Mumukshu Vachna | 23-05-20 | Navsari Tapovan

15 Min Read

ધ્યાનનું foundation

શબ્દો અને વિચારો પરની તમારી અશ્રદ્ધા – એ foundation થયું. અને એ foundation ઉપર જ રૂપસ્થ વગેરે ચાર ધ્યાન ચાલશે. તમે ખાતા હશો અને વિચારોમાં જો મન અટવાયેલું હશે, તો રૂપસ્થ ધ્યાનમાં જશે કોણ?! વિચારો અને દ્રષ્ટાભાવ બે સાથે ન હોઈ શકે.

પ્રભુના શબ્દોનો સ્વાધ્યાય કરો, અનુપ્રેક્ષા કરો – એ મજાનું છે કારણ કે એના દ્વારા તમે સાધનાના ઊંડાણમાં જશો. પણ કોઈની જોડે વાર્તાલાપમાં એક કે બે શબ્દ વાપરવા હોય, તો પણ વિચારવું છે કે ખરેખર આ જરૂરી છે ખરું? શબ્દ બોલવો એટલે તો ભાષાવર્ગણાના પુદ્ગલોને પકડવા અને છોડવા; એ તો પરમાં જવાની વાત થઇ!

બીજાના શબ્દો પરની તમારી શ્રદ્ધા તમારી ભીતર અહંકાર કે દ્વેષ ઊભો કરાવે. પ્રશંસાના શબ્દો અહંકાર અને નિંદાના શબ્દો દ્વેષ ઊભો કરે. પોતાના શબ્દો પરની તમારી શ્રદ્ધા દુનિયાને બદલી નાંખવાનું કર્તૃત્વ ઊભું કરે. આ પૌદ્ગલિક એવા શબ્દો તમારા વિચારોના સાગરમાં કેટલું તોફાન મચાવે છે! શબ્દોનું મૌન તમને વિચારોના મૌનમાં જવામાં સહાયક થશે.




નવસારી તપોવન વાચના – 50 [23.5.2020]

રથ નગરની બહાર ઉપવન પાસે પહોંચી ગયો. તરત જ મંત્રીએ રથને થોભાવ્યો. અને રાજાને કહ્યું; આપણે હવે ચાલતાં અહીંથી જઈશું. બે જણા ચાલે છે. પણ નિરવ શાંતિ છે. રાજા પૂછે છે; કેટલે દૂર જંગલમાં છે બુદ્ધ ભગવાન? સાહેબ અહીંયા જ છે, ૧૦૦ કદમ દૂર. તું કહે છે; ૧૦,૦૦૦ ભિક્ષુઓ સાથે બુદ્ધ ભગવાન આવ્યાં છે, ૧૦,૦૦૦ માણસો આટલી નજીકમાં હોય ઘોંઘાટ કેટલો હોય! અહીં તો બિલકુલ શાંતિ છે! મંત્રીએ કહ્યું; સાહેબ! ૧૦,૦૦૦ નહિ, ૧૦૦૦ નહિ, ૧૦૦ નહિ, ૫૦ માણસ હોય તો’ય ઘોંઘાટ થાય. માણસ હોય તો! આ ભિક્ષુ છે! એક શબ્દ બોલતાં પહેલા તમે વિચાર કરો કે શું આ શબ્દ બોલવો જરૂરી છે? આ ન બોલું તો કંઈ નુકશાન થાય એમ છે? તો જ તમે એ શબ્દને બોલી શકો. કારણ કે શબ્દ એ બોલવો એટલે શું થયું? પરમાં જવાની વાત થઇ.
ભાષાવર્ગણાના પુદ્ગલોને પકડવા છે. પુદ્ગલોને છોડવા છે. તો પરમાં જવાની વાત થઇ. પ્રભુના શબ્દો છે. તો એનો સ્વાધ્યાય કરો એનો કોઈ વાંધો નહિ. એની અનુપ્રેક્ષા કરો બહુ મજાનું. કારણ કે એના દ્વારા તમે સાધનાના ઊંડાણમાં જશો. પણ કોઈની જોડે વાર્તાલાપમાં એક કે બે શબ્દ વાપરવા હોય તો પણ વિચારવું છે કે ખરેખર આ જરૂરી ખરું? રાજા ગયો બુદ્ધની પાસે. જોયું જંગલમાં વૃક્ષે વૃક્ષે વૃક્ષે મુનિઓ બેઠેલાં. ક્યાંક પાંચ, ક્યાંક દસ, ક્યાંક સ્વાધ્યાય, ક્યાંક ગોષ્ઠી. પણ અત્યંત મૌન… એક છે ને અવાજની માત્રાનો ખ્યાલ રાખવો જોઈએ.
તમે બે ફૂટ દુર રહેલ વ્યક્તિને કંઈક કહો છો ને, તો એ સાંભળે એટલું જ બોલવાનું, ત્રણ ફૂટ દુર રહેલ વ્યક્તિ સાંભળી ન શકે એવું હોવું જોઈએ. ઘણીવાર સાધ્વીજીઓની વાચનામાં હું કહું, કે ગળામાં માઈકની જરૂર અમારે છે અને ભગવાને તમારા ગળામાં માઈક મૂકી દીધું.
એકવાર અમે એમને કહેલું; ૩૦-૪૦ ઠાણા હશે હોલમાં. મેં કહ્યું; સવારથી એક ટેપ રેકોર્ડર ત્યાં મૂકી દો. ગ્રહસ્થ દેખાય ને, ટેપ રેકોર્ડર મૂકી તમારા મકાનમાં. સાંજ સુધી બધું ટેપ થયા કરે રેકોર્ડ. પછી મેં કહ્યું; કે કદાચ કોઈ ખોલે, સાંભળે તો સ્વાધ્યાયના અવાજ સિવાય કોઈ જ અવાજ ન હોય એ નક્કી ખરું? તમે બોલો, શા માટે બોલો? કલાક બોલો. પ્રવચન આપો. તમને ગુરુએ છૂટ આપી હોય તો. પણ બાકી એક શબ્દ બોલતાં પણ વિચાર કરો કે હું શા માટે બોલું છું?
તો આ શબ્દોનું મૌન શું કરશે? વિચારોના મૌનમાં જવામાં તમને સહાયક થશે. એક શબ્દ કોઈએ કહ્યો. ધારો કે તમારી પ્રશંસામાં કહ્યો. તમે તો બહુ સરસ કામ કરો છો. કોઈએ કહ્યું; તમારું ગીત બહુ સરસ, મજા આવી ગઈ. પેલા ભાઈએ અનુમોદનાના લયમાં કહ્યું હોય. એક વાક્ય ખાલી – તમારું કામ સરસ હતું અથવા તમારું ગીત બહુ સરસ હતું; તમારી ભીતર તમારા વિચારોના સાગરમાં એ કેટલું તોફાન મચાવશે! એ જ રીતે કોઈએ ગુસ્સામાં કંઈક કહી દીધું. તો શું થશે? શબ્દોનું મૌન એ રીતે રાખવું છે કે શબ્દો પ્રત્યેની શ્રદ્ધા તૂટી જાય. શબ્દોના મૌનનો અર્થ શું થયો? શબ્દ પ્રત્યેની શ્રદ્ધા તૂટી જાય. મને મારા શબ્દો પરની શ્રદ્ધા ન જ રહેવી જોઈએ. હું બોલું ને આમ થાય, કંઈ ન થાય. મારે ક્યાં બોલવાનું છે? Inverted comma ની અંદર પ્રભુના શબ્દો મારે મુકવા છે. આ બાજુ પણ Inverted comma ને, આ બાજુ પણ Inverted comma; બસ વચ્ચે પ્રભુના શબ્દો. પણ જે ક્ષણે મારા મનમાં અહંકાર આવે, અને મારા શબ્દો ઉપર મને શ્રદ્ધા જ આવે, એ ચાલી શકે નહિ સાધક માટે.
એ જ રીતે બીજાના શબ્દો રફ્લી બોલાયા કે પ્રશંસાના લયથી બોલાયા શો meaning છે? શબ્દ, શબ્દ છે. શબ્દ પૌદ્ગલિક ઘટના છે. એને અને તમારે લેવા-દેવા શું? શબ્દો પર એટલી બધી શ્રદ્ધા થઇ ગઈ છે ખોટી. પોતાના શબ્દો ઉપર પણ, અને બીજાના શબ્દો ઉપર પણ. નવા-સવા પ્રવચનકાર હોય ને, એના મનમાં વિચાર એક જ હોય, કે દુનિયાને હું બદલી નાંખું! પણ પહેલા તારી જાતને બદલ ને!
ભગવાનના સમવસરણમાં જઈ આવેલા આપણે, સાવ કોરા ને કોરા બહાર આવેલા. તો મારા અને તમારા શબ્દોથી કોઈ ભીંજાય? એટલે આપણે ત્યાં એક સરસ વિચારણા છે; કે ગુરુના મનમાં એક વાત સ્પષ્ટ હોય, હું બોલું અને અસર થાય એમ નહિ. સામી વ્યક્તિનું ઉપાદાન શુદ્ધ હોય, એ હળુકર્મી આત્મા હોય તો પ્રભુની વાતો એને સ્પર્શી જશે, મારી નહિ. પણ પ્રભુની વાતો એને સ્પર્શશે ક્યારે? ઉપાદાન એનું શુદ્ધ છે. એકદમ ભીનો ભીનો માણસ છે. એટલે ગુરુ ક્યારેય, નિમિત્ત રૂપ પોતે છે, ત્યારે પોતા ઉપર વજન નહિ મુકે, એ ભાર સામી વ્યક્તિ ઉપર મુકશે. ગુરુ તો કહી દે, મેં સ્વાધ્યાય કર્યો. તમે ન આવ્યાં હોય તો પણ સ્વાધ્યાય ચાલુ હોય, તમે આવ્યાં હોય તો પણ સ્વાધ્યાય ચાલુ રહ્યો. ગુરુ માટે તો સ્વાધ્યાય છે. તમને મળી જાય તો by product. પણ કોઈ પણ સદ્ગુરુની પોતાના શબ્દો પરની શ્રદ્ધા હોતી નથી.
મને એકવાર યુવા પ્રવચનકારોએ પૂછેલું; કે તમારી પરિભાષામાં સફળ પ્રવચનકાર કોણ? તો મેં કહ્યું; કે તમારા શબ્દો પર તમને અશ્રદ્ધા હોય, શ્રદ્ધા ન હોય તમે સફળ પ્રવક્તા. અને બહુ ઊંડું ગણિત છે આમાં. હું આમ કરી નાંખું. હું દુનિયાને બદલી નાંખું. આ અહંકાર જ્યાં સુધી તમારી ભીતર છે ને, ત્યાં સુધી પ્રભુ તમારા કંઠેથી પ્રગટ થવાના નથી. તમારો અહંકાર delete થાય તો જ પ્રભુ તમારા કંઠેથી પ્રગટે. મારે બોલવાનું જ નથી, પ્રભુ બોલી રહ્યા છે.
તો આ શબ્દો પરની અશ્રદ્ધા તમને વિચારમુક્તિ સુધી લઇ જશે. હવે જુઓ, શબ્દો પરની શ્રદ્ધા ગઈ, બરોબર? કેમ ગઈ? કે મારા શબ્દોથી કંઈ કામ થતું નથી. અને કોઈ વ્યક્તિ રફ્લી મને કહે તો એથી મને કંઈ અસર થતી નથી. હા, સદ્ગુરુ બોલે છે અને હું સાંભળું છું ત્યારે સદ્ગુરુએ મને કિંમતી સમય આપ્યો, એવી રીતે ભીનાશ મારી બાજુ હોય, પણ સદ્ગુરુ બાજુ તો પોતાના શબ્દો પરની અશ્રદ્ધા છે. અને આ શબ્દો પરની અશ્રદ્ધા જે છે ને, એ જ વિચારો પરની અશ્રદ્ધામાં પરિણમશે. વિચાર એટલો ઘાતક નથી, જેટલી તમારા વિચાર ઉપરની તમારી શ્રદ્ધા છે. તો એ વખતે વિચાર નથી રહેતો, અહંકાર જ રહે છે.
એક માણસને સારો વિચાર આવ્યો, સત્તર જગ્યાએ કહેતો ફરે! રાખ અને ધૂળ જેવો વિચાર હોય એનો! મને આવો વિચાર આવ્યો હતો! અને પ્રભુના અદ્ભુત વિચારો, અદ્ભુત શબ્દો, શાસ્ત્રમાં હોય એ સાંભળીને એ હલતો નથી! મને આ વિચાર આવ્યો! હું ઘણીવાર કહું; ભાઈ! તને વિચાર આવ્યો કે તે વિચારને ઝડપ્યો? વિચાર તો બાજુમાં રહેલા કોઈ મહાપુરુષે મુકેલો. સારો. તો એમણે છોડ્યો, એ વિચારના મોજાં તારી પાસે આવ્યાં, તું ન્યુટ્રલ હતો, તે પકડી લીધા. વિચારોનું creation તારું નથી. તે માત્ર વિચારોને પકડ્યા છે. તો શબ્દો પરની અશ્રદ્ધા અને વિચારો પરની અશ્રદ્ધા – આ બેય બહુ જ મહત્વના પાયા કોઈ પણ સાધના માટે, કોઈ પણ ધ્યાન માટે છે.
હમણાં એક સરસ ઘટના વાંચેલી. એક પ્રોફેસર હતાં. એમને દુરના કોઈ સ્થળે seminar માં લેક્ચર આપવા માટે જવાનું છે. ટિકિટ આવી ગઈ છે રેલ્વેની. સાંજે બેસવાનું છે ને, સવારે ત્યાં પહોંચવાનું છે. સવારે છ – સાડા છ એ ગાડી ત્યાં પહોંચે, હોટલ પર જાય, નાસ્તો કરીને નવ વાગે હોલ ઉપર હાજર થાય. બધી જ વ્યવસ્થા પેલા લોકોએ કરેલી હતી. પ્રોફેસરને seminar માં બોલવાનું હતું. એમનું નામ પણ બહુ મોટું હતું. પણ એના માટે તૈયારી જે કરવી જોઈએ ને, એ પુરી થઇ નહતી. પણ વિચાર્યું આખી રાતની journey છે ને, તો રાતમાં કામ કરી લઈશું. સાંજે સ્ટેશને પહોંચ્યા. ચાર જણાનો કુપેજ હતો. એટલે ઘોંઘાટની બહુ શક્યતા નહતી. બે પેસેન્જર નીચેની seat પર આવી ગયેલા. પ્રોફેસરે ઉપરની બર્થ પર જમાવી દીધું. પુસ્તકો બધા ખોલી નાંખ્યા. અને પોતાનો આર્ટીકલ લખવાની તૈયારી કરી. ગાડી start થઇ ગઈ. ચોથો પેસેન્જર આવ્યો નહતો.
પા-અડધો કલાક થઇ, નીચે પેલી બાઈ હતી. એ બોલવા લાગી; હે ભગવાન! કેવી તરસ લાગી છે! બાથરૂમમાં તો પાણી પણ નથી આવતું. અને વોટરબેગ મારી ખાલી છે. હે ભગવાન! કેવી તરસ લાગી છે. હે ભગવાન! કેવી તરસ લાગી છે. પ્રોફેસર કહે; હવે આનું પાણીનું પહેલા કરવું પડશે. પછી મારું કામ થશે. ગાડી ઉભી રહી. પ્રોફેસર નીચે ઉતર્યા. બહેનને કહ્યું; તમારી વોટરબેગ લાવો હું ભરી આવું. પેલા ભાઈને પણ કહ્યું; બીજા પેસેન્જરને, તમારી વોટરબેગ લાવો. ત્રણેયની વોટરબેગ મોટી ભરીને આવી ગયા. બહેનને આપી દીધી. પેલા ભાઈને આપી. પોતે ઉપર ચડી ગયા. હવે નિરાંત. પાણી પીધું બાઈએ. પાંચ મિનિટ થઇ અને શરૂ થઇ ગઈ, હે ભગવાન! કેવી તરસ લાગી હતી.! પ્રોફેસરે માથું પટક્યું કે આના માટે કહે વોટરબેગ લઇ આવેલો. એનું ચાલુ જ રહ્યું, હે ભગવાન! કેવી તરસ લાગી હતી. હે ભગવાન! કેવી તરસ લાગી હતી. આપણને એમ લાગે કે બબળાટ નકામો હતો. આપણે કદાચ આવો બબળાટ નહિ કરતાં હોઈએ. પણ ઘટના જે વીતી ગઈ, એના ઉપર વિચાર તો કરીએ જ છીએ. ઘટના વીતી ગઈ! તરસ હતી, પાણી મળી ગયું, પીવાઈ ગયું, વાત પુરી થઇ ગઈ! આવું બને છે ખરેખર? તો તો માણસ જાત તૃપ્ત થઇ ગઈ હોત.! એટલે વિચારો પરની અશ્રદ્ધા એ બહુ મહત્વની વસ્તુ છે.
આપણે ત્રણ ધ્યાન જોયા હતાં; રૂપસ્થ, પદસ્થ, પિંડસ્થ. પોતાની અંદર ઉઠતાં વિકારોને જોવા એ રૂપસ્થ ધ્યાન હતું. તમે કહેશો આમાં શું કર્યું? ચા પીવો છો. આસક્તિ થઇ. આસક્તિને કાઢવાની વાત નથી અહીં. આસક્તિને જોવાની વાત છે. તો શું આ સાધના કહેવાય? હા, સાધના છે ને મોટી સાધના છે! કારણ – અત્યાર સુધી તમે તમારા વિચાર અને તમારા વિભાવ રાગ-દ્વેષ વિગેરે એકરૂપ થઇ ગયા હતાં. તમે ક્યારેય આસક્તિથી તમારી જાતને છૂટી પાડેલી? દ્વેષ થઇ રહ્યો છે, હું કરું છું એમ નહિ. દ્વેષ થઇ રહ્યો છે પણ દ્વેષનો કરનાર ‘હું’ નથી, ‘હું’ દ્વેષનો જોનાર છું. તો જ્યાં તમે જોનાર આવ્યાં, તો એ અલગાવ બિંદુ થઇ ગયું. Detachment. Attachment માટે સીધું detachment થઇ ગયું. આસક્તિ સાથેનું જે વળગણ હતું, જોડાણ હતું, એ તત્પુરતું તો દુર થયું. એટલે તમે જ્યારે આસક્તિને જુઓ છો ત્યારે તમે આસક્તિ નથી જ. એટલે આ તમે પ્રયોગ કરો; તમે success જવાના. ટેસ્ટી વસ્તુ છે. ખરેખર આપણે છોડી દઈએ તો better રહે કે ખાઈએ જ નહિ એ. જે વધુ ભાવે છે એને નહિ ખાવાની, બરોબર? અમારા બાલમુનિઓ ત્રણ છે હમણાં. તો બે વર્ષ સુધી ટ્રેનીંગ માં હતા. તો ભડથમાં એકવાર મેં પ્રવચનમાં કહેલું, વાચનામાં, કે આસક્તિ જે છે એ થવી ન જોઈએ. શરીર છે તો ભોજન લેવું પડ્યું, આસક્તિ ન થવી જોઈએ. એક દીકરાએ મીઠાઈનો ત્યાગ કર્યો, એ દિવસ માટે. એ જમવા ગયો તો વેઈટરે સ્વીટ પીસ મૂકી દીધો. હવે? એઠું તો મુકાય નહિ. સ્વીટ પીસને ચૂરી નાંખ્યો. એમાં નાંખી દાળ અને ખાઈ ગયો.
તો રૂપસ્થ ધ્યાન બહુ જ મહત્વનું છે. જુઓ..! વિકાર ઉઠે છે. જુઓ..! પછી એ જુઓ, કેમ ઉઠ્યા? પગેરું લો. દ્વેષ થયો, પણ કેમ થયો દ્વેષ? ગુસ્સો કેમ આવ્યો? એ વ્યક્તિમાં કંઈ ખરાબી હતી, તમે જોઈ. તમને ગુસ્સો આવ્યો. શું તમને અધિકાર ખરો? બીજાના દોષ જુઓ એ પહેલો ગુનો તમારો. દોષ જોઇને એના ઉપર ગુસ્સો કરો એ બીજો ગુનો તમારો. અને પ્રભુની આજ્ઞાની વિરુદ્ધ ચાલ્યા એ ત્રીજો ગુનો. તો આત્મ-નિરીક્ષણ માટે રૂપસ્થ ધ્યાન બહુ જ મજાનું છે. જેટલું practical થશે રૂપસ્થ ધ્યાનનું, તમને લાગશે, રાગ-દ્વેષ અહંકારનો વરઘોડો ચાલે છે; તમે ટ્રાફિક સર્કલ પર ઉભા ઉભા જોઈ રહ્યા છો. તમારે એની જોડે કોઈ નિસ્બત નથી. કેટલું સરળ કરી આપ્યું, બોલો?
‘રહત વિકાર સ્વરૂપ નિહારી, તાકે સંગત મનસાધારી; નિજ ગુણ અંશ લહે જબ કોય, પ્રથમ ભેદ તિણે અવસર જોય’ તો શબ્દો પરની અશ્રદ્ધા અને વિચારો પરની અશ્રદ્ધા આવી ગઈ, એ foundation થયું. અને એ foundation ઉપર જ આ ચાર ધ્યાન ચાલશે. તમે ખાતા હશો અને વિચારોમાં મન અટવાયેલું હશે તો રૂપસ્થ ધ્યાનમાં જશે કોણ? બોલો વિચાર અને દ્રષ્ટાભાવ બે સાથે રહી શકે? વિચારમાં તમે નથી, તમારું મન છે. તમે દ્રષ્ટા તરીકે આવ્યાં, observer તરીકે, ત્યારે તમે છો. તમે ‘માત્ર અને માત્ર’ દ્રષ્ટા છો. પરભાવના કર્તા તમે નથી જ! તો હવે practical કરજો. બરોબર..!

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *