લોકેષણા
ઉદાસીનદશામાં આવેલો સાધક કેવો હોય? _પંકજ નામ ધરાય પંક સું, રહત કમલ જિમ ન્યારા_. કમળ કાદવમાં ઉત્પન્ન થાય પણ કાદવને છોડીને ઉપર આવતું રહે. એમ સાધક પણ લોકોની વચ્ચે હોવા છતાં લોકોથી પર હોય. _સબ મેં હૈ, ઔર સબ મેં નાહી_.
સાધકને એ તો ખ્યાલ જ છે કે રાગમાં નથી જવાનું, દ્વેષમાં નથી જવાનું; પણ કદાચ લોકેષણામાં અટવાઈ જાય. તમારા દ્વારા કોઈને કંઈ મળે એનો કોઈ વાંધો નથી. પણ _મેં_ આપ્યું લોકોને – એ ભાવ તમારી પાસે ન જોઈએ અથવા લોકો તમને સન્માન આપે એ ભાવ પણ તમારી પાસે ન જોઈએ.
સાત અબજ માણસોથી છલકાતી આ દુનિયા છે અત્યારે. એમાં ૧૦૦ જણાએ તમને જાણ્યા તોય શું ફરક પડે અને ન જાણ્યા તોય શું ફરક પડે!
નવસારી તપોવન વાચના – 17 [14.4.2020]
“औदसिन्यनिमग्न:” ચિદાનંદજી મહારાજે એક પદમાં બહુ સરસ કહ્યું; કે ઉદાસીનદશામાં આવેલો સાધક કેવો હોય? “પંકજ નામ ધરાય પંક્શું, રહત કમલ જિમ ન્યારા; ચિદાનંદ એસા જન ઉત્તમ, સો સાહિબ કો પ્યારા” ભગવાનને આવા જ લોકો ગમે છે. પંકજ – કમળ. કાદવમાં ઉત્પન્ન થાય. કાદવને છોડીને ઉપર આવતું રહે. એમ ભગવાનનો મુનિ લોકોની વચ્ચે પણ લોકોથી પર હોય. અને એટલે જ કહ્યું; “સબ મેં હૈ, ઔર સબ મૈ નાહી”
ભગવાને છે ને આચારાંગજી માં એક સરસ સૂત્ર આપ્યું છે; “णो लोगस्सेसणं चरे।” ભગવાનને એ ખ્યાલ હતો કે મારા પંથ ઉપર આ સાધક આવે છે, તો એને એ ખ્યાલ તો છે જ કે અહીંયા રાગમાં નથી જવાનું, દ્વેષમાં નથી જવાનું. પણ પ્રભુને લાગ્યું; એક જગ્યાએ મારો સાધક કદાચ ફસાઈ જશે. એટલે પ્રભુએ લાલ લીટી દોરીને આ સૂત્ર આપ્યું; “णो लोगस्सेसणं चरे।” બેટા! તારે લોકેષણામાં જવાનું નથી. લોકોને તમારા દ્વારા મળે એનો કોઈ વાંધો નથી. પણ મેં આપ્યું લોકોને એ ભાવ તમારી પાસે ન જોઈએ અથવા લોકો તમને સન્માને એ ભાવ પણ તમારી પાસે ન જોઈએ. મેં એકવાર કહેલું; કે સફળ વક્તા કોણ? સુધર્માપીઠ ઉપરથી જે ઉતર્યો. અને જેની આંખો ભીની હોય, કે પ્રભુએ મારી Sound systems નો ઉપયોગ કર્યો.! પ્રભુની પાસે તો આટલી બધી sound systems હતી, મારા જેવા સામાન્ય માણસની sound systemsનો પ્રભુએ ઉપયોગ કર્યો.!
એકવાર હું અમદાવાદ શાંતિનગરમાં હતો. વર્ષો પહેલાંની ઘટના. ત્યારે એક યોગ શિક્ષક આવતાં. અને પ્રાણાયામ ને બધું શીખતો એમની પાસે. મારું પ્રવચન પૂરું થાય, પછી એમને આવવાનો ટાઈમ. ૯ થી ૧૦ મારું પ્રવચન થાય, ૧૦-૧૫ /૧૦.૩૦ આવી જાય. એકવાર એ વહેલા આવેલા હશે. પ્રવચનમાં બેસી ગયા. પછી મારી સાથે ઉપર આવ્યાં. અમે બે જણા બેઠા. એમણે સવાલ કર્યો. કે તમારું પ્રવચન સરસ જાય તો તમને શું feeling થાય? હું નવો-સવો પ્રવચનકાર. સાધનાની દિશામાં પા-પા પગલી પણ મેં ભરેલી નહિ. તો મેં કહ્યું કે સરસ પ્રવચન અપાયું હોય, તો અહંકારની એક ગ્રંથિ સક્રિય બને. અને કદાચ પ્રવચન ફ્લોપ ગયેલું હોય, તો ગ્લાનીની પણ feeling થાય. એ વખતે એમણે મને બહુ સરસ વાત કરેલી. એમણે મને કહ્યું; કે તમારા અહંકારનું કોઈ status ખરું? હું તો વિચારમાં પડી ગયો કે શું કહેવા માંગે છે? મને કહે તમારી સભામાં ૧૫૦-૨૦૦ જણા હશે. હવે રાજી થયા તો ય શું ફરક પડે? અને નારાજ થયા તો ય શું ફરક પડે? મને કહે મોરારી બાપુ જેવો માણસ હોય અને દસ લાખ લો. કોને હસાવી શકતો હોય, રડાવી શકતો હોય, નચાવી શકતો હોય એ કદાચ પોતાની એ ઓરેટરી ઉપર અહંકાર રાખે ને તો પણ એને વ્યાજબી કહીએ આપણે એને. પણ તમારા અહંકારનું status શું? મને એટલી બધી વાત ગમી ગઈ, મેં કહ્યું આ સરસ વાત છે.
સાત અબજ માણસોથી છલકાતી આ દુનિયા છે અત્યારે. એમાં ૧૦૦ જણાએ તમને જાણ્યા તો ય શું ફરક પડે? અને ન જાણ્યા તો ય શું ફરક પડે? એટલે જ આપણે ગઈ કાલે જોતા હતા, કે બહાર જવા માટેના દ્વારો કયા ખુલ્લા રહ્યા છે? પ્રભુએ તો એવી કૃપા કરી છે, કે બહાર જવાના બધા દ્વાર બંધ કરી નાંખ્યા. તમે બહાર જાવ તો શી રીતે જાવ…? પ્રભુ કહે છે; મારો સાધુ સ્વમાં ‘જ’ રહેવો જોઈએ. શુભમાં રહે અને શુભને ઘૂંટીને શુદ્ધમાં જાય. ભગવાન કહે છે, મારો શ્રમણ, મારી શ્રમણી અશુભમાં ક્યારેય હોય જ નહિ! પરમાં ક્યારેય જાય જ નહિ!
તો હવે આપણે વિચારીએ કે એક સાધુ છે, સાધના કરવાની તલપ છે. તો એને બહાર જવાની કોઈ જરૂરિયાત ખરી? સંઘ એકદમ ઉદાર છે. V.v.i.p treatment તમને આપે છે. નાનકડી કોમ પાસે, જૈન કોમ્યુનિટી પાસે જે મંદિરો છે, જે ઉપાશ્રયો છે. આયંબિલશાળા અને પાઠશાળાની વ્યવસ્થા છે. એ કદાચ દુનિયાની કોઈ કોમ્યુનિટી પાસે આવી સરસ નથી. તો આટલી સરસ વ્યવસ્થા શ્રીસંઘે આપેલી છે. તમારે પાણી જોઈએ ને દૂધ તમને મળે એવું છે.
મેં વચ્ચે વાચનામાં કહેલું સાધ્વીજીઓને કે તમે ઉપાશ્રયમાં રહો. સાધના કરો. હવે એ સંઘનો પ્રમુખ શું? એનું નામ તમે ન જાણતા હોવ તો ફરક પડે ખરો કંઈ? તો તમે શા માટે જાણો? એટલા પણ બહાર શા માટે જાવ? કે આ સંઘનો પ્રમુખ કોણ છે? એટલે પરમાં તો આપણે જવાનું જ નથી. “सज्झायम्मि रओ सया” સ્વાધ્યાયમાં સતત રક્ત રહેવાનું છે.
હું ઘણીવાર કહું છું; કે સ્વાધ્યાય ક્યાં સુધી? તમે કોઈ ગામમાં ગયા. અને ગોચરી વહોરવા માટે તમારે જવું છે. જૈનોના ઘર ઓછા છે. તો હિન્દુઓના કયા લત્તામાં, કઈ રીતે જઉં એ તમે પૂછો, નિર્દોષ તમારી ગોચરી માટે તો એ સ્વમાં આવશે. પણ એક કુતુહલ. ગામમાં કેટલા લોકો રહે છે? ભાઈ તારે કંઈ સંઘપૂજન કરવાનું છે? ગામની વસ્તી કેટલી?
મેં વચ્ચે કહેલું કે; મુનિ કેવો સ્વમાં ડૂબેલો હોય. કે પાંચ-સાત મુનિઓનું વૃંદ વિહારમાં હોય. સામેથી પણ મુનિઓ વિહારમાં હોય. ભેગા થયા રસ્તામાં. ઔચિત્ય કર્યું. વંદન વિગેરે થયું. સામેથી આવે છે મહાત્મા, એમાં એક મહાત્માને ગરમીની બહુ તકલીફ હતી. એટલે ઉપાશ્રય જો ડબ્બા જેવો હોય, તો અતિશય અતિશય એમને શારીરિક રીતે હેરાનગતિ થતી. માનસિક રીતે મજબુત હતા. પણ શારીરિક બહુ જ તકલીફો થતી. ડી-હાઈડ્રેશન જેવું પણ થઇ જતું. તો એ મહાત્માએ સામેથી આવતાં મહાત્માને પૂછ્યું; કે તમે જ્યાંથી આવો છો ત્યાં અમે જવાના છીએ. તો ત્યાંનો ઉપાશ્રય કેવો છે? દક્ષિણે પશ્ચિમની બારીઓ ખરી? હવા આવે એવું કેવું? એ વખતે એ મહાત્મા કહે છે; ગુરુદેવ આપે પૂછ્યું બરોબર છે. પણ અમે લોકો તો ત્યાં ગયા, કાજો લીધો અને સૂત્રપોરસી હતી તરત કરવા મંડી પડ્યા. પછી પાત્રાપોરસી કરીને અર્થપોરસી કરી. દેરાસરે ગયા. વહોર્યું. એકાસણું કર્યું. પડીલેહણ કર્યું. પાછા સ્વાધ્યાયમાં લાગી ગયા. એટલે સાહેબજી હવા ક્યાં આવતી હતી. કેવી આવતી હતી, એ કોઈ ખ્યાલ રહ્યો નથી. પણ સાહેબ એટલો ખ્યાલ છે, કે સુર્યાસ્ત સુધી અમે લોકો સ્વાધ્યાય કરી શકયા હતાં એટલે પ્રકાશ આવતો હતો. અને પારિષ્ઠાપનિકાની સુવિધા સારી છે બાજુમાં. બાકી આ બાબતમાં અમને ખ્યાલ નથી.
ભગવાને એટલા મજાના યોગો આપણને આપ્યા છે, આપણે પરમાં જઈ જ કેમ શકીએ?! તો પ્રભુનો મુનિ સતત સ્વની અંદર હોય. અને એક વાત તમને કહું; સ્વનો આનંદ તમે મેળવ્યો ને, એટલે તમે પરમાં જઈ શકશો નહિ. પરભાવમાં કેમ જવાય છે? સ્વનો આનંદ નથી મળ્યો માટે. પછી શબ્દ પણ છૂટી જશે.. વિચારો પણ છૂટી જશે.. વૈભાવિક ક્રિયાઓ પણ છુટી જશે..
એક જ સવાલ આજે કરી દઉં; વિચારજો તમે કે પ્રભુનો શ્રમણ જો આત્મિક આનંદને ન માણી શકે, તો દુનિયામાં બીજું કોણ માણી શકશે? દુનિયાની શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્કુલ આ. એ સ્કુલના studentને જે ન આવડે એ બીજાને ક્યાંથી આવડવાનું હતું! તો પ્રભુના મુનિ પાસે જો દિવ્ય આનંદ ભીતરનો ન હોય તો બીજાની પાસે હશે? પણ ઘણીવાર વેદના થાય છે; હિંદુ યોગીઓને વાંચ્યા છે. સુફી યોગીઓને વાંચ્યા છે. ભક્તોને પણ વાંચ્યા છે. અને એ વખતે એક વેદનાની ટીસ ઉપડી છે. કે મારા પ્રભુનું લોકોત્તર શાસન જેમને નથી મળ્યું, એમની પાસે પણ સાધનાની આ હાઈટ હોય, તો અમારી પાસે સાધનાની હાઈટ કેવી હોવી જોઈએ?
આપણા દેશમાં ૧૮૫૭માં નિષ્ફળ બળવો થયો. બ્રિટિશરો સામે સૈનિકો લડ્યા. પણ વાત થોડી લીક થઇ ગઈ. એટલે બ્રિટિશરોએ હુમલો કર્યો એટલે બળવો નિષ્ફળ ગયો. પણ એ નિષ્ફળ બળવા પછી બ્રિટિશરો ચોંકી ગયા. એટલે એમની સાવધાની બહુ વધી ગઈ. એટલે ભારતીય ઉપર વિશ્વાસ ઓછો રાખે. એટલે કોઈ પણ છાવણી હોય, નીચે ભલે ભારતીય કર્મચારી હોય. ઉપરનો બોસ તો બ્રિટીશર જ જોઈએ. એમાં એક છાવણી હતી, અને એ બ્રિટીશર જે હતો એ જ હાકિમ હતો.
એ છાવણીની બાજુમાં થોડે દૂર એક ઝાડ, દસેક મીટર દૂર. સમી સાંજના સમયે એક સંત ત્યાં આવ્યાં. ત્યાં આવીને એમને ડેરો જમાયો. ખાખી બંગાળી હતા. બેસી ગયા ત્યાં. થોડીવાર થઇ એક સૈનિક round મારવા નીકળેલો, છાવણી ની આસપાસ. ત્યાં એણે સંતને જોયાં. આ સંત હમણાં જ આવ્યા લાગે છે. એ તો ભારતીય માણસ હતો. સંતને પ્રણામ કર્યા. બાબા આપ કહાં સે આતે હો? ક્યાં નામ હૈ આપકા? એ બાબા મૌની બાબા હતાં, બોલતાં જ નહિ. બોલવાની જરૂર શું? તમને કોઈ પૂછે; why do you speak? તમે શું કહેશો? શા માટે બોલો છો? પ્રભુની આજ્ઞા હોય એટલું બોલો એનો વાંધો નથી. વાચના, પૃચ્છના એ બધામાં.
તો એ બાબા મૌની બાબા હતા. એમનું નામ શું કોઈ જાણતું નહતું. મૌનમાં રહેતા, લોકો એમને મૌની બાબા કહેતાં. તો ભારતીય સૈનિકે પૂછ્યું; બાબા ક્યાં નામ હૈ આપકા? આપ કહાં સે આયે હો? બાબા બોલે કે ચાલે. એની ફરજ થતી હતી, એને પોતાના ઉપરીને કહ્યું; કે એક સંત જેવો માણસ પેલા વૃક્ષ નીચે છે. મેં નામ પૂછ્યું; પણ નામ બોલતાં નથી.
એટલે પેલો ઓફિસર ત્યાં ગયો. ભારતમાં રહે તો થોડું હિન્દી બોલતાં આવડે. ક્યાં નામ હૈ તુમ્હારા? બાબા ક્યાં બોલવાના હતા? કહે, કહાં સે આયે હો? No answer! અને એ ઓફિસર બંદુક જોડે જ રાખતો હતો. અને એ જમાનામાં બ્રિટિશરોનું શાસન હતું ને આપણા દેશ પર. કાયદો બધો એમના હાથમાં જ હતો. કોર્ટ બધી એમની હતી. અને ગમે એને મારી નાંખે બધું ભીનું સંકેલાઈ જવાનું હતું. બંદુક કાઢી એને, તુમ બોલ દો, તુમ કૌન હો? વરના ગોળી દાદ દુંગા! સંત એ જ મસ્તીમાં..! મેં હમણાં કહ્યું ને બોલો શા માટે? એ તો આનાથી આગળ હતા. એ તો જીવન હોય કે મૃત્યુ હોય શું ફરક પડે…! સાધક માટે મૃત્યુ એટલે શું?
ભગવદ્દગીતામાં કહ્યું; “वासांसि जीर्णानि यथा विहाय” કપડું જુનું થયું હોય તો ફેંકી દેવાનું. પ્રેમસૂરી દાદાએ એ જ કર્યું હતું ને.! સવારથી કહેતાં હતાં ઘર બદલવું છે. ઘર બદલવું છે. ઘર બદલી નાંખ્યું! “જિંદગી એક કિરાયે ક ઘર હૈ, એક દિન તો નિકલના પડેગા; મૌત જબ તુમ સે આવાજ દેંગી, તબ ઘર સે નિકલના પડેગા” તો મૃત્યુ એટલે શું? સાધક માટે મૃત્યુ નામની ઘટના છે જ નહિ. આ જન્મમાં જે સાધના કરી. આ શરીર ગયું, નવા શરીરમાં એ સાધના પાછી ચાલુ થવાની.
એક માણસ રાત્રે letter લખતો હોય. ચાર લીટી લખાઈ. લાઈટ off થઇ ગઈ. ચાલો કાલે સવારે લખશું. બીજી સવારે કાગળ હાથમાં લે. ક્યાંથી લખવાનું છે? પાંચમી લીટીથી. અસ્તિત્વના સ્તરની જો તમારી સાધના હોય તો એ સાધના જન્મોના ખંડો ઉપર તરતી સાધના છે. આ જન્મમાં તમે જેટલી સાધના કરી. આવતાં જનમમાં એથી આગળ. પછીના જનમમાં એથી આગળ. પછીના જનમમાં એથી આગળ. પણ એ અસ્તિત્વના સ્તરની હોય તો. રાગ, દ્વેષ, અહંકાર જે અસ્તિત્વના સ્તર પર છે. એ જ અસ્તિત્વના સ્તર પર વિતરાગદશા, ક્ષમાભાવ, નમ્રતા આ બધું આવી જાય, તો આ કામ થાય.
પણ આપણી ગરબડ શું થઇ ખબર છે? આટલા બધા જન્મો સુધી પ્રભુએ કહેલી સાધના આપણે કરી. મારો અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? કેમ રહ્યો? કારણ શું? કારણ એક જ – કે રાગ, દ્વેષ, અહંકાર હતા અસ્તિત્વના સ્તર પર. સાધનાને ક્યાં લઇ ગયા? શબ્દોના સ્તર પર. સાંભળ્યું તો શબ્દોના સ્તર પર. કંઈક ક્રિયા કરી તો કાયાના સ્તર પર. Even conscious mind ના સ્તર ઉપર ઘણું ઉતારી લો. પણ રાગ, દ્વેષ, અહંકાર તો માત્ર conscious mind ના લેવલ ઉપર નથી. એ તો અનાદિથી આપણી સાથે રહેલા છે. એટલે અસ્તિત્વની અંદર એકદમ મૂળિયાં જમાવીને બેસી ગયેલા છે. એટલે હવે તમે અસ્તિત્વના સ્તરની સાધના ન કરો, અને ઉપરછલ્લી સાધના કરો, તો એ સાધનાથી કદાચ થોડું પુણ્ય બંધાઈ પણ જાય. બીજો કોઈ ફરક ન પડે. કારણ દુશ્મન બંકરમાં છે – ભોંયરામાં, અને સૈનિક બહાર ભડાકા કરે છે, ગોળીઓ જ બગડવાની! બીજું શું થવાનું? તો આ જનમમાં અસ્તિત્વના સ્તરની સાધના થવી જોઈએ. તમે ગુરુ પાસે પણ જઈ શકો. ગુરુને પણ પૂછી શકો. કે સાહેબજી! મારી જન્માન્તરીય ધારા શું હશે? અથવા આપણને લાગતું હોય કે આપણી જન્માન્તરીય ધારા નથી. તો આ જન્મની અંદર પણ મારે કઈ ધારામાં જવું અને એ રીતે જે એક ધારા તમને આપે, એને અસ્તિત્વના સ્તર પર તમે ઘૂંટો. તો જ આવતાં જનમમાં સાધના સાથે આવશે. નહિતર ખાધું, પીધું ને રાજ કર્યું.
યોગશતકમાં એક સરસ પદાર્થ છે; કે આપણે ગ્રૈવેયકમાં અગણિત વાર જઈને આવ્યાં. ગ્રૈવેયકમાં શુભ લેશ્યાઓ જ છે. અશુભ લેશ્યાઓ છે નહિ. અને એ શુભ લેશ્યાઓ શુભ વિચારો સાગરોપમોના સાગરોપમો સુધી! પણ ત્યાંથી કોઈ દેવ ચ્યવે, મનુષ્ય જન્મમાં આવે, થોડોક સમજણો થાય, નિમિત્ત મળે, અશુભ લેશ્યામાં પટકાઈ જાય છે. તો ત્યાં સવાલ થયો કે આટલા બધા સમય સુધી એ શુભ વિચારોમાં, શુભ લેશ્યામાં, શુભ ભાવમાં રહેલો છે. તો અશુભમાં કેમ જઈ શકે હવે? તો ત્યાં કહેવામાં આવ્યું; કે એ જે શુભ લેશ્યા એની પાસે હતી, એ નિમિત્તાભાવ દ્વારા એને મળેલી હતી. ઉપાદાનશુદ્ધિ દ્વારા મળેલી નહતી. ત્યાં નિમિત્ત નહતું એવું કંઈ કે તમે ઝઘડો કરો. તો ત્યાં જે શાંતિ હતી મનની એ નિમિત્તાભાવની હતી પણ તમારું ઉપાદાન શુદ્ધ થયેલું ન હતું.
હું ઘણીવાર કહું છું; હિલ સ્ટેશન ઉપર કોઈ માણસ જાય, શ્વાસની તકલીફ હોય, બીજી તકલીફ હોય, પણ ત્યાનું હવામાન એકદમ ચોખ્ખું હોય, ભેજવાળું પણ ન હોય, એકદમ સરસ લાગે એને. પાછો જ્યાં મુંબઈ આવે ત્યાં ચાલુ થઇ જાય પાછું. એટલે એનું શરીર સારું નથી થયું. માત્ર હિલસ્ટેશનને, વાતાવરણને કારણે, એને સારું લાગે. એમ ગ્રૈવેયકમાં ઉપાદાન શુદ્ધ નહતું થયું. હવે આના પરથી તમે વિચાર એટલો કરો, કે સાગરોપમો સુધી શુભ લેશ્યા રહી. પછી જન્મ બદલાયો અને અશુભમાં એ પટકાયો. બરોબર? હવે આપણું જીવન તો ૫૦-૬૦-૭૦-૮૦ વર્ષનું. શ્રમણ પર્યાય ૫૦-૬૦-૭૦ વર્ષનો. એમાં પણ શુભ લેશ્યાઓ સતત રહી હશે એવું માની શકાય? હવે જો ઉપાદાન શુદ્ધિ આપણને ન રહી હોય, તો આપણા માટે ભવિષ્યમાં આશા શું રખાય એ બોલો? એટલે હવે તમે એ જુઓ, કે તમને જે શાંતિ દેખાય છે ક્યારેક, એ નિમિત્તાભાવ દ્વારા મળેલી છે? કે ખરેખર તમને ક્રોધ કરતાં આવડતું જ નથી એની છે? નિમિત્ત મળે, નિમિત્તમાં જવાનું જ છે, તો કોઈ પણ માણસ હોય, વગર નિમિત્તે ક્યાં જવાનો હતો ક્રોધમાં !
એક ભાઈ મને પ્રવચનમાં કહે, સાહેબ નિમિત્ત મળે તો જ ગુસ્સો આવે. મેં કહ્યું; નિમિત્ત વગર તને ગુસ્સો આવે ને તને મેન્ટલ હોસ્પિટલમાં ભરતી કરી દે! રૂમમાં એકલો બેઠો બેઠો રાડો પાડતો હશે. પછી મેં પૂછ્યું; કે ભાઈ બધા નિમિત્તમાં ગુસ્સો આવે તને? એણે કંઈ વિચાર નહિ કરેલો. હા સાહેબ, નિમિત્ત મળે એટલે ગુસ્સો આવી જાય છે. મેં કહ્યું; સપોઝ, તારા દીકરાને પેટમાં દુઃખવા આવ્યું. ડોક્ટર પાસે લઇ ગયા. એપેન્ડીક્સ છે એમ ડાયોગ્નોસીસ થયું. ઓપરેશનની date નક્કી થઇ. હોસ્પિટલમાં દીકરાને એડમીટ કર્યો. ઓપરેશન થિયેટરમાં એને લઇ જવામાં આવ્યો. ઓપરેશન થઇ પણ ગયું. અને પછી હોસ્પિટલના કર્મચારીઓ સ્ટ્રેચરમાં સુવાડી અને special રૂમમાં એને મૂકી ગયા. હવે એનેસ્થેસિયાની અસર ઉતરી, ભાનમાં આવ્યો દીકરો. અને રૂમમાં બીજું કોઈ નહિ, પપ્પા હતા એક જ – આ ભાઈ. પપ્પા મને તરસ લાગી છે. હવે આ ભાઈને ખબર નથી કે અત્યારે પાણી અપાય કે ન અપાય.
એ મોટા ડોક્ટરને ઓળખતા હતાં. ગયા એમની ચેમ્બરમાં. સાહેબ તમે હમણાં ઓપરેશન કર્યું મારા દીકરાનું, તો એને રૂમમાં લાવ્યો છે હમણાં, તો પાણી અપાય કે ન અપાય? પેલો ડોક્ટર તુમાખીવાળા મિજાજનો, મને પૂછવા આવ્યા છો! મારા જુનિયર ડોકટરો પેટ ચીરી નાંખે પછી ઓપરેશન થીયેટરમાં જનારો હું માણસ, તમે મને પૂછવા આવ્યા છો, પાણી અપાય કે ન અપાય એમ? કોઈ નર્સ કોરીડોરમાં રખડતી નથી? કોઈ નીચલો ડોક્ટર નહિ મળ્યો તમને? સાલાએ હા કે ના કીધું હોય તો એક જ સેકંડ થાય ને!
મેં પેલા ભાઈને પૂછ્યું; તમારા માટે આવું થયું હોય તો તમે શું કરો? સાહેબ એ વખતે તો ગુસ્સાને કાબુમાં રાખવો જ પડે. સાહેબ મારા દીકરાનું ભાવિ એના હાથમાં છે. આ સાલો ઓડનું ચોલ કરી નાંખે તો..! એટલે મેં કહ્યું; કે નિષ્કર્ષ એ નીકળ્યો, કે તમારો સ્વાર્થ ઘવાતો હોય, ત્યારે તમે ગુસ્સાને નિયંત્રિત કરી શકો છો. બરોબર ને..? પણ જ્યારે ગુસ્સો આવે ને, ત્યારે મનમાં વિચાર આવે, કે હું ગુસ્સો કરું, દુર્ગતિમાં મારે જવું પડશે, નરકમાં મારે જવું પડશે. ગુસ્સો આવે બોલો?
તિબેટની એક લોકકથા છે. એક સૈનિક જંગલમાંથી પસાર થતો હતો. એ જ જંગલમાં તિબેટના નંબર વન ગુરુ રહેતાં હતાં. મોટો આશ્રમ. સૈનિકને થયું; એકલો છું. ચાલો ગુરુને વંદન કરતો જાઉં. ગુરુની ચેમ્બરમાં ગયો. હવે આટલા મોટા ગુરુ, વ્યસ્ત જ હોય. પણ આનું સદ્ભાગ્ય કે એ વખતે ગુરુની ચેમ્બરમાં કોઈ નહતું. સૈનિકે વંદન કર્યું. હવે એને એક પ્રશ્ન હતો. કે સાહેબજી એક સવાલ પૂછું? તો પૂછ બેટા. સાહેબજી નરક એટલે શું? અને સ્વર્ગ એટલે શું? આ ગુરુ હતા ને, practical approachના માણસ હતા. તો બહુ ઓછા શબ્દોમાં એને સમજાવી દીધું.
તો ગુરુએ સામે પૂછ્યું; તું કોણ છે? હું સૈનિક છું. ગુરુ એકદમ બગડ્યા. પુણ્યપ્રકોપ હોય ને, અંદરથી ઠંડાગાર. અને મોઢું લાલચોળ. તું સૈનિક છે? તું તો મૂર્ખો, તારો સેનાપતિ મહામૂર્ખો ગણાય. સાલા તલવાર તને હાથમાં લેતા આવડતી નથી. મોં પરથી માખી ઉડાડતા આવડતી નથી. તું સૈનિક છે? પેલો થઇ ગયો ગુસ્સો. કારણ કે એ તલવાર નિકાળવામાં ચેમ્પિયન હતો. મ્યાનમાંથી તલવાર બહાર કાઢી એને. એટલો ખ્યાલ હતો કે ગુરુ છે સામે, એટલો તો ખ્યાલ હતો જ. સાહેબજી આપને એમ લાગે છે ને મને શસ્ત્ર ચલાવતા નથી આવડતું. આ બે ફૂટ ડાયામીટરનો થાંભલો છે લાકડાનો, તમે કહેતાં હોવ ને એક જ ઝાટકે એ થાંભલાન બે ટુકડા કરી નાંખ્યું. ગુરુ હસ્યા; ગુરુ કહે, આ નરક! આ નરક.. પેલો સમજ્યો ઓહો! આ તો practical ગુરુ મને બતાવે છે કે ગુસ્સો એટલે નરક. તલવારને મ્યાનમાં મૂકી દીધી. ફરી ગુરુના ચરણોમાં અહોભાવથી ઢળ્યો. ગુરુ કહે, આ સ્વર્ગ! ગુસ્સો થાય ત્યારે યાદ આવે? નરક સામે દેખાય?
આચારાંગજીમાં એક સૂત્ર વારંવાર repeat થાય છે. ‘एस खलु गंथे, एस खलु मोहे, एस खलु मारे, एस खलु णरए’ હિંસામાં કોઈ સાધક જતો હોય કે ક્રોધમાં જતો હોય, ભગવાન એને કહે છે; અરે શું કરે છે તું? જાણે કે પ્રભુની કરુણા મુખરિત બની ગઈ હોય! “एस खलु गंथे” – આ ક્રોધ.. ગાંઠ છે ગાંઠ! છોડી દે એને! “एस खलु मोहे” – આ તો અજ્ઞાન છે તારું! ક્રોધ શેનાથી થાય? અજ્ઞાનથી થાય. તમે જાણો કે આ મને કહેતો જ નથી! હું તો આત્મ-દ્રવ્ય છું. તો ગુસ્સો કોને થાય? “एस खलु मोहे.” પછી કહે છે; “एस खलु मारे” – આ જ મૃત્યુ છે. અને છેલ્લે કહ્યું; “एस खलु णरए” – આ જ નરક છે!
તો પેલા ઓફિસરે કહ્યું; “નામ બોલ દો. કહાં સે આયે હો બોલ દો? મેં વહાં તલાસ કરાઊંગા. આપ સચ્ચે સંત હો યા spy હો? જાસૂસ હો? આપ બોલ દો વરના મેં ગોલી દાદ દુંગા.” સંત હસતાં રહ્યા. શું ફરક પડે છે! પેલાએ તો ખરેખર બંદુકની ટ્રીગર દબાવી. ગોળી છૂટી. સીધી જ છાતીમાં. અને એ વખતે સંત મોજથી બોલે છે. એ વખતે બોલે છે, ગોળી વાગી છે. સેકંડોમાં તો મૃત્યુ થઇ જવાનું છે. એ વખતે શું બોલે છે, “તુમ ભી ભગવાન હો. તુમ ભી ભગવાન હો.” ભગવાન શું કરે? મુક્તિ અપાવે. એમને શરીરમાંથી તો મુક્તિ અપાવી. તુમ ભી ભગવાન હો. આપણને લાગે કે આટલી હાઈટ સાધનાની આપણને કેમ ન મળે?
ખરેખર આંતર-નિરીક્ષણ જો થશે ને તો માર્ગ સ્પષ્ટ છે. ભગવાને છે ને 6 લેન રોડ આપ્યો છે. સરસ મજાની ઈમ્પોટેટ કાર આપી દીધી છે. Chauffer તરીકે ગુરુને આપી દીધા છે. Back seat journey તમારે કરવાની છે ખાલી. પણ journey કરશું કેમ? ઈચ્છા થશે તો ને! સાધના અઘરી છે જ નહિ.! સાધના ક્યાં અઘરી છે? સાધના અઘરી છે જ નહિ.! માત્ર સાધના માટેની ઝંખના નથી. ઝંખના કેમ નથી થઇ? સાધનાનો અલપ-ઝલપ પણ આસ્વાદ નથી મળ્યો માટે.
હું ઘણીવાર કહું છું પ્રભુની પ્યાસ પણ ક્યારે જાગે? જ્યાં સુધી પ્રભુનું અલપ-ઝલપ આસ્વાદ તમને ન મળે, ત્યાં સુધી પ્યાસ પણ થવાની નથી. કારણ કે પ્રભુ શું છે એ જ ખ્યાલ નથી. પ્યાસ ક્યાંથી થવાની? અલપ-ઝલપ અનુભવ થઇ ગયો. અને એવો એ દિવ્ય અનુભવ હતો પણ ભક્ત વિભાવમાં ગયો, અનુભવ છૂટી ગયો. પછી એ ભક્ત છે ને એક ત્રીભેટા ઉપર આવે છે. જ્યાં એને પ્રભુ મળતાં નથી. અને બીજા પદાર્થો જોડે એ પોતાને adjust કરી શકતો નથી. કે પ્રભુ મળ્યાનો એ ક્ષણોનો આનંદ એવો હતો કે બીજે ક્યાંય એને ગોઠતું નથી. બીજે ક્યાંય ગમતું નથી. પ્રભુ મળતા નથી!
એક ભક્તે તો ત્યાં સુધી કહ્યું; કે ભગવાન! આના કરતાં પહેલા હું સારો હતો. તું ન મળ્યો એ પહેલાં, કે મારી દુનિયામાં હું adjust થઇ ગયેલો હતો. તે તો મારું સમીકરણ આખું તોડી નાંખ્યું.
એટલે પ્રભુનો અલપ-ઝલપ આસ્વાદ મળે, તો પ્રભુમિલનની પ્યાસ જાગે. એમ સાધનાનો પણ અલપ-ઝલપ આસ્વાદ મળે તો સાધના માટેની એક ઝંખના જાગે.
