Mumukshu Vachna | 11-05-20 | Navsari Tapovan

20 Min Read

સાંઈ સેવન મેં દેઈ સિર

પ્રભુની આજ્ઞા પ્રત્યેનું સમર્પણ. અનંતા જન્મોમાં આપણે સ્વાધ્યાય, તપ, જપ, અનુષ્ઠાન બધું જ કર્યું અને છતાં result ન મળ્યું; કારણ? આજ્ઞા વગરની ક્રિયા સફળ બની શકે નહિ. આજ્ઞા શું? _आज्ञा तु निर्मलं चित्तं, कर्तव्यं स्फटिकोपमम्_. તમારું ચિત્ત નિર્મળ બનેલું હોય, રાગ-દ્વેષ-અહંકાર શિથિલ થયા હોય, એ પ્રભુની આજ્ઞા.

જો સ્વાધ્યાય કરતી વખતે તમારી આંખો ભીની બને, હૃદય અહોભાવથી પ્રભુ તરફ ઝૂકી જાય, તો તમારો એ સ્વાધ્યાય તમારા અહંકારને શિથિલ કરે. જ્યારે કેન્દ્રમાં તમે હોવ છો, ત્યારે અહંકાર ટટ્ટાર થાય અને જો કેન્દ્રમાં પ્રભુ આવ્યા, તો અહંકાર શિથિલ થાય. અહંકારને શિથિલ કરે, એવો સ્વાધ્યાય એ આજ્ઞાપૂર્વકનો સ્વાધ્યાય.

હું ત્રણ જાતના _હું_ ની વાત કરું છું. અનંત જન્મોથી તમે જેનાથી પરિચિત છો, એ પહેલો અહંકારના લયનો _હું_. બીજો અહોભાવના લયનો _હું_. _મેં_ પ્રભુની ભક્તિ કરી અને મને બહુ આનંદ આવ્યો – આ અહોભાવના લયનો _હું_. આ અહોભાવના લયમાં તમે સતત રહો, તો તમને ત્રીજો આનંદઘન _હું_ મળી શકે.




નવસારી તપોવન વાચના – 44 [11.5.2020]

“ચિત્ત મેં શ્રુત ઐસે બસે, જૈસે જલ મીના રે” અને પછી કહે છે; “સાંઈ સેવન મેં દેઈ શિર, કછુ વિલય ન કીના રે” “સાંઈ સેવન મેં દેઈ શિર કછુ વિલય ન કીના રે.” પ્રભુના ચરણોની અંદર સર્વસ્વનું સમર્પણ કર્યું છે; અને પ્રભુને આખા ને આખા પામી લીધા છે! આપણે આપણા ‘હું’ નું વિસર્જન કરીએ છીએ; પ્રભુને પામીએ છીએ. સાધકના સ્તર પર કહીએ તો આપણા નકલી ‘હું’ નું આપણે ત્યાગ કરીએ છીએ અને અસલી ‘હું’ ને આપણે પ્રાપ્ત કરીએ છીએ.
સમર્પણ – પ્રભુ પ્રત્યેનું શીલ. ઘણા બધા આયામો છે. એમાં એક આયામ છે – પ્રભુની આજ્ઞા પ્રત્યેનું સમર્પણ. માનવિજય મ.સા.એ ૧૪માં સ્તવનમાં એક બહુ મજાની વાત કરી. એમણે કહ્યું; કે તપ,જપ, સ્વાધ્યાય અને ક્રિયા અગણિત જન્મોમાં આપણે કરેલી. ફળ નહિ મળ્યું. કેમ નહિ મળ્યું?
વેપારીને છે ને એક મહિનામાં Loss જાય ને, તરત એ વિચાર કરે loss કેમ ગયો? આપણા અનંતા જન્મો વીતી ગયા, loss માં ને lossમાં. તો સ્વાધ્યાય, તપ, જપ, અનુષ્ઠાન બધું જ પ્રભુએ કહેલું કર્યું. એવું નથી કે કઈ બીજું કર્યું. પ્રભુએ કહેલું કર્યું. છતાં result નહિ, કારણ શું? ત્યાં એમણે સ્પષ્ટ કહ્યું કે આજ્ઞા વગરના તપ, જપ, સ્વાધ્યાય, ક્રિયા ક્યારે પણ સફળ બની શકે નહિ.
આજ્ઞા શું? “आज्ञा तु निर्मलं चित्तं, कर्तव्यं स्फटिकोपमम्” એટલે રાગ, દ્વેષ, અહંકાર તમારા શિથિલ પડ્યા હોય, તમારું ચિત્ત નિર્મળ બનેલું હોય, એ પ્રભુની આજ્ઞા.
તો હવે તમે સ્વાધ્યાય કર્યો, એ આજ્ઞાપૂર્વકનો હતો કે આજ્ઞા વગરનો હતો? એ સ્વાધ્યાય કરતાં માત્ર આંખો ભીની બની. મારા ભગવાનના શબ્દો..! મારા ભગવાને personally for me કહેલા શબ્દો…! મારા પ્રભુ..! અનુભૂતિની શિખર ઉપર પહોંચેલા, એ મારા માટે શબ્દોની તળેટી સુધી આવી ગયાં…! તો સ્વાધ્યાય કરતાં આંખો ભીની બને, હૃદય અહોભાવથી પ્રભુ તરફ ઝુકી ઉઠે, તો માનીએ કે એ સ્વાધ્યાય વાસ્તવિક થયો. કારણ – અહોભાવ, આંખના આંસુ, હૃદયની ભીનાશ એ તમારા અહંકારને શિથિલ કરે જ. અહંકાર ટટ્ટાર ક્યારે થાય છે? જ્યારે કેન્દ્રમાં તમે હોવ છો ત્યારે. કેન્દ્રમાં પ્રભુ આવ્યાં; અહંકાર શિથિલ થાય જ!
એટલે હું ત્રણ જાતના ‘હું’ ની વાત કરું છું. એક તો અહંકારના લયનો ‘હું’. તમે પરિચિત છો એનાથી. બીજો અહોભાવના લયનો ‘હું’ છે. આજે મેં પ્રભુની ભક્તિ કરી તો મને બહુ આનંદ આવેલો. મને, ‘હું’ શબ્દ છે, પણ અહોભાવમાં ભીનો થયેલો છે. હું આમ કરી નાંખું, હું એને બતાવી દઉં, આ અહંકારના લયનો ‘હું’ છે. મેં પ્રભુની ભક્તિ કરી. કહો કે પ્રભુએ ભક્તિ કરાવી.! તો કેટલો બધો આનંદ મને આપ્યો! તો ત્યાં પણ ‘હું’ તો છે પણ અહોભાવના લયમાં છે. અને આપણા માટે બહુ મજાની વાત એ છે કે અહોભાવનો લય આપણને ગળથુંથીમાંથી મળેલો છે. આખી જ આપણી સંસ્કૃતિ અહોભાવમાંથી જ જન્મેલી છે, અને અહોભાવમાં જ પલ્પેલી છે.
તો અહોભાવના લયના ‘હું’ સુધી આવવું, તમને બહુ તકલીફ ભર્યું નહિ બને. અને એ ‘હું’ જો આવી ગયું એકવાર તો આનંદઘન લયના ‘હું’ ને પ્રાપ્ત કરવામાં વાંધો નહિ આવે. તકલીફ ભર્યું શું હતું? અહંકાર દ્વારા ‘હું’ નો પીછો છોડાવવો એ.. કે સાલું અનંતા જન્મોથી ‘હું’ ફીટ થઇ ગયેલું, ‘હું’ ‘હું’ ને ‘હું’. હું આમ કરું, અને હું આમ કરું.! એ અહંકારના લયનો જે ‘હું’ હતો એનું ઓપરેશન થઇ શક્યુ, બહુ મોટી વાત થઇ ગઈ, એટલે બહુ મોટી હરણ-ફાળ ભરી નાંખી. હવે અહોભાવના લયમાં સતત રહો.!
એટલે આપણી ધારા તો એ જ છે કે તમે સતત અહોભાવની ધારામાં રહી શકો. દેરાસરમાં પણ ભક્તિની ધારા, વૈયાવચ્ચ કરો તો પણ ભક્તિની ધારા, મારા પ્રભુએ કહ્યું છે! સ્વાધ્યાય કરો તો પણ ભક્તિની ધારા, મારા ભગવાનના શબ્દો છે.! એટલે ૨૪ કલાકની ભક્તિ તમારી પાસે છે. તો અહોભાવનો લય ૨૪ કલાક ચાલે.
ધારો કે ૨૫-૫૦ વર્ષનો ગાળો પણ તમે આટલો આપી દો ને, કે સાહેબ હવે માત્ર અહોભાવ જ રહેશે, અહંકારના લયનો ‘હું’ આવશે જ નહિ તો ગેરંટી સાથે કહી શકાય કે આનંદઘનના લયના ‘હું’ ને તમે ચોક્કસ પામી શકશો. કારણ કે અનંતા જન્મોથી જે પેલું દર્દ લાગેલું હતું ને, એમાંથી મુક્તિ મેળવવી એ જ મોટી વાત હતી. એટલે અહોભાવના લયે તમને એમાંથી મુક્તિ અપાવી. તો તપ, જપ, ક્રિયા, સ્વાધ્યાય અનંતા જન્મોમાં અનંતીવાર થયા, સંસાર ચાલુ રહ્યો.!
કલ્પસુત્રના માહાત્મ્યમાં કહ્યું; “तिसत्तवारं निसुणंति कप्पं, भवण्णवं गोअम ! ते तरंति” ૨૧ વાર જે કલ્પસુત્રને જે સાંભળી લે, એનો બેડો પાર થઇ જાય. આપણે શું ૨૧ વાર નહિ સાંભળ્યું હોય? એક જન્મમાં ૨૧ વાર થઇ જાય.! તો યક્ષ પ્રશ્ન આ છે, કે સંસાર ચાલુ કેમ રહ્યો, મારો અને તમારો? Where is the fault…? અને આ જો આપણે જોઈશું નહિ ને, તો સ્વાધ્યાય કરું છું, ભક્તિ કરું છું, ક્રિયા કરું છું – આત્મ-સંતોષ મેળવીને બેસી જઈશું! આ જ પગથિયાંમાં થયેલું ઘર.! કે કદાચ તમને પુણ્યનો બંધ થાય, પણ એના દ્વારા રાગ-દ્વેષનો ક્ષય ન થાય. કારણ કે કર્મની નિર્જરા થતી નથી. તો માત્ર પુણ્યનો બંધ આપણા માટે હેય જ છે.
By-product પુણ્યનો બંધ થઇ જાય એ જુદી વસ્તુ છે કે એના દ્વારા સુકુળમાં જન્મ મળે અને દેવ-ગુરુ ધર્મની સામગ્રી આપણને મળે, એવો પુણ્યનો ઉપયોગ થાય. પણ આપણો મેઈન ઉદ્દેશ તો એક જ છે કે મારે સંવર અને નિર્જરા જ કરવી છે. તો આ જે goal હતો એ goal જ નથી મનમાં.! તમારી પાસે પુણ્યબંધની વાત તો તમે પ્રારંભિક સ્તરમાં હોવ ત્યારે છે કે જ્યારે અહોભાવને ઘૂંટવાનો છે ત્યારે. સમભાવમાં તમે રહો છો. ૨૪ કલાક સમભાવમાં તમે રહો છો.
સમભાવ એટલે શું? સંવર. તમે સમભાવમાં આવ્યાં, એટલે નવા કર્મોને પ્રવેશતા તમે બંધ કરી દીધા. એટલે પુણ્ય કર્મોનો પણ આશ્રવ નથી ત્યાં. એટલે માત્ર સંવર અને નિર્જરા એ જ આપણો goal છે, એ જ આપણું લક્ષ્ય છે.! પછી શુભભાવ આવ્યો અને પુણ્ય બંધાઈ ગયું એ by product. તો એ લક્ષ્યાંક ચુકાઈ ગયું સૌથી મોટી વાત આ થઇ.! શેના માટે મારે સાધના કરવાની છે? એ લક્ષ્યાંક ચુકાઈ ગયું.! આજ્ઞાપૂર્વકની સાધના કરવાની છે. આજ્ઞાપૂર્વકની ક્યારે કહેવાય? રાગ-દ્વેષ, અહંકાર શિથિલ થાય ત્યારે જ.! તો મારી આ સાધના દ્વારા રાગ-દ્વેષ, અહંકાર શિથિલ બન્યા, જોઈ લો.
તો સમર્પણની ધારા આપણને જોઇશે. પ્રભુની આજ્ઞા પ્રત્યેનું સમર્પણ.
દીક્ષા એટલે શું? તમે ન હોવ અને ભગવાન હોય એનું નામ દીક્ષા. અનંત જન્મો સુધી કેન્દ્રમાં તમે રહ્યા. ભગવાનને અને ગુરુને રાખ્યાં તો પરિઘમાં રાખ્યાં.! જરા ત્યાં બેસી જાવ, કેન્દ્રમાં તો હું જ રહીશ.! કેન્દ્રમાં પ્રભુ આવી જાય એનું નામ દીક્ષા.! તો આ દીક્ષા આપણને મળી છે? કેન્દ્રમાં કોણ છે? તમારો ‘હું’ છે કે પ્રભુ છે? એક-એક વાત સારી થઇ જાય, પ્રભુની કૃપા.! વધુમાં વધુ તમે એટલી હદે જઈ શકો કે પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો છે. જવાની જરૂર નથી પણ કદાચ જાવ તો પણ ત્યાં સુધી જ જઈ શકો કે પ્રભુએ આ શુભ કાર્યમાં મને નિમિત્તરૂપ બનાવ્યો. જવાની જરૂર નથી. શુભ કાર્ય થઇ ગયું, વાત પુરી થઇ ગઈ. પણ કદાચ કોઈક કંઈક કહી દે, અને અહંકારભાવ નથી લાવવો તો નમ્રતાના સ્તર પર તમે કહી શકો, પ્રભુએ મને નિમિત્ત બનાવ્યો, બાકી મારું કર્તૃત્વ આમાં કંઈ છે જ નહિ.
મારું કર્તૃત્વ ક્યાં હોય? રાગ-દ્વેષ, અહંકારમાં! મારો અભ્યસ્ત માર્ગ કયો? રાગ-દ્વેષ, અહંકાર. તો મારું કર્તૃત્વ ક્યાં જવાનું? ત્યાં જ જવાનું.! હવે સારું કામ થયું, પ્રભુની કૃપા!
દીક્ષા પણ યાદ રાખો, પ્રભુએ તમને આપી છે. પ્રભુએ તમને select કર્યા તો જ ગુરુ તમને રજોહરણ આપી શકે છે. એટલે દીક્ષા પણ પ્રભુએ તમને આપી છે. અને આ જ લયમાં નંદીષેણ મુનિએ અજિતશાંતિમાં છેડે કહ્યું; ‘मम य दिसऊ संजमे नंदिं’ પ્રભુ રત્નત્રયી તો તે જ આપી છે.! હવે, રત્નત્રયીના પાલનનો આનંદ પણ તારે જ આપવાનો! રત્નત્રયી મળી એક વાત. રત્નત્રયીનું પાલન થઇ રહ્યું છે બીજી વાત. અને એ પાલનનો આનંદ મળે છે એ ત્રીજી વાત.
એના માટે કુમારપાળ મહારાજાએ આત્મનિંદા દ્વાત્રિંશીકામાં બે શબ્દો આપ્યાં છે; જ્ઞાતતત્વતા અને આપ્તતત્વતા. સરસ શ્લોક છે:
कदा त्वदाज्ञाकरणाssप्ततत्त्व-स्त्यक्त्वा ममत्वादि भवैककन्दं ।
आत्मैकसारो निरपेक्षवृत्ति- मोक्षेsप्यनिच्छो भवितास्मि नाथ ! ॥
कदा त्वदाज्ञाकरणाssप्ततत्त्व: – આજ્ઞા પાલનના આનંદમાં ઝૂમીને હું ક્યારે આપ્ત તત્વ બનીશ? સાધનાને તમે જાણો પ્રભુની જ, તો જ્ઞાતતત્વતા થઇ. તમે જાણ્યું છે, તમે બીજાને પણ કહી શકો. જો આ તસ્સ ઉત્તરી, એનો અર્થ આમ થાય. અન્નત્થ, એનો અર્થ આમ થાય. પણ એ જ્ઞાતતત્વતા થઇ. એ તત્વ આત્મસાત્ થાય, પરિણત થાય, તો જ તમે આપ્તતત્વ બની શકો. એટલે જ્ઞાતતત્વ બનવું એ કંઈ મોટી વસ્તુ નથી. આપ્તતત્વ જ બનવું છે. અને એના માટે આજ્ઞાપાલનનો આનંદ, આજ્ઞાપાલનની તન્મયતા જોઇશે.
સાધક માટે કઈ? એ તો સાધના મળી એ પહેલું ચરણ, સાધનાનું પાલન કરે છે એ બીજું ચરણ. અને સાધનામાં આનંદ આવ્યો, તન્મયતા આવી, અને એ આપ્તતત્વ બન્યો, એ ત્રીજું ચરણ.
હું સાધકો માટે અજિતશાન્તિ ની આ પ્રાર્થનાને એક શબ્દ બદલીને આપું છું; ‘મમ ય દિસઉ સાહણાએ નંદિં’ પ્રભુ તારી કૃપાથી સાધના મળી છે પણ એ સાધનાનો આનંદ પણ તારે જ આપવાનો છે. પછી હું લોકોને પૂછું કે પ્રભુ સાધનાનો આનંદ આપતાં નથી કે તમે લેતાં નથી? પ્રભુ તૈયાર નથી કે તમે તૈયાર નથી? He is ever ready.! પ્રભુ હંમેશ માટે તૈયાર છે!
આ આજ્ઞા પાલન આપણે કરીએ અને તમે ઝૂમો નહિ? નાચો નહિ? તમારો રોમ-રોમ નાચી ન ઉઠે? તો ખરેખર આજ્ઞા પાલન કહેવાય શી રીતે? એક-એક રોમ નાચતું હોય…! આ પ્રભુની આજ્ઞાનું પાલન મને મળ્યું છે! માત્ર આજ્ઞા પાલનથી એકલી નિર્જરા થશે એવું ક્યારેય માનતા નહિ.! આજ્ઞા પાલનનો આનંદ તમારો કેટલો છે? એના ઉપર જ નિર્જરાનું calculation થશે. ફરક ક્યાં પડ્યો? કે આજ્ઞા પાલનનો આનંદ છે ત્યાં મન તીવ્રતાથી એમાં જોડાયેલું હોય. બાકી તમે શરીરના સ્તર ઉપર આજ્ઞા પાલન કરી લો છો. પ્રતિક્રમણ તમે કર્યું શરીરના સ્તર ઉપર. મન ક્યાંય ફરતું હતું. ચૈત્યવંદન કરી આવ્યાં, શરીરના સ્તર પર, મન તો ક્યાંય ફરતું હતું. એટલે એ ક્રિયા જે છે એ પ્રણિધાન વગરની થઇ. અને પ્રણિધાન વગરની ષોડશકે તુચ્છ, અસાર, નકામી કહી છે. તો તે-તે ક્રિયામાં મનનું પૂરું જોડાણ તમારું જોઈએ. એક મહિના સુધી માત્ર તમારા મનનું જોડાણ, માત્ર પ્રભુના આ આજ્ઞાપાલન પર હોય, ગેરંટી સાથે કહી શકું – તમે પરમાં ન જઈ શકો.!
એક વર્ષના શ્રામણ્ય પર્યાયે તમે જીવન મુક્તદશાને પામી શકો, એવું ક્યારે કહ્યું? આ આજ્ઞાપાલનનો આનંદ હતો ત્યારે! અને એ આનંદને કારણે આજ્ઞા પાલન જે છે એ આત્મસાત્ થઇ જાય છે. એટલે માત્ર શરીરના સ્તર પર જે ક્રિયા થાય છે, કે વાણીના સ્તર ક્રિયા થાય છે એનું બહુ મહત્વ નથી. તમે પોતે એમાં કેટલા involve થયા છો એની વાત છે. ૧૦૦ એ ૧૦૦ ટકા એમાં involve થઇ જાવ.!
હું ઘણીવાર કહું છું, there should be the totality. સંપૂર્ણતા મનની હોવી જોઈએ. શ્રાવકોને ત્યાં સુધી કહ્યું; ભલે એક જ સામાયિક કરો, પણ there should be the totality. એવું સામાયિક કરો, કે ૪૮ એ ૪૮ મિનિટ તમારી શુભ કે શુદ્ધમાં જ ગયેલી હોય.
તો આજ્ઞાપાલનનો આનંદ મેળવવો છે. અને એ આનંદ ક્યારે મળે? તમારું મન તીવ્રતાથી એમાં જોડાયેલું હોય ત્યારે. અને એકવાર તીવ્રતાથી તમારું મન એમાં જોડાઈ ગયું, અને એ આનંદ તમે માણી લીધો, પરમાં સુખ જેવું છે જ ક્યાં.? આનંદ જેવું છે જ ક્યાં.? આ તો option નહતો, વિકલ્પ નહતો માટે તમે પરમાં જતાં હતાં, પણ પરમનો આનંદ મળે, પરમાં જવાય શી રીતે?
શિવાજી મહારાજ મહારાષ્ટ્રના શાસક બન્યા. ધર્મપ્રિય રાજા હતાં. તો વિચાર્યું કે મારે માથે ગુરુ તો હોવા જ જોઈએ. એક ગુરુ હોય, રાજ્ય ગુરુ. મારી, મારા પ્રજાજનોની પુરી ખબર રાખે. અમે લોકો ક્યાંય અધર્મમાં જતાં હોઈએ તો દંડો મારીને પણ અમને રોકે. તો રાજ્યગુરુ તરીકે કોને મુકવા? તુકારામજી બહુ જ પ્રસિદ્ધ સંત એ વખતે. તો વિચાર્યું કે તુકારામજી ને આપણે રાજ્યગુરુની પદવી આપીએ. તુકારામજી પ્રભુના બહુ જ મોટા ભક્ત. એમના અભંગો મહારાષ્ટ્રમાં ઘરે-ઘરે ગવાતાં હોય છે. ‘વિઠા તુઝા માજા રાજ’ – વિઠ્ઠલ હું અને તું ભેગા થયા, બસ પૂરું થઇ ગયું.!
એક બહુ સરસ અભંગ એમનું છે; ‘બહુ ભીંતો જાણપણા, આડયનો નારાયણા ય’ ‘બહુ ભીંતો જાણપણા’ – મારા જ્ઞાનથી હું બહુ ડરું છું. ‘બહુ ભીંતો જાણપણા’ – કેમ? ‘આડયનો નારાયણા ય’ – મારી અને ભગવાનની વચ્ચે તો નહિ આવે ને? જ્ઞાનના કારણે મને અહંકાર આવે તો મારી અને ભગવાનની વચ્ચે દીવાલ થઇ જાય. ‘બહુ ભીંતો જાણપણા’ – મારા જ્ઞાનથી હું ડરું છું.!
તો શિવાજીએ નક્કી કર્યું; પોતાના મંત્રીને કહ્યું કે જાવ, તુકારામજી મહારાજના ઘરે. એમણે રાજ્યગુરુ તરીકે સન્માનથી લઈને આવો. મહારાજ શેમાં બેસે આપણને ખ્યાલ નથી. હાથીના હોદ્દે બેસે તો હાથીના હોદ્દે બેસાડીને લાવો. બગીમાં જોઈએ તો બગીમાં, પાલખીમાં જોઈએ તો પાલખીમાં, બધું લઈને જજો. મંત્રી તો માનતો હતો કે બસ આમાં શું? રાજ્યગુરુની પદવી કોઈને મળે તો કોઈ ના પાડે ખરું? બધી તૈયારી સાથે ગયો. બેન્ડ-વાજા બધું લઈને. અને તુકારામજીને કહ્યું; આપને રાજ્યગુરુની પદવી આપવા શિવાજી મહારાજ ઈચ્છે છે. તુકારામજીએ સાફ ના પાડી. હું તૈયાર નથી એના માટે. ઘણી-ઘણી વિનંતી થઇ, સાફ ના! મંત્રી પણ નવાઈ પામી ગયો. આખા રાજ્યના ગુરુ તરીકેની પદવી મળે છે, લાખો લોકોના એ ગુરુ બની શકે એમ છે. ના, પાડે છે? કેટલી નિઃ સ્પૃહતા હશે, વિચાર તો કરો.!
ઘણીવાર વિચાર આવે કે ૫૦,૦૦૦ કેવલજ્ઞાની શિષ્યોના ગુરુ ગૌતમસ્વામી. એમને સપનામાં પણ વિચાર નહિ આવ્યો હોય કે મારે કોઈ શિષ્ય છે.! હું પ્રભુનો શિષ્ય છું આ જ વિચાર આવ્યો હશે. ૫૦,૦૦૦ શિષ્યો, અને એ પણ કેવલજ્ઞાની શિષ્યો.! પોતાના હાથે દીક્ષિત થાય અને કેવલજ્ઞાન મળી જાય.! ભગવાનના હાથે દીક્ષા લે, કેવલજ્ઞાની થાય કે ન થાય પણ ગૌતમસ્વામીના હાથે દીક્ષા લે તો નિશ્ચિત કેવલજ્ઞાની થઇ જ જાય. અને અહંકારની રજ એની નહિ! શું આ સમર્પણ હશે..! સમર્પણની ટોચ એટલે ગુરુ ગૌતમ.
હું ઘણીવાર કહું; કે પ્રભુએ છેલ્લે એમને મોકલ્યા, દેવશર્માને ત્યાં જા, એને ધર્મ પમાડી આવ.! હું ઘણીવાર કહું છું; કે કોઈને પુણ્યપ્રકાશનું સ્તવન સંભળાવવા જવાનું હોય ને, મારે પણ વિચાર કરવો પડે. કોને મોકલું? કોઈ સ્વાધ્યાયી સાધુ છે એને કહું બેટા! જઈ આવ. જઈ તો આવે, પણ એના મનમાં થાય, પેલા મહારાજ છે એમને કહો ને, એ બેઠા છે આમેય. ગૌતમસ્વામીને વિચાર ના આવ્યો? મારા શિષ્ય ૫૦,૦૦૦, ભગવાનના શિષ્યો આટલા. કોઈને નહિ અને મને ખાલી એક બ્રાહ્મણને ધર્મ સંભળાવવા માટે મોકલે છે? વિચાર ન આવે આવો? ગુરુ પ્રત્યેની ભક્તિ, ગુરુ પ્રત્યેનું સમર્પણ.
અને તુકારામજીએ ના પાડી. મંત્રી બિચારો ગયો. પછી પોતાના ઘરનો દરવાજો તુકારામજીએ અંદરથી બંધ કર્યો. ઘરમાં જ મંદિર હતું. એ પ્રભુ પાસે ગયા અને ધ્રુસકે ધ્રુસકે રડ્યા છે! પ્રભુને એમણે કહ્યું; કે પ્રભુ! એ શિવાજીનો મંત્રી નહતો તું આવ્યો હતો ને! તું મારી પરીક્ષા કરવા આવ્યો હતો ને? પણ પ્રભુ તને પણ કહી દઉં, મારે માત્ર તું જોઈએ, તારા સિવાય બીજું કોઈ જ નહિ.! તારા સિવાય બીજું કોઈ નહિ.! તારા સિવાય બીજું કાંઈ નહિ.! માત્ર તું.! મારે તારા બે પાદ જોઈએ, કોઈ પણ પદ ન જોઈએ.! હું રાજ્યગુરુ બનું. હજારો-લાખો લોકોની ચિંતા આવે, પાછી Duty તો perform તો કરવી જ પડે. એમાં ૨૪ કલાક તારું સ્મરણ ક્યાંથી કરી શકું? રાજ્યગુરુ બનનારા ઘણા ય છે. યોગ્ય માણસો છે. ઘણા સંતો છે. હું પ્રવચન નહિ આપું તો દુનિયાની અશાતા જવાની નથી. હા, તમને એટલી છૂટ આપીએ છીએ, કે જ્યારે તમને થાય કે હું બોલતો જ નથી, પ્રભુએ મને નિમિત્ત રૂપ બનાવ્યો અને અહંકારની ધારા લુપ્ત થઇ ગઈ છે, તો બોલો.! પછી બોલો કે મૌન રહો – there is no difference. ‘गुरोस्तु व्याख्यानाम् मौनं’ ગુરુ બે કલાક બોલે તો પણ મૌન જ છે. એટલે આ શરતે છૂટ મળે.
એટલે તુકારામજીની એક જ વાત હતી – તું, તું ને તું.! માત્ર તું જોઈએ પ્રભુ.! તારી અવેજીમાં બીજું કંઈ ચાલી શકે એમ નથી. એક ultimate goal નક્કી થઇ ગયો. પ્રભુના ચરણોમાં સમર્પણ, એ મારું ultimate goal. મોક્ષ એ તો ultimate goal નથી પછી.
આપણા ત્યાં બે જાતની ભક્તિ છે ને? સકારણ ભક્તિ, નિષ્કારણ ભક્તિ. પહેલી તો સકારણ ભક્તિ. ‘ઇતની ભૂમિ પ્રભુ તુમ હી આણ્યો’ પ્રભુ મને નરક-નિગોદમાંથી અહીં લઇને આવ્યાં. પ્રભુએ સાધનાની પગથાર પર મને મુક્યો. માટે પ્રભુની ભક્તિ કરું. આ સકારણ ભક્તિ. પણ સકારણ ભક્તિ કરતાં કરતાં એ ભક્તિનો નશો એવો લાગે કે હવે તમે ભક્તિ કર્યા વગર રહી શકતા નથી. ત્યારે અકારણ ભક્તિનો ઉદય થાય. કેમ ભક્તિ કરો છો? પછી પ્રભુએ મારા ઉપર ઉપકાર કર્યો એ વાત નથી આમાં. ભક્તિ કર્યા વિના રહી શકતો જ નથી. ભક્તિ એ મારું જીવન છે. એ જ મારો શ્વાસ… એ જ મારો પ્રાણ.! “આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી લીજીયે”

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *