Prabhu Ke Prem Ki Anubhuti | 17-10-2026 | Pune Chaturmas

9 Views
23 Min Read

નિરાકાર, નિરાશ્રય, પુણ્ય-પાપ વિવર્જિત મન

સામયિકની વ્યાખ્યામાં મનની ત્રીજી સજ્જતા આપી: નિરાકાર. વિકલ્પો મનમાં આવે, એના આકારો મનમાં રચાય છે; એટલે સવિકલ્પ મન એ સાકાર મન. નિર્વિકલ્પ મન એ નિરાકાર મન. સામાન્ય માણસના મનમાં સતત વિકલ્પો ચાલ્યા કરે. પણ સાધકનું મન નિઃસંગ અને નિરાભાસ (સ્મરણ વિનાનું) થયું, એટલે વિકલ્પો માટેનું raw material ખતમ થઈ ગયું; મન નિરાકાર (નિર્વિકલ્પ) થઈ ગયું.

ચોથી સજ્જતા: નિરાશ્રય. મન આશ્રય વગરનું બન્યું. મનને આશ્રય બે છે: ભૂતકાળ અને ભવિષ્યકાળ. “આવું થઈ ગયું, આવું કેમ થયું” – આ ભૂતકાળ અને “શું થશે? આવું થયું, તો?” – આ ભવિષ્યકાળ. પણ અત્યારની જે એક ક્ષણ છે, એમાં તમે માત્ર બેઠા છો; શું વિચાર કરવાનો? તમે વર્તમાનમાં રહ્યા, એટલે મનના બંને આશ્રયો ઝૂંટવાઈ ગયા; મન નિરાશ્રય બની ગયું!

છેલ્લી સજ્જતા: પુણ્ય-પાપ વિવર્જિત. પાપ પણ આસ્રવ અને પુણ્ય પણ આસ્રવ. સામાયિકમાં અશુભ વિચારો કે ભાવો તો નથી જ; શુભ ભાવો કે વિચારો પણ નથી. સામાયિક એ શુદ્ધની, સંવરની ક્રિયા છે; નિર્જરાની ક્રિયા છે. એટલે મનની અંદર પુણ્ય અને પાપ બંનેની રહિતતા સર્જાય છે.


સામાયિક ધર્મના ઊંડાણને ‘યોગપ્રદીપ ગ્રંથ’માં ઉદ્દીપ્ત કરવામાં આવ્યું છે. ત્યાં લખ્યું:
“मनः सामायिकं स्मृतम्।”
આવું મન એ સામાયિક છે. મનને પાંચ વિશેષણ આપ્યા છે:
“निस्संगम्, यन्निराभासम्, निराकारम्, निराश्रयम्, पुण्य-पाप-विनिर्मुक्तम्।”
બંને સજ્જતાઓને મનની કાલે જોઈ. મન અસંગ જોઈએ, અને મનને પુદ્ગલોનો સંયોગ જ થતો નથી, સંગ જ થતો નથી, તો પાછળથી સ્મરણ કઈ રીતે થવાનું? એટલે જે મન સંગવિહોણું છે, એ સ્મૃતિવિહોણું પણ છે. શુભનું સ્મરણ કદાચ તમને આવી શકે. અશુભનું સ્મરણ, રાગ-દ્વેષજન્ય ઘટનાઓનું સ્મરણ, સાધકને હોઈ શકે જ નહીં. કારણ એ ઘટનાનો સંગ જ નથી થયો, તો સ્મરણ કોણ કરશે? પ્રભુની સાધના કથામાં એ જ વાત કહી છે કે જ્યારે પ્રભુના પરમ પાવન શરીર પર ઉપસર્ગોની ઝડીઓ વરસી, ત્યારે પ્રભુ એ વખતે એ ઘટનાઓમાં હતા જ નહીં, પ્રભુ સ્વમાં હતા, તો ઘટનાઓનો સંગ જ પ્રભુને થયો નથી. હવે સંગ જ થયો નથી, તો સ્મરણ કોણ કરશે?
તો બે સજ્જતાની વાત ગઈકાલે કરી: કે પૌદ્ગલિક સંગ મનને ન હોય, શરીરને હોય છે. શરીર રોટલી-દાળ ખાય શકે, શરીર વસ્ત્રો પહેરી શકે છે, મન નહીં. સાધક માટે એક લિટમસ ટેસ્ટ (litmus test) હું આપતો હોઉં છું કે સંગવિહોણું મન તમારું છે કે નહીં, એને તમે કઈ રીતે ચકાસી શકો? સવારે પ્રભુની અષ્ટપ્રકારી પૂજા કરી, તમે ઘરે આવ્યા. વૉર્ડરોબમાં તમારા માટેના કપડાં પડેલા હતા. તમે ઝભ્ભો અને લહેંગો પહેરો છો. તો તમે ઝભ્ભો પણ પહેર્યો અને લહેંગો પહેર્યો. નવકારશીનું પચ્ચક્ખાણ પાર્યું, અને ડાઈનિંગ ટેબલ પર નાસ્તો કરવા માટે બેઠા. નાસ્તો પૂરો થઈ ગયા પછી આંખને બંધ કરો અને તમારી જાતને પૂછો કે આજે તમે ઝભ્ભો કયા કલરનો પહેર્યો છે? મરુન કલરનો, એશ કલરનો, યેલો કલરનો? કયા કલરનો ઝભ્ભો તમે પહેર્યો છે?
જવાબમાં તમે ગૂપચાઈ જાઓ, તમને એમ થાય કે ખ્યાલ નથી કેવા કલરનો ઝભ્ભો પહેર્યો. વૉર્ડરોબમાં મારા માટે રખાયેલા કપડાં હતા, એ મેં પહેરી લીધા. તમારા મને જો ઝભ્ભો નથી પહેર્યો, તો તમે ગૂપચાઈ જવાના કે મરુન કલરનો પણ હોય, એશ કલરનો પણ હોય, કોઈ પણ કલરનો હોઈ શકે, ખ્યાલ નથી આવતો. પણ તમારા મને ઝભ્ભો પહેરેલો હોય તો? ઝભ્ભો પહેર્યો, દર્પણમાં પછી આમ જોયું, વટ પડે છે, આ ઝભ્ભો એકદમ સૂટ થાય છે. મનમાં ઝભ્ભો પહેરાઈ ગયો, તો યાદ રહેશે. એટલે લિટમસ ટેસ્ટ એ છે કે તમારું શરીર ઝભ્ભો પહેરે ત્યાં સુધી વાંધો નથી, મનને ઝભ્ભો ન પહેરાવો. તમારું શરીર ભોજન લે ત્યાં સુધી વાંધો નથી, મનને ભોજન વખતે હાજર નહીં રાખવું. મનને કોઈ સ્તવનની પંક્તિમાં મૂકી દેવું. પછી તમે નાસ્તો કરીને ઊભા થયા, આજ શું હતું નાસ્તામાં? ઉપમા હતી? ઢોકળા હતા? શું હતું આજ? ખબર નથી. કારણ કે મન ગેરહાજર હતું. તો મન અસંગમાં છે, તો એ મનમાં પાછળથી સ્મરણ ઝબકી શકતું નથી.
હવે ત્રીજી સજ્જતા. બે તો મળી ગઈ તમને કે બાકી છે? મળી ગઈ? પ્રવચન એ તો શક્તિપાત છે, શબ્દ શક્તિપાત. તમે એને ઝીલો, એટલે મળી જ જાય. ત્રીજી સજ્જતા: “निराकारम्।” વિકલ્પો મનમાં આવે, એના આકારો મનમાં રચાય છે. એટલે સવિકલ્પ મન એ સાકાર મન. અને નિર્વિકલ્પ મન એ નિરાકાર મન. તમારું મન નિર્વિચાર જોઈએ. કારણ વિચારો માટે જે રો-મટિરિયલ (raw material) હતું, એ ઓછું થયું. સંગ ગયો, સ્મરણ ગયું, વિકલ્પો માટેનું રો-મટિરિયલ ખતમ થયું. વિકલ્પો સામાન્ય માણસને સતત ચાલે છે. ઘસઘસાટ ઊંઘતો ન હોય ત્યારે વિકલ્પો સતત ચાલતા હોય છે. ઘણી વાર હું પૂછું કે તમારા વિકલ્પો ૯૯% નકામા કે ૧૦૦% નકામા? ૧૦૦% નકામા. અને એ વિકલ્પો તમારો કેટલો સમય ખાઈ જાય? તમારી કેટલી એનર્જી (energy), આત્મશક્તિ ખાઈ જાય છે?
સવાસો ગાથાના સ્તવનમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આત્માનુભૂતિના સાધન તરીકે નિર્વિકલ્પ દશાને મૂકી છે. સવાસો ગાથાનું સ્તવન ગુજરાતીમાં આવેલી સશક્ત સાધના કૃતિ છે. ત્યાં નિશ્ચય દયાની વાત કરી: “એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે”. કેટલી નમ્રતા છે. ‘હું કહું છું’ એમ નહીં, સુગુરુ તેહને ભાખે, સદ્ગુરુ જે છે એ કહી રહ્યા છે. અને હું તો સદ્ગુરુના શબ્દોને ખાલી કોટ (quote) કરું છું.
તો સદ્ગુરુએ શું કહ્યું? સદ્ગુરુએ કહ્યું કે એકત્વાનુભૂતિ, આત્માનુભૂતિ એ નિશ્ચય અહિંસા છે. વ્યવહાર અહિંસા તમારા ખ્યાલમાં છે. આપણે ઇર્યાપૂર્વક ચાલીએ. કોઈ પણ પ્રાણીની વિરાધના ન થાય એ રીતે ચાલીએ. આ વ્યવહાર અહિંસા છે. નિશ્ચય અહિંસા શું છે? નિશ્ચય હિંસા શું? “आतमगुण हिंसन्ति हिंसा।” તમે રાગમાં ગયા, વીતરાગતા નામનો તમારો ગુણ, એને તમે ખંડિત કર્યો. તમે હિંસક બન્યા. આત્માના કોઈ પણ ગુણની તમે અવગણના કરી, તમે હિંસક બન્યા. અને એની સામે તમે સ્વરૂપ દશામાં ગયા, સ્વરૂપ દશાની અનુભૂતિ કરી અથવા આત્મગુણોની અનુભૂતિ કરી, તો એ નિશ્ચય અહિંસા.
કેવી મજા આવે! ભગવાનના મુખને તો તમે જોયું છે. પણ સદ્ગુરુઓના મુખને પણ તમે જોયું છે. સદ્ગુરુના ચહેરા પર જે આનંદ છે, એ આનંદ આત્માનુભૂતિનો છે. જ્યાં સુધી પરની અનુભૂતિ છે, ત્યાં સુધી પીડા જ પીડા છે. અને જ્યાં સ્વની અનુભૂતિ ચાલુ થઈ, આનંદ જ આનંદ. આપણને બધા પૂછે ને સાધુ-ભગવંતોને, સાધ્વીજી ભગવતીઓને કે, “શાતામા છો ને?” ત્યારે આપણે શું કહીએ? દેવ-ગુરુ પસાય છે. મતલબ એ થયો કે પ્રભુ અને સદ્ગુરુએ એવું તત્ત્વજ્ઞાન મને આપ્યું છે, અને એમની કૃપા દ્વારા એ તત્ત્વની અનુભૂતિ એવી રીતે થઈ છે કે આત્માનુભૂતિને કારણે હું સતત આનંદમાં છું. ચાર ડિગ્રી તાવમાં શરીર શેકાય, પણ હું મજામાં છું. કારણ કે આ પરની અનુભૂતિ હવે મારી પાસે ન હોય. મારી પાસે મારી પોતાની અનુભૂતિ છે.
કેન્સર થયું તોય શું? શરીરને કેન્સર થઈ જાય. આપણને તો જલસો જ હોય. અમે સુરતમાં હતા, અને જીતેન્દ્રસૂરિ મહારાજ સાહેબ પણ સુરતમાં હતા. સાહેબ હોસ્પિટલ ક્યારેય જાય નહીં. ડોક્ટરને ક્યારેય બોલાવે નહીં. તાવ આવે તો ઉપવાસ કરી લે. “लङ्घनं परमौषधम्।” એમાં સાહેબને વધુ પડતો તાવ આવ્યો. તાવ લાંબો સમય ચાલુ રહ્યો. સાહેબને કોઈ ઈચ્છા નહીં, પણ શિષ્યોના આગ્રહને કારણે રિપોર્ટ્સ કરાવાયા. રિપોર્ટ્સમાં આગળ આગળ ચાલતા કેન્સરનું diagnosis થયું, અને કેન્સર પણ થર્ડ સ્ટેજનું સીધુ જ. અમે પણ સુરતમાં હતા. સમાચાર મળ્યા. તરત સાહેબને શાતા પૂછવા ગયા. આમ ધારણા એવી હોય કે થર્ડ સ્ટેજનું કેન્સર જેને થયેલું હોય, એ સૂતેલા હોય, બાટલા વગેરે ચઢતા હોય, હોસ્પિટલ ન જાય સાહેબ, તો ઉપાશ્રયમાં હોસ્પિટલ ખડી કરવામાં આવેલી હોય, એને બદલે ત્યાં ગયા તો સાહેબ આમ બેઠેલા! પાંચ-સાત શ્રાવકો સામે બેઠેલા. અમે ગયા, વંદન કર્યું, બેઠા. હસતા હતા. હસતા હસતા વાત કરતા હતા શ્રાવકો જોડે કે, “તમે કોઈની પાસેથી પૈસા લીધા હોય, એ ઉઘરાણી કરવા આવે તો પૈસા આપી દો ને તમે! ભાઈ, મારી પાસે ઉઘરાણીઓ આવ્યો છે. અશાતા વેદનીય કર્મ આવી ગયું છે. તો એને કહી દઉ, ભાઈ લઈ જા, તારે જોઈએ એ. હું તૈયાર છું.”
તો નિશ્ચય અહિંસા એટલે આત્માનો ગુણ. અને આપણી સઘળી વ્યવહાર સાધના આ નિશ્ચય સાધનાને પ્રાપ્ત કરવા માટે છે. પ્રભુએ વ્યવહાર આજ્ઞામાં પંચાચાર પાલન આપ્યું. દશવિધ ધર્મ, ક્ષમા આદિના પાલનની વાત કરી. મહાવ્રતોની વાત કરી. પણ પ્રભુએ નિશ્ચય આજ્ઞા શું આપી? તું તારા સ્વરૂપમાં સ્થિર થા. એટલે સ્વાનુભૂતિ, આત્માનુભૂતિ એ પ્રભુની નિશ્ચય આજ્ઞા.
તો આપણા જીવનનું આખું લક્ષ્ય આજ્ઞા છે. તમે શ્રાવક તરીકે છો, અમે સાધુ તરીકે છીએ, પણ આપણા બધાનું લક્ષ્ય બિંદુ એક છે. ગતિમાં જ ફરક છે. કોઈ સાયકલ લઈને જાય, કોઈ કાર લઈને જાય. અમે ઝડપથી જઈએ છીએ, તમે ધીરે ધીરે જાઓ છો. પણ લક્ષ્યમાં કોઈ ફરક નથી. લક્ષ્ય એક જ છે. આત્માનો અનુભવ કરવો છે. આ જન્મની અંદર આત્માનો અનુભવ થવો જ જોઈએ. તો જ મેં પ્રભુની આજ્ઞાનું પાલન કર્યું કહેવાય.
હવે આત્માની અનુભૂતિ કરવી છે. તો આત્માની અનુભૂતિ એ સાધ્ય, એ લક્ષ્ય. એના માટેનું સાધન શું? તો કડીના ઉત્તરાર્ધમાં લખ્યું: ‘જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે.’ આત્માનુભૂતિ કોને થાય? જે પોતાના ઉપયોગને નિર્વિકલ્પ કરી શકે, એ જ આત્માનુભૂતિને પામે. આ એક બહુ મજાની વાત છે. તમારે સૌથી પહેલા નિર્વિકલ્પ દશાનો અભ્યાસ કરવો જ છે. અને એક વાત કહું, હવે તમે એવું કહી શકતા નથી કે સાહેબ, શું કરીએ? લાચાર છીએ. ગમે એટલી કોશિશ કરીએ, વિચારો તો છીંડુ પાડીને પણ ઘૂસી જાય છે અને સતત વિચારો આવ્યા કરે છે. આવું તમે કહી શકો એમ નથી. કારણ નિર્વિકલ્પ કેમ બનવું એની માસ્ટર કીસ (master keys) તમને આપવામાં આવી છે.
આપેલી છે ને? છે યાદ? તમારે નિર્વિકલ્પ, નિર્વિચાર બનવું છે. તો એના માટે એક નાનકડી સાધના. ખાલી દસ મિનિટની સાધના. અગિયારમી મિનિટ નહીં. દસ જ મિનિટ. શાંત ચિત્તે બેસો. આંખો બંધ, શરીર ટટ્ટાર. શાંત ચિત્તે બેસો. આંખ છે ને, એ સૌથી વધુ સેન્સેટિવ (sensitive) ઇન્દ્રિય છે. બીજી ઇન્દ્રિયો પોતાના વિષયને પકડે, એના કરતાં આંખ પોતાના વિષયને બહુ જ ઝડપથી પકડે. અત્યારના મનોવૈજ્ઞાનિકો તો એવું કહે છે કે કોઈ પણ પદાર્થને આસક્તિથી, રાગથી, તમે પાંચ સેકન્ડ માટે જુઓ, તો એ પદાર્થ તમારી ચેતનામાં આવી જાય. પછી તમને થઈ જાય કે આ મારે જોઈએ છે. મોટી મોટી કંપનીઓ, એડ્સની (ads) પાછળ, જાહેરાતોની પાછળ, અબજો રૂપિયા ખર્ચે છે. એક પ્રોડક્ટ આવી નથી, આવવાની છે, એ પહેલાં જાહેર ખબરનો મારો ટીવી પર, છાપામાં, બધે જ ચાલુ થઈ જાય છે. એટલે તમારા મનની અંદર એ વસ્તુ ઘૂસી જાય છે. પછી તમે બજારમાં જાઓ તો એ જ ચીજ માંગો છો.
માખણ અલગ વસ્તુ છે. અને અમૂલ બ્રાન્ડનું નામ છે. પણ જે બ્રાન્ડનું નામ હતું, એ માખણનું વિશેષણ બની ગયું: અમૂલ આપો. ટૂથપેસ્ટ જોઈએ છે, તો કોલગેટ વાળાએ એવો જાહેર ખબરનો મારો ચલાવ્યો કે તમે ત્યાં દુકાને જવાના તો કોલગેટની ટૂથપેસ્ટ આપો એ તમારા મોઢામાંથી નીકળશે. જાહેરાત વાળાઓને ખ્યાલ છે કે તમારા મનને કેમ કબજે કરવું. તમારા મનમાં એ પ્રોડક્ટને ઘુસાડી દે છે. પછી બજારમાં એ પ્રોડક્ટ આવે અને તમે એ જ પ્રોડક્ટ ખરીદો. એટલે પેલાને નફો જ છે. એ તમારા કલ્યાણ માટે અબજો રૂપિયા ખર્ચતો નથી. એ પોતાના ધંધા માટે કરે છે.
તો દસ મિનિટ શાંત ચિત્તે બેસો. કોઈ વિચાર આવી જાય, તો એને જોવાનો. વિચારમાં ભળવાનું નહીં. વિચારને જોવુ એ અલગ પ્રક્રિયા છે. વિચારમાં ભળવું એ અલગ પ્રક્રિયા છે. દ્વેષનો વિચાર છે, અને દ્વેષમાં તમે ભળી ગયા, તો તમારા મનમાં દ્વેષની ધારા ઉત્પન્ન થઈ. તો વિચાર તમારી ભીતર બેસી ગયો. પણ મને દ્વેષનો વિચાર આવી રહ્યો છે, પણ મારે એમાં જવાનું નથી. એ વિચારને જોઈ લીધો. પાસ થઈ ગયો. તો તમે વિચારને જોયો. એની અસર તમારી ભીતર થતી નથી. પ્રેક્ટિકલ સાધના કરો. કે દિવસની અંદર સો વિચાર આવે છે, તો આજે નક્કી કરો કે દસ વિચાર જે છે, એની અસર મારી ભીતર થવા ન દઉં. કરી શકો? દસ વિચારની અસર મારા મનમાં થવી ન જોઈએ.
(ચિરાગભાઈ ને ઉદ્દેશીને) કોકે કહ્યું, કે ચિરાગભાઈ તમારા માટે ફલાણા ભાઈ આવું બોલતા હતા. તમે કહેશો એ બોલે તો બોલે. હું તો નિષ્ઠા થી કામ કરું છું. એવું તમે એને કહ્યું. તમને એ વ્યક્તિ ઉપર સહેજ પણ તિરસ્કાર ન થાય, તો માનવાનું કે તમે વિચારને જોયો, વિચારમાં ભળ્યા નહીં.
એક આચાર્ય ભગવંતના જીવનની એક ઘટના કહું. એમની પાસે એક મુનિરાજ આલોચના લેવા માટે આવ્યા. આલોચના માં એમણે લખ્યું કે એક મહાત્મા આપના માટે બહુ ખરાબ બોલતા હતા. એ મેં સાંભળ્યું, મને એનું પ્રાયશ્ચિત આપો. દસ મિનિટ સુધી આપની નિંદા કરી અને એને મેં સાંભળ્યું. આચાર્ય ભગવંતે એ મુનિરાજને કહ્યું, “તે આલોચના લીધી એ બરોબર છે પણ એ મહાત્માનું નામ તે લખ્યું એ બરોબર નથી. કારણ આ ચિઠ્ઠી ક્યાંક પડી જાય, કોઈકના હાથમાં આવે, અને કોઈકને ખ્યાલ આવે કે આ મહાત્માએ આચાર્ય ભગવંતની નિંદા કરી, તો એના ઉપર એને કયો ભાવ આવે? એટલે નામ ક્યારેય લખવાનું નહીં. આલોચનાનું પ્રાયશ્ચિત આપ્યું. એ મહાત્મા ગયા, અને બે જ મિનિટમાં એ મહાત્મા આવ્યા, જેના માટે લખેલું કે આ આપની નિંદા કરતા હતા. આ બનેલી ઘટના છે અને એ વખતે એ આચાર્ય ભગવંત, એ મહાત્માને એટલા પ્રેમથી બોલાવે છે! “બેટા, કેમ છો? તારી સાધના કેમ ચાલે છે? સરસ ચાલે છે ને?” એટલા પ્રેમથી એની જોડે વાત કરે છે. ત્યારે લાગે કે પોતાની નિંદા કોઈએ કરી, આવું વાંચ્યું, પણ એની અસર ન થઈ. “કોકે કરી તો કરી તેની સાથે આપણને શું સંબંધ છે?”
હું ગુર્જીએફની વાત કરતો હોઉ છું. ગુર્જીએફ તો રશિયામાં જન્મેલા અને રશિયામાં ઉછરેલા યોગાચાર્ય. એટલે અનાર્ય દેશમાં જન્મેલા. પણ એવી એમની પાસે યોગ સાધના, જન્માંતરીય સાધનાને કારણે હતી કે એ ખરેખર ઉચકાઈ ગયા. એકવાર એક મિત્રે ગુર્જીએફને કહ્યું કે મિસ્ટર વાય (Mr. Y) તમારી નિંદા કરતો હતો. ત્યારે ગુર્જીએફ કહ્યું: “મિસ્ટર વાય કરતા હશે, પણ કેવી કરતા હશે, મને ખબર નથી. પણ તમારે મારી ટીકા, મારી નિંદા, લિજ્જતથી સાંભળવી હોય, તો મિસ્ટર એક્ષ (Mr. X) પાસે જાઓ. મજા આવી જશે.” ગુર્જીએફ કહે કે મારો અનુભવ છે. “એકવાર હું કોફી હાઉસમાં અંધારામાં બેઠેલો, ચિંતન કરતો હતો. ત્યાં મિસ્ટર એક્ષ અને એમના મિત્રો આવ્યા. એ લાઈટમાં બહાર બેઠેલા. હું અંધારામાં હતો. એમની નજર મારા ઉપર પડી નહીં. અને પછી મિસ્ટર એક્ષે એક કલાક સુધી જે મારી ઝાડી છે, મારી ટીકા કરી છે, ખુશ થઈ ગયો હું! મારી તબિયત ખુશ ગઈ. વાહ! શું અભિવ્યક્તિ છે! આવું થાય? કેમ ન થાય?” ગુર્જીએફ તો એમ કહે, “મારી ટીકા કરતો હતો, છતાં મને કઈ અસર ન થઈ. તમને તો એનાથી વિશેષ તત્વજ્ઞાન મળ્યું છે. તમે તો કહી શકો કે આ શરીરની, આ નામની કોઈ ટીકા કરતું હતું, મારે એની જોડે ક્યાં સંબંધ? હું તો આનંદઘન આત્મા છું. હું ક્યાં શરીર છું? તમે શરીર છો?”
તો કડી બહુ મજાની આવી : “એકતા જ્ઞાન નિશ્ચય દયા, સુગુરુ તેહને ભાખે”
નિશ્ચય અહિંસા એટલે આત્માનુભૂતિ, સ્વાનુભૂતિ. એના માટે શું કરવાનું? તો એની સાધના ઉત્તરાર્ધમાં આપે છે: ‘જેહ અવિકલ્પ ઉપયોગમાં, નિજ પ્રાણને રાખે’. હવે વિકલ્પો જે છે ને, એ થાય છે કેમ? વર્તમાન યોગમાં તમે રહો, શુદ્ધ વર્તમાન ક્ષણમાં તમે રહો તો વિચાર આવવાના નથી. યા તો ભૂતકાળના વિચાર હોય યા તો ભવિષ્યના વિચારો હોય. એટલે ચોથી સજ્જતા આપી: “निराश्रयम्।” મન આશ્રય વગરનું. મનને આશ્રય બે છે: ભૂતકાળ અને ભવિષ્ય. તમે વર્તમાનમાં રહો, એટલે મન નિરાશ્રય બને. મનના બે આશ્રયો ઝૂંટવાઈ ગયા. તમે શું વિચારો? ‘આવું થયું, આમ થયું તો.’ અથવા ‘આમ થશે, આમ થશે.’ પણ અત્યારની જે એક ક્ષણ છે, એક સેકન્ડ, એમાં વિચાર આવે? અત્યારે તમે છો, તમે બેઠા છો. અત્યારની ક્ષણ માટે કયો વિચાર આવે? વિચાર યા તો ભૂતકાળના સંબંધે આવે યા તો ભવિષ્યના સંબંધે આવે.
એક તીર્થસ્થળ હતું, હિન્દુ તીર્થધામ. લોકો લગભગ પગપાળા એ તીર્થની યાત્રા કરતા. છેલ્લો દિવસ આવે યાત્રાનો, એની પહેલાના દિવસે એક મંદિર આવતું નદીના કાંઠે. ત્યાં રહેવાની અને જમવાની સગવડ હતી. નદીને પાર કરી બીજી બાજુ જાઓ, એટલે તીર્થધામ આવી જાય. નદી ઉપર પુલ નહોતો. નદીને ઉતરીને જવાની હતી. એક સાંજે દસ-બાર યાત્રિકો એ મંદિરે આવ્યા. નદીને જોઈ, બહુ મોટો પટ નદીનો. પાણી પણ હતું. તો પુજારીને પૂછ્યું કે કેટલું પાણી હોય છે? કાલે સવારે અમારે નદીમાં ઉતરવાનું છે. પુજારી કહે, “કોઈ ચિંતા નહીં કરો. ઢીંચણ જેટલું જ પાણી હોય છે. વધારે પાણી હોતું નથી.” ચોમાસામાં જ ઉપરવાસમાં વરસાદ ગયો હોય તો પાણી વધે. શિયાળા-ઉનાળામાં તો આટલું જ પાણી હોય.
પણ એક યાત્રી એવો હતો, જેને વિચાર કરવાની બહુ ટેવ હતી. તમે એને વિચારક કહો, કેમ? આજે છે ને પ્રેરણાત્મક પુસ્તકો, motivational books ખૂબ લખાય છે, પણ એ મોટિવેશન જે છે ને, એ બધું ચિંતનમાં પૂરું થાય છે. સારું ચિંતન કરો. આપણી સાધના ચિંતન પછી શરૂ થાય. વિચારને તમે મૂકો, પછી સાધના શરૂ થાય. વિચાર છે ત્યાં સુધી તમે વર્તુળમાં જ રહો. તમને વિચાર કયા આવાના? કયા તો પેલો સારો છે કયા તો પેલો ખરાબ. સારો શેના માટે તમને સારો કહે છે માટે. ખરાબ કેમ તમને ખરાબ કહે છે માટે. તમારી ફૂટપત્તિ આ છે. કારણકે આખી દુનિયાનો કેન્દ્રબિંદુ તમે છો. જે તમને સારા કહે બધા સારા અને તમને ખરાબ કહે એ બધા ખરાબ.
તો પેલાને વિચાર બહુ આવતો. એ કહે, “તમે છેલ્લી વાર ક્યારે ઉતરેલા નદી? અને નદી ઉતરેલા ત્યારે તમને શું અનુભવ થયો? વચ્ચે તો પાણી વધારે નહીં હોય ને? પેલો કહે, “યાર, ના હોય, હું તમને કહું છું, ઢીંચણ જેટલું જ પાણી છે વધારે પાણી છે જ નહીં”. તોય પેલો પૂછે, “તમે હમણાં બે-ત્રણ દિવસમાં નદી ઉતર્યા?” એટલે પેલા પુજારીએ બહુ સરસ જવાબ આપ્યો. એણે કહ્યું કે, “હું નદી ઉતરતા પહેલાં નદીને ઉતરતો નથી. અને તમે બધા? નદીને ઉતરો કે ન ઉતરો, પહેલાં તો નદીને ઉતરી જ જાઓ મનથી. કેવી હશે? શું હશે? કેવું હશે? કેવું નહીં હોય.” તો પૂજારી કહે છે, “નદી ઉતરતા પહેલાં હું ક્યારેય નદીને ઉતરતો નથી.
તો નિરાશ્રયમ્ મન. ભૂતકાળ અને ભવિષ્યકાળ, એ બે આશ્રય છે મનના. પેલો આશ્રયને ફગાવી, વર્તમાનકાળમાં રહો. વર્તમાન એ ક્ષણ. એને આનંદથી ભરી દો. સાધનાથી ભરી દો. વિચાર કયાથી?
અને છેલ્લી શરત મૂકી:
“पुण्य-पाप-विनिर्मुक्तम्।”
પાપ એ પણ આશ્રવ છે. પુણ્ય એ પણ આશ્રવ છે. બેઉ આશ્રવ છે. પુણ્ય પણ ઉપાદેયની કોટીમાં નથી. શરૂઆતમાં ઉપાદેય બને એટલા માટે કે પુણ્યના કારણે સારા કુળમાં જન્મ મળે, પ્રભુનું શાસન વગેરે મળે, એટલા માટે. બાકી પુણ્ય જે છે, એને સોનાની બેડી કહેવાય છે. પાપ લોખંડની બેડી છે. પુણ્ય સોનાની બેડી છે, પણ બેડી જ છે. સાંકળ જ છે. એ તમને બાંધી રાખે છે. સામાયિક શુદ્ધની ક્રિયા છે. પુણ્ય ક્યારે બંધાય ખબર છે? અહોભાવની ધારામાં. તમે કોઈને દાન આપો છો, સારા વિચારો કરો છો, એ વખતે પુણ્ય બંધાય. સામાયિકની ક્રિયા સંવરની ક્રિયા છે કે જ્યાં એક પણ કર્મનું આગમન નથી. આશ્રવ એટલે કર્મનું આવવું અને સંવર એટલે રોકાવું. તો પુણ્ય કર્મ કે પાપ કર્મ, એકે નો આશ્રવ સામાયિકમાં નથી. કારણ કે સામાયિક શુદ્ધની ક્રિયા છે. શુભમાં પુણ્યનો બંધ થાય છે. શુદ્ધમાં બંધ નહીં થાય. શુદ્ધમાં બંધ અટકશે, નિર્જરા થશે, અને સત્તામાં પડેલું કર્મ પણ ક્ષીણ થશે. એટલે સામાયિક આશ્રવની ક્રિયા નથી, સંવરની ક્રિયા છે, નિર્જરાની ક્રિયા છે. એટલે નથી પુણ્ય કર્મનો બંધ, નથી પાપ કર્મનો બંધ. એટલે મનની અંદર પુણ્ય અને પાપ, આ બંનેની રહિતતા સર્જાય છે. આ પાંચમી સજ્જતા છે. આવું મન એ સામાયિક છે.
તો જે રીતે આપણે સામાયિકની ઊંડી વાતો કરી બે દિવસમાં, એ જ રીતે આવતી કાલથી નવપદના એક-એક પદની ઊંડી વ્યાખ્યા કરવાની છે. ઉપાધ્યાય યશોવિજયજીની પૂજા, પદ્મવિજય મહારાજની પૂજા, સિરીસિરીવાલ કહા, શ્રીપાળ રાસ, આ બધાની અંદર એક-એક પદ માટે જે ચિંતન મૂકેલું છે, એને અનુભૂતિના સ્તર પર કેમ લઈ જવું, એની વાતો આવતી કાલથી શરૂ થશે. એક-એક પદના ઊંડાણમાં જઈશું. શ્રીપાળ રાસમાં મહોપાધ્યાયજીએ એક બહુ અદભુત વાત કરી. તેમણે નવે પદોને ધ્યાનના સ્તર પર ખોલ્યા. આ એક બહુ જ મોટી વસ્તુ છે. નવપદનું ચિંતન નહીં, એક-એક પદનું ધ્યાન. અરિહંત પદ ધ્યાતો થતો, સૂણતો થતો નહીં. તમે શું કરો વ્યાખ્યાનમાં સાંભળી લો, પૂરું. અરિહંત પદ સુણતો થતો નહીં, ચિંતવતો થતો નહીં, પણ અરિહંત પદ ધ્યાતો થતો. અરિહંત પદનું ધ્યાન.
તો આવતી કાલે આપણે અરિહંત પદનું ધ્યાન કરાવશું.. એવી રીતે ધ્યાન થાય કે મારો અને તમારો આત્મા એ વખતે અરિહંત રૂપે જન્મે. “ભેદ છેદ કરી આત્મા, અરિહંત રૂપે જાય” આપણે ભવી હોઈએ તો સિદ્ધ બનવાના એ નક્કી છે. પણ અરિહંત બનશું એ નક્કી નથી. એ તો તીર્થંકર નામકર્મ આપણે ઉપાર્જિત કરીએ તો થાય. નહીં તો સીધા મોક્ષમાં પણ જતા રહીએ, અરિહંત બન્યા વગર. પણ આવતી કાલે તો આપણે બધા અરિહંત બની જવાના. અરિહંત પદનું ધ્યાન એ રીતે કરીશું કે આપણો આત્મા અરિહંત બને. અને પછી એ પ્રક્રિયા ગમી જાય, તો દિવસમાં એના પછી વારંવાર એને તમે રિપીટ (repeat) કર્યા કરો. એ જ રીતે સિદ્ધનું ધ્યાન, આચાર્યનું ધ્યાન, ઉપાધ્યાયનું ધ્યાન, બધા જ પદનું ધ્યાન કરવાનું છે. આવતી કાલથી આપણે એ રીતે ધ્યાનની ધારામાં, અનુભૂતિની ધારામાં જઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *