Shree Navpad Vachna || 24-10-2026 || Pune Chaturmas

23 Min Read

જ્ઞાન પદ

અનુભૂતિ થાય તો જ જ્ઞાન સાર્થક. સમ્યગ્જ્ઞાન જે તમને મળે, એનું કારણ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે એવું નહીં માનતા; એનું કારણ મોહનીયનો ક્ષયોપશમ છે. દર્શન મોહનીયના ક્ષયોપશમથી, કે ઉપશમ કે ક્ષયથી, સમ્યગ્દર્શન મળે. અને સમ્યગ્દર્શન મળ્યા પછીનું જ્ઞાન એ જ સમ્યગ્જ્ઞાન.

વકીલ હોય કે ધૂંવાધાર પ્રવચનકાર હોય, એની પાસે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોઈ શકે. પણ એને આપણે સમ્યગ્જ્ઞાન નહીં કહીએ; માત્ર માહિતીજ્ઞાન કહીશું. સાધના માટે, સાધનામાં આગળ જવા માટે માહિતીજ્ઞાન બહુ કામ આવતું નથી; સમ્યગ્જ્ઞાન જોઈએ છે. અને એ અનુભૂતિપૂર્વકનું હોય તો જ કહેવાય, નહિતર નહીં.

વૈખરી અને મધ્યમા ના સ્તરે તમને આત્મતત્ત્વનો અર્થ ખ્યાલ આવી ગયો કે આત્મા દેહને પેલે પાર, નામને પેલે પાર, મનને પેલે પારની ઘટના છે. હવે પશ્યન્તી અને પરામાં જવાનું. પોતાના ગુણોનો અનુભવ કરવાનો, પોતાના સ્વરૂપનો અનુભવ કરવાનો. આ અનુભવ કરો તો જ સમ્યગ્જ્ઞાન પદની આરાધના થયેલી કહેવાય.


શાશ્વતી ઓળીની આરાધનામાં આજે સમ્યગ્જ્ઞાન પદની આરાધના. આ વખતના ઓળીના પ્રવચનોના સ્વાધ્યાયમાં આપણે માત્ર અનુભૂતિના સ્તર પર ચાલ્યા છીએ. પાંચ પરમેષ્ઠીઓની પણ અનુભૂતિ શી રીતે થાય, એ શ્રીપાળ રાસમાં મહોપાધ્યાય યશોવિજય મહારાજે આપણને સમજાવ્યું.
સમ્યગ્દર્શન પદમાં આત્મતત્ત્વની અનુભૂતિ શી રીતે થાય, એ પદ્મવિજય મહારાજ સાહેબે આપણને ગઈકાલે સમજાવ્યું. હવેના ત્રણે પદો આત્માનુભૂતિના જ છે: સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્ર, અને સમ્યક્તપ. આ ત્રણે પદો આત્માનુભૂતિના છે.
અનુભૂતિ થાય તો જ જ્ઞાન સાર્થક. અને એટલે જ આપણી પરંપરામાં જ્ઞાનાવરણીયના ક્ષયોપશમ ઉપર બહુ ભાર નથી, મોહનીયના ક્ષયોપશમ ઉપર ભાર છે. સમ્યગ્જ્ઞાન જે તમને મળે, એનું કારણ જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ છે એવું નહીં માનતા. એનું કારણ મોહનીયનો ક્ષયોપશમ છે. દર્શન મોહનીયના ક્ષયોપશમથી, કે ઉપશમ કે ક્ષયથી, સમ્યગ્દર્શન મળે. એ સમ્યગ્દર્શન મળ્યા પછીનું જ્ઞાન એ જ સમ્યગ્જ્ઞાન.
બેરિસ્ટર હોય કે ધૂંવાધાર લેક્ચરર હોય, એની પાસે જ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ હોઈ શકે પણ એને આપણે સમ્યગ્જ્ઞાન નહીં કહીએ, માહિતીજ્ઞાન કહીશું. સાધના માટે, સાધનામાં આગળ જવા માટે સમ્યગ્જ્ઞાન જોઈએ છે. અને એ અનુભૂતિપૂર્વકનું હોય તો જ કહેવાય, નહિતર નહીં.
સમ્યગ્જ્ઞાનની, સમ્યગ્દર્શનની, એટલે કે જ્ઞાતા અને દ્રષ્ટા ભાવની વાત કરીએ અને એ રીતે અનુભૂતિની અંદર આપણે જઈએ, ત્યારે અનુભૂતિનો એક ક્રમ યાદ આવે. અનુભૂતિ કરવી છે આત્માની. તમે તમને ન ઓળખો તો ચાલે?
ગુર્જિએફ પાસે સાધકો આવતા, ત્યારે ગુર્જિએફ એમને સેકન્ડ કાંટાવાળી ઘડિયાળ હાથમાં આપતા અને કહેતા કે સેકન્ડ ટુ સેકન્ડ, એક મિનિટ સુધી સેકન્ડ કાંટાનો પીછો કરો. થઈ શકે? બહુ મોટી વાત નથી. પહેલી સેકન્ડે, બીજી સેકન્ડે, ત્રીજી સેકન્ડે, કાંટો જેમ જેમ આગળ વધ્યો, તમે જોઈ શકો છો, નોંધ લઈ શકો છો.
એ પછી ગુર્જિએફ બીજું લેસન આપતા. એ કહેતા કે સેકન્ડ કાંટાના દેખનારને જુઓ. સેકન્ડ કાંટાને જોયો સેકન્ડ ટુ સેકન્ડ. હવે સેકન્ડ કાંટાના જોનારને જુઓ. લગભગ સાધકો કહેતા કે જોનારને જોઈ શકાતો નથી.
જાણનારને જાણવો છે, જોનારને જોવો છે. તમે દ્રષ્ટા છો, તમે જ્ઞાતા છો. તમે જોનાર છો, જાણનાર છો. એ જોનારને અને જાણનારને જોવું, એ જ અનુભૂતિનો માર્ગ.
તો અનુભૂતિ કરવી હોય તો there are four steps. ચાર ચરણો છે: વૈખરી, મધ્યમા, પશ્યન્તી અને પરા. જ્ઞાનપાંચમ આવશે, કારતક સુદ પાંચમ. ત્યારે આપણે દેવવંદન કરીશું. એ દેવવંદનની અંદર આ ચાર ભાષાઓ માટેની મજાની વાતો આવે છે.
એક કડી છે:
“અનામીના નામનો કિશ્યો વિશેષ કહેવાય,
એ તો મધ્યમા વૈખરી રે વચન ઉલ્લેખ ઠરાય.”
You are the nameless experience, બરોબર ને? નામ કોનું? આનું. આત્માનું નામ ખરું? You are the bodyless experience. શરીર એ તમે નથી. શરીર તો તમારે રહેવા માટેનું ઘર છે. You are the nameless experience. You are the mindless experience.
તો દેવવંદનમાં કહ્યું: “અનામીના નામનો કીશ્યો વિશેષ કહેવાય.” આત્મા અનામી છે, તો હવે એનું નામ જ ક્યાંથી હોય? પણ જ્યારે આત્મતત્ત્વ વિશે વાત કરવી છે, ત્યારે એકાદ શબ્દ આપણે પસંદ કરવો પડે છે. એ ‘આત્મા’ શબ્દ લો, ‘ચૈતન્ય’ શબ્દ લો, ‘મુક્ત આત્મ સંઘટના’ કહો, જે શબ્દ વાપરવો હોય એ વાપરો. પણ વાતચીતની ભાષા જ્યારે થાય, ત્યારે આપણે શબ્દને વાપરવો પડે. તો વૈખરી અને મધ્યમા સુધી શબ્દ વાપરવો પડે છે. પશ્યન્તી અને પરામાં શબ્દો નથી.
તો હવે વૈખરી ભાષા એટલે શું? તમે માત્ર શબ્દ બોલી જાઓ, એના અર્થ જોડે પણ તમને બહુ સંબંધ ન હોય, એ વૈખરી ભાષા. એટલે ‘આત્મા’ શબ્દ જે છે એ બોલી દીધો.
દિલ્હીનો એક વેપારી. ખાંડ, તેલ, ગોળનો જથ્થાબંધ વેપારી. સવારે ચાર વાગ્યે એક વાર ઊઠ્યો અને એને થયું કે વેપાર તો બહુ ખેલ્યો, આત્મતત્ત્વ વિશે ક્યારેય જાણ્યું નહીં. ઋષિકેશમાં એક સદ્ગુરુ હતા, જેમના નામથી આ વેપારી પરિચિત હતા. તો થયું કે ઋષિકેશ જાઉં, એ ગુરુના ચરણોમાં બેસું અને આત્મતત્ત્વ ઉપર કંઈક સાંભળું.
તમે પણ ક્યાં સુધી આવો? પ્રવચનમાં જઈ આવીએ. મહારાજ સાહેબ આત્મા ઉપર બોલે તો આત્મા ઉપર સાંભળી લઈશું, બરોબર? બાકી આત્માનું શું કરવું એ મહારાજ સાહેબ જાણે.
વેપારી છ વાગ્યે ચા-નાસ્તો કરીને તૈયાર થઈ ગયો. શૉફરને કહ્યું, “કાર તૈયાર કર.” કારમાં બેસી ગયા, ઋષિકેશ પહોંચી ગયા. પહોંચ્યા પછી આશ્રમની ઑફિસમાં પૂછપરછ કરી કે ગુરુ કેટલા વાગ્યે મળશે? તો કે દસ પહેલાં તમને નહીં મળે, વહેલામાં વહેલા દસ વાગ્યે મળશે. તો કે મારી પહેલી અપોઈન્ટમેન્ટ નોંધી લો, દસ વાગ્યે મારે મળવું છે.
દસ વાગ્યે ગુરુ ધ્યાનમાંથી બહાર આવ્યા. એમની ચેમ્બર ખૂલી. વેપારી અંદર ગયો. ગુરુના ચરણોમાં ઝૂક્યો અને કહ્યું કે આત્મતત્ત્વ વિશે આપ કંઈક મને સમજાવો. ત્યારે ગુરુ બહુ જ ઊંચી કક્ષાના ગુરુ હતા. ગુરુએ સામેથી પૂછ્યું, “ક્યાંથી આવો છો?”
દિલ્હીથી.

“શું કરો છો ત્યાં?” તેલ, ગોળ, ચોખા, એ બધાનો જથ્થાબંધ વેપારી છે. “અચ્છા. ગઈકાલ રાતનો કોલ્હાપુરી ગોળ નંબર એકનો શું ભાવ હતો?” પેલાએ ભાવ કહ્યો. “બાસમતી ચોખાનો ગઈકાલ રાતનો છેલ્લો ભાવ શું હતો?” ભાવ કીધો. “ખાંડનો ભાવ શું?” એ પણ ભાવ કહ્યો.
અચાનક વેપારીને થયું કે આટલા મોટા ગુરુ છે અને ભાવ કેમ પૂછે છે? કે, “સાહેબ, તમે ભાવ શા માટે પૂછો છો? જે કંઈ જોઈતું હોય એ કહી દો, હું અહીંથી ફોન કરીશ. ટ્રક ભરાઈને આવી જશે, મને લાભ મળશે.”
ગુરુ કહે છે, “આશ્રમના રસોડામાં શું જોઈએ એ આશ્રમની મેનેજમેન્ટવાળા જુએ, એ મારો વિષય નથી. હું તો એટલા માટે પૂછતો હતો કે તમે આત્મતત્ત્વ વિશે સાંભળવાના અધિકારી છો કે કેમ? તમારી પરીક્ષા લેતો હતો. અને આજે તમને કહી દઉં કે અત્યારે પાછા જાઓ. જે દિવસે સવારે ગોળ, ખાંડ, તેલ બધાના ભાવ તમે ભૂલી ગયેલા હો, એ દિવસે મારી પાસે આવજો.”
તમારી પરીક્ષા હું કરું? ગઈકાલ રાતનો કોલ્હાપુરી ગોળનો ભાવ યાદ છે, બાસમતી ચોખાનો ભાવ યાદ છે, મનમાં બધો કચરો ભર્યો છે અને એમાં તમારે આત્મતત્ત્વને ભરવું છે? પહેલાં મનને ખાલી કરો, જાઓ. તો વૈખરી એ ભાષા છે કે જ્યાં તમે વિચાર નથી કરતા, માત્ર સાંભળો છો, માત્ર બોલો છો.
એ પછી મધ્યમા આવે, કે જ્યાં શબ્દો જોડે અર્થનો સંબંધ છે. ‘નમુત્થુણં’ બોલો, એક-એક શબ્દનો અર્થ ખ્યાલમાં હોય ને?
अभयदयाणं चक्खुदयाणं मग्गदयाणं
પ્રભુ અભયને આપે. અભય એટલે ચિત્તની સ્થિરતા. ભય હોય ત્યારે શું થાય? ચિત્તમાં પ્રકંપનો થાય, ચિત્ત અસ્થિર બને. અભય એટલે ચિત્તની સ્થિરતા. તમારા ચિત્તને સ્થિર કોણ બનાવે? પ્રભુ. ચિંતામણિ દાદાને જુઓ, ગોડીજી દાદાને જુઓ, તમારું ચિત્ત સ્થિર થઈ જાય; જો દાદાને બરોબર જોતાં આવડે તો.
પછી ‘ચક્ખુદયાણં’. પ્રભુને કેમ જોવા એની આંખ પણ પ્રભુ આપે. પ્રભુનો માર્ગ પણ પ્રભુ આપે. એ માર્ગ પર તમે ચાલો અને અહંકાર આવ્યો, દ્વેષ આવ્યો, તો એ અવરોધોમાંથી તમને શરણ પણ પ્રભુ આપે. બધું જ પ્રભુ આપે છે. તો આ રીતે મધ્યમા ભાષામાં તમે જાઓ, ત્યારે શબ્દોનો અર્થ તમારા ખ્યાલમાં આવે.
‘આત્મા’ શબ્દ છે, એનો મધ્યમામાં શું અર્થ થાય?
अतति गच्छति तांस्तान् पर्यायान् इति आत्मा।**
તે તે પર્યાયોને પામવા છતાં જે પોતે દ્રવ્યરૂપે નિત્ય રહે, તે આત્મા છે. આ શરીર એટલે પર્યાય. રોગ આવ્યો તો પર્યાય. બાળપણ પર્યાય, યુવાવસ્થા પર્યાય, ઘડપણ તો પર્યાય. દ્રવ્ય કોણ? નિત્ય આત્મતત્ત્વ.
તો મધ્યમામાં તમે જાઓ ત્યારે દ્રવ્ય શું અને પર્યાયો શું, એનો તમને ખ્યાલ આવે. સાધક કોને કહેવાય ખબર છે? જે પર્યાયોમાં પોતાના મનને ન મૂકે, દ્રવ્યમાં જ મૂકે એ સાધક. રોગ આવ્યો—પર્યાય છે, એને અને મારે કોઈ નિસ્બત નથી. કારણ કે શરીર એ જ હું નથી, તો શરીરમાં આવેલો રોગ એની જોડે મારે શું નિસ્બત? હું તો આત્મતત્ત્વ છું.
તો મધ્યમાની અંદર આત્મા શું છે એનો તમને ખ્યાલ આવે, એટલે કે જ્ઞાન થયું. પણ જ્યાં સુધી અનુભૂતિ ન થાય ત્યાં સુધી જ્ઞાન નકામું. સવારના પોરમાં ચા વિશે અડધો કલાક પ્રવચન સાંભળી લો અને કામ પૂરું થઈ જાય? ચા પીવી પડે? પીવી પડે.
એક ભાઈએ, નાનકડા ગામમાં રહેતા હતા. આમંત્રણ આપ્યું આખા સંઘને કે મારે ત્યાં બપોરે જમવા માટે પધારો. ઘર હતું, મોટી વાડી પાછળ હતી. સાડા અગિયાર-બાર વાગ્યે બધા આવી ગયા જમવા માટે. પણ ક્યાંય રસોઈ બનતી લાગી નહીં, બધા વિચારમાં પડ્યા.

ત્યાં એ શેઠ પોતે આવ્યા. શેઠે કહ્યું, “નમસ્કાર. આપ બધા પધાર્યા છો, આપનું હું સ્વાગત કરું છું. આજનું મેનુ પહેલાં આપને હું કહી દઉં. બરફી, મોહનથાળ, ગુલાબજાંબુ, ભજીયાં, પૂરી, બે શાક, દાળ, ભાત, પાપડ, કચુંબર—આ આજનું મેનુ છે. આપ બધા પધાર્યા બહુ સરસ, આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફરી ફરીને મારે ત્યાં આવતા રહો.” એકેય વાનગી બનાવેલી નહીં અને એકેય વાનગી પીરસેલી નહીં. આપ પધાર્યા બહુ સરસ કર્યું, સ્વાગત પણ કરી લીધું, આભાર પણ માન્યો છે અને ‘ફરી પધારજો’ આમંત્રણ પણ આપ્યું! પેલા બધા મનમાં કહે કે ફરી કોણ આવે તારે ત્યાં!
અને અમારી પ્રવચન સભામાં શું થાય? તમે જમવા આવો કે સાંભળવા આવો? આજે સમ્યગ્જ્ઞાન પદની આરાધના. જ્ઞાન આવું હોય, સમ્યગ્જ્ઞાન આવું હોય—તહત્તિ, જી સાહેબ. પણ જમો તો ખરા!
અત્યાર સુધી બહુ જ તમે નિઃસ્પૃહ રહ્યા છો, ઇચ્છા વગરના. સાહેબે સંભળાવ્યું, સાંભળી લીધું, રાજી થઈને જતા રહ્યા. આ ચિરાગભાઈ કહી દે, “અહીં આવજો બધા, સવારે નવકારશી.” અને પછી નામ બોલી જાય: ચા, મેંદુવડા, ઇડલી, સંભાર, ચટણી. ચાલે? અને અમે નામ બોલીને સર્વમંગલ કરીએ, તમે બેસી ન રહો? “સાહેબ, આવું તો કંઈ ચાલતું હશે? પહેલાં જમાડો, પછી સર્વમંગલ કરો.” આવું તો કોઈ દા’ડો કહેતા નથી. સાંભળીને ખુશ થઈ જાઓ. તમે ક્યારે કીધું કે, “સાહેબ, વાચના તો મોટી મોટી આપ્યા કરો છો, અમને ખવડાવતા તો નથી.” કરી ફરિયાદ?
તો હવે ત્રીજી ભાષા આવશે—પશ્યન્તી. પશ્યન્તી, એનો અર્થ જ થાય જોતી ભાષા. જોવું એટલે અનુભવવું. તો પશ્યન્તી ભાષાની અંદર તમે જ્યારે જાઓ છો, ત્યારે તમારા ગુણોનો તમને અનુભવ થાય છે. વીતરાગ દશા એ આપણો ગુણ છે. સમભાવ એ આપણો ગુણ છે. આનંદ એ આપણો ગુણ છે. તમે શેમાં હો બોલો? આનંદમાં જ હો. તમે moodless ક્યારેય હો ખરા? તમે… તમે moodless હો?

જેની નજર આત્મતત્ત્વ ઉપર પડી એ આનંદમાં જ હોય, કારણ કે મારી ભીતર તો આનંદ જ છે. અમે લોકો સદાય આનંદમાં, કેમ? અંદર આનંદ જ છે અને એ આનંદનો અનુભવ અમે કરીએ છીએ. શરીરમાં રોગ આવી શકે, આવે. બહુ મજાની વાત કરું. તમે શું કહો? રોગ આવ્યો. રોગ આવ્યો એમ કહો ને? તાવ આવ્યો, ડેન્ગ્યુ આવ્યો. મહાપુરુષો શું કહે? તાવ જાય છે, ગયો. કર્મ જાય છે ને? કર્મના કારણે તાવ આવ્યો, તાવને ભોગવી લો, અનુભવી લો, કર્મ ખરી જાય. એટલે તમે કહો તાવ આવ્યો, મહાપુરુષો કહે તાવ ગયો.
મારા શરીરમાં પગથી માથા સુધીમાં એકેય મેજર અંગ એવું નથી કે જ્યાં ઑપરેશન ન થયેલું હોય. પણ એ કોઈ ઑપરેશને મારા આનંદને ઓછો નથી કર્યો. એનામાં તાકાત જ નથી કે મારા આનંદને ઓછો કરી શકે! સદા આનંદ. તમારે આનંદ જોઈએ ને? આજે આનંદ આપી દીધો. પ્રભુનો પ્રેમ મળે એટલે આનંદ મળે, આનંદ જ આનંદ છે.
તો તમે તમારા આનંદનો અનુભવ કરો, તમે તમારા સમભાવનો અનુભવ કરો, તમે તમારી વીતરાગ દશાનો અનુભવ કરો—એ પશ્યન્તી ભાષા.
આપણે પ્રભુનું દર્શન શા માટે કરીએ છીએ? રોજ દાદા પાસે જવાનું, અડધો કલાક-કલાક બેસવાનું, દાદાને જોવાના, દાદાના ચહેરા પરના આનંદને જોવાનું કે દાદા આટલા બધા આનંદમાં કેમ છે? કારણ કે દાદા પોતાના અનંત ગુણોનો અનુભવ કરી રહ્યા છે.
બોલો, રાગથી શું મળે? સુખ મળે કે દુઃખ મળે? તમારો અનુભવ બોલો. આજે તમારા અનુભવની વાત કરું. કોઈ વસ્તુ ગમી ગઈ, પછી એ મળે તો સાચવવાની ચિંતા—કિંમતી વસ્તુ હોય. ન મળે તો ન મળી એની ગ્લાનિ. મળે તોય ઉપાધિ, ન મળે તોય ઉપાધિ. પણ રાગ જ ન હોય તો?
ક્યાંક ગયા, કશુંક ગમી ગયું. ગમી ગયું એટલે પીડાનો જન્મ થઈ ગયો. તમારા મનમાં એક વસ્તુ ગમી ગઈ કે એક વ્યક્તિ ગમી ગઈ એટલે પીડાનો જન્મ થઈ ગયો. તો રાગથી દુઃખ જન્મે છે, આ અનુભવ તમારો ખરો? ખરો?
મજાનો ઉપાશ્રય હોય, કારતક સુદ પૂનમે વિહાર કરીએ, પછી ઉપાશ્રયમાંથી જઈએ એટલું નહીં, મનમાંથી ઉપાશ્રય નીકળી જાય. મનમાંથી પૂના નીકળી જાય. તમારી ભક્તિ યાદ રહે, તમારા ગુણો યાદ રહે, પણ રાગ ન રહે. પૂના ગયું, પૂનાનો ઉપાશ્રય ગયો, દાદા યાદ રહે.
તો વીતરાગ દશા આવે એને આનંદ જ આનંદ. ગુસ્સો કરો આમ પીડા થાય? જેના ઉપર ગુસ્સો કરો એનું તો જે થવાનું હોય એ થાય, પણ તમે જોરદાર ગુસ્સો કરો તો શું થાય? માથું દુખવા આવે?
એક જગ્યાએ એક પતિ-પત્ની રહેતાં હતાં. બેય એટમ બૉમ્બવાળાં! નાની નાની વાતમાં છમકલાં થયા જ કરે, સવારથી સાંજ સુધી. ગ્લાસ આમથી આમ કેમ મૂક્યો એના ઉપર પતિનું અડધો કલાક ભાષણ, પછી પત્નીનું પોણો કલાક ભાષણ, એમ ચાલ્યા જ કરે. બાજુના ફ્લેટમાં એક ભાઈ મહેમાનગતિએ આવતા. ઘણી વાર આવે, આવે ત્યારે આમને ત્યાં ચાલતું જ હોય. પણ એક વાર આવ્યા ત્યારે બાજુના ફ્લેટમાં શાંતિ હતી. કલાક થયો પણ શાંતિ. એના મહેમાને પોતાના યજમાનને પૂછ્યું કે બાજુવાળાએ ઘર બદલી બીજે ક્યાંક ગયા?
તો કે, “ના, એ તો અહીંયાં જ છે.”
તો કે, “એટમ બૉમ્બ ફૂટતો નથી?”
તો કે, “હમણાં મહિના પહેલાં ભાઈને સિવિયર અટેક આવ્યો, હાર્ટ અટેક. આ તો શહેર હતું, ૧૦૮માં તરત હૉસ્પિટલ લઈ ગયા, તરત સારવાર મળી ગઈ, સ્ટેન્ડ લગાવી દીધો એટલે સારું થઈ ગયું. પણ ડૉક્ટરે કહ્યું છે કે હવે જો ઊંચા અવાજે બોલ્યા તો મર્યા! બેનને હાઈપરટેન્શન થઈ ગયેલું, બીપી ૨૦૦ ઉપર—૨૫૦! માંડ માંડ ઠેકાણે લાવ્યા બેનને, પણ પછી કહી દીધું કે હવે જો ગુસ્સો કર્યો તો હૉસ્પિટલ આવવાની જરૂર નહીં, ઘરે જ પતી જવાના. અને બેય જણાં શાંત છે હમણાં, ડૉક્ટરની આજ્ઞામાં છે.”
એટલે ગુસ્સો કરો તો કર્મ બંધ થાય એ તો બરોબર, પણ અહીંયાં પણ તકલીફ થાય શરીરમાં. એની સામે એક ગુણ મળે આપણો તો આનંદ જ આનંદ.
ઈર્ષ્યા થાય તો શું થાય? પેલાની પાસે આટલું ને મારી પાસે નહીં, પેલાની પાસે આવું ને મારી પાસે નહીં. પણ ઈર્ષ્યા જતી રહે અને ગુણાનુરાગ આવે તો? અહો! એ કેટલો સરસ છે, આ ભાઈ કેવા વૈયાવચ્ચવાળા છે, આ ભાઈ કેવી પ્રભુની ભક્તિ કરે છે! ગુણ જ દેખાય પછી. આનંદ શેમાં આવે? ઈર્ષ્યામાં કે કોઈના ગુણના પ્રેમમાં?
તો પશ્યન્તીમાં જાઓ એટલે શું થાય? આપણા જે ગુણો છે એની અનુભૂતિ થાય. પ્રભુ પાસે આપણે ગયા, પ્રભુના ગુણ જોયા, તરત વિચાર આવે કે એ જ ગુણ મારી પાસે છે. અને મારી પાસે એ ગુણ છે, બસ પ્રભુની એવી કૃપા થઈ જાય કે મારામાં રહેલો એ ગુણ પ્રગટ થઈ જાય, ખુલ્લો થઈ જાય.
અને ચોથી આવે પરા ભાષા. પરા એટલે સ્વરૂપની અનુભૂતિ. આપણું નિર્મળ સ્વરૂપ છે. વીતરાગતા, સમભાવ એ આત્માના ગુણો છે. પણ આત્માનું સ્વરૂપ શું? નિર્મળતા એ આત્માનું સ્વરૂપ છે. રાગ-દ્વેષથી આપણે યુક્ત છીએ એ વ્યવહારની ભાષા છે. નિશ્ચયથી આત્મતત્ત્વ ઉપર રાગ-દ્વેષ લાગતાં નથી. રાગ ક્યાં સુધી? મન સુધી, ચિત્ત સુધી, લેશ્યા સુધી. તમારા મૂળભૂત સ્વરૂપમાં રાગ છે જ નહીં.
વીતરાગ દશા પ્રગટ થવાની આપણી ભીતર, આપણે કેવળજ્ઞાની થઈએ ત્યારે—તેરમા ગુણઠાણે. તો એ વીતરાગ દશા બહારથી આવવાની? અંદર જ છે, અત્યારે છે. તો અનુભવ કેમ નથી કરતા? તમારી પાસે છે અને અનુભવ નથી કરતા? ભાથાનો ડબ્બો જોડે હોય ને પેલો કહે હું ભૂખ્યો છું. અરે ભૂખ્યો છે ને ખાવા માટે તારી પાસે જ છે!
એમ તમે નિર્મળ છો. ન કર્મો તમને લાગી શકે. કર્મ પુદ્ગલ છે, તમે ચેતન છો. ચેતન અને પુદ્ગલ એ બે છે ને એ ભેગા થાય તો કઈ રીતે? દૂધ અને પાણીની જેમ. દૂધમાં પાણી નાખ્યું, આગ પર મૂકો એટલે પાણી બળી જાય, દૂધ રહી જાય. એમ કર્મો બળી જવાના, આત્મસ્વરૂપ રહેવાનું.
તો આ રીતે તમે મધ્યમામાં આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો, પશ્યન્તીમાં આત્માના ગુણોની અનુભૂતિ કરો અને પરાની અંદર આત્મસ્વરૂપની અનુભૂતિ તમે કરી શકો.
પશ્યન્તી અને પરાના બીજા પણ અર્થો છે—ભાષાના અર્થો. આ તો આપણે આત્મતત્ત્વ તરફ ખોલ્યું, ભાષા તરફ પણ પશ્યન્તી અને પરા ખોલીએ.
પશ્યન્તી એટલે જોતી ભાષા. એવું બને કે એક મહાપુરુષ એમના પગની તકલીફ હોય, વિહાર ન કરી શકતા હોય અને એક ઉપાશ્રયમાં રહે. પણ પ્રભુની આજ્ઞા પ્રત્યે પક્ષપાત એટલો હોય કે મહિને મહિને શેષકાળની અંદર રૂમ બદલી નાખે.
પ્રેમસૂરીશ્વરજી દાદા ખંભાતમાં, અમર જૈન શાળા. સાહેબજીનો કાળધર્મનો દિવસ. એ દિવસે સવારે સાહેબે કહ્યું, “આજે ઘર બદલવું છે.” શિષ્યો એવું સમજ્યા કે મહિનો પૂરો થવા આવ્યો અને સાહેબ કહે છે કે હવે રૂમ બદલવાનો છે. સાહેબે કહ્યું, “ઘર બદલવાનું છે.” જ્ઞાની પુરુષોને ખબર પડી જાય કે હવે જવાનું છે. અને એ જ દિવસે સાહેબે મહાપ્રયાણ કર્યું, ઘર બદલી નાખ્યું, આ ઘરને છોડી દીધું.
આ ઘર છે એવું લાગે છે. શહેરવાળા તો ઘર કેવું બદલે, બોલો! ગોડીજીવાળા કોંઢવામાં જાય, કોંઢવાવાળા ગંગાધામમાં આવે, ગંગાધામવાળા હાઈડ પાર્ક આવે. કેટલા ઘર બદલે છે! એટલે ઘર બદલવાની ટેવ પડી ગઈ તમને. આ ઘર જ બદલવાનું છે, આમાંથી જવાનું એટલે ઘર બદલવાનું, બીજા ઘરમાં જવાનું.
ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે કહ્યું:
वासांसि जीर्णानि यथा विहाय
જૂનું લૂગડું થાય એટલે છોડી દેવાનું, નવું પહેરી લેવાનું. શરીર જૂનું થયું, સાધના માટે કામનું નથી, મહાપુરુષો બદલી નાખે—નવા ઘરમાં.
તો પશ્યન્તી એટલે જોતી ભાષા. એવા મહાપુરુષ છે કે વર્ષો સુધી એક ઉપાશ્રયમાં એમને રહેવાનું. એમણે પોતાનો પ્રિય ગ્રંથ કેટલાય સાધકોને ભણાવ્યો. હવે એવું બને કે ગુરુ ગયા, જેમને એ ગ્રંથ આપેલો એ શિષ્યોને એવા અધિકારી શિષ્યો ન મળે તો એમણે એ ગ્રંથ આપ્યો નહીં. લખાયેલો તો હતો જ નહીં, ગુરુએ મોઢે આપેલો. હવે એ ગ્રંથ લખાયેલો ક્યાંય નથી એટલે એમ લાગે કે લુપ્ત થઈ ગયો. પણ એવું બને છે કે ક્યારેક કોઈક સાધક એ ઉપાશ્રયમાં આવે, એને ખબર પણ નથી કે કોઈ ગુરુએ વર્ષો સુધી અહીં રહી એ ગ્રંથ આપેલો છે. પણ એ ધ્યાનમાં બેસે અને દીવાલ ઉપર એ ગ્રંથના અક્ષરો લખાતા જાય, પછી એ લખી લે.
આપણે ત્યાં ઘણા ગ્રંથો પશ્યન્તીના લયમાં આવ્યા છે. ‘યોગસાર’, ‘હૃદયપ્રદીપ’, ‘ષડ્ત્રિંશિકા’—આવા ઘણા બધા ગ્રંથો છે કે જેમાં કર્તાનું નામ નથી. કર્તા નામ લખે શી રીતે? કારણ કે એ તો લેખક છે, એમણે તો ખાલી વાંચ્યું અને લખી દીધું, પોતે બનાવ્યું નથી. તો આ પશ્યન્તી ભાષા.
પરા ભાષામાં શું હોય છે? કે તમને ભાવ આપવામાં આવે, શબ્દો નહીં. ભાવ આપવામાં આવે અને એને અનુરૂપ શબ્દો તમે તમારા ગોઠવો, તો એ ગ્રંથ પરામાં આવેલો કહેવાય. આપણે ત્યાં ‘પંચસૂત્ર’ ગ્રંથ છે. હવે આપણી પરંપરા એવી છે કે આપણે એમ કહીએ છીએ કે ‘ચિરંતનાચાર્યકૃત’ છે, એટલે પૂર્વના કોઈ અજ્ઞાત મહાપુરુષ દ્વારા રચાયેલું. પણ અમે લોકો—હું, શીલચંદ્રસૂરિ, પ્રદ્યુમ્નસૂરિ, રત્નસુંદરજી, આ બધા હરિભદ્રાચાર્યના ભક્તો—અમે લોકોએ સ્પષ્ટ નક્કી કર્યું કે પંચસૂત્રની શૈલી હરિભદ્રાચાર્યની જ છે. તો હરિભદ્રસૂરિના શબ્દો છે તો ચિરંતનાચાર્યકૃત કેમ લાગે? ત્યારે ખ્યાલ આવ્યો કે એ ગ્રંથ પરામાં આવેલો છે.
એ ચતુઃશરણ ગમન, દુષ્કૃત ગર્હા, સુકૃત અનુમોદના—એ બધા ભાવો એમને આપવામાં આવ્યા. ધ્યાનમાં બેઠેલા અને એ ભાવો એમને મળ્યા. કોઈ મહાપુરુષ ચિંતન કરતા હોય અને વિચારના મોજાં એમણે છોડ્યા, એ વિચારના મોજાં તમારા સુધી આવે, તમે ધ્યાનમાં હો તો મોજાંને પકડી લો. તો હરિભદ્રાચાર્યએ વિચારોના એ મોજાંને પકડ્યા અને પછી શબ્દો પોતાના વાપર્યા, એટલે એમણે પોતાનું નામ પાછળ લખ્યું નહીં. પણ હકીકતમાં હરિભદ્રાચાર્યનો જ ગ્રંથ છે. અને હમણાં તો એના માટેનો પુરાવો પણ મળ્યો. ‘ધર્મપરીક્ષા’ ગ્રંથમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે લખ્યું કે પંચસૂત્રમાં હરિભદ્રાચાર્યએ કહ્યું છે, અને એમ કહીને પંચસૂત્ર મૂળનો પાઠ ટાંક્યો. કારણ કે હરિભદ્રસૂરિ કૃત જ પંચસૂત્ર મૂળ છે. ટીકા તો એમની છે જ, પણ મૂળ પણ એમનું છે. તો એ પરામાં આવેલો કહેવાય.
તો આત્મતત્ત્વની અનુભૂતિ આપણે કરવાની છે. વૈખરી સુધી પહોંચી ગયા, મધ્યમા સુધી પહોંચી ગયા, કેમ? આત્મતત્ત્વનો અર્થ ખ્યાલ આવી ગયો કે આત્મા દેહને પેલે પાર, નામને પેલે પાર, મનને પેલે પાર. ત્યાં સુધી પહોંચી ગયા. હવે પશ્યન્તી અને પરામાં જવાનું. આપણા ગુણોનો અનુભવ કરવાનો, આપણા સ્વરૂપનો અનુભવ કરવાનો અને આ રીતે અનુભવ કરો તો જ સમ્યગ્જ્ઞાન પદની આરાધના થયેલી કહેવાય.
ચા વિશે માત્ર ભાષણ સાંભળવાનું નહીં પણ ચા પીવી પડે, એમ આત્મા વિશે માત્ર જાણવાનું નહીં, આત્માની અનુભૂતિ કરવાની છે.
ક્યારે કરશો?
શ્રાવકો: આપ કહો ત્યારે.
હું તો તૈયાર જ છું. મેં તો ગઈકાલે કહ્યું હતું કે મારે ખજાનો ઠાલવી નાખવાનો છે. ઓળી પછી પણ આપણે પ્રવચનો ચાલુ રહેશે અને એમાં આ જ અનુભૂતિની વાતો, ધ્યાનની વાતો આપણે કરીશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *