अनपेक्षः शुचिर्दक्ष:
પહેલી સજ્જતા – अनपेक्ष. નિરપેક્ષદશા. કોઈની પણ અપેક્ષા ન હોય. શરીરને તો થોડું-ઘણું જોઈતું હોય એ મળ્યા જ કરતું હોય છે. પણ મન અહંકારની પૂર્તિ માટે વ્યક્તિઓનો પરિચય કરે છે અને અપેક્ષાઓ ઊભી કરે છે. સાધકને અપેક્ષા માત્ર પ્રભુની હોય, સદ્ગુરુની હોય; બીજા કોઈની નહીં.
બીજી સજ્જતા – शुचि. પવિત્રતા. ઉપાદાનની શુદ્ધિ. ચિત્તસ્થૈર્ય તમારી પાસે ન હોય, તો સાધના ટકી જ ન શકે અને ઉપાદાનની શુદ્ધિ એ ચિત્તસ્થૈર્યનો પાયો છે. રાગ-દ્વેષ-અહંકારથી ઊભરાતા ચંચળ મનમાં તમે સાધનાને મૂકશો ક્યાં?! એટલે મારી દ્રષ્ટિએ આપણું આ જન્મનું અવતારકૃત્ય માત્ર એક જ હોઈ શકે – ઉપાદાનની શુદ્ધિ.
ત્રીજી સજ્જતા – दक्ष. દક્ષતા. અહીં દક્ષતા એટલે પાંડિત્ય નહિ; પ્રબુદ્ધતા. દુનિયાના કહેવાતા પંડિત બનવું એને દક્ષતા સાથે કોઈ સંબંધ નથી. ભલે થોડું જ જ્ઞાન હોય પણ એ સમર્પણપૂર્વકનું હોય, તો દક્ષ બની શકાય. માત્ર શાબ્દિક કે વૈચારિક સ્તરનું જ્ઞાન નહીં પણ એને સમજીને જીવનમાં ઊતારવાની ત્યાં વાત છે.
નવસારી તપોવન વાચના – 55 [30.5.2020]
જેને પ્રભુમય અસ્તિત્વ કહે છે એ પ્રભુમય અસ્તિત્વના ચરણોમાં લેટવાનું સૌભાગ્ય મને મળ્યું; પ્રભુમય અસ્તિત્વની છ સજ્જતાની વાત ભગવદ્ગીતાએ કરી છે.
‘अनपेक्षः शुचिर्दक्ष उदासीनो गतव्यथः। सर्वारम्भपरित्यागी यो मद्भक्तः स मे प्रियः।।’
પરમચેતના કહે છે કે આવું અસ્તિત્વ મને પોતાને પણ ગમે છે. આ વાંચ્યું અને લાગ્યું કે દાદાએ આખી જ ભગવદ્ગીતા અસ્તિત્વના સ્તર ઉપર ઉતારી દીધેલી હતી.
છ સજ્જતાની વાત આવી.
પહેલી સજ્જતા – નિરપેક્ષદશા – ‘अनपेक्षः’ દાદા ગુરુદેવ બિલકુલ નિરપેક્ષ વ્યક્તિત્વ હતા. કોઈની અપેક્ષા નહતી એમને.
આપણે કદાચ હાઇટ ઉપર જઈને તો એમ કહીએ કે પરની અપેક્ષા મને નથી. પણ દાદાએ તો શરીરને પણ પર માની લીધેલું હતું. હું પાણીનું યાદ કરાવીને પાણી આપું સાહેબને ત્યારે લઇ પણ લે. પણ એમણે ક્યારેય કહ્યું નથી કે મારે પાણી પીવું છે કે મારે કંઇક વાપરવું છે. દેહ બોધ એમનો ખતમ થઈ ગયેલો હતો.
હવે આપણે આ દાદાની પુણ્યતિથીએ વિચાર એ કરવો છે કે દાદાની એ નિરપેક્ષદશાને આપણે કેટલા અંશે ભીતર લાવી શકીએ. મારી દ્રષ્ટીએ તમારા શરીરને થોડું-ઘણું જોઈએ છે. એ મળ્યા જ કરે છે. સરસ રીતે મળ્યા કરે છે. માત્ર પ્રભુની ચાદર ઉપર એ મળ્યા કરે છે. હવે એક સંયમી સાધુને કે એક સાધ્વીજીને કોની અપેક્ષા હોય? એક પણ વ્યક્તિની તમારે અપેક્ષા હોય ખરી?
હું ઘણીવાર કહું છું. દસ સાધુ કે દસ સાધ્વીજી કોઈ ગામમાં ગયા. માસકલ્પ કર્યો. ઉપાશ્રય મજાનો રહેવા માટે છે. ગોચરી ઘરોમાંથી લઇ આવે છે, ને સ્વાધ્યાયમાં મશગુલ રહે છે. સંઘના પ્રમુખ કોણ એ એને ખબર જ નથી. એ જાણવાની જરૂર પણ શું છે?
એટલે દાદાના જીવનમાંથી સૌથી પહેલી વાત તમારે આ સમજવાની છે. કોઇ પણ ગ્રહસ્થનો પરિચય નહિ જ. શા માટે તમે પરિચય કરો? કોઈ કારણ ખરું? જો માત્ર શરીરની અપેક્ષા નહિ હોય અને મનની પણ અપેક્ષાઓ હશે તો આ બધું લફડું આવશે. કારણ કે મનમાં અહંકાર બેઠેલો છે. આટલા લોકો મને સારો કહે તો હું સારો બની જાઉં. એટલે તમારી સાધના માટે એક પણ વ્યક્તિના પરિચયની તમારે જરૂર નથી, નથી અને નથી. પણ do you feel it? તમને આ અનુભવ થાય છે? કે મારે એક પણ વ્યક્તિનો પરિચય રાખવો નથી.
ગુણાનુરાગ ઉપર તમે કો’કની પ્રસંશા કરો કે અનુમોદના કરો એનો વાંધો નથી. કોઇ પણ વ્યક્તિનો પરિચય નહિ. મહાત્માઓની અંદર પણ ક્યાંય રાગાત્મક પરિચય નહિ. માત્ર ગુણાત્મક પરિચય. વિજાતીય પરિચય તો બિલકુલ ન જોઈએ.
તો દાદાગુરુની આ પુણ્યતિથીએ આયંબિલ તો કરી લીધું તમે બધાએ. ઉપવાસ એ કરી લીધો ઘણાએ. પણ એથી શું? દાદાને સંતોષ ક્યારે થાય? આપણે વ્યવહારથી એમ કહીએ કે દાદા ગયા. હું તો કહું છું દાદા અહીં જ છે. કોઇ પણ મહાપુરુષ જતા જ નથી. એ ઊર્જાદેહે આપણી વચ્ચે જ હોય છે. માત્ર ભક્તિથી આપણે સ્મરણ કરીએ એટલે સાક્ષાત્કાર થઈ જાય.
ભદ્રસૂરી દાદા હતા આપણા. ૧૦૪ વરસનું વય. તો સાહેબજી માંગલિક પણ ન આપી શકે. વાસક્ષેપ પણ કદાચ ન આપી શકે. પણ એથી શું? એ કામ જે કરતા હતા, પોતાની ઊર્જાથી કરતા હતા. તો ગયું શું? શરીર ગયું. ઊર્જા ક્યાં ગઈ છે? ઊર્જા મોજુદ છે. દાદા અહીં જ છે.
એ દાદાને સંતોષ ક્યારે થાય? એક વાત યાદ રાખજો. એ દાદા quantity થી રાજી થાય એવા નહતા હો. સંખ્યાથી રાજી થાય એવા નહતી. Quality થી રાજી થાય એવા હતા. તો આપણે બધાએ દાદાને શું આપવું છે એ મને કહો? આપણું સંયમી જીવન એટલું ઉત્કૃષ્ટ બની જાય. માત્ર તમે સ્વમાં ખોવાયેલા હોવ. મૌન હોય તમારી પાસે. અને ખાસ કોઈનો પણ પરિચય નહિ. જ્યાં તમે પરિચય કર્યો. રાગ-અહંકાર અને દ્વેષ ત્રણેય ચાલુ થઈ ગયા. ત્રણેય.! એક જ પરિચય તમને ત્રણ દોષોની ધારામાં લઇ જશે. અને ચોથો દોષ ઈર્ષ્યા. એટલે એક પણ દોષમાં ન જવું હોય. વિભાવમાં ન જવું હોય. તો अनपेक्षः. પહેલો ગુણ. નિરપેક્ષ બની જાઓ. કોઈની પણ અપેક્ષા નહિ. અપેક્ષા પ્રભુની રાખો. સદ્ગુરુની રાખો. અને પ્રભુએ તો સિસ્ટમ એ આપી છે કે તમારે બીજા કોઈની અપેક્ષા રાખવી જ ન પડે.
કોરોના ના સમાચાર તમે વાંચો છો. લોકો કેટલા ત્રસ્ત છે તમને ખ્યાલ છે. નાનકડા માસુમ બચ્ચા બે રોટલી કે ચાર રોટલી બપોરની લેવા માટે ભર તડકામાં બબ્બે કલાક ઉભા રહે છે. અને છતાં સ્ટોક ખૂટી ગયો તો ખાલી હાથે અને ખાલી પેટે પાછા ફરવું પડે છે. એની જગ્યાએ તમને VVIP treatment મળે છે. એ VVIP treatment તમારા વ્યક્તિત્વ ઉપર નથી એટલું યાદ રાખજો. એ પ્રભુના વેશ ઉપર છે. ક્યારેય પણ નહિ માનતા કે અમે આટલા મહાન છીએ માટે અમને લોકો પૂજે છે. બિલકુલ નહિ. પ્રભુની ચાદર પહેરી છે માટે લોકો આપણી ભક્તિ કરે છે.
ખરેખર જૈન સંઘ જે ભક્તિ કરે છે. આપણી આંખોમાં આંસુ આવી જાય આમ. આટલો બધો અહોભાવ એમની પાસે! પણ એ જે શ્રી સંઘ VVIP treatment તમને આપે છે. એનો અનુવાદ તમે શેમાં કરશો? સઘન સાધનામાં. અહિયાં સ્વાધ્યાયમાં મજા આવી ગઈ ને બધાને આમ? સ્વાધ્યાયનો આનંદ આવી ગયો? નહિતર લોકડાઉન હતું તો કોઈ આવતું નહતું. લોકડાઉન ખૂલી જાય અને તમે કયાંક બહાર તો જવાના જ છો. એ વખતે સ્વાધ્યાય છૂટી નહિ જાય ને આ? પેલા ભાઈ આવ્યા અને પેલા બહેન આવ્યા, એમાં તમારો સ્વાધ્યાય ખોરવાઈ તો નહિ જાય ને?
એટલે દાદાને નજીકથી જોયેલાં. अनपेक्षः. બિલકુલ નિરપેક્ષ દાદા હતા. તો આપણે કેટલા નિરપેક્ષ બની શકીએ વિચાર કરો.
એક સંસારી માણસે કેટલું બધું કરવું પડે છે? એને સર્વિસ કરવી છે તો બોસને ખુશ રાખવો પડે છે. ધંધો કરવો છે તો ક્લાયન્ટને ખુશ રાખવા પડે છે. કેટલું બધું એને કરવું પડે છે. તમને પ્રભુએ બધામાંથી કાઢી નાંખ્યા. છતાંયે તમારે એમાં જ જવું છે પાછુ?
સિદ્ધસેનદિવાકરસૂરી રાજાની વિનંતીથી એક દાક્ષિણ્યને કારણે પાલખીમાં બેસીને જવા માંડ્યા. ગુરુને ખબર પડી. ને ગુરુ ચોંકી ઉઠ્યા. ગુરુ દુર હતા. મારો શિષ્ય રાજાની સભામાં જવા માટે પાલખીનો ઉપયોગ કરે? અને રાજાની સભામાં જવાનું કામ શું છે એને? રાજાને હિતશિક્ષા સાંભળવી હોય તો આવી જાય ઉપાશ્રયમાં. વાત તમને ખ્યાલમાં છે. ગુરુએ પાલખી ઉપાડી. હલાવી. સિદ્ધસેનસુરીને ખ્યાલ પણ આવી ગયો. ઓહ, મારા ગુરુ! ચરણોમાં પડી ગયા. સાહેબ આપ? અહીંયા? આ રીતે?
ગુરુની છે ને એક લાક્ષણિકતા હોય છે. પહેલા તમને બુચકારે-પુચકારે. નજીક બોલાવે. ઠોકવી હોય એક ગાલ ઉપર તો નજીક તો બોલવવા જ પડે ને? તો ગુરુ કહે છે ભાઈ. તું તો રાજાનો ગુરુ થઈ ગયો હવે. અને પછી એવી લપડાક લગાવી છે, ‘હિંડયી કાંઈ વણાવું વણું.’ દેશ્ય ભાષામાં એમણે કહ્યું, ‘હિંડયી કાંઈ વણાવું વણું.’ તને એક જંગલમાંથી બહાર કાઢ્યો સંસારના અને હવે તારે પ્રસંશાના જંગલમાં જવું છે? ચલ પાછો ફર! રાજા પાસે જવાનું નથી. બે કલાક તું સભામાં બેસે. પાંચ મિનીટ તારે બોલવાનું હોય. શિષ્યને લઈને તું જાય. એ શિષ્યનો સ્વાધ્યાય જે છે એ ખતમ થાય. એ પરીબંધ તો જવાબદાર કોણ? ચલ પાછો ફર! એક જંગલમાંથી તને કાઢ્યો તારે બીજા જંગલમાં જવું છે?
આ જ વાત દાદાગુરુદેવ તમને બધાને પૂછે છે આજે. મેં તમને એક જંગલમાંથી બહાર કાઢ્યા, સંસારના જંગલમાંથી. હવે તમારે પાછા એ જ જંગલમાં જવું છે?
આખિર સંસાર એટલે શું? તો સંન્યાસ એટલે શું? આ કપડાં એટલે સંન્યાસ એવું નહિ માનતા.
‘ક્લેશે વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવપાર’. મનમાં રાગ-દ્વેષ અને અહંકાર છે. સંસાર જ છે તમારી પાસે. તો ખરેખર સંસારમાંથી તમે બહાર આવ્યા? બોલો તો? દ્રવ્યથી કહી શકીએ કે સંસારનો ત્યાગ કર્યો, ભાવથી શું કર્યું?
બીજું વિશેષણ: शुचि – પવિત્રતા. ઉપાદાનની પરમ શુદ્ધિ.
દાદાને કોઇ પણ પદાર્થ કે વ્યક્તિમાં રાગ નહતો. ક્યાંય એમને દ્વેષ તો થયેલો જોયો જ નથી મેં. ૨૦ વરસ એમની જોડે રહ્યો હું. ક્યારેક ઊંચા અવાજે બોલ્યા હોય. એ ઘટના એમના માટે થઈ નથી. ને અહંકાર ક્યારેય પણ નથી આવ્યો. એક જ વાત પ્રભુ બધું કરાવે છે, હું કાંઈ કરતો નથી. એમની નિશ્રામાં ગમે એટલી આરાધના થાય. સાહેબને પૂછો તો એક જ વાત. પ્રભુ કરાવે છે ભાઈ બધું, આપણે કાંઈ કરતા નથી. આપણે નિમિત્ત માત્ર છીએ. આપણે તો પ્રભુનો આભાર માનવાનો કે પ્રભુએ આપણને નિમિત્તરૂપ બનાવ્યાં.
તો દાદા ગુરુદેવ પોતાની આ પરમ ઉપાદાન શુદ્ધિ દ્વારા આપણને કહે છે કે તમારે બધાએ તમારા ઉપાદાનને શુદ્ધ કરવાનું છે.
મારી દ્રષ્ટિએ આપણું અવતાર કૃત્ય માત્ર એક ને એક હોઈ શકે અત્યારે – ઉપાદાન શુદ્ધિ. કારણ કે મનમાં રાગ-દ્વેષ અને અહંકાર ઊભરાયેલા છે. મન ચંચળ છે. તમે આમાં સાધનાને મુકો કેમ? ‘જબ નગ નહિ આવે મન ઠામ, તબ નગ કષ્ટ ક્રિયા સવિ નિષ્ફળ; જિમ ગગને ચિત્રામ.’ કુશળ ચિત્રકાર છે. સરસ રંગ છે. નવું બ્રશ છે. ભીંતને રંગે તો રંગી શકે. આકાશને રંગવા જાય તો રંગાય?
એમ તમારું મન જ આકાશ જેવું છે. ભીંત જેવું તો છે નહિ. સ્થિર તો છે નહિ. રંગ કરો તો ક્યાં કરો? વિનયવિજય મહારાજે આ જ વાત કરી : ‘છાણ ઉપર તે લીંપણું ઝાંખર ચિત્રામાં’. છાણ ઉપર તે લીંપણું – જુના જમનામાં લીંપણું કરતા, માટીનું, છાણથી. પણ એ સીધું જ રખિયા ઉપર કરી નાંખે તો? રહે ખરું? પોપડા ઉખડી જ જાય. છાણ ઉપર તે લીંપણું અને ઝાંખર ચિત્રામ. એકદમ ગાર -માટીની દીવાલ છે. પડું-પડું થતી એની દીવાલ છે. એના ઉપર ચિત્ર ચીતરે છે તો રહેવાનું કેટલું? તો તમારું ઉપાદાન શુદ્ધ નથી. તમે જે સાધના કરો છો એ કેટલો સમય ટકવાની?
એક વાત હું વારંવાર હું પૂછતો હોઉં છું કે તમારી અત્યારની સાધનાએ જો અત્યારે તમને રીઝલ્ટ નથી આપ્યું. તમે એવી શ્રદ્ધા રાખો છો કે આવતા જનમમાં આ સાધના દ્વારા મને કંઈક સારું મળશે એમ? કંઇ ન મળે! પુણ્ય કદાચ કર્યું હોય તો પુણ્ય તમારું ભોગવાઈ જાય. એટલું થાય, બાકી કાંઈ ન થાય.
આ જન્મમાં, આ સાધના દ્વારા શું થયું? કેટલું ઉપાદાન શુદ્ધ થયું? ક્યારેક આંતર-નિરીક્ષણ તો કરો. રાગ – પદાર્થ રાગ, વ્યક્તિ રાગ, શરીર રાગ. કેટલો ઓછો થયો? જીવદ્વેષ કેટલો ઓછો થયો? અહંકાર કેટલો ઓછો થયો?
મનની ચંચળતાનું મુખ્ય કારણ આ છે. રાગ-દ્વેષ અને અહંકાર હશે ને ત્યાં સુધી મન સ્થિર થઈ શકે જ નહિ. અને ઉપાદાન શુદ્ધિ એ ચિત્તસ્થૈર્યનો પાયો છે. અને ચિત્તસ્થૈર્ય ન હોય તમારી પાસે તો સાધના ટકે ક્યાં? તમે સાધનાને મુકો ક્યાં? પેલો સાધક ગુરુ પાસે આવેલો. અને ગુરુને કહ્યું કે મને સાધના આપો. ગુરુ તો સાધના આપવા તૈયાર હોય. પણ સાધના આપે ક્યારે? સાધના ઝીલવાની એની સજ્જતા હોય તો આપી શકે ને? એટલે ગુરુએ dual action કરવું પડે. પહેલા સાધના ઝીલાવવા માટેની સજ્જતા પેદા કરવી પડે. પછી સાધના આપવી પડે. આપણી બાબતમાં ઊંધું થયું છે. સાધના અપાઈ ગઈ. પણ સાધનાને કેમ ઝીલવી? એ વાત તમારી પાસે નથી આવી.
એક વિચાર કરો તમે ધ્રુજી જશો. કે યાવજજીવન માટેનું કરેમિ ભંતે સૂત્ર તમે ઉચ્ચરેલું છે. ચોવીસ કલાકમાં એક પણ સેકન્ડ કે એક પણ મિનીટ સમભાવની પેલે પાર તમે જઈ શકો નહિ. હવે તમે વિભાવમાં ગયા એટલે સમભાવમાં નથી એ નક્કી થયું. તો વિચાર તો કરો કે તમારું કરેમિ ભંતે કેટલી વાર તૂટે છે દિવસમાં? હું ઘણીવાર જયારે પુછુ ને મને જવાબ એ મળે કે સાહેબ અમે તો પરમાં જ છીએ, સ્વનું તો સ્વપ્ન જ નથી આવતું અમને. આ કેમ ચાલશે? મતલબ એ થયો કે સાધનાને ઝીલવાની સજ્જતા નહતી તમારી પાસે અને દુનિયાની સર્વશ્રેષ્ઠ સાધના તમને અપાઈ ગઈ. તમે જે સ્કુલમાં પ્રવેશ્યા છો ને એ દુનિયાની શ્રેષ્ઠતમ સ્કુલ છે. વિશ્વમાં સેંકડો સાધનાઓ છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સાધના પ્રભુએ આપેલી છે. એ સાધનાની સ્કુલમાં તમે દાખલ થયેલા છો. રીઝલ્ટ શું?
૨૫ વરસ થયા દીક્ષાને. ઉજવણી નહિ કરતા. આંખમાં આંસુ લાવજો. આપણે ઉજવણી કરવાની હોય જ નહિ. એ દિવસે પ્રભુની પાસે પોશ-પોશ આંસુ રડવાનું. પ્રભુ ૨૫ વરસ તો પાણીમાં ગયા. હવે શું? હવે શું? એક વાત આજ બરોબર સમજી લો કે આંતર-નિરીક્ષણ તમારી પાસે નથી. તો બધી જ ક્રિયાઓ હોવા છતાં રીઝલ્ટ તમારી પાસે રહેવાનું નથી. ક્યાં તમે ભૂલો છો, એ તો તમારે જોવું પડશે કે નહિ? ઉપર ઉપરથી ફેરવી નાંખ્યું લીંપણ. અંદર શું છે? ઉપાદાન શુદ્ધિ જરૂરી છે.
પેલા ગુરુ સાધના આપવા તૈયાર હતા. પણ એ નક્કી કરતા કે સાધના ક્યારે આપું? સાધના ઝીલવાની સજ્જતા આવે ત્યારે. તો ગુરુએ કહ્યું કે તું સાધક તો પછી. પહેલા મારો મહેમાન તો ખરો જ. તો તને ચા પીવડાવું. તિબેટનો આશ્રમ. ઠંડી બહુ. સવારથી સાંજ સુધી કીટલી ઉકળતી જ હોય. ગુરુએ પોતે કપ રકાબી એની સામે મુક્યા. ગુરુ પોતે ચા serve કરે છે. કપ ભરાઈ ગયો. ચા રેડાવાનું ચાલુ. રકાબી ભરાઈ ગઈ. ચા રેડાવાનું ચાલુ. અને પછી પણ રેડાવાનું ચાલુ. જાજમ પર ચા ઢળવા માંડી. પેલો કહે; સર, સર, સર શું કરો છો આ? જાજમ પર ચા ઢોળાઈ.
ગુરુ કહે; તું કાંઈ સમજ્યો? કપ રકાબી ભરાયેલાં હોય. ચા નાંખીએ તો ક્યાં જાય? એમ તારું હૃદય અહંકારથી ભરાયેલું છે. રાગ અને દ્વેષથી ભરાયેલું છે. એ સાધના નાંખીશ તો જશે ક્યાં? એ તો મને કહે. પહેલા જા, આ સાધનાને ઘૂંટ. ઉપાદાનને શુદ્ધ કર. અને પછી મારી પાસે આવ. અને પછી હું તને સાધના આપું.
પહેલાની એક વાત તમને કહું કે આપણે ત્યાં સાધના workshop ના રૂપમાં ચાલતી. બિલકુલ ડોક્ટર પાસે ચાલે છે એ જ રીતે. ડોક્ટર પાસે ગયા. એને ડાયોગ્નોસીસ કર્યું. દવા આપી. કહ્યું; કે અઠવાડિયે પાછા આવો. તમે અઠવાડિયે ફરીથી ગયા. તમને શું થયું એમ પૂછે છે? કંઇ પણ ફેરફાર લાગે દવા બદલી આપે છે. અથવા ઇન્જેક્શનનો કોર્સ આપે છે. ફરી અઠવાડિયે બોલાવે છે. એમ કરતા દવા લાગુ પડે ત્યારે કહે કે હવે આ છ મહિના સુધી લેવાની છે.
આપણે ત્યાં પણ આ રીતે કામ ચાલતું. ગુરુ એક સાધના આપતા ઘૂંટવા માટે. કહેતાં કે એ અઠવાડિયું ઘૂંટીને આવ મારી પાસે. શું રીઝલ્ટ મળે છે, મને કહે. એ રીઝલ્ટ જોઈ પછી એની સાધનામાં સુધારો-વધારો કરી આપે. અને આગળ ચાલે. આજે શબ્દોને લેવાની વાત થઈ. સાધનાને લેવાની વાત જ ભુલાઈ ગઈ. આખી પરંપરા તૂટી ગઈ. ગુરુ શબ્દ આપવા માટે છે જ નહિ!
ઉપાધ્યાયજી ભગવંત ગ્રંથો ભણાવે. આચાર્ય ભગવંત જો મૂળ ગ્રંથ કોઈને આપે. આખો ગ્રંથ તને આપી દઉં છું આ રીતે. તો એમને પ્રાયશ્ચિત આવે છે. કારણ કે ઉપાધ્યાયજીનો એ વિષય છે. ગ્રંથો આપવા, કરવું ઉપાધ્યાયજીનો વિષય છે. આચાર્ય ભગવંત શું કરે, કે એ ગ્રંથોમાંથી તમારા જીવન પરત્વે શું ખુલે છે, એના લગતી દ્રષ્ટિ આપે. એટલે ગુરુનું કામ વિઝન આપવાનું છે. દ્રષ્ટિ આપવાનું. અહીંયા બંને આચાર્ય ભગવંતો તમને સરસ રીતે વિઝન આપી રહ્યા છે. પણ એ કેટલું ઊંડું ઉતર્યું, મારે પૂછવું છે? ઊંડું કેટલું ઉતર્યું?
અધ્યાત્મબિંદુ બહુ સરસ. ગમી ગયું બધાને. એટલે ચોપડીમાં રહે ત્યાં સુધી ગમ્યું કે જીવનમાં આવે તો ગમ્યું? આંખમાં આંસુ ક્યારેય આવ્યા, દરેક શ્લોક વાંચતા? એક-એક શ્લોક અદ્ભુત્ત છે. આંખમાં આંસુ આવ્યા? શ્લોક બેસી ગયો, ટીકા બેસી ગઈ. ગંગાજી નાહ્યા. પૂરું થઇ ગયું. અરે, ગંગાજી નાહ્યા નહિ, ગંગાને કાંઠે ય પહોંચ્યા નથી! અંદર જવાનું બાકી જ છે.
પણ, આ આંતર-નિરીક્ષણ વગર કંઇ જ પકડાય એવું નથી. આ વાતો તમારી આગળ વર્ષોથી હું કરું છું. નવી નથી આજે કંઇ. પણ રીઝલ્ટ તમને લાગે છે મળે એવું? તમને એમ લાગે છે કે રીઝલ્ટ મળ્યું હોય એમ? ઉપાદાન શુદ્ધિ તમારી સુદ્રઢ બની હોય એવું લાગે છે? ગયા વરસ કરતા આ વરસે ઉપાદાન તમારું જે છે એ સુદ્રઢ બન્યું છે તમને લાગે છે એવું? એટલે મારી દ્રષ્ટીએ સાધના મળી ગઈ છે એ ઘૂંટવાની. પણ ખરેખર સાધના ક્યારે ઘૂંટાશે? ઉપાદાન શુદ્ધિ થશે ત્યારે જ. ઉપાદાન શુદ્ધ નથી.
એક વ્યક્તિ પ્રત્યે દ્વેષના વિચારો છે. હવે તમે સાધના શું કરવાના, એ તો મને કહો! તમે મિત્રાદ્રષ્ટિમાં એ નથી. પહેલી દ્રષ્ટિમાં પણ તમે નથી.! એક લક્ષ્યાંક પકડો કે મિત્રાદ્રષ્ટિ તો આ જન્મમાં મળવી જ જોઈએ. પાંચમી શ્રાવકને હોય અને છઠ્ઠી સાધુને એ તો સપનાની વાત છે આપણા માટે. આપણા માટે પહેલી દ્રષ્ટિ અત્યારે મળે તો પણ ઘણું છે. તો બધા મૈત્ર્યયોગી બની જાઓ. તમારા હૃદયમાં એક પણ વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર ન હોય ત્યારે તમે મૈત્ર્યયોગી બન્યા. લાગે છે તમને કે મૈત્ર્યયોગી તમે બન્યા છો?
એટલે જ પ્રણિધાનપૂર્વકની ક્રિયા કરવાનું કહ્યું. અને પ્રણિધાનમાં બે જ વાત કરી. હીનગુણ દ્વેષાભાવ, અને પરાર્થ વાસના વિશિષ્ટતા. તો પરોપકારની ભાવના નથી તો કેમ ચાલશે? વૈયાવચ્ચ એ તો આપણા અસ્તિત્વનો ગુણ હોવો જોઈએ. સ્વાધ્યાયમાં જેટલો રસ છે વૈયાવચ્ચમાં ખરો બોલો? તમે તો બધા એટલા યુવાન છો કે વૃદ્ધમાં એક-બે જ છે. દાદા મહારાજ ને એ. સેવા કરવાનો અવસર પણ નથી આવતો. પણ એમ કામ માટે હુંસાતુંસી થાય? ચડાવો બોલવો પડે રોજ? વહોરવા આવી જવાનું છે, ચડાવો બોલવો પડે કાંઈ?
તો બીજું છે. शुचि:
દાદા ગુરુદેવ પવિત્ર હતા. એમનું ઉપાદાન અત્યંત શુદ્ધ હતું. એટલે આપણે પણ આપણા ઉપાદાનને શુદ્ધ કરવા મંડી પડવાનું છે. મુરત આજનું બહુ સારું છે હો! આજનું મુરત બહુ સારું છે. આજથી જ ચાલુ કરી દેવાનું. ચાલો એક વાત પૂછું. આ દાદા ગુરૂદેવનો વંશવેલો છે. જે આપ્યું એ દાદા ગુરુએ આપ્યું કહેવાય. તો જે દાદા ગુરુએ તમને આખું શ્રામણ્ય આપ્યું. એમને અડઘો કલાક તમે આપશો ખરા? અડધો કલાક. વધારે નહિ. એ આંતર-નિરીક્ષણ માટેનો. હું ક્યાં છું? મારે ક્યાં જવાનું છ? મારું લક્ષ્ય શું છે? હું જાઉં છું ક્યાં?
કોઈ વ્યક્તિ એવી ન હોય હો કે અહીંથી સુરત જવા નીકળે અને નવસારી પહોંચી જાય. કોઈ બને નહિ એવું. બને? આપણે ક્યાં જવા નીકળ્યા છીએ બોલો? ક્યાં પહોંચ્યા છો તમે બોલો? જવા નીકળ્યા હતા ક્યાંક, પહોંચી ગયા. અને ખબર પણ નથી પાછી. મતલબ એ થયો કે લક્ષ્ય જ નહતું કોઈ. એટલે આ જન્મનું લક્ષ્યાંક એ રાખો કે ઉપાદાનની શુદ્ધિ. રાગ-દ્વેષ અને અહંકાર શિથિલ બનવા જ જોઈએ. અને એની શિથિલતા માટે અનુપ્રેક્ષા લાવવી જ પડશે.
હવે અનુપ્રેક્ષા એ રીતે કરો કે રાગ મને કઈ રીતે આવે છે? પદાર્થ રાગ, સુખશિલ્યાપણું છે કંઈ. વ્યક્તિરાગ શા માટે આવે છે? દ્વેષ તો કેમ આવ્યો? પગેરું લો. અહંકાર કેમ આવ્યો? પગેરું લો.
હું ઘણીવાર એકવાત કહું છું. એક શિષ્યએ મને કહ્યું; કે સાહેબ મને પેલા મહાત્માએ આવું રફલી કહ્યું. મેં કહ્યું, એનાથી બોલાઈ ગયું હોય. હું એને કહી દઈશ મેં કીધું. મેં કીધું મને તારી ચિંતા થાય છે. એ એમ સમજે કે મને દુઃખ લાગ્યું, એની ચિંતા થશે સાહેબને. મે કીધું કે મને ચિંતા એ થાય છે કે તું મિથ્યાત્વી થઈ ગયો. તું કહે છે ‘મને’ કીધું! એટલે શરીરને તું ‘હું’ માને છે. તો ‘હું’ મિથ્યાત્વી જ છે ને પછી! આનંદઘન ચૈતન્ય ને તું તારો માનતો નથી તો મિથ્યાત્વી છે તું. ભલે અનુભૂતિ ન હોય, માન્યતામાં તો આવી જ જાય ને? હું આ નથી. ‘હું’ એટલે આ. આ જ માન્યતામાં પડેલું છે. આ જ અનુભૂતિમાં પડેલું છે. તો મિથ્યાત્વી જ કહેવાય ને?
ઉપાદાન શુદ્ધિના લક્ષ્યાંક સાથે મિત્રાદ્રષ્ટિ તો મેળવવી જ એવું નક્કી કરજો. હરીભદ્રસૂરી મહારાજ છે ને એકદમ મનોવૈજ્ઞાનિક આયામના આચાર્ય છે. પંચસૂત્રમાં પણ એમણે મૂળભૂત વાતો આ રીતે જ પકડી છે. એમને ત્યાં બીજ તરીકે ગુણાનુરાગને મુક્યો છે. કારણ કે અનંત જન્મોથી પોતાના ગુણો ઉપર અનુરાગ છે. બીજાના દોષો ઉપર અનુરાગ છે. હવે એને પલટી મારીને બીજાના ગુણોના અનુરાગમાં ફેરવવાનું છે. એને તો બીજ કહે છે પંચસૂત્રમાં. હવે બીજ જ નહિ હોય, વૃક્ષ ક્યાંથી આવવાનું છે! એટલે ઉપાદાન શુદ્ધિનું લક્ષ્ય એ રીતે રાખો કે હું મૈત્ર્યયોગી તો બની જ જાઉં. આ જન્મમાં મિત્રાદ્રષ્ટિ મને મળી જ જવી જોઈએ.
હમણાં તો યોગદ્રષ્ટિ સમુચ્ચય આખો વાંચી લો. એકવાર, બેવાર, ત્રણવાર આ રીતે વંચાઈ જાય. હવે જેને ઘૂંટાઈ ગયો હોય એને પછી હું એક જ કહું છું. કે યોગદ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથ લેવાનો. પહેલી દ્રષ્ટિ સુધી જ વાંચવાનું. આખું ટેબલ બનાવો. કેટલા ગુણો? કેટલા દોષો? ગ્રંથને મૂકી દો હવે. હવે વધારે વાંચવાની જરૂરિયાત નથી. કારણ કે હવે આપણે ગ્રંથ પરિણતિના-અનુભૂતિના સ્તર ઉપર વાંચવો છે. અત્યારે વાંચવો એટલાં માટે કે મહાપુરુષોનો ગ્રંથ છે. આપણને આખો ખ્યાલ પણ આવી જાય. બે-ત્રણ વાર વાંચ્યો એટલે ખ્યાલ તો આવી ગયો. હવે એનું પ્રેક્ટીકલ કરવું છે.
કોલેજમાં પણ તમને ખ્યાલ છે. માત્ર થીયરીકલ ચાલતું નથી. પ્રેક્ટીકલ જ મહત્વનું છે. મેડિકલમાં ભણો તો ડાઇસેકશન કરવું જ પડે. મડદા ચીરવા જ પડે. પ્રેક્ટીકલ ન હોય ત્યાં સુધી થીયરીકલ એનું સાચું થતું નથી. તો તમારે પણ પ્રેક્ટીકલ કરવાનું છે. યોગદ્રષ્ટિ સમુચ્ચયની પહેલી દ્રષ્ટિ સુધી વાંચી લીધું. એના ગુણ-દોષ ઊંડાણથી જોઈ લો બરોબર. એ ન મળે ત્યાં સુધી બીજી દ્રષ્ટિ હવે નહિ વાંચવાની. કંઈક લક્ષ્યાંક નક્કી રાખો. તો જ મળશે. પછી તો morning walk જેવી આપણી યાત્રા છે. બે કિલોમીટર ગયા અને બે કિલોમીટર પાછા આવ્યા. હતા ત્યાં ને ત્યાં જ.
ત્રીજી સજ્જતાની વાત કરે છે. दक्ष: – દક્ષતા – પ્રબુદ્ધતા. પ્રબુદ્ધતા એ બહુ ઉંચી વસ્તુ છે. ત્યાં માત્ર શાબ્દિક જ્ઞાનની વાત નથી કે વૈચારિક સ્તરના પણ જ્ઞાનની વાત નથી. ત્યાં એવું જ્ઞાન છે કે જે સદ્ગુરુ પ્રત્યેના અહોભાવથી પૂર્ણ છે. અને એટલે એ શિષ્ય સદાને માટે કોશિશ કરે છે કે ગુરુ જે કહી રહ્યા છે એને બરોબર હું સમજુ અને એને મારા જીવનમાં ઉતારું.
એક ઝેન કથા આવે છે. એક નવા શિષ્યે એક જુના શિષ્યને પૂછ્યું કે ગુરુ જ્યારે પ્રવચન આપે ને ત્યારે ખાસ સાવધાની શું રાખવાની? તો પેલાએ મજાની વાત કરી કે ગુરુ જ્યારે પ્રવચન આપે ને ત્યારે ગુરુ શું કહેવા માંગે છે ત્યાં નજર કરવાની. શબ્દો ઉપર માત્ર નજર નહિ રાખવાની. કારણ, ગુરુ good શબ્દ વાપરે. હવે એમણે અંગ્રજીમાં વાપર્યો હોય. Good એટલે સારું થાય. હિંદી ભાષી હોય, ઓહો, ગુડ એટલે ગોળ. એટલે ગુરુના શબ્દોને નહિ પહોંચવાનો. એના એદંપરિ સુધી જવાનું. શાસ્ત્રમાં પણ તમે એદંપરિ સુધી ન જાઓ તો તમારો સ્વાધ્યાય પૂરો થતો નથી. તો દક્ષતા એ છે કે જેમાં શાસ્ત્રીય એદંપર્ય પણ છે અને ગૃરુની આજ્ઞાનું પણ એદંપર્ય છે.
એટલે હું ઘણીવાર કહું છું. એક શિષ્યને દીક્ષા લેવી છે. એની પાસે સામાન્ય અભ્યાસ છે. આવશ્યક ક્રિયાઓનો. શાસ્ત્રીય અભ્યાસ કેટલો જોઈએ એની પાસે? તો શાસ્ત્રએ કહ્યું કે જો સદ્ગુરુને એ પૂર્ણતયા સમર્પિત હોય તો કોઇ પણ શાસ્ત્રીય અભ્યાસ નહિ હોય તો ચાલશે. બહુ મજાની વાત છે. તમે સમર્પિત થયા ગુરુને, તો ગુરુનું બધું જ્ઞાન તમને મળી ગયું!
તમે બ્રીચકેન્ડીમાં પેશન્ટ તરીકે દાખલ થાવ. તમને પૂછતા નથી કે મેડિકલ બુલેટીસ તમે કેટલા વાંચ્યા છે? તમને મેડીટેશનનું કેટલું જ્ઞાન છે? તમને અંગ્રેજી આવડે છે કે નથી આવડતું? કાંઈ પૂછતા નથી. એટલું જ કહે છે કે મેડિકલ સુપરવિઝન જે કહે એને તમારે follow up કરવાનું છે. તો ત્યાં શું થયું? એક ડોકટર. ૨૦-૨૫ વરસ સુધી જેને માત્ર અભ્યાસનો સમય ગાળ્યો છે. પહેલા તો એ સામાન્યતયા બારમી સુધી જાય. પછી MMBS થાય. પછી કદાચ બે શાખા છે. સર્જરીની અને ફીજીશીયનની. ફીજીશીયન હોય તો md થાય. MD નું પણ વેલ્યુ અત્યારે નથી. પછી એને સ્પેશિયાલિસ્ટ બનવું પડે. કાં તો heart specialist બને. કાં તો બીજો specialist બને. તો આટલું એને કરતા ૨૨ વરસ લગભગ લાગે છે. ૨૨ વરસથી એણે મેળવેલું જ્ઞાન તમને એક મિનિટમાં આપી દે છે. આ તમારું દર્દ હતું. આ તમારે દવા લેવાની છે. ડોક્ટરનું ૨૨ વરસનું જ્ઞાન તમને એક મિનીટમાં મળી ગયું. પણ પછી પ્રિસ્ક્રીપ્શન નાંખી દેવાનું કબાટમાં. દવા લેવાની નહિ. આવું બને? ત્યાં ક્યાંય નથી બનતું. કેમ? શરીરનો રોગ કાઢવો છે, લક્ષ્યાંક છે. ડોકટર પાસે કેમ જાઓ છો? શરીરનો રોગ મારે કાઢવો છે માટે જાઉં છું. ગુરુ પાસે કેમ આવ્યાં?
ચાલો બધાને એક પ્રશ્ન કરું. ગુરુ પાસે કેમ આવ્યા બોલો? ગુરુની આવશ્યકતા શું? ગુરુની વર્ષોની અનુભૂતિ તમને એક ક્ષણમાં ગુરુ હેન્ડઓવર કરી શકે. તમે ખરેખર શેના માટે આવ્યા છો? ખરેખર શેના માટે આવ્યા છો? એ કામ સાવ સરળ છે પાછું. ગુરુ અનુભુતિવાન હોય. અનુભૂતિ જ તમને આપી દેશે. ક્રીમ. દૂધ પણ નહિ. સીધું ક્રીમ. પણ હોસ્પિટલમાં શરત શું હતી? મેડિકલ સુપરવિઝનને totally surrender થવું પડે. અહીંયા આપણે અહિયાં જ ચૂકીએ છીએ. ગુરુની આજ્ઞાને સંપૂર્ણતયા પાલિત કરવી મન-વચન-કાયાથી એ બન્યું છે? તમારાં અંતરને પૂછો. અને એ સમર્પણ ન હોય તો ગુરુનું જ્ઞાન તમને મળશે ખરું? તમે હોસ્પિટલમાં જાઓ જ નહિ. તો ડોક્ટર તમારાં ઘરે આવવાનો નથી. હોસ્પિટલમાં જવું પડે. એને ફીસ આપવી પડે. ત્યારે ડોક્ટરનું જ્ઞાન મળે છે. અહીંયા બીજી કોઈ ફીસ નથી. ખાલી સમર્પિત થવું પડે.
એટલે એક વાત હું ઘણીવાર કહું છું. આ સાધુપદ પહેલી વાર મળ્યું છે તમને? અગણિત વાર મળ્યું છે. ક્યાં ચુક્યા તમે? સ્વાધ્યાય ઓછો કર્યો, એ ચુક્યા એવું માનતા નહિ ક્યારેય. ભક્તિ ઓછી કરી, અને ચુક્યા એવું માનતા નહિ ક્યારેય. તમે ચુક્યા છો માત્ર સમર્પિતતાના અભાવમાં. એક સમર્પણ નહતું તો બધું જ ચુકી ગયા છો.
હું ઘણીવાર કહું છું. તમે સમર્પિત ન હોવ તો ગુરુના હાથ બંધાયેલા છે. ગુરુ શું કરશે? ગુરુ બધું જ કરવા તૈયાર.. totally.. તમારા યોગક્ષેમની જવાબદારી સદ્ગુરુની છે.
ભગવદ્ગીતામાં બે વાત કહે છે. અર્જુન કહે છે; ‘करिष्ये वचनं तव’ હે કૃષ્ણ ભગવાન! તમે કહો છો એમ બધું હું કરીશ. ‘करिष्ये वचनं तव’ સંપૂર્ણ સમર્પણ. અને એ વખતે ગુરુ ચેતનાએ કોલ આપ્યો: ‘योगक्षेमं वहाम्यहम्’ તારા યોગ અને ક્ષેમની જવાબદારી મારી છે.
તો દક્ષતા એટલે પાંડિત્ય નહિ. દુનિયાના કહેવાતા પંડીત બનવું એને આ દક્ષ શબ્દ જોડે કાંઈ સંબંધ નથી. કારણ કે આ આખી સાધનામાં ઉતરેલ વ્યક્તિની વાત છે. જે અહીંયા એવું કઈ જ્ઞાન જરૂરી નથી કે જે તમને અહંકારની દિશામાં લઇ જાય. હું મોટો જ્ઞાની છું અને પ્રવચનકાર છું. લોકો મને બહુ સાંભળે. એ તો અહંકાર છે મારો. તો દક્ષતાનો મતલબ આ છે. તમારી પાસે સમર્પણપૂર્વકનું થોડું જ્ઞાન હોય. ભલે થોડું જ હોય, વાંધો નથી; પણ સમર્પણ પૂરેપૂરું. જ્ઞાન થોડું હોય તો વાંધો નથી, સમર્પણ પૂરું જોઈએ. તમારી કોશિશ શું છે? જ્ઞાન પૂરેપૂરું લેવું છે. સમર્પણ નથી કરવું.
એટલે આજે આંતર-નિરીક્ષણ બરોબર કરજો કે દાદા ગુરુદેવની આ પુણ્યતિથી નિમિત્તે એમની સ્મૃતિ તરીકે આપણે ત્યાં ગુણાનુવાદ સભામાં શું થાય? માત્ર શબ્દોથી શ્રદ્ધાંજલિ આપી દે, વાત પૂરી કરી દઈએ. પણ ગુણાનુવાદ શબ્દનો અર્થ શું થાય ખબર છે? એમના જે ગુણ હતા, એનો અનુવાદ મારા જીવનમાં કરવો એનું નામ ગુણાનુવાદ. અંગ્રેજીમાં છે અને ગુજરાતીમાં કોઈ લાવે તો અનુવાદ કર્યો કહેવાય. એ જ વસ્તુ ગુજરાતીમાં લાવ્યા. દાદા મહારાજમાં જે હતું એ તમારામાં આંશિકરૂપે પણ આવે તો ગુણાનુવાદ. નહિતર આ કાને સાંભળ્યું અને આ કાને બહાર.
તો ત્રણ વિશેષણો આજે આપણે જોયા- अनपेक्षः शुचिर्दक्ष
બહુ જ મહત્વની વાતો છે આ. અને આના વિના કોઈ કલ્યાણ થવાનું નથી. મને તો ઘણીવાર વેદના થાય. આટલું બધું તમે સહન પણ કરો છો. સહન ઓછું નહિ કરતા હોવ. આ ગરમીમાં અત્યારે સ્થાન સારું મળી ગયું. ગમે તેવું સ્થાન મળે વિહારમાં. આપણે ગરમીમાં રહીએ. ઠંડી સહન કરીએ. બધું સહન કરીએ. આટલું બધું તમે સહન કરો છો. અને રીઝલ્ટ જો નહિ મળે તો શું થશે?
મારી વેદના આ છે કે બધું કર્યા પછી આખરે શું? જો રીઝલ્ટ જ ન મળે તો! તો આજે રાત્રે અડધો કલાક દાદાગુરુદેવને આપવાનો. કે રોજે આપશો? આંતર-નિરીક્ષણ રોજ કરશો? દાદા ગુરુદેવને બીજું કંઈ નહિ, અડધો કલાક આપજો ને વધારે નહિ. જીવન આપ્યું વ્યવહારથી કહીએ. અડધો કલાક નિશ્ચયથી આપી દેજો. બરોબર.
