માત્ર દર્શન
જ્યાં વિચાર આવ્યો, ત્યાં દર્શન ખતમ થઇ ગયું. પછી તમે પદાર્થનું દર્શન નથી કરતા; તમારા મનના projection નું દર્શન કરો છો. તમારા મનમાં જે આરોપણ થયું છે એક ભ્રમણાનું – આ સારું ને આ ખરાબ – એનું તમે દર્શન કરો છો.
આપણે જે દ્રષ્ટાભાવ કહીએ છીએ ને, એનો અર્થ જ એ છે કે તમે માત્ર જોઈ રહ્યા છો; માત્ર દર્શન. ત્યાં પદાર્થ માત્ર પદાર્થ છે; એ સારો પણ નથી અને ખરાબ પણ નથી. પદાર્થનું પણ આવું નિર્મલ દર્શન આપણે નથી કરતા; તો પરમાત્માનું તો ક્યાંથી કરીશું!
સમર્પિત શિષ્ય માટે નિર્વિકલ્પ દશા અત્યંત સરળ છે. સદ્ગુરુનું વચન આવ્યું; વિચાર કરવાનો જ નથી, માત્ર સ્વીકાર કરવાનો છે. સુહગુરુજોગો થયા પછી સાધના છે માત્ર તવ્વયણસેવણા.
નવસારી તપોવન વાચના – 4 [1.4.2020]
જિનગુણદર્શન. તો એના માટેનું સૂત્ર આપ્યું; “પ્રભુ નિર્મલ દર્શન કીજીયે”
વિચારો નથી અને તમે દેરાસરમાં ગયા છો; તો તમે પ્રભુના મુખ ઉપર રહેલા પ્રશમરસનું દર્શન કરી શકશો. કારણ તમારા Conscious mindના ગજા બહારની આ વસ્તુ છે. Conscious mind અનંતા જન્મોથી જે ઘરેડમાં ઘૂમ્યું છે ને, એ જ ઘરેડમાં ઘૂમવાનું છે. તમે દેરાસરે બેઠા હશો, ને કો’ક આવી ગયું, તો નજર ત્યાં જ જવાની છે. કારણ કે conscious mind ને માત્ર ને માત્ર બહાર રહેવાની ટેવ પડેલી છે. એ માત્ર બહાર જ ફર્યા કરશે. કોઈ વ્યક્તિ હશે તો એને જોશે એના વિચારો કરશે. કોઈ નહી હોય, તો memory દ્વારા, સ્મૃતિ દ્વારા એના વિચારો લઇ આવશે. તમે લોકો છે ને એકલા ક્યારેય બેસો જ નહિ! રૂમમાં એકલા હોવ પણ કેટલાને લઈને બેઠેલા હોય તમે!
તો નિર્વિકલ્પદશા સાધક માટે તો બહુ જ સરળ છે. સદ્ગુરુનું વચન આવ્યું; વિચાર કરવાનો જ નથી, માત્ર સ્વીકાર કરવાનો છે. તો આ તથાકાર સામાચારીની ભૂમિકા મળી જાય, આપણે નિર્વિકલ્પ બની જઈએ. ‘સુહગુરુજોગો’ થયા પછી તમારી સાધના માત્ર એક જ છે; ‘તવ્વયણસેવણા’ બીજી કોઈ તમારી સાધના નથી. પણ, ‘સુહગુરુજોગો’ અઘરામાં અઘરું કામ છે. આપણે સદ્ગુરુને માંગ્યા નથી પ્રભુ પાસે. કારણ, અતિતની યાત્રામાં ઘણા બધા સદ્ગુરુઓ મળ્યા. સદ્ગુરુઓ મળી ગયા; આપણે શિષ્ય તરીકે હતાં જ નહિ, તો સદ્ગુરુ આપણા ઉપર કામ શી રીતે કરે? એટલે અત્યારે આપણે પ્રભુ પાસે સદ્ગુરુ નથી માંગતા, સદ્ગુરુયોગ માંગીએ છીએ. ‘સુહગુરુજોગો’ પ્રભુ એ સદ્ગુરુના ચરણોમાં હું ઝુકી જાઉં, સમર્પિત થઈ જાઉં, એવું કામ તું કરી આપ! હવે પ્રભુ તૈયાર નથી કે તમે તૈયાર નથી. બોલો..? જો પ્રભુ ન કરી આપતાં હોય ને આ કામ તો ગણધર ભગવંત લખત જ નહિ. પ્રભુ જો કરતાં જ ન હોય આવું કામ, સદ્ગુરુયોગનું તો ગણધર ભગવંત લખત ખરા? તો ગણધર ભગવંતે લખ્યું છે; એટલે પ્રભુ સદ્ગુરુયોગ કરાવી આપે છે. કારણ – પ્રભુને જુઓ, એમના પ્રશમરસને જુઓ; તમારો રાગ ક્યાં રહે? તમારો અહંકાર રહે? બધું છૂ થઇ જાય! અને અહંકાર છૂ થયો; સમર્પણ આવી ગયું. એટલે સદ્ગુરુયોગ થયા પછી તમારી સાધના માત્ર એક જ છે. ‘તદ્ વચન સેવના’
એક સરસ પુસ્તક છે સ્વામી રામનું; Living With The Himalayan Masters. એમાં એમણે એક સરસ પ્રસંગ મુક્યો છે. સ્વામી રામ પોતાના ગુરુની સાથે જંગલમાં જતાં હોય છે. જંગલમાં એક વૃક્ષ ઉપર ગુરુએ એક મજાની ઔષધિ જોઈ. તો ગુરુને થયું કે આ ઔષધિ ઘણા બધા લોકોને દવામાં કામ આવે એવી છે તો ઔષધિ હું લઇ આવું. ગુરુ ઉપર ચડ્યા. એક ડાળ ઉપર બેઠા અને ઔષધિના પત્તા ચૂંટે છે. સ્વામી રામે નીચેથી જોયું; નીચેથી જોયું અને સ્વામી રામ ધ્રુજી ગયા. ગુરુ જે ડાળી ઉપર બેઠેલા ને, એની બાજુની ડાળી ઉપર ભમરાઓનો મધપૂડો. ભમરા એટલે ઝેરીલામાં ઝેરીલી જાત. એ સહેજ છંછેડાય, માણસને ખતમ કરી નાંખે. પણ હવે ગુરુને કહેવું પણ શી રીતે? ગુરુને બૂમ મારીને કહે, અને ભમરા જે છે એકદમ સેન્સેટીવ. એને કંઈક ખનખન થાય અને ગુરુને બાઝી પડે તો…? પણ ગુરુ રામના વિચારોને વાંચે છે. ગુરુ શિષ્યના વિચારોને વાંચે છે. આપણે ત્યાં ટેલીપથીનો ઉપયોગ પહેલાં બહુ થતો. આ ટેલિફોન આવ્યો એટલે ટેલીપથી જતી રહી.
એક અમેરિકન પ્રોફેસર આદિવાસી વિસ્તારમાં ગયેલો, એ લોકોની સંસ્કૃતિનું અધ્યયન કરવા. એમાં એકવાર એણે જોયું; કે આદિવાસીઓના ઝુંપડા અલગ-અલગ હોય. ગામ તો હોય જ નહિ એમનું. ભેગા રહે તો લડી મરે. એક ટેકરી ઉપર આ ઘર. બીજી ટેકરી ઉપર આ ઘર. તો એક ઝુંપડામાં આગ લાગી. પા કલાકમાં તો ૧૦૦-૨૦૦ માણસ હાજર થઇ ગયા, આગ ઓલવવા માટે! ભાઈ વિચારમાં પડી ગયો. સંદેશો શી રીતે ફેલાયો? પછી ખ્યાલ આવ્યો કે એ લોકો ટેલીપથીનો ઉપયોગ કરતાં હતા. એક માણસ સંદશો મોકલે; બીજા લોકો સંદેશ ઝીલી લે.
મેં જોયેલી એક ઘટના કહું. રાધનપુરમાં હરગોવનદાસ પંડિતજી હતાં. કર્મગ્રંથ અમને ભણાવતાં. તો એ જીવતી જાગતી ઘડિયાળ હતાં. આંખનો વિશેષ સમાપ્ત. બ્રેઈન જોરદાર. બધું જ યાદ. પણ એની સાથે એ જીવતી ઘડિયાળ હતાં. આવે એટલે પુછિયે, પંડિતજી! કેટલા વાગ્યા? તો કહે; 4 ઉપર 45 મિનિટ ને 10 સેકંડ. અમે કહીએ અમારી ઘડિયાળમાં 4.46 છે. તો કહે, તમારી ઘડિયાળ સુધારી નાંખો! અને અત્યારે વૈજ્ઞાનિકો માને છે કે; બાયોલોજીકલ watch આપણા બધાની પાસે છે. જૈવિક ઘડિયાળ. તમે રાત્રે ઉઠો. અને જો ઘડિયાળ ન જુઓ, અને વિચાર કરો કેટલા વાગ્યા હશે? તમે જે સમય વિચારોને એની આજુબાજુનો જ હોય. આજુબાજુનો એટલા માટે કે તમે શરૂઆત કરી છે માટે. બાકી તમે એક્જેટ ટાઈમ કહી શકો.
હમણાં સિરોહીના એક પ્રોફેસરે એક પ્રયોગ કર્યો. એને પ્રયોગ એ કર્યો; કે પક્ષીઓમાં જૈવિક ઘડિયાળ છે. તો સૂરજ ઉગે એટલે એ ઉઠી જાય. સૂરજ આથમે એટલે ઊંઘી જાય. પછી ભલે ને ગમે એટલા વાદળાથી ઢંકાયેલો દિવસ હોય. એ ચાર વાગે ઊંઘશે નહિ ને સાત વાગે ઊંઘશે. ચાર વાગે આપણે એટલું જ અંધારું છે, પણ એને ખબર પડે છે કે ચાર જ વાગ્યા છે. તો હવે એને પ્રયોગ એ કરવો હતો; કે આ જૈવિક ઘડિયાળ છે. એને સૂર્ય સાથે સંબંધ છે, અજવાળા સાથે સંબંધ છે કે એને પોતાની શક્તિ છે…? એ થોડાક આપણા પક્ષીઓને પાંજરામાં લઇ અને ધ્રુવ પ્રદેશમાં ગયો. એવા દેશોમાં કે જ્યાં ચાર – ચાર મહિના સુધી સૂર્યનો પ્રકાશ રહે છે. પણ ત્યાં એને જોયું; કે ભારતીય સમય પ્રમાણે સૂર્યોદય થાય એટલે બધા પક્ષીઓ પાંજરામાંથી ઉભા થઇ જાય. અને સુર્યાસ્ત થાય એટલે બધા પક્ષીઓ ઊંઘી જાય. એટલે એક જૈવિક ઘડિયાળ અંદર છે.
હું ઝુડામાં ગયેલો એકવાર. ઝુડાના વૈદ્ય બહુ સારા હતા. અત્યારે છે કે નહિ મને ખબર નથી. આ પહેલાંની વાત છે. તો મારે એમને બતાવવાનું હતું. આપણને ખ્યાલ હોય કે વૈદ્ય પાસે જઈએ એટલે નયણાકોઠે જવાનું. ખાધા વગર જવાનું. એટલે હું ભૂખ્યા પેટે ગયેલો. તો વૈદ્ય બેઠેલા ખુરશી ઉપર. બાજુમાં એક સ્ટુલ હતું. હું ત્યાં જઇને બેસી ગયો સ્ટુલ ઉપર અને મેં હાથ આપ્યો. એ નાડી વૈદ્ય હોય એટલે નાડી જોવે. વૈદ્ય છંછેડાયા. મને કહે હું હજામ છું કાંઈ! મને થયું; આને શું ખોટું લાગ્યું? મને કહે; મહારાજ! હું નાડી વૈદ્ય નથી, મુખ વૈદ્ય છું! પેશન્ટને ત્યાં સામે ભીંત પાસે જે ખુરશી છે ને ત્યાં બેસવાનું હોય છે. તમે ત્યાં બેસી જાવ. નાડી જોઇને તો હજામ પણ કહી દે, શું છે તમને?! હું ત્યાં બેઠો. એ વખતે મારી ઉંમર ૩૦ વર્ષની હશે. બસ એ ખાલી મારા મુખને જોતો ગયો. મને શરદીની તકલીફ બહુ હતી. ઘણી દવા કરેલી પણ કંઈ રાહત થતી નહતી. તો એમણે પકડી પાડ્યું.! મને કહે; તમને સાત-આઠ વર્ષની ઉંમરે ટાઈફોઈડ થયેલો. મેં કશું જ કહ્યું નથી, મારી કેસ હિસ્ટ્રી! તમને સાત – આઠ વર્ષની ઉંમરે ટાઈફોઈડ થયેલો, અને એમાં તમને ગરમ દવાઓ બહુ જ આપવામાં આવેલી છે. એ ગરમીનું આ re-action શરદી રૂપે છે. એટલે તમારે દવા બીજી કોઈ કરવાની નથી. સવારે અને સાંજે ઠંડા પાણીથી માથા ઉપર અભિષેક કરવાનો. ધીરી ધારે ઠંડું પાણી માથા ઉપર રેડવાનું. શરદી ગાયબ થઇ જશે. હવે આવા વૈધો હતાં.. પછી નાડી વૈદ્ય થયાં. હવે આજના ડોક્ટર તો સ્ટેથોસ્કોપ માત્ર ગળામાં લટકાવવા માટે જ રાખે છે. આ test કરાવો આ test કરાવો. આ test કરાવો. જેમ સાધનો વધ્યા એમ શક્તિ ઘટી.
તો ગુરુએ ટેલીપથીથી જાણી લીધું. શિષ્યના મનમાં વિચાર ચાલે છે. હવે ગુરુએ કહ્યું; તું ચિંતા નહિ કરતો. આ એક પણ ભમરો મધપૂડામાંથી ઉડશે નહિ. મંત્ર દ્વારા મેં એમનું સ્તંભન કરેલું છે અને હું નીચે ઉતરીશ, ફરી બીજો મંત્ર બોલીશ એટલે પછી ઉડવા માટે સ્વતંત્ર થઇ જશે. ગુરુ વનસ્પતિ લઈને નીચે આવ્યા. સ્વામી રામને થયું; આ મંત્ર બહુ સારો કહેવાય. મારે પણ ક્યારેક આવી ઔષધિ લેવી હોય, તો કામ આવી જાય. તો એમણે ગુરુને કહ્યું; મને આ મંત્ર આપો ને? તો ગુરુએ એ વખતે કહ્યું; this is personally for you. મંત્ર તને આપું છું, માત્ર તારા માટે છે. મંત્રમાં છે ને, આખી જ સદ્ગુરુની તાકાત રહેલી હોય છે. એટલે સદ્ગુરુને અધીન મંત્ર હોય છે. તો ગુરુએ કહ્યું; મંત્ર આપું છું. But this is personally for you.. માત્ર તારા માટે જ છે, એટલે બીજાને કંઈ આપીશ આ મંત્ર કામ નહિ કરે.
સ્વામી રામે મંત્ર લઇ લીધો. દિવસો વીત્યાં. એકવાર સ્વામી રામ એક ભક્તની સાથે જંગલમાં ચાલી રહ્યા છે. ત્યાં આવી ઔષધિ જોઈ. તરત જ કસોડો મારીને ઉપર ચડી ગયા, સ્વામી રામ. મંત્ર તો હતો જ. ભમરાનો મધપુડો હતો પણ ચિંતા નહતી. એ ઔષધિ એટલી મીઠી રહેતી; કે એની આજુબાજુમાં જ ભમરાનો મધપુડો હોય જ. તો મંત્રથી કિરન કરી નાંખ્યું. સ્તંભન કરી નાંખ્યું. આરામથી ઔષધિ ચૂંટી. પેલો ભક્ત વિચારમાં પડી ગયો. આ મધપૂડાની બાજુમાં બેઠા છે ગુરુ, શું થશે? ગુરુ નીચે ઉતર્યા. પેલો કહે; મારો તો જીવ પડીકે બંધાઈ ગયેલો. તમે મધપૂડાની જોડે બેસી ગયેલા. તો કહે; હા એ વાત ખરી. પણ મારી પાસે મંત્ર હતો. તો પેલો કહે મને ય મંત્ર આપો ને? એ વખતે સ્વામી રામ ભુલી ગયા કે ગુરુએ બીજા માટે આપવાની આ ના પાડેલી છે. અને ભૂલથી એમણે મંત્ર આપી દીધો.
પેલાને થયું; કે “અડબોધનો ઉધારો શું કરવો?” હમણાં જ એની તપાસ કરી લઉં. તો સ્વામી રામ નીચે ઉતર્યા એટલે એમણે પેલો મંત્ર છોડી નાંખેલો. પેલા ભાઈ ઉપર ગયા, અને મંત્રનો પ્રયોગ કર્યો. એને તો એમ કે હવે મંત્રનો પ્રયોગ કર્યો એટલે એક પણ ભમરો ઉડવાનો નથી. પણ એમના મંત્રની અસર ક્યાં થવાની હતી…! હજારો ભમરા તૂટી પડ્યા એના ઉપર..! એ ડાળ પરથી નીચે અફાંક કરતો પટકાણો. અને ભમરા તો એટલા ડંખીલા કે એ પછી એ ઉખળે જ નહિ. સ્વામી રામ ગભરાઈ ગયાં. એમને ખ્યાલ આવ્યો; ઓહો, ગુરુએ મને કહેલું, personally for you. મેં આને આપી દીધો.! ગજબ થઇ ગયું આ તો.! આજુબાજુમાંથી આદિવાસી લોકોને બોલાઈ લાવ્યાં. તો ય શું કરવાનું? આદિવાસી લોકોએ મહામહેનતે ધીરે ધીરે એ ભમરાઓને ઉખાડયા. પણ પેલાનું શરીર તો સૂજીને દડા જેવું થઇ ગયું. આટલા બધા ભમરાનું ઝેર અંદર જાય એટલે…
તરત જ ગાડામાં સુવાડી નજીકની હોસ્પિટલમાં એડમીટ કર્યો. હોસ્પિટલમાં ગયો. એકદમ ક્રીટીકલ સ્થિતિ. ડોકટરે કહ્યું; wait and watch. આમાં કંઈ લાગતું નથી અમને, પણ અમે પુરી મહેનત કરીએ. 72 કલાક જોઈએ આપણે. એને icu માં રાખ્યો. બધા જ મોનીટર્સ ચાલુ કરી નાંખ્યા. છેલ્લામાં છેલ્લી દવાઓ શરૂ કરી નાંખી. દસ કલાક, બાર કલાક, ચોવીસ કલાક કોઈ ફરક નહિ.. આંખ ઉઘાડી શકતો નથી એ. સોજો સહેજ પણ ઓછો થતો નથી. એટલે આટલી બધી દવાઓ, અને એનું શરીર કોઈ response આપતું નથી.! એટલે ડોકટરોએ પણ એ જ કહ્યું; wait and watch. આમાં હવે અમારો બીજો કોઈ ઉપાય નથી. છેલ્લામાં છેલ્લી treatment અપાઈ રહી છે. અમે અમેરિકા પણ પૂછી લીધું ડોકટરોને, તો અમેરિકાવાળાએ પણ કહ્યું; કે એના માટે આ જ દવા, આનાથી વધારે કોઈ દવા છે જ નહિ. એટલે છેલ્લામાં છેલ્લી treatment અમે આપી રહ્યા છીએ. 48 કલાક થયા, કોઈ અસર નહિ. 65 કલાક થયા. રાત્રે 8-9 વાગેલા. ડીલક્ષ રૂમ હતી હોસ્પિટલની. આગલા રૂમમાં પેશન્ટ હતો. અંદરના રૂમમાં સ્વામી રામ હતા. એ વખતે સ્વામી રામ પોતાના ગુરુને યાદ કરે છે. ગુરુ એ વખતે ૫૦૦ માઈલ દૂર છે. ગુરુને યાદ કરે છે અને ગુરુ એ હોસ્પિટલના ડીલક્ષ રૂમમાં હાજર થાય છે! આપણે ત્યાં પણ આ વાત આવે છે ને? વૈક્રિય સ્વરૂપની – astral body ની વાત આપણે ત્યાં પણ આવે છે.
રત્નપ્રભસૂરિ મહારાજ હતાં. બાજુ-બાજુમાં બે ગામ. દેરાસરની પ્રતિષ્ઠા. પણ એ વખતે મુર્હુત કેવું જોતાં ખબર છે? બે – પાંચ વર્ષે એ શ્રેષ્ઠ આવે એવું મુર્હુત જોતાં. તો ઘડી – પળ સાથેનું મુર્હુત નક્કી થઇ ગયું. આખા વર્ષનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મુર્હુત એ. સેકંડ પણ એ અને મિનિટ પણ એ.! અને બે ગામમાં પ્રતિષ્ઠા. તો બંને ગામવાળાનો આગ્રહ કે આચાર્ય ભગવંતની જ હાજરી જોઈએ. આચાર્ય ભગવંતે કહ્યું; એક ગામમાં હું હાજર રહું. બીજા ગામમાં મારો જ વાસક્ષેપ આપું; અને મારો પટ્ટધર શિષ્ય એ જ વાસક્ષેપ ભગવાન ઉપર કરશે. મૂળ તો વાસક્ષેપ કરવાનો હોય. મેં જ આપેલો વાસક્ષેપ કરશે. આ તો સંઘવાળા.. અડી ગયા.. કેમ? એમના ત્યાં સાક્ષાત્ હોય અને અમારે ત્યાં વાસક્ષેપ હોય એમ…?! અમે કંઈ કમ છીએ? બંને જગ્યાએ સાક્ષાત્ જોઈએ છે. આ બનેલી ઘટના છે કે બંને જગ્યાએ સાક્ષાત્ આચાર્ય ભગવંત હાજર રહી શક્યા, અને બંને જગ્યાએ પ્રતિષ્ઠા એમને કરાવી.
તો ગુરુ હાજર થયા એ ડીલક્ષ રૂમમાં. અને કહ્યું; બોલ બેટા શું કામ છે? તો કહ્યું; ગુરુદેવ! ભૂલ મારી થઇ ગઈ. તમે તો કહેલું personally for you. તારા માટે જ મંત્ર છે. હું ભુલી ગયો. હું મંત્ર પેલાને આપી ચુક્યો. હવે ભૂલ મારી, ને ભોગ પેલો બની ગયો છે! ૬૫ કલાક થયા. સોજો ઉતરતો નથી. એનું શરીર કોઈ પણ treatment ને response નથી આપતું. મરી જશે કે શું થશે? એ વખતે ગુરુએ કહ્યું; તું જા રાત્રે ૧૨ વાગે એને એકદમ સારું થઇ જશે. અને ગુરુ અદ્રશ્ય થઇ ગયા. સ્વામી રામને પૂરો વિશ્વાસ ગુરુ ઉપર. ૮ – ૮.૩૦ થયા રાતના, ઘસઘસાટ ઊંઘી ગયા. ૧૨ વાગે બરોબર જાગી ગયા. અને પેશન્ટ ના રૂમમાં ગયા. આશ્ચર્ય. સોજો ગાયબ.! આંખ ખુલ્લી.! નર્સ હતી ગભરાઈ ગઈ. શું થયું આ?! મોટા ડોક્ટરને તરત કોલ કર્યો. મોટા ડોકટર આવી ગયા. મોટા ડોકટરે સ્વામીજીને પૂછ્યું; what is this miracle? પા કલાક પહેલાં હું આવી ગયો છું. સોજો આટલો અકબંધ. અમારી કોઈ દવાની અસર આમાં નથી. What is this miracle? તો સ્વામી રામે કહ્યું; મારા ગુરુનું આ આશ્ચર્ય છે. ગુરુનું miracle છે. પેલો બેઠો થઇ ગયો. ભૂખ લાગી છે, લાવો કહે છે કોફી..! કોફી આવી મગ ભરીને. કપ ઉપર કપ ઠોકી ગયો. ભૂખ લાગી છે બિસ્કીટ લાવો. બિસ્કીટનું આખું પડીકું ખાઈ ગયો! તો કહે; ચાલો, આપણે ચાલીએ હવે.! એક તવ્વયણસેવણા સહેજ ભૂલ્યા સ્વામી રામ, તો શું થયું?
એ પુસ્તક છે ને બહુ મજાનું છે. એમાં બીજો પણ પ્રસંગ આવે છે; સ્વામી રામે પોતાના ગુરુને કંઈક પૂછેલું; કે સાહેબ! અમે લોકો ગુરુના ચરણ સ્પર્શ જ કેમ કરીએ છીએ? મજાની વાત છે આ, ગુરુનો ચરણ સ્પર્શ કેમ કરીએ છીએ? એના માટે બે વાત છે; એક વાત અહીંયા આવે છે. તો ગુરુએ કહ્યું; કે કોઈ પણ સદ્ગુરુ ચેતના એટલે શું? સદ્ગુરુ ચેતના એટલે પરમ ચેતનાના ચરણોમાં ઝુકેલું વ્યક્તિત્વ.
કલાપૂર્ણસૂરિ દાદાને આપણે શંખેશ્વર પભુના દરબારમાં કલ્પીએ. આપણે એમની પાછળ બેઠેલા હોઈએ. એ પુરેપુરા પ્રભુના ચરણોમાં ઝુકી ગયા હોય. એમના બધા જ અંગો પ્રભુની તરફ લંબાયેલા હોય. આપણી તરફ માત્ર એમના ચરણો હોય. તો સ્વામી રામને ગુરુ કહે છે; કે ગુરુ ચેતના એટલે પ્રભુ ચેતનામાં ડૂબેલું વ્યક્તિત્વ. પણ કરુણાને કારણે એ ગુરુ ચેતનાએ માત્ર ચરણો આપણી તરફ લંબાવી રાખ્યા છે અને એ ચરણોનો સ્પર્શ કરીએ એટલે આપણે પ્રભુનો સ્પર્શ કરી શકીએ.
હું ઘણીવાર કહું છું આપણા ગીતાર્થ ગુરુ હોય. એ ગીતાર્થ ગુરુ પ્રભુની આજ્ઞાને વફાદાર. જેમ કે તમારે ગચ્છાધિપતિ રાજેન્દ્રસૂરિ મહારાજ. તો એ ગીતાર્થ ગુરુ, એ પ્રભુની આજ્ઞાને વફાદાર. એમની આજ્ઞામાં રહેલા કેટલા બધા આચાર્યો, પંન્યાસો એ ગીતાર્થ ગુરુની આજ્ઞામાં. પછી એ આચાર્યનો શિષ્ય છે એ પોતાના ગુરુની આજ્ઞામાં. ગચ્છાધિપતિની આજ્ઞા આચાર્ય મંગાવશે. શિષ્યના માટે આચાર્યની આજ્ઞા છે. તો એવું બને કે આજે જેણે દીક્ષા લીધી છે, એ નવ દીક્ષિત શિષ્યનો હાથ પ્રભુને touch થાય! કારણ એનો હાથ પોતાના ગુરુને touch થાય છે. ગુરુનો હાથ ગીતાર્થ ગુરુને, અને ગીતાર્થ ગુરુ જે છે એનો હાથ પ્રભુને touch થાય છે. તમે પ્રભુ સાથે જોડાઈ જાવ છો.! આ એક લિન્કિંગ છે. આજે તો મોબાઈલનું નેટવર્ક થઇ ગયું. Linking. દુનિયાને છેડે બેઠેલો માણસ, તમે વાત કરી શકો. આવું એક લિન્કિંગ આપણે ત્યાં છે. તમે પ્રભુ સાથે જોડાઈ જાવ છો.
તો ગુરુએ કહ્યું; કે ગુરુ ચેતના પ્રભુ ચેતનામાં ઝુકેલી છે, ડૂબેલી છે. માત્ર એના ચરણ આપણા તરફ લંબાયેલા છે. આપણી પરંપરામાં બીજો ખુલાસો એ છે; કે સદ્ગુરુના દેહમાંથી ઉર્જા નીકળતી હોય છે. ચારિત્રબળ જે છે ને એ ચારિત્રબળના કારણે ઉર્જા નીકળે. અને તમે તો અનુભવ કરી શકો. કોઈક પહોંચેલા ગુરુ હોય, એમની રૂમમાં તમે રહો, તો રીતસર તમને અનુભવ થાય જ. એ ઉર્જા પુરા શરીરમાંથી નીકળતી હોય. પણ ચરણમાંથી એ ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. એટલે આપણે ચરણનો સ્પર્શ કરીએ છીએ. કોઈ પણ શિષ્ય, કોઈ પણ સ્ખલન કરીને આવ્યો. એ સીધું જ કામ એ કરશે, ગુરુના ચરણ ઉપર પોતાનું મસ્તક ટેકવશે. ગુરુના ચરણમાંથી ઉર્જા નીકળશે, એને purify બનાવી દેશે. પ્રભુ માટે પણ આ જ વાત છે.
એક આચાર્ય ભગવંત પ્રભુની અંજનશલાકા કરે એટલે શું? પ્રાણ પ્રતિષ્ઠા કરે એટલે શું થયું? જે વૈશ્વિક જે પરમ ચેતના છે, જે સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ પરમ ચેતનાને એ પકડી અને મૂર્તિમાં લાવે. ઉપાધ્યાય યશોવિજયજીએ પંચવિંશતિકામાં કહ્યું; “व्यक्तया शिवपदस्थोѕसौ, शक्त्या जयति सर्वग:” પ્રભુ વ્યક્તિ રૂપે અત્યારે ભલે સિદ્ધશિલા ઉપર હોય, કે મહાવિદેહમાં હોય; શક્તિ રૂપે પુરા બ્રહ્માંડમાં છે. તો એ જે પરમ ચેતના છે, જેને આપણે આર્હન્ત્ય કહીએ છીએ. “भूर्भुव:-स्वस्त्रयीशानमार्हन्त्यं प्रणिदध्महे” એ આર્હન્ત્ય, એ પરમ ચેતના એ પુરા બ્રહ્માંડમાં ફેલાયેલી છે. એ પરમચેતના સૂક્ષ્મ છે. અને એટલે સામાન્ય સાધક એ પરમચેતના જોડે પોતાનું અનુસંધાન કરી શકે નહિ. એટલે એક પરંપરા આપણે ત્યાં રાખી. કે એ જ સુક્ષ્મ ચેતનાને ગુરુ મૂર્તિની અંદર પ્રતિરોપિત કરે. અને મૂર્તિમાં પ્રતિરોપિત કરે પછી મૂર્તિમાંથી એ ઉર્જા નીકળવા લાગે. અને એ ઉર્જાનો સ્પર્શ જે છે એ ભક્તને મળી શકે.
નવ અંગે પૂજા શા માટે? નવ ચૈતન્ય કેન્દ્રોમાંથી ઉર્જા વધુ પ્રમાણમાં નીકળે છે. અમે લોકો વર્ષો પહેલાં પાલીતાણામાં હતાં. ત્યારે એક જર્મન વિદ્વાન ત્યાં આવેલા. એ જૈનોલોજીના નિષ્ણાંત હતાં. તો વિચાર કરેલો કે પાલીતાણા જાઉં, જૈનોનું મોટું તીર્થધામ. યાત્રા પણ થઇ જાય. અને આટલા મોટા યાત્રાધામમાં મોટા મોટા જૈન આચાર્યો પણ હોય. તો સત્સંગ પણ થઇ જાય. એ આવ્યા સારી ધર્મશાળામાં ઉતર્યા. ઉપર યાત્રા પણ – દર્શન પણ કરી આવ્યાં. પછી બધા આચાર્ય ભગવંત જોડે સત્સંગ કરવા માંડ્યા. ગુરુદેવ એ વખતે પન્નારૂપામાં. તો એક બપોરે ગુરુદેવ પાસે આવ્યાં, ટાઇમ લઈને. વંદન કરીને બેઠા. હું જોડે બેઠેલો. એમણે પહેલો સવાલ કર્યો; કે હું તમારી પૂજા પદ્ધતિ જોઇને આવ્યો. હું જર્મનીથી આવું છું, એટલે પુસ્તકો વાંચેલા તો ઉર્જાની પદ્ધતિનો મને કંઈ practical ખ્યાલ તો હતો નહિ. હું ઉપર ગયો અને તમારી પૂજાની પદ્ધતિને જોઈ. તો તમારી પૂજા પદ્ધતિમાં તમે લોકો ચરણથી શરૂઆત કરો છો. હવે ભારતીય સંસ્કૃતિમાં મસ્તિષ્ક ઉત્તમ અંગ કહેવાયું છે, સહસ્રાર અહીંયા જ છે – મસ્તિષ્ક ઉપર, આજ્ઞાચક્ર અહીંયા છે. તો મસ્તિષ્કથી પૂજાનો પ્રારંભ કરવાને બદલે તમે લોકો ચરણથી પૂજાનો પ્રારંભ કેમ કરો છો? હું બાજુમાં બેઠેલો. ગુરુદેવ મને કહે; યશોવિજય ! આપણા સેંકડો ભક્તો છે. કોઈએ પૂછ્યું હશે આ? શંખેશ્વર ગયા. Rush બહુ છે. નવ અંગની પૂજા બંધ, એક અંગની પૂજા ચાલુ. પણ એક અંગની પૂજામાં જમણા ચરણનો અંગુઠો જ મળે, શા માટે?
ત્યારે સાહેબે સમજાવ્યું; કે અમે લોકો પ્રતિમા ને સાક્ષાત્ પ્રભુ માનીએ છીએ. ઉર્જા એમાંથી નીકળતી હોય છે. પણ એ ઉર્જા સૌથી વધુ પ્રમાણમાં ચરણમાંથી નીકળે છે. તો અમે લોકોએ પૂજાની પદ્ધતિમાં ચરણથી પ્રારંભ એટલા માટે કરાવ્યો છે કે આજનો માણસ, એનું શરીર તકલાદી છે. મિનિટ – બે મિનિટ કે પાંચ મિનિટ ની એની પૂજા હોય, અને પૂજા શરૂ કરી હોય એને, પછી છાતીમાં દુઃખાવો આવે કે પેટમાં દુ:ખાવો આવે, અડધી પૂજાએ એને બહાર ભાગવું પડે. છાતીમાં દુઃખાવો થયો, શું થયું? હાર્ટએટેક આવ્યો કે શું થયું? બહાર ભાગવું પડે. એટલે અમે લોકોએ ચરણથી પૂજાનો પ્રારંભ એટલા માટે કરાવ્યો છે કે એકવાર એને ચરણનો સ્પર્શ કરી લીધો, તો વધુમાં વધુ માત્રામાં પ્રભુની ઉર્જા એને મળે. પછી પુરી પૂજા કરશે તો પુરી ઉર્જા મળશે. પણ કદાચ નહિ કરી શકે અને અડધી પૂજાએ એને ભાગવું પડશે, તો પણ એને maximum result મળી જશે. એટલે “પ્રભુ નિર્મલ દરિશન કીજીયે”
આપણે છે ને વિચારોને એકાગ્ર પણ કરી શકતાં નથી! તમે વિચારોને એકાગ્ર કરો તો શું થાય? ખબર છે? રશિયામાં હમણાં એક પ્રોફેસરે પ્રયોગ કર્યો. મહિલા પ્રોફેસર હતાં અને સાઈક્રાઈસ્ટ હતાં. તો એમણે એક પ્રયોગ કર્યો કે ભાઈ કેમેરામેન્સ હાજર છે. બીજા કેમેરામેન હાજર છે. સંપ્રાંત નાગરિકો હાજર છે. મોટો હોલ છે. અને એમાં એમણે પ્રયોગ કર્યો. પોતે ખુરશી ઉપર બેઠેલા. પોતાનાથી દસ ફૂટ છેટે એક ટેબલ મુકેલું. ટેબલ પર મોટો ચમચો છે. અને પ્રોફેસરે કહેલું; કે માત્ર મારા ધ્યાન દ્વારા હું ચમચાને વાળી નાંખીશ. કેમેરા સેકંડે સેકંડ જે છે એનું પાછું વિડિયો ટ્રેકિંગ કરી રહ્યા છે. બધા લોકો ધ્યાનથી જોઈ રહ્યા છે. દસેક મિનિટ પ્રોફેસર એકદમ શાંત થઈને બેઠા. ધીરે ધીરે ચમચો વળવા માંડ્યો. કોઈ હાથ ચાલાકીનો ખેલ નથી. ટેબલની આજુબાજુમાં કોઈ જ નથી. કશું જ નથી. પ્રયોગ પૂરો થયો. તો અમેરિકાના રશિયાના પત્રકારો હતાં. તરત જ પૂછ્યું; આ શું ચમત્કાર હતો? ચમત્કાર જોયો. હા, ચમત્કાર અવશ્ય હતો. તો એણે કહ્યું; વિચારોના પણ પરમાણુઓ છે. મેં ધ્યાન કર્યું. ધ્યાન એ કર્યું; કે ચમચો વળવો જોઈએ. વળવો જોઈએ. વળવો જોઈએ. વળવો જોઈએ. વળવો જોઈએ. તો મારા વિચારોના પરમાણુઓ એ જ દિશામાં ગયા અને એના કારણે આ થયું. તમારા વિચારોને તમે એકાગ્ર કરી શકો. તો ભૌતિક જગતમાં પણ આટલું કામ કરી શકતાં હોવ! તો આધ્યાત્મિક જગતમાં કેટલું કામ કરી શકો?!
પ્રભુ પાસે ગયા; બધા વિચારો stop. માત્ર પ્રભુને જુઓ!
એક વાત યાદ રાખો. વિચાર અને દર્શન બેઉ સાથે નથી. આપણે જે દ્રષ્ટાભાવ કહીએ છીએ ને, એ દ્રષ્ટાભાવનો મતલબ એ જ છે કે તમે ‘માત્ર’ જોઈ રહ્યા છે. તમે ખુરશીને માત્ર જુઓ છો. પણ વિચારપૂર્વકનું દર્શન હોય તો શું થાય? આ ખુરશી સારી અને પેલી ખુરશી ખરાબ. વિચારમાં ગમો-અણગમો ભળેલો જ છે, અનંત જન્મોથી. આ સારું. આ ખરાબ. એટલે જ્યાં વિચાર આવ્યો; ત્યાં દર્શન ખતમ થઇ ગયું! તમે ખુરશીનું દર્શન નથી કરતાં; તમારા મનના projection નું દર્શન કરો છો. તમારા મનમાં જે પ્રતિરોપણ થયું છે, એક ભ્રમણાનું, આ સારું ને આ ખરાબ, એનું તમે દર્શન કરો છો. તમે ખરેખર પદાર્થનું દર્શન કરો જ છો ને? પદાર્થનું પણ દર્શન આપણે નથી કરતાં, તો પરમાત્માનું શી રીતે કરશું? પદાર્થ માત્ર પદાર્થ છે.
અપૂર્વ અવસરમાં શ્રીમદજીએ કહ્યું; “રજકણ ને રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો” રજકણ હોય કે વૈમાનિક દેવની ઋદ્ધિ હોય; નાંખો પુદ્ગલના ખાનામાં એને. સાધક પાસે બે જ ખાના હોય – એક સ્વનું ખાનું, એક પરનું ખાનું. આ મને મારા ગુણો તરફ, મારા સ્વરૂપ તરફ લઇ જાય છે? તો મારા માટે કામનું, નહીતર નકામું! એટલે પ્રશમરતિમાં લખ્યું; “तच्चिन्त्यं तद्भाष्यं तत्कार्यं” તમારે કંઈ વાંચવું છે, પુસ્તક હાથમાં લીધું. તરત તમારા મનને પૂછો; આ પુસ્તક જે છે એ શેનું છે? ક્યાં વિષયનું છે? અને આ પુસ્તકને વાંચવાથી હું જ્યાં છું ત્યાંથી આગળ પહોંચીશ ખરો? આ તો મનોરંજનનું પુસ્તક છે, ટાઈમ પાસ કરવાનું પુસ્તક છે. No! મારો સમય વધારાનો નથી, મારા ભગવાનની ના છે! હું વાંચી શકું નહિ.
તદ્ભાષ્યં – એ જ બોલવાનું, કે જે બોલવા દ્વારા તમે તમારા સ્વરૂપ તરફ આગળ વધી શકો.
એટલે હું ઘણીવાર કહું છું, કે ખરેખર પ્રવચનકાર કોણ છે? ધારો કે તમે સંગોષ્ઠીમાં બોલી રહ્યા છો. બે કે ત્રણ જણા સાંભળી રહ્યા છે તમને. તમારી અભિવ્યક્તિ બહુ સારી છે. અને અભિવ્યક્તિના કારણે એ લોકો એકદમ પ્રભાવિત થઇ રહ્યા છે. તમે જોઈ પણ રહ્યા છો. હવે કહે છે પણ ખરા, વાહ અદ્ભુત. એમની આંખમાં આંસુ પણ આવે છે. પણ આ વખતે એ લોકોની પ્રભાવિતતા ના કારણે, તમારા મનમાં અહંકાર આવે તો એ જ ક્ષણે તમારે એ સંગોષ્ઠીમાં બોલતાં બંધ થઇ જવું જોઈએ. હવે પેલા લોકો પૂછે તો તરત કહી દેવાનું. એકરાર કરવાનો, કે ભાઈ આ બોલવાથી, સાંભળવાથી તમને લાભ થાય છે, પણ આ બોલવાથી મને અહંકાર થાય છે. અને અહંકાર થાય એટલે એવું બોલવાની મારા ભગવાને ના પાડી છે. આટલી જાગૃતિ નહિ હોય તો પર છૂટવાનું નથી; સ્વમાં જવાનું નથી. પરમાંથી છૂટવું તો પડશે જ ને?
દેવચંદ્રજી મહારાજનું ચોથું સ્તવન છે; “કયું જાણું કયું બની આવશે, અભિનંદન રસ રીત” મને પરમરસ શી રીતે મળશે? અનંતા જન્મોમાં જે પરમરસને ચાખ્યો નથી. એ પરમ રસ મને શી રીતે મળશે? તો ત્યાં તરત કહ્યું; “પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જશું પરતીત” દેવચંદ્રજી મહારાજ પ્રતીતિના – અનુભૂતિની દુનિયાના માણસ. બેસી જા, તને અનુભવ કરાવી દઉં! “પુદ્ગલ અનુભવ ત્યાગ” આટલું જ – આટલી જ સાધના આપે છે, બહુ નહિ! “પુદ્ગલ ત્યાગ નહિ; પુદ્ગલ અનુભવ ત્યાગ” આ મોટું પુદ્ગલ છે શરીરનું, એટલે નાના પુદ્ગલો જોઇશે એને. એને જોઇશે, મારે નહિ. આહારના પુદ્ગલો જોઇએ. વસ્ત્રના પુદ્ગલો જોઈએ. તો પુદ્ગલોનો ત્યાગ શક્ય નથી, જ્યાં સુધી આપણે અરૂપી ન બનીએ ત્યાં સુધી. તો પુદ્ગલના અનુભવનો ત્યાગ શક્ય છે. અનુભવનો ત્યાગ એટલે – એ પુદ્ગલોનો રાગાત્મક કે દ્વેષાત્મક અનુભવ તમારી પાસે ન જોઈએ.
ગરમાગરમ ભોજન મળ્યું, અને ગમો થયો તો પુદ્ગલ અનુભવ થઇ ગયો. ઠંડું ભોજન મળ્યું – એકદમ મૂડલેસ થઇ ગયા તમે, તો પદાર્થનો અનુભવ થઇ ગયો. અનુભવ નહિ ચાલે.! “પુદ્ગલ અનુભવ ત્યાગ” પદાર્થ પદાર્થ છે. શરીર માટે રોટલી – દાળ જોઈએ છે, લેવાઈ ગયું. સાધુ તો એવો સ્વમાં ઘૂસેલો હોય એ વખતે પણ, શું વાપર્યું એને ખ્યાલ ન હોય.!
પ્રેમસૂરીદાદાના જીવનની એક ઘટના આવે છે, કે વાપરવા બેઠેલા એકાસણું કરવા. બધા શિષ્યો બેઠેલા. કેવી કરુણા એ ગુરુની! કે બધા મારા શિષ્યો, સૂત્રપોરસી અર્થપોરસી કરનારા, એકાસણું કરનારા, જે રોટલી-દાળ આવ્યું હશે એ વાપરશે. પણ એ વાપરતા પણ એમને આસક્તિ તો નહિ થઇ જાય ને…? એટલે ગોચરી વહેંચાઇ ગઈ. વાપરતા પહેલા આપણે આજ્ઞા માંગવાની હોય કે સાહેબજી વાપરું? એ વખતે ગુરુદેવ કહે; ઉભા રહો, કર્મગ્રંથનો આ એક કોયડો છે. પઝલ. વહેલામાં વહેલો જે ઉકેલી લાવે એ મારી પાસે આવી જાય. પછી ગોચારીની આજ્ઞા આપી. પછી શરીર ત્યાં વાપરવા માંડ્યું અને મન ક્યાં ગયું? પઝલમાં. બધાનું મન એમાં..! વાપરી રહ્યા પછી અડધો કલાકે એક મહાત્મા આવ્યાં. સાહેબજી આનો ઉત્તર આમ છે. સાહેબે કહ્યું; સાચો છે. સરસ. પણ સાહેબ મનમાં કહે; જેને સાચો જવાબ આવડ્યો એ પણ પાસ, ન આવડ્યો એ પણ પાસ.!
