उदासते परद्रव्ये
उदासते परद्रव्ये. તમામ પરને વિશે ઉદાસીન દશા. ન ગમો. ન અણગમો. જો તમે ત્યાગની ધારામાં છો, તો બધા પદાર્થો, બધી વ્યક્તિઓ સાથેના તમારા સંપર્કની ધારાને તોડીને તમે ઉદાસીન બની જાઓ. આ રીતે પરને છોડીને સ્વમાં જવું – આ તોડ-જોડ નો માર્ગ. અને ભક્ત તરીકે તમે છો, તો પ્રભુમાં ડૂબી જાઓ. પ્રભુમાં ડૂબવું એટલે સ્વમાં ડૂબવું. તમે સ્વમાં ડૂબી ગયા, પર છૂટી ગયું; આ જોડ-તોડ નો માર્ગ.
જંગમ જગ થાવર પરે, જાકું ભાસે નિત્ત. એવા ઉદાસીન સાધકને આખું હાલતું-ચાલતું આ જગત, આ ક્રિયાશીલ વિશ્વ્ સ્થિર લાગે છે, નિશ્ચલ લાગે છે. વિભાવ તરફ જતી બધી જ ક્રિયાઓ meaningless લાગે છે. પોતાની પણ બધી જ અશુભની કે ઔપચારિક ક્રિયાઓ એને વ્યર્થ લાગે છે.
ઉદાસીન દશા જ્યારે આવી પ્રગાઢ બને છે, ત્યારે તમે જીવનમુક્ત બની જાઓ છો. આ જીવનમુક્ત દશાનું વર્ણન આપ્યું: मुक्तो यथास्थिति स्वस्थ:. જે પણ પ્રકારની પરિસ્થિતિમાં રહેવાનું હોય, તેમાં તે સ્વસ્થ છે. કોઈ ઈચ્છા નથી કે આના બદલે આવી પરિસ્થિતિ હોય, તો સારું. અથવા આને બદલે આમ થયું હોત, તો સારું હતું. કોઈ ઈચ્છા નહિ, કોઈ અપેક્ષા નહિ. માત્ર સર્વસ્વીકાર.
મહોપાધ્યાય માનવિજય મહારાજ સુમતિનાથ પ્રભુના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનની વાત કરે છે. એમાં જે સાત ચરણો આપ્યાં છે, એમાં બીજા ચરણમાં આપણે થોડી અનુપ્રેક્ષા કરી રહ્યા છીએ – જીવનમુક્ત દશા કોને કહેવાય?
મહોપાધ્યાય યશોવિજયજી કહે છે:
जाग्रत्यात्मनी ते नित्यं, बहिर्भावेषु शेरते।
उदासते परद्रव्ये, लीयन्ते स्वगुणामृते ॥
उदासते परद्रव्ये – પર તમામ ઘટનાઓ પ્રત્યે સાધક ઉદાસીનદશામાં છે.
એ ઉદાસીનદશાનું વર્ણન અષ્ટાવક્ર ઋષિએ બહુ સરસ આપ્યું:
मुक्तो यथास्थितिस्वस्थः कृतकर्तव्यनिर्वृतः।
समः सर्वत्र वैतृष्ण्यान् न स्मरति अकृतम् कृतम्॥
(समः सर्वत्र वैतृष्ण्यान्न स्मरत्यकृतं कृतम्)
मुक्तो यथास्थितिस्वस्थः – ઉદાસીન દશા જ્યારે તમારી ગાઢ બને છે, ત્યારે તમે જીવનમુક્ત બની જાવ છો. અને આ જીવન મુક્તદશાનું વર્ણન આપે છે, કે मुक्तो यथास्थिति स्वस्थः – જે પ્રકારની પરિસ્થિતિમાં રહેવાનું હોય, એ પ્રકારની પરિસ્થિતિમાં એ સ્વસ્થ છે. કોઈ ઈચ્છા નથી કે આને બદલે આવી પરિસ્થિતિ હોય તો સારું. અથવા આને બદલે આમ થયું હોય તો સારું હોત! કોઈ ઈચ્છા નહિ, કોઈ અપેક્ષા નહિ, માત્ર સર્વસ્વીકાર..
હું ઘણીવાર કહેતો હોઉં છું, કે એક જ શબ્દની અંદર પ્રભુની આખી સાધનાને પ્રસ્તુત કરવી હોય તો એ એક શબ્દ કયો હોય? સર્વસ્વીકાર.
પ્રભુ કહે છે કે અત્યાર સુધી ગમતાનો સ્વીકાર, અણગમતાનો અસ્વીકાર એ જ તે કર્યા કર્યું છે. Acception-reaction. Acception-reaction. હવે એ ચક્રમાંથી તું બહાર આવ. સર્વસ્વીકાર.
તો मुक्तो यथास्थिति स्वस्थः – તમે મજામાં છો બસ. ભગવાનનો મુનિ અશાતામાં હોય ક્યારેય? બરોબર શબ્દો યાદ રાખો. ભગવાનનો મુનિ અશાતામાં હોય ક્યારેય? મુનિનું શરીર અશાતામાં હોઈ શકે. મુનિ અશાતામાં ક્યારેય પણ ન હોઇ શકે! કારણ કે એ પ્રભુનો મુનિ છે.
मुक्तो यथास्थितिस्वस्थः कृतकर्तव्यनिर्वृतः – તો બહારની દુનિયામાં શું કરાવ્યું? જે કરાવ્યું એ કરાવ્યું, ભુલી ગયા. શું કરવાનું છે? એનું પણ ખાતું બંધ કરી નાંખ્યું છે.
समः सर्वत्र – માત્ર ઉદાસીનદશાની અંદર પ્રગાઢતાથી રહેવાનું છે.
આપણા યુગમાં આવા ઘણા બધા મહાપુરુષોને જોયાં છે. આપણે ત્યાં તો આખી પરંપરા જ રહી. સિદ્ધિસૂરિ મહારાજ, લબ્ધિસૂરિ મહારાજ, પ્રેમસૂરિ દાદા. આ બધા જ ઉદાસીનતાનું સર્વોચ્ચ શિખર હતાં. હિંદુ પરંપરામાં જોઈએ તો, રામકૃષ્ણ પરમહંસ, રમણ મહર્ષિ, આનંદમયી માતા આ બધા જ આ રીતે ઉદાસીનદશાના શિખર ઉપર સ્થિત થયેલા હતાં.
રામકૃષ્ણ પરમહંસ આશ્રમના હોલમાં બેઠેલા હોય, પલંગ ઉપર. સેંકડો સાધકો સામે બેઠેલા છે. પ્રવચન આપતાં નથી પોતે, માત્ર બેઠેલા છે. લોકો પણ માત્ર એમના દર્શન માટે, માત્ર એમના ઉપનિષદ માટે આવેલા છે. બસ, આ એક એવા ઉત્કૃષ્ટ કક્ષાના સંત છે, એમનું દર્શન કરીએ, એમની ઉર્જા થોડી આપણને મળે; આપણે purify થઇ જઈએ.
તો સેંકડો સાધકો એમની સામે બેઠેલા છે. રામકૃષ્ણ પોતે પોતાની ભીતર ખોવાયેલા છે. મનમાં નોંધ પણ લેવાતી નથી આટલા લોકો આવેલા છે. મેં વચ્ચે કહેલું ને, કે ગંગા નદી ક્યારેય નોંધ રાખે? કે આખા દિવસમાં આટલા કિલોમીટર મેં સફર કરી, અને એમાં આટલા જણાને મેં પાણી આપ્યું. એ calculation કાઢે? એમ મુનિ પણ કોઈ calculation ન કાઢે. મેં આટલાને ઉપદેશ આપ્યો. મેં આટલાને આમ કર્યું. નદી છે વહેતી – મુનિ એ. જેને લાભ લીધો, એણે લીધો.
તો સેંકડો સાધકોની સામે રામકૃષ્ણ આંખો બંધ કરીને બેઠેલા હોય, ઉદાસીનદશામાં. એમાં કોઈ સાધક નજીક આવે, અને કોઈ પ્રશ્ન પૂછે; એટલા પૂરતા પરમહંસ બહાર આવે. અને જવાબ આપી દે. જવાબ આપ્યા પછી ફરી પાછા પોતાની ભીતર જતાં રહે.
રામકૃષ્ણ પરમહંસના ધર્મપત્ની શારદા મણી માં. ક્યારેક એવું બને કે રામકૃષ્ણ સાંજે રસોડા બાજુ આવે, પૂછે આજે શું બનાવ્યું છે? ત્યારે એકવાર એમના ધર્મપત્નીએ કહ્યું; કે તમે આટલી ઉંચી કક્ષાના સંત છો. તમે ઉદાસીનદશાના શિખર ઉપર છો. છતાં ક્યારેક રસોડામાં આવી જાવ. પૂછી લો, આજે શું બનાવ્યું છે? મને જરા સમજાવો ને કે તમારી સાધનાની પાછળ શું છે? અને એ વખતે રામકૃષ્ણજીએ એક જ બહુ ભીતરી રહસ્ય ખોલ્યું. એમણે કહ્યું કે દેવી! મારા જીવનની નૌકા છુટું છુટું થઇ રહી છે. હવે કર્તવ્ય બધું પૂરું થઇ ગયું છે. અહિંયા રહેવાનું કોઈ પ્રયોજન નથી. એટલે પેલે પાર જવાનું છે હવે. પણ, પ્રભુનો એક સંદેશ છે – કે નહિ, તારે હમણાં રહેવાનું છે થોડો ટાઇમ. એટલે પ્રભુની આજ્ઞા છે, મને પોતાને સ્પષ્ટ લાગે છે કે મારે હવે નીકળી જવાનું છે અહીંથી. એ એવી ઉદાસીનદશાની ધારામાં હતાં, કે જીવન અને મૃત્યુ એ પણ પર્યાય રૂપે જ છે. એટલે આ પર્યાયમાંથી આ પર્યાયમાં જવામાં એમને કોઈ ફરક પડવાનો ન હતો. પણ કહે છે; પ્રભુની આજ્ઞા છે કે તું થોડો સમય અહીંયા રહે.
તો એ વખતે રામકૃષ્ણ કહે છે; કે નૌકા હોય, અને તૈયાર થઇ ગયેલી હોય, હવે આપણે એને પાણીમાં વહેવા દેવી નથી તો શું કરવું પડે? દોરડાંથી કિનારે બાંધી રાખવી પડે. નહિતર નૌકા વહી જશે. તો મારી જીવનની નૌકા વહી ન જાય એટલા માટે ભોજનના રસના દોરડાંથી એને કિનારે બાંધી રાખી છે. જે દિવસે ભોજનનો રસ ગયો, એ દિવસે નૌકા છૂટી જવાની. અને ખરેખર એવું બન્યું, એક સાંજે કહેવામાં આવ્યું, સાહેબ ચાલો જમવા માટે. “નહિ, આજે જમવું નથી.” એ જ રાત્રે મહાસમાધિ-મહાપ્રયાણ.
આવી ઉદાસીનદશા તમારા બધાની પાસે હોય. હોય તો નવાઈ કે ન હોય તો નવાઈ બોલો? એટલે મુનિ, મુનિ હોય તો નવાઈ એમ? “पुद्गलेष्व प्रवृत्तिस्तु योगानां मौनमुत्तमम्” તમે મુનિ છો. તો તમારું મુનિત્વ શું? ‘पुद्गलेषु अप्रवृतिस्तु’ – બહિર્ભાવમાં ન જવું તે. એટલે બહિર્ભાવ પ્રત્યે સંપૂર્ણ ઉદાસીનદશામાં તમે આવ્યાં એટલે મુનિ થયાં. હવે મુનિ, મુનિ હોય તો નવાઈ કે મુનિ ન હોય તો નવાઈ બોલો? મુનિ તો મુનિ જોઈએ ને ભાઈ?ઉદાસીન દશા અઘરી નથી.
આપણે ત્યાં છે ને બે જાતની પદ્ધતિ એના માટે બતાવી. પુદ્ગલ અનુભવ ત્યાગ એ પણ એક માર્ગ છે. અને સ્વાનુભૂતિની અલપ-ઝલપ ગ્લીમ્સ મળે એ પણ માર્ગ છે. There are two ways. એક તોડ-જોડનો માર્ગ. એક જોડ-તોડનો માર્ગ. તમે ત્યાગની ધારામાં છો તો તોડ-જોડ. બધા પદાર્થો સાથેની, બધી વ્યક્તિઓ સાથેની તમારી જે સંપર્કની ધારા છે એને તોડી નાંખો. તો તમે ઉદાસીન બની ગયા. અને ભક્ત તરીકે તમે છો, તો પ્રભુમાં ડૂબી જાવ. તો પ્રભુમાં ડૂબવું એટલે સ્વમાં ડૂબવું. તમે સ્વમાં ડૂબી ગયા, પર છૂટી ગયું. કાં તો પરને છોડીને સ્વમાં જાવ. કાં તો સ્વને પકડો અને પર છૂટી જાય. પણ હવે સહેલો માર્ગ ભક્તનો છે. એક પ્રભુને પકડો; બધું છુટી જાય. અને આમાં છોડવામાં મુશ્કેલી છે. આ છોડ્યું. આ છોડ્યું. આ છોડ્યું. આ રહી ગયું. પાછી એની એ વાત. દીક્ષા લીધી. ઘર છોડ્યું. ઓફીસ છોડી. ખેતર હતું તે છોડ્યું, પૈસા છોડ્યા. બધું છોડ્યું. પણ થોડુક રહી ગયું તો…!
હું ઘણીવાર કહેતો હોઉં છું; સાધુ-સાધ્વીજીઓને અને અહોભાવના લયમાં કે તમારી સાધનાને જોઇને ખરેખર મને આનંદ થાય છે. અને એમાં પણ આવા બાલમુનિઓને જોઉં, બાલ-સાધ્વીઓને જોઉં ત્યારે તો અત્યંત આનંદ થાય. કે કેવી પ્રભુની કૃપા ઉતરી કે આટલી નાની વયમાં પ્રભુનો વેશ એમને મળી ગયો. તો આ એક ઉપબૃંહણા હું વારંવાર કરતો હોઉં છું. પણ એની સાથે સાથે એક વાત કરું; કે તમે કદાચ ૯૫% છોડી દીધું છે, માની શકું છું. ૯૫%. પણ ૫% રહી ગયું હશે તો શું થશે? ૯૫% છૂટી ગયું. અને ૫% રહી ગયું તો…! વાત એની એ રહી પાછી. અને એટલે જ ભગવાને ઉત્તરાધ્યયન સૂત્રમાં જે ગૌતમસ્વામીને કહ્યું છે; એ ગૌતમસ્વામીને ઉદ્દેશીને કહ્યું, (પણ) હકીકતમાં આપણને કહ્યું છે: “तिण्णो हु सि अण्णवं महं, किं पुण चिट्ठसि तीरमागओ?” તું લગભગ દરિયાને તરી ચુક્યો છે, હવે કિનારે આવીને કેમ ડૂબી જાય છે?
એકવાર મેં એક વાચનામાં સાધુ-સાધ્વીઓને કહેલું; કે તમારે કોઈની જોડે સંપર્ક રાખવાનો નથી. માત્ર પ્રભુ સાથે, પ્રભુની આજ્ઞા જોડે તમારો સંબંધ છે. તો કોઈ આચાર્ય ભગવંત કે વિશિષ્ટ મુનિઓ હોય એની વાત છોડી દઈએ, બાકીના કોઈની પાસે address book કે કોઈના ટેલિફોન નંબર હોઈ શકે ખરા? એ વાચનાની અસર થઇ. બધા નાના સાધુ અને નાની સાધ્વીઓએ address book મૂકી દીધી. અને પાછો વાચનાનો કેફ ઉતર્યો એટલે પાછી આવી ગઈ! અમારા જેવા પાસે સુક્ષ્મ અહંકાર હોય તો ઉતરી જાય હો! કે વાચનામાંથી તમને બદલી નાંખીએ. તમે કહો હું બદલાવાનો છું જ નહિ! અમને તો મજા આવે, અમારો અહંકાર વિલીન થઇ જાય હોય તો ય.
તો ૯૫% છોડ્યું છે. એ ૫% માં શા માટે ડૂબી ગયા છો? એટલે તોડ-જોડનો માર્ગ થોડો અઘરો છે. જોડ-તોડનો માર્ગ સહેલો છે.
તો ‘उदासते परद्रव्ये’ તમામ પરને વિશે ઉદાસીન દશા. ન ગમો. ન અણગમો.
સમાધિશતકમાં એક સરસ કડી આવે છે;
‘જંગમ જગ થાવર પરે, જાકો ભાસે નિત્ત;
સો ચાખે સમતા સુધા, અવર નહિ જડ ચિત્ત.’
આપણા માટે જ આ વાત કરી છે.
‘સો ચાખે સમતા સુધા’ – સમભાવનું અમૃત કોણ ચાખી શકે? કરેમિ ભંતેનું પચ્ચક્ખાણ સદ્ગુરુએ તો આપી દીધું. પ્રભુએ તમને select પણ કર્યા. સદ્ગુરુએ તમને કરેમિ ભંતે પણ આપી દીધું. પણ એ સમભાવનું અમૃત કેટલું ચખાયું છે? હમણાં એક સાધ્વીજીનો પત્ર આવેલો, કે સાહેબ તમે વારંવાર કહો છો, કે પ્રભુએ તમને select કર્યા છે. અને પછી ગુરુએ રજોહરણ આપ્યું છે. તો એ સાધ્વીજી લખે છે કે સાહેબ ! મારામાં તો આટલાં બધા દોષો છે. પ્રભુએ મને કેમ select કરી હશે? તો મેં એને લખ્યું; કે બેટા! તારામાં પ્રભુએ શ્રદ્ધા રાખી એમ કહે ને, મેં કીધું. પ્રભુએ શ્રદ્ધા રાખી કે આને હું select કરું, કે આના દોષો જતાં જ રહે! એટલે અબજો માણસોમાંથી તને મેં કીધું પ્રભુએ select કરી, હવે પ્રભુ પરની શ્રદ્ધા તારી કેવી છે એ બોલ હવે? હવે પ્રભુ પરની શ્રદ્ધા આવી તો પ્રભુને ન ગમે એવું તું કંઈ કરી શકે ખરી?
Dinabandhu Andrews સમાજ સેવક હતાં. એકવાર ઝુંપડપટ્ટીમાં ગયેલા. સાંજનો સમય. ઘરમાં એક પણ પૈસો નહિ. લોટ પણ નહિ. કશું જ નહિ ઘરમાં. અને એ પતિ આવે છે સાંજે 6 વાગે મજુરી કરીને. પણ દારૂડિયો છે. જેટલા પૈસા કમાયેલો દારૂના પીટામાં હોમીને આવ્યો છે. એક પણ પૈસો એના ખિસ્સામાં નથી. પત્ની કહે છે; પૈસા આપો. આપણી નહિ ખાઈએ કદાચ, છોકરાઓને ખવડાવવું પડશે ને? થોડો લોટ લઇ આવું. કમસેકમ થોડા બિસ્કીટ લઇ આવું. દીકરાઓને ખવડાવી દઉં. પેલાની પાસે પૈસા હતા જ નહિ. ગુસ્સે થઇ ગયો. પત્નીને મારવા માંડે છે.
એ જ વખતે Dinabandhu Andrews ત્યાં આવે છે. જોતાંની સાથે તાલ સમજી ગયા કે વાત આ છે. હવે પેલા ભાઈ આવ્યાં, Dinabandhu. એટલે પેલાએ મારવાનું બંધ કર્યું. બેસી ગયો. ઓળખતો પણ હતો. તો Dinabandhu એ કહ્યું; તને ભગવાનમાં પણ શ્રદ્ધા નથી? તું આ રીતનું વર્તન કરે છે. ભગવાનમાં તો શ્રદ્ધા હોય ને માણસને? તો કહે ના, હું ભગવાન-ભગવાન કંઈ માનતો નથી. હું ભગવાન ભગવાન કંઈ માનતો નથી. અને એ વખતે Dinabandhu એ કહ્યું; અચ્છા ! તું નથી માનતો. પણ ભગવાનને તારામાં શ્રદ્ધા છે એનું તું શું કરીશ? તને ભલે ભગવાનમાં શ્રદ્ધા ન રહી. ભગવાનને તારામાં શ્રદ્ધા છે એનું તું શું કરીશ? એક જ વાક્ય પેલો હલી ગયો. ભગવાનને મારા જેવા માણસમાં શ્રદ્ધા છે?! હા, ભગવાનને શ્રદ્ધા છે તારા ઉપર! એટલે તને મનુષ્યનો ખોળીયુ આપ્યુ છે. કેમ પશુનું ખોળીયુ તને નહિ આપ્યુ? એણે કહ્યું; બસ, પ્રભુ જેવા પ્રભુ એ મારા ઉપર શ્રદ્ધા રાખતાં હોય, આજથી આ બધું છોડી દે છે!
અને આ જ વાત પ્રભુ આચારાંગમાં આપણને કહે છે; આ જ વાત કહે છે!
‘झाए सध्धाए निक्खंतो तमेव अणुपालेज्जा (अणुपालिया ) विजहित्ता विसोत्तियं’
‘झाए सध्धाए निक्खंतो – સાચું બોલો, મેં દીક્ષા લીધી કે તમે દીક્ષા લીધી, શા માટે લીધી? અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાની, કેવલજ્ઞાની કોઈ છે નહિ અત્યારે. વિશુદ્ધ શ્રુતજ્ઞાની પણ આપણા ભરતક્ષેત્રમાં કોઈ નથી. આપણે જે દીક્ષા લીધી, માત્ર અને માત્ર પ્રભુ પરની શ્રદ્ધાને કારણે લીધી. સદ્ગુરુએ શું સંભળાવ્યું? પ્રભુના શબ્દો inverted comma માં સંભળાવ્યા કે પ્રભુ આ રીતે કહે છે. આપણે કોઈ આપણા ઘરનું કંઈ હાંકવાના છીએ નહિ. પ્રભુની વાત જ આપણે કહેવાની છે. આપણે તો અજ્ઞાની છીએ. પ્રભુ જે કાંઈ કહી ગયા છે એને આપણે inverted comma માં મુકવાનું છે. તો તમે દીક્ષા લીધી, શેના કારણે લીધી બોલો? There is only one reason. એક જ કારણ છે : પ્રભુ પરની શ્રદ્ધા! મારા પ્રભુ કહે છે કે સંસાર ખરાબ છે. અને મારા પ્રભુ કહે છે, મોક્ષ સારો છે. અને મોક્ષ માટે સંયમ જોઈએ; સંયમ લઇ લઉં!
તો પ્રભુ પરની શ્રદ્ધાથી દીક્ષા લીધેલી બરોબર? બરોબર? તો હવે પ્રભુ એક જ વાત કરે છે; ‘‘झाए सध्धाए निक्खंतो तमेव अणुपालेज्जा’ એ જ શ્રદ્ધાને તું પકડી રાખ. ‘तमेव अणुपालेज्जा’ ત્યારે શિષ્ય પ્રશ્ન કરે છે કે સાહેબ! આપ કહો છો કે શ્રદ્ધાને પકડી રાખજે. સાહેબજી ખરેખર તો શ્રદ્ધા વધતી ચાલી. જ્યાં સુધી પ્રભુની દીક્ષા નહતી મળી, ત્યાં સુધી માત્ર સાંભળ્યું હતું કે આ રીતે આજ્ઞા પાલન દ્વારા આનંદ મળે. પછી આ દીક્ષા મળી. અને એક-એક આજ્ઞાપાલન તમે કરતાં ગયા, અને આજ્ઞાપાલનનો આનંદ તમને મળતો ગયો, એમ તેમ તમારી શ્રદ્ધા વધતી જાય. ઓહો! મારા ભગવાને આ કહ્યું છે! મારા ભગવાન જ આ આપી શકે. મારા ભગવાને કેટલો બધો આનંદ મને આપ્યો! સવારથી સાંજ સુધી, સાંજથી સવાર સુધી તમને આનંદમાં રાખનાર માત્ર ને માત્ર પ્રભુ છે. એટલે સહેજ પણ ઉદાસ બનો, તમારા કારણે. જે ક્ષણે પ્રભુને છોડ્યા, એ ક્ષણે ઉદાસ બન્યા. બેચેન બન્યા. પ્રભુને પકડ્યા, તમે આનંદમાં. રાગની ધારામાં ગયા, એટલે પ્રભુને છોડ્યા તમે. દ્વેષની ધારામાં ગયા એટલે પ્રભુને છોડ્યા તમે. અહંકારની ધારામાં તમે ગયા એટલે પ્રભુને તમે છોડ્યા. પ્રભુને છોડો ત્યારે જ પીડા. અને પ્રભુની આજ્ઞાને પકડી રાખો ત્યારે આનંદ જ આનંદ.
તો શિષ્યનો મજાનો પ્રશ્ન છે કે સાહેબજી! પહેલા તો શ્રદ્ધા હતી, પણ શ્રદ્ધા એ રીતે હતી, પ્રભુ કહે છે માટે કરવું જોઈએ. પણ પછી શ્રદ્ધાના આધારે મેં દીક્ષા લીધી. અને પછી તો એક-એક આજ્ઞાનું પાલન થયું, આનંદ વધવા જ લાગ્યો. આનંદ વધવા લાગ્યો. અને આનંદ વધે એમ શ્રદ્ધા વધવી જોઈએ. પણ ખરેખર લાગે છે કે દીક્ષા વખતે જે શ્રદ્ધા હતી એ મારી પાસે નથી! આ એક કોયડો થયો ને? ખરેખર વધવી જોઈએ. Up and up થવી જ જોઈએ. આટલી સરસ આજ્ઞાઓ મળી, અને એ આજ્ઞાપાલનનો આનંદ મળ્યો, તો આપણો આનંદ up and up જાય. Down જઈ શકે જ શી રીતે? ખરેખર પ્રભુ મને આનંદ પણ નથી મળતો. આનંદ નથી મળતો ને મારી શ્રદ્ધા પણ ઓછી થઇ ગઈ છે. તો પ્રભુ મારી શ્રદ્ધા તારા પરની ઓછી થવાનું કારણ શું?
એટલે ભગવાને સરસ વાત કરી! બે જ શબ્દો આપ્યાં – ‘विजहित्ता विसोत्तियं’ માત્ર તારા વિકલ્પો દ્વારા તું પીડામાં જાય છે. ‘विजहित्ता विसोत्तियं’ તારા બધા વિકલ્પો ફેંકી દે, મારા શરણે આવી જા! બસ, તને આનંદમાં જ હું રાખીશ!
ભગવદ્દગીતામાં આ જ કહ્યું શ્રીકૃષ્ણએ:
मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय |
निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः।।
मय्येव मन आधत्स्व – અર્જુન ! તું તારા મનને મારી ભીતર જ મૂકી દે!
मयि बुद्धिं निवेशय – તારી બુદ્ધિને મારામાં મૂકી દે. તારી આખી વિચારની ધારા મારામાં કેન્દ્રિત હોવી જોઈએ. એક સરસ વાત છે; એક મુનિની વિચારધારા એનું કેન્દ્રબિંદુ શું? પ્રભુ, પ્રભુની કૃપા, પ્રભુની આજ્ઞા.
એટલે मय्येव मन आधत्स्व मयि बुद्धिं निवेशय. અર્જુન પણ કાચી માયા નથી! એ કહે આમ તો કરી નાંખું. તમને આપી દઉં મન, બુદ્ધિ આપી દઉં, મને શું મળશે પછી? તો શ્રીકૃષ્ણ ચેતના, ગુરુ ચેતના કોલ આપે છે; ‘निवसिष्यसि मय्येव अत ऊर्ध्वं न संशयः’ પછી તું મારી ભીતર જ રહીશ. તારે પછી મારી બહાર રહેવાનું કોઈ પ્રયોજન જ નથી! તું સતત મારી આજ્ઞામાં જ રહીશ. 24 કલાક. અને એટલે તને આનંદમાં 24 કલાક રાખવાની જવાબદારી મારી છે.
તો સમાધિશતક સરસ વાત લખે છે; સો ચાખે સમતા સુધા – સમતાના અમૃતનો આસ્વાદ તે જ કરી શકે! અને વાતને પાછી સ્થિર કરે છે. ‘અવર નહિ જડ ચિત્ત’ બીજો જડ બુદ્ધિવાળો હોય.
જડ બુદ્ધિ એટલે? બુદ્ધિ વગરનો નહિ! પરમાં જેની બુદ્ધિ એ જડ બુદ્ધિ. કારણ કે એનું તો પ્રયોજન નથી ને….! પરનો ગમે એટલો વિચાર કરો તમને મળે શું? ‘સો ચાખે સમતા સુધા, અવર નહિ જડ ચિત્ત.’ એટલે હવે ઉત્કંઠા થાય છે કે કોને આ સમભાવ મળે? તો સરસ સાધના આપી; ‘જંગમ જગ થાવર પરે, જાકું ભાસે નિત્ત’ આખું હાલતું-ચાલતું આ જગત, ક્રિયાશીલ આ વિશ્વ, એને આ સ્થિર લાગે, નિશ્ચલ લાગે. એ માણસ સમતાને પ્રાપ્ત કરી શકે.
એટલે ઊંડાણ એ આવ્યું; કે વિભાવ તરફ જતી બધી જ ક્રિયાઓ જે છે એ એને meaning less લાગે છે. કોઈ હસે છે, કોઈ ગાય છે, કોઈ નાચે છે, કોઈ બોલે છે. શું મતલબ આ બધાનો? તમારે જો પરમાં જ રહેવું છે, અને પરમાં રહીને જીવનને તમારે વ્યર્થ બનાવવું છે, તો અર્થ શું આ બધાનો? એટલે આખું જ જંગમ જગત, હાલતું-ચાલતું વિશ્વ એને સ્થિર લાગે છે. કારણ કે આનો કોઈ અર્થ નથી.
અને એટલે જ સમાધિશતકની એક બીજી કડીમાં લખ્યું;
‘રૂપાદિક કો દેખવો, કહન કહાવન કૂટ;
ઇન્દ્રિય યોગાદિક બળે, એ સબ લૂંટાલૂંટ.’
‘રૂપાદિક કો દેખવો’ – કંઈક જોયું. ‘કહન કહાવન કૂટ’ – કો’કને કંઈક કહ્યું. કો’કને કહ્યું, જરા સમાચાર પેલાને આપજો ને, કહેવડાવ્યું કંઈક. શું છે આ બધું? એક જ શબ્દ એના માટે વાપર્યો છે – ‘રૂપાદિક કો દેખવો, કહન કહાવન કૂટ!’ – બધું જૂઠ્ઠું છે, માયા છે.
‘ઇન્દ્રિય યોગાદિક બળે, એ સબ લૂંટાલૂંટ’ – આત્મધનની લુંટ આ લોકો કરી રહ્યા છે. તમારી જ ઇન્દ્રિયો અને તમારા જ યોગો એ બે થઇની સાંઠગાંઠ. અને એના કારણે ઉપયોગનો કચ્ચરઘાણ વળી ગયો. ઇન્દ્રિયો છે ને એકલી નિષ્ક્રિય છે. મન એમાં ભળે છે ત્યારે જ એ સક્રિય બને છે. તમારી આંખ છે ને કેમેરાનો લેન્સ છે ખાલી. કેમેરાના લેન્સની અંદર પ્રતિબિંબ ઝીલાય છે. પાછળ મુકાય છે. પણ, એનું પછી નિર્વચન જે છે એ અંદરની આખી નર્વસ સીસ્ટમ કરે છે. નસોનું આખું ઝૂમખુ જે છે, એ આખું એનું પૃથક્કરણ કરે છે દ્રષ્ટિનું.
નાનું બાળક જુએ છે ખરી, પણ સમજતું નથી. એની આંખમાં પ્રતિબિંબ તો પડ્યું એ વસ્તુનું, પણ એને ખબર નથી કે આનાથી નુકશાન થાય કે ફાયદો થાય? શું થાય, શું નહિ? કારણ કે નર્વસ સીસ્ટમ એટલી એની સક્રિય બની નથી. તો ઇન્દ્રિય અને યોગ આ બે ભેગા થયા, અને તમારો ઉપયોગ જે છે એને તમે ખોટી રીતે મુક્યો. ‘એ સબ લૂંટાલૂંટ.’
તો આટલી જ સાધના આપે છે: ‘જંગમ જગ થાવર પરે, જાકું ભાસે નિત્ત’ – તમને બધી જ ક્રિયાઓ તમારી પોતાની પણ નકામી લાગવી જોઈએ. ધાર્મિક ક્રિયા બધી સાર્થક. કારણ કે એ તમને શુભમાંથી શુદ્ધમાં લઇ જશે. પણ, જે દેખીતી રીતે જે અશુભની ક્રિયાઓ છે, એ તો કંઈ મતલબ જ નથી. ઔપચારિક વાતો આપણે ત્યાં ઘણી થાય. કેમ છો? કેમ નહિ? મજામાં છો? મજામાં નહિ!
પેલા એક ફિલોસોફરે લખ્યું હતું કે, અમદાવાદી માણસ હોય, રવિવારનો દિવસ હોય. અને ટી.વી જોવા માટે બેસી ગયેલો હોય કુટુંબ સાથે. અને એમાં call bell વાગે કો’ક આવે, ઓહો આવ્યાં, આવ્યાં કહેવું પડે, મનમાં કહે, આ સાલો, ક્યાંથી આવી ગયો અહીંયા! આ બધી ઔપચારિકતા હોય છે.
પહેલાનાં લોકો છે ને પગલુછણીયામાં પણ લખતાં કે welcome. આજે અબજોપતિ લોકોના બંગલા હોય, ત્યાં આગળ બોર્ડ લગાડે, ‘Beware Of Dog’ – કુતરાથી સાવધાન. તો એ બધા વ્યવહારો આમ પણ આભાસી થઇ ગયા છે. તો આભાસી વ્યવહારોમાંથી નીકળી જાવ. તો તમારી કઈ ક્રિયા તમને સાર્થક લાગે છે? અને કઈ ક્રિયા તમને નિરર્થક લાગે છે? 24 કલાકમાં નિરર્થક ક્રિયા કેટલી કરો છો? સાર્થક ક્રિયા કેટલી કરો છો? એનું જરાક home work કરજો. બરોબર…!
એક છે ને ટ્યુબલાઈટ તરત થઇ જવી જોઈએ. આ કામનું છે આ? આ મને અંદર લઇ જવામાં સહાયક બને? તો કરું નહિતર શા માટે કરું?
