પરસહાય ગુણવર્તના, વસ્તુધર્મ ન કહાય
સ્વ ની અનુભૂતિ માટે કોઈ જ પરની સહાયની જરૂરી નથી. શબ્દો પણ પર. વિચારો પણ પર. મારે મારા (મારા પોતાના) જ્ઞાયકભાવમાં, દ્રષ્ટાભાવમાં જવું છે, તો એના માટે શબ્દો કે વિચારોનો સહારો કેમ લઉં?! પોતાના ઘરે જવું છે, એના માટે કંઇ Guide ની જરૂર પડે?!
શબ્દો ભીતરની દિશા બતાવી શકે, એ શબ્દોની અનુપ્રેક્ષા એ માર્ગ ઉપર તમને થોડાક લઇ જઈ શકે. પણ અનુભૂતિ માટે તો નિર્વિચારદશા જોઈશે જ. સામાયિક લેતા પહેલા – સમભાવ એટલે શું – એની તમે અનુપ્રેક્ષા કરી શકો. સામાયિકમાં હું એક ક્ષણ માટે પણ વિભાવમાં ન જાઉં એના માટે મારે શું તકેદારી રાખવી – એની અનુપ્રેક્ષા કરી શકો. પણ ‘કરેમિ ભંતે’ ઉચ્ચારાઇ ગયું; પછી? પછી અનુપ્રેક્ષા નહીં. માત્ર નિર્વિચારદશા; અનુભૂતિ.
એ નિર્વિચારદશા જ આપણા વર્તમાનયોગમાં પલટાય છે. વર્તમાનયોગ એ પ્રભુએ આપેલી એક શ્રેષ્ઠ સાધના છે. ભૂતકાળનો (વીતી ગયેલી ઘટનાઓનો) કે ભવિષ્યકાળનો (આવનારી ક્ષણોનો) કોઈ જ વિચાર નહિ અને વર્તમાનક્ષણમાં પણ માત્ર ઉદાસીનભાવે રહેવાનું. આ વર્તમાનયોગ.
પિંડસ્થ ધ્યાનની વાત મહોપાધ્યાય માનવિજય મહારાજે સુમતિનાથ પ્રભુના સ્તવનમાં કરી. સાત ચરણો પૈકીનું બીજું ચરણ છે ચિત્તસ્થૈર્ય. શુભ મનોગુપ્તિમાં ચિત્તસ્થૈર્ય એટલે વિકલ્પાભાવ, નિર્વિકલ્પદશા. અને શુદ્ધ મનોગુપ્તિમાં ચિત્તસ્થૈર્ય એટલે નિર્વિચારદશા.
દેવચંદ્રજી મહારાજે અષ્ટપ્રવચન માતાની સજ્ઝાયમાં એક બહુ જ સરસ વાત લખી છે. એ કહે છે કે એક સાધક જેણે માત્ર સ્વાનુભૂતિ જ કરવી છે. એને કોઈ પરની સહાય જરૂરી નથી. શબ્દ પર, વિચાર પર, બધું જ પર. પ્યારા શબ્દો છે: ‘પરસહાય ગુણવર્તના, વસ્તુધર્મ ન કહાય; સાધ્યરસી તે કિમ ગ્રહે રે, સાધુ ચિત્ત સહાય’. નવાઈ લાગે છે – પરસહાય ગુણવર્તના? મારે મારા જ્ઞાયકભાવમાં જવું છે, મારે મારા દ્રષ્ટાભાવમાં જવું છે તો પર દ્વારા હું જઈ શકીશ? ઠીક છે, પ્રભુના પ્યારા-પ્યારા શબ્દો તમને એ દિશા બતાવી શકે. એના માટેની અનુપ્રેક્ષા એ માર્ગ ઉપર થોડાક તમને લઇ જઈ શકે. પણ સ્વરૂપદશામાં જવાની વાત જે છે ત્યાં અનુભૂતિ સિવાય કશું જ ચાલી શકતું નથી.
આપણે એટલે જ ગોટાળે ચડી ગયા ને! માત્ર આત્મતત્વની અનુપ્રેક્ષા જ કરી છે અત્યાર સુધી. એટલે આપણે બધા જ અનુપ્રેક્ષામાં અટકી ગયેલા માણસો છીએ. અનુપ્રેક્ષા સાધન છે, સાધ્ય નથી. અને સાધનમાં બે વસ્તુ છે, એ સાધ્ય તરફ લઇ જાય તો સાધન નહિતર સાધનાભાસ. તમે અનુપ્રેક્ષા કરી. એટલા માટે કરી કે જોરદાર પ્રવચન તમે આપી શકો એ વિષય ઉપર તો એ સાધનાભાસ થઈ ગયો. કારણ કે તમારું સાધ્ય માત્ર પ્રશંસાની પ્રાપ્તિ હતી. તમારું સાધ્ય સ્વમાં જવાનું હોય અને એવી તમે અનુપ્રેક્ષા ગ્રહણ કરો કે પરભાવમાંથી હું કઈ કઈ રીતે મુક્ત થાઉં? સ્વાનુભૂતિ માટે જે અનુપ્રેક્ષા જોઈએ છે ને એ અનુપ્રેક્ષા એટલી જ છે કે પરભાવમાંથી હું શી શી રીતે મુક્ત થઈ શકું? રાગ મને ક્યાં ક્યાં આવે છે? હું શી રીતે પીછેહઠ કરી શકું? જીવદ્વેષ મને ક્યાં ક્યાં થાય છે? હું કઈ રીતે પાછો ફરી શકું? અહંકાર મને ક્યાં આવે છે? અને એને શિથિલ હું કઈ રીતે કરી શકું? આ અનુપ્રેક્ષા સ્વાનુભૂતિમાં પલટાશે. પણ અનુપ્રેક્ષા પણ આ જાતની હશે તો. એટલે મજાની વાત કરી કે આખરે તો અનુપ્રેક્ષા છોડી જ દેવી પડશે.
દાખલા તરીકે એક શ્રાવક છે. સામાયિક લેતા પહેલા સમભાવની અનુપ્રેક્ષા કરી શકે. બે રીતે કરે – સમભાવ બહુ સારો છે એ રીતે પણ કરે, અને હું કરેમિ ભંતેનું પચ્ચક્ખાણ લઇ લઉં પછી એક ક્ષણ માટે વિભાવમાં ન જાઉં એના માટે મારે શું તકેદારી રાખવી જોઈએ, એની અનુપ્રેક્ષા એ કરે. હું એવી રીતે રૂમમાં બેસી જાઉં, જ્યાં કોઈ હોય જ નહિ, કોઈ નિમિત્ત જ ન મળે અને નિમિત્ત ન મળે માટે વિભાવમાં હું ન જાઉં. આવી અનુપ્રેક્ષા એ પહેલા કરી શકે. પણ કરેમિ ભંતે ઉચર્યુ એટલે? પછી અનુપ્રેક્ષા ગઈ, અનુભૂતિ આવી.
તો ‘પરસહાય ગુણવર્તના, વસ્તુ ધર્મ ન કહાય’. આપણે તો અનુપ્રેક્ષાને સ્વીકારી લીધી. પણ એ તો એકદમ નિશ્ચયના પુરુષ છે. શબ્દ પર છે, વિચાર પર છે. મુકો એને.
તો ‘પરસહાય ગુણવર્તના, વસ્તુ ધર્મ ન કહાય; સાધ્યરસી તે કિમ ગ્રહે, સાધુ ચિત્ત સહાય’. તમે તમારા ચિત્તની મદદથી શું સ્વની અનુભૂતિમાં જશો? તમારે ઘરે જવું છે તમારે, તમને ગાઈડની જરૂરત પડશે?
તો આ જે નિર્વિચારદશા આપણને મળે છે. એ જ આપણા વર્તમાનયોગમાં પલટાય છે. વર્તમાનયોગ એ પ્રભુએ આપણને આપેલી એક શ્રેષ્ઠ સાધના છે. આ જ શબ્દવાળી સાધના મારી દ્રષ્ટિએ બીજી કોઈ પરંપરામાં નથી. કે માત્ર વર્તમાનયોગ શબ્દ જ હોય. હા, બીજા શબ્દથી આ સાધના અપાઈ છે એની વાત પાછળ કરું. પણ વર્તમાનયોગ એ શબ્દથી એક મજાની સાધના અપાઈ. નિર્વિચારદશા. ભૂતકાળનો કોઈ વિચાર નહી. ઘટના ઘટી ગઈ તો ઘટી ગઈ, પૂરું થઈ ગયું કામ. ભવિષ્યકાળનો, આવતી ક્ષણનો વિચાર નહિ! અને વર્તમાનક્ષણમાં પણ વિચાર નહિ! વર્તમાનક્ષણમાં માત્ર ઉદાશીનભાવે રહેવાનું. આ તમે કરી શકો તો વર્તમાનયોગની સાધના તમને મળી.
બોલો, ઘણીવાર વર્તમાનયોગ. વહોરવા ગયા, સાહેબ પધારો, વર્તમાનયોગ. પણ વર્તમાનયોગનો મતલબ શું થયો? કે ભાઈ ગોચરીનો ખપ પડશે તો આવી પણ શકું છું, નહિતર ન પણ આવું, અત્યારે મને માત્ર વર્તમાન ક્ષણ જોડે સંબંધ છે. ભવિષ્યકાળનું commitment હું કશું જ આપવા માટે તૈયાર નથી.
તો આ વર્તમાનયોગ આપણી બહુ અનોખી સાધના છે. એક ગુરુએ પોતાના શિષ્યને કહેલું કે તું જો વર્તમાનયોગમાં આવી જાય અને બે-પાંચ શુદ્ધ ક્ષણો ને, બે-પાંચ શુદ્ધ મિનિટોને તું આપી શકે તો હું તને ગેરંટી આપું કે તું એ ધારામાથી બહાર ન નીકળે. કારણ કે પછીની ક્ષણો એની photocopy આવશે. તમારે મહેનત ખાલી બે ચાર સેકન્ડ કે બે ચાર મિનિટ માટે જ કરવાની છે. પછીનો સમય તો એની photocopy જેવો આવશે. તો હું ઘણીવાર કહું છું ને આપણે ત્યાં શ્રોતાઓ, સાધકો, શિષ્યો બધા નિરુપદ્રવી. હાજી તહત્તિ. કરવું ક્યાં છે આપણે?
પેલો શિષ્ય ખરેખર ગુરુની આજ્ઞાને સ્વીકારનારો હતો. એણે કહ્યું; કે સાહેબ તમે કહો છો એ વાત સાચી જ હોય. પણ મારો અનુભવ આપને બતાવું. હવે મારા અનુભવમાં હું ક્યાં ચૂકું છું એ આપ બતાવો? મારો અનુભવ એવો છે કે શુદ્ધ ક્ષણો પા કલાક, અડધો કલાક રહી હોય. એમાંથી બહાર નીકળું. નિમિત્ત મળ્યું અને નિમિત્ત મળતાની સાથે ઉંધા માથે હું પટકાઉ છું. આપ તો બોલો છો બે-પાંચ મિનીટ તું મને આપી દે. હું તને ગેરંટી કાર્ડ આપું છુ. મારો અનુભવ આ છે. તો મારા અનુભવમાં અધૂરપ ક્યાં છે? ઉણપ ક્યાં છે?
અને એ વખતે અનુભવી ગુરુએ કહ્યુ; કે તું જેને શુદ્ધ ક્ષણો માનતો હતો એ શુદ્ધ ક્ષણો ન હતી, શુભની ક્ષણો હતી. શુભની ક્ષણ જુદી અને શુદ્ધની ક્ષણ જુદી. ભક્તિ, સ્વાધ્યાય આ બધું તમે કરો છો. અહોભાવના સ્તર ઉપર એ શુભની ક્ષણ કહેવાય. શુભની ક્ષણ પણ મહત્વની તો છે જ, કે તત્કાલ પુરતું એ વિભાવોને દુર કરી દે. પણ એનામાં એ તાકાત નથી કે પાછળથી વિભાવો ઉભા થાય ત્યારે એને રોકી લે. જરૂર, શુભમાં તમારી તન્મયતા હોય, શુભમાં તમારો વેગ હોય, તો બની શકે કે પાછળથી પા-અડધો કલાક સુધી કદાચ તમે એ ધારામાં રહી શકો પણ એથી વધુ તો નહિ. એ એક શુદ્ધ જ છે, કે જે તમને સતત તમારી આત્માની અનુભૂતિમાં જાગૃત રાખી શકે.
સતત, એકવાર લય પકડાયો એ પકડાયો, છુટે જ નહિ. કારણ – અહોભાવનો જે લય હતો એ આખરે તમારા મન ઉપરનો લય હતો. ને મન તમારું વેવરીંગ છે. આમથી આમ થઈ જશે. અને આ જે શુદ્ધ ક્ષણોનો અનુભવ છે. એ તમારો પોતાનો અનુભવ છે. સમભાવનો અનુભવ એટલે તમારી ગુણાનુભૂતિ થઈ ગઈ. તમારો પોતાનો અનુભવ છે.
એટલે આ નિર્વિચારદશા જે છે એ વર્તમાનયોગ આપણને આપે છે. ભૂતકાળ ગયો, ભવિષ્યકાળ આવશે ત્યારે, અને વર્તમાનની જે એક ક્ષણ મને મળી છે, એ એક ક્ષણમાં ઉદાસીનભાવે મારે રહેવું છે.
ભગવાને તો આચારાંગમાં એક ક્ષણ માંગી છે. ‘’खणं जाणाहि पंडिए’ એનો મુક્ત અનુવાદ હું એ કરું છું; કે બેટા! તારી એક ક્ષણ તું મને આપીશ? તો ભક્ત કહેશે પ્રભુ! આખું જીવન તો તમે આપ્યું. હવે ક્ષણ તમને કેમ ન આપું. તો પ્રભુ ત્યાં કુશળ ગુરુના રૂપમાં છે. અચ્છા, અચ્છા તું ડાહ્યો દીકરો, પણ મને જે ક્ષણ આપીશ, એ ગંદી ગોબરી નહી ચાલે. ગંદી ગોબરી નહી ચાલે, એ શુદ્ધ ક્ષણ જોઇશે. રાગ, દ્વેષ, અહંકારનું સહેજ પણ પ્રતિબિંબ ન પડ્યું હોય, એવી એક મિનિટ તું મને આપ?
હવે આ તમે સાધના કરો જુઓ. એક મિનિટ. 58 સેકંડ સુધી એકદમ તમે સ્થિર રહ્યા. ૫૯મી સેકંડે કોઈએ કંઈક કહ્યું; મનમાં સહેજ ગુસ્સો આવી ગયો તો એ મિનિટ કચરાટોપલીમાં ગઈ. હવે બીજી મિનિટ. જુઓ તો ખરા, કે કેટલી મિનિટો પછી ખરેખર શુદ્ધ ક્ષણ તમને મળે છે. એક શુદ્ધ ક્ષણ મળી જાય, પછી બીજી શુદ્ધ ક્ષણ સહેલાઇથી મળશે. ત્રીજી એનાથી સહેલાઈથી. પછી અનાયાસે એક ધારા ચાલશે.
તો આપણે જેને વર્તમાનયોગ કહીએ છીએ એને શંકરાચાર્ય જીવનમુક્ત દશા કહે છે. એમનો પ્યારો શ્લોક છે;
अतिताSननुसन्धानं भविष्यदविचारणम् ।
औदासिन्यमपि प्राप्ते जीवन मुक्तस्य लक्षणम् ॥
જીવન મુક્ત આત્મા, સશરિર મુક્તિ! વિદેહ મુક્તિ તો મળશે આપણને. અને સદેહ આંશિક મુક્તિ તેરમાં ગુણઠાણે પણ મળશે. અત્યારે, અત્યારે કઈ મુક્તિ? તો કહે અત્યારે તને મળી શકે જીવનમુક્તિ. આ જ વાત કરી; વર્તમાનયોગવાળી. ‘अतिताSननुसन्धानं भविष्यदविचारणम्’ औदासिन्यम् अपि प्राप्ते – પ્રાપ્ત ક્ષણમાં ઉદાસીનદશા. जीवन मुक्तस्य लक्षणम्॥
આપણે ત્યાં જીવન મુક્તિ શબ્દ લીટરલી એટલે કે શાબ્દિક રૂપે ઉપાધ્યાયજી ભગવંતથી આવ્યો. એમણે જીવન મુક્તિ શબ્દ સ્વીકાર્યો. એમની પહેલાં ઉમાસ્વાતી ભગવંતે જીવન મુક્તદશાની વાત કરી. પણ જીવનમુક્તદશા શબ્દનો પ્રયોગ નહિ કરેલો. એમણે પ્રશમરતિમાં કહ્યું;
निर्जितमदमदनानां वाक्कायमनोविकाररहितानाम् ।
विनिवृत्तपराशानां इहैव मोक्ष: सुविहितानाम् ॥
इहैव मोक्ष:- અહીંયા જ મોક્ષ! હું ઘણીવાર મારી વાચનામાં પૂછું; સાધુ સાધ્વીઓને કે પ્રશમરતિ ખરેખર તમે ગોખી છે? કંઠસ્થ કરી છે? થોડો એનો અર્થ પણ જાણ્યો છે? અત્યાર સુધી તમે માનતા હતા કે પ્રશમરતિ ન ભણ્યા ત્યાં સુધી. કે પાંચમાં આરામાં છીએ, અહીંથી તો કંઈ મોક્ષમાં જવાનું છે નહિ. દરવાજા બંધ છે. પણ જ્યારે તમે પૂર્વધર મહર્ષિનું વચન સાંભળ્યું; ‘इहैव मोक्ष: सुविहितानाम्’ ત્યારે તમે કૂદયા કે નહિ મેં કીધું આમ? ઉછળ્યા કે નહિ? ઓહો, અને કહેનાર પૂર્વધર મહર્ષિ છે, જે તે વ્યક્તિ નથી! ‘इहैव मोक्ष: सुविहितानाम्’ ચાલ અહીં જ તને મોક્ષ આપી દઉં! ગોખી નાંખ્યું બસ. અર્થ કરી નાખ્યો. ખરેખર ઉછળ્યા કેમ નહિ બોલો?
મોક્ષ જોઈએ છે એવું નક્કી લાગે છે આમ? મોક્ષ એટલે શું બોલો? સ્વરૂપ સ્થિતિમાં સતત તમારો નિવાસ એ મોક્ષ. સિદ્ધશિલા ઉપર જવું એ મોક્ષ નહી સમજતા. સિદ્ધશિલા ઉપર એ શીલાના પૃથ્વીકાયના જીવ રૂપે આપણે ઘણીવાર જઈ આવ્યા. એટલે સિદ્ધશિલા ઉપર જવું એ કંઈ મોક્ષ નથી. પણ સ્વરૂપસ્થિતિમાં કાયમ નિવાસ કરવો એ મોક્ષ છે. એટલે મોક્ષની આપણે બે વ્યાખ્યા કરી શકીએ, એક તો સ્વરૂપસ્થિતિમાં કાયમી નિવાસ એ મોક્ષ. અને બીજું રાગ, દ્વેષ, અહંકાર વિગેરે કલેશોનો આત્યંતિક ક્ષય એ મોક્ષ.
તો જીવનમુક્તદશામાં લય કયો પકડ્યો? કે રાગ, દ્વેષ, અહંકાર વિગેરેનો આત્યંતિક ક્ષય જ્યારે થાય છે ત્યારે મોક્ષ મળે છે. પણ એ ઘણી બધી રીતે તમારા કાબુમાં આવે, અને એ બધા ઉપર તમે ઘણો બધો વિજય મેળવેલો હોય તો જીવન મુક્તદશા તમને મળી જાય.
એટલે એમણે શરૂઆત કરી. ‘निर्जितमदमदनानां’ સૌથી પહેલાં અહંકારને લે છે. હજુ રાગ જીતવો સહેલો. સાધુપણામાં તમે આવી ગયા. White and white કપડાં, એ પણ મેલા પહેરવા છે. એટલે વસ્ત્ર ઉપર રાગ નથી. જે મળે તે ભિક્ષા લઇ લેવી છે. તો ભોજનના દ્રવ્યો ઉપર પણ રાગ નથી. રાગ તમારો ઓછો થઇ શકે. અને દ્વેષ તો by – product છે. રાગ ઓછો થયો તો દ્વેષ પણ ઓછો થઇ શકે. અહંકારનું શું? ડગલે ને પગલે આવી જવાનો.
હું ઘણીવાર સાધકોને એક સવાલ પૂછું, કે અહંકાર જાય એ વાત હમણાં જવા દેવાની તમારા માટે. પણ તમારા અહંકાર ઉપર તમને હસવું આવે છે આમ? This is the first step. તમારા અહંકાર ઉપર તમને હસવું આવે, તો આ અહંકાર વિજય તરફનું પહેલું ચરણ. સાત અબજ માણસોથી છલકાતી દુનિયા. ૫૦ જણા સામે તમે પ્રવચન આપ્યું. તો ૫૦ જણાએ કીધું બહુ સરસ. તમારો અહંકાર ઉછળી પડે. કોઈ કારણ લાગે ખરું આમાં? તમે પ્રવચન શા માટે આપેલું બોલો? સ્વાધ્યાય માટે. તમારા માટે માત્ર સ્વાધ્યાય હતો. અને માત્ર સ્વાધ્યાય તમારા માટે છે માટે જ સાંભળનાર મળે યા ન મળે તમારો ઉત્સાહ ઓછો નથી થતો. સાલું આટલી બધી દેશનાઓ આપી. સામામાં પરિવર્તન આવતું જ નથી. તો તારે ક્યાં પરિવર્તન માટે મહેનત કરવી છે? તારે તો માત્ર સ્વાધ્યાય કરવો છે. તમે ન આવ્યા ત્યારે પણ હું સ્વાધ્યાય કરતો હતો. તમે આવ્યાં તો ય મારો સ્વાધ્યાય ચાલુ થયો. સાધુ સતત સ્વાધ્યાયમાં રહે. તો પ્રવચન એ તમારો સ્વાધ્યાય છે.
અને એટલે તત્ત્વાર્થની કારિકામાં લખ્યું; કે વક્તાને તો એકાંતે હિત છે. સાંભળનારને લાભ થાય, ન થાય, પણ બોલનાર ને નિયમા લાભ છે. કારણ – કે એને સ્વાધ્યાય કર્યો છે. એ રીતે પ્રભુના વચનોના ઊંડાણમાં જવાની એણે કોશિશ કરી છે. ઘણીવાર એવું બને છે કે કંઈ સભાનું પુણ્ય હોય છે. લોકોનું પુણ્ય હોય છે, જેના કારણે પ્રવચનકાર બહુ જ ઊંડા ઉતરી જતાં હોય છે. પછી એ પ્રવચનકાર પોતે કહેતાં હોય છે, કે આ વાત આ રીતે ક્યારે વિચારેલી પણ નહિ, આજે અચાનક જ આ ખુલી ગઈ. પ્રભુની કૃપા અને શ્રોતાઓનું પુણ્ય.
તો પહેલી વાત અહંકારને થોડો શિથિલ બનાવવો છે. બીજો નંબર રાગનો લીધો. રાગ પણ થોડો પરાસ્ત થવો જોઈએ. અને પછી સરસ વાત કરી; वाक्कायमनोविकार रहितानाम् – મન, વચન, કાયાના વિકારો જે છે, એનાથી તમે રહિત થઇ જાવ, એટલે ત્રિગુપ્તિ યુક્ત બની જાવ.
અષ્ટાવક્ર ઋષિ છે ને એમની અષ્ટાવક્ર સંહિતા નિશ્ચયનયનો બહુ સરસ ગ્રંથ છે. એટલે ગુરુદેવ આજ્ઞા આપે, તો દરેક સાધુએ એ અષ્ટાવક્ર સંહિતા વાંચવી જોઈએ. એનો એક શ્લોક આ ત્રિગુપ્તિ સાધનાના સંદર્ભમાં કહું; શબ્દો કેટલા સરસ વપરાયા છે કે સાધકની દશા કેવી હોય –
कायकृत्यासह: पूर्वं ततो वाग्विस्तरासह:।
अथ चिन्तासह स्तस्मादेवमेवाहमास्थित:॥
પહેલા શું કહે છે? कायकृत्या सह: पूर्वं – કાયા દ્વારા જે કૃત્યો થઇ રહ્યા છે, બોલવાનું, કંઈક કરવાનું, આમ કરવાનું, તેમ કરવાનું, એ એને અસહ્ય લાગે છે. નથી કરતો એમ નથી કહેતાં. कायकृत्या सह: – હવે થતું નથી એનાથી. એ કહે મારાથી હવે થઇ શકતું નથી. આ બધું પરમાં ઉતરવાનું છે, હું નથી કરી શકતો. તમે આની જોડે શિષ્ટાચાર રૂપે બોલો. નહિ, નહિ, એવું કંઈ થતું નથી મારાથી. એવું બોલવાનું, એવું કરવાનું, કંઈ થતું નથી. છૂટી ગયું. પણ શબ્દ એટલો સરસ વાપર્યો, ‘कायकृत्यासह: पूर्वं’ – એ કાયાના કૃત્યોથી એ હદે ઉપલબ્ધ થયો છે, કે હવે એનાથી સહન નથી થતાં, ‘कायकृत्य असह:’
‘ततो वाग्विस्तरासह:’ – પછી વાણીનો વિસ્તાર જે છે એનાથી સહન નથી થતું. મૌન. બોલવાનું અસહ્ય જ લાગે તમને. જ્યારે મૌન સહજ બની જાય, બોલવાનું અસહજ લાગે. તો ततो वाग्विस्तरासह:
અને પછી કહે છે; अथ चिन्ता सह तस्मात् – હવે વિચારો તે પણ હું કરી શકતો નથી.
एवमेवाहमास्थित – હું મારા નિર્મળ સ્વરૂપમાં સ્થિર થયેલો છું.
આપણે ત્યાં છે ને આપણે કાયાથી મન સુધી વાત લીધી. આપણે ત્યાં પરંપરામાં બે વસ્તુ છે. કાયગુપ્તિ લઈને પણ તમે મનગુપ્તિ સુધી જઈ શકો. અને મનોગુપ્તિથી શરૂઆત કરી અને કાયગુપ્તિ સુધી આવો. બે વસ્તુ આપણે ત્યાં છે. આ એકદમ મન તમારું સ્થિર થઇ ગયું, મનોગુપ્તિમાં તમે આવી ગયા, વાણી લુપ્ત થઇ ગઈ, અને કાયાના કૃત્યો જે છે એ લુપ્ત થઇ ગયા, તો એ રીતે પણ થઇ શકે છે. અને કાયગુપ્તિ દ્વારા પણ તમે અંદર જઈ શકો છો.
યુવાચાર્ય મહાપ્રજ્ઞે એમના એક પુસ્તકમાં લખેલું કે ત્રિગુપ્તિ સાધના એ જૈન દર્શનની દેણ છે. મનોગુપ્તિની સાધના બધી પદ્ધતિઓમાં છે, સાધના પદ્ધતિઓમાં, મનને સ્થિર કરવાની. પણ વચન અને કાયાને પણ સ્થિર કરવા એ વાત માત્ર આપણા દર્શનમાં છે. હવે તમે સમજો કે તમારું શરીર આમ-તેમ, આમ-તેમ દોડ્યા કરતું હોય, વિના કારણે તમે પ્રવૃત્તિ કરતાં હોવ, મન તમારું સ્થિર થઇ શકશે ખરું? સવાલ જ નથી. એટલે કાયગુપ્તિ થોડી તો કરવી જ પડશે તમારે.
ચંદ્રગુપ્ત મૌર્યની વાત આવે છે કે એણે પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો. સામે નંદરાજા હતો. એનું સૈન્ય કેળવાયેલું હતું, એટલે કે એવો હુમલો કર્યો કે ચંદ્રગુપ્તનું સૈન્ય તીતર-બીતર. ચંદ્રગુપ્ત જીવ બચાવીને એક ઘોડા ઉપર નાસી છૂટ્યો. વચ્ચે ઘોડો પણ થાકથી મરી ગયો. ચંદ્રગુપ્ત એકલો-અટૂલો. કપડાં મેલા થઇ ગયેલા. અને એક ગામમાં આવે છે. બે-ચાર દિવસથી કંઈ ખાધું નથી. ભૂખ લાગેલી છે પણ, ખાનદાન માણસ છે ને, એટલે કોઈની પાસે માંગી તો શકવાનો છે નહિ. એ ગામમાંથી પસાર થાય છે, ક્યાંક કોઈ વ્યવસ્થા હોય તો જોઈએ ગામમાં.
ત્યાં એક માજીએ જોયું; અતિથિ છે કોઈ. અને કહે; બેટા અહીં આવ. ચાલ જમવાનો સમય છે જમી લે. ચંદ્રગુપ્તને જમવા માટે બેસાડ્યો. માજીએ માત્ર ઘેસ રાંધેલી. ગરમ-ગરમ ઘેંસ. થાળીમાં આપી. પેલાને ભૂખ એવી લાગેલી ને, વચ્ચે જ હાથ નાંખ્યો. હાથ એકદમ દાઝી ગયો. એટલે માજી કહે; તું ય પેલા ચંદ્રગુપ્ત જેવો જ છે, કહે છે! માજી ઓળખતા નથી કે આ ચંદ્રગુપ્ત જ છે. તું પેલા ચંદ્રગુપ્ત જેવો જ છે, કહે છે. એટલે ચમક્યો પેલો થયો કે મારી પાસેથી કંઈ કી મને મળશે. કહે; માજી શું થયું? તો કહે; આ ચંદ્રગુપ્તે શું કર્યું? સીધો પાટલીપુત્ર ઉપર હુમલો કર્યો. આ રીતે કરાય? પહેલા ગામડા જીતવા જઈએ. બીજા શહેરો જીતવા જોઈએ, નંદરાજાથી લોકો અકળાયેલા જ છે. એનું ટેક્ષશન એટલું ભારે છે. એ ક્રૂર માણસ છે. બધા અકળાયેલા છે. લાખો પ્રજાજનોને એણે સાથે લીધા હોત પહેલા અને પછી પાટલીપુત્ર ઉપર ગયો હોત તો એનો વિજય થઇ જાત. એમ તારે પણ કોર-કોરથી ખાવાનું હતું. ધીરે ધીરે કોર-કોરથી ખાતો જાય, ઠંડું ઠંડું થતું જાય. તે સીધો વચ્ચે હાથ નાંખ્યો. તું ચંદ્રગુપ્ત જેવો છે! પેલો કહે; માજી હું જ ચંદ્રગુપ્ત છું. પણ હવે મને ખ્યાલ આવી ગયો કે મારી ભૂલ શું હતી. એ બોધપાઠ શીખી ગયો અને બીજીવાર જીતી પણ ગયો.
તો કાયગુપ્તિથી શરૂઆત કરો. કાયાને એકદમ સ્થિર કરી દો. વચનને ગુપ્ત કરી દો. વિચારો ઓછા થઇ જશે. પછી પાછું મનોગુપ્તિ એકદમ સુક્ષ્મ બનશે. તો એની અસર વચનગુપ્તિ અને કાયગુપ્તિ ઉપર વધારે પડશે. અરસ-પરસ અસરો પડશે.
તો वाक्कायमनोविकार रहितानाम् विनिवृत्तपराशानां – જેની પરની આશા બિલકુલ નીકળી ગઈ છે. ‘આશા ઔર ન કી ક્યાં કીજે’ પણ અપેક્ષા બીજાની રાખે કોણ? કોણ રાખે? જે સ્વયં અસંપૂર્ણ છે એ. જે સ્વયં સંપૂર્ણ છે એ બીજાની અપેક્ષા રાખશે? તમે બધા સ્વયં સંપૂર્ણ છો. Division પાડી નાંખો. તમારે કશું જ જોઈતું નથી. કશું જ. શરીરમાં તમે છો. દેહ તમારી સાથે છે. દેહને રોટલી-દાળ જોઈએ છે, તમારે નહિ. તમારે ન એક પદાર્થની જરૂરિયાત છે. ન એક વ્યક્તિના સંગની જરૂરિયાત છે. ન કશાની જરૂરિયાત છે. શરીરને જરૂરિયાત છે તો આપી દેજો. બોલો આ ભૂમિકાએ તમે આવ્યાં છો? કે તમારે કશાની જરૂરિયાત નથી.
પ્રવચન આપો ન આપો કોઈ જરૂરિયાત નથી. જ્ઞાની તો વિચારશે હું આ શા માટે કરું? આનાથી મને શું મળશે? કોઈ પણ પ્રવૃત્તિ કરતાં પહેલા વિચાર કરે મને આનાથી મળવાનું શું? મારા શરીરને કશુંક જોઈએ, એ સિવાય મને કશું જ જોઈતું નથી. તો તમે પર અર્પેક્ષ થઇ ગયા. પછી પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવ્યા કરો છો.
ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું; ‘पक्खी पत्तं समादाय, निरवेक्खो परिव्वए’
‘पक्खी पत्तं समादाय’ – પક્ષીને ઉડવું છે આ ઝાડ ઉપરથી, બીજી જગ્યાએ જવું છે, કેટલા બિસ્તરા પેક કરવા પડે? ‘पक्खी पत्तं समादाय’ – બે પાંખો ફફડાવીએ એટલે ઉડે. કેટલાય પંખીઓ ભારતમાં આવે, હજાર-હજાર કિલોમીટર દૂર એનો વસવાટ છે. અમુક ઋતુમાં અહીંયા આવે. વળી પાછા જતાં રહે ત્યાં. પણ એ પંખીને વિહાર કરવો હોય, એને કેટલા બિસ્તરા જોઈએ?
તો ભગવાન કહે છે; કે પક્ષી જેમ પાંખો ફફડાવીને ચાલવા માંડે. એમ મારો સાધુ પણ નિરપેક્ષ રીતે, પરીવ્રજે. આ પરિવ્રજ્યા છે તમારી. તમે પરિવ્રાજક છો. પ્રવ્રજ્યા છે ને પ્રવ્રાજક પણ તમે છો. અને પરીવ્રજ્યા છે માટે પરિવ્રાજક પણ છો.
પરીવ્રજ્યા એટલે શું? સમન્તાત્ વ્રજ્યા. સંપૂર્ણ રીતે તમારું ગમન થાય છે. સંપૂર્ણ ગમન એટલે શું? એક જગ્યાએ ચાર મહિના રહ્યા, પૂનમના તમે બીજે ગયા, સંપૂર્ણતયા તમે જતાં રહ્યા. એટલે આ ગામમાં તમારી ચેતના નથી. આ ગામનું સ્મરણ પણ તમને થતું નથી, પૂનમના. ચાર મહિના તમે જ્યાં રહ્યા, એ ગામની એક વ્યક્તિની યાદ પૂનમના તમને ન આવે. શું સાધુપણાની મસ્તી છે એ તો મને કહો! શું મસ્તી!
તો विनिवृत्तपराशानां इहैव मोक्ष: सुविहितानाम् – અહીંયા જ મોક્ષ!
અને હવે ઉપાધ્યાય યશોવિજય મહારાજ જીવનમુક્તદશાની શું વ્યાખ્યા આપે છે એ આપણે કાલે જોઈશું.
