દુષમ કાળ જિનબિંબ જિનાગમ, ભવિયણ કો આધારા
આ દુષમ કાળની અંદર આપણા માટે બે આધાર સ્તંભો છે: પરમાત્મા અને પરમાત્માનું શ્રુત. પણ પરમાત્માના કે શ્રુતના પૂજકો જ નહીં હોય, તો આ પરંપરા ટકશે કઈ રીતે? પ્રભુ જોઈએ, પ્રભુના પ્યારા શબ્દો જોઈએ અને ત્રીજી વાત એ જોડીએ કે એ બંનેના પૂજકો પણ જોઈએ. પૂજકો વગર પ્રભુની પૂજા, આ સ્થાપત્યોની જાળવણી કોણ કરશે? એટલે પૂજકોને પણ આપણે વ્યવસ્થિત રીતે સાચવવા જોઈએ.
March Ending નો હિસાબ કર્યો અને Net Profit જે આવ્યો એમાંથી 1%, 2% કે 5-10% તમે Charity માટે રાખો. અને Charity માં જે વખતે જેની વધારે જરૂરિયાત હોય એ ક્ષેત્રમાં જ પૈસા ખર્ચાવા જોઈએ. તમે જિનાલયો માટે પૈસા ખર્ચો, સંઘ કઢાવો, ઉપધાન કરાવો – એની ના નથી; પણ આજના યુગમાં સાધર્મિકનું ક્ષેત્ર ભૂલાવું ન જોઈએ.
તમે શ્રુતની પૂજા કેવી રીતે કરો છો; સાચું કહેજો. 100 ની, 500 ની Note મૂકી દો છો. આજે નક્કી કરો કે વધુ નહીં, તો રોજ પા કલાક, અડધો કલાક કંઈક વાંચવું, કંઈક ભણવું. બે પ્રતિક્રમણના સૂત્રો તમને આવડે છે પણ એ સૂત્રોનો અર્થ તમારા ખ્યાલમાં નથી. તો સૌથી પહેલા એ સૂત્રોનો અર્થ કરો. માત્ર વાંચો. બે-પાંચ-દસ વાર વાંચશો તો પણ અર્થ ખ્યાલમાં આવી જશે.
એક પરંપરા એવી મજાની આપણને મળી, જે પરંપરાએ ભક્તિધારામાં આપણને બરોબર પરોવ્યા. એક સ્થાનકવાસી મહાસતીજી મારી વાચનાઓમાં આવતા. મારી વાચનામાં પ્રભુ-ભક્તિની વાતો સહજ રીતે આવતી. એક વાર એ મહાસતીજીએ મને કહેલું કે: “સાહેબ, અમે લોકોએ માત્ર સ્થાપના-નિક્ષેપને બાજુમાં નથી મૂક્યો, ભક્તિધારાને બાજુમાં મૂકી દીધી છે. તમારી પાસે જે પરમાત્માનું આલંબન છે, એ આલંબન તમને ભક્તિધારામાં મૂકે છે. અમારી પાસે એવું આલંબન ન હોવાથી અમારી ભક્તિધારા પ્રગાઢ બની શકતી નથી.” તો આપણે બહુ જ બડભાગી છીએ કે એક મજાની પરંપરા આપણને મળી. પહેલાં પણ મેં કહેલું કે નાનકડી આપણી કમ્યુનિટી (Community), પણ તીર્થો કેટલા બધા આપણી પાસે છે! એનું કારણ આપણી આ ભક્તિધારા છે. આજે પણ અમારા જેવા આચાર્યો પાસે એટલા બધા લોકોનું એક લિસ્ટ (List) હોય છે કે જેમને સ્વદ્રવ્યથી જિનાલય બનાવવા છે. તો પ્રભુનું આલંબન આપણને ભક્તિધારામાં લઈ જાય છે, આપણા હૃદયને ભીનું-ભીનું કરી દે છે.
