Shree Navpad Vachna || 25-10-2026 || Pune Chaturmas

1 View
26 Min Read

ચારિત્ર પદ

ચારિત્ર શી રીતે મળે? હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે ચોથા પંચસૂત્રમાં કહ્યું કે પ્રવ્રજ્યા એટલે કે ચારિત્ર એ તો પછીની ઘટના છ; એની પહેલાંની ઘટના છે અભિવ્રજ્યા, એટલે કે પરમાત્માનું સંમોહન. એવું પરમાત્માનું ઘેલું તમને લાગે કે તમારા મનમાં, હૃદયમાં માત્ર એ જ છવાયેલ હોય.

પ્રભુનું મિલન દુષ્કર નથી, અસાધ્ય નથી. પણ એક વિરહવ્યથા આપણી ઘેરી બનવી જોઈએ કે બધા વિના મને ચાલશે, એ ના વિના મને નહીં જ ચાલે. એ તો જોઈએ જ. અનંતા જન્મો મારા વીત્યા, એ બધા જ જન્મો Meaningless ગયા, વ્યર્થ ગયા કારણ કે એમાં પ્રભુ મને મળ્યા નહોતા. આ જન્મની અંદર પ્રભુની અનુભૂતિ મને થવી જ જોઈએ.

અને એક મજાની વાત કહું: વિરહની આ પીડા પણ ક્યારે થાય? અલપ-ઝલપ મિલન થયેલું હોય પછી! અલપ-ઝલપ મિલન થાય, પણ જેવું તમારું મન પરમાં ગયું, કોઈ પદાર્થમાં કે કોઈ વ્યક્તિમાં ગયું એટલે પ્રભુ છૂટી જશે. કારણ કે પ્રભુની સ્પષ્ટ વાત છે કે ૯૯% તું મને ચાહતો હોય તો પણ હું તારી જોડે રહેવા તૈયાર નથી; તું ૧૦૦% મને ચાહતો હોય, તો જ હું તારી જોડે રહું!


પૂજ્યપાદ ભક્તિયોગાચાર્ય આનંદઘનજી ભગવંતની અદ્ભુત કૃતિ—

“નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે”

રચના એમણે કરી છે. આનંદઘનજી ભગવંતે પણ આપણા વતી કરી છે. પ્રભુના ચરણોમાં, આપણા વતી, આ સ્તવના એમણે પેશ કરી છે. આપણા વતી, એવા ભક્તો વતી, કે જે ભક્તોને પ્રભુ પ્રાણપ્રિય છે. પ્રભુનું મિલન એ જ જેમનું અવતારકૃત્ય છે, પણ જેમને પ્રભુ મળ્યા નથી.

નિરંજન નાથ મોહે કૈસે મિલેંગે? આખો ભાર “કૈસે” શબ્દ પર છે. કઈ રીતિ, કઈ વિધિ, કઈ ટેક્નિક—પ્રભુને હું પામી શકું? “કૈસે” શબ્દમાં દર્દ છે, વિરહની પીડા છે. પ્રભુને મળવું છે, પ્રભુને પામવા છે, પણ કઈ રીતે? એને પામું તો કઈ રીતે પામું?

મીરાંએ કહેલું: “પ્રભુ, મને કેટલું તું તડપાવીશ? તડપ-તડપ જીવ જાસી. તડપી-તડપીને મારા પ્રાણ ચાલ્યા જશે. તું મને કેટલું તડપાવીશ?” વિરહની વેદના, વિરહની પીડા. પ્રભુ, બીજું બધું જ સહન થઈ શકે, તારો વિરહ સહી ન શકાય.

આનંદઘનજી ભગવંતે એક પદમાં કહ્યું:

“આનંદઘન બિન પ્રાણ ન રહે છીન, કોટિ જતન કરી બેચી.”

પ્રભુ, હું કરોડો ઉપાય કરું તો પણ તારા વિના એક ક્ષણ હું રહી શકું એમ નથી. આનંદઘન બિન પ્રાણ ન રહે છીન. એક ક્ષણ તારા વિના મારા પ્રાણ ટકી શકે એમ નથી. આ વિરહની વેદના, આ વિરહની પીડા.

અને બહુ મજાની વાત એ છે કે વિરહની પીડાનું જે એક્સ્ટ્રીમ પોઇન્ટ છે, એની બાજુમાં જ મિલનનું પ્રારંભ બિંદુ છે. તડપન, વિરહવ્યથા—જે ક્ષણે અંતિમ બિંદુ પર પહોંચી, તરત જ મિલન.

કોલ્હાપુરના એક ભક્ત મને મુંબઈમાં મળેલા. મને કે’: “સાહેબ, અમારે ત્યાં થોડું ટેમ્પરેચર વધે, સહેજ ગરમી ઊંચકાય, એટલે તરત વરસાદ શરૂ થઈ જાય.” મેં કહ્યું: “અમારે પણ એવું જ છે. વિરહની પીડા ઊંચકાય, વિરહનો તાપ ઊંચકાય, તરત જ મિલનનો વરસાદ શરૂ થઈ જાય.”

વિરહની પીડા માણી છે ક્યારેય? એના વિના રહેવાનું થાય, તમે રહી ન શકો, બેચેન બેચેન બની જાઓ. કોઈ પૂછે: “કેમ ઉદાસ છો?” અને ત્યારે તમે કહી દો: “આજે ચિંતામણિ દાદા મળ્યા નથી.” એના વિના તમે રહી ન શકો.

નારદ ઋષિએ વિરહવ્યથા માટે એક નવો જ શબ્દ વાપર્યો: “વિરહાસક્તિ.” પહેલી વાર નારદ ઋષિને વાંચ્યા, “વિરહાસક્તિ” શબ્દ આવ્યો. વિરહનું આકર્ષણ, વિરહનું ખેંચાણ, વિરહની આસક્તિ. નવાઈમાં ડૂબી ગયો. વિરહની પીડા હોય, વિરહનું તે વળી ખેંચાણ હોય? એનું આકર્ષણ હોય? એની આસક્તિ હોય? વિરહ તો ખારો જ લાગે, એ શું મીઠો લાગી શકે?

પણ નારદ ઋષિની આંખોથી એ શબ્દને જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે નારદ ઋષિ શું કહેવા માંગે છે. બહુ જ પ્યારો અર્થ એમણે આપ્યો. એમણે કહ્યું કે વિરહ પણ કોનો? એનો, પરમપ્રિયનો, પરમપ્યારાનો. એ વિરહની ક્ષણોમાં તમે એસોસિએટેડ કોની જોડે થાઓ છો? પ્રભુ સાથે. વિરહ પણ એનો જ. એ વિરહની ક્ષણોમાં તમે જોડાઓ છો પરમાત્માની સાથે. અને એટલે નારદ ઋષિએ કહ્યું કે દુનિયાનો પ્યારામાં પ્યારો પદાર્થ મળે, કે પ્યારામાં પ્યારી વ્યક્તિ તમને મળે અને તમને જે સુખની અનુભૂતિ થાય, એના કરતાં કંઈ ગણી સુખની અનુભૂતિ પ્રભુના વિરહમાં થાય. એની યાદથી મન આખું ભરાઈ ગયું હોય, હૃદય એની સ્મૃતિથી ઝંઝોળાઈ ગયું હોય, પૂરું અસ્તિત્વ એનામય બની ગયું હોય, એ આનંદ કોઈ જેવો તેવો હોય? એનું મિલન એ તો બહુ મોટી ઉપલબ્ધિ છે, પણ એનો વિરહ એ પણ કોઈ નાનીસૂની ઉપલબ્ધિ નથી.

નિરંજન નાથ મોહે  કૈસે મિલેંગે? કઈ રીતે મને મારા પ્રભુ મળશે?

એક ભક્તની પાસે આ જ પીડા હતી: પ્રભુ નથી મળતા, પણ પ્રભુ જ જોઈએ. તમારે છે ને પ્રભુ જોઈએ. પેલા ભક્તને પ્રભુ જ જોઈતા હતા. ત્રણ સ્તર છે: પ્રભુ પણ જોઈએ—સંસાર પણ જોઈએ, પ્રભુ પણ જોઈએ. પછી “પણ”ને કાઢો: પ્રભુ જોઈએ. અને પછી સુપરલેટિવ ડિગ્રી આવે—કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી: પ્રભુ જ જોઈએ. એના સિવાય બીજું કોઈ જ નહીં.

કલાપૂર્ણસૂરિ દાદાને પૂછવામાં આવેલું કે: “દાદા, આપના જીવનની ઉપલબ્ધિની વાત તો કરો.” ત્યારે દાદાએ કહ્યું કે: “મારે એક જ માત્ર પ્રભુ જોઈતા હતા. અને જે ક્ષણે પ્રભુ મળી ગયા, એ ક્ષણે મારું જીવન સાર્થક બની ગયું.”

દાદાના કાળધર્મ પછી એક ભક્ત મને મળેલો. એ ભક્તે મને કહ્યું કે: “દાદાનું મિશન કેટલું સરસ ચાલતું હતું, અને દાદા અધવચ્ચે જતા રહ્યા.” ત્યારે મેં કહ્યું કે: “દાદાનું મિશન તો ક્યારનુંય પૂરું થઈ ગયેલું. દાદાના મિશનમાં માત્ર પ્રભુ હતા. જે ક્ષણે પ્રભુ મળી ગયા, દાદાનું મિશન પૂરું થઈ ગયેલું. પછી પ્રભુનું મિશન ચાલતું હતું. પ્રભુ કહેતા હતા કે: જુઓ, જે મને પામે ને, એને બહારથી અને ભીતરથી કેવો હું ઊંચકું છું.” ભીતરથી દાદાની જે સાધના હતી, એ તો Beyond the words, beyond the imagination છે. આપણે એની કલ્પના પણ ન કરી શકીએ. પણ બહારથી પણ પ્રભુએ દાદાનો પુણ્યપ્રભાવ કેટલો વધારી મૂક્યો! દાદા મુંબઈ ન જાય, મુંબઈની બહારથી પસાર થાય, અને દોઢ-બે લાખ માણસો દાદાનો દીદાર જોવા માટે સડકોને ભરી નાખે. પોલીસ ઇન્સ્પેક્ટર વિચારમાં પડી જાય: “આ કોણ છે?” તો મેં કહ્યું કે દાદાનું મિશન તો ક્યારનું પૂરું થઈ ગયેલું. પ્રભુ મળ્યા, દાદાનું મિશન પૂરું થઈ ગયેલું. પછી પ્રભુનું મિશન ચાલતું હતું.

પેલા ભક્ત પાસે એક જ વાત હતી: પ્રભુ જ જોઈએ. પ્રભુ જોઈએ એમ નહીં, પ્રભુ પણ જોઈએ એમ નહીં, પ્રભુ જ જોઈએ. તમે ત્યાં સુધી નથી પહોંચ્યા ને, એટલે પ્રભુ મળતા નથી. સમજ્યા? આજે ભૂલ સમજાણી? શોપિંગ કરવા જાઓ, આપણા બજેટમાં મળી જાય તો લઈ લઈશું, નહિતર કંઈ નહીં. એમ ન જ મળે તમને. પણ તમે નક્કી કરીને નીકળો: “આ જોઈએ જ મારે, લેવું જ છે.” પેલો ભક્ત કહે છે: “પ્રભુ જ જોઈએ.” અને પ્રભુ મળતા નથી. બીજું કશું ગમતું નથી. ન ખાવાનું, ન પીવાનું. એ હાલતની તમે કલ્પના કરો: પ્રભુ જ જોઈએ છે, અને એ મળતા નથી.

અને એક મજાની વાત વચ્ચે કહું: વિરહની આ પીડા પણ ક્યારે થાય? અલપ-ઝલપ મિલન થયેલું હોય પછી. જ્યાં સુધી સામાન્ય પણ મિલન પ્રભુ સાથે નથી થયું, ત્યાં સુધી વિરહની પીડા હોય જ નહીં. ટેલિવિઝન શું, એ ખબર જ નહોતી, ત્યારે મારા ઘરમાં ટેલિવિઝન નથી એની પીડા હતી? ખબર જ નથી. એમ પ્રભુનું મિલન થાય અને આટલો આનંદ ઉત્પન્ન થાય છે, એ ખબર જ નહોતી, ત્યાં સુધી અનંતા જન્મો એના વિરહમાં પસાર થયા, પણ એના વિરહની પીડા નહોતી.

એટલી જ અલપ-ઝલપ પણ એનું મિલન થાય, અને પછી એ છૂટી જાય. કારણ તમારું મન પરમાં ગયું, કોઈ પદાર્થમાં ગયું, કોઈ વ્યક્તિમાં ગયું. પ્રભુ નટખટ છે, એ છૂટી જશે. પ્રભુની સ્પષ્ટ વાત છે: “૯૯% તું મને ચાહતો હોય તો પણ હું તારી જોડે રહેવા તૈયાર નથી. તું ૧૦૦% મને ચાહતો હોય તો જ હું તારી જોડે રહું.” તો પ્રભુ મળ્યા, આનંદની અનુભૂતિ થઈ, અને પ્રભુ ગયા. પછી જે શૂન્યાવકાશ સર્જાય છે, લાગે છે કે જીવનનો કોઈ અર્થ નથી રહ્યો. એ મળે તો જીવન, નહિતર મૃત્યુ.

આ ભક્તને અલપ-ઝલપ મિલન દ્વારા પ્રભુની અનુભૂતિનો આનંદ મળી ગયેલો. હવે પ્રભુ વિના એક ક્ષણ એ રહી શકતો નથી. પ્રભુ જ જોઈએ, અને પ્રભુ મળતા નથી. એક વાર તો એણે પ્રભુને ચેલેન્જ મારી કે: “કાલે સવારે ૭ વાગ્યા સુધીમાં તું મને મળ. નહીં મળે તો દરિયો બાજુમાં જ છે, દરિયામાં કૂદકો મારી આ શરીરનો ત્યાગ કરી દઈશ. કારણ તું જો આ હૃદયમાં ઝળકવાનો ન હોય, તું જો આ આંખોમાં વિલસવાનો ન હોય, તો આ હૃદયનો શો અર્થ? આ આંખોનો શો અર્થ?”

જર્મન કવિ રિલ્કેએ લખ્યું:

“Put out my eyes, If that can see you”

આપણા ગુજરાતી કવિ હરીન્દ્ર દવેએ રસળતી ગુજરાતીમાં એનો અનુવાદ કર્યો:

“ઠારી દે આ દીપ નયનના, ઠારી દે આ દીપ નયનના, તવ દર્શનને કાજ, જો કાચ નથી આ ખપના. જો કાચ નથી આ ખપના.”

તને જો જોઈ ન શકે, તો આંખો નથી મારી પાસે, કાચ છે. કાચનો શો મતલબ? હોય કે ન હોય. એ હૃદયમાં ઝળકે તો હૃદયનો અર્થ. એ આંખોમાં વિલસે તો આંખોનો અર્થ. એટલે ભક્તે કહ્યું: “કાલે સવારે ૭ વાગ્યા સુધીમાં પ્રભુ, તું મને નહીં મળે તો દરિયાની અંદર કૂદકો લગાવી પ્રાણનો ત્યાગ કરીશ. તારા વગર જીવવાનો કોઈ અર્થ નથી.” આ વિરહની વેદના છે, એક છટપટાહટ. તમે એક ક્ષણ એના વિના રહી ન શકો.

બીજી સવારે, પાંચ-સાડા પાંચ વાગ્યે, એ ભક્ત દરિયાકાંઠે જાય છે. નીરવ શાંતિ. પ્રભુનું ધ્યાન કરે છે. છ, સવા છ, સાડા છ. સાડા છ વાગ્યે એણે પ્રભુને કહ્યું: “પ્રભુ, તારી પાસે હવે અડધો કલાક છે. મારી પાસે નહીં, તારી પાસે. તારી પાસે અડધો કલાક છે. મળવું હોય તો મળ, નહિતર હું દરિયામાં! આવું છું તારી પાસે. કાં તો તું મને મળવા આવ, નહિતર હું તને મળવા આવું.” પ્રભુની જોડે આવી વાતો ક્યારેય કરી છે?

ઉપમિતિમાં સિદ્ધર્ષિ કહે છે કે: “પ્રભુ, તમે આખી દુનિયાને છોડીને મોક્ષમાં ગયા, માની શકું. મને છોડીને તમે મોક્ષમાં કેમ જઈ શકો? હું તમારું બાળક. એક મા, બાળકને લીધા વિના એસી રૂમમાં ચાલી જાય અને બાળકને તાપમાં સળગતો રાખે? તમે મને મૂકીને કેમ ગયા? હવે મને લેવા આવો, આવો મારી પાસે. કાં તો હું તમારી પાસે આવું, કાં તો તમે મારી પાસે આવો.” કીધું ભગવાનને કોઈ વાર?

“તું પ્રભુ મારો, હું પ્રભુ તારો.” આપણે શું કહીએ? “તું પ્રભુ તારો, હું પ્રભુ મારો. તું પ્રભુ તારો, હું પ્રભુ મારો.” એની જોડે સંબંધ છે આપણને?

મને એક ભાવકે સરસ પ્રશ્ન કરેલો કે: “સાહેબ, જ્ઞાનવિમલસૂરિ મહારાજની આ સ્તવના: હું પ્રભુ તારો, તું પ્રભુ મારો. તો એ તો બહુ મોટા ગજાના ભક્તિયોગાચાર્ય હતા. એ પ્રભુને કહી શકે કે: હું પ્રભુ તારો છું. કારણ કે પ્રભુના થઈ ગયા હતા, પ્રભુમય એમનું અસ્તિત્વ હતું. પણ એ ભક્તે મને પૂછ્યું કે: અમે શી રીતે કહી શકીએ? અને અમે કહીએ તો મૃષાવાદ ન લાગે?” પ્રશ્ન કેટલો મજાનો છે! હું પ્રભુનો બન્યો નથી, હું સંસારનો છું, અને છતાં હું કહું કે: “હું પ્રભુ તારો,” તો એ મૃષાવાદ નથી? અસત્ય ભાષણ ન કહેવાય? ત્યારે મેં કહ્યું કે: “જ્ઞાનવિમલસૂરિ મહારાજે વિધાનના અર્થમાં લખ્યું કે હું તારો બની ગયો છું. આપણે બોલીશું એ પ્રાર્થનાના લયમાં બોલીશું કે: પ્રભુ, તારો બન્યો નથી, પણ મારે તારા બનવું છે. હું પ્રભુ તારો બની જાઉં.”

સાડા છ વાગ્યા. ભક્તે કહ્યું: “ભગવાન, હવે અડધો કલાક તારી પાસે છે.” પોણા સાત. ભક્તની આંખો બંધ છે. એ વખતે એક બાળકના રડવાનો અવાજ સંભળાય છે. ભક્તે આંખ ખોલી. આ બહુ મોટા ભક્તની વાત છે, વિદેશમાં થયા ઑગસ્ટિન. સંત ઑગસ્ટિનના જીવનની આ ઘટના છે. તો એમણે આંખ ખોલી. જોયું કે એક છ-સાત વર્ષનું બાળક, એના હાથમાં ગ્લાસ અને રડે છે.

ભક્તે બાળકને નજીક બોલાવ્યું. પૂછ્યું: “બેટા, કેમ તું રડે છે?” ત્યારે એણે કહ્યું કે: “અંકલ, આજે છે ને મારી વર્ષગાંઠ છે. સાતમું વર્ષ આજ બેઠું. અત્યાર સુધી મા મને ઘરની બહાર એકલો ક્યાંય જવા ન દેતી. પણ આજ તો હું મોટો થઈ ગયો ને, સાતમું વર્ષ બેઠું. એટલે આજે માએ રજા આપી. એટલે અમારું ઘર દરિયાની નજીકમાં જ છે, તો હું દરિયાકાંઠે આવ્યો. પહેલી વાર દરિયાને જોયો. મને દરિયો તો બહુ ગમી ગયો. પણ હવે નાસ્તાનો ટાઈમ થયો છે. દરિયો કંઈ નાસ્તો નહીં આપે, નાસ્તો તો મમ્મી આપશે. એટલે ઘરે જવું છે, પણ દરિયાને લઈને જવું છે. પણ દરિયો મારા ગ્લાસમાં સમાતો નથી.”

તમારે આવું થાય? નવ-સાડા નવ થયા, ચિંતામણિ દાદા પાસે બેઠા છો, દસ વાગે ઑફિસમાં હાજર થવું પડે એમ છે. “પ્રભુ, મારે જવું પડે એમ છે, પણ તારા વગર તો કેમ રહેવાય? તને હું હાથે લઈને જાઉં.” ભગવાન આવે? ભગવાન ના નહીં પાડે. તમે કહેશો તો ભગવાન ના નહીં પાડે. પણ કીધું કોઈ વાર ભગવાનને?

તો દીકરો કહે છે કે: “નાસ્તો તો મમ્મા આપશે, દરિયો નહીં આપે. પણ મને દરિયો ગમી ગયો છે. જવું છે ઘરે, પણ દરિયાને લઈને જવું છે.” ભગવાન ગમી ગયા એટલે હવે ભગવાનને લઈને જવાનું. “પણ દરિયો મારા ગ્લાસમાં સમાતો નથી.” ત્યારે ભક્તે કહ્યું: “બેટા, દરિયો આટલો મોટો, તારો ગ્લાસ આટલો નાનો, એમાં દરિયો ક્યાંથી સમાય? આપણે આખા ગામને લાપસી કરવા માટે મોટું કડાયું છે ને, એમાંય દરિયો ન માય, તો ગ્લાસમાં દરિયો કેમ સમાય?” એટલે પેલો દીકરો કે’: “હા, અંકલ, તમારી વાત સાચી હો! મારો ગ્લાસ નાનો છે, એટલે દરિયો એમાં સમાય નહીં. મારી પાસે મોટો ગ્લાસ જોઈએ.” દીકરો તો ગયો.

પેલો ભક્ત વિચારમાં પડે છે કે: આ દીકરો હતો કે ભગવાન હતા કે ગુરુ હતા, કોણ હતું? હું કહું છું પ્રભુને કે: “પ્રભુ, તું મારા હૃદયમાં આવ.” પણ મારું હૃદય તો નાનકડા ગ્લાસ જેવડું છે. મારા કુટુંબનું સુખ એ જ મેં વિચાર્યું છે. ગામના સુખનો પણ મેં વિચાર કર્યો નથી. મારા રાજ્યના, રાષ્ટ્રના સુખનો વિચાર મેં કર્યો નથી. તો મારું હૃદયનું પાત્ર એકદમ નાનકડું હોય, તો આટલા મોટા ભગવાન દરિયા જેવડા મારા ગ્લાસમાં આવે શી રીતે?

હવે એ ભક્તને પ્રભુ ન આવ્યા એનું દુઃખ નથી. હવે એને થયું: “ભૂલ મારી છે. મારો ગ્લાસ નાનો છે.” પછી એક સદ્ગુરુના ચરણોમાં એ બેસે છે. મૈત્રીભાવના પાઠો શીખે છે. હૃદયને ઉદાર બનાવે છે. હૃદયને એટલું વિશાળ બનાવે છે. અને પછી એ ઉદાર હૃદયમાં પ્રભુનું અવતરણ થાય છે. તમારું હૃદય નિર્મળ હોય, તમારું હૃદય ઉદાર હોય, તો પ્રભુ આવે જ. પ્રભુ તૈયાર છે.

હકીકત તો એ છે કે: “He is waiting for you.” પ્રભુ તમારી ભીતર અવતરિત થવા માટેની રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તમે તક આપો અને ક્યારે પ્રભુ અવતરિત થાય. અને એટલે પ્રભુ સદ્ગુરુ ચેતનાને મોકલે છે કે: “તમે પહેલાં જાઓ, એના હૃદયને નિર્મળ બનાવો, કારણ કે મારે એમાં આવવું છે.” એટલે અમારું આવવાનું કેમ થયું? કે પૂનાવાળાઓના હૃદયને નિર્મળ બનાવી નાખીએ. પછી ભગવાન આવી જ જવાના છે. He is ready, He is ever ready. પ્રભુ હંમેશ માટે તૈયાર છે, આપણે તૈયાર નહોતા. સદ્ગુરુ આવે અને ભક્તોને તૈયાર કરે.

તો “નિરંજન નાથ મોહે  કૈસે મિલેંગે?” કઈ રીતે મળશે? જવાબ આ આવ્યો: મારું હૃદય નિર્મળ બને, મારું હૃદય ઉદાર બને, અને પ્રભુ મારા હૃદયમાં અવતરિત થાય. પ્રભુ તૈયાર છે. પ્રભુ તૈયાર છે. આપણે તૈયાર નથી. અનંતા જન્મો પ્રભુએ આપણી પ્રતીક્ષા કરી, રાહ જોઈ. હવે પ્રભુને કેટલી રાહ જોવડાવવાની છે?

એટલે આનંદઘનજી ભગવંતે પંદરમાં સ્તવનમાં કહ્યું:

“પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે…”

પછી તો ફટાફટ કર્યું: “હૃદયનયન નિહાળે જગધણી.” પણ અહીંયા “જો” મૂક્યું: “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે.” સદ્ગુરુ કદાચ તમારા હૃદયમાં પ્રવચનનું અંજન આંજે, તો હૃદયની આંખથી, અસ્તિત્વની આંખોથી તમે પ્રભુને જોઈ શકો. હું ઘણી વાર પૂછું પ્રવચનમાં કે આ “જો” કેમ આવ્યું? “પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે.” સદ્ગુરુ કન્ડિશનલી કેમ ખૂલે? એમણે તો અનકન્ડિશનલી ખૂલી જવું જોઈએ: “આવી જા, શક્તિપાત કરી દઉં.” પણ વાત એ છે કે એ “જો” ઊછળીને આપણા તરફ આવે છે. સદ્ગુરુ તૈયાર છે, પણ એ શક્તિપાત ઝીલવા માટે આપણે તૈયાર નથી.

અત્યારે પણ સદ્ગુરુ તમારા પર શક્તિપાત કરવા તૈયાર છે. અને શક્તિપાત કરતાં એક સેકન્ડ લાગવાની. માથા પર હાથ મૂક્યો—શક્તિપાત. આંખથી આંખ મિલાવી—શક્તિપાત. શક્તિપાત કરતાં એક સેકન્ડ લાગશે, પણ શક્તિપાત માટે, શક્તિપાત ઝીલવા માટે તમને તૈયાર કરતાં અનંત જન્મો લાગે. સદ્ગુરુ ચેતના કેટલાય જન્મોથી તમારી રાહ જુએ છે કે આ તૈયાર થાય અને શક્તિપાત કરી દઉં. પણ આપણે તૈયાર થતા નથી.

તો શક્તિપાત ઝીલવા માટે આપણી સજ્જતા કઈ? આપણી સજ્જતા અહોભાવ, બહુમાનભાવ. આખું હૃદય, મન, અસ્તિત્વ અહોભાવથી, બહુમાનભાવથી ભરાય: આવા પ્રભુ મને મળ્યા, આવા સદ્ગુરુ મળ્યા, આવું પ્રભુનું શાસન મળ્યું.

એક વાત યાદ રાખજો: એક અહોભાવ, એક શ્રદ્ધા તમારી પાસે આવી ગઈ, મોક્ષ તમારી પાસે છે. કારણ આ શ્રદ્ધા, આ અહોભાવ એ ગુરુના શક્તિપાતને ઝીલશે, અને શક્તિપાત ઝીલો એટલે મોક્ષ નક્કી.

શક્તિપાત એટલે શું, તમને ખબર છે? એક ગુરુદેવ હોય, ૭૦ વર્ષનો દીક્ષા પર્યાય હોય, ૭૦ વર્ષ સુધી પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવેલા હોય, એમના શરીરના અણુ-અણુમાં પવિત્રતા હોય. એમનું પૂરું શરીર શક્તિનું કેન્દ્ર બની જાય. એ સદ્ગુરુ શક્તિપાત કરે ત્યારે પોતાની બધી શક્તિ તમને આપે. ‘ગુરુ કરેમિ ભંતે’ સૂત્ર તમને આપે અને શક્તિપાત થઈ જાય. અને એ શક્તિપાત ઝીલાય તો તમારી તાકાત છે કે રાગ-દ્વેષમાં એક સેકન્ડ માટે પણ તમે જાઓ? તમે જાઓ છો રાગ-દ્વેષમાં, તો એનો મતલબ એ થયો કે તમે સદ્ગુરુના શક્તિપાતને ઝીલી શક્યા નથી. બાકી એ ઝીલાય તો તમારે કંઈ કરવાનું રહેતું જ નથી, શક્તિપાત જ બધું કરી લે છે.

વચનસિદ્ધ મહાપુરુષો હતા—સિદ્ધિસૂરિ દાદા, ભદ્રસૂરિ દાદા. ખાલી આમ કહી દે: “જા, તારું કલ્યાણ થશે.” બસ, પછી બીજી કોઈ વાત જ ન હોય.

હિન્દુ પરંપરામાં એક સરસ ઘટના આવે છે. નારદ ઋષિ એક જગ્યાએ ગયા. પટેલ ભક્ત હતો ગામનો. પટેલે આગતાસ્વાગતા કરી. નારદ ઋષિએ કહ્યું: “બોલ ભગત, તારી કોઈ ઇચ્છા હોય તો બોલ.” તો પટેલ કે’: “સાહેબ, લાખો રૂપિયા છે, ખેતીવાડી બહુ મોટી છે, ગામમાં ઇજ્જત બહુ મોટી છે, પણ સંતાન નથી. એક સંતાન હોય તો સારું.”

નારદ ઋષિ છે ને, એ આપણા ગૌતમ સ્વામી જેવા હતા. એટલે પોતે કોઈ દિવસ પ્રશ્નનો જવાબ ન આપે, પોતાના જ્ઞાનનો ઉપયોગ નહીં કરે. એ વિષ્ણુ પાસે ગયા, વિષ્ણુ ભગવાન પાસે. અને ભગવાનને પૂછ્યું: “ભગવાન, આ ગામના આ પટેલ, એને છોકરો જોઈએ છે.” તો ભગવાને કહ્યું કે: “એના નસીબમાં નથી.” એટલે નારદ ઋષિ પાછા આવ્યા કે: “ભાઈ, ભગવાને કહ્યું કે તારા નસીબમાં દીકરો નથી.” પટેલ પણ બહુ મોટા મનનો: “સાહેબ, તમે શું કરો? મારા નસીબમાં ન હોય તો ન થાય.”

પણ ત્રણેક વર્ષ પછી નારદ ઋષિને ફરી એ ગામમાં અને પટેલને ત્યાં આવવાનું થયું. ઘોડિયામાં એક બાળક ઝૂલતું હતું. નારદ ઋષિ વિચારમાં પડી ગયા: “આ પટેલ કોકનું લઈ આવ્યા લાગે છે, દત્તક.”

“પટેલ, આ દીકરો કોનો?” “મારો દીકરો કે’ છે.” “તારો કે તું દત્તક લઈ આવ્યો?” “નહીં નહીં, મારો કે’ છે. બાપજી, તમે તો ના પાડેલી કે તારા નસીબમાં નથી. પણ ખરેખર મારા નસીબમાં દીકરો… તો દીકરો આમ ચંદ્રમા જેવો, ઉજ્જવળ, બહુ સરસ મને મળી ગયો.”

નારદ ઋષિ તો ધૂંવાંપૂંવાં થઈ ગયા! ભગવાને કહેલું નથી, અને આને થયો કેમ? ગયા ભગવાન પાસે: “ભગવાન, આને દીકરો કેમ થયો?” ત્યારે વિષ્ણુ ભગવાને કહ્યું કે: “એના નસીબમાં નહોતો, પણ એને ત્યાં એક બહુ જ ઊંચી કક્ષાના સંત આવ્યા, જેમનું જીવન અતિ પવિત્ર હતું. અને એ ઋષિએ પટેલને કહ્યું: તારે દીકરો થશે. એટલે એના નસીબમાં નહોતો, તો પણ થઈ ગયો.” એટલે વચનસિદ્ધ મહાપુરુષો આવા હોય છે. એ ખાલી કહી દે: “જા, થઈ જશે તારું કામ.” થઈ જ જાય, આપણી શ્રદ્ધા જોઈએ.

તો “નિરંજન નાથ મોહે  કૈસે મિલેંગે?” મને મારા પ્રભુ કઈ રીતે મળશે? નિર્મળ હૃદય થઈ જાય, પ્રભુ મળી જાય. ઉદાર હૃદય થઈ જાય, પ્રભુ મળી જાય. મૈત્રીભાવથી છલકાતું આપણું મન હોય, પ્રભુ એમાં પધારી જાય. પ્રભુ તૈયાર છે, આપણે તૈયાર થવાનું છે.

સ્તવનાની છેલ્લી પંક્તિમાં આનંદઘનજી ભગવંત કહે છે:

“આનંદઘન કહે જસ સુનો બાતા, એહી મિલે તો મેરી ફેરી ટલે.”

એટલે આનંદઘનજી અને મહોપાધ્યાય યશોવિજયજી બેઉ ભેગા થયા છે. મહોપાધ્યાય યશોવિજયજી આનંદઘનજી ભગવંતના ચરણોમાં આવ્યા છે કે: “ભગવંત, આપે પ્રભુનો સાક્ષાત્કાર કર્યો છે, મને પણ એ પ્રભુનું દર્શન કરાવો, એ પ્રભુનું મિલન કરાવો.” એ વખતે આનંદઘનજી ભગવંતે મહોપાધ્યાય યશોવિજયજી ઉપર શક્તિપાત કર્યો છે, અને પ્રભુનો સાક્ષાત્કાર ઉપાધ્યાયજીને પણ એ ક્ષણોમાં થયો છે.

એટલે પ્રભુના સાક્ષાત્કાર માટે બે ચીજ જોઈએ છે. એક તો વિરહવ્યથા—”કૈસે, કૈસે, કૈસે ઘૂમરાય?” કઈ રીતે પ્રભુ મને મળશે? એટલે એક તો વિરહવ્યથા, અને બીજું સદ્ગુરુયોગ. આપણી વિરહવ્યથા એક્સ્ટ્રીમ પોઇન્ટ પર પહોંચેલી હોય, અને આપણે પહોંચેલા સદ્ગુરુના ચરણોમાં બેસીએ, અને એ સદ્ગુરુ શક્તિપાત કરે, તો પ્રભુનો સાક્ષાત્કાર આપણને થઈ જાય. આનંદઘનજી ભગવંતે કેટલાયને પ્રભુનો સાક્ષાત્કાર કરાવ્યો. આપણા યુગની અંદર કલાપૂર્ણસૂરિ દાદા હતા, જેમણે પોતે પ્રભુનો સાક્ષાત્કાર કરેલો, અને એમના ચરણોમાં આવી વિરહવ્યથાવાળી કોઈ વ્યક્તિ બેસતી, તો એને પણ સાક્ષાત્કાર થઈ જતો.

એટલે આજના યુગમાં પ્રભુનું મિલન દુષ્કર નથી, અસાધ્ય નથી. પણ એક વિરહવ્યથા આપણી ઘેરી બનવી જોઈએ કે બધા વિના મને ચાલશે, એના વિના મને નહીં ચાલે. એ તો જોઈએ જ. અનંતા જન્મો મારા વીત્યા, એ બધા જ જન્મો મિનિંગલેસ થયા, વ્યર્થ; કારણ એમાં પ્રભુ મને મળ્યા નહોતા. આ જન્મની અંદર પ્રભુની અનુભૂતિ મને થવી જ જોઈએ.

સાધકો જેને સ્વાનુભૂતિ કહે છે, ભક્તો એને પરમની અનુભૂતિ કહે છે. ભક્ત પરમાત્માની અનુભૂતિ કરી અને પોતાના આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરે છે. અને સાધક જે છે, એણે ગત જન્મોની અંદર પરમનો સાક્ષાત્કાર કરેલો હોય છે, તો એ સીધો આત્મસાક્ષાત્કાર કરી લે છે.

આજે શાશ્વતી ઓળીની આરાધનામાં ચારિત્રપદ. ચારિત્ર શી રીતે મળે? હરિભદ્રસૂરિ મહારાજ સાહેબે ચોથા પંચસૂત્રમાં કહ્યું કે પ્રવ્રજ્યા એટલે કે ચારિત્ર એ પછીની ઘટના છે, એની પહેલાંની ઘટના છે અભિવ્રજ્યા, એટલે કે પરમાત્માનું સંમોહન. એવું પરમાત્માનું ઘેલું તમને લાગે કે તમારા મનમાં, હૃદયમાં માત્ર એ જ છવાયેલ હોય.

મહાભારતની ઘટના આવે છે કે રાધાના મનમાં માત્ર શ્રીકૃષ્ણ જ હતા, તો એક કવિએ લખ્યું:

“શ્યામ શ્યામ રટત રાધા ભઈ શ્યામ”

માત્ર શ્યામ શ્યામની રટણા લગાવી અને રાધા પોતે કૃષ્ણ બની ગઈ. “શ્યામ શ્યામ રટત રાધા ભઈ શ્યામ, સબ સખીયન કો પૂછન લાગી કહા ગઈ રાધા?”

પછી સખીઓને પૂછે છે: “રાધા ક્યાં ગઈ?” અરે, રાધા જ કૃષ્ણ બની ગઈ!

અને એ જ વાત આપણે શાશ્વતી ઓળીના પહેલા દિવસે કરી:

“અરિહંત પદ ધ્યાતો થકો ભેદ છેદ કરી આતમ અરિહંત રૂપે થાય.”

અરિહંત ભગવંતનું ધ્યાન આપણે એ રીતે કરીએ, એ રીતે કરીએ, આપણી ચેતનામાં, આપણા ચિત્તતંત્રમાં પ્રભુ એવા છવાઈ જાય કે આપણી પૂરી ચેતના અરિહંતમય બની જાય.

તો અદ્ભુત પ્રભુનું શાસન મળ્યું છે. ઓળીના દિવસો આવતીકાલે પૂરા થશે, પરમ દિવસે પારણું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *