Shree Navpad Vachna || 23-10-2026 || Pune Chaturmas

29 Min Read

દર્શન પદ

પ્રભુ નિર્મલ દરિશન કીજીએ. નિર્મલ દર્શનના બે અર્થ છે. એક અર્થ ભક્તના સ્તર પર ખુલે છે, બીજો સાધકના સ્તર પર. ભક્તના સ્તર પર નિર્મલ દર્શન એટલે આંસુ વહેતી આંખો દ્વારા થતું દર્શન. અને સાધકના સ્તર પર નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પ દર્શન. આવું નિર્મલ દર્શન એ સમ્યગ્દર્શનની પૂર્વભૂમિકા છે.

હવે સમ્યગ્દર્શનની વ્યાખ્યા. આતમજ્ઞાન કો અનુભવ દરિશન. આત્મજ્ઞાનની અનુભૂતિ એ સમ્યગ્દર્શન છે. આત્મજ્ઞાન માત્ર જાણકારી રૂપે હોય, ત્યાં સુધી સમ્યગ્દર્શન નથી; અનુભવ થાય ત્યારે જ. સમભાવનો વિચાર કે જ્ઞાન નહીં; સમભાવનો અનુભવ. તમે પદાર્થો કે વ્યક્તિઓને જાણો છતાં ‘આ સારું કે આ ખરાબ’ – એવો વિચાર નથી કરતા; તો આ જ્ઞાતાભાવ સમ્યગ્દર્શનમાં ભળ્યો.

નિર્મલ દર્શન પહેલું ચરણ, આત્માનુભૂતિ બીજું ચરણ અને અનુભૂતિ થયા પછી પ્રભુ અને સદ્ગુરુ પ્રત્યે જે અત્યંત ભક્તિ ઊભરાય એ ત્રીજું ચરણ.
દેવ, ગુરુ, ધર્મ પ્રત્યેનો આ રાગ ઠેઠ હાડકાં અને ચરબી સુધી પહોંચે છે અને વચનો નીકળે છે કે અરિહંતો મહદેવો. જાવજ્જીવં સુસાહુણો ગુરુણો…


શાશ્વતી ઓળીની આરાધનામાં આજે સમ્યક્ દર્શન પદની આરાધના. સમ્યક્ દર્શન પદની વ્યાખ્યા નવપદ પૂજામાં પૂજ્યપાદ પદ્મવિજય મહારાજ સાહેબે બહુ જ હૃદયંગમ રીતે આપી છે. ત્યાં એમણે ત્રણ સ્તર આપ્યા. પહેલા સ્તરમાં સમ્યક્ દર્શનની પૂર્વભૂમિકા, બીજા સ્તરમાં સમ્યક્ દર્શનની વ્યાખ્યા અને ત્રીજા સ્તરમાં સમ્યક્ દર્શનની પ્રાપ્તિ પછી થતા અનુભવની વાત.
પહેલું સ્તર, સમ્યક્ દર્શનની પૂર્વભૂમિકા:
“પ્રભુ નિર્મલ દર્શન કીજીએ…”
પહેલી વાર આ પૂજા વાંચી ત્યારે મનમાં સવાલ થયેલો કે પરમાત્માનું દર્શન તો બરોબર, પદ્મવિજય મહારાજ સાહેબ ‘નિર્મલ દર્શન’ શબ્દ કેમ વાપરે છે? “પ્રભુ નિર્મલ દર્શન કીજીએ.” નિર્મલ દર્શન એટલે શું?
નિર્મલ દર્શનના બે અર્થ છે. એક અર્થ ભક્તના સ્તર પર ખુલે છે, બીજો સાધકના સ્તર પર. ભક્તના સ્તર પર નિર્મલ દર્શન એટલે આંસુ વહેતી આંખો દ્વારા થતું દર્શન. અને સાધકના સ્તર પર નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પ દર્શન.
પહેલાં આ બેઉ દર્શનને સમજીએ. ભક્તના માટે પ્રભુ દર્શન કેવું હોય? ભક્ત દેરાસરના પગથિયા ચડે, પરમાત્માનું દર્શન કરે, અને આંખોમાંથી આંસુની ધારા વહે. કારણ ભક્તને ખ્યાલ છે કે, “આ પ્રભુની કૃપાથી જ પોતાને મનુષ્ય જન્મ મળ્યો, પ્રભુ શાસનમાં જન્મ મળ્યુ છે, પ્રભુ દર્શન મળ્યું છે.”
ઉપાધ્યાય યશોવિજય મહારાજે ‘આનંદકી ઘડી આઇ’ સ્તવનમાં લખ્યું છે:
“કરકે કૃપા પ્રભુ દર્શન દીનો.”
“પ્રભુ, તે કૃપા કરી અને તારું દર્શન તે મને આપ્યું.” તો ભક્તને ખ્યાલ છે કે, “મનુષ્ય જન્મ મળ્યો પ્રભુની કૃપાથી, એનું શાસન મળ્યું એની કૃપાથી, એનું દર્શન મળ્યું એની કૃપાથી. અને એથી પ્રભુનું દર્શન થાય અને આંખોમાંથી આંસુની ધારા વહે કે પ્રભુ, તે મારા માટે કેટલું બધું કર્યું! અને એની સામે તારા ઋણમાંથી મુક્ત થવા માટે હું શું કરી શકું? આખું જીવન, એની એક-એક ક્ષણ તને સમર્પિત કરી દઉં તો પણ તારા ઋણમાંથી હું મુક્ત ન થઈ શકું.”
અમારા બધાની દીક્ષા આ એંગલ (angle) પર થઈ છે કે એણે શાસન આપ્યું, એણે સાધના પદ્ધતિ આપી, એણે એનું દર્શન આપ્યું, એના ઋણમાંથી મુક્ત કઈ રીતે થવાય? જીવનની બાકી રહેલી તમામ ક્ષણો એને સમર્પિત કરી દઈએ તો પણ કદાચ એના ઋણમાંથી મુક્ત ન થઈ શકાય. અને એટલે એક સાધુ કે સાધ્વી દીક્ષા લેતી વખતે નક્કી કરે છે કે, “પ્રભુ આ જીવન પર હવે મારો અધિકાર નથી, આ જીવનની એક-એક ક્ષણ પર તારો અધિકાર છે.”
એક સંસારી મનુષ્ય અને એક સાધુ, ફરક આ જ પડે છે. સંસારી મનુષ્ય પોતાની ઈચ્છા પ્રમાણે જીવવાની કોશિશ કરે છે. અને મુનિ પાસે, એક સાધ્વીજી પાસે કોઈ ઈચ્છા જ નથી. તમે ટોટલી ચોઈસલેસ (totally choiceless) હોય. કોઈ ઈચ્છા નહિ, ઈચ્છા એક જ છે કે એની આજ્ઞા પ્રમાણેનું મારું જીવન હોય, એની આજ્ઞા પ્રમાણેની મારા જીવનની એક-એક ક્ષણ હોય. જે ક્ષણ ઉપર એનુ સિગ્નેચર (signature) ન હોય, એ ક્ષણ આપણ માટે નકામી છે.
તો ભક્ત પ્રભુનું દર્શન કરે, એની આંખમાંથી આંસુની ધારા વહે. શ્રીપાળ રાસમાં એક ઘટના આવે છે. એક રાજકુમારી પ્રભુની પૂજા માટે ગઈ છે. પ્રભુનો સ્પર્શ થાય અને ઝનઝનાટી, એક કંપન, એક ધ્રુજારી ભીતર પેદા થાય છે. “મારા પ્રભુનો સ્પર્શ મને મળ્યો! સિદ્ધશિલા પર ગયેલા ભગવાન પાર્શ્વનાથ પૂના વાળાઓ ના કલ્યાણ માટે અહિયાં પધાર્યા છે!” અને એ પ્રભુનો સ્પર્શ મળ્યો, કેવો કેફ હોય અને કેવો આનંદ હોય! એ પ્રભુનો સ્પર્શ થાય, પ્રભુનું દર્શન થાય, આનંદના આંસુની ધારા. અને એ પ્રભુનો વિરહ થાય ત્યારે આંખમાંથી વિરહના આંસુની ધારા. રાજકુમારી પૂજા કરી અને બહાર નીકળે છે. કેવી રીતે બહાર નીકળે છે એનું વર્ણન રાસકારે આપ્યું:
“ઓસરતી પાછે પગે જી, જોતી જિન મુખ સાર.”
કેવી રીતે ગભારામાંથી બહાર નીકળે છે? પાછા પગલે ચાલે છે. અને પ્રભુનું મુખ જોયા કરે છે કારણ કે પ્રભુના મુખને જોતાં તૃપ્તિ જ નથી થતી. જોયા જ કરું, જોયા જ કરું, જોયા જ કરું. એક ડગલું પાછળ ભરે, પ્રભુના મોઢે જોવે. ફરી એક ડગલું પાછળ ભરે, પ્રભુના મોઢે જોવે. એમ કરતાં એ ગભારાની બહાર નીકળી. અને ગભારાના દરવાજા ઓટોમેટિક (automatic) બંધ થઈ ગયા. ઘણી બધી કોશિશ કરી, પણ દરવાજા ખુલતા નથી.
એ વખતે રાજકુમારી ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. એ શું કહે છે, એના શબ્દો છે:
“દાદા દર્શન દીજીએ, એ દુઃખ મેં ન ખમાય.”
“પ્રભુ, તારું દર્શન તું મને આપ. હું બધા જ દુઃખોને, બધી જ પીડાઓને સહન કરી શકું, પણ તારું દર્શન ન થાય, એને હું સહન નહીં કરી શકું.”
ભક્તે એક મોટી હરણફાળ ભરી છે. બધી જ પીડાઓને એક પીડામાં એણે સંક્રાંત કરી. અભક્ત પાસે અગણિત પીડાઓ છે. આ ન મળ્યું, એની પીડા. આ મળ્યું તો બરોબર નથી મળ્યું, એની પીડા. અભક્તની પાસે અનેક પીડાઓ છે. ભક્તે એ બધી જ પીડાઓને એક પીડામાં ફેરવી નાખી છે. અને એ પીડા એટલે પ્રભુના અદર્શનની પીડા. તો રાજકુમારીએ કહ્યું: “એ દુઃખ મેં ન ખમાય. હું બધા જ દુઃખોને, બધી જ પીડાઓને સહન કરી શકું. પણ તારું દર્શન ન મળે એને હું સહન નહીં કરી શકું. એ મારી સહન શક્તિની બહારની ઘટના છે. તું મળે પછી દુનિયાનું કોઈ દુખ મારા માટે દુખ નથી અને તું ન મળે તો પીડા જ પીડા છે.”
એટલે રામવિજય મહારાજે એક સરસ સ્તવના આપી છે. અને એમાં એમણે લખ્યું છે:
“તુમ દીઠે દુઃખ સવિ વિસરીયા.”
“તમારું દર્શન થયુ, બધા જ દુઃખ ગયા. કારણકે બીજા દુઃખ કોઈ હતા જ નહીં, એક જ દુઃખ હતું: તમારા અદર્શનનું. તમારું દર્શન થયું, બધી જ પીડા ગઈ.”
તો ભક્તને માટે નિર્મલ દર્શન એટલે આંસુ વહેતી આંખો દ્વારા થયેલું દર્શન.
સાધક માટે નિર્મલ દર્શન એટલે નિર્વિકલ્પ દર્શન. સાધક ધ્યાનની ક્ષણોમાં જતો હોય છે અને ધ્યાનની ક્ષણોમાં જે પણ જઈ શકે, એની પાસે નિર્વિચારતા, નિર્વિકલ્પતાનો અભ્યાસ હોય છે. નિર્વિકલ્પતાનો અભ્યાસ એટલે શું? રાત્રે તમે સૂઈ જાવ, સ્વીચ ઓફ (switch off) કરો એટલે લેમ્પ (lamp) બંધ થઈ જાય. એમ વિચારોનું સ્વીચ બોર્ડ (switch board) તમારા હાથમાં હોય, તમે સ્વીચ ઓન (switch on) કરો તો જ વિચાર આવે, જે ક્ષણે તમે સ્વીચ ઓફ (switch off) કરો તો વિચારો બંધ થાય.
સારા વિચારો આવે છે તમે આવવા દો છે જે ક્ષણે વિચાર અશુભ થયા તમે સ્વીચ ઓફ કરી દો. આ એક કળા દરેક સાધક પાસે હોવી જ જોઈએ. આપણી બધી જ ક્રિયાઓ અમૃત ક્રિયા છે. સામાયિક, પ્રતિક્રમણ, પૂજા, પણ એ ખરેખર અમૃત ક્રિયા ક્યારે બને? જ્યારે કોઈ વિચાર ન હોય ત્યારે. નહીતર શું થાય?, શરીર પ્રવચન સભામાં બેઠું હોય અને મન બજારમાં હોય, કે મન ઘરમાં હોય. એટલે હું એક સૂત્ર આપું છું: “There should be the totality.” “There should be the totality.” સમગ્રતા હોવી જોઈએ. હમણાં તો વ્યાખ્યાનમાં પહેલેથી આવા માંડ્યા છો હવે, ધન્યવાદ! પણ તમે 10 મિનિટ આવો ને, તો પણ મને વાંધો નહીં. છેલ્લી 10 મિનિટ આવો તો. પણ મારુ સૂત્ર આ છે: There should be the totality. તમે 10 મિનિટ સંપૂર્ણતયા પ્રભુને, પ્રભુના શબ્દોને આપી દો. એક-બે વાક્ય પણ પૂરતા છે જો તમારું કોન્સન્ટ્રેશન (concentration) પૂરતું હોય. તો પ્રવચનના બે-ચાર વાક્યો પણ તમને જગાડી જાય.”
એક સાધક ગુરુ પાસે આવેલો. એની પાસે પાંચ-સાત મિનિટ હતી. પછી એને કામે જવાનું હતું. એને ગુરુને વિનંતી કરી કે, “મને હિતશિક્ષા આપો.” ગુરુ તો તૈયાર જ હોય, ગુરુનું તો કામ જ એ છે. ગુરુ આપવા બેઠા છે. પ્રભુની આ ચાદર મળી ને પછી અમે લોકો આપનારની ભૂમિકામાં છીએ, અમે લેનારની ભૂમિકામાં નથી. તમારે ત્યાં વહોરવા આવેલ સાધુ તમને ‘ધર્મલાભ’ આપવા આવે છે, રોટલી લેવા નહિ. ગોચરી ન થઈ હોય તો પણ પ્રેમથી બીજી વાર ‘ધર્મલાભ’ કહીને પાછો ફરે. એ તમારે ત્યાં આવે છે તમને ‘ધર્મલાભ’ આપવા માટે. તો ગુરુ તૈયાર હતા હિતશિક્ષા આપવા માટે. પણ પેલો તૈયાર નહોતો. કારણકે એનું મન આગળ જે કામ કરવાનું છે, એ કામમાં ફસાયેલું હતું. હવે શરીર અહીંયા છે અને મન ત્યાં છે! ગુરુ શું કરે? તમારા બધાનું મન તો અહિયાં છે ને પાછુ? કે મન બહાર?
ગુરુ બોલ્યા નહીં. પાંચ મિનિટ થઈ. પેલો ઊભો થયો. હવે ગુરુને કેવું ફોર્સ (force) તો પાડી ન શકાય કે તમારે બોલવું જ પડશે! એના મનમાં થયું કે ૫ મિનિટ હતી, ગુરુદેવએ બે-ચાર શબ્દો આપ્યા હોત તો સારું હોત,’ એ પાછો ફર્યો. ૧૫-૨૦ ડગલાં ગયો અને ગુરુએ કહ્યું, “ઊભો રહે, પાછો ફર.” “ઊભો રહે, પાછો ફર.” અને તમે હોઉં તો એનો અર્થ શું કરો? કે ગુરુ મને બોલાવે છે, જ્યાં છે ત્યાં ઉભો રહે અને પાછો ફરી જા, પેલો પણ ઉભો રહ્યો, પાછો ફર્યો, પાછો ફરી અને ગુરુ તરફ આવવાની માટે એક ડગલું ભરે છે પણ ત્યાં ગુરુનો ચેહરો જોયો, એને ખ્યાલ આવી ગયો કે ગુરુ નો ઉપદેશ પૂરો થઇ ગયો. ગુરુએ બે વાક્યમાં ઉપદેશ આપી દીધો અને પેલાએ ઝડપી લીધો: “તું પરભાવમાં જઈ રહ્યો છે, ઊભો રહે અને પરભાવમાંથી પાછો ફર, તારો સ્વભાવ એ જ છે.” થઈ ગયો ઉપદેશ પૂરો! પણ ગુરુએ જોયું કે મારી પાસે બેઠો હતો ત્યાં સુધી એનું મન એના કામમાં હતું. મારી પાસેથી ગયો, અને મન મારામાં હતું, હવે મન મારામા છે, તો હું ઉપદેશ આપી શકીશ.” એટલે તમે તમારા મનને સંપૂર્ણતયા અહિયાં રાખો તો બે વાક્યો પણ પૂરતા છે.
તો દરેક સાધક પાસે આ નિર્વિકલ્પતાની માસ્ટર કી (master key) હોવી જોઈએ, કે તમે વિચારોને સ્ટોપ (stop) કરી શકો. નહીંતર પ્રતિક્રમણ પછી કોઈને પૂછીએ ને, “સ્તવન કયું બોલાયેલું?” એટલે પેલો શું કે, “હા,હા, સ્તવન બોલાયું તું ને.” “અરે સ્તવન તો બોલાય જ ને પણ, એના વગર થોડું પ્રતિક્રમણ પૂરું થવાનું?” “કોણ બોલ્યું તું?, કયું સ્તવન હતું?” “એ તો કે મને ખબર નથી.”
તમે ખબર ક્યાં રાખો?, કાઉસગ્ગ આવ્યો એટલે બાજુ વાળાને ગોદો મારો, કેટલા લોગ્ગસનો આયો?” પેલો હમણાં બોલ્યો હોય, “બે લોગ્ગસનો કાઉસગ્ગ, ન આવડે તો આઠ નવકાર,” પણ એ વખતેય ખબર ન હોય, “અપ્પાણં વોસિરામિ…”થાય કાઉસગ્ગ આયો, બાજુ વાળાને ગોદો મારો, કેટલા લોગ્ગસનો આયો?, તમારે બે જગ્યાએ ખબર રાખવાની: કાઉસગ્ગમાં, મુહપત્તિમાં અને વાંદણામાં ,’વંદનની કેવી સરસ પદ્ધતિ છે! તમે લોકો મુહપત્તિમાં ગુરુ ચરણની કલ્પના કરો, અમે રજોહરણમાં ગુરુ ચરણની કલ્પના કરીએ છીએ. જે હાથ ગુરુના ચરણને અડે છે, એને મસ્તકે લગાડીએ છીએ. કારણકે સભામાં હોઈએ, ત્યારે દરેક વ્યક્તિ ગુરુ પાસે જઈ શકે નહીં. એથી ગુરુ ચરણોની કલ્પના તમે મુહપત્તિમાં કરી. અમારે રજોહરણમાં. એ રજોહરણને હાથ લગાડવીએ. કલ્પના એ છે કે ગુરુ ચરણોને હાથ લાગ્યો છે, અને એ હાથ મસ્તકે લાગ્યો. આ અમૃત ક્રિયા આપણને મળી છે, પણ વિચારો જ ચાલતા હોય તો શું થાય? શરીર ક્રિયામાં હોય, મન બહાર હોય. અને એથી કરીને ક્રિયાનો જે આનંદ મળવો જોઈએ, એ આનંદ નથી મળતો.
મયણાસુંદરીના જીવનની એક ઘટના છે કે એમણે પૂજા કરી, પૂજા કર્યા પછી ચૈત્યવંદન વગેરે કર્યું. અને એમનું ચૈત્યવંદન આપણા જેવું નહીં, ફટાફટ આમ… સંપદા પ્રમાણે નમુત્થણમ્ વિગેરે બોલ્યા. સંપદા ખ્યાલ છે? નવકાર મંત્ર બોલો ને તો છેલ્લા બે પદ ભેગા બોલવાના, એટલે સંપદા આઠ કહેવાય, સંપદા એટલે વિરામસ્થાન, અટકવાનું. ‘લોગસ્સ ઉજ્જોઅગરે..’એમાં ગાથા સૂત્ર હોય, એમાં તો એક-એક ચરણે રોકાવાનું હોય, પણ જ્યાં ગાથાઓ નથી ત્યાં ક્યાં અટકવાનું? એ સૂત્રમાં લખેલું હોય. એ પ્રમાણે સૂત્રો બોલી, સ્તવનાઓ ગાઈ, મયણાસુંદરી ઘરે ગયા.
ઘરે ગયા પછી સાસુમાને શું કહે છે: “આજે તો આવ્યો પૂજામાં એવો રે ભાવ!” માં! આજ તો પૂજામાં એવો ભાવ આવ્યો!” કેવો આવ્યો? કહી શકતા નથી, Beyond the words, Beyond the imagination! શબ્દોમાં ન કહી શકાય, કલ્પના દ્વારા જેને ન સમજી શકાય એવો આનંદ હતો, પણ એ આનંદ મળ્યા પછી શરીરના સ્તર પર જે ઘટના ઘટિત થઇ એની વાત મયણાસુંદરી એ કરી:
“ખીણ ખીણ હોવે પુલક નિક્કારણો જી”
ક્ષણે ક્ષણે રોમાંચ થાય છે. એક રૂવાડુ હજુ બેસવાનું નામ લેતું નથી. પ્રભુના સ્પર્શને એક કલાક લગભગ થઈ ગયો છે. અને છતાં એક પણ રૂવાડુ બેસવાનું નામ નથી લેતું. એવો આનંદ મયણાસુંદરી પાસે આવે. એ જ પ્રભુ તમારી પાસે છે. એ જ પૂજાની પદ્ધતિ તમારી પાસે છે. પણ એ આનંદ તમારી પાસે છે? મયણાસુંદરીને પ્રભુના સ્પર્શ પછી એક કલાકે પણ રૂવાડા ખડા હોય છે. તમે પ્રભુનો સ્પર્શ કરો ત્યારે કંઈક થાય છે? એટલે પ્રભુ એ છે. પૂજાના દ્રવ્યો સરસ છે. પૂજાની પદ્ધતિ સરસ છે. પણ આપણો ભાવ જે ભળવો જોઈએ એ નથી ભળતો. અને કેમ નથી ભળતો? કે વિચારો આવી જાય છે.
એટલે નિર્વિકલ્પ દર્શન કહ્યું. કોઈ વિચાર ન હોય. અને વિચાર ન હોય અને તમે દર્શન કરો તો શું થાય? એની વાત દેવચંદ્રજી મહારાજે સુવિધિનાથ ભગવાનના સ્તવનની પહેલી કડીમાં કહી. આ નિર્વિકલ્પ દર્શનની, નિર્મલ દર્શનની વાત છે. “દીઠો સુવિધિ જિનંદ સમાધિ રસે ભર્યો હો લાલ.”
સમાધિ, ચિત્તની પ્રસન્નતા, ચિત્તનો આનંદ, ભીતરી આનંદ. તો પ્રભુને જોયા અને પ્રભુના મુખ પર જે સ્વરૂપ સ્થિતિનો આનંદ હતો, એ આનંદ જોવો. એ આનંદ જોતાની સાથે શું થયું? “ભાસ્યો આત્મસ્વરૂપ અનાદિનો વિસર્યો હો લાલ.” મારું જે સ્વરૂપ, આત્મસ્વરૂપ, હું ભૂલી ગયો હતો એ યાદ આવ્યું. ઓહ! મારી પાસે પણ આ જ આનંદ છે. એ યાદ આવ્યું પછી શું થયું? “સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ.” રાગ, દ્વેષ, અહંકાર બધું છૂટી ગયું. મારી પાસે આટલો બધો આનંદ છે તો હું બહાર શા માટે જાઉં? ઘરમાં એસી (AC) છે અને ઠંડી છે, તો બહાર તડકામાં હું શા માટે જાઉં? સકલ વિભાવ ઉપાધિ થકી મન ઓસર્યો હો લાલ.
અને પછી: “સત્તા સાધન માર્ગ ભણી એ સંચર્યો હો લાલ.” બોલો, આવું દર્શન થયું છે કોઈ વાર? એક જ દર્શનને તમારી યાત્રા ચાલુ. ભગવાનનો આનંદ જોયો, આનંદ યાદ આવ્યો. યાદ આવ્યો આનંદ અને રાગ દ્વેષ છૂટી ગયા. છૂટી ગયા અને તમે એ આનંદને મેળવવા માટે ડગ ભર્યા.
ભગવદગીતામાં બે બહુ સરસ સૂત્રો છે. આમ પહેલી નજરે પરસ્પર વિરોધી લાગે. પણ બહુ મજાના છે. એક સૂત્ર છે કે: ‘तेषाम् अहं समुद्धर्ता’. હું બધાનો ઉદ્ધાર કરનારો છું. પરમ ચેતના કહે છે કે ‘तेषाम् अहं समुद्धर्ता’. હું બધાનો ઉદ્ધાર કરનારો છું. અને બીજું સૂત્ર છે: ‘उद्धरेत् आत्मना आत्मानाम्’. તારી જાતે તું તને ઊચક કર.
આ બે વિરોધી આવ્યા. એક બાજુ કહે છે તારી જાતે તું તને ઉચક. અને બીજી બાજુ કહે છે હું તારો ઉદ્ધાર કરું. વિનોબાજીની સૂક્ષ્મ પ્રજ્ઞાએ બહુ સરસ ઉત્તર આપ્યો. એમણે કહ્યું કે તમે એને મળવા માટે પ્રભુના મિલનની ઈચ્છાથી એક ડગલું ચાલો એટલે એ તમને બાહોમાં ભરી લેશે. પણ ઈચ્છા તમારી જોઈએ. ‘उद्धरेत् आत्मना आत्मानाम्’. તમારી પાસે એને મળવાની ઈચ્છા નથી તો તમે એને મળી શકતા નથી. પણ જ્યાં તમારી ઈચ્છા થઈ કે મારે તો એને જ મળવું છે. બીજા કોઈને હવે મળવું નથી. આ ફ્યુચર પ્લાનિંગમાં (future planning) શું છે? વેવાઈ, વેવાણ, કોને મળવાનું આવે? હવે માત્ર પ્રભુને મળવાનું.
હું અમદાવાદમાં હતો. એક ભાઈ રોજ વ્યાખ્યાનમાં આગળ બેઠેલા હોય. એક દિવસ નહોતા આવ્યા. ખાલી મેં પૂછ્યું કે કાલ તમે દેખાણા નતા? તો કે સાહેબ કાલ તો હું શહેરમાં ગયો હતો. હું પરામાં હતો, શાંતિનગર આશ્રમ રોડ. મને કે કાલ હું શહેરમાં ગયો હતો. અમારા વેવાઈનું પૂજન હતું. મેં કહ્યું આ પૂજન નવું મેં કીધું. સિદ્ધચક્ર પૂજન, ઋષિમંડળ પૂજન, ઘણા પૂજન છે. પણ વેવાઈનું પૂજન? તમારે સંબંધ કોની જોડે? આજ તો જવું જ પડશે વેવાઈનું પૂજન.
તો હવે નક્કી કરો. કોઈને મળવું નથી. એને જ મળવું છે. એને મળવાની ઈચ્છાથી ખાલી ઊભા થયા. એક ડગ નથી ભર્યું તો પણ એ આવી તમને બાહોમાં ઉચકી લેશે. તમારી ઈચ્છા એનું કાર્ય. સંસારમાં ઈચ્છાથી કાંઈ થતું નથી. ફાઈવ બીએચકે (5BHK) નો ફ્લેટ લેવો છે પણ પૈસા જોઈશે. ઈચ્છાથી નહીં થાય. અહિયાં ખાલી ઈચ્છા કરો. પ્રભુને મળવું છે. પ્રભુ તમને મળવા આવશે. એટલે કહ્યું ને: ‘ખુદ હી કો ઇતના બુલંદ કર કી તું કયા ખુદા કો મિલને કે લઈએ જાય, ખુદા ખુદ તુજે મિલને કે લઈએ આયે’.
તો આ નિર્વિકલ્પ દર્શન. આ શું થયું? સમ્યક દર્શનની પૂર્વભૂમિકા.
હવે સમ્યક દર્શનની વ્યાખ્યા આપી છે. ગુજરાતી ભાષામાં કેટલી સરસ વ્યાખ્યા આવી છે:
“આતમ જ્ઞાન કો અનુભવ દર્શન સરસ સુધારસ પીજીએ.” આત્મજ્ઞાનની અનુભૂતિ એ છે સમ્યક દર્શન. આત્મજ્ઞાન માત્ર જાણકારી રૂપે હોય ત્યાં સુધી સમ્યક દર્શન નહીં. એનો અનુભવ થવો જોઈએ. તો કરેમી ભંતે લીધું એટલે સમભાવનો વિચાર કરવાનો, સમભાવનું જ્ઞાન કરવાનું કે સમભાવનો અનુભવ કરવાનો? અનુભવ કરવાનો.
જેમ સમ્યક દર્શન મળે એને જ્ઞાતા ભાવ અને દ્રષ્ટા ભાવ મળે. જ્ઞાન તો એક બેરિસ્ટર (barrister) પાસે મારા તમારા કરતાં ઘણું હોય છે. પણ એ જ્ઞાન કેવું હોય છે? કે પદાર્થોને વ્યક્તિઓને જાણે. જાણ્યા પછી ગમો અને અણગમો કરે. જ્ઞાતા ભાવનો મતલબ એ છે કે તમે જાણો છો પણ સારું કે ખરાબ આવું વિચારતા નથી. સમ્યક દર્શન મળે એટલે જ્ઞાતા ભાવ મળે.
જ્ઞાતા ભાવ મળ્યો એટલે શું થયું? તમે પ્રબુદ્ધ માણસ છો. તમને ખ્યાલ આવી જાય આ આવો છે. પણ તમને એના પ્રત્યે તિરસ્કાર નથી કરતા. પદાર્થ કોઈ પણ હોય તમને પદાર્થ રૂપે જ લાગે. ન સારું ન ખરાબ. અને વ્યક્તિ કોઈ પણ હોય તો એ સિદ્ધના આત્મા જેવી તમને દેખાય.
શ્રીપાલને ધવલ શેઠ કેવા છે એ પહેલી વારે ખબર પડી ગઈ હતી. ભરૂચમાં પહેલી વાર ધવલ શેઠ અને શ્રીપાલનું મિલન થયું. અને શ્રીપાલના કારણે ધવલ શેઠના વહાણો થંભેલા ચાલવા માંડ્યા. તો એ વખતે ધવલ શેઠે ઓફર (offer) કરી કે તમે મારે ત્યાં કામમાં જોડાઈ જાવ. તો કે જોડાઈ તો જાવ પણ મારો પગાર કેટલો ખબર છે? તમારા એક લાખ સૈનિકોનો પગાર હોય એટલો પગાર મારો.
શ્રીપાલને જોઈતું નથી કઈ. પણ આ બતાવે છે કે શ્રીપાલ ધવલ શેઠને પહેલી જ નજરે ઓળખી ગયો છે કે આ મૂર્તિ કેવી છે. પણ એ મૂર્તિ ઉપર તિરસ્કાર નથી થતો. એ સમ્યક દર્શન છે, એ જ્ઞાતા ભાવ છે. દ્રષ્ટા ભાવ એટલે શું? તમે જુઓ છો. પણ જોયા પછી આ સારું આ ખરાબ એવું વર્ગીકરણ તમારા મનમાં નથી.
અમે લોકો આનંદમાં કેમ? આ જ્ઞાતા ભાવને દ્રષ્ટા ભાવના કારણે. ઉપાશ્રય છે એ જોઈ લીધો. પણ સારો છે કે ખરાબ છે આવો વિચાર નથી આવતો. માટે સુખ. તમારું તો ઘર સારું હોય. તમને પોતાને સારું લાગતું હોય. અને તમારા કોઈ કલીગ (colleague) મુંબઈથી પુનામાં રહેવા આવે અને મોટું લક્ઝરીયસ (luxurious) અપાર્ટમેન્ટ લઈ લે અને તમે એના અપાર્ટમેન્ટમાં પહેલી વાર જાઓ. આટલું મોટું અપાર્ટમેન્ટ. આટલો મોટો હોલ. ઉપાશ્રયના હોલ જેવો. સારું આપણે તો ખાબોચિયામાં રહીએ છીએ. બોલો તમે પુનામાં વધારે ફ્લેટ જોયેલા હોય કે અમારા મુનિરાજોએ વધારે જોયેલા હોય? પછી અમારા મુનિ કોઈ વાર મને કે સાહેબ પહેલાનો ફ્લેટ બહુ સારો હો કે, અને તમને કોઈ ચા પીવા લઈ જાય ને? વંદન કરવા આવેલા હોય અને ચા પીવા કોઈ લઈ જાય અને એનો ફ્લેટ બહુ સરસ હોય ને? તો ચા પીને આવે અમારી પાસે અને કે સાહેબ એનો ફ્લેટ બહુ સારો હતો. અરે ફ્લેટ જોવા ગયો હતો?
તો “આતમ જ્ઞાન કો અનુભવ દર્શન સરસ સુધારસ પીજીએ.”
અમૃતના ઘૂંટડે ઘૂંટડા પીવાના. મજા જ મજા. પણ આત્માની અનુભૂતિ થવી જોઈએ. શબ્દોથી આત્માની વાત અભવિનો આત્મા કરી શકે. અને એવી રીતે આત્માની વાત કરે કે મારા જેવો માણસ પ્રભાવિત થઈ જાય. “હું આટલી સરસ આત્માની વાત કરે!” પણ એ કોરો ધાકોરો હોય કે આ મૂર્ખા માણસો છે. આત્મા આત્મા, કઈ આત્મા જેવું છે જ નહીં. એટલે આત્મતત્વને શબ્દોમાં જાણવાનો કોઈ અર્થ નથી. અનુભૂતિ.
એકવાર હું સુરતથી ઉત્તર ગુજરાત તરફ વિહાર કરવાનો હતો. તો સુરતમાં એક સાધક હતા. બહુ સારા સાધક. મને કે સાહેબ આપ ભરૂચ થઈને જવાના. રસ્તો એક જ છે. નર્મદા ઓળંગવી છે. એટલે ભરૂચ આવવાનું છે. તો ભરૂચમાં નર્મદાને તીરે રોડની બિલકુલ નજીકમાં એક આશ્રમ છે. અને એમાં એક ગુરુ રહે છે. આત્મતત્વ ઉપર બહુ જ સરસ બોલે છે. આપની ઈચ્છા હોય તો હું બધું જ ગોઠવી દઉં. આપ જે સમયે જવાના છો આપની એક મિનિટ બગડે નહીં. આપ ત્યાં જાઓ. આપની જોડે સત્સંગ થઈ જાય. બધું ગોઠવી આપું.
મેં કહ્યું હવે કોઈ એવી ઈચ્છા નથી. અનુભૂતિ થઈ ગઈ. હવે આત્માને શબ્દોમાં જાણવાનો કોઈ અર્થ નથી. તમે પુનામાં વર્ષોથી રહો છો. કોઈ કે પુના કેવું હું તમને બતાવું. કોંઢવા આવું છે. ફલાણું આવું છે. કાત્રજમાં દેરાસર છે. ભાઈ કેટલી વાર દર્શન કર્યા? તું કાત્રજની વાત શું કરવાનો મારી સાથે? તો આત્મતત્વની અનુભૂતિ કરવી છે. તમે સમભાવની અનુભૂતિ કરો. તમારા ગુણની એટલે આંશિક રૂપે આત્મતત્વની અનુભૂતિ કરો. એ જ રીતે નમ્રતાનો અનુભવ કરો. અહંકાર ઓછો થાય તો નમ્રતા ગુણની અનુભૂતિ એ પણ આત્મતત્વની અનુભૂતિ. તમે વીતરાગ છો. એ વીતરાગ દશાની અનુભૂતિ એ પણ તમારી અનુભૂતિ.
એટલે પ્રભુનું દર્શન શેના માટે? આપણી અનુભૂતિ માટે. પ્રભુની પાસે જે અનુભૂતિ છે એ અનુભૂતિ આપણે કરવી છે. એટલે આપણે પ્રભુને કહીએ છીએ કે પ્રભુ! તું મારું ભવિષ્ય છે. ભવિષ્યકાળમાં હું તારા જેવો થવાનો છું. અને મારો જે ભૂતકાળ હતો એવો જ તારો ભૂતકાળ હતો. પણ તે પુરુષાર્થ કર્યો. અનુભૂતિ કરી. અને આત્માનુભૂતિની ધારામાં આવ્યો. પ્રભુ એવી કૃપા કર કે હું પણ આત્માની અનુભૂતિને પામી જાઉં. એક સામાયિક કરો છો. ક્યારે અનુભવ કર્યો? કે કોઈ પણ નિમિત્ત આવે તમને ગુસ્સો ન આવે.
વિનોબાજીએ એક સરસ વાત કરી છે. વિનોબાજીએ કહ્યું કે એક નક્કી કરો કે તમે ઉઠ્યા. ઉઠ્યા પછીનું પહેલું જે નિમિત્ત તમારુ, રાગનું દ્વેષનું અહંકારનું એમાં તમારે જવું નહીં. આવો એક નિયમ કરો. હવે ઉઠ્યા છીએ. મન ફ્રેશ (fresh) છે. અને સંકલ્પ યાદ આવે કે પહેલું નિમિત્ત મળે એમાં મારે મારા મનને જવા દેવાનું નથી. તો તમે એ રીતે તમારા મનને નિયંત્રિત કરી પણ શકો. હવે આ એક નિયમ તમારી પાસે હોય તો કેટલો બધો ફાયદો થાય. ધારો કે પહેલું જ નિમિત્ત અત્યંત જોરદાર આવ્યું. કોઈએ સીધો તમારા ઉપર વ્યક્તિગત આક્ષેપ કર્યો, કેરેક્ટરના સંબંધમાં. પણ તમે નક્કી કરો. તમે નક્કી કરેલું છે કે પહેલું નિમિત્ત મળે એમાં મારે જવાનું નથી. તમે એની અસરમાં ન આવો. પછી તમને થાય કે આટલું મોટું નિમિત્ત હતું અને મને અસર ન થઈ તો નાના નિમિત્તોની અસર મને કેમ થાય? બોલો એક નિયમ તમને કેટલા બચાવી શકે? તો આ રીતે પણ તમે તમારી અનુભૂતિ તરફ જઈ શકો.
તો બીજું સ્તર આપ્યું:
“આતમ જ્ઞાન કો અનુભવ દર્શન સરસ સુધારસ પીજીએ.”
પછી ત્રીજું ચરણ આપે છે:
“એહથી હોવે દેવ ગુરુ ફોની ધર્મ રંગ અઠ્ઠી મજજી.”
આ પદ્મવિજય મહારાજની નવપદ પૂજાના શબ્દો છે. “એહથી હોવે દેવ ગુરુ ફોની ધર્મ રંગ અઠ્ઠી મજજી.” આ સમ્યક દર્શન મળ્યા પછી દેવ ગુરુ અને ધર્મ ઉપર એવો રાગ પેદા થાય છે કે હાડકા અને ચરબી સુધી એ રાગ પહોંચે છે. અઠ્ઠી મજજી. અઠ્ઠી એટલે હાડકું અસ્થિ. મજજા એટલે ચરબી. મારા પ્રભુએ મને આવું સમ્યક દર્શન આપ્યું. મારા સદ્ગુરુએ આવી સમ્યક દર્શનની વાત કરી. આવો ધર્મ મને મળ્યો કે જેમાં સમ્યક દર્શનની વાતો આવે છે. કેવો બડભાગી છું.
એટલે ‘અરિહંતો મહાદેવો’ આપણે બોલીએ છીએ. ‘જાવજ્જીવ સુસાહુણો ગુરુણો’. એ જે સમ્યક્ત્વ જે છે એ સમ્યક દર્શન મળ્યા પછીનું અહોભાવના સ્તરનું વચન છે કે હવે આ પ્રભુને, આ સદ્ગુરુને, આ ધર્મને ક્યારે પણ છોડીશ નહીં.
પણ સમ્યક દર્શન એટલે શું? આત્માનો અનુભવ.
એક હિન્દુ શિષ્ય હતો. આત્મતત્વ ઉપર બહુ સરસ બોલતો. એકવાર ગુરુએ કહ્યું કે મને ખબર છે કે તું આત્મતત્વ ઉપર બહુ સરસ બોલે છે. જરા એકવાર મારી સામે બોલ તો. આ ગુરુ સામે બોલવું એટલે છક્કા છૂટી જાય. પણ એણે હિંમત કરી. વેદોના ઉપનિષદોના પુરાણોના રેફરન્સો (references) ટાંકી ટાંકીને દોઢ કલાક સુધી આત્મતત્વ ઉપર એ બોલ્યો. ગુરુ એના શબ્દો તરફ ધ્યાન નથી આપતા. એના ચહેરા ઉપર ધ્યાન આપે છે. દોઢ કલાકે પેલા એ પ્રવચન પૂરું કર્યું. એના મનમાં હતું કે ગુરુ મને બાહોમાં સમાવશે. “વાહ ફક્કડ બોલ્યો!” પણ આ તો ગુરુ હતા. ગુરુની પરીક્ષામાંથી પસાર થવું એટલે! તમે 10 સોનામહોર મૂકી દો એટલે કે અમારી પરીક્ષામાં પાસ નથી થવાના. તમે જીવન પરિવર્તન કરો તો જ અમારી પરીક્ષામાંથી પાસ થશો.
તો શિષ્યે પ્રવચન પૂરું કર્યું ત્યારે ગુરુએ એક જ વાક્ય કહ્યું: “You can’t fill your stomach with the picture of the cakes.” ભાખરીના ચિત્રોથી પેટ ભરાય નહીં. તારી પાસે શું હતું? ભાખરી ક્યાં છે? ભાખરીના ચિત્રો છે. અનુભૂતિ ક્યાં છે તારી પાસે? તારા ચહેરા ઉપર તો અનુભૂતિ છે નહીં. ખાલી શબ્દોથી શું થાય? “You can’t fill your stomach with the picture of the cakes.”
એટલે અત્યાર સુધી આપણે આત્મા વિશે સાંભળ્યું છે. આજથી શું કરવાનું છે? આત્મતત્વની અનુભૂતિ. એટલે ઓળીના પ્રવચનો પૂરા થાય એ પછી પણ તમારી હાજરી બરોબર હશે તો આપણે અનુભૂતિની વાતો કરીશું. ધ્યાનની ધારામાં તમને લઈ જઈશું. અને મારી પાસે જે છે એ બધું મારે ઠાલવીને જવું છે. કાર્તક સુદ પૂનમના વિહાર નક્કી છે. પણ એ પહેલા મારી પાસે જે કઈ છે અનુભૂતિ એ મારે તમને હેન્ડ ઓવર (handover) કરવી છે. તમારી જેટલી તાકાત લઈ લેજો.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *