Shree Navpad Vachna || 20-10-2026 || Pune Chaturmas

5 Views
25 Min Read

આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર

આચાર્ય આગમધર છે. ગણધરોએ પ્રભુના શબ્દોને આગમ રૂપે ગૂંથ્યા. આચાર્ય ભગવંતની દ્રષ્ટિ સતત એ શબ્દો તરફ, પ્રભુ તરફ હોય છે. તમારી નજર અમારા તરફ પણ અમારી નજર તમારા તરફ નહીં, હોં!, તમે ખુશ થાઓ, એવું પ્રવચન આપવા માટે અમે અહીં નથી બેઠા; પ્રભુ કહેશે, એવું જ અમે બોલવાના છીએ.

આચાર્ય સમકિતી છે. તમે કહેશો કે સમ્યગ્દર્શન તો ચોથા ગુણઠાણે જ્યારે ગુરુ તો છઠ્ઠે-સાતમે છે. હકીકતમાં ચોથે સમ્યગ્દર્શન થાય, ત્યારે “આ નકામું છે અને આ સ્વીકારવા લાયક છે” – આ દર્શનની clarity મળી; પણ ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ ન હોવાથી નકામું છે એ છૂટતું નથી અને સ્વીકારવા જેવું સ્વીકારાતું નથી. એટલે આ સમ્યગ્દર્શન વ્યવહારથી ખરું, પણ નિશ્ચયથી તો સાતમે ગુણઠાણે અપ્રમત્ત દશા આવે ત્યારે જ.

એક આચાર્ય ભગવંત કે જે લગભગ અપ્રમત્ત છે, એમની બધી જ ક્રિયાઓ સંવર માટે હોય છે. તમે રાગ, દ્વેષ કે અહંકારમાં જાઓ, ત્યારે કર્મો બંધાય. પણ સામાયિકમાં, સમભાવમાં કર્મો આવતા બંધ થાય; તમે સંવરમાં આવી ગયા. આચાર્ય તરીકે સંઘના પ્રશ્નો ઉકેલતા હોય, શિષ્યોના યોગક્ષેમનું વહન કરતા હોય, અને છતાં કિરિયા સંવર સાર.


શાશ્વતી ઓળીની આરાધનામાં આજે આચાર્ય પદની આરાધના. આચાર્ય પદનું ધ્યાન શી રીતે કરવું એની વાત શ્રીપાળ રાસમાં મહામહોપાધ્યાય યશોવિજય મહારાજાએ કરી:
“ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે,
પંચ પ્રસ્થાને આત્મા, આચારજ ગુણ ખાણી રે.”
આચાર્ય ભગવંતનું ધ્યાન કરનાર સાધક ધ્યાનની ક્ષણોમાં આચાર્ય પદની અંદર પ્રતિષ્ઠિત થયેલ મહાત્મા પાસે જે આનંદ હોય છે, એની અનુભૂતિ કરે છે. આચાર્ય ભગવંતની બહુ સરસ વ્યાખ્યા આપી: ‘મહામંત્ર શુભ ધ્યાની’. સૂરિમંત્રનો જાપ કરનારા એમ ન કહ્યું, સૂરિમંત્રનું ધ્યાન કરનારા. એ પોતે પણ ધ્યાનમાં છે, આપણે એમનું ધ્યાન કરીએ તો આપણે આપણી ધ્યાનાવસ્થામાં એમના આનંદને આપણી ભીતર પ્રતિબિંબિત કરી શકીએ. તો ‘મહામંત્ર શુભ ધ્યાની રે’.
પંચ પ્રસ્થાને. સૂરિમંત્રની પાંચ પીઠિકાઓ છે. એ પાંચ પીઠિકાઓ દ્વારા સૂરિમંત્રનું ધ્યાન કરે છે. જાપ તો કરે જ છે, પણ જાપની સાથે ધ્યાનની વાત લઈને આવ્યા. હવે જાપ મંત્રનો થશે, અક્ષરોનો થશે. ધ્યાન કોનું થશે? ધ્યાન સૂરિમંત્રના કેન્દ્રમાં રહેલ ભગવાન ગૌતમનું થશે.
સૂરિમંત્રના કેન્દ્રમાં ભગવાન ગૌતમ છે. તો દરેક આચાર્ય ભગવંત ભગવાન ગૌતમનું ધ્યાન કરે છે. ભગવાન ગૌતમ એટલે સમર્પણ. સમર્પણને જીવંત અવતારે મૂર્તિ સ્વરૂપે પૃથ્વીલોક પર આવવાનું મન થયું અને એણે ભગવાન ગૌતમનું સ્વરૂપ ધારણ કર્યું.
ભગવાન ગૌતમ વહોરવા જતાં. 50,000 કેવળજ્ઞાની શિષ્યોના ગુરુ અને એ વહોરવા જતાં. કોઈક વ્યક્તિ એમને સવાલ કરે કે “ભગવન્, આનો અર્થ શું?” એ વખતે ભગવાન ગૌતમ કહેતા કે “આનો જવાબ પછી આપું તો ચાલે?” પેલો કહે, “ભગવન્ આપની અનુકૂળતા, આપજો.”
ભગવતી સૂત્ર બે વાર વાંચવાનું થયું. પહેલીવાર વાંચ્યું રેશનાલિસ્ટ તરીકે, બુદ્ધિવાદી તરીકે, અને ત્યારે સવાલ થતો કે સાવ નાનકડો સવાલ અને એ લઈને ભગવાન ગૌતમ પ્રભુની પાસે કેમ જાય છે? બીજી વખત શ્રદ્ધાવાદી તરીકે ભગવતી સૂત્ર વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે ભગવાન ગૌતમની મનોભૂમિકા કઈ હતી. એમની મનોભૂમિકા એ હતી કે અનંતજ્ઞાનીના સાનિધ્યમાં હું છું, તો મારા જ્ઞાનનો ઉપયોગ શા માટે કરું? પોતાની બુદ્ધિ ઉપર પોતાને શ્રદ્ધા નથી. અનંતજ્ઞાનીના સાનિધ્યમાં છું, તો અનંતજ્ઞાનીને જ પૂછી લઉં.
તો ભગવાન ગૌતમ વહોરીને આવતા, ગોચરી આલોચી, પાત્રા મૂકી દેતા, પ્રભુ પાસે આવતા, પ્રભુને પ્રદક્ષિણા દેતા, વંદન કરતા, અને પછી પૂછતા કે “પ્રભુ, આ પ્રશ્નનો ઉત્તર શું?” તો પહેલી વાત તો એ આવી કે હું મારી બુદ્ધિનો ઉપયોગ નહીં કરું, કારણ કે હું અનંતજ્ઞાનીના સાનિધ્યમાં છું. બીજી વાત એ હતી કે પ્રશ્ન એક બહાનું બની જતો. વગર કારણે તો પ્રભુની પાસે જવું કેમ? પણ આ પ્રશ્ન એ બહાનું બની જતો કે પ્રશ્ન પૂછવા માટે પ્રભુની પાસે હું જાઉં છું.
પછી પ્રભુને પ્રદક્ષિણા દેતા. પ્રદક્ષિણા બહુ જ મહત્વની વસ્તુ છે. પ્રદક્ષિણાના બે અર્થ છે. એક અર્થ તો એ છે કે કેન્દ્રમાં પ્રભુ છે અને પરિઘમાં હું આંટા મારું છું, હું ફરું છું પણ મારા કેન્દ્રમાં કોણ છે? પ્રભુ છે. જ્યાં પણ હું ચાલું, જ્યાં પણ હું જાઉં, પ્રભુની આજ્ઞા કેન્દ્રમાં હોવી જોઈએ. પ્રભુ કેન્દ્રમાં છે અને તમે ચાલો છો, આ પ્રદક્ષિણાનો પહેલો અર્થ.
બીજો અર્થ એ છે કે તમે પ્રભુની સામે ઉભેલા હોવ ત્યારે પ્રભુના દેહમાંથી જે ઉર્જા નીકળે છે એનો સ્પર્શ તમને થાય. પણ બાજુમાંથી ઉર્જા નીકળે છે, પાછળથી ઉર્જા નીકળે છે, એનો સ્પર્શ શી રીતે થાય? એના માટે પ્રદક્ષિણા. કે પરમાત્માના દેહમાંથી આજુબાજુમાંથી, પાછળથી જ્યાંથી પણ ઉર્જા નીકળે છે એ બધી જ ઉર્જાને હું પ્રાપ્ત કરું.
શત્રુંજય મહાતીર્થમાં આપણે જઈએ. આપણે તળેટી બાજુથી આપણે યાત્રા કરીએ કે ઘેટી પાગથી યાત્રા કરીએ. બે બાજુથી આપણે યાત્રા કરીએ તો શત્રુંજય ગિરિરાજના એ બાજુના આંદોલનો ઉર્જા આપણને મળશે. પણ જ્યારે બાર ગાઉની યાત્રા કરીએ, શત્રુંજય ગિરિરાજની પ્રદક્ષિણા લઈએ, ત્યારે શત્રુંજય ગિરિરાજના એક એક ખૂણામાંથી જે ઉર્જા નીકળે છે એ બધી ઉર્જાનો સ્પર્શ આપણને મળે.
તો ભગવાન ગૌતમ પ્રભુને પ્રદક્ષિણા દેતા. ત્રણ પ્રદક્ષિણા આપી, વંદન કરી અને પૂછતા કે “પ્રભુ આનો શું ઉત્તર?” તો ત્રણ વસ્તુ બની. પહેલી વાત એ કે અનંતજ્ઞાનીના સાનિધ્યમાં હું છું, તો મારા જ્ઞાનનો ઉપયોગ હું નહીં કરું એટલે અહંકાર તિરોહિત બન્યો. ‘હું જ્ઞાની નથી પણ અજ્ઞાની છું’, આ વાત આપણા હૃદયમાં સ્થિર થાય. બીજી વાત એ હતી કે પ્રશ્ન બહાનું બનતો પ્રભુના ચરણોમાં ઉપસ્થિત થવા માટે. અને ત્રીજી વાત હતી કે વંદન કરવાની પહેલા પ્રદક્ષિણા આપવાની થતી અને એ રીતે પ્રભુના પૂરા દેહમાંથી નીકળતી ઉર્જાનો સ્પર્શ થતો.
તો સમર્પણ એટલે ભગવાન ગૌતમ. એ ભગવાન ગૌતમનું ધ્યાન દરેક આચાર્ય ભગવંતો કરે છે. હમણાં મીરા આનંદમાં કલ્પજ્ઞસૂરિએ સૂરિમંત્રની આરાધના કરી, પીઠિકા ભલે ચોથી હતી, પાંચમી હતી, પણ કેન્દ્રમાં ભગવાન ગૌતમ હતા. તો હવે વાત એ થઈ કે આચાર્ય ભગવંત ભગવાન ગૌતમનું ધ્યાન કરે છે અને એ ગૌતમનું ધ્યાન કરનાર આચાર્ય ભગવંતનું ધ્યાન સાધક કરે છે, એટલે એ સાધકના હૃદયની અંદર પણ સમર્પણની એક ધારા પ્રગટે છે. આચાર્ય ભગવંતની પાસે સમર્પણની ધારા છે, એ જ સમર્પણની ધારા સાધક પાસે આવે છે. અને એથી એ સાધક તે ક્ષણોની અંદર સમર્પણની ક્ષણોની અંદર આચાર્ય ભગવંતનું ધ્યાન કરનારો થાય છે.
છેલ્લા ચરણમાં લખ્યું:
“આચારજ ગુણ ખાણી રે.”
આચાર્યો ગુણોનું કેન્દ્ર છે, ગુણોનું સ્થાન છે. કેટલા બધા ગુણો આચાર્ય ભગવંતમાં છે એની વાત આનંદઘનજી ભગવંતે 16મા સ્તવનમાં કરી. ત્યાં એમણે સદ્ગુરુના ગુણો આપણને બતાવ્યા:
“આગમ ધર ગુરુ સમકીતી, કિરિયા સંવર સાર રે;
સંપ્રદાયી અવંચક સદા, સૂચી અનુભવધાર રે.”
પહેલો ગુણ કહે છે: આગમ ધર. પ્રભુના પ્યારા પ્યારા શબ્દો જે પ્રભુએ સમોવસરણમાં બેસીને કહ્યા, ગણધરોએ એને આગમ રૂપે લખ્યા. તો આચાર્ય ભગવંત જે છે એમની દ્રષ્ટિ પ્રભુના શબ્દો તરફ હોય છે, પ્રભુ તરફ હોય છે.
બહુ મજાની વાત: અમારી નજર પ્રભુ તરફ, તમારી નજર અમારા તરફ! અમારી નજર તમારા ઉપર નહીં હો, તમે ખુશ થાવ એવું પ્રવચન આપવા માટે અમે અહિયાં બેઠા નથી. અમે અમારા પ્રભુને વફાદાર છીએ. પ્રભુ કહેશે એવું જ અમે બોલવાના છીએ. તો અમારી દ્રષ્ટિ પ્રભુ તરફ, પ્રભુના શબ્દો તરફ છે.
આચારાંગ સૂત્ર, આપણું દ્વાદશાંગીનું પહેલું આગમ. આચારાંગ સૂત્રનો સ્વાધ્યાય મેં લગભગ 30 વર્ષ સુધી દર વર્ષે કર્યો. દર વર્ષે એક મહિનો એવો જાય જે આચારાંગજીના સ્વાધ્યાય માટેનો હોય. એ દિવસોમાં માત્ર આચારાંગજીનું પુસ્તક મારી પાસે હોય અને એના પ્યારા પ્યારા સૂત્રોને રટતો હોઉં, આંખોમાંથી આંસુ ઝરતા હોય, અને એક મહિનો પ્રભુમય બની જઉં.
શરૂઆતના દિવસોમાં આચારાંગનો સ્વાધ્યાય કરતો, પણ આંખો ભીની નહોતી થતી. એ પછી મહાભારતની એક ઘટના વાંચી અને આંખો ભીની થઈ ગઈ. મહાભારતની એક ઘટના હતી. ઉદ્ધવજી વૃંદાવન જવાના હતા, શ્રીકૃષ્ણ આવવાના ન હતા. તો ઉદ્ધવજીને થયું કે વૃંદાવનમાં ગોપીઓ છે, કૃષ્ણની ભક્ત છે, શ્રીકૃષ્ણ આવવાના નથી તો એમનો પત્ર લઈને જાવ તો ગોપીઓ રાજી થશે. તો ઉદ્ધવજી શ્રીકૃષ્ણના મિત્ર છે. ઉદ્ધવજીએ કૃષ્ણને કહ્યું કે “એક પત્ર ગોપીઓના નામ પર લખીને આપો.”
શ્રીકૃષ્ણે લખી આપ્યો. ઉદ્ધવજી વૃંદાવન પહોંચ્યા, રથ ઊભો રહ્યો. ત્યાં તો 50-60 ગોપીઓ એકઠી થઈ ગઈ કે શ્રીકૃષ્ણ આવ્યા હશે. પણ ઉદ્ધવજી બહાર નીકળ્યા. ઉદ્ધવજીએ કહ્યું: “નિરાશ નહીં થતા, શ્રીકૃષ્ણનો પત્ર લઈને આવ્યો છું. લો આ પત્ર, તમારા માટેનો પત્ર છે, લઈ લો.” 50-60 ગોપીઓ છે, એક પણ ગોપી પત્ર લેવા માટે આગળ નથી આવતી.
ઉદ્ધવજી પંડિત છે, ભક્ત નથી. એટલે એમને ખ્યાલ નહીં આવ્યો કે શ્રીકૃષ્ણના નામ પર ઘેલી આ ગોપીઓ અને શ્રીકૃષ્ણનો પત્ર હાથમાં કેમ નથી લેતી? પણ પછી ખ્યાલ આવ્યો કે ગોપીઓના હૃદયનો ભાવ કયો હતો. સૂરદાસજીએ એમના એક પદમાં એ ભાવ વ્યક્ત કર્યો છે : “બરસે ઝરે”.
ગોપીઓને થયું કે શ્રીકૃષ્ણ મળ્યા નથી. ભક્ત પાસે બે જ અવસ્થાઓ: યા તો મિલનની અવસ્થા, યા તો વિરહની અવસ્થા. પ્રભુ મળ્યા તો મિલનનો આનંદ, નથી મળ્યા તો વિરહની પીડા. અને વિરહને અગ્નિ કહ્યો છે. તો ગોપીઓને થયું કે શ્રીકૃષ્ણ મળ્યા નથી અને વિરહની આગ અમારા પૂરા અસ્તિત્વમાં ફેલાયેલી છે. અમે હાથથી પત્રને લઈશું, અડીશું તો પત્ર બળી નહીં જાય? કારણ કે હાથમાં તો આગ છે વિરહની, એ આગથી પત્ર બળી જાય તો?
તો ઉદ્ધવજીને ખ્યાલ આવ્યો. પછી એમણે વિચાર્યું: “ચલો ભાઈ, તમે તમારા હાથમાં ન લો, નજીક આવીને વાંચો તો ખરા કે શું લખ્યું છે?” કોઈ નજીક આવતી નથી. “કેમ એમાં શું વાંધો? હવે ઉદ્ધવજીના હાથમાં છે, પહેલા એનો પત્ર વાંચી લો, તમારા હાથમાં ના લેતા.” અને ત્યારે એ ભાવ છે કે, “બિલવકે ભીંજે” “નજીક જઈશું, એ પરમ પ્યારાના અક્ષરોને જોઈશું, આંખોમાંથી આંસુની ધાર વહેશે. એ આંસુ પત્ર પર પડશે અને અક્ષરો ચેહરાઈ જશે.”
આ ઘટના મેં વાંચી મને થયું ગોપીઓ આ ભાવમાં! એમના ભગવાન માટે એમનો આ ભાવ છે કે એમના અક્ષરોને જોઈશું અને આંખમાંથી આંસુ ટપકશે, અને હું કોરી આંખે આચારાંગ વાંચું છું? મારા ભગવાનના શબ્દો? ત્યારથી આંખો ટપકવાની શરૂ થઈ.
પહેલું ગુરુનું વિશેષણ: આગમધર. બીજું વિશેષણ: સમકિતી. સમ્યક દ્રષ્ટિ. તમે કહેશો સમ્યક દર્શન તો ચોથા ગુણઠાણે, ગુરુ તો છઠ્ઠે અને સાતમે છે. સાતમે ગુણઠાણે નિશ્ચય સમ્યક્ત્વ મળે છે. ચોથે પણ સમ્યક દર્શન મળે એટલે કે આંશિક અનુભૂતિ આત્મતત્ત્વની, આત્મગુણોની થાય, પણ ત્યાં શું થાય? દર્શન મોહનીયનો ક્ષયોપશમ થયેલો હોય, ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ નથી થયો. અને એથી ક્ષાયિક સમકિતી કૃષ્ણ મહારાજા અને શ્રેણિક મહારાજા પણ યુદ્ધોને લડતા અને ભોગોને ભોગવતા.
ક્લેરિટી સ્પષ્ટ છે, સમ્યક દર્શન ક્ષાયિક છે એટલે ક્લેરિટી સ્પષ્ટ છે કે હું શરીર નથી, હું મન નથી, હું આત્મતત્ત્વ જ છું. પણ અનંત જન્મોની સંજ્ઞા જે છે એના ઉદયને કારણે ‘મારું રાજ્ય’, આ ભાવ આવે છે. અને પોતાના રાજ્યને સુરક્ષિત રાખવા લડાઈ પણ એ કરે છે અને ભોગોને પણ ભોગવે છે.
શાસ્ત્રમાં એક સરસ વાત આવે છે કે આ અવસ્થા કેવી શ્રેણિક મહારાજાની કે કૃષ્ણ મહારાજાની? ભૂમિકા કઈ? તો ઉદાહરણ આપ્યું કે કોઈને ખરજવું થયેલું હોય, ચળ આવતી હોય, ખણતી વખતે કેવું લાગે? મીઠું લાગે. પણ પ્રબુદ્ધ માણસ હોય એ સમજે છે કે ખણતી વખતે સારું લાગે છે પણ એ ખણ્યા પછી જે પીડા થવાની છે એ મારે જ ભોગવવાની છે. એટલે ક્ષાયિક સમકિતીને ખ્યાલ છે કે હું પાપ કરું છું પણ એનું ફળ નરકાદી દુર્ગતિમાં મારે જ ભોગવવું પડશે.
પણ જેની પાસે સમ્યક દર્શન નથી, જે સંસારનો પ્રેમી છે, ભવાભિનંદી, એ કેવો હોય? રણની પેલે પાર એક માણસ રહેતો હતો. હવે ત્યાં કણે ઠીકરા પણ નહીં, ખણવા માટેના કોઈ સાધનો નહીં. નખથી એ ખણે, ખરજવું અને નખ પાકી ગયા. હવે એને થાય કે ખણવાનું કંઈક મળે તો સારું. પણ ત્યાં તો ઠેકરાય નહીં, રણની અંદર રેત સિવાય કંઈ મળે નહીં. એમાં એક વૈદ્ય એ રણમાંથી પસાર થતા હતા. તરસ લાગેલી. વૈદ્ય ત્યાં બેઠા, પાણી પીધું. વૈદ્યની પાસે જોળી હતી અને વૈદ્ય પાસે શું હોય? જાત-જાતની ઔષધિઓ હોય, ઔષધિના દંડિકાઓ હોય, એને વાટીને પછી દવા બનાવે. તો પેલાને થયું, “આ માણસ કેટલો સુખી છે! કે આટલા બધા દંડુકા ખણવા માટે છે!”
સંસારી માણસને શું લાગે, આ કેટલો સુખી! આટલા કરોડ આની પાસે છે, આટલા બંગલા આની પાસે છે, પણ એ કેટલો દુઃખી છે, તને ક્યાં ખબર છે? એટલે એણે વૈદ્યને કહ્યું કે “તમારી પાસે આ દંડુકા ઘણા છે તો થોડાક મને આપોને.” હવે વૈદ્ય સમજે છે કે આ તો એના માટે કામના છે જે એને ઓળખતો હોય. ઓળખતો હોય એ દવા કરી આપે, આ તો ઓળખતો નથી, એને શું કામના? તો કે “ભાઈ તારે શું કામના?” તો કે “મારે ખણવા કામ આવે! ખણી-ખણીને નખ પાકી ગયા છે.” તો વૈદ્ય કે “એના કરતાં હું દવા એવી આપું કે તારું ખરજવું જ મટી જાય તો?” તો પેલો કે “ખરજવું મટી જાય પછી જિંદગીમાં સુખ કયું રહ્યું? આ જ તો સુખ છે! એટલે એ વાત નહીં કરતા, એ આપણે મટાડવા-બટાડવાનું નથી, આપણે તો દંડુકા જોઈએ ખણવા માટે.”
આ પહેલી દ્રષ્ટિવાળો અથવા એથી પણ નીચે ભવાભિનંદી. પણ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું હોય, ચોથે ગુણઠાણે હોય, તો એની ક્લેરિટી બરોબર હોય, પણ એ ભળી જાય રાગમાં, દ્વેષમાં. પણ પછી પાંચમે ગુણઠાણે, છઠ્ઠે ગુણઠાણે, સાતમે ગુણઠાણે આવે અને ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ થાય એમ ઉદાસીન દશા આવે. તમારી પાસે પણ સમ્યક દર્શન છે, એક સાધુ પાસે પણ છે. ફરક ક્યાં પડ્યો? કે તમારી પાસે ઉદાસીન દશા થોડી છે, સાધુ પાસે વધારે છે. અને ઉદાસીન દશા હોવાને કારણે એને ક્યાંય રતિ થતી નથી. આ સારું ને આ ખરાબ, એ ડિવિઝન સાધુ પાસે છે જ નહીં.
હમણાં પુનાવાળા એકબીજાને મળે ત્યારે શું વાત કરે? “શું ગરમી પડે છે! શું ગરમી!” હમણાં વાત એક જ હોય કેમ? રહેતો ac માં હોય પાછો અને વાત ગરમીની કરે, કે ગરમી બહુ છે. સાધુ પાસે ઉદાસીન દશા છે અને ઉદાસીન દશા હોવાને કારણે શરીરને સ્પર્શતી કોઈ બાબતો જોડે એને સંબંધ નથી.
વિહારની અંદર બે મુનિવૃંદો ભેગા થયા અધવચ્ચે. તો એક મુનિવૃંદ જ્યાંથી આવતું હતું ત્યાં બીજા જવાના હતા, આમને-સામને હતું. તો સામેથી જે મુનિવૃંદ આવતું હતું એમાં એક મુનિરાજને શરીરની તકલીફ બહુ હતી, ગરમી એમનાથી સહન નહોતી થતી. તો એમણે આ મુનિવૃંદને પૂછ્યું કે “તમે જ્યાંથી આવો છો, ત્યાં અમે જઈએ છીએ, તો ત્યાં ઉપાશ્રય કેવો છે? બારીઓ કઈ બાજુની છે?” એ વખતે પેલા મુનિવૃંદે કહ્યું: “સાહેબજી, એ અમને કંઈ ખબર નથી. અમે ઉપાશ્રયમાં ગયા, કાજો લીધો, સ્વાધ્યાય શરૂ કર્યો. બપોરે ગોચરી વાપરી, પાછો સ્વાધ્યાય, પડીલેહણ. બસ એટલો ખ્યાલ છે કે સૂર્યાસ્ત સુધી સ્વાધ્યાય થઈ શકે એટલે પ્રકાશ આવતો હતો અને પારિષ્ઠાપનિકાની જગ્યા સારી હતી. પણ હવા આવતી હતી કે નહોતી આવતી એનો કંઈ ખ્યાલ નહોતો.”
શરીરને સ્પર્શતી બાબતો પ્રત્યે મુનિ ઉદાસીન હોય, બરોબર? તમારો સંબંધ ક્યાં? એવું મકાન જોઈએ કે જ્યાં સ્વાધ્યાય સરસ થાય. ગરમી હોય તો કોઈ વાંધો નહિ, ઠંડી હોય તો વાંધો નહિ, સ્વાધ્યાય થવો જોઈએ. તો મુનિ પાસે ઉદાસીન દશા છે. આ ઉદાસીન દશા ક્યાંથી આવી? ચારિત્ર મોહનીયના ક્ષયોપશમથી. તમે પાંચમા ગુણઠાણે હોવ તો દેશવિરતિ એટલે થોડો ચારિત્ર મોહનીયનો ક્ષયોપશમ, મુનિનો ઘણો થયો અને સાતમા ગુણઠાણે જાય ત્યારે તો અપ્રમત્ત હોય, સતત અપ્રમત્ત. તો અહિયાં કહ્યું કે ગુરુ સમ્યક દ્રષ્ટિ છે. આ નિશ્ચય સમ્યક દર્શનની વાત છે.
નિશ્ચય દર્શન શું કહે છે? નિશ્ચય દ્રષ્ટિ એમ કહે છે કે સમ્યક દર્શન મળેલું, ત્યારે જ સાર્થક, જ્યારે એનું કામ થાય. તમારી પાસે લાઈટ છે, ટોર્ચ છે. અંધારામાં ટોર્ચ જલાવી, સાપ છે એ ખબર પડી, અને છતાં તમે સાપની બાજુએ જાઓ તો તમારી ટોર્ચ શું કામની? આ નિશ્ચય દ્રષ્ટિ, પ્રકાશ છે તમારી પાસે, પ્રકાશ દ્વારા તમે જોયું સાપ છે. સાપ છે તો ભાગવું જોઈએ. સાપ છે તમને ખબર પડે છે, તમે નજીક જાઓ છો એનો અર્થ એ થયો કે તમે જોયું ખરું પણ જોયાનો લાભ તમને ન મળ્યો.
એમ સમ્યક દર્શન થયું, આ નકામું છે, આ સ્વીકારવા લાયક છે આ તમને ખ્યાલ આવ્યો, પણ જે નકામું છે એને તમે છોડતા નથી, સ્વીકારવા જેવું છે એને સ્વીકારતા નથી, તો તમને મળેલું સમ્યક દર્શન વ્યવહારથી ખરું, નિશ્ચયથી નહીં. સાતમે ગુણઠાણે શું થયું? એને ખ્યાલ છે આ ખરાબ છે, એ ખરાબથી દૂર ભાગે. અવિરતિ ખરાબ તો અવિરતિ એના જીવનમાં છે જ નહીં. પાપ ખરાબ તો પાપ એના જીવનમાં છે જ નહીં. પ્રમાદ ખરાબ તો પ્રમાદ એના જીવનમાં છે જ નહીં.
તો બીજું વિશેષણ આવ્યું સમ્યક દ્રષ્ટિ. આગમ ધર ગુરુ સમકીતી. ત્રીજું વિશેષણ આપે છે: કિરિયા સંવર સાર રે. એમની ક્રિયા કેવી હોવાની? સંવરની. 24 કલાક તમે સામાયિકમાં હો ત્યારે સંવરમાં છો, કે કોઈપણ કર્મને તમે બાંધતા નથી. રાગમાં જાવ, દ્વેષમાં જાવ, અહંકારમાં જાવ તો તમે કર્મોને બાંધો. સામાયિકમાં તમે છો એટલે સમભાવમાં છો. સમભાવમાં હો ત્યારે રાગમાં હોઈ શકો? બે સામ સામે છે ને? આ બાજુ સમભાવ આ બાજુ વિભાવ.
રાગ વિભાવ એટલે કે પરભાવ. તમારો ભાવ નહીં, તમારો સ્વભાવ નહીં. દ્વેષ પણ પરભાવ, અહંકાર પણ પરભાવ. તો જે ક્ષણોમાં સમભાવ હોય, એ ક્ષણોમાં પરભાવ  હોય? તો પરભાવ હોય ત્યારે જ આશ્રવ થાય, કર્મોનું આગમન થાય, કર્મોનો આત્માની સપાટી સાથે એક સ્પર્શ થાય. પણ જ્યારે રાગદ્વેષ, અહંકાર તમારા મનમાં નથી ત્યારે કર્મો આવતા બંધ થાય. કર્મો આવતા બંધ થયા એને સંવર કહેવાય. તો આચાર્ય ભગવંત કે જે લગભગ અપ્રમત્ત છે એ સંવરની ભૂમિકામાં 24 કલાક સંવરમાં છે.
કેટલી મજાની વાત કે આચાર્ય તરીકે સંઘના પ્રશ્નો એ ઉકેલતા હોય, સંઘની ઉલઝનોને દૂર કરતા હોય, અને છતાં પોતે પોતાનામાં રહેતા હોય. એકવાર હું એક ગામમાં ગયેલો. એ ગામમાં બે પાર્ટી હતી. બંને પાર્ટીને મારા પર વિશ્વાસ કે સાહેબ આવ્યા છે તો સમાધાન થઈ જશે. તો સવારે તો પ્રવેશ થયો, સ્વાગત યાત્રા, પ્રવચન, 12 વાગી ગયા. એ લોકોએ સમય માંગ્યો. મેં કહ્યું, “તમે રાત્રે આવો, દિવસે તો લોકોની અવરજવર હશે. રાત્રે પહેલા એક પાર્ટીને બોલાવું, પછી બીજી પાર્ટીને બોલાવું. બેયની વાત સાંભળી લઉં અને પછી સવારે ચુકાદો આપી દઉં.”
રાત્રે પ્રતિક્રમણ પછી પહેલી પાર્ટીવાળા આવ્યા. હવે એમણે પોતાની વાત શરૂ કરી કે “અમારે આમ થયું, અમારે આમ થયું, એ લોકોએ આમ કર્યું, એ લોકોએ આમ કર્યું.” પાંચ મિનિટમાં મૂળભૂત વાત મને ખ્યાલમાં આવી ગઈ. પછી તો દ્વેષ હતો, એ દ્વેષનો વિસ્તાર: “અમે લોકોએ નવકારશી કરી, નવકારશીની જાહેરાત કરી, ત્યાં સુધી એ લોકોએ ના ન પાડી, પછી જમવા નહીં આવ્યા, અમારી રસોઈ બગડાવી, આમ કર્યું, તેમ કર્યું…” કલાક સુધી વાત કરી.
આ હવે એવું બન્યું કે ઉપાશ્રયમાં અંધારું અને જૂના ઉપાશ્રયમાં આવા થાંભલા ઘણા. તો એ થાંભલાની પાછળ પેલી પાર્ટી વાળો એક માણસ આવીને બેસી ગયો અને એણે બધી વાત સાંભળી અને જ્યાં આ લોકોની વાત પૂરી થવામાં હતી ત્યાં પેલો જતો રહ્યો બહાર. બહાર ગયો ને પેલી પાર્ટીવાળા બધા ભેગા થયેલા જ હતા. આ લોકોને ખ્યાલ હતો કે આ આપણો માણસ ત્યાં ગયેલો. શું વાત કરી? “અરે એમણે તો આમ કીધું ને, એમણે તો આમ કીધું ને, આપણા વિરુદ્ધમાં આમ કીધું ને, આપણા માટે આમ કીધું…”
એટલે પેલા લોકો ધૂંધવાઈને આવ્યા. આવ્યા, ત્રિકાળ વંદના કરીને બેઠા. પછી કે, “સાહેબ અમારી વાત અમે પછી કહીશું, પહેલા અમારે ખુલાસો જોઈએ. એ લોકોએ અમારા માટે શું કીધું? એ લોકોએ અમારા માટે આમ કીધું તું?”
મેં કહ્યું, “જુઓ ભાઈ વાત એવી છે કે એમણે પાંચ મિનિટ વાત કરી ત્યાં સુધી હું હાજર હતો. એમની વાત મેં સાંભળી. પછી એ લોકોએ કહ્યું કે આમ કર્યું તેમ કર્યું, હવે એમાં કઈ મારે જાણવા જેવું હતું નહીં. એ તો દરેક વ્યક્તિ કહેતી હોય. એટલે મેં એકેય સાંભળ્યું નથી. એટલે તમને પણ કહી દઉં કે તમારે પાંચ મિનિટમાં તમારે જે વાત કરવી હોય એ કરી લો. એક કલાક તમે બોલશો, હું ના નહીં પાડું, પણ હું સાંભળવાનો નથી.”
તમારી પાસે એક સગવડ છે, તમે આંખ તો બંધ કરી શકો, તમે કાન બંધ નથી કરી શકતા. હું તો કાન બી બંધ કરી શકું. કારણ કે આપણને રસ જ નથી, કાન બંધ થઈ ગયા. મેં કહ્યું, “તમારે પાંચ મિનિટમાં વાત કરવી હોય તો કરી દો, બાકી એક કલાક કરશો તો ના નહીં પાડું પણ હું સાંભળવાનો નથી.”
મેં કોઈની વાત સાંભળી નથી અને તમારી સાંભળવાનો પણ નથી. એ લોકોને ખ્યાલ તો હતો કે સાહેબની ભૂમિકા તો અલગ છે જ. પાંચ મિનિટ વાત કરી, રવાના થઈ ગયા. બીજી સવારે મેં પૂછ્યું, “બોલો ભાઈ બેવની વાત મેં સાંભળી છે, હવે ચુકાદો આપું બેયને મંજૂર હોય તો આપી દઉં?” “સાહેબ આપી દો.” ચુકાદો આપ્યો, બધા રાજી થઈ ગયા, ગળે વળગ્યા, ભેટી પડ્યા.
તમને આ કળા આવડે તો કેટલું સારું થઈ જાય! હવે તો છે ને, મારા કાન છે ને ક્ષીણ થયા છે એટલે મને આમેય બહુ મજા છે. ન સાંભળવું હોય ને, આમ કરી નાખો, આ હિયરિંગ એડ્સ (hearing aids) કાઢી નાખુ. બપોરે બેન્ડ વાજા વાગતા હતા, આમ કાઢી નાખ્યું, શાંતિ થઈ ગઈ! પણ એવું નહોતું ત્યારે બી શાંતિ હતી. કારણ કે મને છે ને એક મુશ્કેલી પડતી. મુશ્કેલી એ પડતી કે પહેલા શાંતિમાં હું ધ્યાન કરી શકું. હવે શિયાળામાં તો કોઈપણ રૂમમાં જતા રહીએ, ઉનાળામાં ગરમી લાગે રૂમમાં, હોલમાં બેસો તો અવાજ આવે. પણ એકવાર પ્રભુએ મને વિચાર આપ્યો કે શાંતિમાં તો ધ્યાન કરી શકે તો ઘોંઘાટમાં કેમ ન થાય? શાંતિને પાયો બનાવો અને ધ્યાન કરો, તો ઘોંઘાટને પાયો બનાવો અને ધ્યાન કરો. ભગવાને વિચાર આપ્યો, સારો વિચાર છે. અને ઘોંઘાટ પાયો બની ગયો.
પછી વાલકેશ્વરમાં મુંબઈ મારું ચોમાસું, એમાં પૂર્વ અને પશ્ચિમ બે બાજુ. પૂર્વ બાજુ માં બેસીએ તો બિલકુલ હવા ન આવે, પશ્ચિમ બાજુમાં હવા આવે પણ ટ્રાફિકનો (traffic) એટલો, અવાજ એવો કે રાત્રે બે થી ચાર સુધી જ શાંતિ હોય. રાત્રે ચાર વાગ્યે પ્રવાહ શરૂ થાય, રાતના બે વાગ્યા સુધી ટ્રાફિકનો પ્રવાહ ચાલે. જે લોકો આવે કે “સાહેબ આટલો બધો અવાજ…” તો મેં કહ્યું, “હવે વાંધો નથી અવાજનો, હવે ઘોંઘાટ પાયો બની ગયો છે.”
તો ત્રણ વિશેષણો સદ્ગુરુના કહ્યા:
આગમધર ગુરુ સમકીતી, કિરિયા સંવર સાર રે
એ પછીના ત્રણ વિશેષણો આવતી કાલે:
સંપ્રદાયી અવંચક સદા, સૂચી અનુભવધાર

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *