Mumukshu Vachna | 09-06-20 | Navsari Tapovan

18 Min Read

ચિત્તસ્થૈર્ય

રાગ-દ્વેષ-અહંકારની શિથિલતાથી તમારું ચિત્ત થોડું સ્થિર બનેલું છે. એ ભૂમિકા પર પ્રભુના ગુણોનું દર્શન થાય છે. એ ગુણો ગમી જાય છે અને ચિત્ત વધુ સ્થિર બની જાય છે.

એટલે જિનરૂપદર્શનથી ચિત્તસ્થૈર્ય થાય એ ખરું, પણ જ્યાં સુધી ચિત્ત-સ્થિરતાની થોડીક પણ ભૂમિકા નહિ હોય, ત્યાં સુધી ખરેખરું જિનરૂપદર્શન થશે જ નહિ. બંનેમાં પરસ્પર કાર્ય-કારણ ભાવ છે.

એટલે દેરાસરમાં ગયા પછી શરીર બેસી જાય કે ઊભું રહે એનો કોઈ વાંધો નથી; પણ મનને તો બેસાડી જ દેવાનું છે!


મહામહોપાધ્યાય માનવિજય મહારાજ સાહેબ પરમતારક સુમતિનાથ ભગવાનના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનની વાત કરે છે. પ્રભુના મૂર્તિદેહના દર્શન દ્વારા ભક્ત સ્વાનુભૂતિ સુધી કઈ રીતે પહોંચે, એના માટે સાત ચરણો એમણે ત્યાં આપ્યા.

બીજું ચરણ છે – ચિત્તસ્થૈર્ય. ચિત્તની સ્થિરતા માટે એક તો કારણ એમણે આપ્યું – પ્રભુ રૂપનું દર્શન. આપણી વાત કરીએ તો આપણી પાસે જે શ્રામણ્યની સાધના છે એ જ ચિત્તસ્થૈર્યનું કારણ બની જાય. પ્રભુએ આપેલું આ શ્રામણ્ય. રાગ-દ્વેષ-અહંકાર આદિની શિથિલતા વાળું શ્રામણ્ય. તો જ્યાં પરભાવની શિથિલતા થઈ; ચિત્ત સ્થિર બનવા માંડ્યું.

એક સાધક મને મળેલા. Observation કરતા હતા. કોઇએ દ્રષ્ટાભાવની સાધના આપેલી તો observation માં એ હતા. પાંચેક વર્ષથી એમને સાધના ચાલુ હતી. પછી મને મળેલાં. અને એમણે પોતાનું દર્દ વ્યક્ત કર્યું કે સાહેબ પાંચ વરસથી એક observation માં છું. પણ મૂળભૂત રીતે કોઈ ફરક પડ્યો હોય એવું મને લાગતું નથી. સહેજ નિમિત્ત મળી જાય અને ગુસ્સો આવી જાય. સહેજ નિમિત્ત મળે અને અહંકાર છલકાઈ જઈ જાય.

તો મેં કહ્યું; કે તમે પાંચ વરસ કામ ડાળા-પાંખળાને તોડવાનું કામ કર્યું છે. મૂળ જ્યાં સુધી તૂટે નહિ ત્યાં સુધી તમે ડાળા-પાંખળા તોડો તોયે શું ફરક પડે અને ના તોડો તોય શું ફરક પડે? રાગ-દ્વેષ-અહંકાર એ મૂળ છે. હવે મૂળ જ્યાં સુધી સુકાય નહિ. મૂળ જ્યાં સુધી ખતમ થાય નહિ. ત્યાં સુધી આ ડાળા-પાંખળા તોડવાનો કોઈ અર્થ નથી.

તો આપણી પાસે પ્રભુએ આપેલી આ સાધના છે. શ્રામણ્યનો એક અર્થ થશે પરભાવ મુક્તિ. જ્યાંથી-જ્યાંથી પરભાવમાં જવાય છે. સાધુ ત્યાંથી દુર ભાંગશે. ત્યારે છે ને તમારે રણછોડ બની જવાનું. રણને છોડી દેવાનું.

બૃહત્ કલ્પસૂત્રની એક ગાથાની ટીકામાં સરસ શબ્દો આવ્યા છે. ગુરુ શ્રાવકોને ઉપદેશ આપે છે. અને એમાં પોતાના શ્રામણ્યની વાત કરે છે. બહુ પ્યારા શબ્દો છે: ‘यथा भवतां भाजन-स्तम्भ -कुड्यादीनि सौस्थ्य-दौ:स्थ्यव्यापारं न वहन्ति, एवं वयमपि’. ગુરુ શ્રાવકોને કહે છે; કે તમારે ત્યાં તાંબા-પિત્તળના વાસણો હોય કે તમારાં ઘરની ભીંત વિગેરે હોય એને તડકા-છાંયડાનો કે બીજો કોઈ અનુભવ થતો નથી, સુખ-દુઃખની અનુભૂતિ એને થતી નથી. કારણ કે એ બધા જ પરથી પર છે. ‘एवं वयम् अपि’ – એમ અમે પણ બધાથી એટલાં દુર ગયેલા છીએ કે કોઇ પણ પદાર્થની, કોઇ પણ વ્યક્તિની અસર અમને ક્યારેય પણ થતી નથી. એટલે આપણે ખરેખર તો બીજું કાંઈ કરવાનું પણ નથી.

મેં પહેલા પણ તમને કહેલું, આપણું ધ્યાન, આપનો કાયોત્સર્ગ શું છે? માત્ર ત્રિગુપ્તિ સાધના છે. જે અષ્ટપ્રવચન માતા આપણી માતા છે. જેના વગર આપણે એક ક્ષણ રહી ન શકીએ. એ જ ધ્યાનની જનની છે. ત્રિગુપ્તિ સાધના એ જ ધ્યાન. અને એટલે જ આ સાધના તરફ જવું પડશે.

હમણાં જ મારા એક શિષ્યે પૂછેલું; કે સાહેબ આપ તો નિશ્ચય સાધનાની વાત કરો છો. મેં કીધું નિશ્ચયની વાત તો કરું જ છું પણ વ્યવહારનો હું પૂરો સમર્થક છું. અને મેં એને ત્યારે કહેલું કે અષ્ટપ્રવચનમાતાની સાધના શેમાં આવશે, બોલો? એ તો રોજીંદા વ્યવહારની સાધના થશે ને! તો એ વ્યવહારમાં નિશ્ચય આવી ગયો!

જો તમારી પાસે ત્રિગુપ્તિ સાધના છે તો તમારી પાસે ધ્યાન આવી ગયું, કાયોત્સર્ગ આવી ગયો!

તો આપણે આપણા મૂળમાર્ગ પર જ ચાલવું છે. આપણો જ્ઞાનાચાર, આપણો દર્શનાચાર, આપણો ચારિત્રાચાર અદ્ભુત્ત છે. અદ્ભુત્ત થી પણ અદ્ભુત્ત.! પણ આપણે એને પાળવામાં ઉણા ઉતરીએ છીએ.

સમ્યગ્જ્ઞાન ભણ્યા. પણ ભણવાનો અર્થ તમે શું કરો છો? શાબ્દિક જ્ઞાન એ અધ્યયન છે. વૈચારિક અનુપ્રેક્ષણ એ અધ્યયન છે. કે જે અધ્યયન તમને સ્વ તરફ લઇ જાય એ સ્વાધ્યાય છે. આપણે ત્યાં અધ્યયન શબ્દ નથી, સ્વાધ્યાય શબ્દ છે. સ્વનું અધ્યયન જેના દ્વારા થાય એ જ સાચો સ્વાધ્યાય!

એટલે કોઈ પણ પુસ્તક હાથમાં લો. તરત જોઈ લો. આ પુસ્તક દ્વારા હું સ્વ તરફ ગતિ કરી શકું એમ છું? જવાબ હા માં આવે, તમે વાંચી શકો. જવાબ ના માં આવે; book shelf ઉપર પુસ્તક મૂકી દેવાનું, આ મારા માટે કામનું નથી.

આપણા માટે જ્ઞાનાચાર એટલે અધ્યયન નહિ, સ્વાધ્યાય!

તો આટલા વર્ષોથી તમે સ્વાધ્યાય કરો છો. સ્વની પકડ કેટલી આવી? અનુભૂતિ ભલે ન થઈ કદાચ. પણ એ અનુપ્રેક્ષાના સ્તર ઉપર પણ હું આ જ છું, આનંદઘન ચૈતન્ય જ! હું શરીર નથી જ! હું મન નથી જ! હું નામ નથી જ! આવો અનુભવ પણ તમારી પાસે ખરો? મતલબ એ થયો કે વ્યવહાર સાધના પણ આપણી પાસે નથી! એટલે આપણી વ્યવહાર સાધના પ્રભુએ કહેલી અદ્ભુત્ત થી પણ અદ્ભુત્ત છે. એટલે તમે વ્યવહારમાં જાઓ તો નિશ્ચય મળે જ! વ્યવહાર માર્ગ છે, નિશ્ચય મંઝીલ છે. માર્ગ ન હોય તો મંઝીલ ન મળે; અને મંઝીલનું લક્ષ્યાંક નથી તો માર્ગ જેવું કાંઈ છે જ નહિ!

એટલે હવે તો આપણી પાસે વ્યવહાર છે કે નહિ એ આપણે જોવું પડશે. નિશ્ચય છે કે નહિ એ નથી જોવાનું. વ્યવહાર છે કે નહિ? વ્યવહાર માર્ગ છે, અને નિશ્ચય મંઝીલ છે.

તો હવે તમારે કયા નિશ્ચયમાં જવું છે એ બોલો? નિશ્ચય એટલે આત્મસ્વરૂપ. સ્વરૂપમાં સ્થિરતા. આવું કોઈ મંઝીલ, આવું કોઈ લક્ષ્યાંક તમારી પાસે છે? અને આવો નિશ્ચય હોય તો જ તમારો વ્યવહાર સમ્યગ્ વ્યવહાર. કેમ બીજા હિંદુ સંતો, બીજા બધા સંતો. આપણા કરતા વધારે તપશ્ચર્યા કરતા હોય, આપણા કરતા પણ વધારે કદાચ નિસ્પૃહ હોય. છતાં આપણી સાધનામાં ફરક ક્યાં પડ્યો? ફરક એ પડ્યો કે આપણી સાધના નિશ્ચય અભિમુખ છે. કદાચ કોઈ વર્ષોના વર્ષો સુધી તપશ્ચર્યા કરે દેવલોક મેળવવા માટે એની સાધના વ્યવહાર સાધના પણ નથી. દેવલોક કઈ રીતે મળે? સાંભળ્યું કે આવું તપ કરો, જપ કરો તો બની જવાય, દેવલોકમાં જવાય. હવે એ તપ-જપ કરે છે; તપ અને જપ છે પણ વ્યવહાર સાધના નથી. વ્યવહાર સાધના કેમ નથી? કે નિશ્ચયનું લક્ષ્યાંક નથી માટે.

તો આજથી જ એક શરૂઆત થવી જોઈએ કે તમારો વ્યવહાર સમ્યક વ્યવહાર બની જવો જોઈએ. આ નિશ્ચય છે. સ્વરૂપ સ્થિતિને મારે પામવી છે. અને એની સ્પષ્ટ સમજુતી એ રીતે મળે કે સ્વરૂપદશાની અંદર રાગ-દ્વેષ-અહંકાર વગેરે બિલકુલ નથી. તો ધીરે, ધીરે, ધીરે એ રાગ-દ્વેષ-અહંકારની શિથિલતા થતી હોય તો હું માની શકું કે હું પ્રોપર માર્ગ ઉપર છું અને મંઝીલ તરફ મારી નજર છે.

તો બૃહત્ કલ્પસૂત્રની આ ટીકા કહે છે કે તાંબા-પિત્તળના વાસણોને કોઈ પદાર્થોથી પ્રભાવિત થવાનું ખરું? જડ છે. પ્રભાવિત થાય છે? આ વ્યક્તિ બહુ સારી. આ પદાર્થ બહુ સારો. આવું એ કહે છે? ‘एवं वयम् अपि’. અમે પણ એ જ કક્ષાએ છીએ! અમારા માટે કોઈ પદાર્થ સારો નથી; પદાર્થ માત્ર પદાર્થ છે. એટલે કોઈ વ્યક્તિ ખરાબ નથી. એ વ્યક્તિ અનંત ગુણોથી યુક્ત જ છે. આ દ્રષ્ટિકોણ આવ્યો; એટલે તમે મંઝીલ તરફ સરકો, ચિત્તની સ્થિરતા તમને મળે, ધ્યાનદશામાં તમે જાઓ અને આગળ વધી શકો.

એટલે સાધક પાસે બે જ ખાના રહેવા જોઈએ. એક સ્વનું એક પરનું. પર અસાર – સ્વ સાર. જ્યાં પણ પરનું ખાનું ખુલે કચરાપેટીમાં નાંખી દો. આ વ્યક્તિ બહુ સારી. તરત તમે ચમકો. અરે પણ સારી તો કહો છો એ બરોબર છે. અને એ વ્યક્તિ ભવિષ્યના સિદ્ધ ભગવાન છે એ રીતે એને સારી કહો તો વાંધો નથી. પણ ખરેખર મને એ સારી એ રીતે લાગી? કઈ રીતે લાગી? એણે મારા અહંકારને થાબડ્યો માટે મને સારી લાગી? કે એના સારા પદાર્થો મને વહોરાવ્યા માટે મને સારી લાગી? પગેરું તો તપાસો.

બે જ ખાના રાખો – એક સ્વનું એક પરનું. જ્યાં પરનું ખાનું ખુલ્યું; કચરાપેટીમાં નાંખી દો. મારા માટે આ નકામું છે. આટલી જાગૃતિ નહિ હોય તો આપણે શ્રામણ્યમાં કઈ રીતે આગળ વધીશું?

દશવૈકાલિકના બીજા અધ્યયનના પ્રારંભમાં કહ્યું; ‘कहं नु कुज्जा सामन्नं?’ તું કઈ રીતે શ્રામણ્ય પાળીશ એ તો બોલ? ‘जो कामे न निवारए’. પર પ્રત્યેની તારી ઈચ્છા દુર થતી નથી. સ્વ માટેની અભિલાષા તારી પાસે છે નહિ. ‘कहं नु कुज्जा सामन्नं?’ રોજ દશવૈકાલિકનો પાઠ કરીએ. ક્યાંક ચુભે છે કોઈ શબ્દો? ટાંકણી ભોંકાય ને ચુભે, વેદના થાય! તો ક્યાંક વેદના થાય છે આમ? ‘कहं नु कुज्जा सामन्नं?’ તું શ્રામણ્ય પાળીશ? શી રીતે પાળીશ? પરની ઈચ્છા તારી દુર થતી નથી, સ્વની અભિલાષા તારી પાસે છે નહિ. તો શ્રામણ્ય કઈ રીતના પાળીશ?

એક ઝેન ગુરુ હતા. સુઝુકી એમનું નામ. એમણે એકવાર પ્રવચન આપેલું. તો પ્રવચનમાં એમણે એક વાક્ય કહેલું: ‘Things as it is.’ ‘Things as it is.’ ગુજરાતીમાં અનુવાદ કરીએ તો પદાર્થો જેવો તે છે. એટલે પદાર્થો જેવો તે છે થાય કે જેવા તે છે થાય? તો એમને પ્રવચનમાં કહ્યું કે things as it is. પ્રવચન record થયેલું. એનું સંપાદન કરીને છપાવવાનું હતું. તો સંપાદક આ વાક્ય પાસે અટક્યો કે અંગ્રેજી ભાષા પ્રમાણે things as they are થાય. Things બહુ વચન છે તો they are આવશે. It is શી રીતે આવી શકે? એટલે એ ગુરુને પૂછવા ગયો. આપ બોલ્યા છો આ રીતે પણ હું આ રીતે સંપાદિત કરું ને, things as they are? ગુરુએ કહ્યું;  ના. હું બોલ્યો છું એમ જ રાખવાનું છે. ‘Things as it is.’

બહુ માર્મિક વાત ગુરુએ કરી કે બધા પદાર્થોને એક ખાનામાં જ નાંખી દઉં છું! પદાર્થો બહુવચન શી રીતે? આ એ પદાર્થ ને, આ એ પદાર્થ ને, આ એ પદાર્થ છે. બધું અસાર જ છે. તો બહુવચનમાં આવે ક્યાંથી? બહુવચનમાં ક્યારે આવે? ‘સા’ રૂપ લાગે તો. આ પેન બહુ સારી. આ પેન ખરાબ. એટલે બે વિભાજન થઈ ગયા. પણ અસાર જ છે બધું! કારણ કે પુદ્ગલ છે!

શ્રીમદ્જીએ કહ્યું; ‘રજકણ ને ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો’. એક રજકણ હોય કે વૈમાનિક દેવોની ઋદ્ધિ હોય બધું પુદ્ગલના ખાનામાં જાય. ‘રજકણ ને ઋદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જો’.

એટલે ગુરુએ કહ્યું; કે things as they are લખવાનું નથી, ‘Things as it is.’ કારણ કે બધા પદાર્થો મળીને એક જ થાય છે – અસાર. પદાર્થો એ પદાર્થ છે.

સાધુ પાસે ઉપયોગીતાવાદ છે. સાધુ પાસે ઉપયોગીતાવાદ છે, આસક્તિવાદ નથી. ગ્રહસ્થોમાં અને તમારામાં ફરક શું પડશે? એની પાસે ટિફિન હશે પણ બહુ સરસ છે, એકદમ ભારેમાં ભારે છે, એનો અહંકાર એને હશે. તમારી પાસે પાત્ર છે, ભોજન લાવવા માટે. પાત્ર પણ કેમ જરૂરી છે? કારણ કે હાથમાં આપણે લેતા નથી. હાથમાં લો તો વિરાધના વિગેરે પણ થવાની છે. પાત્રમાં લેવાનું પ્રભુએ કહ્યું છે. પહેલા લાકડાનું પાત્ર હતું. લાકડાના પાત્રને ગાડાની મળીથી રંગતા.

બુહત્ કલ્પમાં લખ્યું છે કે ગાડાની મળીથી એને રંગેલું હોય. એટલા માટે રંગવું પડે – એકલું લાકડું હોય, પાણી વિગેરે આવે લીલફૂગ થઈ જાય. ગાડાની મળીનો લેપ આપી દીધો એટલે લીલફૂગ નહિ થાય. એમાં crack પડશે પાછી ક્યારેક તો creckમાં પાણી અંદર જશે પાછુ, પાછી લીલફૂગ થાય. તો crack પડે એટલે ફરી પાછો લેપ કાઢી નાંખવાનો, ફરી દેવાનો.

એક સાધુના પાત્રમાં આછી-આછી crack આવી છે. એ ગુરુને બતાવે છે કે આ પાત્ર ઉપર હું નવો લેપ આપી શકું? એટલે માટે કે એમાં પણ એની આસક્તિ તો પોષાતી નથી ને? મારું પાત્ર છે, અને સારું લાગે માટે તો વિચાર થતો નથી ને? એટલે ગુરુને પૂછી લેશે કે ક્યાંક કદાચ આસક્તિ આછી-પાતળી હોય તો નીકળી જાય. લાકડાનું અણગઢ પાત્રું, ગાડાની મળીનો લેપ અને છતાં આસક્તિ ન થઈ જાય એ જોવાનું.

તો કેટલી મજાની સાધના આપણને મળી? આટલી સરસ સાધના મળી છે. હવે રાગ-દ્વેષ-અહંકાર એની શિથિલતા થઈ. અને શિથિલતા થઈ તો ચિત્ત સ્થિર બની જશે. આ વસ્તુ ખાસ ખ્યાલમાં રાખવાની.

ચિત્તને અસ્થિર બનાવનાર કોણ છે? એક અપેક્ષા જાગી કે મારું પ્રવચન લોકોને કેવું લાગ્યું? એક જણાને પૂછ્યું. કહે કે મહારાજ સાહેબ વ્યાખ્યાન તો ઠીક-ઠીક હતું પણ હમણાં પેલા મહારાજ સાહેબ આવીને ગયા ને એમનું પ્રવચન બહુ જોરદાર. આ અપેક્ષા રાખી એટલે શું થાય? પીડા થઈ જશે. અપેક્ષા જ નથી! પ્રભુની વાણી, પ્રભુના પ્યારા શબ્દો, મારા કંઠેથી વહ્યા. કેટલો હું બડભાગી છું! કે પ્રભુએ મારી sound system પસંદ કરી!

ચીનના બે દાર્શનિકો – લાઓત્સે અને કન્ફયુશીયસ. બંને વૃદ્ધ, બંને આદરપાત્ર. બેઉની ઉંમર લગભગ ૮૦ આસપાસ. લાઓત્સેની પાસે પણ વિદ્યાર્થીઓ ઘણા ભણતાં. કન્ફ્યુશીયસની પાસે પણ ઘણા વિદ્યાર્થીઓ ભણતાં. અને એ મોટા-મોટા જ્ઞાની પંડિતો પણ પ્રશ્નો પૂછવા માટે એમની પાસે આવતાં. પણ એ જમાનાના પંડિતો, આપણા જુના પંડિતો જેવા. ઝુંપડી જેવું ઘર હોય. રાચરચીલું કોઈ હોય નહિ. રોટલી-દાળ મળે એ ખાઈ લેવાની હોય. વિદ્યાર્થી પાસેથી એક પણ પૈસો લેવાનો હોય નહિ.

તો લાઓત્સે પોતાના ઘરમાં બેઠેલાં. અને કન્ફયુશીયસ ત્યાંથી પસાર થઈ રહ્યા છે. આમ તો મળવાનું થાય નહિ. બે જ્ઞાનીપુરુષો હતા. બેને કોઈ એવા પ્રશ્નો થતા નહિ. આજ ઘર પાસેથી નીકળી રહ્યા છે, તો વિચાર થયો કે ચાલો, કન્ફયુશીયસને વિચાર થયો, કે લાઓત્સે ને મળી લઈએ. લાઓત્સે ના ઘરમાં આવ્યા. અને લાઓત્સેના પગ પણ જે છે ને એ એકદમ જામ થઈ ગયેલા છે. માંડ-માંડ કોઈનો ટેકો હોય તો ઉભા થઈ શકે. બેઠા એ બેઠા. તો એક ખુરશી પર બેઠેલાં. કન્ફયુશીયસ આવ્યા. ખુશ-ખુશ થઈ ગયા. ઉભા તો થઈ શકે એમ નથી પોતે. પણ એકદમ આમ હાથ પસારીને કીધું કે આવો આવો એમ.

હવે તકલીફ એ થઈ કે ઘરમાં બીજી ખુરશી-બુરશી કે આસન કાંઈ નહતું. વિદ્યાર્થીઓ પણ બધા બહાર ગયેલાં. સ્નાન વિગેરે કરવાં. કોઈ વિદ્યાર્થી હોય તો બાજુમાંથી ખુરશી વિગેરે મંગાવી દે. કારણ કે લાઓત્સે સમજે છે કે કન્ફયુશીયસ આદરપાત્ર વિદ્વાન છે. ખરેખર જ્ઞાની હોય ને તો એને બીજા જ્ઞાની પ્રત્યે આનંદ જ હોય, પ્રમોદ જ હોય. અને બીજા જ્ઞાનીના જ્ઞાન પ્રત્યે જેને સહેજપણ તિરસ્કાર હોય એ અજ્ઞાની જ છે, એ જ્ઞાની શાસ્ત્રીય પરિભાષામાં નથી.

એટલે કન્ફયુશીયસને આસન આપવાનો વિચાર પણ આસન છે જ નહિ ઘરમાં! કન્ફયુશીયસે પણ જોયું કે ઘરમાં આસન નથી. કોઈ લાવી શકે એવું નથી. નીચે બેસી ગયા. પણ આટલા બધા જ્ઞાનીપુરુષ છે પણ સહેજ એમને unconvenient લાગે. પોતે જ્યાં જાય ત્યાં તો સરસ મજાના આસનો ઉપર બેસવાનું હોય. આજે નીચે બેસવું પડ્યું છે. પરિસ્થિતિ જ એવી હતી. એના કારણે થોડું મન જે છે ને એ વિચારમાં ડહોળાઈ ગયું. નીચે બેસવું પડ્યું! લાઓત્સે એ ખુબ પ્રેમથી કહ્યું; આપ બહુ જ આદરણીય વિદ્વાન છો. આપ મારે ત્યાં આવ્યા મને બહુ આનંદ થયો. મારે ત્યાં બીજું આસન નથી. કોઈ વિદ્યાર્થી હોત તો આસન બહારથી પણ હું મંગાવી લેત. આપને નીચે બેસવું પડ્યું મને ખેદ છે. પણ હવે આપનું શરીર નીચે બેસી જ ગયું છે તો આપના મનને પણ બેસાડી જ દો, આપણે વાતો કરીએ. શરીરને તો બેસાડી દીધું છે, મનને પણ બેસાડી દો!

દેરાસરમાં શું કરવાનું બોલો? માત્ર શરીરને બેસાડવાનું નથી, મનને પણ સ્થિર કરી દેવાનું! એટલે બે વસ્તુ સામ-સામે છે – જિનરૂપ દર્શનથી ચિત્તસ્થૈર્ય થાય પણ ચિત્તસ્થિરતાની થોડીક ભૂમિકા નહિ હોય તો જિનરૂપદર્શન થશે પણ નહિ. પરસ્પર કાર્ય-કારણ ભાવ છે. થોડું ચિત્ત સ્થિર છે; પ્રભુના ગુણોનું દર્શન થાય છે, એ ગુણો ગમી જાય છે, એટલે એકદમ તમે ચિત્તને સ્થિર બનાવી કાઢો છો. એટલે પ્રભુના રૂપથી ચિત્તની સ્થિરતા મળી એ બરોબર છે, પણ થોડું ચિત્ત સ્થિર હતું તો જ પ્રભુનું રૂપ દેખાયું છે! એટલે દેરાસરમાં ગયા પછી શરીર ભલે બેસી જાય. શરીર ઉભું રહે તો છૂટ (છે), વાંધો નહિ દેવવંદન (વિગેરે)માં, પણ મનને બેસાડી દેવાનું છે! બરોબર?

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *