એકત્વાનુભુતિ
નિશ્ચય અહિંસા માટે શુભ મનોગુપ્તિ અને શુદ્ધ મનોગુપ્તિ બંને જરૂરી છે. નિશ્ચય અહિંસાની વ્યાખ્યા સ્પષ્ટ કરી : એકતા જ્ઞાન નિશ્ચય દયા. તમારી પોતાની આત્માનુભૂતિની એક નિમગ્નતા – એકત્વાનુભૂતિ – એ જ નિશ્ચય અહિંસા છે. એ ક્યારે મળે? જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે – નિર્વિકલ્પદશામાં આવવાથી. ત્યાં વિકલ્પો પણ જશે અને વિભાવો પણ ક્ષીણ થઈ જશે.
આ એકત્વાનુભૂતિની પરાકાષ્ઠામાં આગળ જવું હોય, તો શુદ્ધ મનોગુપ્તિ – નિર્વિચારદશા – જરૂરી છે. જરૂરી એટલા માટે છે કે વિચાર એ તમારું સ્વરૂપ નથી. ન શબ્દ તમારો સ્વભાવ છે, ન વિચાર તમારો સ્વભાવ છે. સ્વભાવમાં – એકત્વાનુભુતિમાં- ઊંડા ઊતરવું હોય, તો આ બધા જ પરથી તમારે ઉપર ઊઠવું પડે. નિર્વિચાર દશાથી એકત્વાનુભૂતિ પ્રગાઢ થશે કારણ કે એમાં પર બિલકુલ નીકળી ગયું.
ખરેખર તો જ્યારે તમે નિર્વિચારને કુશળતાથી ઘૂંટી શકો છો, ત્યારે જ અધ્યાત્મની ઊંચી ભૂમિકા તમને મળે છે. તમે નક્કી કરો એ જ ક્ષણે – સંકલ્પ માત્રથી – વિચારોને તમે off કરી શકો. શુભ વિચારની જરૂર છે, તો એને on કરી શકો. જે ક્ષણે લાગે કે અશુભ વિચાર આવી ગયો, એને off કરી શકો.
પરમતારક સુમતિનાથ પ્રભુના સ્તવનમાં મહામહોપાધ્યાય માનવિજય મહારાજ સાહેબે પિંડસ્થ ધ્યાનની વાત કરી છે. પ્રભુના મૂર્તિદેહના દર્શન દ્વારા સ્વરૂપાનુભુતિ શી રીતે થાય, એ માટે એમણે સાત ચરણો આપ્યાં. બીજું ચરણ છે ચિત્તસ્થૈર્ય.
આપણે ગઈ કાલે જોયું. ચિત્તસ્થૈર્યના બે પ્રકાર- એક શુભ મનોગુપ્તિ, એક શુદ્ધ મનોગુપ્તિ; એક નિર્વિકલ્પદશા, બીજું નિર્વિચારદશા.
વ્યવહાર અહિંસા આપણે પાળીએ એમાં શુભ મનોગુપ્તિ જોઈએ જ. કોઈના પ્રત્યે તિરસ્કાર આવી ગયો તો પહેલું મહાવ્રત આપણું સહેજ દુષિત થઈ શકે. એટલે વ્યવહાર અહિંસા માટે પણ શુભ મનોગુપ્તિ જરૂરી છે. નિશ્ચય અહિંસા માટે શુભ મનોગુપ્તિ અને શુદ્ધ મનોગુપ્તિ બેઉ જરૂરી છે. નિશ્ચય અહિંસાની વ્યાખ્યા સ્પષ્ટ કરી નાંખી. ‘એકતા જ્ઞાન નિશ્ચય દયા. નિશ્ચય અહિંસા એટલે શું? એકત્વાનુભૂતિ. તમારી પોતાની આત્માનુભૂતિની એક નિમગ્નતા એ નિશ્ચય અહિંસા છે.
તો પૂછવામાં આવ્યું કે એકત્વાનુભૂતિ શી રીતે થાય? તો ત્યાં કહ્યું; કે ‘જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે’. નિર્વિકલ્પદશામાં એને આવવું પડે. નિર્વિકલ્પદશામાં આવશે એટલે વિકલ્પો જશે. વિભાવો પણ ક્ષીણ થઈ જશે. પણ છતાં એકત્વાનુભૂતિની પરાકાષ્ઠામાં જવું હોય તો શુદ્ધ મનોગુપ્તિ જોઇશે.
આમ નિશ્ચય અહિંસા એટલે એકત્વાનુભૂતિ. અને એની વ્યાખ્યા આ આપી કે વિકલ્પોથી તમે પર ઉઠી જાઓ. પણ એકત્વાનુભૂતિમાં તમારે આગળ જવું છે. અને ઊંડાણથી આત્માનુભૂતિમાં સરવું છે. તો નિર્વિચારદશા જરૂરી છે. જરૂરી એટલા માટે છે કે વિચાર તમારું સ્વરૂપ નથી. વિચાર તમારો સ્વભાવ નથી. ન શબ્દ તમારો સ્વભાવ છે. ન વિચાર તમારો સ્વભાવ છે. તો એકત્વાનુભૂતિ, આત્માનુભૂતિ તમારે ઊંડાણથી કરવી છે તો બધા જ પરથી તમારે ઉપર ઉઠવું પડશે. તો ધીરે, ધીરે, ધીરે પરમાંથી તમારી જાતને ઉંચકતા જાઓ.
દેવચંદ્રજી મહારાજે ચોથા સ્તવનમાં સ્પષ્ટ કહ્યું; ‘પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુ પરતીત’. આત્માનુભૂતિ શી રીતે થાય? એમને સરળ માર્ગ આપી દીધો. ‘પુદ્ગલ અનુભવ ત્યાગ’. એ તમારી પાસે આવી ગયો; આત્માનુભૂતિ આ રહી! પુદ્ગલોનો ત્યાગની વાત નથી. પુદ્ગલોના અનુભવનો ત્યાગ. રાગાત્મક-દ્વેષાત્મક-અહંકારાત્મક કોઇ પણ અનુભવ પરપદાર્થો દ્વારા, પર વ્યક્તિઓ દ્વારા, પર ઘટનાઓ દ્વારા તમારી ભીતર ઉદિત ન થાય તો સ્વાનુભૂતિ તરફની તમારી યાત્રા ચાલુ થઈ ગઈ. તો પરના અનુભવનો ત્યાગ કરવો છે. તો વિચાર પણ પર છે. એને પણ છોડી દો. અને વિચારની જરૂરિયાત ક્યાં સુધી બોલો? વિચારની જરૂરિયાત ક્યાં સુધી? અનુભૂતિ નથી થઈ ત્યાં સુધી.
રામકૃષ્ણ પરમહંસ કહેતા કે બ્રાહ્મણો જમવા માટે ભેગા થયેલા હોય. તો ભોજનશાળામાં અવાજ, અવાજ, અવાજ ચાલતો હોય. લાડુ-પૂરી-દાળ ભજીયા. પણ જ્યાં હરિઓમ થાય અને જમવાનું ચાલુ થાય. ચુપ્પી. જ્યાં ભોજનનો આસ્વાદ શરૂ થઈ ગયો, વિચાર ખતમ થઈ ગયો. માણસ જમવા માટે પણ જાય ને ત્યારે વિચાર કરે. આજે શું બનાવ્યું હશે? શાક શેનું હશે? દાળ શેની હશે? શું હશે? શું નહિ હોય? પણ જમવા બેઠા પછી કયો વિચાર? એમ આત્માનુભૂતિ નથી થઈ ત્યાં સુધી વિચાર. આત્માનુભૂતિ થઈ પછી પરનો એ વિચાર નથી અને સ્વનો એ નથી.
ઘણા લોકો મને પણ પૂછે તમે એકલા બેઠા હોવ તો શું વિચાર કરો? મેં કીધું વિચાર કરવાની ક્યાં જરૂર જ છે હવે! ન વિચારની જરૂર છે, ન શબ્દની જરૂરત છે.
હમણાં મારા એક શિષ્યે પૂછેલું સાહેબ તમે લખો તો છો ઘણું. વાંચો પણ છો તમે. જો કે મારું વાંચવાનું બહુ ઓછું થઈ ગયું. પહેલા પંદર દિવસનો વિહાર હોય ત્યારે મોટી બેગ ચોપડાની ભરીને લઇ જાઉં અને પંદર દિવસમાં ખાલી થઈ જાય. પાછી નવી બેગ ભરાવવી પડે. વાંચવાનું ઓછુ થઈ ગયું છે. પણ થોડું રહ્યું છે. કેમ રહ્યું છે? તમને સમજાવું. મારે જ્યાં સુધી બોલવાનું છે. ત્યાં સુધી મારે વાંચવું પડશે. યશોવિજય બોલે છે માટે નહિ, પ્રભુ બોલે છે માટે. અને પ્રભુની વાણી જયારે નીકળે ત્યારે એ શ્રોતાઓના હૃદય સુધી પહોંચવી જ જોઈએ. તો મારી ભાષા update થવી જ જોઈએ. પાંચ વરસ પણ જૂની મારી ભાષા હોય એ ચાલી ન શકે. કારણ કે મારે આ ભાષા દ્વારા પ્રભુની વાતો પ્રસ્તુત કરવી છે. બાકી જ્યારે વ્યાખ્યાનો બંધ થઇ જશે, વાચનાઓ બંધ થશે, બધું છૂટી જશે.
હું મારી પાસે આવનારા ઘણા બધા સાધકોને કહું છું; કે ક્યાં સુધી હું બોલીશ? શરીરની પણ એક ક્ષમતા આવશે. જો કે તમે ગુરુની અશબ્દ વાચનાને ઝીલતા થઈ જાઓ. એટલે મારે શબ્દમાંથી વિરામ મળી જાય. માત્ર સદ્ગુરુના ચરણોમાં બેસો, તમને બધું જ મળી જાય!
એટલે ઉત્તરાધ્યયનમાં જે ક્રમ બતાવ્યો ને ગુરુ પાસેથી જ્ઞાન લેવાનો. પહેલા ઊર્જા, પછી ઈંગિત એટલે કે ચેષ્ટા, પછી facial expression એટલે કે મોઢાના હાવભાવ અને પછી શબ્દ મુક્યો છે. છેલ્લો નંબર શબ્દનો છે. તમે સદ્ગુરુના ચરણોમાં બેસો. મળી ગયું. Better. બીજી કોઈ જરૂરિયાત નથી. એથી નથી પકડાતું. ગુરુ એક ઈશારો કરશે તમને પ્રભુ આપી દેશે. ઇશારાને પણ decode કરતા નહિ આવડ્યો. તો ગુરુ facial expression દ્વારા તમને બતાવશે.
મેં ગઈ કાલે જ સંગોષ્ઠીમાં કહેલું કે કેટલા સંતોના તમે દર્શન કર્યા મેં કીધું? પ્રભુનું દર્શન કદાચ અઘરું પડે માની લઈએ આપણે. મેં પૂછ્યું કે કેટલા સંતોના દર્શન કર્યા તમે? અને એક-એક સંતનું દર્શન કરો એટલે મોઢા ઉપર આનંદ ઝળકતો હોય. અમારા બાલ રાજા છે, ખુશ ખુશ ! તો મેં કહ્યું કે સંતોના ચહેરા ઉપર જે આનંદ ઝલકે છે એ આનંદ તમે જોયો ક્યારેય? અને એકદમ નિકટ પરિચયના સંત હતા તો પુછ્યું; કે સાહેબ તમે આનંદમાં તો છો પણ અત્યંત આનંદમાં છો, પરમ આનંદમાં છો, જરા મને કહો તો ખરા કે આ પરમ આનંદ ક્યાંથી આવ્યો? તો સદ્ગુરુ facial expression દ્વારા પણ પ્રભુ તમને આપી દેશે. એટલે પ્રભુ મળ્યા, બીજું બધું જ છુટી ગયુ. હવે આનંદ જ આનંદ છે. હવે પ્રભુ મારી ચિંતા કરે. મારી ચિંતા પણ મારે કરવાની ન રહી, પ્રભુ કરે!
કલાપૂર્ણસૂરી મહારાજના શબ્દો હતા; હું ક્યારેય મારી ચિંતા કરતો નથી, પ્રભુ જ મારી ચિંતા કરે છે. અને હું ઘણીવાર કહું છું કે તમે તમારી પોતાની ચિંતા છોડી દો તો જ પરમશક્તિ તમારી વહારે આવશે. આપણે કહીએ ને, ‘पंगुम् लँघयते गिरिम्’ પાંગળાને પણ પ્રભુ ગિરિ કુદાવી આપે છે. હું એ સુભાષિતમાં થોડો ઉમેરો કરું છું, ‘एव’ ઉમેરું છું, ‘’पंगुम् एव लँघयते गिरिम्’ તમે તમારા પગ ઉપર આધાર નથી ‘જ’ રાખતા તો પ્રભુ તમને ચડાવી દેશે. પણ તમને તમારાં પગ ઉપર થોડો આધાર હોય તો પ્રભુ કહે કે બેટાને ચડવા દો. થાકશે ત્યારે વાત.
સાધનામાર્ગના આ મજાના ગણિતની વાત કબીરજીએ કરી છે. કબીરજીએ કહ્યું; ‘નિરાધાર ભયે પાર’. જે લોકોએ પોતાની જાત પરનો આધાર છોડી દીધો. એ બધાને પ્રભુ પેલે પાર લઇ ગયા.
એટલે જ મેં વચ્ચે કહેલું તમને કે વિતરાગસ્તોત્રમાં બે statement છે. એક statement તો એ આવ્યું : ‘भवत्प्रसादेनैवाहमियतीं प्रापितो भुवम्’ – પ્રભુ તારી કૃપાથી જ હું અહીંયા આવ્યો છું. મનુષ્યલોકમાં, તારા શાસનની ભૂમિકા ઉપર, તારા શ્રામણ્યની ભૂમિકા ઉપર, માત્ર અને માત્ર તારી કૃપાથી જ આવ્યો છું. અને પછી એ જ હેમચંદ્રાચાર્ય ફરિયાદ કરે છે; ‘रत्नत्रयं मे ह्रियते’ પ્રભુ ધોળે દિવસે આ રાગ અને દ્વેષ મારી રત્નત્રયીનું હરણ કરી રહ્યા છે ત્યારે તું ક્યાં છે? જે તારો કૃપામય હાથ મને નરક અને નિગોદમાંથી ઊંચકીને અહીં સુધી લઈને આવ્યો એ હાથ અત્યારે અદ્રશ્ય કેમ થઈ ગયો? આખા વિતરાગસ્તોત્રમાં શબ્દોમાં એનો જવાબ લખ્યો.
હું ઘણીવાર કહું છું કે શબ્દો તો તમે વાંચી જ લેવાના છો. હોંશિયાર છો. Between the lines, between the words શું છે, એ તમને ખ્યાલમાં નહિ આવે. અને હરિભદ્રાચાર્ય જેવા આચાર્યોને જે કહેવું છે એ પોતે શબ્દોમાં કહી શકવાના જ નથી. શબ્દો તો બહાનું છે તમને એ ગ્રંથ વાંચવામાં મગ્ન કરવાનું. કે આ ગ્રંથ વાંચો. પણ હરીભદ્રાચાર્યને માત્ર શબ્દો નથી આપવા, અશબ્દ આપવો છે. એ જ રીતે પહોંચેલા ગુરુ પ્રવચન આપે. એ સમજે મારે ક્યાં શબ્દો આપવા છે? જો પેલાની ભૂમિકા હશે તો મારી ઉર્જાને પામીને એકદમ purify થઈ જશે.
તો વિતરાગસ્તોત્રમાં શબ્દમાં જવાબ નથી એનો. અશબ્દમાં જવાબ એ છે કે ભાઈ! આ સાધના તે શરૂ કરી દીધી. પહેલા તો તું અસહાય હતો. તારું કોઈ સામર્થ્ય જ નહતું. હું તને ઊંચકીને લઈ આવ્યો. આજે જો તને થોડો અહંકાર આવેલો હોય કે હું સાધના કરું છું તો મારો કૃપામય હાથ તારાથી દુર ભાગી જશે. જે ક્ષણે તારું સંપૂર્ણ સમર્પણ મારા તરફ હશે ત્યારે જ મારી શક્તિ તને મળશે. એટલે પ્રભુ તૈયાર છે, આપણે તૈયાર થવું પડે. He is ever ready. પ્રભુ હંમેશ માટે તૈયાર છે. એટલે અહંકારશૂન્ય, વિભાવશૂન્ય આપણે બની જવું છે. તો સ્વની દુનિયામાં જવું છે ત્યારે પરને બિલકુલ છોડી દેવું છે. અને તમે એટલાં તો પ્રબુદ્ધ છો જ કે પર એટલે શું, તમને ખબર પડે. સ્વ એટલે શું, તમને ખબર જ છે. બરોબર? અને આટલું જ કરવાનું છે – પર છોડો, સ્વ પકડો.
સમાધિશતકમાં કહ્યું; એક કડીમાં કે બધા જ ગ્રંથોનો સાર આટલો જ છે : સ્વને પકડ અને પરને છોડ. બધા ગ્રંથોનો સાર આવી ગયો આમાં. હું ઘણીવાર કહું છું કે તો પછી મહાપુરુષો એ આટલાં બધા ગ્રંથો કેમ બનાવ્યા? તમને ખબર છે તમને છેતરવા! સાચું કહું તો! કારણ કે તમે છો ને નવીનતાના અર્થી છો. અધ્યાત્મસાર તો વાંચી લીધો. હવે આ જરાક અધ્યાત્મ ઉપનિષદ વાંચું. એ વંચાઈ ગયું. હવે અધ્યાત્મબિંદુ વાંચું. નવીનતા. એમણે વાત એક જ કરી છે. પેકિંગ જ અલગ-અલગ છે. મૂળ માલ એક જ છે એમનો. પણ તમને થાય કે નવું મળ્યું. એટલે જ આપણે ત્યાં ગ્રંથ સંન્યાસની વાત આવે છે.
પહેલા તો તમારે ઘણો બધો સ્વાધ્યાય કરવાનો. ક્યાં સુધી કરવાનો? કે જ્યાં સુધી તમારી બુદ્ધિ છે ને એ સ્થિર નથી થતી ને ત્યાં સુધી. બુદ્ધિ જો પરમાં જતી હોય, મન પરમાં જતું હોય તો એને સ્વમાં લાવવા માટે પ્રભુના પ્યારા શબ્દો મોટું આલંબન છે. ભક્તિમાં જાઓ કે સ્વાધ્યાયમાં જાઓ. એમાં ગયા પછી સહેજ ધ્યાનની ધારા પકડાઈ તો સ્વાધ્યાય ઓછો થતો જાય. ધ્યાન વધુ થતું જાય.
તમને ખબર છે? દીક્ષાના પર્યાય પ્રમાણે કામની વહેંચણી આપણે ત્યાં થાય છે. મોટું વૃંદ હોય ૪૦-૫૦નું. તો કઈ રીતે કામની વહેંચણી થાય? કે પાણી લાવવાનું, આ, તે, – આ કામ નાના મહાત્મા કરશે, ગોચરીનું કામ, તો, એ લોકો નહિ કરે. કારણ કે લોકોના ઘરે જવાનું અને એ બધું અપરિપક્વ સાધુઓ માટે કામનું નથી. એમના માટે મકાનનું કામ, એમના માટે આ. ગોચરીમાં પણ પછી નાના સાધુઓ તૈયાર થઈ ગયા એકદમ પરિણત. પછી પંન્યાસ વિગેરે હોય એમને કહી દે કે તમારે ગોચરી નહિ લાવવાની, આ લોકોને ગોચરી લાવવાની. તો જેમ દીક્ષા પર્યાય વધે એમ કામ ઓછુ થાય. કેમ? કારણ શું એનું?
કારણ એક જ છે કે શરૂઆતમાં તમે સ્વમાં સ્થિર રહી શકતા નથી. એટલે તમને સ્વાધ્યાય, ભક્તિ અને આ વૈયાવચ્ચનું કામ નહિ આપીએ; તમે જ્યાં free પડયા, પરમાં જતા રહેવાના છો. એટલે તમે સવારથી સાંજ સુધીમાં free ન પડો, એના માટે આખું schedule ગોઠવવું પડે છે. પછી એમ લાગે કે ધીરે, ધીરે, ધીરે સ્વાધ્યાય દ્વારા પરિણતિ પકડાઈ છે તો હવે એને અનુપ્રેક્ષા માટે સમય આપવો પડે. ભલે અનુભૂતિ દુર હોય અત્યારે. અનુપ્રેક્ષા તો કરવી જ જોઈએ. માત્ર સ્વાધ્યાય કર્યા કરો એનો કોઈ અર્થ નથી. અનુપ્રેક્ષા કરવી પડે. તો એ અનુપ્રેક્ષા માટે ટાઈમ મળે એટલા માટે કામ ઓછુ થતું જાય. અને પરિણતિ તમારી વધતી જાય અને અનુભૂતિમાં તમે પહોંચી જાઓ તો તમારું બધું જ કામ છુટી જાય, માત્ર તમે ધ્યાનદશામાં પહોંચી જાઓ. આ આખી આપણી જીવંત પ્રક્રિયા છે.
પણ આ જીવંત પ્રક્રિયા કામમાં ક્યારે આવે? મોટું વૃંદ હોય ત્યારે. ૨૫-૩૦-૪૦-૫૦ હોય ત્યારે. બે કે ત્રણનું જ વૃંદ હોય તો બધું કામ બધાએ કરવું પડે. પહેલા કહેતાં ને દાઢી ની દાઢી, સાવરણી ની સાવરણી. જ્યારે તુલસી ગુરુદેવને મળેલાં ને ત્યારે એમણે એક સરસ વાત કરેલી. તુલસી વિદ્વાન તો હતા જ. બે ભેગા થયા. વાતચીત થઈ. પછી introduce કરવાની આપણી પદ્ધતિ હોય છે. તો એ બધાને introduce કરાવે છે. મહાપ્રજ્ઞ એ નખમલજી નામે હતા. કે આ નખમલજી આગમોના વિદ્વાન છે. આ દુરહરાજજી એ સંપાદનમાં નિષ્ણાંત છે. આ પેલા મુનિ એ ઈતિહાસમાં નિષ્ણાંત છે. આ શિલ્પમાં નિષ્ણાંત છે. હવે આ વૃંદ મોટું હતું ને તો આ કામ કરી શક્યા. એક specialty પકડાઈ ગઈ હતી. અમુક જાતની પરિણતિ થઈ ગઈ પછી એના કહ્યું કે હવે તું આ speciality માં જા. Specialization કર આનું. તું માત્ર આમ ઊંડો ઉતરી જા. કોઈને ધ્યાનમાં ઊંડા ઉતાર્યા. કોઈને આગમ ગ્રંથોમાં ઊંડા ઉતાર્યા. કોઈને બીજી રીતે ઊંડા ઉતાર્યા. પણ આ થઈ શકે ક્યારે?
આજ તો બે મહાત્માઓ હોય ને ચોમાસું જવાનું હોય. મુહુર્ત જોવું હોય તો એણે જ, એટલે જ્યોતિષ પણ એને જ શીખવું પડે. પ્રવચન પણ એને શીખવા પડે. લોકોની જોડે કેમ વાતચીત કરવી એ પણ એને શીખવું. એટલે આમાં ને આમાં, આપણી સાધના ખોરવાઈ ગઈ. એટલે આ જે અલગ ચોમાસાની લોકોની ભૂખ જાગી એના કારણે આપણને મોટો ફટકો પડ્યો. બે ઠાણા, ચાર ઠાણા, ત્રણ ઠાણા. બસ આપ્યા જ કરો. પ્રભાવના કર્યા જ કરો અમને! પણ જે ગુરુકુલવાસનો મહિમા હતો.
ગુરુકુલવાસના પણ બે પ્રકાર બતાવ્યા. બાહ્ય ગુરુકુલવાસ અને અભ્યંતર ગુરુકુલવાસ. બાહ્ય ગુરુકુલવાસ કયો? કે શિષ્ય થયો નથી અને ગુરુ પાસે રહેવું પડે છે. તો એક-બે શિષ્ય થાય એટલે પાંખો આવી જવાની અને ઉડી જવાનો. એ ગુરુકુલવાસમાં છે પણ બાહ્યથી. અભ્યંતર ગુરુકુલવાસ એ છે કે પોતાના પચ્ચીસ શિષ્યો થયા છતાં પણ એ ગુરુકુલવાસ છોડવા માટે તૈયાર નથી. ગુરુ મહારાજ ગયા. ઓમકારસૂરી દાદા. પછી ગુરુદેવ અરવિંદસૂરી દાદા આવ્યા. પણ દાદાનો મારી ઉપરનો એટલો બધો પ્રેમ કે હું યશોવિજયની જોડે જ રહેવાનો છું. મુનિચંદ્રસૂરીનું ચોમાસું અલગ હોય. ભાગ્યેશસૂરીજીનું અલગ હોય. બધા જ સાહેબને વિનંતી કરે કે સાહેબ અમારી જોડે પધારો. ના યશોવિજયસૂરી ક્યાં રહેવાનો છે? ત્યારે મારી આંખમાં આંસુ આવતાં કે ગુરુનો કેટલો પ્રેમ છે! અને હું પણ ગુરુને છોડવાનો હતો જ નહિ!
તો આ અભ્યંતર ગુરુકુલવાસ છે. અને એ અભ્યંતર ગુરુકુલવાસ જે છે એ જ તમને સાધનાના ઊંડાણમાં લઇ જશે. એટલે નિર્વિચારદશા એ શુદ્ધ મનોગુપ્તિ. વિચાર છે જ નહિ. તો એ મહત્વનો શા માટે છે? કે એકત્વાનુભૂતિ એમાં પ્રગાઢ થશે. કારણ કે પર બિલકુલ નીકળી ગયું.
યોગશાસ્ત્રના બારમાં પ્રકાશમાં આ દશાની વાત થઇ છે. આપણને સમય મળશે તો આપણે બારમો પ્રકાશ પણ લઇ લઈશું. કેટલાક શ્લોકો એના બહુ સરસ છે. કારણ કે અગિયાર પ્રકાશ સુધી એમણે લખ્યું છે કે ગુરુ પરંપરાથી મને જે મળ્યું છે તે મેં લખ્યું છે. પણ બારમાં પ્રકાશમાં એમણે લખ્યું કે સ્વાનુભૂતિથી દ્વારા મને જે મળ્યું એ મેં અહીંયા લખું છે. તો ત્યાં એમણે આ શુદ્ધ મનોગુપ્તિની વાત કરી છે.
औदसिन्यनिमग्न:, प्रयत्नपरिवर्जित: सततमात्मा l
भावितपरमानन्द:, क्वचिदपि मनो न नियोजयति ॥
क्वचिदपि मनो न नियोजयति – એ મનને બહાર જવાનું કોઈ કામ જ નથી, પ્રયોજન જ નથી. ધર્મશાળામાં કોઈ માણસ ઉતર્યો હોય. દર્શન કર્યા. જમી લીધું. રૂમમાં ગયો. Attached toilet room છે. પંખો, A.C. બધું અંદર છે. water-bag છે અંદર. રાત્રે એને જે જોઈએ એ બધું અંદર છે. એ પૂરી રાત દરમિયાન બારણું ખોલીને બહાર આવવાનો જ નથી. એને જોઈએ તે બધું એની પાસે જ છે. એમ સાધકને બહાર આવવાનું કોઈ પ્રયોજન નથી. Even શુભમાં પણ આવવાનું એને કામ નથી. શુદ્ધમાં ગયા પછી શુભ વિચારને ઘૂંટવાનું પણ કોઈ પ્રયોજન નથી. તમે પહેલા માળ ઉપર આવી જ ગયા છો, પછી આ પગથિયાની જરૂર ક્યાં છે તમને?
પેલો એક જણો હતો ને હરિદ્વાર જવાનું હતું એને. માંડ-માંડ તો ગાડીમાં બેસાડ્યો એને. કહે કે હરિદ્વાર જવું તો છે ખરુ, પણ અહીંયા બેઠા જ હરિદ્વાર મળવું જોઈએ. કહે અહીંયા બેઠા ન મળે ભાઈ. ગાડીમાં ચડાવ્યો. સ્ટેશન આવ્યો અને ઉતારવાની વાત કરી. કેમ હવે ઉતારો છો કેમ મને? પગથિયા ઉપર ચડવું પણ પડે, અને પગથિયાને બંધ પણ કરવું પડે.
એટલે સવાસો ગાથાના સ્તવનમાં આ જ વાત લખી છે – કે શુભ એટલે નિસરણી અને શુદ્ધ એટલે મંઝિલ, માળ. તમે જો શુદ્ધમાં પ્રતિષ્ઠિત થયા તો વિચારનું કોઈ પ્રયોજન નથી. વિકલ્પો તો નથી, નથી; વિચાર પણ નથી!
પણ અત્યારે આપણે શુભ વિચાર કરવો પડે છે. એટલે ધ્યાનશતકમાં એક ક્રમ આપ્યો: ભાવના-ધ્યાન-અનુપ્રેક્ષા, આ આખો ક્રમ આપ્યો છે. ભાવના તમારે કોઇ પણ લેવાની. અનિત્યભાવના, અશુચિ ભાવના, આવી કોઈ ભાવના. એ ભાવનાને ઘૂંટીને ધ્યાનમાં જવાનું છે. આપણે છે ને શું કરીએ છીએ? શાંતસુધારસ વિગેરે લઈએ ખરા. ભાવનાને ઘૂંટીએ. આ અનિત્ય, આ અનિત્ય. શરીર પણ અનિત્ય. બધું અનિત્ય. પણ એ અનિત્યતા એ અટકવાનું નથી. આ બધું અનિત્ય, તો નિત્ય કોણ? નિત્ય ‘હું’ છું. એટલે સીધું division પડી જાય છે. શરીર અનિત્ય છે, હું ચૈતન્ય રૂપી નિત્ય છું, ત્રૈકાલીક ધ્રુવ પદાર્થ. તો આ રીતે ભાવનાઓને લેવાની હોય છે.
દિગંબરોમાં કાર્તિકેય અનુપ્રેક્ષા છે. કાર્તિકેય અનુપ્રેક્ષા. એમાં આ જ રીતે ક્રમ લીધો છે. અનિત્યની ભાવના ઘૂંટીને, નિત્યમાં તમને ઉપાડી લીધા. અશુચિભાવનામાંથી ઉપાડીને શુચિમાં તમને લઇ લીધા.
તો આપણે પણ ભાવનાને ઘૂંટીને ધ્યાનમાં જવું છે. આ અનિત્ય, આ અનિત્ય, આ અનિત્ય. બરોબર બધું ખરું. ‘ઇદં અણિચ્ચમ્’ ‘ઇદં અણિચ્ચમ્’ ‘ઇદં અણિચ્ચમ્’ પણ નિત્ય શું? નિત્ય ‘હું’ છું! બસ આ ‘હું’ ની અનુભૂતિ થઈ, સ્વમાં આવી ગયા તમે.
પણ પછી એ ધ્યાનદશા આપણી પરંપરા પ્રમાણે અંતર્મુહુર્તથી વધારે રહેતી નથી સ્થિર. તો શું કરવું જોઈએ? કાં તો અનુપ્રેક્ષામાં ઉતરી જાઓ. કાં તો ફરી ભાવનામાં જતા રહો. ધ્યાન સહેજ પાંખું પડ્યું, ભાવનામાં જતા રહો. ભાવનાને એકદમ પ્રગાઢ બનાવી ધ્યાનમાં જતા રહો.
એટલે અનુપ્રેક્ષા શબ્દ છે ને, એ આ ધ્યાનના પરિપ્રેક્ષ્યમાં આવેલો છે. અનુપ્રેક્ષા. પાછળથી વિચારણા. અનુ એટલે પાછળ. પ્રેક્ષા એટલે દર્શન. પણ કોની પાછળ? તો ધ્યાનની પાછળ. એટલે ધ્યાનદશામાં તમને શું-શું મળ્યું? એનો વિચાર તમે કરી શકો. અને એ વિચાર કરી ફરી પાછા ધ્યાનમાં જતા રહો. એટલે ધ્યાન ભલે અંતર્મુહુર્તનું હોય પણ ધ્યાન-ભાવના-અનુપ્રેક્ષા આ ક્રમ લઈને તમે ૨૪ કલાક આ રીતે શુભ અને શુદ્ધનું એક મજાનું વર્ગીકરણ કરી શકો.
તો એક મનોગુપ્તિ પકડાઈ જાય, ક્યાં પહોંચી જાઓ, તમે બોલો! ન વિકલ્પો, ન વિચારો. ‘ન રહે બાંસ ન બજે બાંસુરી.’ ‘મનૈવ મનુષ્યાણામ્, કારણમ્ કર્મબંધયો:’ એ મનને જ તોડી નાંખશો તો પછી?
એક સંસારીના ભોજનમાં અને સાધુની ગોચરીમાં ફરક ક્યાં પડશે? સંસારી માણસને જમશે, “આ ટેસ્ટી છે, બહુ મજાનું છે, આ છે, તે છે.” અને સાધુ વાપરશે ત્યારે? ‘मुक्ख साहण हेउस्स, साहु देहस्स धारणा’ મોક્ષના સાધનરૂપ સાધુ દેહને ધારવા માટે હું આ ભોજન લઉં છું. એટલે પ્રક્રિયા એક જ છે, ભોજન લેવાની. ભાવ આખો અલગ થઈ ગયો. પેલો ટેસ્ટ માટે ખાય છે. આ માત્ર શરીર માટે જ ખાય છે. માત્ર શરીરને જ આપવું છે.
હમણાં જ આપણે ત્યાં મહાત્મા થયા. છે અત્યારે પણ વિશ્વદર્શન વિજયજી. અમે લોકો રાજસ્થાનમાં હતા, કાલંદરી. ત્યારે બાજુમાં બર્નોલ્ડ ગામમાં હતા રાજતિલક મહારાજ સાહેબ જોડે. તો ગામમાં જૈનોના ઘર ઓછા અને ઠાણા વધારે હતા. તો એ મહાત્મા ઇત્તરોના, હિન્દુઓના ઘરોમાંથી રોટલી લઇ આવે. લગભગ અવડ્ઢે એકાસણું કરે કે આયંબિલ કરે. ગોચરીના ટાઈમે ગોચરી જવું પડે. સાડા અગિયારે- બારે ગોચરી લઈ આવે. મોટો લોટ રાખતા. લોટમાં લઇ આવે રોટલી. ટુકડા કરી નાંખે. પાણી નાંખી દે એમાં. અને અવડ્ઢના પચ્ચક્ખાણ સાડા ત્રણ-ચારે પચ્ચક્ખાણ પારીને વાપરી દે. પછી એમને લાગ્યું કે આમાં પણ મને સ્વાદ આવે છે. પછી સુદર્શનનો પાવડર યાચીને લે, અને રોટલા હોય, પાણી નાંખેલું હોય, એમાં સુદર્શનનો પાવડર નાંખી દે. એટલે ત્રણ-ચાર કલાકમાં રોટલીના ટુકડા-ટુકડા સુધી કડવાશ પહોંચી જાય. એ પછી વાપરી લે. એ કહે; મારે ક્યાં જીભ માટે ખાવાનું છે? પેટને આપવાનું છે. આપી દઉં છું. તો નિર્વિકલ્પ પણ બનવું છે, નિર્વિચાર પણ બનવું છે.
પતંજલિઋષિ એ કહ્યું; ‘निर्विचारवैशारद्येऽध्यात्मप्रसादः’ તમને ખરેખર તો અધ્યાત્મની ઉંચી ભૂમિકા ક્યારે મળશે? નિર્વિચારને કુશળતાથી ઘૂંટી શકશો ત્યારે. એટલે કે તમે વિચારો, તમે નક્કી કરો, એ જ ક્ષણે વિચારોને તમે off કરી શકો. જરૂર છે શુભ વિચારની on કરી શકો. જે ક્ષણે લાગે શુભમાંથી અશુભમાં વિચાર ગયો off કરી દો. એ સાધુ પાસે આ કળા તો હોવી જ જોઈએ કે એ નકામા વિચારોને તરત જ off કરી શકે. કરી શકો ને? તમારા હાથમાં છે. સ્વિચ તમારી પાસે છે. on કરવી કે off કરવી તમારા હાથમાં છે. તમારો સંકલ્પ જોઈએ, આમાં નથી જવું. બંધ. માત્ર એક તીવ્ર સંકલ્પની જ જરૂરિયાત છે. મારી અષ્ટપ્રવચનમાતાનો ભંગ થઈ જાય, મારે જવાય જ નહિ!
તો આ રીતે ચિત્તસ્થૈર્યના બે પ્રકારો આપણે જોઈ રહ્યા છીએ: શુભમનોગુપ્તિ, શુદ્ધમનોગુપ્તિ.
