મુનિ પદ
મનગમતા પદાર્થો કે વ્યક્તિઓના સંયોગ-વિયોગથી રતિ-અરતિ થાય. મનગમતી વ્યક્તિ કે પદાર્થોનો સંયોગ તો પુણ્યના ઉદય પ્રમાણે થાય; એમાં તમે પરતંત્ર છો. જ્યારે સ્વભાવનો આનંદ મેળવવો હોય, તો એમાં તમે સ્વતંત્ર છો. એક મુનિનો, એક સાધ્વીજીનો પરમ વૈભવ પોતાના એ શુદ્ધ સ્વરૂપની રમણતામાં મશગૂલ રહેવાનો છે.
પદાર્થો પરના કે વ્યક્તિઓ પરના Attachment કરતા પણ વધુ Attachment શરીર સાથે હોય છે કે એને તકલીફ ન પડવી જોઈએ. શરીર સાથેનો આ રાગ આપણને સ્વભાવના આનંદ તરફ જવા દેતો નથી. અને અહંકાર પણ વારંવાર પીડામાં લઈ જાય છે. મુનિ _દેહ નિર્મમ નિર્મદા_ છે માટે શુદ્ધ સ્વરૂપમાં રમણ કરી શકે છે.
ધ્યાન, કાયોત્સર્ગ વગેરે અભ્યંતર તપથી થતી અપૂર્વ કર્મ નિર્જરાના કારણે આવા મુનિઓ તેજથી દીપતા હોય છે. મુનિ _કરુણાસિંધુ_ – ભાવ-દયાના સાગર તથા _ત્રિભુવનબંધુ_ – સૌ જીવોના મિત્ર છે. બધા આત્માઓ પ્રત્યેનો મૈત્રીભાવનો આ પરિણામ તે જ સાધુપણું છે.
શાશ્વતી ઓળીની આરાધનાનો આજે પાંચમો દિવસ. આજે મુનિ પદની આરાધના. સુરતમાં એક દેરાસરમાં નવપદ પૂજા ભણાતી હતી. મારે ત્યાં જવાનું થયું. પાંચમી પૂજા પૂરી થઈ અને મને કહેવામાં આવ્યું કે કંઈક આપ બોલો. પદ્મવિજય મહારાજ સાહેબની નવપદ પૂજા હતી અને એનો પ્રારંભ ‘હવે’ શબ્દથી થાય છે:
“હવે પંચમ પદે મુનિવરા, જે નિર્મમ નિસ્સંગ,
દિન દિન કંચનની પરે, વાધે ચડતે રંગ.”
મેં કહ્યું કે પહેલો શબ્દ પૂજાનો ‘હવે’ એટલો તો મહત્ત્વપૂર્ણ છે કે બીજા શબ્દો એની સપ્લીમેન્ટરી (supplementary) થઈ. હવે! ‘હવે’ શબ્દ ક્યારે વપરાય? દુનિયા આખી રખડીને થાકેલો માણસ ઘર તરફનું પ્લેન (plane) પકડે અને ત્યારે કહે: “ચાલો, હવે ઘરે.” આશ્વાસનનો ભાવ હોય છે. ખૂબ રખડ્યા, ખૂબ ફર્યા, હવે ઘરે. તો પૂજાની અંદર ‘હવે’ શબ્દ આવે. હવે પંચમ પદે મુનિવરા… સંસારમાં ખૂબ ફર્યા, થાક્યા, કંટાળ્યા, હવે પ્રભુના માર્ગ પર.
ભારતીય પરંપરામાં ઘણા બધા ગ્રંથો ‘હવે’ શબ્દથી શરૂ થાય છે. સંસ્કૃતમાં ‘હવે’ માટે ‘અથ’ શબ્દ વપરાય છે. શંકરાચાર્યજીએ બ્રહ્મસૂત્ર રચ્યું, પહેલું જ સૂત્ર આવ્યું:
“अथातो ब्रह्म जिज्ञासा।”
જડની વાતો, પુદ્ગલની વાતો ઘણી કરી, હવે આત્માની વાતો. નારદ ઋષિ ભક્તિસૂત્રનો પ્રારંભ કરે અને પહેલું સૂત્ર આપે:
“अथातो भक्तिं व्याख्यास्यामः।”
હવે ભક્તિની વ્યાખ્યા. અભક્તિની વ્યાખ્યા, ઘણી બધી કરી થાકી ગયા, હવે ભક્તિની વ્યાખ્યા.
એ મુનિ પદના વૈભવની વાત દેવચંદ્રજી મહારાજ સાહેબે કરી છે. આપણે જેને મહોપાધ્યાય યશોવિજયજી કૃત નવપદ પૂજા માનીએ છીએ, એ યશોવિજયજી કૃત નવપદ પૂજા નથી. યશોવિજય મહારાજ સાહેબે શ્રીપાળ રાસમાં નવપદની જે વાત મૂકી એ, દેવચંદ્રજી મહારાજે નવપદની વાત ક્યાંક કહી તે, જ્ઞાનવિમલસૂરિ મહારાજે નવપદની વાત ક્યાંક કરી એ, આ ત્રણે દિગ્ગજ મહાપુરુષોને એક કુશળ સંયોજકે એક જગ્યાએ ભેગા કર્યા અને પ્રાકૃત જે ગાથાઓ છે, એમાં એ સિરી સિરીવાલ કહા ની છે આચાર્ય રત્નશેખર સૂરિએ કરેલી. એટલે ચાર દિગ્ગજ અનુભૂતિવાન મહાપુરુષોના શબ્દોની સંકલના, એને નામ આપવામાં આવ્યું યશોવિજયજી કૃત નવપદ પૂજા. તો એ પૂજાની અંદર દેવચંદ્રજી મહારાજ મુનિ પદના વૈભવની વાત કરે છે.
એ વૈભવને સાંભળીને આપણે એની અનુભૂતિ તરફ જઈશું અને શ્રાવકો અને શ્રાવિકાઓને એ વૈભવની વાત સાંભળીને એ વૈભવને પ્રાપ્ત કરવાનું મન થશે. કડીનો પ્રારંભ થાય છે શુદ્ધ ગુજરાતીમાં:
“જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા,
કાઉસગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા;
તપ તેજ દીપે કર્મ જીપે, નૈવ છીપે પરભણી,
મુનિરાજ કરુણાસિંધુ ત્રિભુવન-બંધુ પ્રણમું હિતભણી.”
હવે એક-એક કડીને આપણે જોઈએ, એક-એક પંક્તિને. “જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે” આ મુનિનો પરમ વૈભવ, એક સાધ્વીજીનો પરમ વૈભવ શુદ્ધ સ્વરૂપની રમણતામાં મશગૂલ રહેવાનો. મનગમતા પદાર્થો મળે, મનગમતી વ્યક્તિઓ મળે, અને રતિભાવ સર્જાય. અણગમતા પદાર્થો મળે, અણગમતી વ્યક્તિઓ મળે, અરતિભાવ સર્જાય. આ રતિ અને અરતિના ઝૂલે આપણે અનંતા જન્મોથી ઝૂલ્યા.
આ જન્મ શેના માટે? ભીતરના આનંદ માટે. હું વારંવાર એક વાત કહું છું: એક વાર પણ ભીતરનો આનંદ તમને સ્પર્શી ગયો, બહારની દુનિયા રતિ અને અરતિવાળી છૂટી જશે. અને એ જો નથી છૂટી, તો માનવું પડે કે ભીતરના આનંદનો સ્પર્શ થયો નથી. ભીતરનો આનંદ તમે સ્પર્શો, કોઈની જોડે વાત કરવાનું મન થાય? એકદમ પરિચિત વ્યક્તિ હોય, એકાદ મિનિટ તમારે એની સાથે વાતચીત કરવી પડે, પણ તમે સીધો હિસાબ મૂકો કે “આ એક મિનિટ મારી પરભાવમાં ગઈ, મારે તો ૨૪ કલાક સ્વભાવમાં રહેવાનું છે.” એટલે સ્વભાવનો આનંદ જેને સ્પર્શી ગયો એને એક મિનિટ પણ ખોટી રીતે વપરાય એ પાલવે નહીં. ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે’. કેવો એ આનંદ હોય!
દેવચંદ્રજી મહારાજ સાહેબ પ્રવચન આપતા હતા, એ વખતે સૌધર્મેન્દ્રે મહાવિદેહમાં સીમંધર દાદાને પૂછ્યું કે, “ભરત ક્ષેત્રમાં અત્યારે જ્ઞાની પુરુષ કોણ છે?” ત્યારે પ્રભુએ દેવચંદ્રજી મહારાજનું નામ આપ્યું. ઇન્દ્ર દેવચંદ્રજી મહારાજના દર્શન માટે આવે. સાહેબ પ્રવચન આપી રહ્યા છે. ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ કરીને સભામાં પાછળ બેસી જાય. પોતાના શ્રુતના બળથી દેવચંદ્રજી મહારાજને ખ્યાલ આવી ગયો કે ઇન્દ્ર પોતે આવ્યા છે. પણ ઇન્દ્રને પણ પ્રભાવિત કરવાની, ખુશ કરવાની કોઈ ઈચ્છા નહોતી. તમે ભીતર ડૂબી ગયા પછી બહારની દુનિયા જોડે તમારે કોઈ સંબંધ નથી. કરોડપતિ હોય તો તમારા ઘરના, અને અબજોપતિ હોય તો તમારા ઘરના.
સભામાં કેટલી સરસ વાત આપણે ત્યાં છે: મહાત્મા પહેલા બેસે, એ પછી સામાયિક લીધેલું હોય એ દેશવિરતિઓ બેસે, પછી અવિરતિઓ બેસે. તમે કરોડપતિ હોવ કે અબજોપતિ હોવ. હું તો મારી સભામાં સ્પષ્ટ કહી દઉં, “જ્યાં આવ્યા, જ્યારે આવ્યા, ત્યાં બેસી જાવ, આગળ આવવાની કોશિશ નહીં કરો.” તો દેવચંદ્રજી મહારાજ સાહેબને ખ્યાલ આવી ગયો, ઇન્દ્ર આવ્યા છે. તો ઇન્દ્રને પ્રસન્ન કરીને પોતાને શું મેળવવાનું હતું? કદાચ ઇન્દ્ર કહી દે: “હું પ્રસન્ન થયો છું, માંગો.” અરે ભાઈ, હું તને આપું કંઈક, તું મને શું આપવાનો? અમે તમને કંઈક આપી શકીએ, તમે અમને શું આપી શકો?
અમે તમને આપીએ ને? એક સરસ સવાલ પૂછું. અમને તમારા માટે જે ઠીક લાગે એ તમને આપી દઈએ, કે તમને ગમે તે અમારે તમને આપવાનું? અમને તમારા માટે ઠીક લાગે એ તમને આપી દઈએ. ગભરાતા નહીં એમ કે ‘ઓઘો’ નહીં આપીએ. ઓઘો હાથમાં રાખી લલચાવીએ ખરા, પણ આપીએ નહીં. આપતાં પહેલાં તો ઘણી શરતો અમારી હોય, અમે પરીક્ષા કરીએ અને પરીક્ષામાં તમે પાસ થાવ તો જ આ પ્રભુની પ્રસાદી મળે. તો સવાલ એ છે કે, તમને ગમે તે અમારે તમને આપવાનું કે અમને તમારા માટે ગમે એ અમે તમને આપી દઈએ?
“એમ, અમને ગમે તે આપી દઈએ.” કોરો ચેક (cheque) છે. જો ભાઈ, એમનો કોરો ચેક છે, તમારો કોરો ચેક છે? મને એમ ગમે કે તમે બધા સમર્પિત થઈ જાવ. સંપૂર્ણતયા તો તમારી સાધના આ જન્મની સફળ બની જાય, નહીંતર આ વેશ તો ઘણીવાર મળ્યો પણ આપણે આજ્ઞાને સમર્પિત ન થયા તો આ વેશ મળેલો પણ નકામો ગયો. એટલે મને એવું ગમે કે તમે બધા સંપૂર્ણતયા પ્રભુ આજ્ઞાને સમર્પિત થઈ જાવ.
તમને ગમે ને? મન ગમે એમ કે ‘આ અનુકૂળતા છે’. તમે સ્પષ્ટ કહી દો, અનુકૂળતા માટે દીક્ષા લીધી નથી, પ્રભુની આજ્ઞાને પાળવા માટે દીક્ષા લીધી છે. તમારો કોરો ચેક છે ને? ‘જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે’, ગમી જાય ને? રતિ અને અરતિમાં તમે પરતંત્ર છો. મનગમતી વ્યક્તિનો સંયોગ કે મનગમતા પદાર્થોનો સંયોગ તમારા હાથની વાત નથી. પુણ્યનો ઉદય હોય એ પ્રમાણે થાય. એ તમે એમાં પરતંત્ર છો. જ્યારે સ્વભાવનો આનંદ મેળવવો હોય, એમાં તમે સ્વતંત્ર છો.
તો ઈચ્છા થઈ જાય કે સ્વભાવનો આનંદ મેળવવો છે. પ્રભુનું દર્શન કરો અને સંતોનું દર્શન કરો. સંતોના ચહેરા ઉપર જે આનંદ હોય છે, એ આનંદ ક્યાનો હોય છે? એ કોઈ પદાર્થની પ્રાપ્તિનો નથી, એ કોઈ અનુકૂળતાની પ્રાપ્તિનો નથી, એ સ્વભાવનો આનંદ હોય છે.
તો હવે સ્વભાવનો આનંદ જોઈએ. નક્કી? તો એના માટે બે શરત આપી કે સ્વભાવનો આનંદ કોને મળે? “દેહ નિર્મમ નિર્મદા.” પહેલી વાત, શરીર પરનું પણ એટેચમેન્ટ (attachment) જેનું ખરી પડેલું હોય, બોડી એટેચમેન્ટ (body attachment) જેનું ન હોય. કારણ પદાર્થો પર એટેચમેન્ટ છે, વ્યક્તિઓ ઉપર એટેચમેન્ટ છે, પણ સૌથી વધારે એટેચમેન્ટ આની સાથે, શરીર સાથે, કે એને તકલીફ ન પડવી જોઈએ.
એટલે સૌથી વધારે એટેચમેન્ટ, રાગ શરીર સાથે છે. અને એ શરીર સાથેનો રાગ સ્વભાવના આનંદ તરફ આપણને જવા દેતો નથી. ધ્યાન કરવું છે ઊભા-ઊભા, પણ ઊભા-ઊભા કેમ રહેવાય? અરે ભાઈ, શરીરને તું અભ્યસ્ત કર. આપણા યુગમાં જ હિંમતભાઈ બેડાવાળા થયા. બેડા રાજસ્થાનનું મોટું ગામ છે. એ બેડા ગામના એ હતા, એટલે બેડાવાળા કહેવાય. બેડાની બાજુમાં દાદા પાર્શ્વનાથ તીર્થ છે. રાજસ્થાનની એક વિશેષતા કે મોટા મોટા જે ગામો હોય એનાથી બે-ત્રણ કિલોમીટર દૂર જંગલમાં એકાદ તીર્થ હોય, એટલે ગામવાળા ભક્તિ માટે ત્યાં પહોંચી જાય.
તો બેડાથી ૩ કિલોમીટર દૂર દાદા પાર્શ્વનાથ તીર્થ. હિંમતભાઈ મુંબઈ રહેતા હતા પણ બેડા ઘણીવાર જાય. એકવાર બેડા ગયેલા. સવારે પ્રભુની ભક્તિ કરી. ગુરુ મહારાજે સિદ્ધચક્ર પૂજન આપેલું એ સિદ્ધચક્ર પૂજન કર્યું. બપોરે આયંબિલ કર્યું અને ત્રણ-ચાર વાગ્યે પૂજાના કપડાં પહેરી અને દાદા પાર્શ્વનાથ તીર્થે ગયા. ત્યાં ગયા પ્રભુની પૂજા કરી, ભક્તિ કરી, કલાક બે કલાક, બહાર આવીને પાણી વાપરી લીધું અને પછી દેરાસરમાં ગયા અને ઊભા-ઊભા ધ્યાન કરવા માંડ્યા, કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા.
પુજારી બેડા ગામમાં રહેતો, આ તો જંગલમાં આવેલું તીર્થ હતું. પુજારી ગામમાં રહેતો, સાંજના આવ્યો, આરતી ઉતારી. દેરાસરમાં અંધારું હતું એટલે દેરાસર માંગલિક કરી નાખ્યું. અને હિંમતભાઈ અંદર એક થાંભલા પછવાડે એવી રીતે હતા અને અંધારું હતું, એટલે ખબર પડી નહીં. દેરાસર માંગલિક થઈ ગયું. હિંમતભાઈ અંદર આખી રાત એ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. સવારે પણ, આપણા દેરાસરો તો પાંચ-સાડા પાંચે ખુલી જાય, હવે આ તો જંગલમાં આવેલું તીર્થ પુજારી જે છે ૧૦-૧૧ વાગ્યે જાય અને પૂજા કરી અભિષેક કરી અને માંગલિક કરીને આવતો રહે.
એ ૧૦ વાગ્યે ગયો, ત્યારે હિંમતભાઈ દેરાસરની અંદર, પુજારી ચમકી ગયો: “સાહેબ અંદર હતા અને મેં દેરાસર માંગલિક કરેલું? અને હિંમતભાઈ ગામના આગેવાન, આ સાહેબ મને નોકરીમાંથી કાઢી મુકશે તો, સાહેબ મારી ભૂલ થઈ ગઈ, આપ અંદર હતા મને કઈ ખબર ન રહી.” હિંમતભાઈ કે, “તે બહુ સારું કર્યું, આખી રાત કાઉસગ્ગ ધ્યાનમાં હું રહી શક્યો!” બાર-બાર કલાક એ કાઉસગ્ગ ધ્યાનમાં રહી શકતા.
એટલે તમે પણ શરીરને જેવું હેબિચ્યુએટેડ (habituated) બનાવો, એવું શરીર હેબિચ્યુએટેડ બને છે. તમારું શરીર અને તમારું મન બેવ આજ્ઞાંકિત છે, પણ તમે આજ્ઞા આપતા નથી. તકલીફ આ છે. બોલો, તમારી પાસે છે એવું જ શરીર અમારી પાસે છે ને? અને તમારી પાસે છે એવું જ મન અમારી પાસે છે ને? એક સાધુના મનને બેન્ડવાજા વાગે ને, તો બારીએ જવાની ઈચ્છા ના થાય. ભગવાનની રથયાત્રા ખબર હોય તો દર્શન કરી લે, બાકી બીજો કોઈ વરઘોડો હોય તો એની જોડે એની કોઈ નિસ્બત ન હોય. મન તમારી પાસે એ જ છે, અમારી પાસે પણ એ જ છે. પણ અમારું મન ટ્રીટેડ (treated) છે, વેલ ટ્રીટેડ (well treated) છે. એવું અભ્યસ્ત થયેલું છે કે એનો સ્વ-માં જ રસ પડે.
તો પહેલું સૂત્ર આપ્યું: દેહ નિર્મમ. બોડી એટેચમેન્ટ ખરી પડેલો હોવો જોઈએ. અને બોડી એટેચમેન્ટ ખરી પડ્યો, તમારું પ્રતિક્રમણ સરસ થાય. એક-એક ખમાસમણ જે છે, તમે બરોબર દો. ઉપધાનમાં મારો અનુભવ છે, પગની તકલીફ વાળા ઘણા હતા. 100 ખમાસમણ બરોબર દીધા, વા ભાગી ગયો. આપણા લોકો જિમમાં (gym) જાય કસરત કરવા, અરે ભાઈ આપણી ક્રિયા બરોબર કરોને! આપણી ક્રિયા બરોબર કરશો ને, તમારે જિમમાં નહીં જવું પડે, તમારું શરીર જે છે તે વેલ ટ્રીટેડ થઈ જશે.
ઉપવાસ ન કરે, આયંબિલ ન કરે, એ હવે ડાયટિંગ (dieting) કરશે. વાત તો એની એ જ છે ને, કારણ કે શરીરને એકદમ જે છે સ્લિમ (slim) રાખવું છે, એકદમ જાડા થવું નથી, સ્લિમ પતલા રહેવું છે, તો ડાયટિંગ કરવું પડે. તો અમારે ત્યાં તપ છે જ, તપ કરનારા હોય, શરીર સ્વસ્થ રહે. સિદ્ધગિરીની 99 યાત્રા કરો, હવે યાત્રા ન કરે એ ટ્રેકિંગ (tracking) કરવા જાય. અને યાત્રા કરશો તો સાધનાની સાધના થશે અને શરીર ટ્રીટ થઈ જશે. તો આપણી પરંપરાએ આપણને બહુ જ મજાની સામગ્રી આપી છે. તો દેહ નિર્મમ.
અને પછી કહ્યું: નિર્મદા. અહંકાર શૂન્યતા. ‘અહંકાર, હું’ એ પણ સાધનામાં અવરોધ છે. ક્રિયા કરવા જઈએ, ‘હું કેવી સરસ કરું?’ સ્તવન સારું આવડતું હોય ને, કોને સંભળાવે? ભગવાનને સંભળાવે કે આજુબાજુવાળાને સંભળાવે?
એક ગામમાં હું ગયેલો વિહાર કરીને, તો ચૈત્ય પરિપાટી હતી. મને કહે, “સાહેબ પધારો.” મેં કહ્યું, “જરૂર.” ચૈત્ય પરિપાટીમાં હું ગયો. એ ગામમાં હું પહેલી જ વાર ગયેલો. ચૈત્યવંદનમાં એક ભાઈ મારી જોડે બેઠેલા. મને કહે, “સાહેબ આ બાજુવાળા ભાઈ છે ને, એમનો કંઠ બહુ સરસ છે. એટલે એ જો સ્તવનનો આદેશ માંગે ને, તો આપ એમને આપજો.” મેં કીધું, “સારું.” એ ભાઈએ આદેશ માંગ્યો, મેં એમને આદેશ આપ્યો. શું એમનો કંઠ અને ભાવવાહી કંઠે શું સરસ સ્તવન ગાયું, એક સ્તવન 15 મિનિટ સુધી આરોહ-અવરોહ સાથે લલકાર્યું.
બીજે દિવસે મારે ત્યાં રોકાવાનું હતું. હું દેરાસરે ગયો, ચૈત્યવંદન શરૂ કરું એ પહેલાં એ ભાઈ આવી ગયા હતા અને એમણે ચૈત્યવંદન શરૂ કર્યું. તો મને થયું કે પહેલાં એનું સ્તવન સાંભળી લઉં, પછી મારું ચૈત્યવંદન કરું. પણ પહેલા એ તો…”જાવંતિ ચેઇઆઇં… નમોર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વસાધુભ્ય:…” હું બરોબર આમ બેઠો હતો કે કયું સ્તવન ગાય છે? ઉવસગ્ગહરં કરી જલ્દી પતાવી દીધું.
પછી મેં પૂછ્યું, દેરાસરમાંથી બહાર નીકળ્યા પછી એ ભાઈ મળ્યા ત્યારે, મેં કહ્યું: “કેમ આજે સ્તવન નહીં ગાયું?” મને કહે: “આજે તો ક્યાં કોઈ સાંભળનાર હતું?” એટલે ‘હું પ્રભુ તારો’ એ આજુબાજુવાળાને કહેતો હતો? ‘હું પ્રભુ તારો’ પણ કહેતો હતો કોને? તો સાધના જગતમાં અહંકાર એ મોટો અવરોધ છે.
એટલે બીજું સૂત્ર આપ્યું: નિર્મદા. અહંકાર તમારો નિયંત્રણમાં આવેલો હોવો જોઈએ. આપણે ત્યાં સંઘોની અંદર ઝઘડા શેના હોય? ‘મારી વાત રહેવી જોઈએ બસ, બીજી વાત નહીં. હું કહું એ સાચું, સાચું તે મારું નહીં, મારું તે સાચું.’ આ અહંકારની ભાષા.
તો બહુ મજાની કડી થઈ: “જે રમ્યા શુદ્ધ સ્વરૂપ રમણે, દેહ નિર્મમ નિર્મદા.” હવે એવા મુનિરાજો, એવા સાધ્વીજી ભગવતીઓ શું કરે? આખો દિવસ એની વાત કરે છે: “કાઉસગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા.”
તપ જે છે એના બે પ્રકાર: બાહ્ય અને અભ્યંતર. અભ્યંતર તપમાં પણ છેલ્લે શું આવે? ધ્યાન અને કાઉસગ્ગ. સ્વાધ્યાય જે છે એ પણ સાધન છે, ધ્યાન અને કાયોત્સર્ગ એ જ સાધ્ય છે. સ્વાધ્યાય સાધન છે. સ્વાધ્યાય એટલે શું? સ્વનો અધ્યાય, સ્વનું જ્ઞાન. મારો આત્મા કેવો છે એ જાણવું એનું નામ સ્વાધ્યાય. અને પછી એ આત્માનો અનુભવ ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા કરવો એ સાધ્ય છે. માત્ર આત્માને જાણવું એ તો સાધન કોટિમાં થશે. આત્માનો અનુભવ એ જ સાધ્ય કોટિમાં છે.
તો કાઉસગ્ગ મુદ્રા. કાઉસગ્ગ મુદ્રા હોય, વચ્ચે મેં કહ્યું તું પ્રભુ મહાવીર દેવ આપણા શાસનપતિ સાડા બાર વર્ષ સુધી લગભગ કાયોત્સર્ગમાં રહ્યા છે. પ્રમાદ તો થયો જ નથી, પણ પલોઠી મારીને બેઠા પણ નથી.
“સાડા બાર વર્ષ જિન ઉત્તમ, વીરજી ભૂમિ ન ઠાયા હો.”
પલોઠી વાળીને બેઠા જ નથી.
અને એ વખતે મેં કહેલું કે પ્રભુએ સાડા બાર વર્ષ કાયોત્સર્ગ ધ્યાન કર્યું, આપણે સાડા બાર મિનિટ કાયોત્સર્ગ ધ્યાન કરીશું? ચાલુ થઈ ગયું? સાડા બાર મિનિટ, રોજ ચાલે છે ને?
પછી છે ને, શરૂઆતમાં તો ઘડિયાળ પર નજર રહેશે, પછી અંદરની ઘડિયાળ ચાલુ થશે. એક ઇનર વોચ (inner watch), અંદરની ઘડિયાળ. અંદરની શક્તિઓ ઘણી બધી છે. જેમ જેમ સાધનો વધ્યા તેમ અંદરની શક્તિઓ ઘટી. એકવાર વિહારમાં સૌરાષ્ટ્રમાં ચૂડા મારે જવાનું થયેલું. ચૂડામાં એક વૈદ્ય હતા બહુ સારા વૈદ્ય. તો મને શરદીની તકલીફ બહુ હતી. તો વિચાર્યું કે વૈદ્યને બતાવીએ. હવે આપણે વૈદ્યને ત્યાં જઈએ ત્યારે ભૂખ્યા પેટે જઈએ કે જેથી નાડી બરોબર પકડી શકે. હું ગયો વૈદ્યને ત્યાં સાત સાડા સાતે. વૈદ્ય ખુરશી પર બેઠેલા. એની બાજુમાં એક ખુરશી હતી એમાં હું બેસવા જતો હતો. મને કહે: “મહારાજ સાહેબ, તમારે આ ખુરશી ઉપર નહીં બેસવાનું. પેલી સામે ભીંત પાસે ખુરશી છે ને ત્યાં તમે બેસી જાવ.” એટલે એમનાથી 6 ફૂટ દૂર ભીંત પાસે ખુરશી હતી, ત્યાં હું બેઠો.
પછી વૈદ્યે કહ્યું કે, “હું નાડી વૈદ્ય નથી. નાડી વૈદ્ય હોય ને, તમારે અહી બેસવું પડે, તમારે તમારો હાથ જોવાનો હોય. હું નાડી વૈદ્ય નથી, હું મુખ વૈદ્ય છું. તમારો ચહેરો જોઈને તમારું દર્દ હું પારખું છું.” અને એણે મારા ચહેરા સામે જોયું.
આઠ વર્ષની વયે મને ટાઈફોઈડ (typhoid) થયેલો. એ વખતે મારી ઉંમર ૨૨ વર્ષની હશે લગભગ. મને કહે: “તમને આઠ વર્ષની ઉંમરે ટાઈફોઈડ થયેલો? એમાં તમને ગરમ દવાઓ બહુ આપેલી. એ ગરમીના કારણે તમને શરદી છે.”
હું નવાઈમાં ડૂબી ગયો કે આમને કોઈ ખબર નથી મારી હિસ્ટ્રીની (history), બાયોડેટાની (biodata), અને આઠ વર્ષની વયે મને ટાઈફોઈડ થયેલો એ એને ખબર પડી ગઈ! પછી મેં કહ્યું, “દવા?” મને કહે, “દવા કાંઈ નહીં, ગરમીને કારણે આ શરદી છે. રોજ સવાર ને સાંજ માથા ઉપર ઠંડું પાણી રેડવાનું. એ ઠંડક જ અહીંયા જશે અને તમારી શરદી મટી જશે.” આ એક કળા હતી.
આજે તો ડોક્ટરો નાડી વૈદ્ય પણ રહ્યા નથી. ૧૭ જાતના રિપોર્ટ કરાવે પછી કહે કે તમને આ છે. અમે રાધનપુરમાં ભણતા કર્મગ્રંથ. અમને ભણાવવા માટે હરગોવિંદદાસ પંડિતજી આવતા. એમની અંદર ઘડિયાળ હતી. એ પોતે પ્રજ્ઞાચક્ષુ હતા, જોઈ શકતા નહીં. પણ આખી બજારમાં લાકડી લઈને ચાલે, કોઈ સહાયક ન જોઈએ. અંદરની આંખ ખુલી ગઈ હતી અને ઘડિયાળ એટલે જીવતી ઘડિયાળ! આવે એટલે અમે પૂછીએ, “કેટલા વાગ્યા પંડિતજી?” તો કહે: “ચાર ઉપર 44 અને 30 સેકન્ડ.” અમે કહીએ: “અમારી ઘડિયાળમાં 4 ને 43 છે.” તો કહે: “સુધારી નાખો.”
એક યુરોપિયન આપણી આદિવાસી સંસ્કૃતિનું અધ્યયન કરવા માટે ભારતમાં આવેલ. તો આદિવાસીઓ જે હોય છે ને, એમનું ગામ નથી હોતું, એ ટેકરી ઉપર રહે. એક ટેકરી ઉપર એક ઝૂંપડું, બીજી ટેકરી ઉપર બીજું ઝૂંપડું. કારણ કે ભેગા રહે તો લડી પડે. એમાં એ યુરોપિયને જોયું કે એક ઝૂંપડામાં આગ લાગી, 100 માણસ ભેગા થઈ ગયા પાંચ મિનિટમાં! ત્યાં ટેલિફોન નથી, કોઈ સમાચાર પહોંચાડવાની પદ્ધતિ નથી, તો આને વિચાર થયો યુરોપિયનને કે આ બન્યું કઈ રીતે? પછી ખબર પડી કે એ લોકો ટેલીપથીનો (telepathy) ઉપયોગ કરતા. વિચાર શક્તિ, એક માણસ વિચાર મૂકે કે મારે ત્યાં આગ લાગી છે, બધા એ વિચારને પકડી લે અને ભેગા થઈ જાય. આ ટેલિફોન આવ્યો, ટેલીપથી ગઈ.
ગુરુઓ પોતાના શિષ્યને મોકલે દૂર, પણ ટેલીપથી દ્વારા સંદેશ મોકલે કે તારે આ કરવાનું છે. શિષ્ય પણ પૂછે કે સાહેબ મારે માર્ગદર્શન લેવું હોય તો? તો કહે સાંજે ૬ વાગ્યે ટેલીપથી કરજે. સાંજે ૬ વાગ્યે શિષ્ય પૂછે, ગુરુ જવાબ આપે, ભલે ૧૦૦ કિલોમીટર દૂર હોય! એટલે જેમ જેમ સાધનો વધ્યા એમ અંદરની શક્તિ ગઈ.
તો સાડા બાર મિનિટ થઈ એ તમને ઇનર વોચથી (inner watch) ખબર પડી જાય. એક મનોવૈજ્ઞાનિકે હમણાં જ લખેલું કે તમે રાત્રે જાગો, જાગ્યા પછી તરત તમે ઘડિયાળને જોતા નહીં, ખાલી વિચાર કરો કે કેટલા વાગ્યા હશે? અને તમે જે વિચાર કરો એની આજુબાજુનો જ ટાઈમ હશે, આજુબાજુનો એના માટે કે હજુ અભ્યાસ તમારો નથી થયો. તો કઈ રીતે કહી શકાય? ફ્રેશનેસથી (freshness).
તમે ૯ વાગ્યે ઊંઘી ગયા. તમને ખ્યાલ છે, સાડા આઠે તમે પડ્યા, પા કલાક ઊંઘ ન આવી, નવકાર મંત્રનો જાપ કર્યો, પછી તમે સૂઈ ગયા હતા. હવે તમે ૧૨ વાગ્યે ઉઠો છો, તો ત્રણ કલાક તમે સૂતા. અને જે ફ્રેશનેસ તમને મળી એ ફ્રેશનેસના આધારે તમે નક્કી કરી શકો કે ત્રણ કલાક હું ઊંઘેલો છું.
તો “કાઉસગ્ગ મુદ્રા ધીર આસન, ધ્યાન અભ્યાસી સદા” શું કહે છે? હંમેશા ધ્યાનનો અભ્યાસ ચાલુ જ રાખવાનો. તો શું થાય એની વાત કરે છે: “તપ તેજ દીપે” તમે ધ્યાનમાં જાવ, કાઉસગ્ગમાં જાવ, તમારા ચહેરા ઉપર એક દીપ્તિ આવે છે. મુનિના ચહેરા ઉપર જે તેજ છલકાય છે, એ તેજ શેનું છે? ધ્યાનનું છે. ધ્યાન દ્વારા એ ફ્રેશનેસ આવે છે. તમે ત્રણ કલાક ઘસઘસાટ ઊંઘો અને જે ફ્રેશનેસ તમને મળે, એ અડધો કલાકના ધ્યાનથી મળી શકે. તો જે સતત ધ્યાનમાં હોય, જાગૃતિમાં હોય, એ મુનિનો ચહેરો દીપ્તિવંત હોય.
તમે સાતા પૂછવા જાવ ને, તો તમને શરમ આવે કે આમની સાતા શું પૂછવી? આ તો પરમ સાતામાં ડૂબેલા છે. નથી લાગતું તમારી સાતા પૂછવી જોઈએ અમારે? શું લાગે? અમે તો સાતામાં જ હોઈએ.”સંજયા સુસમાહિયા” દશવૈકાલિકમાં શું કહ્યું? સાધુ સમાહિત નહીં, સુસમાહિત. પરમ શાતા, મજા જ મજા, આનંદ જ આનંદ. તો ‘તપ તેજ દીપે’.
તપનું તેજ. તપમાં પણ અભ્યંતર તપ, અને અભ્યંતર તપમાં પણ ધ્યાન અને કાઉસગ્ગ. એ ધ્યાનને કારણે એટલો બધો આનંદ છે. કારણ કે ધ્યાન ક્યારે થાય? નિર્વિચારતા, નિર્વિકલ્પતા હોય ત્યારે. એ પહેલા ધ્યાન થાય જ નહીં. હવે વિકલ્પો જ નથી, તો પર-માં જવાનું રહ્યું જ નહીં. તમે પર-માં કેવી રીતે જાવ છો? પેલો આવો, પેલો આવો… રૂમમાં એકલા હોય ને તો કેટલા બાબલા અંદર હોય મગજમાં? તમે રૂમમાં એકલા હોવ, અંદર કેટલા હોય? પેલાએ આજે આમ કીધું, પેલાએ આમ કીધું, પેલાએ મારું ઇન્સલ્ટ (insult) કર્યું, પેલાએ આમ કર્યું… અંદર કેટલા ભરેલા છે! એ વિચારોને કારણે તમે પર-માં જાવ. પણ વિચારો જ નથી અહિયાં, એટલે નિર્વિકલ્પ દશાનો અભ્યાસ સૌથી પહેલા જોઈશે. એ નહીં હોય ત્યાં સુધી ધ્યાનની વાતો હવાઈ વાતો છે.
ઘણા સાધ્વીજીએ કહ્યું, શિબિર ફરી પાછી ક્યારે? પણ મેં કહ્યું શિબિર શેના માટે? નિર્વિકલ્પતાનો અભ્યાસ કરવો નથી, ખાલી લેક્ચર સાંભળવા માટે શિબિર જોઈએ? શિબિરનો રસ કેમ છે? ધ્યાનનો રસ જાગ્યો છે? ધ્યાનનો રસ જાગેલો હોય, તમે નિર્વિકલ્પ હોવ. વિકલ્પોને દૂર કરવાની ચેષ્ટા પણ નથી તો ધ્યાન નથી, અને ધ્યાનનો રસ નથી તો પછી એના માટેની કાર્યવાહી શરૂ કરવી પડશે.
તો “તપ તેજ દીપે, કર્મ જીપે” કર્મોની નિર્જરા ક્યાંથી થશે? આ ધ્યાનથી. એટલે ધ્યાનને અગ્નિ કહ્યો છે. પ્રશમરતિમાં કહ્યું કે કોઈ આત્મા શુક્લ ધ્યાનમાં જ્યારે જાય છે ત્યારે એ ધ્યાનનો અગ્નિ એવો પ્રજ્વલિત હોય છે કે બધા જ આત્માના કર્મોને એમાં નાખી દઈએ તો બધા બળી જાય. શક્ય નથી બધાના કર્મો તેમાં નાખવા એ શક્ય નથી, તમારા કર્મ તમારે જ દૂર કરવા પડે. પણ એ અગ્નિની તાકાત એટલી છે કે બધા આત્માના કર્મોને એ ભસ્મીભૂત કરી શકે.
તો ‘તપ તેજ દીપે’, ધ્યાનનો અગ્નિ આવ્યો, ‘કર્મ જીપે’ કર્મો ગયા. “નૈવ છીપે પરભણી” હવે પર તરફ જવાના દ્વાર બંધ. હવે અંદરનો આનંદ એટલો બધો મળે છે, તો બહાર જાવ શા માટે? તમે આજની ધર્મશાળામાં જાવ કોઈ તીર્થમાં, હવે એમાં ટોયલેટ અંદર છે, પાણી અંદર છે, એસી કે પંખો અંદર છે, તમારે જે જોઈએ બધું અંદર છે. તો તમે ખાલી જમવા માટે જ બહાર જવાનું રહે, કોઈ જમવાની થાળી અહી આવવાની નથી, પણ બાકી તમારે બહાર જવું પડેશે નહીં.
એમ મુનિ જ્યારે અંદર હોય છે અને અંદરના આનંદને સ્પર્શે છે, ત્યારે એટલું બધું એ દિવ્ય લોકમાં વિચરતો હોય છે કે બહાર જવાની એને જરૂરત જ પડતી નથી, એ અંદર જ હોય. તમારી સાથે વાત કરતી વખતે પણ એ અંદર હોય.
હું 30 વર્ષ એકાંતમાં રહ્યો. પછી ગુરુદેવ ગયા, ગુરુદેવનો કાળધર્મ થયો, પછી અરવિંદસૂરિ દાદા ગુરુ તરીકે હતા. પણ અરવિંદસૂરિ દાદાએ મને કહ્યું કે “યશોવિજય, મારી દુનિયા વહીવટની નથી, મેનેજમેન્ટની (management) નથી, મારી દુનિયા ધ્યાનની છે. એટલે હું કઈ સંભાળવાનો નથી, તારે બધું સંભાળવાનું છે.” આપણા માટે ગુરુની આજ્ઞા, એનો બીજો કોઈ વિકલ્પ રહેતો નથી. મારે સંભાળવાનું હતું. પહેલું જ ચોમાસું સુરતના વ્યસ્ત સંઘમાં, અઠવા લાઇન્સમાં હતું. તો મેં ચોમાસા પહેલા સંઘના અગ્રણીઓને બોલાવ્યા અને મારી ભૂમિકા સમજાવી કે, “આ રીતે એકાંતમાં રહેવા હું ટેવાયેલો છું. એટલે હું તમારે ત્યાં ચોમાસું કરીશ, અરવિંદસૂરિ દાદા તો અંદર છે, એટલે એક રૂમમાં બેસી જવાનું. હું પ્રવચન આપીશ, સાધકો માટે વાચના આપીશ, પણ બે જ કલાકો બહાર રહીશ, ૨૨ કલાક અંદર. સંઘ મોટો છે તો અમારા વૃદ્ધ મહાત્માઓ છે આ બધા, એમને મૂકી દઈશ હોલમાં, એ વ્યાખ્યાન પછી વાસક્ષેપ આપશે, પચ્ચક્ખાણ આપશે, સંઘના બધા કામો કરશે. પણ હું પોતે અવેલેબલ (available) નહીં રહું.”
સંઘો ખરેખર એટલા તો સરસ હોય છે. અગ્રણીઓએ કહ્યું: “સાહેબ, આપની સાધનામાં અમારે કોઈ વિક્ષેપ નાખવો નથી. આપ પ્રવચન આપો, વાચના આપો, બસ અમે સંતુષ્ટ છીએ.” એ રીતે એ ચોમાસું મેં એકાંતમાં ગાળ્યું. પછી ધીરે ધીરે ભીડમાં પણ એકાંત થઈ ગયું. પછી હવે ભીડમાં બેસું છું, વાંધો નથી. પણ મારું એકાંત અત્યારે પણ અકબંધ છે. કારણ કે અંદરથી એકાંત મળી ગયું છે. બહારનું એકાંત નહીં, અંદરનું એકાંત. અંદરથી તો હું એકલો જ છું, મજામાં છું, અલિપ્ત છું.
“તપ તેજ દીપે કર્મ જીપે, નૈવ છીપે પરભણી.”
પર તરફ જવાનો હવે કોઈ રસ્તો જ ખુલ્લો નથી.
“મુનિરાજ કરુણાસિંધુ ત્રિભુવન-બંધુ પ્રણમું હિતભણી.”
એવા મુનિરાજને મારા કલ્યાણ માટે હું પ્રણામ કરું છું.
છેલ્લે બે વિશેષણ આપ્યા: કરુણાસિંધુ, ત્રિભુવન-બંધુ. કરુણાનો સમુદ્ર. ભાવ દયા. તમે બધા બહારથી વેલ-સેટ (well-set) છો, પણ તમે જે આરંભ-સમારંભ કરતા હોય, એના કારણે તમારી દયા અમને આવે. તમે અબજોપતિ હોવ તો અમે રાજી નહીં, અમને તમારી દયા આવે કે આનું શું થશે? એટલે તમને કહીએ કે ભઈલા પરિગ્રહનું પરિમાણ કર કઈ, નક્કી કર કે આનાથી વધારે રકમ તારી નહીં.
એક ગામમાં મેં એક શ્રીમંતને જોયા. ચાર દીકરા એમના. મોટી ઉંમરે ધર્મ પામ્યા, ધર્મ પામ્યા અને એવો ધર્મ પામી ગયા કે એમણે એકવાર ચારે દીકરાઓને બોલાવ્યા અને કહ્યું કે, “એક રૂમ, જેમાં હું રહું છું એ રૂમ, અને બાજુનું ઘર દેરાસર, આ બેમાં હું રહીશ. દેરાસરમાં ભક્તિ કરીશ, બેડરૂમમાં હું અને તારી મમ્મી રહેશે. તમારા ઘર જોડે (છોકરાઓને કહે છે) તમારા ઘર જોડે અમારે કોઈ સંબંધ નથી. આજથી બે ટાઈમ જમવાનું, સવારે ચા-નાસ્તો, બપોરે ચા આ મોકલાવી આપજો અમારી રૂમમાં. અમે જમવા માટે તમારે ત્યાં નહીં આવીએ.” અને દીકરાઓ ભાવુક હતા, દીકરાઓને કહ્યું: “રાત્રે તમે રોજ આવો છો, ચરણ સ્પર્શ કરો છો, અમારી જોડે બેસો છો, બેસવાનો વાંધો નથી. પણ તમારા ધંધાની કોઈ વાત મારી પાસે કરવાની નહીં. તમારો ખોટમાં ચાલતો હોય તો ખોટમાં, નફો ચાલતો હોય નફામાં. અમે લોકોએ ટોટલી તમારામાંથી રિઝાઈન (resign) કર્યું છે.”
આવી રીતે રહેનારા શ્રાવકો આજે પણ છે. ગામની વાત તો છોડી, ગામની ચિંતા છોડી, ઘરની ચિંતા છોડી. તો ‘કરુણાસિંધુ’ મુનિરાજ ભાવ-દયાનો સાગર અને ‘ત્રિભુવન-બંધુ’. બધાના મિત્ર છે, તમારા બધાના એ મિત્ર છે, જગન્મિત્ર. કારણ કે પ્રભુએ કહ્યું: “સર્વ જીવ સ્નેહ પરિણામ સાધુત્વ.” બધા આત્માઓ પ્રત્યેનો મૈત્રીભાવનો પરિણામ તે જ સાધુપણું છે.
તો આવું મુનિપણું અમને મળ્યું છે. અમે આજે લક્ષ્યમાં રાખીએ કે દેવચંદ્રજી મહારાજે કહ્યું છે એવા મુનિ, એવા સાધ્વી બનવું છે. અને તમારા બધાના મનમાં આ એક ભાવના થઈ જાય કે ઘરે જઈને શું કરવાના? રસોઈ કરવી પડે, ગેસ પેટાવો ત્યારે સાધ્વીજી મહારાજ યાદ આવે. કોણ યાદ આવે? કે “એમને કોઈ આરંભ સમારંભ નહીં, અમારે કેટલી બધી વિરાધના કરવી પડે.” થાય ને? યાદ આવે ને! મુનિરાજ યાદ આવે ને? તોય તમારું કલ્યાણ છે.
સાચું બોલો, અમારી યાદ કેટલી વાર આવે છે? અને અમને તમારી યાદ ન આવવી જોઈએ પાછી હો! ફલાણા બેન ને ઢેકડા બેન… કોઈ બેનનું નામ યાદ નહીં રાખતા. ચોમાસું કરીને જાવ એટલે પૂના મૂકી દીધું બસ. પછી પૂના જોડે કઈ સંબંધ નહીં. કોઈ બહેનને મગજમાં લઈને જતા નહીં, તમે કોઈ ભાઈને મગજમાં લઈને જતાં નહીં… આવું મુનિપણું, એને નમસ્કાર! જેવું મુનિપણું ભાવથી અમને પણ સ્પર્શે, તમને પણ સ્પર્શે એ જ આશા.
