અરિહંત પદ
અરિહંત પદ ધ્યાતો થકો. અત્યાર સુધી અરિહંત પદ પર શ્રવણ, વાંચન, ચિંતન કર્યું છે. આજે અરિહંત પદનું ધ્યાન, અરિહંત પદની અનુભૂતિ. ધ્યાનની એ તાકાત છે કે તમને ધ્યેયની અનુભૂતિમાં મૂકે. ધ્યેય સ્વરૂપે પરમાત્મા અને ધ્યાન કરનાર – ધ્યાતા – આપણે છીએ. આપણે આપણી ચેતનાને ધ્યેયમાં પહોંચાડી શકીએ એના માટે ધ્યાન છે.
શબ્દો અને વિચારો એ પૌદ્ગલિક ઘટના છે. પરમાત્મા જ્યોતિર્મય ઘટના છે. એટલે શબ્દો કે વિચારો દ્વારા પરમ ચેતના સાથે આપણી એકાકારતા ન થાય. આત્માનો પોતાનો જે ધર્મ, પોતાનો જે સ્વભાવ, પોતાના જે ગુણો, એની અનુભૂતિ એ જ અપૌદ્ગલિક – જ્યોતિર્મય – ઘટના છે.
તમે પ્રભુના દર્શન કરો અને પ્રભુની આંખોમાં રહેલ પ્રેમને, સમભાવને જોઈને તમારી ભીતર પણ સકળ જીવરાશિ પ્રત્યે પ્રેમ ઊભરાય; બધા પ્રત્યે સમભાવ ઊભરાય. તો તમારી ભીતર સમભાવનું એક ઝરણું ચાલુ થયું. અને એ ઝરણું પ્રભુના પ્રેમના, સમભાવના દરિયાને મળે, એટલે? ભેદ-છેદ કરી આત્મા અરિહંત રૂપે થાય.
શાશ્વતી ઓળીનો આજે પહેલો દિવસ. આજે અરિહંત પદનું ધ્યાન, અનુભૂતિ. અત્યાર સુધી અરિહંત પદ પર શ્રવણ કર્યું છે, વાંચન પણ કર્યું છે, ચિંતન પણ કર્યું છે. આજે અરિહંત પદનું ધ્યાન, અરિહંત પદની અનુભૂતિ.
શ્રીપાળ રાસમાં મહામહોપાધ્યાય યશોવિજય મહારાજાએ કહ્યું:
” અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણહ પજ્જાય રે
ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે.”
ધ્યાનની એ તાકાત છે કે તમને ધ્યેયની અનુભૂતિમાં મૂકે. ધ્યેય પરમાત્મા છે, ધ્યાન કરનાર આપણે છીએ. આપણે આપણી ચેતનાને ધ્યેયમાં ઓગાળી શકીએ એના માટે ધ્યાન છે.
પરમ તારક શીતલનાથ પ્રભુના સ્તવનમાં મહોપાધ્યાયજીએ અનુભૂતિની એક માસ્ટર કી (master key) આપણને આપી છે. એમને પ્રશ્ન કરવામાં આવ્યો કે પ્રભુની ચેતના સાથે મારી ચેતનાને મારે એકાકાર કરવી છે, તો એના માટે મારે શું કરવું જોઈએ? બોલો, અત્યારે આ વિચાર છે ને? પ્રભુની પાસે ગયા, પણ પ્રભુની ચેતના પ્રભુમાં હતી, આપણી ચેતના આપણામાં હતી. હવે આપણી ચેતના પ્રભુની ચેતના સાથે એકાકાર થઈ જાય એવું કરવું છે? તૈયાર?
તો શીતલનાથ પ્રભુના સ્તવનમાં માસ્ટર કી આપી:
“જ્યોત સું જ્યોત મિલત જબ ધ્યાવત, હોવત નહીં તબ ન્યારા.”
પરમાત્મા કેવા છે? જ્યોતિર્મય. નવ તત્ત્વનો સંક્ષેપ બે તત્ત્વમાં થાય: જડ અને ચેતન. જડ જે છે, એની પાસે કોઈ પ્રકાશ નથી. ચેતના જે છે, એ પ્રકાશમય સંઘટના છે, જ્યોતિર્મય સંઘટના છે.
તો હવે વાત એ થઈ કે પ્રભુ જ્યોતિર્મય છે. આપણે એ પ્રભુની ચેતના સાથે આપણી ચેતનાને એકાકાર કરવી છે, તો આપણે આપણી ચેતનાને પણ જ્યોતિર્મય બનાવવી પડે. શબ્દો પૌદ્ગલિક, જડ એટલે જ્યોતિર્મય નહીં, બરોબર? વિચાર પૌદ્ગલિક, જડ અને એટલે જ્યોતિર્મય નહીં. તો શબ્દ દ્વારા કે વિચાર દ્વારા પરમ ચેતના સાથે આપણી ચેતનાનું જોડાણ ન થાય. અત્યાર સુધી ઈચ્છા એક જ કરી કે મારી ચેતના પરમ ચેતનામાં ડૂબી જાય. આખું જ આપણું લક્ષ્ય આ છે કે મારી ચેતનાને મારે પરમ ચેતનાની અંદર ડૂબાડી દેવી છે. અને પરમ ચેતનામાં આપણી ચેતના ડૂબી જાય, એટલે આપણું અવતાર-કૃત્ય પૂરું થાય.
તો હવે વાત એ થઈ કે શબ્દ જ્યોતિર્મય નથી, વિચાર જ્યોતિર્મય નથી, અને એથી એના દ્વારા પરમ ચેતના સાથે આપણી એકાકારતા ન થાય. તો જ્યોતિર્મય શું છે? આત્માનો પોતાનો જે ધર્મ, આત્માનો પોતાનો જે સ્વભાવ, આત્માના પોતાના જે ગુણો, એ અનુભૂતિ છે, અને એ અનુભૂતિ એ જ્યોતિર્મય ઘટના છે. એટલે શું કરવું પડે? એકદમ સરળતાથી સમજો કે પ્રભુ સમભાવનો સમંદર છે.
બોલો, દરિયામાં કે નદીમાં એક પથ્થર નાખો તો શું થાય? પથ્થર એમને એમ પડ્યો રહે. અને દરિયાની અંદર નદી જાય તો શું થાય? નદીનું પાણી દરિયાના પાણી સાથે એકાકાર થઈ જાય. પથ્થર પાણીમાં એકાકાર ન થાય, પાણી પાણીમાં એકાકાર થઈ જાય. તો શબ્દ એ પથ્થર, વિચાર એ પથ્થર. અને એથી તમે ગમે એટલો વિચાર કરો, પરમ ચેતનાનો એ પથ્થર છે, જડ છે, અજ્યોતિર્મય છે. એનાથી પરમ ચેતના જોડે તમારું અનુસંધાન ન થાય.
પ્રભુની પાસે સમભાવની અનુભૂતિ છે. કેવો સમભાવ પ્રભુની પાસે આવે? કાનમાં ખીલા ઠોકવા આવે અને એ ખીલા ઠોકનાર ઉપર પ્રભુને પ્રેમ છે. એના પ્રત્યે પ્રભુનો સમભાવ છે. કાનમાં ખીલા ઠોકવા આવનાર વ્યક્તિ પ્રત્યે પ્રભુને એટલો તો પ્રેમ ઊભરાય છે કે આ વ્યક્તિ અત્યારે ખરાબ વિચાર કરી અને શું દુર્ગતિમાં જશે? મારો મિત્ર, મારો ઉપકારી, મારા કર્મને ખેરવનારો, એ શું દુર્ગતિમાં જશે? કાનમાં ખીલા ઠોકનાર ઉપર આપણા ભગવાનને આ પ્રેમ આવે. આપણે કહી શકીએ કે પ્રભુ, એટલો બધો પ્રેમ મારી પાસે નથી. પણ કોઈ તમાચો ઠોકી દે તો પ્રેમ વરસાવું.
એક પાદરી ચાલતા હતા અને એક જણાએ એમના જમણા ગાલ પર જોરથી ચમચમતી ઠોકી. હવે ઈશુએ કહેલું છે કે તારા એક ગાલ ઉપર કોઈ થપ્પડ ઠોકે તો બીજો ગાલ તું ધરજે. હવે બાઈબલ ઉપર દર રવિવારે પાદરી પ્રવચન આપતા હોય, તો આજે ના કેમ પાડી શકે? એણે એક ગાલ ઉપર પહેલા એ ઠોકી ચમચમતી, તો બીજો ગાલ ધરવો જ પડે. પહેલા એ બીજા ગાલ ઉપર ઠોકી અને પછી પાદરીએ કોટ ઉતારી નાખ્યો. “હવે આવી જા! બાઈબલમાં એટલું જ લખ્યું છે કે તારા એક ગાલ ઉપર કોઈ તમાચો ઠોકે તો બીજો ગાલ ધરવાનો. પણ બીજા ગાલ પર તમાચો ઠોકે પછી શું કરવાનું? એ બાઈબલમાં લખ્યું નથી, એટલે હવે આવી જા!”
તો એની પાસે, પાદરી પાસે, સમભાવનો અનુભવ નથી, એ લકીરનો ફકીર થઈ ગયો. તો આપણા પ્રભુ પાસે સમભાવની અનુભૂતિ છે. રોજ પાર્શ્વનાથ દાદાના દર્શન કરો. ઉપર જાઓ એટલે ગોડી પાર્શ્વનાથ, નીચે ભોયરામાં જાઓ એટલે ચિંતામણી પાર્શ્વનાથ. શું બોલો?
“કમઠે ધરણેન્દ્રે ચ, સ્વોચિતં કર્મ કુર્વતિ; પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિઃ…”
ધરણેન્દ્રે પ્રભુની ભક્તિ કરી, કમઠે પ્રભુના પરમ પાવન દેહ પર ઉપસર્ગોની ઝડી વરસાવી. પ્રભુ સમચિત્ત છે. ધરણેન્દ્ર ઉપર રાગ નથી કે કમઠ ઉપર દ્વેષ નથી. કેમ? કારણ શું? કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યએ એક બહુ મજાનું કારણ ત્યાં આપ્યું છે: “સ્વોચિતં કર્મ કુર્વતિ।”
પ્રભુ સાધના કાળમાં છે, કેવળી નથી બન્યા. છદ્મસ્થ અવસ્થામાં છે, અને એથી વિચાર કરે છે કે બંને પોતપોતાને ઉચિત કામ કરે છે, એમાં મારે કોઈ અભિપ્રાય આપવાની જરૂર નથી. ધરણેન્દ્ર ભક્ત છે, તો ભક્તિ કરે. કમઠની પાસે અજ્ઞાન છે, તો અજ્ઞાનને કારણે એ આવી પ્રવૃત્તિ કરે, તો એમાં મારે વિચાર કરવાનો ક્યાં રહ્યો? બંને પોતપોતાની ભૂમિકાને અનુરૂપ કાર્યો કરે છે. આ પ્રભુનો સમભાવનો દ્રષ્ટિકોણ.
હવે આપણે શું કરવાનું છે? સમભાવનું ચિંતન નહીં. ‘કરેમિ ભંતે’ ઉચ્ચર્યું… સામાયિકમાં. એટલે શું કરવાનું? સમભાવ વિશે વિચાર કરવાનો? સમભાવ કેવો હોય એના ઉપર વિચાર કરવાનો? કે સમભાવનો અનુભવ કરવાનો? જમવાનો વિચાર તો ગમે ત્યારે કરી શકાય. ભાણા ઉપર બેસવું હોય એટલે જમવાનું કરવાનું. એમ સમભાવનો વિચાર તો ગમે ત્યારે કરી શકાય. પણ ‘કરેમિ ભંતે’ ઉચ્ચર્યા પછી સમભાવની અનુભૂતિ.
અને આપણને તો કેવો ધર્મ છે? ૨૪ કલાક સમભાવની અનુભૂતિ તમને ગુસ્સો એ સેકન્ડ માટેનો હોય. આવી જ ન શકે. તમે રાગની ધારામાં જઈ ન શકો. તમે અહંકારની ધારામાં જઈ ન શકો. એક્ચ્યુઅલી (Actually) આ ‘કરેમિ ભંતે’ સદ્ગુરુ દ્વારા જે મળે છે, એ શબ્દ-શક્તિપાત છે. અને એ શક્તિપાત જો ઝીલાઈ ગયો, તો તમે રાગ-દ્વેષમાં ન જાવ એમ નહીં, જઈ શકો જ નહીં. તમારી તાકાત છે જવાની. એક સુરક્ષા-ચક્ર મળ્યું છે, તમે એની બહાર જઈ શકતા નથી.
હું તો પ્રભુની પાસે જ્યારે જાઉં છું, આંખો ભીની હોય છે કે પ્રભુ, તે આટલું બધું મને આપ્યું? એવું સુરક્ષા-ચક્ર તે મને આપ્યું છે કે એક સેકન્ડ માટે હું વિભાવમાં ન જઈ શકું. શું પ્રભુનો આ પ્રેમ! આ જ પરમ પ્રેમ. અનંત જન્મોથી સતત રાગ અને દ્વેષમાં અને અહંકારમાં વહેતા એવા આપણે, પ્રભુનું રક્ષાચક્ર મળ્યા પછી એક સેકન્ડ માટે વિભાવમાં ન જઈ શકીએ. અને તમે વિભાવમાં જો જાઓ છો, તો માનવું પડે કે શક્તિપાતને તમે ઝીલ્યો નથી. શક્તિપાત થયો જ છે. ચતુર્મુખ પરમાત્મા બિરાજમાન હતા, અને સદ્ગુરુએ પ્રભુના સાનિધ્યમાં તમને ‘કરેમિ ભંતે’ ઉચ્ચરાવ્યું, યાવજ્જીવન માટે… જિંદગીના અંતિમ છેડા સુધી એક ક્ષણ માટે, એક સેકન્ડ માટે તમે વિભાવમાં ન જઈ શકો.
આટલી જ વાત આજે ગળે ઉતરે તો આજનું પ્રવચન સાંભળેલું 100% સફળ. સદ્ગુરુએ આવો શક્તિપાત તમારા પર કર્યો છે. તમે લોકો સામાયિક લો ત્યારે, અને આપણે બધાએ દીક્ષા લીધી ત્યારે, સદગુરુનો આ શક્તિપાત થયો છે. એક ક્ષણ, એક સેકન્ડ વિભાવમાં ન જવું. અને ન જ જવાય. રાગ કોની જોડે થાય? શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ હોય કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્યક્તિ હોય, એના પ્રત્યે રાગ થાય. પ્રભુથી વધુ શ્રેષ્ઠ કોણ છે? રૂપની દુનિયામાં અને અરૂપની દુનિયામાં. બેવ દુનિયામાં પ્રભુ સર્વશ્રેષ્ઠ છે. રૂપની દુનિયામાં કેવી સર્વશ્રેષ્ઠતા?
“કોટિ દેવ મિલ કર ન કર સકે, એક અંગુષ્ઠ રૂપ પ્રતિછંદ; ઐસો અદભુત રૂપ તેરો.”
કરોડો દેવો ભેગા થાય અને પોતાના રૂપનો જથ્થો એકઠો કરે, તો પણ પ્રભુના ચરણના અંગૂઠા જેટલું રૂપ એ થતું નથી. રૂપની દુનિયામાં સર્વશ્રેષ્ઠ પ્રભુ. અરૂપની દુનિયામાં, ગુણોની દુનિયામાં સર્વશ્રેષ્ઠ પ્રભુ.
તો રાગ થાય તો ક્યાં થાય? સર્વશ્રેષ્ઠ વ્યક્તિ જોડે જ થાય. પ્રભુ જોડે જ થાય. અને ગુસ્સો કોના ઉપર હોય? જેની ઉપર રાગ હોય તેની ઉપર.
એક છોકરો હોય, પાંચ વર્ષનો. એના મિત્રનો birthday હતો, રિસેપ્શન (reception) હતું. રિસેપ્શનમાં એ ગયો. પહેલી વાર એ રિસેપ્શનમાં ગયો. એને ખ્યાલ નહીં કે બધા બાળકો નવા કપડા પહેરીને આવશે. એ તો સાદા કપડા પહેરીને ગયો. ત્યાં ગયો બાળક, જમવાનું મળી ગયું. બધાએ એની મશ્કરી કરી. પણ એ બાળકને ત્યાં ગુસ્સો નથી આવતો. એ ઘરે આવી માની પાસે ઝઘડશે: “તને ખબર નહોતી કે મારે રિસેપ્શનમાં જવાનું હતું, તો મને કેમ નવા કપડા ન પહેરાવ્યા?”
તમે ઝઘડો તો કોની જોડે કરો? ચિંતામણી દાદાને કહ્યું કોઈવાર? ઝઘડો કર્યો? કે, “તે મને વ્યવહારથી જૈન અને શ્રાવક બનાવ્યો. વ્યવહારથી મને શ્રાવક બનાવ્યો, તો એ શ્રાવકપણામાં જે ગુણો મારી પાસે જોઈએ, એનો તને ખ્યાલ નથી? તો ગુણો કેમ નહીં આપ્યા?” લડો ભગવાન જોડે. અને અમારી જોડે લડો કે, “આટલા બધાને દીક્ષા આપી તો અમને કેમ નહીં?” તો રાગ પ્રભુ સાથે, ઝઘડો પણ પ્રભુ સાથે, અને અહંકાર પ્રભુ મળ્યા એનો.
એક મજાની સ્તવના છે. પ્રભુની સાથે ભક્ત ઝઘડે છે:
“તારે રાજ નથી કોઈ એકે, ચૌદ રાજ છે મારે.”
ભગવાન, તું તો સિદ્ધશિલા ઉપર જઈને બેસી ગયો. એકેય રાજલોકમાં તારે ફરવાનું નથી. હું ચૌદ રાજલોકમાં ફરું છું.
પછી કહે છે: “તું નિર્ગુણ, હું તો ગુણધારી.”
ઘણા લોકો સમજે નહીં, ‘ભગવાનને નિર્ગુણ કહેવાય?’ એટલે બદલી નાખે: ‘હું નિર્ગુણ, તું તો ગુણધારી.’ પણ હકીકતમાં શું છે? ‘તું નિર્ગુણ, હું તો ગુણધારી.’ રજોગુણ, તમોગુણ, અને સત્ત્વગુણ, એકેય ગુણ તારી પાસે નથી. રાગ તારી પાસે નથી, દ્વેષ નથી. સારું કામ કર્યું, તેનો અહંકાર તારી પાસે નથી. તો તું નિર્ગુણ છે, હું ગુણધારી.
પછી કહે છે, “ઠીક છે, આ તો બધી વસ્તુ બરોબર છે. પણ એક વસ્તુ એવી છે કે એમાં તો હું તારા કરતાં સુપિરિયર (superior) છું છું ને છું.” પ્રભુને કહે છે: “હું તારા કરતાં સુપિરિયર.” કઈ રીતે? “તુજ સરીખો મારે મહારાજા.” “મારા માથા ઉપર તું છે. તારા માથા ઉપર કોણ?” પણ આ અહંકાર હતો કે હું તને પામ્યો, તું મારા માથે છે. અને એટલે જ આનંદઘનજી ભગવંતે કહ્યું: “પિંડ ધણી માથે કિયો, કુળ ગંજે નર ખેદ.” આવા ભગવાન જેવા મારી માથે હોય, પછી ડરવાનું ક્યાં? પછી હારવાનું ક્યાં? તો રાગ પ્રભુ સાથે, ઝઘડો પ્રભુ સાથે, અને અહંકાર પ્રભુ મળ્યા એનો, બરોબર?
આ દુનિયામાં રાગ-દ્વેષની તમારે જરૂર નથી. દેવચંદ્રજી મહારાજ સાહેબ પાસે એક ભાઈ આવ્યા. કે “સાહેબ, તમે તો વીતરાગતાની વાત. અમને કઈ પલ્લે ના પડે. તમે વીતદ્વેષતાની વાત કરો છો. અમે ઝઘડાના માણસ છીએ. અમને શાંતિ-વાંતિની વાત પલ્લે ના પડે. તમે એકદમ નિરહંકાર દશાની વાત કરો છો. અમે તો અહંકારના પૂતળા છીએ. અમને એના વિના મજા ના આવે.” ત્યારે એમણે આ વાત કહી કે, “ચલ, રાગ કરવો છે? પ્રભુ જોડે કર. ઝઘડો કરવો છે? પ્રભુ જોડે કર. અહંકાર કરવો છે? પ્રભુ મળ્યા એનો કર.”
આપણી વાત એ હતી કે
“સ્વોચિતં કર્મ કુર્વતિ।”
પ્રભુને ધરણેન્દ્ર ઉપર રાગ નથી કે કમઠ ઉપર દ્વેષ નથી. કેમ? ‘સ્વોચિતં કર્મ કુર્વતિ.’ પોતપોતાની ભૂમિકાને અનુરૂપ કાર્યો એ કરી રહ્યા છે. તો મારે ક્યાં વિચાર કરવાનો? આવો સમભાવનો સમુદ્ર પ્રભુ છે.
એ સમુદ્રની અંદર એક ઝરણું પડે તો શું થાય? ઝરણાનું પાણી દરિયા રૂપે થઈ જાય. ઝરણું અને દરિયો એક થઈ જાય. ઝરણું પડ્યું અંદર દરિયામાં, પછી કોઈ કહે કે પેલા ઝરણાના પાણીને બહાર લાવો. ભાઈ, બહાર આવે ક્યાંથી? તો દરિયા જોડે એકાકાર થઈ ગયું. એવી રીતે સમભાવની અનુભૂતિ આપણી પાસે આવે, તો આપણી અનુભૂતિ ભલે ઝરણા જેવી છે, પ્રભુની અનુભૂતિ સમભાવની, સમુદ્ર જેવી છે. સમુદ્રમાં ઝરણું પડ્યું, એકાકાર થઈ ગયું. અને આપણી ચેતનાને પ્રભુની ચેતના સાથે એકાકાર કરવી એ અરિહંત પદની અનુભૂતિ.
અને એટલે કહ્યું:
“અરિહંત પદ ધ્યાતો થકો, દવ્વહ ગુણહ પજ્જાય રે”
તમે એ અનુભૂતિ દ્રવ્યરૂપે પણ કરી શકો, ગુણરૂપે પણ કરી શકો, પર્યાયરૂપે પણ કરી શકો. કોઈ પણ રીતે કરો. દ્રવ્યરૂપે કરો એટલે તીર્થંકર પ્રભુનો આત્મા અને મારો આત્મા એક સમાન જ છે. પ્રભુને ક્યારેય કહ્યું કે, “પ્રભુ, તારો નિર્મળ આત્મા અને સત્તા રૂપે મારો નિર્મળ આત્મા એક સરખા જ છે. ફરક ક્યાં છે? કે તે કર્મોને ખતમ કરી નાખ્યા. મારા અસ્તિત્વ ઉપર કર્મોના વાદળો ફેલાઈ ગયા છે. એ વાદળો નીકળી જાય, એટલે તું અને હું એક સમાન જ છીએ.” એટલે સત્તા રૂપે આપણે અત્યારે પણ નિર્મળ જ છીએ.
અને એક વાત તમને કહું, વચ્ચે. આપણી પૂરી સાધના જે છે, એનું લક્ષ્ય શું છે અત્યારનું? લક્ષ્ય એક જ છે: જાતને નિર્મળ બનાવવી. સામાયિક કરો, સમભાવ મળે, રાગ-દ્વેષ-અહંકાર શિથિલ બને, તમે નિર્મળ બનો. પ્રતિક્રમણ કર્યું, પાપો પ્રત્યે તિરસ્કાર થયો, પાપો ઓછા થયા, તમે નિર્મળ બન્યા. વીતરાગ પ્રભુની પૂજા કરી, વીતરાગતા તમને ગમી, રાગ ઓછો થયો, તમે નિર્મળ બન્યા. આપણી સાધના પદ્ધતિની એટલી શ્રેષ્ઠતા છે કે એને શબ્દોમાં વર્ણવી ન શકાય. પણ સાધક તરીકે આપણે સફળ ગયા છીએ કે નહીં? સાધના પદ્ધતિ શ્રેષ્ઠ, પણ સાધક તરીકે આપણે સફળ કે નિષ્ફળ?
એક માણસ હોય, શ્વાસ ચડે છે ચાલતા. દસ ડગલા ચાલે છે અને અશક્તિ અનુભવાય છે. ડોક્ટર પાસે ગયો. ડોક્ટરે કહ્યું, “આ પચાસ ટેબ્લેટ (tablet) છે. તમે લેજો. રોજ એની ત્રણ લેવાની. અને પચાસ ટેબ્લેટ લેશો, એટલે અશક્તિ મટી જશે. શ્વાસ નહીં ચડે.” તમે ટેબ્લેટ ગણવાની શરૂ કરો. દસ, પંદર, વીસ, પચીસ. કોઈ ફરક પડતો નથી. એ જ દસ ડગલા ચાલો અને અશક્તિ. બે ડગલા ચાલો અને શ્વાસ ચડવા માંડે. તમને વિચાર આવે ને કે ડોક્ટરે કહેલું કે તમે પચાસ ટેબ્લેટ ગળશો અને દર્દમુક્ત થશો. પચીસ તો ગળાઈ ગઈ. સહેજ પણ ફરક તો પડ્યો નહીં. ત્રીસ, પાંત્રીસ, ચાળીસ… અને ફરક ન પડતો હોય. તો કરો શું બોલો? ડોક્ટર પાસે જાઓ?
રોજના બે સામાયિક કરો, સમભાવ મળ્યો નહીં. ગુસ્સો એવો ને એવો છે. સદ્ગુરુ પાસે જવાનું, “સાહેબ, આ દવા લીધી, આ દર્દ કેમ મટ્યું નહીં?” સામાયિક રોજ એક કરતા હો, તમને ગુસ્સો આવે? શ્રાવિકા પરીક્ષા કરે. દાળમાં મીઠું નાખે જ નહીં. આજે તો વિચાર આવે, આમેય આજ તો શાશ્વતી ઓળીનો પહેલો દિવસ છે. બધા આયંબિલ કરતા હતા, અને રાજસ્થાનમાં છે ને, આયંબિલ શાળામાં બળવણ મળે જ નહીં? ક્યારેક બળવણ જોઈતું હોય, દાંત સાફ કરવા માટે. તો રાજસ્થાનની આયંબિલ શાળામાં બળવણ હોય જ નહીં. આપણને નવાઈ લાગે. એ લોકોને હાથે નવાઈ લાગી કે આયંબિલ મીઠું ખવાય કઈ? નમક અને આયંબિલમાં? આયંબિલમાં નમક હોય જ નહીં! અને તમારી દાળમાં મીઠું ન હોય, તો ટેસ્ટથી ખાઈ જાવ ને? કે પછી ગુસ્સામાં બોલો કે શું બનાવ્યું છે?
સાધક તરીકે તમે સફળ ક્યારે? કે તમારી સાધના જેમ જેમ આગળ વધતી જાય, તેમ તેમ એ સાધના દ્વારા તમને રિઝલ્ટ શું મળ્યું એ તમે જોઈ શકો. અહીંથી કોંડવા સાત કિલોમીટર થાય. કોઈ માણસ આડા રસ્તે ચડી જાય. દસ કિલોમીટર ચાલે ને કોંડવા આવે જ નહીં. વિચારમાં તો પડે ને કે, “સારું, સાત કિલોમીટર આવનારુ ગામ, દસ કિલોમીટર ચાલીને કેમ ન આવ્યું?” તમે બધા વિચારમાં પડો ને? સો સામાયિક થયા વર્ષમાં? બસો સામાયિક થયા. અને ગુસ્સો ઓછો થતો જ નથી. અમારી પાસે આવ્યા ક્યારેય આંખમાં આંસુ સાથે: કે “ગુરુદેવ, વર્ષમાં બસો સામાયિક થયા. અને ગુસ્સો ઓછો નથી થતો.” પ્રભુએ આપેલી સાધના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. પણ હું ક્યાં ચૂકું છું? Where is my fault? પૂછવા આવ્યા? કોઈ પણ દર્દી માત્ર ટેબ્લેટ ગળીને પૂછે. “સો ટેબ્લેટ ગળી.” તમે એમ કીધું, “સો પ્રતિક્રમણ.” પ્રતિક્રમણ સો કર્યા. પણ બધા પાપસ્થાનકમાંથી કેટલા પાપસ્થાનક ઉપર તિરસ્કાર થયો? બોલો શું? “સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતા પ્રત્યે અનુમોદ્યું હોય, એનું મિચ્છામિ દુક્કડમ્.”
એ અઢાર પાપસ્થાનકમાં પર-પરિવાદ આવે. પર-પરિવાદ એટલે બીજાની નિંદા. એ નિંદા તમને ખટકી ખરી? કરો છો કે નથી કરતા? એ બાજુમાં રાખીએ. નિંદા ખટકી ખરી? કોઈ વ્યક્તિ કોઈની નિંદા કરતું હોય, તમે કહી દો: “પ્લીઝ, હું નિંદા નહીં સાંભળી શકું. હું નિંદા કરી પણ નહીં શકું. હું નિંદા સાંભળી પણ નહીં શકું.” આજે આપણે છે ને, આટલો નાનકડો નિયમ લઈએ: કોઈની નિંદા ક્યારેય પણ કરવી નહીં. અને કોઈની નિંદા ક્યારેય સાંભળવી નહીં.
શ્રીપાળ રાસની એક ઘટના છે. લગ્ન પછીની સવારે મયણાસુંદરી શ્રીપાળ જોડે દેરાસરે જાય છે. અને એ વખતે અનાડી લોકો કહે છે: “જોયું આ ધર્મનું ઢેબરું જાય? ધર્મ, ધર્મ, ધર્મ કરતું રહ્યું. એના બાપે એને કોઢિયો વળગાડ્યો. પેલી એની બહેન, એણે કીધું, બાપુજી, તમે કહો એ બધું થાય. એને કેવો સરસ, રૂપાળો વર મળ્યો, આ ધર્મનું ઢેબરું…” મયણાસુંદરી દેરાસરે ગયા. પ્રભુની ભક્તિ કરી. ગુરુદેવ પાસે ગયા. અને ગુરુદેવને વંદન કર્યું. અને મયણાસુંદરી રડી પડી. મયણાસુંદરીએ ગુરુદેવને કહ્યું કે, “ગુરુદેવ, મને કોઈ ખરાબ કહે તો મને વાંધો નહીં. મયણા આવી, વાંધો નહીં. સાંભળી લઉ. પ્રેમથી સાંભળી લઉ. પણ મારા નિમિત્તે, પ્રભુના શાસન પર, પ્રભુના ધર્મ પર કોઈ આંગળી ચીંધે, તો મારાથી સહન નથી થતું.” રાસના શબ્દો છે: “પણ જિનશાસન હીલના, સાલે લોક બહુચ્છ.”
“અજ્ઞાની લોકો મારા નિમિત્તે પ્રભુના શાસનની નિંદા કરે છે, આશાતના કરે છે, એ મારાથી સહન નથી થતું.” આ ભાવ તમારી પાસે છે? કોઈ જિનશાસનની નિંદા કરે, તમે કહી દો: “નહીં, નહીં, પ્લીઝ. મારા કાન આ સાંભળવા માટે નથી. મારા પ્રભુની, મારા ગુરુની, મારા ધર્મની, કોઈની પણ નિંદા હું સહન નહીં કરી શકું.”
પ્રતિક્રમણ કર્યું. અઢાર પાપસ્થાનક તમે કર્યા હોય, બીજા પાસે કરાવડાવ્યા હોય, કે કોઈ પાપસ્થાનક કરતું હોય, એને સારું માનેલ હોય, એનું મિચ્છામિ દુક્કડમ્ માંગવુ. એનો મતલબ એ થયો કે તમે નિંદા કરો નહીં. તમે નિંદા કરાવો નહીં. કોઈ નિંદા કોઈની કરતું હોય, એને તમે સારું માનો નહીં. તો પ્રતિક્રમણ કરેલું સાર્થક ક્યારે? આવું કંઈક મળે તો. સામાયિક કરેલી સફળ ક્યારે? જ્યારે સમભાવ આત્માને સ્પર્શી જાય ત્યારે.
તો આજની આપણી વાત અરિહંત પ્રભુના અનુભવની હતી. અરિહંત તત્ત્વનું માત્ર શ્રવણ નહીં, માત્ર ચિંતન નહીં, અનુભૂતિ. અનુભૂતિનો માર્ગ મેં બતાવ્યો. અહીંથી ઉઠીને પ્રભુ પાસે તમે જાઓ. અને પ્રભુની આંખોમાં રહેલ પ્રેમને, સમભાવને તમે જુઓ. તમારી ભીતર સકળ જીવરાશિ પ્રત્યે પ્રેમ ઉભરાય. બધા પ્રત્યે સમભાવ ઉભરાય. તો શું થયું? તમારી ભીતર એક ઝરણું ચાલુ થયું. અને એ ઝરણું પ્રભુના પ્રેમના, સમભાવના દરિયાને મળે, એટલે શું થયું? અરિહંત તત્ત્વની અનુભૂતિ તમને થઈ.
એટલે ઉપાધ્યાયજી ભગવંતે કહ્યું:
દવ્વહ ગુણહ પજ્જાય રે,
ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે “
દ્રવ્ય એટલે આત્મસ્વરૂપ. ગુણ એટલે વીતરાગ દશા, સમભાવ. આ બધા ગુણ. અને પર્યાય એટલે શુદ્ધ પર્યાય. કે જેની અંદર દ્રવ્ય અને ગુણ, એ બેવ શુદ્ધ રીતે રહેલા છે. એવી સ્થિતિ, એનું નામ પર્યાય. તો એ પર્યાય પણ શુદ્ધ. તો યા તો આત્મદ્રવ્ય શુદ્ધ છે, અથવા ગુણ શુદ્ધ છે, અથવા એ વખતનો આપણો પર્યાય શુદ્ધ છે. તો આપણે અરિહંત પ્રભુ સાથે મિલન કરી શકીએ. અરિહંતની ચેતના સાથે આપણી ચેતનાનું મિલન થઈ શકે. આજે અરિહંત પદની અનુભૂતિ કરી, જીવનને સફળ કરો.
