_હું_ એટલે કઠપૂતળી
સાધના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમે કરો પણ એનો અહંકાર સહેજ પણ તમારી ભીતર ન આવે એની ચોકસાઈ રાખો. કોઈ તમારી સાધના વિશે જાણી જાય એ અલગ વસ્તુ છે પણ તમારો પોતાનો પ્રયત્ન એ જ હોય કે તમે તમારી સાધનાને ગુપ્ત રાખો જેમ કે રાત્રે તમે ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ કરો છો, તો કોઈને ખ્યાલ પણ આવવાનો નથી.
અહંકારને delete કરવાની દિશામાં બે રીતે કામ થઈ શકે. એક તો, અહંકારને તમે સમજી લો અને અહંકાર શિથિલ બને – એ રીતે કામ શરૂ કરી શકાય. અને બીજું, નમસ્કાર ભાવમાં તમે જાઓ અને અહંકાર છૂટી જાય – આ રીતે પણ કામ થઇ શકે.
આ _હું_ છે શું?! કોઈ કહે કે તમે બહુ સારા, તો રતિભાવની ભરતી. કોઈ કહે કે તમારા કોઈ ઠેકાણા નહિ, તો અરતિભાવની ભરતી. આ _હું_ તો કઠપૂતળી થઈ ગઈ ને? બધા એને નચાવે એમ _હું_ નાચે! આ રીતે તમે જો તમારા અહંકારને સમજી શકો, તો પણ ઘણી મોટી વસ્તુ છે અને તમને તમારા આ _હું_ ઉપર હસવું આવે, એ દિવસે તો લાપસીનું આંધણ મૂકવાનું!
નવસારી તપોવન વાચના – 35 [2.5.2020]
સુક્ષ્મ તપાચારમાં અભ્યંતરતપના છ પ્રકારો. વિનય અને વૈયાવચ્ચ દ્વારા અહંકાર શિથિલ બને છે.
એક સાધકની જાગૃતિ કેવી હોય? હિંમતભાઈ બેડાવાળા જેવા સાધકો હતા. લગભગ ઘરે આયંબિલ કરતા. કારણ – એ પ્રસિદ્ધ વ્યક્તિત્વ. આયંબિલશાળામાં જાય, પાંચ કે દસ મિનિટમાં એક-બે દ્રવ્યો વાપરીને એમને ઉભા થઈ જવું હોય. લોકો અનુમોદના કરે, એ બરોબર છે; પણ એમની એક જાગૃતિ હતી કે આના કારણે સુક્ષ્મ અહંકાર તો મને નહિ આવી જાય ને? એટલે સાધના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તમે કરો. પણ એનો અહંકાર સહેજ પણ તમારી ભીતર ન આવે એની ચોક્સાઈ રાખો. એના માટે આપણી સાધનાને ગુપ્ત રાખવાનું કહ્યું છે. કોઈ જાણી જાય એ અલગ વસ્તુ છે. તમારી કોશિશ એ હોય કે તમે તમારી સાધનાને ગુપ્ત રાખો. અમુક સાધના એવી છે જે તમે ગુપ્ત રાખી પણ શકો. ૧૦૦ લોગસ્સનો કાઉસગ્ગ રોજ તમે કરતા હોવ, કે ૧૦૦ ખમાસમણ દેતા હોવ. રાત્રે તમે કાઉસગ્ગ કરો છો તો કોઈને ખ્યાલ પણ આવવાનો નથી. તો આપણી સાધના આપણે એ રીતે કરવી છે કે બીજાને ખ્યાલ ન આવે.
એકવાર હું શંખેશ્વરતીર્થમાં જંબુવિજય મહારાજ સાહેબ જોડે બેઠેલો હતો. એક ભાઈ આવ્યા. સાહેબને પણ અપરિચિત હતા. મારે પણ અપરિચિત હતા. એમણે વાત શરૂ કરી કે આટલા સમયથી મારે આયંબિલ ચાલે છે. આયંબિલમાં માત્ર આટલી જ રોટલી મારે લેવાની. દાળ પણ મીઠા વગરની લેવાની. રોટલી પણ સીમિત જ. દાળ પણ સીમિત જ. બે જ દ્રવ્યથી આયંબિલ. અને આટલા વર્ષોથી હું કરું છું. ઠીક છે, સામાન્ય તયા આ વાત કરી હોત તો ય વાંધો નહતો. પણ પછી એની ગાડી તો ત્યાં ગઈ. શું બધા આયંબિલ કરે છે? આયંબિલ કરવા આવે છે કે ટેસ્ટ કરવા આવે છે? ગરમ ઢોકળા ખાવા છે. ગરમ પુડલા ખાવા છે. હવે શિષ્ટાચાર એવી બલા છે કે આપણે સાંભળવું જ પડે! પેલો ગયો પછી સાહેબ બગડ્યા. મને કહે, આ શું બક-બક કરતો હતો? મારી સાધના આવી, અને મારી સાધના આવી.. પછી સાહેબે શબ્દો વાપર્યા, કે અલ્યા, તારા કરતા એક કબૂતરની સાધના વધી જાય.! તું તો ઘઉંને દળાવીને, રોટલી કરીને ખાય છે, પેલા સીધા જ ઘઉંના દાણા ખાઈ જાય છે. તારા કરતા મોટા તપસ્વી એ કહેવાય.
એટલે બે વાત છે. અહંકારને તમે સમજી લો, અને અહંકાર શિથિલ બને તો એ રીતે પણ કામ શરૂ કરી શકાય. નમસ્કાર ભાવમાં તમે જાઓ તો અહંકાર છૂટી જાય, આ રીતે પણ કામ થઇ શકે. એક વાત સમજવાની, આપણા સ્તર ઉપર. અહંકારને Delate કરીશું – આવી ભ્રમણામાં મારે પણ રહેવું નથી, તમારે પણ રહેવું નથી. અત્યારની આપણી સાધના જોતા આપણે અહંકારને delate કરીએ એવું માનવું વધારે પડતું છે – over-estimation છે. પણ તમે જો તમારા અહંકારને સમજી શકો ને તો પણ ઘણી મોટી વસ્તુ છે, અને તમને તમારા ‘હું’ ઉપર હસવું આવે એ દિવસે લાપસીનું આંધણ કરવાનું.
આ શું છે ‘હું’? આ બધાને નચાવે છે ને, ‘હું’ નાચું છું. આ ‘હું’ તો કઠપુતળી થઈ ગઈ ને? એનું પોતાનું સ્વતંત્ર કોઈ વ્યક્તિત્વ ન રહ્યુ! કોઈ કહે; તમે બહુ સારા તો રતિભાવની ભરતી. કોઈ કહે; તમારાં કોઈ ઠેકાણા નહિ તો અરતિભાવની ભરતી! આ શું માંડ્યું છે પણ? આખી જ સ્વિચીસ બીજાના હાથમાં.! પંખો તમારે ત્યાં છે અને સ્વિચ બીજાને હાથમાં છે. એની ઈચ્છા હોય તો કરે અને ન ઈચ્છા હોય તો ન કરે. ઠંડીમાં કરે અને ગરમીમાં ન કરે. બીજાના હાથમાં સ્વિચ હોય તો શું થાય? તમે ઈચ્છો ત્યારે તમને એનો લાભ મળવાનો નથી. તો અહંકારને સમજી પણ શકાય ને; અને આપણા હું ઉપર મુક્ત મને હસી શકાય ને; તો પણ ઘણું બધું છે.
આ ‘હું’ છે શું પણ? આમાં શું છે? ગંદકી સિવાય બીજું છે શું? ઉપર ચામડી મઢાયેલી છે, આ નીકળી જાય ત્યારે શું થાય?
પેલા ગુરુ આ જ નમસ્કારભાવની દીક્ષા પેલા પ્રોફેસરને આપી રહ્યા છે. પહેલા અઠવાડિયે શીખવાડ્યું. How to bow? કઈ રીતે ઝૂકવું? હવે એ ઝૂકવાને ઊંડાણમાં લઇ જાય છે. કે તું માત્ર મને ઝુકે એ ન ચાલે. મારા બધા જ ભિક્ષુઓને તું ઝૂક. પછી તો એવું બન્યું કે વાચના કદાચ દોઢ કલાક ચાલે ગુરુની. અને વંદન કરવાનું કામ એનું બે કલાક ચાલે. કારણ કે વિધિપૂર્વક એને ઝૂકવું હતું. આપણે વિધિ ખાતર કરીએ છીએ. એ વિધિપૂર્વક કરતી હતી.
આપણે વંદન કેમ કરીએ? વિધિ છે. કરી લો ભાઈ. અને એને વિધિપૂર્વક કરવું હતું.! એક-એક જગ્યાએ જોતી. હું ખરેખર ઝુકી શકું છું? મારો અહંકાર નીચે ઉતરે છે?
બે અઠવાડિયા પુરા થયા. ત્રીજા અઠવાડિયે ગુરુએ ત્રીજી સાધના આપી – કે આશ્રમમાં જે રસોઈયાઓ, કર્મચારીઓ છે બીજા, એ બધાને પણ તારે રોજ ઝૂકવાનું. કારણ કે એ બધા જ ભવિષ્યના સિદ્ધો છે. સિદ્ધત્વ એમની ભીતર છુપાયેલું જ છે. એટલે તારે એ સિદ્ધત્વને નમસ્કાર કરવાના છે. એટલી surrender એ પ્રોફેસર હતી. ગુરુ કહે, પછી વિચારવાનું છે જ નહિ. એક મહિનો માત્ર સદ્ગુરુનો.! તમે કેટલો ટાઈમ આપી શકો બોલો? વરસમાં એક મહિનો સદ્ગુરુનો. કરી શકો? કે મારે કંઇ વિચારવાનું નહિ અને મારે કંઇ કરવાનું નહિ, કે જે આજ્ઞા હોય એ પ્રમાણે ચાલવાનું. મારું મન પણ ગુરુને અધીન બની જવું જોઈએ. આવી રીતે એક મહિનો આપી શકો? આપણે વાત તો કરીએ જીવન આખું સોંપી દીધું.
એક વાર મને એક ભાઈએ પૂછેલું કે સાહેબ! હું પ્રભુ તારો અને તું પ્રભુ મારો એ તો જ્ઞાનવિમલસૂરી મહારાજની સ્તવના છે. એ તો બોલી શકે કે પ્રભુ હું તારો થઈ ગયો છું. હું કેવી રીતે બોલી શકું? મેં એને કહ્યું કે જ્ઞાનવિમલસૂરી મહારાજે વિધાનના સ્તર ઉપર એ વાક્ય ઉચ્ચાર્યું કે હું તારો થઈ ગયો છું. આપણે લોકોએ પ્રાર્થનાના લયમાં એ શબ્દ ઉચ્ચારવાના કે પ્રભુ મારે માત્ર અને માત્ર તારા થવું છે. તું કોઇ પણ રીતે કૃપા કર. અને હું માત્ર તારા ચરણોમાં ઝુકી જઉં એવું તું કરી આપ.
તો પહેલી જ વાત આપણે વિચારી હતી. શરણ સ્વીકાર થાય ક્યારે? તમે તમારી જાતને અસહાય માનો ત્યારે. પ્રભુનું શરણ શબ્દોની વાત છે ને? ખરેખર પ્રભુના શરણે આપણે છીએ? પ્રભુ ગયા. આજ્ઞારૂપી દેહને મુકીને ગયા છે. તો આપણે પ્રભુની આજ્ઞાના શરણે ખરા? તો હું પ્રભુ તારો બન્યું નથી, પણ પ્રભુ મારે તારા બનવું છે, તું બનાવી આપ.
તો એના માટે workshop ની રૂપે કામ કરવું પડશે. અત્યારે કરો છો એ રીતે કાંઈ result મળવાનું નથી. મળ્યું? આત્મસંતોષ વિના બીજું કોઈ result મળ્યું? આત્મસંતુષ્ટિ મળી. આજે તો ૧૦૦૦ નો સ્વાધ્યાય થઈ ગયો. આજ તો આયંબિલ થઈ ગયું. આજ તો આમ થયું. આજે આમ થયું. પણ ખરેખર આંતરિક પરિણતિમાં તમે ક્યાં પહોંચ્યા? આંતરિક પરિણતિ હતી એની એની એ જ છે. નિમિત્તો મળવા જોઈએ. દ્વેષનું નિમિત્ત મળ્યું, દ્વેષની ધારામાં. અહંકારનું નિમિત્ત મળ્યું, અહંકારની ધારામાં. તો ખરેખર કામ કરવું હોય ને, તો સદ્ગુરુના ચરણોમાં જીવન સમર્પિત કરી દેવું જોઈએ. હું જે વિચારીશ એ પણ તમારી આજ્ઞાપૂર્વકનું જ હશે. અને એક સેકન્ડ કે બે સેકન્ડ કે પાંચ સેકન્ડ પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ વિચાર મને આવી જશે તો ગુરુદેવ તમારી પાસે આવીને હું પ્રાયશ્ચિત કરી દઈશ.
હું શિષ્યને ક્રિસ્ટલ ક્લીન હાર્ટેડ કહું છું. સ્ફટિક જેવો પારદર્શી. તમારે આમ પણ કશું ખાનગી હોય જ નહિ! જે પણ થયું, સદ્ગુરુને સમર્પિત કરી દો! તમારો કચરો લેવા પણ સદ્ગુરુ તૈયાર છે.!
તો ત્રીજા અઠવાડિયે આ કામ ચાલુ થઈ ગયું. રસોઈયાઓને ઝૂકો, નોકર-ચાકરને પણ ઝૂકો. અને પછી એ ધારામાં પ્રોફેસર એટલાં ઊંડા ગયા કે એ જે હોટલમાં ઉતર્યા હતા ને, એ હોટલના કર્મચારીઓને પણ thanks. Thanks. Thanks.. કહેવા લાગ્યાં પોતે.. પાણીનો ગ્લાસ કો’કે મુક્યો,thanks, તારો આભાર ભાઈ.!
ઘણીવાર છે ને, સામાન્ય માણસોમાં અસામાન્ય ગુણો હોય છે. માત્ર આપણી દ્રષ્ટિ હોવી જોઈએ જોવાની. આપણે પાલીતાણાથી શંખેશ્વર આવીએ ને તો લખતર વચ્ચે આવે. લખતરમાં બે ઉપાશ્રયો. દેરાવાસીનો અને સ્થાનકવાસીઓનો. દેરાવાસી ઉપાશ્રયમાં સંતો ઘણા હોય તો પછી સ્થાનકવાસી ઉપાશ્રયમાં ઉતરવાનું. એકવાર અમે લોકો સ્થાનકવાસી ઉપાશ્રયમાં ઉતરેલા. સામે જ એક મોચી ભાઈ હતો. ફૂટપાથ પર. ઝાડની નીચે બેઠેલો. એક લાકડાનું ખાલી ખોખું એની પાસે. એમાં થોડા ઓજાર. જૂત્તા લોકોના સરખા કરી આપે. પણ એવો સંતોનો એ પુજારી કે જ્યાં કોઇ પણ ઉપાશ્રય ખુલેલો જુવે. તરત આવી જાય. મહારાજ સાહેબ તમે વિહારમાં છો. તમારા મોજા ફાટી ગયા હશે. મને આપી દો. કોઈ ના પાડે તો પરાણે લઇ જાય. અને એ પહેલું કામ પતાવી બપોરે ત્રણ-ચાર વાગે પાછો આપવા આવી જાય. એને ખબર હોય કે સાંજે પાછો લગભગ વિહાર થવાનો હોય.
તો અમારા પણ બધાના મોજા લઇ ગયો. સાંજે ચાર વાગે ફરી પાછા એ ભાઈ આવ્યા. બધાને મોજા આપી દીધા. ઓળખે પાછો! આ મહારાજ સાહેબ નો આ મોજો. આ મહારાજ સાહેબનો આ મોજો. એ વખતે એક ભાઈ વંદન કરવા માટે આવેલા. એમણે આનું ખોખું જોયું, અને આ ભક્તિ જોઈ. બેઉ જોયા. આ માણસ શું કમાય? શું ખાય? શું ખવડાવે? તો’યે આટલી ભક્તિ એની પાસે! ખીસામાં હતા એટલા પૈસા બધા કાઢ્યા, ગણ્યાં વગર, ૫૦૦-૭૦૦-૧૦૦૦ જે હોય તે. પ્રેમથી કહ્યું; ભાઈ આ સ્વીકારો ને? તમે આટલી સરસ સેવા કરો છો. હું તો આવી સેવા સંતોની કરી શકવાનો નથી. તો તમારી સેવા કરું તો મને પણ લાભ મળે. પેલા ભાઈએ સ્પષ્ટ કહ્યું; કે સંતોની સેવાનો બદલો ક્યારેય પણ લઇ શકાય નહિ. એક પણ પૈસો તમારો હું સ્વીકારીશ નહિ. હા, તમારે તમારા જૂત્તા પોલીસ કરાવવા હોય. તો સામે આવી જાઓ. પોલીસ કરી આપીશ. પછી તમે જે આપશો એ લઇ લઈશ. આમાં તો એક પણ પૈસો હું ક્યારેય પણ સ્વીકારતો નથી. ત્યારે લાગે કે સામાન્ય માણસ કેટલી ઉંચી કક્ષાએ પહોંચેલો હોય.
એક વાર અમે લોકો વિહારમાં હતા. સાંજનો સમય. અને ઉનાળો હતો. હું વ્હીલચેરમાં બેઠેલો. અને ભરત ચલાવતો હતો. એમાં એક પરબ જોઈ એણે, રોડથી થોડે દુર. એને પાણી પીવાની ઈચ્છા થઈ. એટલે વ્હીલચેરને પરબ તરફ લીધી. જ્યાં પેલા પરબવાળા ભાઈએ જોયું, સંત આવી રહ્યા છે. શું એનો ભાવ..? હું તો જોતો જ રહ્યો! લોટાને વિછળ્યો એણે. અને વિછળીને એમાં પાણી ભર્યું. ગ્લાસ તો એકદમ ધોઈ નાંખ્યો, વિછળ્યો, એમાં પાણી ભર્યું. થાળીની અંદર લોટો અને ગ્લાસ મુક્યા. અને ભગવાન પાસે જતો હોય ને, એ ભાવથી સામે આવ્યો! લ્યો પ્રભુ! પીઓ. તો ભરતે કહ્યું કે બાપુને તો આ પાણી ચાલે નહિ. એમને તો ઉકાળેલું પાણી હોય એ જ કામ આવે છે. અને એ તો અમારી પાસે છે. મને તરસ લાગી છે. ઓહો, આવો આવો આવો. તમે ય ભગવાન જ છો ને.! કહે છે, તમે ય ભગવાન જ છો ને, કહે છે! આ ભર-ઉનાળામાં આ રીતે સંતની સેવા તમે કરો છો; તમે ભગવાન જ છો! એક સામાન્ય લોકોમાં કેટલી બધી ભક્તિ હોય છે!
મારા સુઈગામના પ્રવચનોમાં હિંદુ લોકો ઘણા આવતાં. આપણા જૈનોના તો ૨૦૦ લોકો માત્ર. ૭૦૦-૮૦૦ લોકો હિંદુઓના. પણ હું મારા પ્રવચનમાં કહેતો કે આ પાંડાલમાં કોઈ જૈન નથી, કોઈ હિંદુ નથી, બધા જ ભક્તો છે. જેની આંખમાં ભગવાન દેખાય એ બધા ભક્ત જ હોય. અને એના માટે મને પોતાને લાગે છે કે હિંદુભાઈ, હિંદુ બહેન આવો શબ્દ જ આપણે વાપરવો જોઈએ. ઈત્તર-જૈનેતર – આવા શબ્દો નહિ વાપરવા જોઈએ. એકદમ પ્રેમથી.. એ હિંદુ ભાઈઓનો જે પ્રેમ હોય છે, તમે જુઓ ને?
અમે લોકો પાલીતાણાથી ઉના-અજાહરા બાજુ ગયેલા. તો ઉના અમે જવાના હતા. રસ્તામાં એક જગ્યાએ ૨૨ કિલોમીટરનો સીધો વિહાર હતો. આ ગામ તો આવી ગયા. આવતું ગામ ૨૨ કિલોમીટરે હતું. મેં કીધું, ૨૨ કિલોમીટર તો ચલાય નહિ સવારે. ૭-૮, સાંજે કોઈ ગામ આવતું હોય તો સુઈ જોઈએ. સવારે પહોંચી જઈએ. તો સુવા માટે કોઈ વાંધો નથી. ગમે ત્યાં જઈને સુઈ જવું છે. ત્યાં દેરાસર પણ નથી. ૮ કિલોમીટર છે ત્યાં. ઉપાશ્રય પણ નથી. પણ સાધુને ક્યાં વાંધો છે? અને સાંજે પહોંચ્યા ત્યાં. રોડ ઉપર જ હાઈસ્કુલ. વિચાર્યું કે ગામમાં જવાનું કામ નથી. ગામમાં દેરાસર હોત તો જઈ આવત. તો હાઈસ્કુલના વોચમેનને પૂછ્યું કે ભાઈ રાતવાસો અહીં કરવો છે. અરે, મહારાજ પધારો-પધારો. આ તો સંતોનું જ છે બધું. તો સૌરાષ્ટ્રની ભક્તિ તો જોરદાર પાછી. આ બધું બાપજી સંતોનું જ છે. તમારું જ છે, અમારું કાંઈ નથી! અમે તો વહીવટ કરીએ ખાલી.! સહેજ ગરમી જેવું હતું. અમે કીધું પરસાળમાં સુઈ જઈશું. ના, મહારાજ એમ ન ચાલે. તમે અમારા મહેમાન છો. ના પાડી તો ય બે-ત્રણ રૂમ ખોલી નાંખ્યા. પછી સાધુઓ કાજો લેતા હતા. કાજો લેવાનું ચાલ્યું. અમે બેઠા. કે પ્રતિક્રમણ શરૂ કરીએ હવે. ત્યાં જ પેલો વોચમેન તો ગામમાં પહોંચી ગયેલો. ગામના આગેવાનો ને કહ્યું કે સંતો આવ્યા છે.
એક હિંદુ લોકોની ખાસિયત જુઓ. સંત એટલે સંત બસ.! અને તમને ખબર છે? હિંદુ લોકો સંત માટે મૂર્તિ શબ્દનો પ્રયોગ કરે છે! આપણે કહીએ ને કેટલા ઠાણા છો? એ લોકો પૂછે કેટલી મૂર્તિ છો મહારાજ? ખ્યાલ છે? તો કેટલો સરસ શબ્દ છે! કેટલી મૂર્તિ છો મહારાજ સાહેબ? મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય, આ હાલતી-ચાલતી ભગવાનની મૂર્તિ, આટલો ભાવ છે એમનો.!
તો સંતો આવ્યા છે ખબર પડી. ગામના પાંચ આગેવાનો દોડતા આવ્યા. બેઠા. સુર્યાસ્ત તો થઈ ગયેલો. એ લોકો આવીને બેઠાં. જૈન સંતો એ ગામમાં લગભગ આવેલા નહિ. એટલે એ કહે કે મહારાજ સાહેબ તમારા નીતિ-નિયમો શું હોય, એ અમને ખબર નથી, પણ સાંજના વાળું કરવાનો ટાઈમ તો હવે થાય છે. એટલે હવે તમારી શું પદ્ધતિ હોય, અમને સમજાવો. બ્રાહ્મણ મહારાજ પાસે રસોઈ કરાવીએ તો તમને ચાલે, કે અમારે ઘરે પ્રસાદ લેવા તમે આવો? મેં કીધું કે ભાઈ દિવસ હોય તો તમારે ત્યાં જ આવીએ. અને લઇ લઈએ થોડુક. અને અમારા ઉતારે આવીને ભિક્ષા વાપરી લઈએ. પણ સુર્યાસ્ત થઈ ગયો એટલે હવે અમારે પાણીનું ટીપું પણ કામ આવે નહિ. ઓ મહારાજ આ તમારો નિયમ છે. એ ધરમ તો પાળવો જ પડે બધાએ. કેટલા સરળ હોય છે એ લોકો! તમારો ધરમ તો તમારે પાળવો જ પડે ને? પણ મહારાજ બિસ્તર-બિસ્તર તો લઇ આવીએ? મેં કીધું, ભાઈ! આ ઉપાડીને આવ્યા છીએ, પાથરીને સુઈ જઈશું. અચ્છા મહારાજ! તમારે બિસ્તર પણ કામ નહિ આવે અમારા એમ? તો ફાનસ તો લાવીએ? રાત્રે લાઈટ-બાઈટ જતી રહી તો? મેં કીધું, ભાઈ! અમે તો અમારી ક્રિયા કરશું હમણાં. પછી ઊંઘી જઈશું. વહેલી સવારે પાછું ઊઠવાનું છે અમારે. હવે ક્યાં રાત્રે હિસાબ કરવો છે કે ફાનસ જોઈએ.! એ લોકો અફ્સોસ કરે, મહારાજ તમે અમારા ગામમાં આવ્યા.. અમારો ખોરાક ન લો, પાણી ન લો, બિસ્તર ન લો, ફાનસ ન લો. તો અમને શું લાભ મળ્યો? મેં કીધું; અરે, તમે આટલો સરસ ઉતારો અમને આપ્યો.! આખી રાત આરામથી અમે રહી શકશું અહીંયા.! આ કંઇ મોટી વસ્તુ છે, નાની વસ્તુ નથી આ.! પછી કહે મહારાજ! કથા કરશો? હા, કથા કરીએ. મેં કીધું અમારે અડધો-પોણો કલાકની ક્રિયા હોય છે. કરી લઈએ. પછી તમે આવી જાઓ. ગામડામાં ઢોલ પીટે. સાદ પાડે. હાઈસ્કુલમાં જાઓ, બધા પ્રવચન છે. આખું મેદાન ભરાઈ ગયું, સ્કુલનું.! એક કલાક પ્રવચન પણ આપ્યું. તો આવો ભાવ, એ લોકોનો હોય છે!
સુઈગામમાં મેં જોયેલું કે આપણા લોકો તો દોડતા-દોડતા વ્યાખ્યાનમાં આવે ગમે ત્યારે. હિંદુ ભાઈઓ પહેલા આવી જાય. એ હિંદુભાઈઓ મને કહેતા કે ૮-૮.૧૫ થાય ને, અમારા ઘરમાં ધમાલ મચે. કથામાં જવાનું છે, કથામાં જવાનું છે, કથામાં જવાનું છે. ચોમાસા પછી હું પગલાં કરવા ગયો બધાના ઘરે, દિવાળી આસપાસ, ત્યારે ખબર પડી, કેટલાક લોકો દોઢ કિલોમીટર દુર ખેતરમાં હતા. કેટલાક લોકો બે કિલોમીટર દુર ખેતરમાં હતા. ચાલીને કે ટ્રેક્ટરમાં કે બાઈક ઉપર રોજ ટાઈમસર આવી જવાનું. અને સર્વમંગલ થયા પછી ઊઠવાનું નહિ તરત. હું રેમ્પ ઉપરથી પસાર થઉં. ત્યારે બધા જ ભાઈ-બહેનો હાથ જોડીને ઉભા રહે. અને હું નીકળી જાઉં, પછી જ એમને નીકળવાનું. જૈન ભાઈઓ ગુટલી મારી દે! અને એ ગામડાના અનુભવોએ મને સમજાવ્યું કે એ લોકો જે પામી જાય છે ને, અદ્ભુત્ત પામી જાય છે! એમનું જીવન આખું પલટાઈ જતું હોય છે.
તો ત્રીજા અઠવાડિયે સાધના એ આવી – નોકર-ચાકર ને પણ ઝૂકો.! બધાને ઝૂકો.! અને ચોથે અઠવાડિયે સાધના આપી કે આશ્રમના કેમ્પસમાં રહેલા વૃક્ષોને પણ ઝૂકવાનું.! વૃક્ષો પણ ભવિષ્યનો સિદ્ધાત્મા છે.
એકવાર હું વિહારમાં હતો. ભીલડીયાજી થી અમે લોકો ડીસા જતા હતા. વચ્ચે વાઘપુરા વિહારધામ. તો ઉનાળો હતો. ગરમી ૪૨-૪૩ હતી. પણ વાઘપુરામાં વૃક્ષો બહુ હતા. અને વૃક્ષોને કારણે બે-ત્રણ પોઈન્ટ ગરમી ઓછી લાગે આપણને. તો બપોરે મારી વાચના હતી. મુમુક્ષુ, ભાઈઓ, બહેનો બધા આવી ગયા. મેં એમને પહેલા પૂછ્યું કે ગઈ કાલે ગરમી બહુ હતી. અને એટલે તમે સ્વાધ્યાય બરોબર કરી શક્યા નહતા. સવારે કર્યો હતો. બપોરે તો નહતા કરી શક્યા. આજે સવારે અને બપોરે સ્વાધ્યાય કરી શક્યા? તો કહે; હા. મેં કીધું કારણ શું? તો કહે, સાહેબ! આજે ઠંડક છે. મેં કીધું ઠંડકનું કારણ શું? આ સેંકડો વૃક્ષો. જે વૃક્ષોએ તમને આજે સ્વાધ્યાય કરાવરાવ્યો. એ વૃક્ષોને તમે ઝુકી આવ્યા? મેં કીધું, અત્યારે ગરમી છે વાંધો નહિ પણ સાંજના ટાઈમે વૃક્ષોને પણ શાતા પૂછી આવજો.
પંન્યાસજી ભગવંતની આ જ ધારા હતી. મૈત્રીભાવ તમારો એટલો બધો પ્રબળ બનાવો કે એમાં એક પણ પ્રાણી કે એક પણ જીવ-જંતુ પણ બાકાત ન રહે! અને એ મૈત્રીભાવ તમારો વિસ્તરે, એ નમસ્કાર ભાવ તમારો વિસ્તરે; અહંકારને રહેવાની જગ્યા ક્યાં મળશે?
હેમચંદ્રાચાર્ય મહારાજની નિશ્રામાં કુમારપાળ રાજાએ પાટણથી સિદ્ધગિરીનો સંઘ કાઢ્યો. કુમારપાળ રાજા ચાલતા આવે. પણ મોડું બહુ થાય. સંઘ આખો પહોંચી જાય પછી કલાક-બે કલાકે આવે. હવે સામા ગામ વાળાને સ્વાગત કરવું હોય. તો રાહ જોવી પડે. તો એકવાર હેમચંદ્રસૂરી મહારાજે કુમારપાળની જોડે ચાલતા ઉદયન મંત્રીને પૂછ્યું કે તમને લોકોને આટલી બધી વાર કેમ લાગે છે? રાજાની ચાલ એટલી ધીમી નથી. આટલો ટાઈમ કેમ લાગે છે તમને? ત્યારે ઉદયનમંત્રી એ કીધું કે સાહેબ રસ્તામાં જેટલા વૃક્ષો આવે છે ને એ વૃક્ષોને કુમારપાળ મહારાજા પ્રદક્ષિણા આપે છે. એમને હાથ જોડે છે અને કહે છે કે ૧૮ દેશનો સમ્રાટ હું છું પણ હું મારા યાત્રિકોને કપડાનાં તંબુમાં રાખું છું. ત્યાં આ લોકો બપોરે તપી જાય છે ગરમીની અંદર. હમણાં અહીંથી મારા સાધર્મિકો પસાર થયા હશે. કોઈ હજુ બાકી હશે, પાછળથી આવશે. હે વૃક્ષરાજ! તમે બધાને ઠંડક આપો છો, માટે તમે મારા કરતા પણ શ્રેષ્ઠ છો.
અનંતકાળની એક વાત હતી – હું સુપીરીયર, હું સુપીરીયર, હું સુપીરીયર. હવે? હું નીચામાં નીચો. બીજા બધા ઊંચામાં ઊંચા.
ચાર અઠવાડિયા પુરા થયા. ગ્રંથ પણ પૂરો થયો. પ્રોફેસરનું આખું જીવન બદલાઈ ગયું. પોતાના દેશમાં ગયા. જ્યાં યુનિવર્સિટીમાં ગયા. બધા મિત્રો ભેગા થઈ ગયા. ખબર હતી બધાને એક મહિનો ભણવા માટે જવાના હતા. તમે કયો ગ્રંથ ભણ્યાં? નામ આપ્યું. અરે, આના ઉપર તમે સેંકડો વાર બોલી ચુક્યા છો.! આના ઉપર તો તમે પુસ્તક લખી નાંખ્યું છે. તો પ્રોફેસરના શબ્દો હતા કે હું બોલતી હતી એ જુદી વાત હતી. હું લખતી હતી એ જુદી વાત હતી. ગુરુએ મને અનુભૂતિના સ્તર ઉપર મૂકી છે. નમસ્કારભાવ ઉપર પ્રવચન આપતી અને પ્રવચન સારું થતું હતું અને એનો અહંકાર મને આવતો. બોલતી નમસ્કારભાવ ઉપર અને, થતો મને અહંકાર! હવે ગુરુએ મારા અહંકારનો કચરો આખો લઇ લીધો.!
એક ઝેન કથા આવે છે. ગુરુએ એક વાક્ય કહ્યું; સામે સાધક હતો. એણે વાત રિપીટ કરી. હા, સાહેબ. ગુરુએ માથું ધુણાવ્યું. ના માં! કેમ સાહેબ, તમે હમણાં તો બોલ્યાં. એ જ મેં રિપીટ કર્યું. તો ગુરુ કહે; હું એ બોલ્યો ત્યારે સત્ય હતું. તું બોલ્યો ત્યારે અસત્ય છે. Because you have no experience. તારી પાસે અનુભવ ક્યાં છે?
