આપો. ચહેરા ઉપર એક ભાવ હતો. કંઈક સદ્ગુરુ પ્રસાદ આપે તો લઇ લઉં. સદ્ગુરુ તો face reading ના master છે. એમણે ખ્યાલ આવી ગયો કે આને હિતશિક્ષા જોઈએ છે. પણ ગુરુ એક એવા appropriate ટાઈમની શોધ કરતાં હતાં, કે જ્યારે પોતે બોલેલ શબ્દો સીધા અંદર ઉતરી જાય. તો લાગ્યું થોડા મારા ઉપનિષદમાં બેસશે ને તો એનો બહુમાનભાવ વધારે ખીલી ઉઠશે. ૫-૧૦ મિનિટ ગુરુ કંઈ બોલ્યા નહિ. પેલાને જવું પડે એવું હતું. ઉભો થયો. દસ-વીસ ડગલાં ચાલ્યો.
વિચાર કરો, ગુરુ પાસે તમે જાવ છો શેના માટે? કંઈક આપવા કે લેવા? હું ઘણીવાર કહું છું, કે ગુરુ પાસે શબ્દો લેવા જનારો માણસ ગુરુની ઓરાને ચુકી જાય છે. ગુરુએ કંઈ આપ્યું નહિ. ગુરુ કંઈ બોલ્યા નહિ. તારે માત્ર ગુરુના શબ્દો જ જોઈએ ને? સુક્ષ્મમાં ઉતર. એ કેવો સાધક હશે, કે ગુરુ બે શબ્દો પણ ન બોલ્યાં. છતાં એનો અહોભાવ, બહુમાનભાવ વધતો જાય છે. જ્યાં ગુરુએ જોયું કે હા, extreme point પર પહોંચી ગયો બહુમાન. બે વાક્યો ગુરુએ કહ્યાં; ‘ઉભો રહે, પાછો ફર’. ‘ઉભો રહે, પાછો ફર’. પહેલા તો સાધક શું સમજ્યો કે હું ગુરુ પાસે પાછો જાઉં. અને ગુરુ મને હિતશિક્ષા આપવા માટે બોલાવે છે. અને કહે છે; ‘ઉભો રહે, તું પાછો ફરી જા, મારા તરફ’. પાછો પણ ફર્યો. પણ જ્યાં એને ગુરુનું મુખ જોયું, એ પામી ગયો. ઓહો! ઉપદેશ તો પૂરો થઇ ગયો ગુરુનો! હું પરભાવમાં જઈ રહ્યો છું, ગુરુ કહે છે; ઉભો રહે! પાછો ફર – પરમાંથી સ્વમાં આવી જા. ઉપદેશ પૂરો થઇ ગયો. હવે એ જ ઉપદેશ એ બેઠો હતો ત્યારે કહેવાય એવું હતું. પણ ગુરુ એ જોતાં હતાં કે બહુમાનભાવની પરાકાષ્ઠા જ્યારે પહોંચી જાય ને, ત્યારે આ જ બે વાક્યો આપીશ, એને અંદર ઉતરી જશે. અને એ સાધક માત્ર એ બે વાક્યો લઈને સીધો જ સ્વની અંદર ઉતરી ગયો. એટલે પરમાં જવું મુશ્કેલ કે સ્વમાં જવું મુશ્કેલ? મુશ્કેલ શું?
તમારે જો પરની દુનિયામાં આગળ વધવું હશે, તો તમારી એક ઈચ્છા હશે, સેંકડો લોકો, હજારો માણસો મારા followers થાય. તો તમે એ બધાના જે છે એ શું થઇ ગયા? ગુલામ થઇ ગયા. આ માણસને મારું પ્રવચન સારું લાગ્યું ખરી. આને કેવું લાગ્યું? અરે ભાઈ! તું બોલી ગયો. તારા કંઠેથી પ્રભુ પ્રગટી ગયા. સર્વમંગલ થઇ ગયું. તારા આસન ઉપર બેસી જા તું. આ બધી ગળભાગમાં ક્યાં ઉતરે છે?
એટલે પરમાં જવું હોય તો સેંકડોને તમારે રીઝવવા પડશે. સ્વમાં જવું છે તો?
એટલે જ ઉપાધ્યાય યશોવિજય મહારાજે કહ્યું; ‘રીઝવવો એક સાંઈ’. મારે માત્ર મારા એક ભગવાનને રીઝવવા છે. તો માનવિજય મ.સા. કહે છે; કે પ્રભુની સ્વરૂપ સ્થિરતાને જોઇને સાધક સ્વરૂપમાં સ્થિર બની જાય.