એક વાત યાદ રાખો, કોરું હૃદય એ સાધનાને ક્યારેય પણ ઝીલી શકતું નથી. તમારા હૃદયમાં ભીનાશ હશે તો જ પ્રભુની સાધનાને તમે ઝીલી શકશો. ફૂટપાથ (Footpath) પર બેઠેલા એક માણસને તમે જુઓ અને તમારી આંખમાં આંસુ જો ન આવે, તો તમે કોરા છો. એક પણ દુઃખીને જોઈને તમારી આંખો છલકાઈ જવી જોઈએ. તમને રાત્રે ઊંઘ કેમ આવે? હમણાં જ વાતો આપણે સાંભળી ચિરાગભાઈ પાસેથી, કલ્પેશભાઈ પાસેથી કે કેવા સાધર્મિકો કેવી રીતે જીવી રહ્યા છે. આ સાંભળ્યા પછી તમે દૂધપાક-પૂરી ખાઈ શકો ખરા? તમે આરામથી સૂઈ શકો ખરા?
એક વસ્તુ તમે કરી શકો: માર્ચ એન્ડિંગે (March ending) હિસાબ કર્યો, નેટ પ્રોફિટ (Net profit) જે આવ્યો એમાંથી ૧%, ૨%, કે ૫% કે ૧૦% તમે ચેરિટી (Charity) માટે રાખો. અને ચેરિટીમાં જે વખતે જેની વધારે જરૂરિયાત હોય એમાં જ પૈસા ખર્ચાવા જોઈએ. જિનાલયો માટે પૈસા ખર્ચો, સંઘ કઢાવો, ઉપધાન કરાવો — ના નથી. પણ સાધર્મિકનું ક્ષેત્ર ભુલાવવું ન જોઈએ. આપણા યુગના સાધના-મનીષી પન્યાસપ્રવર ભદ્રંકરવિજય મહારાજ સાહેબ, એમની નિશ્રામાં અનુષ્ઠાનો કરાવવા માટે લોકોની લાઈન લાગતી કે આવા મહાગુરુની નિશ્રામાં આપણે સંઘ કઢાવીએ, આપણે ઉપધાન કરાવીએ. એ વખતે એ સદ્ગુરુ કહેતા કે: “તારે એક કરોડ ખર્ચવા છે ને? તો તું ૯૦ લાખની અંદર ઉપધાન પૂરું કરજે, ૧૦ લાખ હું કહું ત્યાં તારે ખર્ચવાના.” અને એ ગુરુદેવ કહેતા કે: “જ્યાં અત્યંત જરૂરિયાત છે એવા ક્ષેત્રમાં આ ૧૦ લાખ રૂપિયા તું વાપરી લે. તારે વાપરવા છે એટલા જ વાપર, પણ ૧૦% તું એવી રીતે વાપર કે જ્યાં ખરેખર જરૂરિયાત છે.”
એક વ્યક્તિની ભાવના છે, એના દાદાની ભાવના છે કે: “મારે ઉપધાન કરાવવા છે.” તો અમે પણ ના નથી પાડતા, ઉપધાન કરાવો, ઉપધાન કરાવવા જ જોઈએ. કોઈ પરંપરા જોડે અમને વિરોધ ક્યારેય પણ હોઈ શકે નહીં. પણ એક સદ્ગુરુ તરીકે અમારી પણ એક ફરજ છે કે સાત ક્ષેત્રની અંદર જે ક્ષેત્ર જે વખતે સીદાતું હોય એના તરફ અમારે આંગળી ચીંધવી જોઈએ. એક ક્ષેત્ર સીદાતું જ રહે અને બીજું ક્ષેત્ર પુષ્ટ થયા જ કરે, તો બેલેન્સિંગ (Balancing) ન થાય.
દુષમ કાળમાં આધારરૂપ બે: પરમાત્મા અને પરમાત્માનું શ્રુત. પણ પરમાત્માના પૂજકો નહીં હોય કે શ્રુતના પૂજકો નહીં હોય, તો આ પરંપરા ટકશે કઈ રીતે? પ્રભુ જોઈએ, પ્રભુના પ્યારા શબ્દો જોઈએ. ત્રીજી વાત એ જોડીએ કે એ બંનેના પૂજકો પણ જોઈએ. એ બંનેના પૂજકો જો ઓછા થયા, તો આ પ્રભુની પૂજા કોણ કરશે? આ સ્થાપત્યોની જાળવણી કોણ કરશે? એટલે જે પૂજકો છે, એમને પણ આપણે વ્યવસ્થિત રીતે સાચવવા જોઈએ.
એક ઘટના તમને કહું: શંખેશ્વરની બાજુમાં વણોદ ગામ છે. વર્ષો પહેલાં ત્યાં બે ઘર હતા. આજે તો કદાચ એક પણ નહીં હોય, અને ત્યાં ભોજનશાળા બની ગઈ છે, ધર્મશાળા બની ગઈ છે, તીર્થનો આકાર મળી ગયો છે. પણ એ વખતે માત્ર બે ઘર હતા. અને અમદાવાદ-શંખેશ્વરનો અંદરનો જે માર્ગ, એમાં વણોદ આવે. અમે લોકો શંખેશ્વરથી વણોદ ગયેલા. અમે ત્રણ મુનિરાજો હતા. મારી જોડે આચાર્ય ભાગ્યયશસૂરી અને આચાર્ય મહાયશસૂરી. બંને એ વખતે મુનિપદે હતા, અમે ત્રણ જણા ગયા. દેરાસરે ગયા, પ્રભુની ભક્તિ કરી, બહાર નીકળ્યા.
એ ભાઈ હાજર હતા શ્રાવકજી. “સાહેબ પધાર્યા બહુ સરસ, લાભ મળ્યો! આ સામે જ ઉપાશ્રય છે, આપણે ઉતરવાનું. પાણી તૈયાર છે, ગોચરી તૈયાર છે, વહોરવા માટે મહારાજ સાહેબને મોકલો.” મહાયશસૂરીજી પાણી વહોરવા ગયા, ભાગ્યયશવિજય વહોરવા માટે ગયા. ભાગ્યયશવિજય વહોરીને આવ્યા. મને કહે: “સાહેબ, અહીંયા બે ઘર નથી, ૩૨ ઘર છે! શું ભાવ છે! ખાખરાનો તો થપ્પો જ ઉપાડે છે સીધો. ઓછું કરાવતાં નાકે દમ આવી જાય. એ માની એક જ વાત: “સાહેબ તમે સંકોચ રાખો છો. અમારા બે જ ઘર છે, એટલે તમે સંકોચ રાખો છો!” અરે માડી સંકોચ નહીં, પણ કેટલું વાપરીએ?”
નવકારશી વાપરી, ફરી અમે દેરાસરે ગયા. પ્રાચીન પરમાત્મા, શાંતિનાથ પરમાત્મા. અમે દેરાસરે ગયા ત્યારે દસ સાધ્વીજી ભગવતીઓ ભોયણી બાજુથી આવ્યા. પેલા ભાઈ હાજર હતા. “સાહેબ પાણી તૈયાર છે, ગોચરી તૈયાર છે, વહોરવા માટે મોકલો.” ચાર-પાંચ ડોળીવાળી બહેનો હતી, એને પણ લઈ ગયા.!
બપોરે ૧૨ વાગ્યે એ ભાઈ આવ્યા ઉપાશ્રયે, કે: “સાહેબ તમે પગલાં કરશો?” મેં કહ્યું: “તમારે ત્યાં પગલાં નહીં કરું તો ક્યાં કરીશ? આટલો ભાવ તમારો! આઠ મહિના વિહાર ચાલુ હોય અને આટલો ભાવ તમારો! તમારે ત્યાં પગલાં ન કરું તો ક્યાં કરીશ?” પગલાં કરવા માટે ગયા. ભાગ્યયશવિજયે પાત્રા લઈ લીધા. એક ઘરે વહોર્યું, પછી બીજા ઘરે ગયા. આગળ દુકાન, અંદર ઘર. એ ભાઈએ કહ્યું: “સાહેબ, આ મારી દુકાન.” દુકાન ખુલ્લી હતી. નજર નાખી, થોડા કાપડના તાકા, થોડો સ્ટેશનરીનો સામાન. વિચાર થયો: “આ માણસ આ દુકાનમાંથી શું કમાય, શું ખાય અને શું અમને ખવડાવે છે?”
અંદર ગયા, ચિત્ર આખું બદલાઈ ગયું! બંને જણાએ વંદન કર્યું, માંગલિક સાંભળ્યું, વાસક્ષેપ લીધો. વહોરાવવાની વાત આવી, રોટલીનો થપ્પો! ઓછું કરાવતાં નાકે દમ આવી ગયો. વહોરીને આવ્યા, વાપર્યું. અમારી જોડે સાયકલવાળો હતો. એ સાયકલિસ્ટ જમીને આવ્યો ત્યારે મેં એને પૂછ્યું કે: “તારે જમવાનું કેવું હતું?” એ વખતે એ સાયકલિસ્ટની આંખમાં આંસુ હતા. એ કહે: “સાહેબ, આજે મને મારી મા યાદ આવી ગયી. અમે મજૂર લોકો, અહીંયા મજૂરી કરીએ, ઘરે જઈએ, અમારી મા પ્રેમથી અમને જમાડે. જમવામાં બીજું તો કંઈ ન હોય, રોટલો અને દાળ હોય, બહુ બહુ તો ગોળનો ટુકડો હોય, પણ એ પ્રેમથી જમાડે. આજે આ શ્રાવિકા માતાએ જે પ્રેમથી મને અને પેલી ડોળીવાળી બહેનોને જમાડ્યા છે, અમારી આંખોના આંસુ હજુ સુકાતા નથી! એક-એક રોટલી ગરમ-ગરમ લાવતી જાય ભાણામાં. “તમે તો શ્રમજીવી છો, મહારાજ સાહેબની આટલી ભક્તિ કરો છો, તમારે તો ખાવા જોઈએ જ!” મીઠાઈનો ટુકડો નાખી દે, હાથ જોડીએ: “મા ઘણું થઈ ગયું, પેટ ભરાઈ ગયું.” “અરે એમ ભરાતું હશે કઈ? લો એક ટુકડો વધારે!””
ત્રણ વાગ્યે પાછા એ ભાઈ આવી ગયા: “સાહેબ, ચા-પાણીનો લાભ!” મેં કહ્યું: “ચાનો તો ખપ નથી, પણ તમે બેસો.” મેં એમને કહ્યું કે: “આઠે મહિના વિહાર ચાલુ…?” મને કહે: “ચાલુ.” મેં કહ્યું: “એક કામ તમે કરશો?” મને કહે: “બોલો સાહેબ ફરમાવો.” મેં કહ્યું: “અમારી ભક્તિ તો તમે કરવાના જ છો. પણ ડોળીવાળી બહેનો આવે, વ્હીલચેરવાળા (Wheelchair) ભાઈઓ આવે, સાયકલવાળા ભાઈઓ આવે. એ બધા માટે તમે પુજારીને ત્યાં જમવાનું નક્કી કરાવી રાખો. ભલે પર હેડ (Per head) રોજના ૧૦૦, ૧૫૦, ૨૦૦ જે નક્કી કરવું હોય એ કરો, એટલે પુજારીને પણ એક આવક ઊભી થાય. અને જેટલું બિલ (Bill) હોય એ બધું બહારથી આવી જશે. શહેરમાં ઘણા લોકો એવા છે જે ઉપરના માળો પર રહેતા હોય, જ્યાં સાધુ-સાધ્વીજીઓનો લાભ એમને મળતો નથી. એવા લોકોની ઈચ્છા હોય છે કે વિહાર ક્ષેત્રોમાં અમને કંઈક લાભ મળે. તો આટલું તમે કરશો?”
મને કહે: “સાહેબ આવી વાત તમે કરો છો?” મને તો એમ કે તમે કોઈ લાભની વાત બતાવશો કે પાંચ-પચીસ હજાર ક્યાંક ખર્ચવાના હોય. બાકી સાહેબ તમારી ભક્તિ હું કરું, અને જે લોકો તમારી ભક્તિ કરે એની ભક્તિ હું ન કરું એ ચાલે ખરું? શું એના શબ્દો છે: “તમારી ભક્તિ કરું… જંગલોની અંદર એ લોકો તમારી જોડે રહેવાના છે, અમે લોકો તમારી જોડે આવવાના નથી.”
એ ભાઈ કહે છે: “સાહેબ મેં મારા ગામમાં જોયું છે શિયાળામાં ઉપાશ્રય નાનકડો હોય, મહારાજ સાહેબ ઉપાશ્રયમાં હોય, પેલા લોકો બહાર ખુલ્લામાં સૂઈ જતા હોય છે. સંઘની વ્યવસ્થા હોય તો ઓઢવા-પાથરવાનું આપે. ન આપે તો પણ ચૂં કે ચા બોલ્યા વગર આખી રાત એ લોકો ઠંડીમાં પસાર કરે છે! આવી તમારી ભક્તિ જે લોકો કરે એમની ભક્તિથી મને કેમ તમે વંચિત રાખો છો?” એ વખતે મારી આંખ ભીની બની કે શું આની ભાવના છે! મેં પછી કહ્યું: “પણ એક વાત મને કહો, આમ પરિચિત હતા. મેં કહ્યું, તમારું પૂરું કેમ થાય છે? તમારી દુકાન મેં જોઈ.”
મને કહે: “સાહેબ તમારી વાત ખરી છે, દુકાન જોતાં કોઈને પણ લાગે નહીં કે હું ખરેખર પૈસાદાર હોઈશ. પણ તમે લોકો જ કહો છો ને કે પુણ્યથી પૈસા મળે છે! થોડું મહેનતથી મળે છે?” “નહીં.” “તો આ સાધુ-સાધ્વીની ભક્તિ આઠ મહિના ચાલુ હોય છે, એનું પુણ્ય એટલું બધું મને મળે છે કે મને ક્યાંય વાંધો નથી આવતો. સાહેબ આ ભક્તિ તો બરોબર, મારા સમાજમાં પણ હું આગેવાન છું અને સમાજની કોઈ પણ ટીપ હોય એમાં પહેલું નામ મારું હોય છે. એ ૨૫ લાખની ટીપ હોય તો ૨ લાખ મારા હોય છે. સાહેબ ક્યાંથી પૈસા આવે છે મને ખબર નથી, પણ હું તો માનું છું કે તમારી સેવાના પુણ્યથી જ પૈસા આવે છે.”
આવા સાધર્મિકો આપણે ત્યાં એક નહીં, અનેક છે. એટલે આજના યુગમાં તમારે પૈસા વાપરવા હોય તો માત્ર અને માત્ર સાધર્મિક ભક્તિમાં અને જીવદયામાં વાપરો. અને પહેલાં મેં કહેલું, સાધર્મિક ભક્તિમાં માત્ર અનાજ આપીને છૂટી ન જાવ, માત્ર ૨૫-૫૦ રૂપિયા આપ્યા એમ નહીં. તમે જો શ્રીમંત છો, તો એવા એક કુટુંબને આખું ઉંચકી લો. એના દીકરા કે દીકરીનો તમે એજ્યુકેશનનો આખો ભાર ઉપાડી લો. અને એને ડૉક્ટર બનાવી દો અથવા વકીલ બનાવી દો, બેરિસ્ટર (Barrister) બનાવી દો, જેથી એનું આખું ઘર પગભર બને છે.
તો ‘દુષમ કાલ જિનબિંબ જિનાગમ, ભવિયણ કો આધારા!’ પરમાત્મા અને પરમાત્માનું આ શ્રુત એ આપણા માટે આધારરૂપ છે. પણ એ પરમાત્માના પૂજકો પણ જોઈશે અને એ શ્રુતની પૂજા કરનારા પણ જોઈશે. તમે શ્રુતની પૂજા કઈ રીતે કરો છો? સાચું કહેજો. 100ની, 500 ની નોટ મૂકી દો. પણ એવું નક્કી કર્યું છે કે રોજ અડધો કલાક વાંચવો? આજે નક્કી કરો કે વધુ નહીં તો રોજ પા કલાક, અડધો કલાક કંઈક વાંચવું, કંઈક ભણવું. આપણો જૈન ધર્મ સૂક્ષ્મમાં સૂક્ષ્મ, ઊંડામાં ઊંડો. આટલા બધા પુસ્તકો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં અત્યારે પ્રકાશિત થયા છે બેશુમાર! તમે એને વાંચો તો પણ તમને ખ્યાલ આવે કે કેવું શાસન તમને મળ્યું.
એક ખાસ કામ એ કરો, બે પ્રતિક્રમણ તમને આવડે છે. તમે સવાર-સાંજ પ્રતિક્રમણ કરો પણ છો, ચૈત્યવંદન કરો છો, પણ એ સૂત્રોનો અર્થ તમારા ખ્યાલમાં નથી. તો સૌથી પહેલા એ સૂત્રોનો અર્થ કરો. ખાલી વાંચો, ‘ઈરિયાવહિયં’માં શું આવ્યું? ‘તસ્સ ઉત્તરી’માં શું આવ્યું? ‘લોગસ્સ’માં શું આવ્યું? ખાલી વાંચો. બે-પાંચ-દસ વાર વાંચશો ને એટલે ખ્યાલ આવી જશે કે આ સૂત્રમાં આ વાત છે.
પછી તમે એ સૂત્ર બોલશો ત્યારે ભાવ આવશે: ‘કિત્તિય વંદિય મહિયા’. આપણે બોલીએ ‘લોગસ્સ’માં, એનો અર્થ એ થયો કે મેં પ્રભુના નામનું કીર્તન કર્યું. “ઉસભમજિયં ચ વંદે”, આપણે બોલ્યા એટલે કીર્તન થયું. પછી ‘વંદિય’, જે જે વખતે “ઉસભમજિયં ચ ‘વંદે'” આવે ત્યારે આપણું મસ્તક ઝૂકવું જોઈએ, અને મન પણ ઝૂકવું જોઈએ. ‘મહિયા’ એટલે કાયા ઝૂકે, મસ્તક ઝૂકે. અને વંદન એટલે મન ઝૂકે. મનની અંદર એ પરમાત્મા પ્રત્યેનું બહુમાન હોય અને આપણું મસ્તક એ પરમાત્માના ચરણોમાં ઝૂકતું હોય. તો કિત્તિય, વંદિય, મહિયા — આ ત્રણેય શરતો પૂરી થાય. પણ આ ખ્યાલ ક્યારે આવે?
સામાયિક પાળો ત્યારે બોલો: ‘દસ મનના, દસ વચનના, બાર કાયાના દોષ’. પણ ક્યારેય જોયું કે મનના દસ દોષ કયા લાગે? વચનના દસ દોષ કયા લાગે? તમે ઉપાશ્રયમાં સામાયિક કરો છો. વેવાઈ તમારા ઘરે આવ્યા બહારથી. ઘરે આવ્યા અને ખબર પડી કે વેવાઈ તો ઉપાશ્રયે છે. તમને મળવા ઉપાશ્રય આવે, તમે સામાયિકમાં છો અને એ વખતે તમે કહો: “ઓહ! તમે આવ્યા? સરસ!” આટલું બોલો, વચનનો દોષ લાગે. એ વેવાઈ જે મોટરમાં, જે ગાડીમાં આવેલા હોય અને વિરાધના કરેલી હોય, એની અનુમોદનાનું પાપ તમને લાગે. એટલે આ તમે જાણો તો તમારી ક્રિયાઓ શુદ્ધ થાય.
તો અદ્ભુત શાસન આપણને મળ્યું છે. આવતી કાલથી કલ્પસૂત્રના પ્રવચનો શરૂ થશે. ‘કલ્પસૂત્ર’! આપણે ત્યાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સૂત્ર – કલ્પસૂત્ર! પરમાત્માના જીવનની વાતો, એનાથી વધારે પ્યારી વાતો કઈ હોય? પરમાત્માની સાધનાની વાતો આવે છે, પરમાત્માએ કેવી સાધના કરી! ઘણાને થાય કે દર વર્ષે એકનું એક સૂત્ર? એકની એક વાત? પણ હજુ આપણો પ્રેમ પ્રભુ પરનો એટલો જાગ્યો નથી.
દીકરો પરદેશ હોય અને દેશમાંથી કોઈ પરદેશ જાય, અને દીકરાની માનો પત્ર લઈ અને દીકરાને આપે. મા ગુજરાતી એટલું ભણેલી પણ ન હોય, ગરબડિયા અક્ષરો હોય, પણ દીકરાને મન તો માનો પત્ર, માની લાગણી, માનો પ્રેમ… આ વાત હોય છે! એને અક્ષર જોડે સંબંધ નથી, એને માના પ્રેમ જોડે સંબંધ છે. એમ આપણને સંબંધ પ્રભુના પ્રેમ સાથે છે. મારા પ્રભુની વાત! “ઓહ! સદ્ગુરુ મારા પ્રભુની વાત કહે છે!”, મારે મારા પ્રભુની વાત સાંભળવી છે. તો એ રીતે આવતી કાલથી કલ્પસૂત્ર આપણે સાંભળવાનું છે.
