औदासिन्यनिमग्न:
નિર્વિકલ્પતાને જ યૌગિક પરંપરા _ઉન્મનીભાવ_ શબ્દ દ્વારા સંબોધે છે. ઉન્મનીભાવ એટલે Beyond the mind, મનને પેલે પાર ચાલ્યા જવું – જ્યાં _તમે_ પોતે છો!
ઘટનાની નદી, સંસારની નદી વહી રહી છે પણ સાધક કિનારા પર ક્યાંક ઊંચે બેઠેલો છે – ઉત્+આસીન – અને એને એ ઘટનાઓની કોઈ અસર થતી નથી. આ _ઉદાસીનભાવ_. આવા ઉદાસીનભાવમાં તમે ડૂબેલા હોવ – औदासिन्यनिमग्न: – એ ઉન્મનીભાવ માટેની પહેલી સજ્જતા.
ચોથા ગુણઠાણે પણ જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ હોય છે. પાંચમે પણ, છઠ્ઠે પણ અને સાતમે પણ એ જ જ્ઞાતા-દ્રષ્ટાભાવ હોય છે. ફરક એ પડે છે કે પાંચમા ગુણઠાણે દેશચારિત્રમાં થોડીક ઉદાસીનદશા જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં ભળે છે. છઠ્ઠે ગુણઠાણે વધુ ઉદાસીનદશા ભળે છે અને સાતમે ગુણઠાણે તો top-most ઉદાસીનદશા એ જ્ઞાતા-દ્રષ્ટાભાવમાં ભળશે.
નવસારી તપોવન વાચના – 7 [4.4.2020]
“પ્રભુ નિર્મલ દર્શન કીજીયે”
નિર્વિકલ્પતાને જ યોગિક પરંપરા, ઉન્મનીભાવ શબ્દ દ્વારા સંબોધે છે. ઉન્મનીભાવ એટલે Beyond the mind. મનને પેલે પાર ચાલ્યા જવું. જ્યાં તમે છો! – where you are! તો એ ઉન્મનીભાવ ક્યારે થાય? એની વાત આપણે કાલે જોતા હતા.
યોગશાસ્ત્રના બારમાં પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞશ્રી એ કહ્યું:
“औदसिन्यनिमग्न:, प्रयत्नपरिवर्जित: सततमात्मा l
भावितपरमानन्द:, क्वचिदपि न मनो नियोजयति ॥”
પહેલી સજ્જતા છે – ઉદાસીનભાવમાં તમે ડૂબેલા હોવ. સમ્યગ્જ્ઞાન એટલે જ્ઞાતાભાવ. સમ્યગ્દર્શન એટલે દ્રષ્ટાભાવ. અને સમ્યક્ચારિત્ર એટલે ઉદાસીનભાવ. ચોથે ગુણઠાણે પણ જ્ઞાતાભાવ-દ્રષ્ટાભાવ છે. પાંચમે પણ છે. છઠ્ઠે પણ છે. સાતમે પણ છે. ફરક ક્યાં પડ્યો? ફરક એ પડશે કે પાંચમાં ગુણઠાણે દેશચારિત્ર હોવાના કારણે થોડીક ઉદાસીનદશા આવેલી છે, એ ઉદાસીનદશા જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવમાં ભળશે. છઠ્ઠે ગુણઠાણે ઓર ઉદાસીનદશા એમાં ભળશે. અને સાતમે ગુણઠાણે તો top most ઉદાસીનદશા જ્ઞાતાભાવમાં ભળશે. સમ્યગ્જ્ઞાનની વ્યાખ્યા બહુ સ્પષ્ટ છે આપણે ત્યાં. અત્યાર સુધી જ્ઞેયોને જાણ્યા; જાણ્યા પછી સારા-નરસાનો ભાવ કર્યો, રાગ-દ્વેષમાં ગયા – એ અજ્ઞાન. અને તમે જ્ઞેય પદાર્થોને જાણો કે જ્ઞેય વ્યક્તિઓને જાણો પણ સારા-ખરાબનો કોઈ ભાવ તમારી ભીતર ઉઠતો નથી. પરિણામે રાગ-દ્વેષની ધારા સર્જાતી નથી તો એ જ્ઞાતાભાવ.
દ્રષ્ટાભાવ માટે તો અધ્યાત્મ ઉપનિષદમાં યશોવિજય મહારાજે લખ્યું, “द्रष्टुर्द्रुगात्मता मुक्तिर्द्रश्यैकात्म्यं भवभ्रम:”
“द्रष्टु: द्रुगात्मता मुक्ति:” – દ્રષ્ટા ‘માત્ર’ દર્શનની પળોમાં હોય. એ ‘માત્ર’ જુવે છે. સારું છે કે નરસું છે એ વિચારતો નથી. એ ‘માત્ર’ જોવે છે, આ ખુરશી છે. મારે બેસવા માટે કામ આવશે. એ સારી છે કે નરસી છે આ વર્ગીકરણ એના મનમાં નથી. તો ‘द्रष्टु: द्रुगात्मता मुक्ति:” દ્રષ્ટા માત્ર દર્શનની પળોમાં આવ્યો એ એની મુક્તિ છે. અને પછી કહે છે – “द्रश्यैकात्म्यं भवभ्रम:” દ્રશ્યો સાથે તમે તમારી ચેતનાને એકાકાર બનાવો એ સંસાર. જો કે મૂળમાં શબ્દ અલગ છે. “द्रश्यैकात्म्यं भवभ्रम:” દ્રશ્યો સાથે તમારી ચેતનાને સાંકળવી એ સંસારનો ભ્રમ. કારણ કે નિશ્ચયનયની દ્રષ્ટિએ સંસાર છે જ નહિ ને? તમે મુક્ત જ છો!
તો “द्रश्यैकात्म्यं भवभ्रम:”. માત્ર જુઓ.. આજનો મનોવૈજ્ઞાનિક પણ કહે છે કે આજનો માણસ કોઇ પણ ક્રિયા only કરતો જ નથી! એ સવારે દસ વાગે જમવા માટે બેઠેલો હોય ત્યારે ભોજનમાં એનું મન નથી હોતું, ઓફિસમાં એનું મન પહોંચી જાય છે. ઓફિસેથી એ રાત્રે ઘરે આવે છે ત્યારે ઓફિસની ફાઈલ બંધ કર્યા વગર આવે છે. અને ઘરે આવે છે પણ એ ઘરે હોતો નથી, ઓફિસની ફાઈલમાં હોય છે. અને એટલે પોતાના દીકરાઓ સાથે પણ બરોબર પ્રેમથી વાતો કરી શકતો નથી. એટલે એ માણસ ‘માત્ર’ ક્યારેય પણ ક્યાંય હોતો નથી. એ ખાતો હોય તો વિચારતો હોય. બીજું કંઇ કામ કરતો હોય તો બીજું વિચારતો હોય. પણ પ્રભુના મુનિ માટે અપેક્ષા રખાય કે એ ‘માત્ર’ દ્રષ્ટા હોય.. ‘માત્ર’ જ્ઞાતા હોય.. અને એ પછી તમારે એ કરવું છે કે દ્રષ્ટાભાવ અને જ્ઞાતાભાવમાં ઉદાસીનભાવને ઉમેરવો છે.
દેવચંદ્રજી મહારાજે સ્તવનમાં લખ્યું : ‘દાનાદિક નિજભાવ હતા જે પરવશા હો લાલ, તે નિજ સન્મુખ ભાવ ગ્રહી લહી તુજ દશા હો લાલ’ દાનાદિક પાંચ ભાવો હતા એ પરસન્મુખ હતા. દાન કોનું? પૈસાનું. લાભ કોનો? પદાર્થોનો. ભોગ અને ઉપભોગ કોનો? પરનો.
તો દેવચંદ્રજી મહારાજ કહે છે; કે દાન-લાભ-ભોગ-ઉપભોગ કે વીર્ય પરનું હોઈ શકે ખરું? બોલો તમને પૂછું ઘાતિકર્મ કે અઘાતિકર્મ? તો ઘાતિકર્મના ક્ષયોપશમના ક્ષયોપશમથી કે ક્ષયથી શું થાય? પોતાનો ગુણ ઉદિત થાય. અઘાતિકર્મના ક્ષયોપશમથી નામકર્મ વિગેરેના કે વેદનીય કર્મ વિગેરેના ક્ષયોપશમથી તમને શાતાભાવ મળે કે સારો યશ મળે એ બહારની વાત છે. કારણ કે અઘાતી કર્મ છે. અંતરાય તો ઘાતિકર્મ છે. તો દાન સ્વનું અને એ પણ સ્વને.
તો કહે, શી રીતે? તો કહે તમારા જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવને તમે ઉદાસીનભાવ આપો. સ્વનું સ્વને દાન. લાભ પણ સ્વનો. તમે તમારા કોઇપણ ગુણની ધારામાં ગયા. અને ગુણને મેળવ્યો તો લાભ થયો. પછી ભોગ અને ઉપભોગ. શુદ્ધ પર્યાય જે છે એનો ભોગ. અને ગુણનો ઉપભોગ. વારંવાર જે ભોગમાં આવે એને ઉપભોગ કહીએ આપણે. પર્યાય તો શુદ્ધ એક ક્ષણે આવ્યો, જતો રહ્યો એ ભોગમાં. અને ગુણો જે વારંવાર તમે માણી રહ્યા છો એ ઉપભોગમાં આવશે. અને વીર્ય એટલે શું? તમારી ચેતના સ્વતરફ વહે. આપણે જે વીર્યાચાર કહીએ છીએ ને એ સ્થૂળ વીર્યાચાર છે. કે ક્રિયાઓ વિગેરે કરતી વખતે આપણે શરીર વિગેરે જે છે એનો ઉપયોગ બરાબર ન રાખ્યો. તો સુક્ષ્મ વીર્યાચાર શું છે? તમારી શક્તિ પરમાં ન જ જવી જોઈએ.
દેવચંદ્રજી મહારાજે લખ્યું; ‘ભાષા વર્ગણ પુદ્ગલા ગ્રહણ નિસર્ગ ઉપાધ કરવા આતમ વીર્યને શાને પ્રેરે સાદ’. તમે બોલો છો. ભગવાનની આજ્ઞા પ્રમાણે ધર્મકથા કરો તો વાંધો નથી. ભગવાનની આજ્ઞા પ્રમાણે ગોખો તો વાંધો નથી. પણ એ સિવાયનું તમે બોલો છો ત્યારે તમે શું કરો છો? ભાષા વર્ગણાના પુદ્ગલોને પકડો છો, આત્મસાત કરો છો અને છોડો છો. તો નવાઈના લયમાં કહે છે. “ભાષા વર્ગણ પુદ્ગલા ગ્રહણ નિસર્ગ ઉપાધ” એ પુદ્ગલોને પકડવા અને પુદ્ગલોને છોડવા, એની ઉપાધી, અને એના માટે ‘આતમ વીર્યને શાને પ્રેરે સાદ’! તમે તમારી આત્મ-શક્તિને પુદ્ગલોને પકડવામાં અને પુદ્ગલોને ફેંકવામાં શી રીતે વાપરી શકો? એટલે વીર્યનો મતલબ એ છે કે તમારી આત્મશક્તિ સ્વતરફ જ જવી જોઈએ અને એનું મોનીટરીંગ તમારે કરવાનું છે.
યોગ અને ઉપયોગ. યોગ આપણું મૂળભૂત સ્વરૂપ ખરું? નહિ! આપણે અયોગી થઈને સિદ્ધશિલા ઉપર જઈશું. મન વચન કાયાના યોગો તમારી પાસે જે છે એના ઉપર મોનીટરીંગ તમારા ઉપયોગનું જોઈએ. તમારો વિચાર સહેજ આમથી આમ ગયો – રાગમાં કે દ્વેષમાં, ઉપયોગ એને તરત અટકાવી દે. આવો ઉપયોગ જેનો જાગૃત હોય એ સાધક. અને જેના યોગો મનફાવે તેમ દોડતા હોય એ અસાધક. એક લક્ષ્મણ રેખા તો ખેંચવી પડે ને વચ્ચે? અસાધક પાસે શું છે? યોગો છે પણ એ યોગો પર નિયંત્રણ નથી. એ કહે છે બસ આ વિચાર આવી ગયો હું શું કરું? આ બોલાઈ ગયું હું શું કરું?
પણ સાધક એ છે કે જે પોતાના ત્રણેય યોગો ઉપર આધિપત્ય ધરાવે છે. શું બોલવું નક્કી જ હોય તમારા માટે. શું વિચારવું એ પણ નક્કી હોય. અને એના સંદર્ભમાં હું બે શબ્દો આપું છું. દુર્વિચાર અને દુર્ભાવ. સાધકને પણ બની શકે કે ક્યારેક એ જાગૃત ન હોય અને મોહના ઉદયમાં ઝડપાઈ જાય. તો બે સેકન્ડ – ચાર સેકન્ડ માટે ખરાબ વિચાર આવી જાય. આસક્તિનો, દ્વેષનો. પણ બે કે ચાર સેકન્ડ. પણ મિનીટ-બે મિનીટ સુધી એ દુર્વિચારની ધારા ચાલે એને આપણે દુર્ભાવ કહીએ છીએ.
ફરક શું પડ્યો તમને સમજાવું. દુર્વિચાર આવ્યો એમાં શું થયું? તમારી જાગૃતિ સહેજ બાજુમાં હતી. તમે ઊંઘતા ઝડપાઈ ગયા. પણ ચાર સેકન્ડ પાંચ સેકન્ડ થાય તો સાધકની જાગૃતિ મુખરિત થઈ જ જાય. તો તરત એને ખ્યાલ આવે કે નહિ મારે આ વિચારમાં જવાનું નથી; તમે પાછા ફરી જાઓ. પણ તમે મિનીટ-બે મિનીટ-પાંચ મિનીટ સુધી એ વિચારમાં વહો એવું કયારે બને? તમને એ વિચાર ગમતો હોય. તમે એ વિચારમાં લસરવા માટે તૈયાર હોવ. તમે એમાં સરકવા તૈયાર હોવ ત્યારે જ એ વિચાર લાંબો ચાલી શકે. દુર્વિચાર અજાગૃતિની પેદાશ છે. અને દુર્ભાવ તમારી પોતાની પેદાશ છે. એટલે એટલી જાગૃતિ તમારી જોઈએ કે પરમાં ઉપયોગ કદાચ બે કે ચાર સેકન્ડ જતો રહ્યો. હું ઘણીવાર કહેતો હોઉં છું કે ઘરે મમ્મી હલવો, પુડિંગસ્, નમકીન બધું બનાવી આપતી હોય તો છોકરો સડેલું ખાવા ક્યાં જવાનો બહાર પછી?
એમ પ્રભુએ આટલા બધા યોગો તમને આપ્યા, શુભયોગો. તમે બહાર કેમ ફાંફા મારો છો ભાઈ? સ્વાધ્યાય. કેટલી વેરાયટી હોય? આ બાજુ આગમસુત્રો. આ બાજુ પ્રકરણસુત્રો. આ બાજુ સ્તવનો. ભક્તિની ધારા તો કેટલી વેરાયટી? આટલા બધા શુભયોગો પ્રભુએ આપણને આપ્યા. અને આપણે અશુભમાં જઈએ નવાઈ નથી લાગતી તમને? હું ઘણીવાર કહું છું કે અનંત જન્મો કરતા આ જન્મને આપણે છૂટો કઈ રીતે પાડીશું? છૂટો એ રીતે જ પાડી શકાય કે આપણા અતિતમાં We had no option. આપણી પાસે કોઈ વિકલ્પ નહોતો. એટલે પરમાં ને પરમાં આપણે રહેતા. પછી પરથી થાકી તો જાવ જ. એટલે પરને બદલતા પછી. ડોળીવાળો ખભો બદલે એમ!
આજે પણ હવેલીમાં રહેલો થાકી જાય એટલે હિમાલયમાં જાય. હિમાલયમાંથી થાકી જાય એટલે હવેલીમાં આવે. તો પરમાંથી પરમાં આવે. આ એક જ જન્મ એવો મુલ્યવાન છે એ રીતે. એને હું પાયાનો જન્મ કહું છું. Foundation birth. કે આ જન્મમાં પ્રભુએ આપણને એક વિકલ્પ આપ્યો; કે પરમાં તો કંઇ નથી. તારી ભીતર અનંત આનંદ સમાયેલો છે. અને સ્વમાં કેમ જવું? એની આખી ટેકનીકસ બતાવી દીધી. એ તમે સ્વમાં જાઓ, અને અલપ-ઝલપ પણ આનંદ અનુભવાય; તમે પરમાં ન જાઓ એમ નહિ, તમે પરમાં જઈ શકો નહિ! How can you go?! પરમાં જઈ જ કેમ શકાય?!
મૌનનો રસ જામેલો હોય. તો શબ્દોના સ્તર ઉપર કઈ રીતે ઉતરી શકાય? મારી છે ને મૌનની એક પરિભાષા છે. આમ જ્ઞાનસારની પરિભાષા તો બહુ ઉંચી છે. ‘પુદ્ગલેશુ અપ્રવુત્તિસ્તુ’. (पुद्गलेष्व प्रवृत्तिस्तु) પણ આપણી કક્ષાનું જે મૌન છે. એના માટે પણ મારી એક પરિભાષા છે કે તમે બે કલાકનું મૌન કર્યું. એ મૌન કર્યા પછી બોલવાની તમને ઈચ્છા ન થાય. બોલવું પડે તો જીભ થોડી થોથરાતી હોય. આવું જો બની શકે તો માનવાનું કે બે કલાકનું મૌન સાચું હતું. ઘણીવાર બને ને પગની તકલીફ વાળો કોઈ માણસ હોય. પ્રવચનમાં ગયો છે. ખુરશી બધી ભરાઈ ગઈ છે. એને નીચે બેસવું પડ્યું. બેસી તો જાય એકવાર. પછી બે કલાકે ઉભો થાય ને પછી એના પગ લડખડાતા હોય. પણ પાંચ દસ પંદર ડગલાં ચાલે પછી પાછી એની સ્વસ્થ ચાલ થઈ જાય. એમ બે કલાકના મૌન પછી શું થવું જોઈએ? તમે શબ્દોની દુનિયામાં જઈ ન શકો! અને બે કલાકનું મૌન હોય અને દોઢ કલાક થયો અને કોઈકે કંઇક કહ્યું. તમે સાંભળી ગયા હોવ. મનમાં શરૂઆત થઈ આ બે કલાક પુરા થાય એટલે વાત છે. Tit for tat. એ દ્રવ્ય મૌન થશે ભાવ મૌન નહિ.
તો “औदसिन्यनिमग्न:” – ઉદાસીનભાવમાં ડૂબવું છે. તો જ્ઞાતાભાવ અને દ્રષ્ટાભાવ જે છે, એ સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્દર્શન. અને ચારિત્ર એટલે ઉદાસીનદશા. ભગવાનનો મુનિ, ભગવાનની સાધ્વી ઉદાસીન જ હોય. ઉદ+આસીન. કિનારા પર બેઠેલ. નદીમાં પાણી વહી રહ્યું છે. ઘટનાની નદીમાં. એને કોઈ અસર થતી નથી.
“मन्यते यो जगत्तत्वम्, स मुनि: परिकीर्तित” તમે ઉત્પાદ ને પણ જાણો છો, વ્યયને પણ જાણો છું, દ્રવ્યને પણ જાણો છું. એમાં ક્યાં હર્ષ શોક થવાનો હતો? પર્યાય દ્રષ્ટિ જો બરોબર તમારી પાસે સાચી આવી ગઈ. તો કોઇ પણ પર્યાયમાં મુંઝાવાનું ક્યાં છે? પર્યાય આવવાનો જ છે, ખુલવાનો જ છે. તમારે માત્ર એનો સ્વીકાર કરવાનો છે.
રમણ મહર્ષિના જીવનની એક ઘટના કહું. અરુણાચલમ્ ની ગુફામાં જ એ રહેતા. સાધના કરતાં. મોરારજીભાઈ દેસાઈ એ વખતે મુંબઈ રાજ્યના મુખ્યપ્રધાન. એકવાર એમણે થયું કે મારે અરુણાચલમ્ જવું છે. જવાની પાછળનો ઉદેશ્ય એ હતો કે મહર્ષિને હું સમજાવું કે તમે આટલા મોટા જ્ઞાનીપુરુષ છો તો ભારતભરમાં તમે ભ્રમણ કરો. તમે પ્રવચનો આપો. લોકોને બોધ આપો. તમે ગુફામાં બેસી ગયા છો ચાલે નહિ. તમારા જેવા જ્ઞાનીપુરુષે તો ભારતભરમાં ફરવું જોઈએ. હું મુંબઈ રાજ્યનો મુખ્યમંત્રી છું. ગાડીઓનો કાફલો તમને આપી દઉં. બધી સુવિધા તમને આપી દઉં. પણ તમે ભારતભ્રમણ કરો. આ ઉદ્દેશ સાથે મહર્ષિ પાસે આવવાના હતા. અને મુખ્યમંત્રીનું કામ કેવું હોય? એક જગ્યાએ જવાના હોય, આગળ-પાછળની બધી વિઝીટો ગોઠવાઈ જાય. તો સાંજના સાડા પાંચે એ અરુણાચલમ્ આવશે એવું નક્કી થયું. એમના બધા ઓફિસર્સ આવી ગયા હતા પહેલેથી, મુખ્યમંત્રીના. સાહેબ ક્યાં બેસશે? સાહેબ શું કરશે? સાહેબ શું કરશે? ક્યાંથી પસાર થશે?
તમને એકવાત કહું કે રમણ મહર્ષિ તો ઉદાસીનદશામાં હતા જ. એમના શિષ્યો પણ કેટલા ઉદાસીનદશામાં? કે મુખ્યમંત્રી આવવાના છે એની કોઈને ઇન્તેજારી નથી! હોય આવે એ. સંત છે તો દર્શન માટે આવે. એટલે સાડા પાંચે આવવાનો એમનો ટાઇમ હતો. ને મહર્ષિનો રોજ પોણા છ વાગે ધ્યાનમાં બેસવાનો ટાઈમ. અને મુખ્યમંત્રી હતા એટલે કાર્યક્રમમાં થોડીક વાર તો ક્યાંક લાગી જ જાય. પોણા છ અને પાંચે એ આશ્રમમાં આવ્યા. અને પોણા છ એ મહર્ષિ ધ્યાનમાં જતા રહ્યા. મુખ્યમંત્રી આવવાના છે એ કોઈ વાત નથી. આવશે તો બેસશે. એક શિષ્ય પણ કંઇ કહેતો નથી, “અરે, સાહેબ મુખ્યમંત્રી આવવાના છે, ધ્યાન તો પછી પણ કરાશે!” તમે વિચાર કરો જેમને આપણે માર્ગાનુસારીની કક્ષામાં મુકીએ છીએ. એમની તો ભીતરી દશા આટલી ઊંચકાયેલી હોય. આપણી કેવી હોય? કે ભાઈ અબજોપતિ આવવાના છે. પેલા ભાઈ આવવાના છે. અરે આવવાના તો આવવાના છે! તારે શું છે પણ? તું સાધુ છે. વંદન કરવા આવે. વંદન કરીને જતો રહે. તારે શું છે! તમે પ્રોજેક્ટોમાં પડયા. તમારે કશું કરવું છે. એટલે ધનપતિના પણ તમે ગુરુ બનવાના બદલે શિષ્ય બની ગયા છો.! સાધુને વળી ઈચ્છા શું હોય? આવી ગયા. ધર્મલાભ. ચાલો જાઓ. કામ પતી ગયું. જાઓ.
પોણા છ એ મહર્ષિ ધ્યાનમાં બેસી ગયા. અને ૫.૫૦ એ મોરારજી ભાઈ આવી ગયા. સીધા જ મહર્ષિની ગુફામાં. એમને કહેવામાં આવ્યું કે મહર્ષિ હમણાં ધ્યાનમાં ગયા છે. અને એક કલાક પહેલા તો એમનું ધ્યાન ક્યારેય પૂરું થતું હોતું નથી. પણ છતાંય સમય અમે લોકો નક્કી ન કહી શકીએ. મોરારજી ભાઈનો પ્રોગ્રામ અડધો કલાક રોકવાનો હતો. એમને વિચાર્યું ચાલો અડધો કલાક તો રોકાઈ જાઉં. સ્વામીજી બોલે તો બરોબર. નહી તો જોઈશું. એ નાનકડી ગુફામાં મહર્ષિ બેઠેલા અને મોરારજી ભાઈ બેઠેલા છે. બીજા બધા ઓફિસર્સ બહાર છે. મોરારજીભાઈ સાધક તો હતા જ. વડાપ્રધાન બન્યા પછી પણ અમદાવાદમાં આવી અને ગીતા ઉપર પ્રવચનો કરતા હતા ગુજરાતી વિદ્યાપીઠમાં. એટલે સાધક તો હતા જ. એ ખાલી થઈને બેઠેલા છે. અને અડધો કલાકમાં મહર્ષિની ઊર્જાએ એ કામ કર્યું. એક અપૂર્વ શાંતિ એમને મળી ગઈ. આખા દિવસનો શારીરિક થાક ઉતરી ગયો એમ નહિ! એક માનસિક અપૂર્વ શાંતિ મળી. એમને ઇશારાથી પોતાના સેક્રેટરીને અંદર બોલાવ્યો. લખીને આપ્યું. આજની બધી મીટીંગ્સ કેન્સલ છે. આજે રાત્રે અહીં જ આપણે રોકાવાનું છે. મહર્ષિ જેટલો સમય આપે એટલો મહર્ષિની જોડે જ રહેવાનું છે. ભોજન પણ અહીંયા છે. સુવાનું પણ અહીં છે. આજના બધા પ્રોગ્રામ કેન્સલ છે. કાલે આપણે જોઈ લઈશું.
લગભગ કલાકે મહર્ષિએ આંખો ખોલી. તો મહર્ષિની ઊર્જાનો અનુભવ તો થઈ ગયો છે. છતાં મોરારજીભાઈને વાત તો પેલી જ કરવી છે. કે તમે આટલા મોટા જ્ઞાની છો અને તમે આ રીતે ગુફામાં બેસી રહો કેમ ચાલે? ભારતભરમાં તમે ફરો. પ્રવચનો આપ. મહર્ષિએ ખાલી એટલું જ કહ્યું; શબ્દોથી શું થાય! શબ્દોથી શું થાય? આત્માનુભુતિ શબ્દોથી મળે? અને મેન્ટલપીસ પણ શબ્દોથી મળે? શબ્દો વેચવા જનારો હું માણસ નથી. મોરારજીભાઈને પણ લાગ્યું કે મહર્ષિ જે કક્ષાએ છે એ કક્ષાએ શબ્દો હવે નીકળી શકે એમ નહિ. એ શબ્દોથી પર બની ગયા છે. તો આ ઉદાસીનદશા એમની પાસે હતી.
આવું જ રામકૃષ્ણપરમહંસ માટે છે. બપોરના સમયે બેઠેલા હોય હોલમાં. બહુ મોટો હોલ હોય. સેંકડો લોકો એમના દર્શન માટે આવેલા હોય. એ કાળમાં એ legendary man હતા. દંતકથા રૂપ બની ગયેલા. હજારો–લાખો લોકોના શ્રદ્ધેય. તો ૧૦૦-૨૦૦ માણસો આવે. એ નમસ્કાર કરીને જાય. બીજા ૧૦૦-૨૦૦ આવે. ફરી બીજા ૧૦૦ waiting માં ઉભેલા જ હોય. અને મહર્ષિ માત્ર આંખો બંધ કરીને ધ્યાનમાં બેઠેલા હોય. આટલા બધા લોકો દર્શન માટે આવેલા છે, એવો વિચાર પણ એમને આવતો નથી. ‘માત્ર’ સ્વમાં એ હોય છે.. કો’ક નજીક આવે. કોઈ પ્રશ્ન પૂછે. જવાબ આપી દે છે. જવાબ આપીને પછી પાછા સ્વસ્થ બની જાય છે. એટલી બધી પરમ ઉદાસીનદશા.. કે હજારો લોકો મારા અનુયાયી છે. લાખો મારા ભક્તો છે. આટલા બધા લોકો મને વંદન કરવા આવ્યા છે! કોઈ વિચાર જ સ્પર્શતો નથી એમને! મારું અવતાર કૃત્ય માત્ર એક હતું. સ્વરૂપસ્થિતિમાં જવાનું. બસ એ મને મળી ગયું છે. બસ એમાં જ મારે રહેવાનું છે.
રમણ મહર્ષિના સાધનાકાળની વાત આવે છે. કે એ એક જગ્યાએ ગયેલા. વિરૂપાક્ષી માતાનું મંદિર છે. પ્રસિદ્ધ મંદિર હતું. રમણ મહર્ષિ એ વખતે બિલકુલ અપ્રસિદ્ધ માણસ. પ્રસિદ્ધ બનવું જ નહતું ને એમને! એટલે સામાન્ય સંન્યાસી. પણ ધ્યાનના ઊંડાણમાં એમને જવું જ હતું. તો હવે મંદિર એટલું મોટું કે બહાર તો કોઈ જગ્યા જ ન મળે ક્યાંય. હજારો લોકો બેઠેલા હોય. કોરીડોર માં એટલાં. ચોકમાં એટલાં. ત્યાં એમની નજર ગઈ કે આટલું મોટું મંદિર છે. ભોંયરું છે કે નહિ? તપાસ કરી તો ભોંયરું હતું. ભોંયરાનો પત્તો લગાવ્યો. ભોંયરાનો દ્વાર ખુલ્લો હતો. ત્યાં અંદર પેઠા. ભોંયરાનો વપરાશ તો હતો નહિ. અવાવરુ હતું. જાતજાતના નીચે પ્રાણીઓ અંદર હતા. કીડીઓ, ઘીમેલો, જાતજાતના. એટલે મહર્ષિને લાગ્યું; આ જગ્યા સરસ છે. ભોંયરાનો દરવાજો બંધ કરી દીધો. અંદર બેસી ગયા.
એમના જીવનમાં બનેલી આ ઘટના છે. એકવીસ દિવસ એ પોતાની ભીતર ખોવાઈ ગયા છે. એકવીસ દિવસ..! દેહાધ્યાસથી એટલાં અળગા ગયેલા છે કે ઘીમેલોએ સાથળને આરપાર કોરી નાંખ્યું! આ બાજુથી પેલી બાજુ સુધી! છતાં એમને ખબર નથી કે શરીરમાં કંઇક થઈ રહ્યું છે!
તમે છે ને આ રીતે વાંચો ને તો તમને ખ્યાલ આવે કે એ લોકોનો પાયો કેટલો મજબૂત હતો? આપણે ત્યાં પણ આ જ પાયો હતો. પણ આપણે પાયા વગરના માણસો થઈ ગયા. હું તો માનું છું દીક્ષાના ૧૦ થી ૧૫ વર્ષ પાયાના વર્ષો છે.
હું ઘણીવાર કહું છું કે ભાઈ બે ગુરુ તમારે હોવા જોઈએ. એક તો તમારા ગુરુ જે નામ આપવામાં આવ્યું છે એ. અને બીજા ગુરુ કોણ? ભીંતગુરુ. સ્વાધ્યાય માટે રૂમ હોય તો ગુરુની આજ્ઞા હોય તો રૂમમાં જવાનું. રૂમ નથી. વિહારમાં રૂમો ન પણ હોય. હોલ જ હોય. તો હોલમાં ભીંત સામે મોઢું કરીને બેસી જવાનું. કોણ આવ્યું અને કોણ ગયું, તમારે શું જરૂરત છે જોવાની? આંખ છે ને આપણી ઇન્દ્રિયોમાં સેન્સેટીવમાં સેન્સેટીવ છે. અત્યારે એમ કહેવામાં આવે છે કે ૧૦ સેકન્ડ તમે જો એક પદાર્થને રાગ દ્રષ્ટિથી જુઓ એ પદાર્થ તમારી ભીતર આવી જવાનો. તમારી ચેતનામાં એ છવાઈ જશે. એટલે બીજી ઇન્દ્રિયો ચાલુ હોય કે ન હોય આંખ તો બંધ હોવી જ જોઈએ. કોઇ પણ ધ્યાનમાં બેસો તમારે આંખ બંધ રાખવી જ જોઈએ, પ્રારંભિક સાધક તરીકે. ૨૪ કલાકનું ધ્યાન થઈ ગયું. પછી તમે ખાઓ છો, પીઓ છો, બોલો છો, બધું ધ્યાન છે. એ આખી જુદી વસ્તુ છે. પણ શરૂઆતમાં આંખ બંધ રાખવી જ પડે. તો ભીંતગુરુ. ભીંતની સામે બેસી જાઓ.
બોધિધર્મ બૌદ્ધધર્મના બહુ મોટા ગુરુ થયા. ચીનમાં ગયેલા. એ વખતે એમને કોઈ ઓળખતું નહતું. અને આમને કોઈ પડી પણ નહતી. ભિક્ષુક તરીકેનો ઝબ્ભો હતો એટલે રોટલી-દાળ તો મળવાની હતી, બીજું કંઇ તો જોઈતું નહતું. મોટો મઠ હોય ત્યાં તો સેંકડો લોકો આવતા હોય. તો એ આટલા મોટા પાછળથી જે ગુરુ બન્યા છે. પાયામાં કઈ સાધના હતી? કે કોઇ પણ મઠમાં જાય, ભીંત સામે મોઢું કરીને બેસી જાય. ધ્યાનમાં બેસી જાય બસ. વર્ષો સુધી આ રીતે રહેવાથી ધ્યાનની ઊંડી કક્ષા એમનામાં આવી છે.
એકવાર એવું બન્યું છે કે એક મઠમાં ભીંત સામે મોઢું કરીને બેઠા છે. અને એ વખતે ઇકા નામનો એક સાધક ત્યાં આવે છે. એને કોઈ ગુરુ દ્વારા એવા સમાચાર મળ્યા કે આ સાધુ કંઇ સામાન્ય નથી, એકદમ અસામાન્ય છે. જો એ તને કઇંક બોધ આપે કે એ તને શિષ્ય તરીકે સ્વીકારે; તારું જીવન નીખરી જાય. તો એ માણસ બીજા ગુરુ પાસેથી વાત સાંભળી બોધિધર્મ પાસે આવ્યો. બોધિધર્મ ભીંત સામે મોઢું કરીને બેઠેલા. ઇકાએ કહ્યું; ગુરુદેવ! મારી સામે દ્રષ્ટિ તો કરો. હું તમારી સામે આવ્યો છું. તમને વંદન કરવા આવ્યો છું. મારી સામે દ્રષ્ટિ કરો. એના અવાજ પરથી, એના અવાજના રણકા ઉપરથી બોધિધર્મને ખ્યાલ આવી ગયો કે ખરેખરનો સાધક છે. ગુરુને સિદ્ધિ થયેલી હોય તો વિનિયોગ કરવામાં વાંધો નથી. પણ વિનિયોગ ક્યારે કરવો એ તો ખ્યાલ હોવો જોઈએ ને? અને કેટલી માત્રામાં કરવો જોઈએ?
અમેરિકામાં ચર્ચમાં રવિવારે ભાષણ હતું. દર રવિવારે ત્યાં ભાષણ હોય. તો રવિવારે વરસાદ બહુ હતો. એક જ ખાલી ભાવુક આવેલો. તો ફાધરે કહ્યું; નવ વાગ્યાને, આજે તો વરસાદ છે. કોઈ આવ્યું નથી. એટલે આપણે આજે પ્રવચન મુલતવી રાખીએ. પેલો માણસ ખેડૂત હતો. એ કહે; સર એકવાત સાહેબ તમને કહું, મારી પાસે પચાસ એક ગાયો, ભેંસો બધું છે. ક્યારેક નીરણ નીરુ ને તો બીજી ગાયો ભેંસો બહાર હોય અને બે-ચાર ગાયો આવે ને તો પણ નીરણ તો હું નીરુ જ છું. ફાધર કહે; ઓહ, ઓહ, ઓહ બહુ સરસ તમે વાત કરી હો. મારી ડયુટી મારે પરફોર્મ કરવી જ જોઈએ. ચાલો આપણે પ્રવચન શરૂ કરી દઈએ. રોજની જેમ બે કલાક પ્રવચન આપ્યું. કહે છે, પાછો આભાર માન્યો. તમે કહ્યું ને એટલે આ પ્રવચન આજે થઈ શક્યું. પેલો કહે; પણ સાહેબ મારી વાત કહેવાની અધુરી રહી ગઈ. બે-ચાર ગાય આવે તો આખી ઘાસની ગંજી ના નાંખવાની હોય! આપણા મહાપુરુષો ક્યાં વ્યાખ્યાન આપતા હતા રોજ! પાંચ-દશ મિનીટ બોલે, કેટલી અસર થતી હતી!
તો બોધિધર્મને લાગ્યું, આ સાધક છે. એમને મોઢું ફેરવી નાખ્યું. કેવો વિનિયોગ કરે છે, જુઓ! બોધિધર્મ ખાલી એટલું જ કહે છે, ઇકાને, “ઇકા! મેં મારું મોઢું તારી સન્મુખ કરી નાંખ્યું. તને મારી સન્મુખ મોઢું કરતા કેટલો સમય લાગશે બોલ?” મેં એક સેકન્ડમાં તારી સામે મોઢું કરી નાંખ્યું! ઇકા પણ સમજી ગયો કે ગુરુની સામે જોઉં છું એ વાત ગુરુને અભિપ્રેત નથી. ગુરુની ધારાને હું જ્યારે વફાદાર હોઉં. ગુરુની ધારામાં હું ચાલુ. ત્યારે જ ગુરુની સન્મુખ ગયો કહેવાઉં. ઇકા એ કહ્યું; ગુરુદેવ યોગ્ય લાગતો હોઉં તો દીક્ષા આપી દો. બોધિધર્મે એને દીક્ષા આપી. સાધના આપી દીધી અને એ પણ સિદ્ધ બની ગયા.
એટલે औदसिन्यनिमग्न: – ઉન્મનીભાવની પહેલી સજ્જતા આ – તમે ઉદાસીનદશામાં ડૂબેલા રહો.
