Shree Navpad Vachna || 21-10-2026 || Pune Chaturmas

12 Views
24 Min Read

ઉપાધ્યાય પદ

આચાર્ય ભગવંત _સંપ્રદાયી_ એટલે કે પરંપરાને વફાદાર છે. _અવંચક_ છે. વંચક એટલે ઠગનારા, દંભી. આચાર્ય નિર્દંભ છે કારણ કે એમનું હૃદય નિર્મળ છે. અને _શુચિ અનુભવધાર_ છે; પવિત્ર એવી આત્માનુભૂતિને ધારણ કરનારા છે.

ઉપાધ્યાય ભગવંતો _દ્વાદશ અંગના ધ્યાતા_ છે. બારેય અંગોનો સાર, ચૌદે પૂર્વનો સાર નમસ્કાર મહામંત્ર છે. એટલે કે ઉપાધ્યાય ભગવંત નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરે છે. ધ્યાનનો સીધો અર્થ અનુભવ. નમસ્કાર ભાવ તમારી ભીતર આવે; બધાને ઝૂકવું – આ વાત તમારા હૃદયમાં આવે, તો નમસ્કાર મહામંત્રનું ધ્યાન થયું કહેવાય.

અને એનાથી શું થાય? ઉપાધ્યાય ભગવંત _જગ-બંધવ, જગ-ભ્રાતા_ બની જાય છે. બંધવ એટલે મિત્ર, ભ્રાતા એટલે ભાઈ. ઉપાધ્યાય ભગવંત નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરે છે અને એટલે પૂરા જગતના એ મિત્ર છે; એમનો કોઈ શત્રુ જ નથી.


શાશ્વતી ઓળીની આરાધનામાં આજે ઉપાધ્યાય પદની આરાધના. ઉપાધ્યાય પદનું ધ્યાન કરવું. ધ્યાન કઈ રીતે થાય, એની એક મજાની રીત પૂજ્યપાદ પદ્મવિજય મહારાજે ઉપાધ્યાય પદની પૂજામાં બતાવી છે. સરસ કડી છે:

“નમો ઉવજ્ઝાયાણં જપો હો મિત્તા, જેહના ગુણ પચવીસ રે; એકાગર ચિત્તા

એ પદ ધ્યાવો રે, એ પદ ધ્યાવો ધ્યાનમાં હો મિત્તા, મૂકી રાગ ને દ્વેષ.”

શરૂઆત જાપથી કરી. ધ્યાનમાં ઉતરવા માટેની શરૂઆત જાપથી થાય છે. એક પદ તમે લો અને એના તરફ જ તમારું પૂરું કોન્સન્ટ્રેશન (concentration) હોય. એકાગ્રતાપૂર્વક તમે એ પદનો જાપ કરો. તમારું મન સ્થિર થાય. સ્થિર થયેલા મનને તમે ધ્યાનમાં મૂકો. એટલે જપમાં આવેલી એકાગ્રતા એ સાધન એકાગ્રતા. શબ્દોની અંદર મનને આપણે પરોવ્યું. એ પછી આપણે અરિહંત પદ, સિદ્ધ પદ આચાર્ય તત્ત્વ કે ઉપાધ્યાય તત્ત્વની અંદર મનને સ્થિર કરીએ, એ સાધ્ય એકાગ્રતા છે. આપણું સાધ્ય શું છે કે આપણે એ પદની અંદર આપણી ચેતનાને એકાકાર કરવી છે.

તો પહેલું ચરણ આપે છે: “નમો ઉવજ્ઝાયાણં જપો હો મિત્તા.” મિત્ર કહે છે! આટલા મોટા ગજાના મહાપુરુષ આપણને મિત્ર કહીને બોલાવે, કેટલો બધો એમના હૃદયમાં આપણા પ્રત્યેનો પ્રેમ હશે! હે મિત્ર, તું ‘નમો ઉવજ્ઝાયાણં’ પદનો જાપ કર.

પછી તરત બીજું ચરણ આવે છે: “એહના ગુણ પચવીસ રે, એકાગર ચિત્તા.” એકાગ્ર ચિત્તથી. નવકારવાળી પર આંગળી ફરતી હોય અને મન ક્યાંય ફરતું હોય, એ ન ચાલે. જે પદનો તમે જાપ કરો છો, એમાં તમારું મન એકાગ્ર બનેલું હોવું જોઈએ. એટલે બીજું ચરણ આપ્યું: એકાગર ચિત્તા.

ત્રીજું ચરણ આપે છે: “એ પદ ધ્યાવો ધ્યાનમાં હોવે.” હવે આ પદને તું ધ્યાનમાં લે, એટલે ઉપાધ્યાય ભગવંતનું તું ધ્યાન કર. એ ધ્યાન કઈ રીતે કરવું એ મહોપાધ્યાય યશોવિજય મહારાજ બતાવશે. તો ત્રીજું ચરણ આપ્યું ધ્યાન.

અને એ ધ્યાન હૃદયમાં આત્મસાત્ થયું છે કે નહીં એની પારાશીશી શું? ચોથું ચરણ આપ્યું: “મૂકી રાગ અને દ્વેષ.” રાગ-દ્વેષ અહંકાર… એ ઓછા થયા છે? ઓછા થયા હોય તો માની શકાય કે ધ્યાન તમને મળ્યું છે. એ પદનું ધ્યાન મળ્યું, એ ઉપાધ્યાય ભગવંતો જે આનંદમાં છે એ આનંદની એક નાનકડી અનુકૃતિ તમને મળી. તમે હવે રાગમાં કે દ્વેષમાં કે અહંકારમાં જઈ શકો નહીં. એટલે ચાર ચરણ બતાવ્યા: જાપ પહેલું ચરણ, જાપમાં એકાગ્રતા એ બીજું ચરણ, ધ્યાન એ ત્રીજું ચરણ, અને ધ્યાન આત્મસાત થાય તો રાગ-દ્વેષ ઓછા થાય એ ચોથું ચરણ.

હવે વાત એ આવી કે ઉપાધ્યાય ભગવંતોનું ધ્યાન શી રીતે થાય? તો એ વાત શ્રીપાળ રાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે કહી છે:

“તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા રે;

ઉપાધ્યાય તે આતમા, જગ-બંધવ જગ-ભ્રાતા રે.”

ઉપાધ્યાય ભગવંતો તપમાં એટલે કે બાહ્ય તપમાં અને અભ્યંતર તપ રૂપે સ્વાધ્યાય, ધ્યાન વગેરેમાં ડૂબેલા છે: ‘તપ સજ્ઝાય રત સદા’.

પછી બહુ મજાની વાત આવી: ‘દ્વાદશ અંગના ધ્યાતા’. ઉપાધ્યાય ભગવંતો 12 અંગના જ્ઞાતા હોય, જાણનારા. પણ અહીંયા જ્ઞાતા શબ્દ નથી. ધ્યાતા શબ્દ છે: ‘દ્વાદશ અંગના ધ્યાતા’. એ 12 અંગોનું ધ્યાન કરે છે. 12મા અંગની અંદર 14 પૂર્વો હોય. એ 12મું અંગ અત્યારે વિચ્છિન્ન છે, 11 અંગ ગ્રંથો અત્યારે આપણી પાસે છે. તો ઉપાધ્યાય ભગવંતો બારે અંગોનું, આગમ ગ્રંથોનું ધ્યાન કરે છે. ધ્યાન કરે છે એટલે શું? આપણે ખાલી એક પેલું પદ બોલતા હોઈએ: ‘સમરો મંત્ર ભલો નવકાર, એ છે 14 પૂર્વનો સાર.’ નમસ્કાર મહામંત્રને 14 પૂર્વનો સાર કહ્યો છે.

એટલા માટે 14 પૂર્વધર આત્મા પણ છેલ્લી ક્ષણોમાં એ પૂર્વોનો સ્વાધ્યાય નથી કરતા, નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરે છે. એટલે બારે અંગોનો સાર, ચૌદે પૂર્વનો સાર નમસ્કાર મહામંત્ર છે. એટલે 12 અંગના જ્ઞાતા ઉપાધ્યાય ભગવંત નમસ્કાર મહામંત્રનો જાપ કરે છે, આપણે નમસ્કાર મહામંત્રનો જાપ કર્યો, ધ્યાન કર્યું? ધ્યાન એટલે અનુભૂતિ. ધ્યાનનો સીધો અર્થ અનુભવ.

નમસ્કાર ભાવ તમારી ભીતર આવે, બધાને ઝૂકવું, આ વાત તમારા હૃદયમાં આવી, તો નમસ્કાર મહામંત્રનું ધ્યાન થયું કહેવાય. ‘નમો સિદ્ધાણં’ ત્રણેય કાળમાં થયેલા અને થનારા સિદ્ધ ભગવંતોને મારો નમસ્કાર. એટલે બધા જ સિદ્ધ ભગવંતો ભવિષ્યકાળના છે. કદાચ અત્યારે એ અશુભ પર્યાયમાં હોય, ગુસ્સો કરે તમારા તરફ, તો પણ તમને તો એ જ લાગે કે સામેની વ્યક્તિ સિદ્ધ ભગવાન છે.

એક જગ્યાએ પ્રતિષ્ઠા મહોત્સવ. નાનું ગામ. લોકોનો ઉલ્લાસ બહુ, એટલે આજુબાજુના બધા ગામવાળાઓને આમંત્રણ આપેલું પ્રતિષ્ઠા મહોત્સવમાં. પણ એટલી મોટી ધર્મશાળા ન હોય. બે-ત્રણ હોલ હતા. એક હોલમાં ભાઈઓ, એક હોલમાં બહેનો, બીજી બધી વ્યવસ્થા પૂરતી હતી. બપોરનો સમય, 2 વાગેલા. બધી બહેનો સૂતેલી હોલની અંદર. કોકના પગ આમ, ને કોકના આમ, ને કોકના આમ. એમાં એક દીકરીને આ છેડેથી પેલા છેડે જવાનું હતું. એ 18 વર્ષની દીકરી બહુ જ સાવચેતીપૂર્વક જાય છે, તો પણ એનો પગ એક બેનને ટચ (touch) થઈ ગયો.

બેન પણ સિદ્ધ ભગવાન હતા ભવિષ્યના, પણ અત્યારે ક્રોધના ઉદયમાં… કેટલો ગુસ્સો ફાટી નીકળ્યો! “ધોળા દિવસે ભાળતી નથી? જોતી નથી? મારા પગ સામે પગ અથડાવ્યો? આંખ છે કે કોડિયા છે?” પેલી દીકરી માફી માંગે છે, “આંટી મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરો.” પણ પેલા બેન તો ધુઆં-પુઆં, “માફી માફી શેની? જોઈને ચાલવું નથી કોઈના પગ સાથે ભટકાવું છે, માફી માંગવી છે!”

એ દીકરી ગઈ પછી જે બેન ગુસ્સે થયેલી ને એની બાજુવાળી બેને કહ્યું કે, “તને ખબર છે આ દીકરી કોણ હતી?” તો કે, “ના, હું ઓળખતી નથી અને હું પણ એમ તો ઓળખતી નથી પણ એ મુમુક્ષુ છે, દીક્ષા લેનાર છે, એનું મુહૂર્ત પણ નીકળી ગયું છે. આવતા મહિને એની દીક્ષા છે.” જે બેનને ગુસ્સો આવેલો એને પશ્ચાત્તાપ થયો કે, “અરે! દીક્ષા લેવાની છે! આ સાધ્વીજી મહારાજ બનવાની છે અને એના ઉપર મેં ગુસ્સો કર્યો?”

એ બેન ઊભા થયા, દીકરીને શોધતા શોધતા ગયા, દીકરીના પગમાં પડ્યા. દીકરી કે “આંટી તમે શું કરો છો? દીકરી એના પગમાં પડી.” ત્યારે આંટી કહે છે, “તું દીક્ષા લેવાની છે મને ખબર નહોતી. હું ખૂબ ખૂબ તને ખમાવું છું, તારી માફી માંગુ છું કે તને મેં આવા કડવા શબ્દો કીધા.”

અત્યારે એ દીકરી દીક્ષિત નથી બરોબર? દીક્ષા લેનારી છે, ભવિષ્યમાં દીક્ષા લેવાની છે. તમને પણ ખબર પડે કે આ દીકરો દીક્ષા લેવાનો છે, તમારા હૃદયમાં કેવો ભાવ હોય? સરસ ભાવ આવે. અને આ આત્મા સિદ્ધ થવાનો છે, એ ખબર પડે તો કયો ભાવ આવે? દીક્ષાર્થી દીકરીને જુઓ તો ભાવ આવે, અને આ બધા સિદ્ધ ભગવાનને જુઓ ત્યારે કયો ભાવ આવે? દીક્ષાર્થી ઉપર જ ભાવ આવે? સિદ્ધ ભગવાન દેખાય છે? દેરાસરમાં દેખાય, અહિયાં દેખાય છે?

તો નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરેલું, અનુભૂતિ કરેલી, હવે ક્યારે કહેવાય? જ્યારે ઝૂકવાનો ભાવ હૃદયમાં આવે.

અને એ ભાવ શ્રીપાળ મહારાજા પાસે હતો. ધવલ શેઠને એ ઝૂકી શકે છે. આપણને તો કોઈ ધવલ શેઠ જેવા મળ્યા જ નથી! દરિયામાં ફેંકે એવા, કટાર લઈને મારવા આવે એવા, મળ્યા છે? કટાર લઈને શ્રીપાળને ધવળ મારવા આવે, કે પોતે જ ફસડાઈ પડે, પોતાની કટાર પોતાના પેટમાં વાગે, ધવલ શેઠ મરી જાય, અને એ વખતે શ્રીપાળ રડે છે. ધવલના મૃત્યુ ઉપર શ્રીપાળ રડે છે કે મારો ઉપકારી અને એ પતી ગયું. શ્રીપાળને ધવલ શેઠ ઉપકારી લાગે છે, તમને લાગે આવા ઉપકારી?

હિન્દુ પરંપરામાં ગુરુ દત્તાત્રેયને 24 ગુરુઓ હતા. 24. કેવું કહેવાય, દત્તાત્રેય શ્રીમંતને ત્યાં જન્મ્યા. એ જમાનાના કરોડપતિ! પિતાએ વિચાર કર્યો કે એને શાળામાં ભણવા મોકલું તો ખરાબ છોકરાની સોબત થઈ જાય તો, એટલે એને શાળામાં નહિ મોકલું. મારા ઘરે જ સારા પંડિતોને બોલાવીશ અને મારા દીકરાને પંડિતો ભણાવશે. એ રીતે પંડિતો ભણાવે છે. એટલે દીકરો મહેલમા ને મહેલમાં રહે છે, એને બહાર જવાનું કોઈ કામ પડતું નથી.

એકવાર એ દત્તાત્રેય 15-16 વર્ષની ઉંમરે મહેલના ઝરૂખામાં બેઠો હતો. અને એ વખતે રાત્રે ચોરી કરતા એક ચોર પકડાયો. સવારે રાજાની પાસે એને મૂકવામાં આવ્યો. રાજાએ કહ્યું એને ફાંસીને માંચડે ચડાવી દો. ફાંસીને માંચડે ચડાવવા માટે કઈ રીતે લઈ જતા? માથું મુંડાવી નાખે, એના મોઢા ઉપર મેસ લગાડી દે, ગધેડા ઉપર એને બેસાડે, આગળ ફૂટેલો ઢોલ વાગે, બધા જોવા માટે ભેગા થાય ત્યારે ખબર પડે કે આને ચોરી કરેલી છે અને એને ફાંસીના માંચડે ચડાવવા માટે રાજપુરુષો લઈ જાય. એટલે કોઈ ચોર ચોરી કરે નહીં, એનો દાખલો બેસે એના માટે આ વિધિ હતી.

તો પહેલું આવું સરઘસ જોયું દત્તાત્રેયે. દત્તાત્રેયને નવાઈ લાગી કે આ શું? ઘોડા ઉપર બેઠેલો હોય કોઈ પણ આ ગધેડા ઉપર બેઠેલો છે. એટલે એણે પોતાના એક નોકરને બોલાવ્યો કે આ શું છે? આજે બહાર ક્યારેય નીકળેલો નહી, તો નોકરે કહ્યું કે, “ચોર છે એને ફાંસીના માંચડે ચડાવવા માટે લઈ જાય છે, પણ લોકોને ખબર પડે એટલા માટે ગધેડા ઉપર બેસાડ્યો છે, ફૂટેલો ઢોલ આગળ વાગે છે. ગામની બહાર એને ફાંસીના માંચડે લઈ જઈ ફાંસીના માંચડે ચડાવી દેશે, એ માણસ ત્યાં મરી જશે.”

એ વખતે દત્તાત્રેયને થયું કે, “રાજાની ચોરી કરી, અપરાધ કર્યો, એની ફાંસીને માંચડે ચડવાનું? મેં તો ભગવાનનો અપરાધ કર્યો. ભગવાને મને આ જગતમાં શેના માટે મૂક્યો છે? સાધના કરવા, ધર્મ કરવા. ભોગ-વિલાસ ભોગવવા માટે ભગવાને મને અહીંયા મોકલ્યો નથી. અને હું ભોગ-વિલાસ ભોગવું છું, તો હું ભગવાનનો ચોર થયો, ભગવાનનો અપરાધી થયો. રાજાના ચોરને ફાંસીની સજા મળે તો મને કઈ સજા મળશે?” દત્તાત્રેયને વૈરાગ્ય આ ઘટનામાંથી આવ્યો, અને પછી એમણે સંન્યાસ લીધો.

કોઈકે પૂછ્યું કે તમારા ગુરુ કોણ? એમણે કહ્યું કે મારો પહેલો ગુરુ આ ચોર હતો. તમારે કેટલા ગુરુ? શ્રીપાળે ધવલ શેઠને પોતાના ગુરુ તરીકે માન્યા છે, કે મારામાં સમભાવ છે કે નહી એની કોઈ પરીક્ષા કરે તો ખબર પડે! અને સમ્યક દર્શન મને સ્પર્શ્યું છે કે નહી ખબર ક્યારે પડે? સમભાવ હોય ત્યારે. ધવલ શેઠે દરિયામાં પાડ્યા અને એ ધવલ શેઠ રાજાની સભામાં મળે અને શ્રીપાળના હૃદયમાં સહેજ પણ તિરસ્કાર ધવલ શેઠ ઉપર થતો નથી, પ્રેમ જ ઉભરાય છે. ત્યારે ધવલ શેઠને જોઈને શ્રીપાળને થયું, “મારા ગુરુ છે. કે મારામાં સમભાવ છે એની પરીક્ષા એમણે કરી.”

તમારે કેટલા ગુરુ? તમને કોઈ ગાળ આપે અને તમને ગુસ્સો ના આવે, એ તમારો ગુરુ. કેટલા ગુરુ? આવા ધવલ શેઠ જેવા ગુરુ કેટલા?

તો ઉપાધ્યાય ભગવંતનું ધ્યાન કરવું છે. ઉપાધ્યાય ભગવંત કેવા, એની વાત કરવી છે:”તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા.” એટલે કે નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરે છે. નમસ્કાર ભાવ, ઝૂકવાનો ભાવ હૃદયમાં ઓતપ્રોત બન્યો છે. નમસ્કાર મહામંત્ર શાશ્વત મંત્ર આપણને મળ્યો, આપણું ભાગ્ય-સૌભાગ્ય. નમસ્કાર મહામંત્ર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર કેમ? તમને ખ્યાલ છે? આપણી સાધનામાં ત્રણ અવરોધો છે: રાગ, દ્વેષ અને અહંકાર. પણ એમાં સૌથી વધારે મોટો અવરોધ અહંકારનો છે.

‘હું’ ને જ્યાં ગમો છે ત્યાં રાગ થાય છે, ‘હું’ ને અણગમો છે ત્યાં દ્વેષ થાય છે. સેન્ટર પોઈન્ટમાં (center point) ‘હું’, એ અહંકાર છે. એ અહંકારને દૂર કરવા માટે નમસ્કાર ભાવ છે. તમે ઝૂકી જાવ, નમી જાવ, અહંકાર રહે કયા પછી હૃદયમાં? પછી નમસ્કાર ભાવથી હૃદય ભરાઈ જાય તો એ હૃદયમાં અહંકાર ક્યાંથી રહે? ‘દ્વાદશ અંગના ધ્યાતા’ નમસ્કાર ભાવ આવી ગયો.

અને એટલે શું થયું? તે વાત લખી: “જગ-બંધવ જગ-ભ્રાતા.” બંધવ એટલે મિત્ર, ભ્રાતા એટલે ભાઈ. ઉપાધ્યાય ભગવંત નમસ્કાર મહામંત્રનું ધ્યાન કરે છે અને એટલે પૂરા જગતના એ મિત્ર છે, ‘જગ-બંધવ’. એમનો કોઈ શત્રુ જ નથી. અને તમે એ ઉપાધ્યાય પદનું આજે ધ્યાન કરો એટલે તમારે પણ એકેય શત્રુ ના રહે.

આપણા યુગના સાધના મનીષી, નમસ્કાર મહામંત્રના પ્રખર ઉપાસક પંન્યાસ ભદ્રંકરવિજય મહારાજ સાહેબને આપણે અજાતશત્રુ કહીએ. અજાતશત્રુ! એમને કોઈ દુશ્મન હતા જ નહીં. કોઈ ગાળો આપે એમને, એ પણ એમનો મિત્ર હતો. કારણ કે એનામાં રહેલા સિદ્ધત્વને એ જોતા હતા. તો પંન્યાસજી ભગવંતે ઉપાધ્યાય પદનું ધ્યાન કરેલું, અને એટલે એ પણ જગત મિત્ર બન્યા.

શત્રુ કોણ હોય? શત્રુ કેમ હોય? કોઈ વ્યક્તિને તમે દુશ્મન તરીકે કલ્પો છો, કેમ કલ્પો છો? એનું કારણ છે તમને અહંકાર છે. તમારા અહંકારને કોઈ ચીરે છે એ તમારો દુશ્મન. “આ ભાઈમાં તો કઈ ઠેકાણું જ નથી.” તમે સાંભળી જાવ એટલે તમારો દુશ્મન. “મારા માટે આવું બોલે!” પણ તમે એટલે કોણ? પેલા એ તો કો. Who are you? તમે કોણ છો?

રામકૃષ્ણ પરમહંસ અને રમણ મહર્ષિ, ખાસ કરીને રમણ મહર્ષિ આ સાધના આપતા કે “હું કોણ? હું કોણ? હું કોણ?” અંદર ઉતરો.

એક સરસ વાત કહી કે કોઈના હાથમાં ડુંગળી હોય, ડુંગળીનો દડો, તો ડુંગળી શું છે? ઉપર તો પડ છે. પડ કાઢો બીજું પડ છે. બીજું પડ કાઢો ત્રીજું પડ છે. એમ તમે કોણ? શરીર છો તમે? ના, શરીર તો ઉપરનું પડ છે. નામ એ તમે? ના. You are the nameless experience. એ નામ તો પડ છે. કાઢો એને.  છેલ્લે આનંદઘન ચૈતન્ય જે છે એ તમે છો. હવે એનો દુશ્મન કોણ હોય? “આને કામ નથી આવડતું”, એ તો આના માટે કહ્યું, આનંદઘન ચૈતન્ય માટે કહ્યું? એ તમે બધાએ જોયું જ નથી.

તમે એટલે કોણ?

“તપ સજ્ઝાયે રત સદા, દ્વાદશ અંગના ધ્યાતા;

ઉપાધ્યાય તે આતમા, જગ-બંધવ જગ-ભ્રાતા.”

આચાર્ય પદ, ઉપાધ્યાય પદ અને સાધુ પદ આ ત્રણે પદ ગુરુ તત્ત્વના છે અને એ ગુરુ તત્ત્વની વ્યાખ્યા આનંદઘનજી ભગવંતે શાંતિનાથ પ્રભુના સ્તવનમાં કરી. ગઈકાલે આપણે ત્રણ ચરણો જોયા, આજે બીજા ત્રણ ચરણો જોવાના છે:”સંપ્રદાયી અવંચક સદા, સૂચી અનુભવધાર.”

ચોથી સજ્જતા: સંપ્રદાયી. સંપ્રદાય એટલે પરંપરા. તત્ત્વ જે છે એ પરંપરાને વફાદાર છે. હું પોતે પરંપરાને ચુસ્ત વફાદાર છું અને તમને પણ કહું છું કોઈપણ પરંપરા ક્યાંય પણ હોય તો એ પરંપરાને સમજવાનો પ્રયત્ન કરજો. બુદ્ધિનું ચપ્પુ લઈને પરંપરાને તોડવાનું પાપ ન કરતા, પરંપરાને સમજવાની.

જેમ અહિયાં પારણા પાંચમના દિવસે દ્વારોદ્ઘાટનનો મહિમા હોય છે. હું રાજસ્થાનમાં ગયો પહેલી વાર પાડીમાં મારું ચોમાસું, ગુજરાતમાં આવો રિવાજ જોયેલો નહીં. રાજસ્થાનમાં ગયો અને સંવત્સરીના દિવસે ચડાવો બોલાયો કે આવતી કાલે દ્વારોદ્ઘાટનનો ચડાવો બોલો. હું પરંપરાનો વફાદાર, એ દિવસે બપોરે મેં એક જાણકારને પૂછ્યું કે તમારે ત્યાં પારણા પાંચમનો આ દ્વારોદ્ઘાટનનો ચડાવો હોય તો કેટલા વર્ષથી ચાલે છે? મને કે, “સાહેબ ૧૦૦ એક વર્ષના ચોપડા મળે છે અને એમાં તો પહેલેથી આ ચડાવો ચાલ્યો આવે છે.” મેં કહ્યું, “આ ચડાવો શેના માટે? પારણા પાંચમનું દ્વારોદ્ઘાટન કેમ?.” મને કે, “સાહેબ એ તો અમને કંઈ ખબર નથી આ તો આગળથી ચાલે છે.”

પણ મેં એ પરંપરાને સમજવાનો પ્રયત્ન કર્યો. દીક્ષા લીધી ને ત્યારે હું રેશનાલિસ્ટ (rationalist) બુદ્ધિવાદી હતો, આજે હું ટ્રેડિશનાલિસ્ટ (traditionalist), ઇમોશનાલિસ્ટ (emotionalist) છું. તો પરંપરાવાદી હું, મેં વિચાર કર્યો કે પારણા પાંચમનું દ્વારોદ્ઘાટન કેમ? તરત જ ઉત્તર મળી ગયો કે પ્રતિષ્ઠાના પછીના દિવસે દ્વારોદ્ઘાટન કેમ હોય? પ્રતિષ્ઠાના દિવસે હજારો લોકો આવેલા હોય અને એમણે પોતાની ભક્તિ પ્રભુને અર્પિત કરેલી હોય, તો રાત્રે જે છે ને એ જાતના આંદોલનો મંદિરમાં ભમરાય. પ્રભુની ઊર્જાના આંદોલનો જે દેહમાંથી હર ક્ષણે નીકળે છે અને હજારો ભક્તોના ભક્તિના આંદોલનો, આ બે આંદોલનો ભેગા થાય. વિધિ કેવી સરસ છે કે સવારે ‘ઓમ પુણ્યાહમ પુણ્યાહમ’ બોલાય. વિધિકારક કહી દે કે પેલા ચડાવા વાળા જશે અમને ના પાડી દે. “સાહેબ બહાર બેસો.” પેલો કાજો લેશે અંદર, પછી અંદર જવાશે.  કાજો લેવાનો મતલબ એ કે એ લાભાર્થી જે છે એને પહેલા પેલા આંદોલનોનો સ્પર્શ થાય.

એટલે ગુરુતત્ત્વ જે છે કેવું છે? સંપ્રદાયી, પરંપરાને વફાદાર.

પાંચમું વિશેષણ આપ્યું: અવંચક સદા. નિર્મળ હૃદયના માલિક. ક્યાંય કોઈ દંભ નથી, વંચક એટલે ઠગનારા, દંભી. નિર્દંભ જીવન છે કારણ કે નિર્મળ હૃદય છે. બોલવાનું જુદું, કરવાનું જુદું એ વાત નથી. ક્યારેક જુદું હોય હો, ક્યારેક જુદું હોય, એવા મહાત્મા હોય, જે પ્રભુની આજ્ઞા પ્રમાણે આપણને લાગે કે 100 એ 100 ટકા ચાલી રહ્યા છે, નિર્દોષ ગોચરી, એકાસણું, આયંબિલ બધું જ… બધું જ પ્રભુની આજ્ઞા પ્રમાણે કરતા હોય, પણ એમને પૂછો તો કહે છે કે “ક્યાં પ્રભુની આજ્ઞા અને ક્યાં હું! પ્રભુની આજ્ઞા ક્યાં હું પાળું?”

આચરણમાં પ્રભુની આજ્ઞા છે પણ એમના શબ્દોમાં એ છે કે “ક્યાં પ્રભુની આજ્ઞા અને ક્યાં મારું જીવન! એ તો ચોથા આરાના મહાપુરુષો એ પ્રભુની આજ્ઞા પ્રમાણે પૂરું જીવન જીવી શકતા, હું ક્યાંથી જીવું?” તો આ જે ફેરફાર થયો. એ આ રીતે થયો પણ ખોટું કરવું અને સારું દેખાડવું, આ વસ્તુ નહીં.

આપણે ત્યાં ગુપ્ત ગોચરી હોય છે. હિન્દુ સંન્યાસીઓમાં એવું નથી હોતું. પણ એક ગુરુની વાત આવે છે કે એ એકાંતમાં વાપરે. એક રાજાને એકવાર થયું, રાજા એમનો ભક્ત હતો. કે ગુરુ ખાનગીમાં કેમ વાપરે છે? એટલે એકવાર એણે નક્કી કર્યું કે ગુરુ વાપરતા હોય ને ત્યારે જોઈ લેવું. રાજા હતો, બધી એની પાસે સુવિધા હતી. આગળથી છુપાઈ ગયેલો. ગુરુ ભોજન કરે છે, ભોજનમાં શું હતું? સૂકી શાકભાજી થોડી થોડી દાળ, ન રોટલી, ન ભાત કાઈ મીઠાઈની તો વાત જ નહિ. રાજાને અહોભાવ થઈ ગયો.

એણે ગુરુદેવને પૂછ્યું કે, “સાહેબ તમે કેમ આમ કરો છો? આવું તમે ખાવ છો અને ગુપ્ત ખાવ છો?” ત્યારે ગુરુએ શું કહ્યું? “તમે છે ને તમારી ખરાબી છુપાવો છો, અમારે અમારા સત્કાર્યને છુપાવવાના હોય છે. કોઈ સત્કાર્ય જોઈ જાય અને પ્રશંસા કરે એ ગુરુને મંજૂર નથી.”

કુમારપાળ રાજાએ પણ હેમચંદ્રાચાર્યને ગોચરી વાપરતા જોયેલા. ખબર છે કે જોવાય નહી પણ એક મારી ઈચ્છા થઈ અને જોયું અને એની આંખમાંથી આંસુ ઝર્યા. કારણ કે એને ખબર હતી, “હું રાજા છું એટલે મારે ત્યાં વહોરવા એક પણ સાધુ આવતા નથી. ભલે મારે ત્યાં ન આવે પણ શ્રીમંતો તો ઘણા છે પાટણમાં તો શ્રીમંતો ગોચરી કેવી આવે? અને ગુરુ માટે તો કેવું હોય?” એને બદલે ગુરુ સાવ લૂખું-સૂકું ભોજન લઈ રહ્યા છે, ત્યારે એને ગુરુ પ્રત્યે એટલો બધો અહોભાવ થયો કે “આ મારા ગુરુજી! તો અવંચક સદા! બોલે કઈ ને કરે કઈ આવું હોય ત્યારે બાકી નિર્દંભ જીવન.”

અને છેલ્લું છઠ્ઠું વિશેષણ: સૂચી અનુભવધાર. પવિત્ર જે આત્માનુભૂતિ એને ધારણ કરનારા. આત્માનુભૂતિ સંપન્ન અને તમે આત્માની અનુભૂતિમાં ડૂબી ગયા, પરની દુનિયા છૂટી ગઈ. પરની દુનિયાને અલવિદા ટાટા બાય બાય. કારણ કે આત્માનુભૂતિ થઇ ગઈ છે. તમે પર-માં કેમ જાવ? સુખ લેવા જાવ. આ ખાઈએ તો સુખ મળે, આનાથી સુખ મળે, પણ પરમ આનંદ ભીતર હોય તો સુખની ઈચ્છા પણ કેમ થાય? આત્માનુભૂતિ એટલે અપાર આનંદની અનુભૂતિ. અને એ આનંદની અનુભૂતિ થયેલી હોય તો પર-ના સુખમાં કોણ જાય? કોઈ જઈ જ ન શકે.

આવા સદગુરુ આપણને મળ્યા છે. આ યુગની અંદર પણ શ્રેષ્ઠ સંતો ઘણા બધા છે. મેં એક સાધુ ભગવંતને જોયેલા. મારું ચોમાસું કાલિન્દ્રિમાં ગુરુદેવની પાસે રાજસ્થાન. એમનું બાજુના ગામમાં. બાજુના ગામમાં જૈનોના ઓછા, તો એક મહાત્મા જે હતા, તે હિન્દુ લોકોને ત્યાં જતાં. લગભગ આયંબિલ કરતા, લુખો રોટલો હોય વહોરવા માટે. તો એ ટાઈમે જવું પડે જ્યારે લોકો જમતા હોય. પછી તો લોકો આરામ કરે અને રાજસ્થાનમાં સવારે નાસ્તો ના કરે એટલે 10:30-11 વાગ્યે તો જમવા બેસે. તો જ્યારે ગોચરીનો ટાઈમ હોય ત્યારે મુનિરાજ વહોરવા નીકળે. લૂખી રોટી જ લાવવાની, બીજું કઈ લાવવાનું નહિ. લૂખી રોટલી લઈ આવે, અવઢનું પચ્ચક્ખાણ લે. સાડા ત્રણ-ચાર વાગ્યે પચ્ચક્ખાણ પારી વાપરવાનું લૂખી રોટલી અને પાણી.

એમને લાગ્યું કે લૂખી રોટલીમાં પણ સ્વાદ આવે છે! જાગૃતિ કેવી હોય સાધકની! પછી એમણે શું કર્યું? મોટી તરપણી હોય ને, લોટ, એમાં પાણી વહોરી લે. પછી એમાં સુદર્શન ચૂર્ણ વહોરે, સુદર્શન ચૂર્ણ અંદર નાખે, એટલે પાણી કડવું થઈ જાય, એમાં રોટલો વહોરીને લાવે 11 વાગ્યે, એ રોટલો ચાર વાગ્યે વાપરે. એટલે રોટલાના અણુ-અણુમાં કડવાશ પહોંચે અને એ રોટલો એ વાપરે. લાગે કે આ યુગની અંદર પણ કેવા જાગરિત સાધકો છે!

એટલે હંમેશા જોજો તો આવાને જોજો. કાળનો પ્રભાવ છે અમારામાં નબળાઈ ક્યાંક હોઈ શકે પણ તમારે નબળાઈ નથી જોવી. જે-જે ઉત્કૃષ્ટ મહાત્માઓ છે તેમના ઉત્કૃષ્ટ ચારિત્ર પાલનને જોજો.

હું આ પોસ્ટ (post) ઉપર છું. મારી પાસે અહોભાવ એટલો છે કે બાલમુનિ આવે, હું રાજી રાજી થાઉં કે આટલી નાની વયમાં કેવો એનો જન્માંતરીય સંસ્કાર કે પ્રભુના માર્ગ પર આવ્યો! કોઈ નાનકડી સાધ્વીજીને જોઉં, આંખમાં હર્ષના આંસુ આવે! અહોભાવ જે છે ને એને જીવંત રાખજો. એટલે હું વારંવાર કહું છું 99% ગ્રેસ (grace), 1% એફર્ટ (effort). એક અહોભાવ તમારી પાસે છે તો મોક્ષ તમારા હાથમાં, મોક્ષ દૂર નથી.

પ્રભુ શાસનના તમામ અંગો ઉપર માત્ર અહોભાવ! આ શ્રાવકો કેટલી સરસ સાધના કરે છે, આ બહેનો કેટલો બધો સરસ આયંબિલ કરે છે… એક ધાનનું આયંબિલ કરનારા હોય એમને જોઈને હાથ જોડવાનું મન થાય. પહેલો દિવસ હતો અરિહંત પદ, ઘઉં, છેલ્લા ચાર દિવસ ચોખા આવશે. ચોખામાં શું હોય? ચોખાની કઈ વાનગી હોય, પણ એક જ વાત બસ મારે આ રીતે અસ્વાદવ્રત અને એમાં જ મીઠા વગરનું ખાય તો પછી સ્વાદ શું આવે. આવા બધા સાધક જોઈને અહોભાવ કરો, એ અહોભાવ આવ્યો એટલે બધા ગુણો તમને મળી જવાના…

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *