Mumukshu Vachna | 25-05-20 | Navsari Tapovan

17 Min Read

તાકું ધ્યાવત તિહાં સમાવે




નવસારી તપોવન વાચના – 52 [25.5.2020]

રૂપાતીત ધ્યાન. ‘તાકું ધ્યાવત તિહાં સમાવે’. સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરનાર સાધક પોતાની ચેતનાને સિદ્ધ ચેતના સાથે એકાકાર કરી શકે છે અને એક એના માટે ગઈ કાલે જોયું તેમ ગુણાનુભૂતિ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીયના સંપૂર્ણ ક્ષયથી પ્રભુને કેવળજ્ઞાન અને કેવળદર્શન મળે છે. જ્ઞાન બધાનું થયા કરે છે. પ્રભુનો ઉપયોગ ક્યાં છે? એક વાત યાદ રાખો: કરુણા પણ વચલી ભૂમિકા કીધેલી, એનું કારણ આ છે. તમે પરમાં નજર નાંખશો, ભલે બીજી કોઈ અસર તમને ન પણ થાય પણ એક કરુણાની અસર થઈ શકે છે અને કરુણાને કારણે પીડા આવી શકે એમ છે.
આજે ઘણાબધા સંતો એવા છે. હિંદુ સંતો. હિમાલયમાં બેઠેલા હોય. અને તમને જે ઘટના એકદમ અસાધારણ લાગે. બાપજી કેસે હો ગયા યે? “અરે! યે તો હોતા હિ રહતા હે. પટ્ટન કા દટ્ટન. દટ્ટન કા પટ્ટન હો. યે તો હોતા હી રહતા હૈ.” એટલે એ લોકો એમ માને છે કે વિશ્વ વ્યવસ્થાનો આ ક્રમ છે. અને એ ક્રમને તમે તોડી શકતા નથી. દા.ત. તમારી ભૂમિકાએ પણ તમે શું કરી શકો. કોઈને પણ તમે પીડિત જોયા. અત્યારે તમારી પાસે કરુણા હોવી જ જોઈએ અને હોય. પણ એ કરુણાને એની પાસે મુકવાનો માર્ગ કયો. એ અજ્ઞાની છે અને તમારા જ્ઞાનને એ ઝીલવા માંગતો નથી. What can you do?
એની પીડા માત્ર આર્થિક અભાવને કારણે નથી. આર્થિક રીતે સમૃદ્ધ છે છતાં ઈર્ષ્યાથી, બીજી કોઈ રીતે પીડાઈ રહ્યો છે. તમે એને જ્ઞાન આપો અને તમારા જ્ઞાનને એ ઝીલે તો તો એ સુખી થઈ પણ શકે, નહિતર તમારી કરુણાને એ ઝીલી નહિ શકે. એ જ રીતે સાવ ઝુંપડપટ્ટી જેવા એરિયામાં રહેતા હોય. એ ભાઈમાં પોતાની પત્નીનું પૂરું કરવાની પણ તૈયારી ન હોય. એક પછી એક બાળકોનો જન્મ આપતો જાય. તો એ અજ્ઞાન છે ને? એ અજ્ઞાનને કેમ પહોંચી વળાય? એટલે જ કરુણા પછી આખરી ઉપાય તો પ્રાર્થના જ છે કે પ્રભુ! હું તો શું કરી શકું? આભ ફાટ્યું છે. થીગડું ક્યાં મારું હું? બસ, તારા પર આધાર રાખું છું. તું બધું બરોબર કરી આપીશ.
તો સિદ્ધભગવંતોનો ઉપયોગ માત્ર સ્વમાં છે. ને યાદ રાખવાનું – ઉપયોગ પરમાં ક્યારેય પણ એમનો જઈ ન શકે. આપણે ત્યાં સ્પષ્ટતા થઈ છે. દિગંબર ગ્રંથોમાં વધુ સ્પષ્ટતા થઈ છે કે કેવલી ભગવંત કે સિદ્ધ ભગવંત એ જાણે છે એવું કહેવું પણ બરોબર નથી. જણાઈ રહ્યું છે બધું. દર્પણમાં પ્રતિબિંબ પડયા કરે છે. સર્વજ્ઞતાની વાત તો બાળજીવો માટે છે. ભગવાન આખી દુનિયાને જાણે. જણાઈ રહ્યું છે..
નરકમાં રહેનારા નારકીઓને અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાન હોય છે. પછી કરે શું એ લોકો? પોતાના દુશ્મન કોણ એ જોઈ લે. અવધિજ્ઞાન અને વિભંગજ્ઞાનમાં ફરક આ જ છે. તમારી તરફ એ ઈન્દ્રિયાતીત જ્ઞાન જાય તો અવધિજ્ઞાન. પર તરફ જાય તો વિભંગજ્ઞાન. તો હવે આ જે સિદ્ધ ભગવંતોની અવસ્થા છે. એનું ધ્યાન આપણે કરવાનું. એટલે બધું જણાયા કરતુ હોય. આપણી ચેતના, આપણો ઉપયોગ માત્ર અને માત્ર સ્વમાં હોય. પરમાં જવું જ નથી તમારે. ભગવાને જે સિસ્ટમ આપી છે તમને. એ સીસ્ટમમાં તમે ચાલો. તમારે પરમાં જવાનું ક્યાં આવે બોલો?
હું ઘણીવાર કહું સાધ્વીજીઓને, કે તમે કોઈ જગ્યાએ ગયા, ચોમાસા માટે. આખું ચોમાસું ત્યાં રહ્યા. સંઘનો પ્રમુખ કોણ છે એ તમે જાણતા નથી. ટ્રસ્ટીઓ કોણ છે તમે જાણતા નથી. પણ શું ફરક પડે? જાણીને પણ શું કરશો? આ પ્રભુની ચાદર ઉપર તમને બધું જ મળી જાય છે. તો બીજા કોઈનો પરિચય કરવાની તમારે જરૂર શું? પરમાં શા માટે જાઓ?
એટલે આ એક ભેદ બરોબર સમજી લો કે પરમાં કેમ જવાય છે? શારીરિક આવશ્યકતાઓની પૂર્તિ માટે પરમાં જવાનું કોઈ પ્રયોજન નથી. થ્રુ આઉટ ઇન્ડિયામાં તમે ગમે ત્યાં ફરો. જૈનોના ઘર ન હોય તો ય શું છે? એક ટંક તમે ભૂખ્યા રહેવાના નથી. હિંદુ ભક્તો પણ એટલા જ ભક્તિવાળા હોય છે. તો માત્ર શારીરિક આવશ્યકતાઓની પૂર્તિ તમારે કરવાની છે તો તમારે પરમાં જવાનું નથી. પણ અહંકાર ઉછળે. ઘણા બધા લોકો મને સારો કહે એવું મારે થવું છે. તો ખલાસ! તમે પરમાં ગયા.
હવે પ્રભુનો સાધુ. એનું મન પ્રભુમય થઈ ગયું. આ તો શરીર ઉપર પણ નજર હોતી નથી એની. સાતમાં ગુણઠાણે વહોરવા ક્યારે જાય એકલા હોય તો? તો બે દિવસે, ચાર દિવસે, અઠવાડિયે ગમે ત્યારે. એમ લાગે કે શરીરને બહુ જ જરૂર છે તો આપી દઈએ.
તો પ્રભુએ જે સિસ્ટમ આપી છે એમાં તમારે તમારા ઉપયોગને પરમાં ક્યાંય મુકવો નથી. બીજી વાત – મંદિર પણ તમારે બનાવવાનું નથી. કશું જ તમારે કરવાનું નથી. દ્રવ્યપૂજા શ્રાવકોનો વિષય છે. આંગી આમ કરો કે આમ કરો એમ પણ તમારાથી કહેવાય નહિ.
ઉપમિતિમાં એક સરસ નાનકડી ઘટના આવે છે. રાજાનો દીકરો. આઠ-નવ વરસનો. જન્માન્તરીય વૈરાગ્યની એની પાસે સાધના. ગુરુદેવ પધાર્યા ગામમાં. સત્સંગ થયો. પેલો વૈરાગ્યનો અંગારો જે હતો રખીયામાં દબાયેલો, પ્રગટ થઈ ગયો. અને એણે ગુરુ મહારાજને કહ્યું; સાહેબ! મારે દીક્ષા લેવી છે. ગુરુ મહારાજે કહ્યું; કે છે યોગ્ય, તારા પિતાજી અને માતાજીની અનુમતિ જોઈએ.
ઘરે ગયો. એમ તો અનુમતિ ક્યાંથી મળે? રાજાનો દીકરો છે. લાડકો દીકરો છે. પણ આનો વૈરાગ્ય ખરેખર એટલો દ્રઢ હતો કે માત-પિતા પણ માની ગયા. હવે દીક્ષાનું મુહુર્ત નક્કી થયું. પછી રાજા અને મંત્રી આચાર્ય ભગવંત પાસે બેઠેલાં. રાજાને તો ભાવના બહુ જ હોય. પોતાનો દીકરો દીક્ષા લઇ રહ્યો છે. સાહેબ! બધા મંદિરમાં આ રીતે આંગી-પૂજા કરાવશું. આખા ગામને અઠવાડિયા સુધી જમણવાર આપી દઈશું. આમ કરીશું, તેમ કરશું. મંદિરોમાં દીવા-રોશની કરશું. આચાર્ય ભગવંતે માત્ર સાંભળી લીધું.
પછી રાજા અને મંત્રી બહાર નીકળ્યા. મંત્રી હોશિયાર હોય. રાજાનો ચહેરો જોઇને એને ખ્યાલ આવી ગયો કે સાહેબે રાજાની વાતને એવી પુષ્ટિ આપી નથી. તેથી રાજા કદાચ મૂંઝાય છે કે સાહેબને ઓછું પડ્યું હશે! એટલે મંત્રીએ કહ્યું; કે સાહેબ! આ જૈન શાસનના આચાર્યો છે. અને એ લોકો આવા કશામાં અનુમોદના ન આપે. આ એમનો ધર્મ જ નથી. એમનો ધર્મ માત્ર ભીતર જવાનો જ છે.
હું ઘણીવાર કહું કે નિવૃત્તિ ધર્મ એ જ આપણો ધર્મ છે. આ પ્રવૃત્તિ ધર્મમાં તમે ક્યાંથી ઘુસી ગયા? આમ કરું ને, આમ કરું ને. કશું જ કરવાનું નથી. No doing. Totally being. શ્રાવકે મંદિર બનાવવું જોઈએ, આવી એક વિધાન તમે કરી શકો છો. મોટું મંદિર બનાવો.!
એક ગામમાં મંદિર નથી તો મંદિર હોય એ સારું. શ્રાવકોનો આચાર છે કે દેરાસરમાં દર્શન કર્યા વિના આ રીતે ચાલે નહિ. બોલો, આ કક્ષામાં આપણે આવી જઈએ તો મજા જ મજા નથી? આપણે આપણી મજા હાથે કરીને તોડી છે. ઉપયોગ માત્ર સ્વમાં જ હોવો જોઈએ. એવા ગ્રહસ્થ સાધકોને જોયા છે. જે લોકોએ totally ઉપયોગને સ્વકેન્દ્રિત કરી નાંખ્યો.
એક શ્રાવક મારા પરિચિત છે. એક ટાઉનમાં રહે છે. મોટો બંગલો છે. જ્યાં ધર્મ પરિણત થયો. એક દિવસ દીકરાઓને બોલાવ્યા અને કહી દીધું. ધંધાની બાબત તમારે મને ક્યારેય કહેવાની પણ નહિ. નફો થયો, ખોટ થયો તમે જાણો. હું છું જ નહિ, એવું તમારે માની લેવાનું. તમે કદાચ સવારે-સાંજે મારી પાસે આવો. ચરણસ્પર્શ કરવાં. પણ સંસારની કોઈ વાત તમારે મારી પાસે કરવાની નહિ. બીજું આખો બંગલો પણ તમારો. મારે એની જોડે કોઈ સંબંધ નહિ. આ એક જ રૂમ અમે જે રહીએ છીએ અને એમાં જ ઘર દેરાસર છે. તો આ રૂમ જે છે એ અમે વાપરશું. આ રૂમની બહાર અમે પગ નહિ મુકીએ. ખાવા-પીવાનું અમને માણસ આપી જશે. અમે આ રૂમમાં જ રહીશું. તમારી જોડે હવે અમારે કોઈ જ સંબંધ નથી. હવે અમારે માત્ર ભીતર ડૂબી જવું છે.
એક ગ્રહસ્થ જો આટલો ડૂબી શકે. આપણને તો કેટલી સરસ સુવિધા પ્રભુએ આપી છે. ગમે ત્યાં જઈએ વિશાળ ઉપાશ્રયો છે. સુવિધાપૂર્ણ બધી વ્યવસ્થા છે. તમે ચોવીસ કલાક સ્વમાં રહો. મેં વચ્ચે કહ્યું હતું ને લોકો નિરુપદ્રવી છે. ઉપદ્રવ આપણે ખડો કરીએ. તો આ જો આપણે શીખી જઈએ કે ઉપયોગને માત્ર સ્વમાં રાખવો છે. પર તરફનું કોઇ પણ દ્વાર ખુલ્લુ ન હોવું જોઈએ.
ભર્તૃહરિ અને ગોપીચંદ બેઉ રાજાઓ હતા. વિરાગી થયા. સંન્યાસી થયા. ગુરુ બહુ જ જ્ઞાની હતા. ગુરુએ ગોપીચંદની કડક પરીક્ષા કરેલી. એમને એમ દીક્ષા નહિ આપું. તારી પરીક્ષા કરીશ. આ તારા કપડાં બધા ફેંકી દે. માત્ર લંગોટ પહેરી. તારી નગરીમાં જઈ ભિક્ષા માંગી આવ. અઠવાડિયું એ રીતે ભિક્ષા મંગાવી પછી દીક્ષા આપી. ભર્તૃહરિને પણ એ જ રીતે પણ પરીક્ષા કરી અને દીક્ષા આપી. બે-એક વરસમાં એટલાં તૈયાર થઈ ગયા બેય. પૂર્ણ વિરાગમાં.
અને ગુરુની આજ્ઞા લઇને એકવાર નીકળ્યા છે. વિચાર એવો છે; એકદમ એકાંત જગ્યા હોય ત્યાં સાધનાના ઊંડાણમાં પહોંચી જવું. એક નગરથી લગભગ ચારેક કિલોમીટર દુર એક મંદિર હતું. બાજુમાં બે-ચાર રૂમની નાનકડી ધર્મશાળા. એકાદ દિવસ રોકાણા અને ખ્યાલ આવ્યો કે અહીં કોઈ આવતું જતું લગભગ નથી. તો કહે આપણે અહીંયા ડેરા-તંબુ તાણી લો. નજીકમાં કોઈ ગામમાં ભિક્ષા માંગી આવશું. લગભગ કોઈ ત્યાં આવતું નહિ. સાધનાનું ઊંડાણ સરસ પકડાતું.
એમાં એક દિવસ એક માણસ આવ્યો. એણે દર્શન કર્યા સંતોના. અને બંને રાજા હતા. અત્યારે રાજર્ષિ છે. પણ હવે એ ચહેરા ઉપર એ જે ખાનદાની-તેજ ઝળકતું જ હોય. એને તો લાગ્યું કે ઓહ હિમાલયના કોઈ જોગંદર આવી ગયા લાગે છે આ તો! અને પછી એના મનમાં એક ઈચ્છા હતી. એ મનોમન એણે એક ઈચ્છા મૂકી કે તમારા દર્શન માટે આવ્યો છું. આ ઈચ્છા ફળીભૂત થાય તો તમને ગુરુ તરીકે સ્વીકારી લઈશ. અને ખરેખર સંયોગવશ એની ઈચ્છા પૂરી થઈ ગઈ. એટલો બધો ભક્તિ ભાવ થઈ ગયો. બે-પાંચ-દસ જણાને કહેતો ફરે કે શું હિમાલયના જોગંદર આવ્યા છે. છતાં હજુ ઘસારો એટલો નહતો.
આ લોકોએ નક્કી કરેલું કે જ્યાં ઘસારો થાય ત્યાં સ્થાન છોડી દેવાનું. કોઈનો પણ પરિચય કરવો નથી. પોતાનો જ પરિચય કરવો છે.
હું ઘણીવાર કહું; કે આજની દુનિયાનો માણસ દુનિયાના ટચૂકડે પડદે હજાર કિલોમીટર દુર ઘટતી ઘટનાને લાઈવ જોઈ શકે છે પણ તારી અંદર શું થાય છે, એ તો જો ભાઈ! તમે તમારાથી બેખબર છો.
તો એક જાગૃતિ. એક લક્ષ્યાંક. મારે શું કરવાનું છે? તમે સાધુ છો, સાધ્વી છો અથવા સાધક-સાધિકા પણ છો. તો સાધક તરીકે પણ તમારે શું કરવાનું છે? આ જન્મ શેના માટે છે? સીધો જ પ્રશ્ન થાય કે પરનો પરિચય અનંતા જન્મોમાં કરતો જ આવ્યો છું. તો શું એ જ રિપીટેશન આ જન્મમાં કરવાનું છે? આ ભક્તો ને, આ ભક્તો ને, આ ભક્તો એ કરવાનું છે? ના! મારું લક્ષ્યાંક એક જ છે – સ્વાનુભૂતિ. એના માટેનો માર્ગ કયો? માત્ર મારે સ્વના ઊંડાણમાં જવું તે.
હવે પેલી વાત રાજા પાસે પહોંચી કે હિમાલયના જોગંદર આવ્યા છે. બહુ જ પવિત્ર પુરુષો છે. રાજાને સંતોના દર્શનની ઈચ્છા. તો રાજાએ કહ્યું મંત્રીને કે આપણે સંતોના દર્શન માટે જઈએ. મંત્રી હોશિયાર હતો. મંત્રી કહે; મહારાજ વાત એવી છે કે દરેક સાધુની અંદર આટલું ઊંડાણ હોતું નથી. એટલે પહેલા એમનું ઊંડાણ કેટલું છે સાધનાનું, એ જોઈ અને પછી આપણે એમની પાસે જઈશું. એટલે આપણે એક કામ કરશું. એ જગ્યા મેં જોયેલી છે. ઘટાટોપ ઝાડીની વચ્ચે એ જગ્યા છે. તો એ બે જણા ચોકમાં બેઠેલાં હોય કે પરસાળમાં બેઠેલા હોય. આપણે એકદમ નજીક ઝાડીમાં જઈ શકશું. અને એ લોકોનો કોઈક વાર્તાલાપ સંભળાય. કંઇક સંભળાય. એ લોકો પણ એકલા જ હોય. અને એકલા હોય અને જે વાત કરે એ મનની જ વાત કરે. કંઇ દેખાવો ન હોય એમાં. એટલે એમાંથી આપણને કલુ મળી જશે કે ખરેખર સાધક છે કે નહિ.
અને એમાં એવું બન્યું કે ગોપીચંદની નજર પડી ગઈ. રાજા રથમાં બેસીને આવતો હતો. અને રથ ઉપર રાજ્યની ઘજા હતી. તો ઝાડ સોંસરવી એક વાર ધજા દેખાઈ ગઈ અને ધજા આ બાજુ આવે એવો ખ્યાલ આવી ગયો. એટલે એમણે ભર્તૃહરિને કહ્યું; કે રાજા વિગેરે આવતા લાગે છે. તો બે જણાએ વિચાર કર્યો કે રાજા આવે તો રાજાને ભગાડી દઈએ એમાં શું છે!
જ્યાં એમને લાગ્યું એ લોકો નજીક આવી ગયા છે બે જણ. રથ ઉભો રહ્યો આગળ. રાજા અને મંત્રી એકદમ નજીક આવી ગયા. ધર્મશાળાની લગભગ પાછળ. ત્યારે ભર્તૃહરિ શિયાળો હતો તો તડકામાં બેઠેલાં હતાં. અને ગોપીચંદ કોઈ કામસર આવ્યાં. દેખાવો જ કરે છે હો, નાટક. અને સામે ઉભા રહ્યા. અને ભર્તૃહરિ કહે છે બાજુમાં ઉભા રહો ને પણ, તડકો આવતો રોકાઈ ગયો. ગોપીચંદ કહે; હું કેમ હટુ? જગ્યા તો છે તમે હટી જાઓ ને, તડકો જોઈતો હોય તો. ભર્તૃહરિ કહે; નાના-મોટાનો કોઈ વિવેક નથી તમારી પાસે? હવે તમે વળી મોટા ક્યારે થઈ ગયા? અને ભર્તૃહરિ ગુસ્સે થઈ ગયા. આવી રીતે? મર્યાદા નથી તારી પાસે? એટલે પેલો કહે; મને તુકારે બોલાવો છો એમ? હા હા હા તને તુકારે બોલવું છું.
બેય જણા પાછા આવી ગયા. મંત્રીએ રાજાને કહ્યું; કે સાહેબ જોયું, આ બાવાજી બોલો! એક તડકા માટે લડી પડયા બોલો! આ તો સંસારી માણસ જેવું જ થયું ને, આમાં શું બાકી છે? રાજા અને મંત્રી ગુપચુપ ત્યાંથી રથમાં બેસીને જતાં રહ્યા. ધજાની જતી જોઈ. એટલે પેલા કહે; બસ ચાલો, મજા આવી.
ભીતરી આનંદ જ્યાં પકડાઈ ગયો ને, તમે બહારમાં કઈ રીતે જઈ શકો? અને એવો જ્ઞાનીપુરુષ બહાર જતો હોય તો પણ શું થાય? બહાર જતો હોય તો પણ, એ ભીતર રહેલો જ છે. એ વાર્તાલાપ આપતો હોય કે કંઈક કરતો હોય પણ એ ભીતર જ રહેલો છે. એટલે આપણે ત્યાં ગીતાર્થની ગોચરી કહી છે. ગીતાર્થની ગોચરી. અત્યારે તો બધું નીકળી ગયું છે. ગીતાર્થની ગોચરી શા માટે? એ અપરિણત સાધુને બહાર ન મોકલી શકાય. એ ક્યાંક કશુંક જુવે તો એ રાગદશામાં કે એ રીતે જતો રહે તો? એટલે પરિણત સાધુ જ વહોરવા માટે જઈ શકે.
એકવાર પ્રેમસૂરી દાદા હોલમાં બિરાજમાન. બપોરની ગોચરીનો ટાઈમ થયો. તો નાના ત્રણ-ચાર મહાત્માઓ ઝોળી લઈને તૈયાર થયાં. પ્રેમસુરી મહારાજે બોલાવ્યા. અહીં આવો, અહીં આવો બધા. આ પંન્યાસો અને ગણીઓને બધા ક્યાં ખોવાઈ ગયા છે? પંન્યાસો અને ગણીઓ બધા ક્યાં ખોવાઈ ગયા છે? કેમ આ લોકોને ગોચરી માટે મોકલો છો? આ લોકો પરિણત છે?
આ આચાર્ય ભગવંતની દ્રષ્ટિ હોય છે. કારણ કે યોગક્ષેમ એમણે કરવાનો છે ને. યોગક્ષેમ ન કરી શકો તો ગુરુ તરીકે તમે રહી પણ ન શકો. તરત જ કહી દીધું, ‘તમારે જવાનું પંન્યાસોએ અને ગણીઓએ, પરિણતો એ. અપરિણત કોઈ નહિ જાય. એને મુકામનું કામ સોંપો.’
તો આખી એક સિસ્ટમ હતી. એક ભાઈએ મને કહેલું કે સાહેબ ૪૦-૫૦ મહાત્માઓને એક સાથે જોઈએ છીએ ને ત્યારે આનંદ થાય છે. જુના જમાનાની યાદ તાજી થાય છે. અત્યારે તો બે મહાત્માને, ચાર મહાત્મા ને, ત્રણ મહાત્માને. એટલે ગીતાર્થ ભગવંત એ જ હોય છે કે જે પોતે તો સ્વમાં રહેતા હોય પણ બીજો પણ પરમાં ન જાય એનો ખ્યાલ રાખે.
તો “તાકું ધ્યાવત તિહાં સમાવે”. સિદ્ધ ભગવંતોના આ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો આપણે સામે રાખીને એનો નાનકડો અનુભવ કરવાનો છે કે એમનો ઉપયોગ સ્વમાં છે તો મારો ઉપયોગ પણ વધુમાં વધુ સ્વમાં રહે.
હવે રાત્રે નિરીક્ષણ કરો કે પરમાં ક્યાંક જવાયેલું. કેમ જવાયેલું ? કારણ શોધો. કોઈ વ્યક્તિ આવી ગયેલી, અને એની પ્રસંશાને કારણે તમે અહંકારમાં ગયા? કોઈનો કોઈ પત્ર સારો આવી ગયેલો પ્રસંશાત્મક એના કારણે તમે પરમાં ગયા? પરમાં કેમ ગયા એ જોઈ લો ! પણ આ ક્યારે થશે? લક્ષ્યાંક નક્કી હશે તો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *