Shree Navpad Vachna || 19-10-2026 || Pune Chaturmas

13 Views
26 Min Read

*તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે*

સિદ્ધ ભગવંતો _રૂપાતીત_ છે. અરૂપી છે. શરીરને રૂપ છે, આત્માને રૂપ નથી; આત્મા અરૂપી છે. સિદ્ધ ભગવંતોને શરીર નથી, શબ્દો નથી, વિચાર પણ નથી. મન, વચન અને કાયાના એક પણ યોગો નથી. ત્યાં માત્ર ઉપયોગ છે; પોતાના સ્વભાવમાં રહેવાનું થયા કરે છે.

_કેવલ દંસણ નાણી રે_. આનો અર્થ એવો નથી કે સિદ્ધો આખી દુનિયાને જાણે છે. જેમ જેમ તમે ધ્યાનમાં જાઓ અને સ્વનો આનંદ અનુભવો, પર છૂટતું જ જાય છે. અને સિદ્ધ ભગવંતોનું તો સંપૂર્ણ પર છૂટી ગયેલું હોય છે એટલે તેઓ દુનિયાને જાણતા નથી, એમના જ્ઞાનમાં દુનિયાનું પ્રતિબિંબ માત્ર પડે છે; એમનો ઉપયોગ તો સંપૂર્ણપણે પોતાની ભીતર જ છે.

અરૂપી એવા સિદ્ધોનું ધ્યાન, એમની અનુભૂતિ કેવી રીતે કરવી? જે કંઇ પણ રૂપી છે, તે હું નહીં. આ શરીર પણ હું નહીં; કોઈ પણ બીજા શરીરો હોય, તે પણ હું નહીં. માત્ર અરૂપી એવું આત્મતત્ત્વ જે છે, તે જ હું છું. અને હું અનંત ગુણમય છું. હું મારા સ્વરૂપમાં સ્થિર થયેલો છું. આવી રીતે તમે અનુભૂતિમાં જાઓ, તો એ ક્ષણોમાં તમે પોતે ગુણોની ખાણ એવા સિદ્ધ ભગવંત બની જાવ છો.


મહામહોપાધ્યાય યશોવિજય મહારાજાયે લખ્યું, સિદ્ધ ભગવંતો સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈને અનંત આનંદમાં વિહરી રહ્યા છે. ધ્યાન દશાની અંદર એ આનંદની આંશિક અનુભૂતિ આપણે મેળવી શકીએ છીએ. યોગશાસ્ત્રના ૧૨મા પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પોતાની સાધનાની અનુભૂતિની વાતો કરી. ૧૨મો પ્રકાશ શરૂ કરતાં એમણે કહ્યું કે અત્યાર સુધી મેં જે કહ્યું, એ ગુરુ પરંપરાથી મને જે મળેલું, એ મેં કહ્યું હતું. પણ હવે જે કહું છું એ મારી અનુભૂતિમાંથી બહાર આવેલું છે.
અને એમાં એમણે એક શ્લોકમાં કહ્યું:
“मोक्षोsस्तु यदि वा मा वा”
મોક્ષ હમણાં મને મળો કે થોડાક જન્મો પછી મળો, પણ અત્યારે હું મોક્ષમાં રહેલ સિદ્ધ ભગવંતો જેવા સુખને અનુભવી રહ્યો છું.
કલિકાલ સર્વજ્ઞશ્રી પોતાની અનુભૂતિને શબ્દોમાં મૂકે છે કે અત્યારે મારી પાસે જે આનંદ છે, એ સિદ્ધ ભગવંતો કરતાં ઓછો નથી. તો એ આનંદ ધ્યાન દશામાં મળશે. ધ્યાનનો સીધો અર્થ છે: અનુભૂતિ. ચાને વિશે પ્રવચન સાંભળો, ચાનો વિચાર કરો અને ચા પીઓ, ફરક પડે? તો સિદ્ધ ભગવંતો વિશે સાંભળ્યું, સિદ્ધ ભગવંતોનો આનંદ કેવો હોય એનો વિચાર કર્યો, પણ આજે ઓળી હોવા છતાં, આયંબિલ હોવા છતાં, ચા પીવી છે, ધ્યાનની ચા!
એક સાધક ગુરુ પાસે ગયો ધ્યાન શીખી શકાય એના માટે. ગુરુ પાસે તમે કેમ જાવ? માત્ર શબ્દો લેવા જવું એ તો એક ભ્રમણા છે. શબ્દો તો તમને પુસ્તકમાંથી પણ મળી જાય. હવે તો રેકોર્ડેડ પ્રવચનો (recorded pravachans) તમારી પાસે આવે છે. શબ્દો માટે ગુરુના સાનિધ્યમાં જવાની જરૂર નથી. ગુરુના સાનિધ્યમાં એટલા માટે જઈએ કે સદ્ગુરુની ઉર્જામાં બેસીએ અને સદ્ગુરુની અનુભૂતિ એ આપણી અનુભૂતિ બની જાય.
તો સાધક ગુરુ પાસે ગયો અને ગુરુને કહ્યું કે મને સાધનાની અનુભૂતિ આપ આપો. હવે યાદ રહ્યું ને? શબ્દો લેવા નહીં આવવાનું, વિચારો લેવા નહીં આવવાનું. અહિયાં આવવાનું માત્ર અનુભૂતિ લેવા. સદ્ગુરુ પાસે જે અનુભૂતિ છે, એ અનુભૂતિ તમારી અનુભૂતિ બની જાય. અમારી પાસે જે આનંદ છે એ આનંદ તમને મળે. પરમાત્માનો પરમ પ્રેમ મેં જે અનુભવ્યો છે એ તમને અનુભવવામાં આવે.
તો સાધકે કહ્યું કે “ગુરુદેવ, મને અનુભૂતિ આપો.” ગુરુ તૈયાર હતા, પણ સાધક ખરેખર તૈયાર ન હતો. કારણ, એક જે તીવ્ર ઝંખના જોઈએ, એવી તીવ્ર ઝંખના ન હતી. ઠીક છે, ગુરુ પાસે ગયા તો જરા વાત કરી લઈએ, ગુરુ પણ ઈમ્પ્રેસ (impress) થઈ જાય કે ના, શિષ્ય તો મજાનો છે. આ ઝેન આશ્રમની (Zen ashram) વાત છે. ઝેન આશ્રમ તિબેટમાં, જાપાનમાં હોય. અને તિબેટમાં તો ઠંડી બહુ જ હોય, એટલે આશ્રમોમાં ચાની કીટલી ઉકળતી જ હોય.
તો ગુરુએ કહ્યું કે, “તું સાધક તો પછી, મહેમાન તો પહેલો છે. તને ચા આપું પહેલાં.” ગુરુએ પોતે કપ-રકાબી એની સામે મૂક્યાં. ગુરુએ કીટલી હાથમાં લીધી. ‘અરે, ગુરુ પોતે ચા સર્વ કરે છે!’ કપ ભરાઈ ગયો. ચા રેડવાનું ચાલુ. રકાબીમાં ચા જાય. રકાબી ભરાઈ ગઈ અને ચા નાખવાનું ચાલુ. જાજમ પર ચા ઢોળાય. પેલો કે, “સર, સર, સર! જાજમ પર ચા ઢોળાય છે.” ગુરુ હસ્યા. ગુરુએ કહ્યું: “તને કઈ ખબર પડી? કપ અને રકાબી ભરાઈ જાય અને ચા નાખીએ તો ક્યાં જાય? જાજમ ઉપર જાય, નકામી જાય. એમ તારું હૃદય નકામી વાતોથી ભરાયેલું છે. હું અનુભૂતિની વાત નાખીશ તો જશે ક્યાં? પહેલાં ખાલી થઈને આવ.” આજ તો ખાલી થઈને આવ્યા છો ને?
તો શ્રીપાળ રાસમાં મહોપાધ્યાયજીએ સિદ્ધ ભગવંતોના સુખની અનુભૂતિ કેમ થાય એની પ્રક્રિયા બતાવી, અને એ પણ સંસ્કૃત ભાષામાં નહીં, પ્રાકૃત ભાષામાં નહીં, શુદ્ધ ગુજરાતીમાં! એક જ કડી છે:
“રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે;
તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધ ગુણ ખાણી રે.”
સિદ્ધ ભગવંતો કેવા છે? કડીના પહેલા ચરણમાં કહ્યું: “રૂપાતીત સ્વભાવ જે” અરૂપી છે. શરીરને રૂપ છે, આત્માને રૂપ નથી. આત્મા અરૂપી છે. તો સિદ્ધ ભગવંતો સિદ્ધશિલા પર બિરાજમાન છે, ત્યાં શરીર નથી, શબ્દો નથી, વિચાર પણ નથી. મન, વચન અને કાયાના એક પણ યોગો ત્યાં નથી. યોગ અને ઉપયોગ બે શબ્દો છે. યોગ એ આપણું સ્વરૂપ નથી. ઉપયોગ, આપણા સ્વભાવમાં આપણે રહેવું એ આપણો ધર્મ છે. ઉપયોગ એ ધર્મ છે, યોગ એ સ્વભાવ નથી. તો પહેલા ચરણમાં લખે છે: “રૂપાતીત સ્વભાવ જે.”
બીજા ચરણમાં લખે છે: “કેવલ દંસણ નાણી રે”
કેવળજ્ઞાન અને કેવળદર્શનથી પ્રભુ યુક્ત છે. એક બહુ મજાની વાત કેવળજ્ઞાનના સંદર્ભમાં કહું. આપણે એવું માનીએ છીએ કે કેવળજ્ઞાની બધું જાણે છે. હકીકત એ નથી. કેવળજ્ઞાનીના જ્ઞાનમાં દુનિયા પ્રતિબિંબિત થયા કરે છે. સીસીટીવી (CCTV) ગોઠવેલા હોય અને તમારી ઓફિસની અંદર સ્ક્રીન હોય, તો સ્ક્રીનની અંદર બધા સીસીટીવી જે છે એના દ્રશ્યો પ્રતિબિંબિત થયા કરે. તમે એને જુઓ જ એવું કઈ હોતું નથી. તો કેવળજ્ઞાની ભગવંત, એમનો ઉપયોગ સ્વમાં જ છે, દુનિયામાં નહીં, આપણામાં નહીં. દુનિયાને જાણતા નથી, જણાઈ જાય છે. એમના જ્ઞાનમાં દુનિયાનું પ્રતિબિંબ પડે છે, પણ એમનો ઉપયોગ ક્યાં છે? સ્વમાં છે. જો એમનો ઉપયોગ પરમાં જાય, તો એ વીતરાગ તરીકે ન રહી શકે, એ કેવળજ્ઞાની તરીકે ન રહી શકે. એટલે બધું જાણતા નથી, કારણ કે જાણવાનો કોઈ રસ જ નથી.
તમે પણ ધ્યાનની ધારામાં જાવ, યોગની ધારામાં જાવ, દુનિયાને જાણવાનો રસ તમને નથી હોતો. હું પેપર્સ (papers) જોઉં છું, ન્યુઝપેપર્સ (newspapers). પણ એ એટલા માટે કે હું આચાર્ય તરીકે છું અને કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે ત્યારે દુનિયાની વાતોથી સાવ બેખબર આ સાધુઓ હોય છે, આ લોકોનું કઈ જ્ઞાન હોતું નથી, આવી છાપ ન પડે માટે હું ન્યુઝપેપર વાંચું છું. મારા રસથી વાંચું છું, એવું નથી. જેમ જેમ તમે ધ્યાનમાં જાઓ અને સ્વનો આનંદ તમે અનુભવો, પર છૂટતું જ જાય છે. અને કેવળજ્ઞાની પ્રભુનું સંપૂર્ણ પર છૂટી ગયું. એટલે કેવળજ્ઞાની દુનિયાને જાણતા નથી, એમના જ્ઞાનમાં દુનિયાનું પ્રતિબિંબ પડે છે.
હવે આવા જે સિદ્ધ પરમાત્મા છે, સામાન્ય માણસો શું સમજે ખબર? ત્યાં બેઠા બેઠા ભગવાન શું કરે? આખી દુનિયાને જાણ્યા કરે. આખી દુનિયાને જાણતા નથી, એ પોતાની ભીતર છે. એ બહાર છે જ નહીં. એમનો ઉપયોગ ૧૦૦ એ ૧૦૦ ટકા અંદર. તમારો ઉપયોગ કેટલા ટકા અંદર? ૧૦૦ એ ૧૦૦ ટકા બહાર. ૧૦ ટકા અંદર? કેટલા ટકા અંદર. તમે હોશિયાર છો. “સાહેબજી ૧૦૦ ટકા અંદર હોવો જોઈએ.” “હોવો જોઈએ, એ મને કહો છો? મારે હોવો જોઈએ એમ.” “સાહેબ હોવો જોઈએ, પણ છે નહીં.” “છે નહીં, તો કેમ ચાલે?”
ત્રીજા ચરણમાં સાધના બતાવે છે:
“તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધ ગુણ ખાણી રે.”
એ જે સિદ્ધ ભગવંતો છે એનું તમે ધ્યાન કરો. એટલે કે વિચાર નહીં. ધ્યાન એટલે વિચાર નહીં, ધ્યાન એટલે અનુભવ. કારણ કે વિચાર તમારો સ્વભાવ નથી. અનુભૂતિ એ જ તમારો સ્વભાવ છે. તો અરૂપી પરમાત્મા છે, હવે એનો અનુભવ કઈ રીતે થાય? કે હું આ નથી. જે રૂપી હોય તે હું નહીં. બરાબર? જે રૂપી છે તે હું નહીં, આ પણ હું નહીં. કોઈ પણ બીજા શરીરો હોય તે પણ હું નહીં. આત્મતત્ત્વ જે છે તે જ હું છું. અને હું અનંત ગુણમય છું. હું મારા સ્વરૂપમાં સ્થિર થયેલો છું.
આવી રીતે તમે અનુભૂતિ કરો, તો એ ક્ષણોમાં તમે સિદ્ધ બની જાવ છો.
“હોય સિદ્ધ ગુણ ખાણી રે”
તમે પોતે સિદ્ધ ભગવંત બની જાવ છો. કેવા સિદ્ધ? ગુણ ખાણી, ગુણોની ખાણ, ગુણોનો સમૂહ. પદ્મવિજય મહારાજે નવપદ પૂજાની અંદર ગુણવંત કેમ બનાય એની એક બહુ મજાની સાધના આપી છે:”ગુણકામી ગુણકામી ગુણવંતા…” આ નવપદ પૂજાનું પદ છે, સિદ્ધપદની પૂજા.
ગુણકામી ગુણકામી ગુણવંતા. તમે ગુણવાન બની જાવ એના માટે શું જોઈએ? બંગલો જોઈતો હોય ને તો ખાલી બંગલાની ઈચ્છા કરો તો બંગલો ન મળે. પણ અહિયાં તો એમ કહ્યું કે ગુણકામી ગુણકામી ગુણવંતા. બીજાના ગુણને જોઈને એ ગુણને પામવાની ઈચ્છા તમે કરો એટલે ગુણવંત બની જાવ. એટલે કોઈ પણ વ્યક્તિને જુઓ, એમાં જે ગુણ છે એ ગુણને પકડી લેજો. અને એ ગુણ તમને ગમે તો એ ગુણ તમને મળી જશે. એટલે હું બે સૂત્રો આપું “ગુણો ગમ્યા તો મળ્યા, દોષો ખટક્યા તો ગયા.”
શ્રીપાળ રાસમાં એક સરસ ઘટના આવે છે કે શ્રીપાળજીની અંદર બીજાના ગુણોને જોવાની કેવી દ્રષ્ટિ હતી. કોઢના રોગથી શરીર વ્યાપ્ત હતું. મયણાસુંદરી શ્રીપાળને ગુરુદેવ પાસે લઈ જાય છે. ગુરુદેવ શાશ્વતી ઓળીની આરાધના કરવાનું સૂચન કરે છે. શ્રીપાળ આરાધના કરે અને એમનો કોઢ નિર્મૂળ થાય છે. શ્રીપાળના માતાજી વૈદ્યની શોધમાં ગયા છે કે કોઈ સારો એવો વૈદ્ય મળી જાય તો મારા દીકરાનો રોગ દૂર થાય. પણ એવો વૈદ્ય મળતો નથી. અને ત્યાં શ્રીપાળને મળવાનું થયું. શ્રીપાળની કાયા જોઈ કંચનવરણી, મા તો રાજી રેડ થઈ ગઈ. માએ શ્રીપાળને પૂછ્યું કે તારી કાયા આવી કંચનવરણી શી રીતે થઈ? તું રોગ મુક્ત શી રીતે થયો? ત્યારે શ્રીપાળ રાસની કડી આવે છે. શ્રીપાળજી કહે છે:”એ પસાય તુમ વહુ તણો” માતાજી, આ તમારી પુત્રવધૂ એવી ગુણિયલ મળી છે કે એણે મારો ગુરુદેવ સાથે ભેટો કરાવ્યો અને તમારી પુત્રવધૂના કારણે મારી કાયા નિરોગી બની.
શ્રીપાળ મયણાના ગુણને જુએ છે, પણ મયણા એ પણ ઉપકારનું પોટલું પોતાની પાસે રાખવા તૈયાર નથી. તમને કોઈ કહે ને કે “તમે મારા ઉપર ખૂબ ઉપકાર કર્યો”, તમે બહારથી તો ના ના કહો, “અરે ના ના, એમાં મેં શું કર્યું?” પણ અંદરથી તો ગુદગુદી થતી હોય. પણ આપણી સાધના પદ્ધતિ કહે છે કે કોઈ પણ વ્યક્તિ તમને થેન્ક્સ (thanks) કહે, તો એ થેન્ક્સનો ભાર તમારે નહીં રાખવાનો, આગળ મૂકી દેવાનો.
તો મયણાસુંદરીએ શું કહ્યું?”ગુરુ સમ હિતુઓ ન કોઈ” મેં તો કાંઈ નથી કર્યું, ગુરુદેવે બધું કર્યું છે. અને કોઈ પણ સદ્ગુરુને પૂછો તો સદ્ગુરુ શું કહે છે? “પ્રભુએ કર્યું, મેં કાંઈ નથી કર્યું.”
હું ઘણી વાર કહું છું, યશોવિજય જો એમ માને કે મારા હાથમાંથી વાસક્ષેપ ઝરે અને સામાનું કામ થઈ જાય, એ વખતે યશોવિજયના હાથમાંથી ખાલી ચંદનની કે બરાસની ભૂકી જરે. એમાં એનર્જી (energy) કાંઈ ન હોય. એનર્જી ક્યારે આવે? યશોવિજય ન હોય અને પ્રભુ હોય તો, યશોવિજય છે જ નહીં. યશોવિજયના હાથથી કઈ થાય જ નહીં, પ્રભુની શક્તિથી બધું થાય. આવું જ્યારે હૃદયમાં ઊગેલું હોય ત્યારે જ આ હાથથી એનર્જી ઝરે. નહિતર ખાલી બરાસની ભૂકી જાય, કાંઈ એનર્જી ન હોય.
એટલે શ્રીપાળ રાસ આપણને કહે છે કે કોઈ પણ વ્યક્તિ તમને થેન્ક્સ કહે, એ થેન્ક્સનું બર્ડન (burden), એનું પોટલું તમારી પાસે રાખવાનું નહીં, હેન્ડઓવર (handover) કર્યા કરવાનું. આગળ મોકલી દેવાનું, તમારી પાસે રાખવાનું નહીં. તો સૂત્ર આવ્યું: ગુણકામી ગુણકામી ગુણવંતા. ગુણો ખૂબ ગમે એટલે ગુણ મળે. આપણે છીએ ને, ઘણા બધા વહેમોનો શિકાર છીએ. એક વહેમ એવો હોય છે આપણને કે હું ગુણાનુરાગી છું. ઘણી વાર સાચું પણ હોય, પણ લગભગ વહેમ હોય છે, ભ્રમ હોય છે.
તમે કહો છો અમુક વ્યક્તિ બહુ સારી, આ વ્યક્તિ બહુ સારી કેમ લાગે તમને? કે તમને સારી કહે છે માટે. કે તમે બહુ સારા છો, એટલે તમને એ વ્યક્તિ સારી લાગે. એના જેવા અથવા એનાથી ચઢિયાતા ગુણો બાજુવાળામાં હશે ત્યાં તમારી નજર નહીં જાય, પણ આના ઉપર નજર જશે. તમે કહેશો, “શું વાત કરો, આ તો બહુ ગુણવાન માણસ છે!” તો તમે એમ માનો છો કે મારો ગુણાનુરાગ છે. આ ગુણાનુરાગ થયો કે વ્યક્તિ રાગ થયો? અને વ્યક્તિ રાગની પાછળ શું છે? તમારા અહંકારનો રાગ. એટલે ગુણ રાગ થયો કે અહમ રાગ થયો?
તમારો કહેવાતો દુશ્મન, હકીકતમાં દુશ્મન હોય જ નહીં શ્રાવકને. પણ ધારો કે અજ્ઞાનવશ આપણે કોઈને આપણા શત્રુ તરીકે કલ્પીએ છીએ. એનામાં પણ ગુણો છે, એ ગુણો તમને દેખાય ખરા? દેખાય? કેમ? ભિખારી હોય ને, 2000 ની નોટ ઉકરડામાં પડી હોય તો લે કે નહીં, ઉકરડામાં પડી છે. પણ 2000 ની નોટ છે. લે કે નહીં? કે પછી એમ કે ડીશમાં, બરોબર સારી ધોયેલી ડીશમાં પડેલી હોય તો જ લઉં? એની દ્રષ્ટિ ક્યાં છે? 2000 ની નોટ ઉપર. પછી ક્યાં પડી છે એ જોવાનું ન હોય. એમ તમારી નજર ગુણ ઉપર હોય, પછી ગુણ કોનામાં છે એ જોવાનું ન હોય.
ધવલશેઠમાં રહેલા ગુણોને શ્રીપાલ જોઈ શક્યા. આપણે જોઈ શકીએ? ધવેલે તો શ્રીપાળને દરિયામાં ફેંક્યા. આપણને તો આવું કઈ મળવાનું નથી. મળવાનું? હજુ કોઈ મળ્યું નથી , અને મળે એવી કોઈ સંભાવના પણ નથી. તમને મળી મળીને કોણ મળે? બહુ તો બે શબ્દો સંભળાવે. દરિયામાં ફેંકનાર શત્રુ તરીકે ન દેખાય, અને બે ગાળ આપનાર દુશ્મન તરીકે દેખાય!
અને આ બહેનો અને માતાઓ! શ્રીપાળનો રાસ સાંભળવાનો, વ્યાખ્યાનમાં શ્રીપાળ ચરિત્ર સાંભળવાનું, રાત્રે સ્તવન, સજ્ઝાય શ્રીપાળ અને મયણાના સાંભળવાના, પણ તમારું જીવન મયણા જેવું થવું જોઈએ.
એક વાત પૂછું: તમારી દીકરીનું નામ શું રાખો? મયણા રાખો? એક બેન પબ્લિક ટેલિફોન બૂથમાં ગયેલા. ગયા તો ગયા, બહાર નીકળે જ નહીં. અડધો કલાક, પોણો કલાક. બીજા બે ત્રણ જણા બહાર રાહ જોતા હતા. પોણો કલાકે બેન બહાર નીકળ્યા, ત્યારે એક પરિચિત ભાઈએ પૂછ્યું કે, “કેટલા બધા ફોન કરી નાખ્યા?” તો બેન કહે: “મારે એકેય ફોન નહોતો કરવો.” “અરે, ફોન નહોતો કરવો તો ટેલિફોન બૂથમાં તમે કેમ ગયા હતા?” “એ તો ખાલી ડિરેક્ટરી (directory) જોવા. દીકરો આવવાનો છે કે દીકરી આવવાની છે, તો નામ જોવા માટે ડિરેક્ટરી જોતી હતી કે કયું નામ પસંદ કરવું!”
તમે ટેલિફોન ડિરેક્ટરીમાંથી નામ પસંદ કરો કે આવા નામ પસંદ કરો? મયણાસુંદરી નામ રાખેલું હોય અને એ તમારી દીકરી પૂછે કે, “મમ્મી, આ મયણા કોણ હતી?” ત્યારે તમે મયણાસુંદરીની વાત કરો કે આટલી બધી પીડા એના જીવનમાં આવી, છતાં એ હસતીને હસતી રહી, એ મયણાસુંદરી. દીકરાનું નામ શું રાખો? વસ્તુપાળ, તેજપાળ? “ના ના સાહેબ, એ તો હવે ચાલે નહી” ઘણા લોકો નામ લઈને આવે જેનો કોઈ અર્થ જ ન થતો હોય. હું કહું, “પણ આનો અર્થ કંઈ થતો નથી.” “સાહેબ અર્થ થાય કે ન થાય, નવી ફેશનનું નામ છે.”
મારી ઈચ્છા એવી છે કે તમારા બધાનું હૃદય શ્રીપાળમય, મયણામય બની જાય. કોઢિયા વરને પકડીને મયણાસુંદરી લગ્નની ચોરીમાં બેઠી છે. એ વખતે શ્રીપાળજીની કાયા લોહી અને પરુથી ઉભરાઈ રહી છે. જે વ્યક્તિ સાથે એક પાંચ સેકન્ડ તમે બેસી ન શકો એવી બદબૂ એના શરીરમાંથી આવી રહી છે. એની જોડે આખી જિંદગી પસાર કરવાની છે. શું વિચાર આવે?
પણ રાસકાર લખે છે:
“મયણા મુખ નવી પાલટે રે, અંશ ન આણે ખેદ.”
મયણાના મુખની રેખા પલટાતી નથી. હૃદયમાં સહેજ પણ વિષાદ નથી. કેમ?
“જ્ઞાનીએ દીઠું હોવે, જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય એ પ્રમાણે બન્યા કરે.”
બોલો, આ વાત તમારા જીવનમાં ઉતરી જાય તો તમે કેટલા સુખી બનો!
જે વખતે જે ઘટના ખુલી, એ ઘટના અનંત કેવળજ્ઞાનીઓએ પોતાના ધ્યાનમાં જોયેલી ખરી કે નહીં? તમે એ ઘટનાને ફેસ (face) કરો, એ ઘટના જોડે લડો, એટલે શું થયું? અનંત કેવળજ્ઞાનીઓના જ્ઞાનની તમે આશાતના કરી, ન સ્વીકારીને. તમને ખ્યાલ છે કે આ ઘટના ઘટિત થતી અનંત કેવળજ્ઞાનીઓએ જોયેલી છે અને એ જ ઘટના મારા જીવનમાં અત્યારે ઘટી રહી છે. તો અનંત કેવળજ્ઞાનીઓએ પોતાના જ્ઞાનમાં જે ઘટનાને જોઈ છે, એ ઘટનાનો હું અસ્વીકાર કરું કે સ્વીકાર કરું? શું કરવું બોલો?
મયણાએ સ્વીકાર કર્યો: જ્ઞાનીએ દીઠું હોવે. જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જોયું હોય એ પ્રમાણે બન્યા કરે. તો આની સાથે મારા લગ્ન એ જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જોયેલ છે એ પ્રમાણે થઈ રહ્યું છે, તો આમાં મારે પીડા કરવાની જરૂર ક્યાં છે? આજે સાંજે ચાર વાગ્યે ધારો કે એક ઘટના તમારા જીવનમાં ઘટે છે. અત્યારે તમને ખબર નથી કે સાંજે ચાર વાગ્યે કોઈ ઘટના ઘટવાની છે. પણ અત્યારથી એવું એક પ્રિપેરેશન (preparation) મનમાં થવું જોઈએ કે ચાર વાગ્યે, ત્રણ વાગ્યે કે બે વાગે અથવા તો વ્યાખ્યાન પૂરું થયા પછી તરત કોઈ પણ ઘટના ઘટશે, એ પ્રતિકૂળ હશે ગમે તેવી, તો પણ એનો હું સ્વીકાર કરીશ.
કરી શકો? ન કરી શકો, તો પણ ઘટનામાંથી પસાર તો થવાનું જ છે. તમે ન ઈચ્છો તોય પ્રતિકૂળ ઘટના ઘટી. તમારી ઈચ્છા નહોતી તો ઘટના તો ઘટવાની જ છે ને? તો પ્રેમથી સ્વીકાર કરો, હસતા મોઢે. હસતા મોઢે એ ઘટનાનો સ્વીકાર કરશો તો કર્મ-બંધ નહીં થાય. અને એ વખતે, “મારા માટે જ આવું થાય છે, મને જ બધા આવું કહે છે, મારા માટે જ કેમ આમ થાય છે?” આવી રીતે મનની અંદર આર્તધ્યાન કર્યું, તો નવો કર્મ-બંધ તમે કરશો.
એટલે એક બહુ સૂત્ર મજાનું આપું છું કે કર્મના ઉદય વખતે બે વાત કરી શકાય છે. એક વાત તો એ જે આપણે અનંતા જન્મોમાં કરી છે: કે કર્મનો ઉદય આવ્યો, આપણે એમાં ભળ્યા. દ્વેષનો ઉદય થયો, આપણું મન દ્વેષની ધારામાં ગયું. “સાલો આવો છે ને પેલો આવો, ઢીંકણો આવો છે.” બીજી વાત એવી છે કે ઉદય આવે, એમાં તમે ભળો નહીં. ઉદયને ખાલી જોઈ લો. ઉદયમાં તમે ભળો તો નવો બંધ એ સત્તામાં જાય, ફરી ઉદયમાં આવે. ચક્ર ચાલુ ને ચાલુ  જ રહે. ઉદયની ક્ષણોમાં જોતાં આવડે, તો ચક્રને તમે થોભાવી શકો. અને સંસાર તમારો તમારે ચાલુ રાખવો એ પણ તમારા હાથમાં છે, અને સંસારને મોક્ષમાં લઈ જવો એ પણ તમારા હાથમાં છે. Now choice is yours.
તો આજની વાત આપણી અનુભૂતિની છે: “તે ધ્યાતા નિજ આત્મા, હોય સિદ્ધ ગુણ ખાણી રે.” સિદ્ધ ભગવંતોનું ધ્યાન કરીએ અને આપણે પોતે એ ક્ષણોમાં સિદ્ધ બની જઈએ. એ ક્ષણોની અંદર એવી એક ભૂમિકા હોય, તમે શરીરને પેલે પાર ગયા છો, મનને પણ પેલે પાર ગયા છો. Beyond the body, beyond the mind, beyond the words. તો હવે શરીર નથી, વિચારો નથી, શબ્દો નથી, તો પીડા ક્યાં છે?
તમે પીડા કઈ રીતે લાવો છો ખબર છે? રવિવારનો દિવસ હોય… તમે પીડા કઈ રીતે લાવો છો એ કહું, રવિવારનો દિવસ છે, સાત વાગ્યે ઉઠ્યા. “આજ તો ક્યાં ઓફિસે જવાનું છે?” સાત વાગ્યે ઉઠ્યા, દર્શન કરી આવ્યા, નવકારશીનું પચ્ચક્ખાણ આવી ગયું, બ્રશ કર્યું. ગરમાગરમ ચા અને નાસ્તો લઈ રહ્યા છો, મજા છે, આજે રવિવાર છે. અને ચા નાસ્તો કરીને પેપર હાથમાં લીધું. એમાં પહેલા જ પાના ઉપર એક સ્લિમ ટીવીની (slim TV) જાહેરાત છે. એકદમ સ્લિમ, બહુ જ પાતળું, કાગળ જેવું. તમને એ ગમી જાય, “સારું આપણે ત્યાં ડોગલા જેવું tv છે. આ જમાનામાં આવું ચાલે? કોઈ આવે તો આપણે કિંમત કરી જાય. કોઈ  સ્લિમ ટીવી હોય ને તો આપણી થોડી prestige પડે.” પણ નીચે પ્રાઈસ (price) વાંચી, સવા લાખ રૂપિયા. અને તમને લાગે આપણા બજેટની બહાર છે, હમણાં લઈ શકાય એમ નથી. ઈચ્છા થઈ ગઈ લેવાની, બજેટ છે નહીં, લઈ શકાય એમ નથી, પીડા શરૂ થઈ ગઈ.
રવિવાર હતો, આરામથી ઉઠ્યા, દર્શન કર્યા, નવકારશીનું પચ્ચક્ખાણ પાર્યુ, બ્રશ કર્યું, ચા નાસ્તો કર્યો, બધી મજા હતી. પેપર હાથમાં લીધું ત્યાં સુધી મજા હતી, તો મજા ગઈ ક્યાં? મજા કોણે લીધી? ઈચ્છાએ. ઈચ્છા ન થઈ હોત તો બીજું પાનું, ત્રીજું પાનું, ફેરવ્યા જ કરત. આ પહેલા પાને જ અટકી ગયા, પછી તો પેપર વાંચવાનો મૂડ (mood) ના રહ્યો. પેપર પટક્યું અને આમ બેસી ગયા. કોઈ આવીને પૂછે, “શું થયું?” આ પીડા આવી ક્યાંથી મારે પૂછવું છે. આ પીડાને લાવનાર બીજું કોઈ કે તમે? આ પીડાને લાવનાર કોણ? એક વસ્તુની ઈચ્છા કરો એટલે પીડા જન્મે. વસ્તુનો સંયોગ જ નહીં, વસ્તુ મેળવવાની ઈચ્છા એ પણ પીડાનો જન્મ કરાવે છે.
અને એની સામે, મયણા, ઈચ્છા વગરની છે. કોઢિયો વર એનો હાથ પકડીને બેઠી છે, છતાં ઈચ્છા નથી કે, “આવું કેમ મળ્યું મને? મારા પિતાએ આવું કેમ વળગાડ્યું મને?” આવું સહેજ પણ મનમાં નથી થતું.
એટલે “જ્ઞાનીએ દીઠું હોવે, જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય એમ બન્યા કરે.” તો મજામાં છે મયણાસુંદરી. તમારે મજામાં આવવું હોય તો શું કરવું પડે? કોઈ પણ ઘટના ઘટે, “જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં આ ઘટના જોયેલી છે, એ પ્રમાણે ઘટે છે,” તો સ્વીકારી લો. કોઈએ કંઈક કહ્યું, બે ચાર કડવા શબ્દો કીધા, જ્ઞાની ભગવંતોએ જ્ઞાનમાં જોયેલ છે, સ્વીકારી લો. પીડા થાય? તો મયણાસુંદરીનું જીવન અને એની આ નાનકડી ઘટના આપણને કહે છે કે કોઈપણ ઘટનાને આપણે જ્ઞાની ભગવંતોના જ્ઞાન પર ઢોળી દઈએ તો આપણને પીડા થાય જ નહીં.
પીડા થાય છે આપણી ઈચ્છાને કારણે, આપણા ગમા અને અણગમાને કારણે. જેમ અમારે છે ને આનંદ જ આનંદ. કેમ? કોઈ ગમો નથી, કોઈ અણગમો નથી. અહીંયા આવ્યા, અહીંયા આરામથી રહીએ. ત્યાં વિહારમાં ગયા, પતરાવાળો ઉપાશ્રય છે, ત્યાં બી આરામથી રહીએ. શિયાળામાં ખુલ્લો ઉપાશ્રય છે, તો બી આરામથી રહીએ. જે મળ્યું, જેવું મળ્યું, સરસ. ક્યાંય ફરિયાદ જ નથી.
બોલો બે શબ્દો છે આપણે: ફરિયાદ અને ફરી યાદ. તમે ફરિયાદ કરો કે પ્રભુને ફરી ફરી યાદ કરો? અમે યાદ કરીએ પ્રભુને. ફરી ફરી યાદ કરીએ. “વાહ પ્રભુ! કેવી તારી કૃપા! કેવી તારી કૃપા!” તમે પણ ફરી ફરી યાદ કરો ને ભગવાનને, કે ફરિયાદ કરો? “પ્રભુ આપી આપીને આવું આપ્યું? ક્યાંક તમને તકલીફ હોય છે” 2 BHK નો અપાર્ટમેન્ટ છે મજાનો, મજાથી રહો છો, સારો છે, નવો છે. પણ કોઈ મિત્રનો 5 BHK નો ફ્લેટ જોયો તો શું થાય? પછી શું થાય? “આપણે તો કઈ નહીં હવે 2 BHK માં પડ્યા રહ્યા છીએ, આ જોયું નહીં, 5 BHK માં રહે છે!”
સુરત અને મુંબઈના પોશ (posh) એરિયામાં ફરીએ ને, ત્યાં પેલા હોર્ડિંગ્સ (hoardings) હોય 5 BHK ના લક્ઝુરિયસ (luxurious) flat. રહેનાર બે જણા હોય, કારણ કે એટલા શ્રીમંત માણસો હોય, એમના દીકરા દેશમાં ભણે? પરદેશ જ ભણે. અને અમેરિકા ભણતા હોય પછી કહી દે પપ્પાને કે, “હવે અમેરિકા જ stable થવું છે, અમે ભારત આવતા નથી.” મુંબઈમાં એક દેરાસરની પ્રતિષ્ઠા હતી, બાજુમાં અપાર્ટમેન્ટ, એક એક ફ્લેટ સવાસો કરોડનો. પગલાં કર્યા ત્યારે ખબર પડી, રહેનાર બે જણા, અને ઘાટી અને નોકર-ચાકર અડધો ડઝન. જલસો કરે ઘાટી અને નોકર.
પેલી એક વાત આવે છે ને! શેઠ જમવા બેઠા અને એકદમ ઘીવાળી રોટલી હતી, ઘી લસલસ ભરેલું. શેઠ બગડ્યા: “મારા માટે આવી રોટલી મૂકી છે? આટલું બધું ઘી?” રસોઈયો કહે: “સાહેબ, હું ભૂલી ગયો. આ તો મારા માટેની હતી!”
મયણાસુંદરી મજામાં હતા, કેમ? સૂત્ર આટલું જ હતું:
“જ્ઞાનીએ દીઠું હોવે, જ્ઞાની ભગવંતે જ્ઞાનમાં જોયું હોય એ જ બન્યા કરે!

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *