सुखेषु विगतस्पृहः वीतरागभयक्रोधः
सुखेषु विगतस्पृहः ભૌતિક સુખોમાં જેની સ્પૃહા નથી. આવું ક્યારે બને? અસંયોગજન્ય આનંદની અનુભૂતિ કરેલી હોય, તો જ. મનગમતા કે અણગમતા પદાર્થો કે વ્યક્તિઓના સંયોગ કે વિયોગથી જે રતિભાવ થાય, એ સુખ અને અરતિભાવ થાય, એ દુઃખ. આનંદ એ તો અસંયોગજન્ય ઘટના છે.
ભલે આપણે વિચારીએ કે અત્યારે સુખમાં જઈશ તો પરિણામે દુઃખ મળશે માટે સુખની ઇચ્છા છોડી દઉં. પણ એમ કંઇ સુખની ઇચ્છા છૂટતી નથી. નરકમાં જવું પડશે – આવો ભય પણ લાંબો ચાલતો નથી. અસંયોગજન્ય આનંદની અનુભૂતિ થાય, એ પછી જ સંસારના સુખોનું આભાસીપણું જણાય છે અને એમની ઈચ્છા છૂટે છે.
આપણે અભયનો અર્થ કરીએ ભયનો અભાવ. પણ ઊંડાણથી જોઈએ તો ભય સમયે શરીર અને મનમાં પ્રકંપનો થાય છે. वीतरागभयक्रोधः એટલે જેનો રાગ ગયો, દ્વેષ ગયો અને ભય પણ ગયો. જ્યાં રતિભાવ, અરતિભાવ અને ભય – કોઈના પણ પ્રકંપનો નથી, એવું સ્થિર ચિત્ત
મહોપાધ્યાય માનવિજય મહારાજ સુમતિનાથ પ્રભુના સ્તવનમાં પિંડસ્થ ધ્યાનની વાત કરે છે. એમણે પિંડસ્થ ધ્યાનને સ્થાપના નિક્ષેપ સાંકળ્યા સાથે છે. પ્રભુની મૂર્તિને જોતા, પ્રભુના એ મૂર્તિ દેહને જોતા તમે સ્વાનુભૂતિ સુધી કઈ રીતે પહોંચી શકો એના એમણે સાત ચરણો બતાવ્યા છે.
પહેલું ચરણ – પ્રભુ રૂપનું દર્શન અને બીજા જ ચરણે ચિત્તની સ્થિરતા મૂકી છે. જે ક્ષણે તમે તમારું મન પ્રભુને અર્પિત કરી દીધું. એ મન બીજે ક્યાં જઈ શકે?
કબીરજીએ કહેલું; ‘મેરો મન અનત કહાં ઉડ જાવે, જૈસે પંખી જહાજ સે ઉડી ફિર જહાજ પે આવે. ‘મેરો મન અનત કહાં ઉડ જાવે’ – પ્રભુ મારું મન તને છોડીને બીજે ક્યાં જઈ શકે? વહાણમાં પહેલાના યુગમાં પાંજરામાં કબૂતરને રાખેલા હોય. ચારેબાજુ પાણી જ પાણી દેખાતું હોય. વહાણ રસ્તો ભૂલી ગયેલું હોય ત્યારે થાય કે કોઇ પણ બાજુ ધરતી હોય એ બાજુ જતા તો રહીએ કમસેકમ. મીઠું પાણી મળે, ખાવાનું મળે. કબૂતરને છોડે છે. અને જો એને દુર-દુર-દુર પણ ધરતી દેખાય તો ત્યાં જતા રહે છે, પાછા નથી આવતાં. પણ ચારેબાજુ પાણી જ પાણી દેખાય. તો ફરી પાછા એ જહાજ ઉપર આવી જાય છે.
એમ પ્રભુ મારા માટે ત્રણેય લોકમાં તારા વિના કોઈ આશ્રયસ્થાન છે જ નહિ! તો મારું મન તને છોડીને બીજે ક્યાં જઈ શકે? પ્રભુના રૂપને જોવાની એક દ્રષ્ટિ છે. અને એ દ્રષ્ટિ સદ્ગુરુ જ ખોલી આપે છે. જેને આપણે ત્યાં દિવ્ય નયન કહેવામાં આવે છે. એ દિવ્ય નયન સદ્ગુરુ જ ખોલી આપે છે. અને એ દિવ્ય નયનથી જ્યારે આપણે પરમાત્માને જોઈએ છીએ ત્યારે આપણું ચિત્ત સ્થિર બની જાય છે.
બીજા સ્તવનમાં આનંદઘનજી ભગવંતે એક સરસ વાત લખી. એમણે કહ્યું; કે દિવ્ય નયન એટલે અવધિજ્ઞાની ભગવંત, વિશિષ્ટ શ્રુતજ્ઞાની ભગવંત. એવા તો અત્યારે કોઈ છે નહિ. અને છતાં મારે પ્રભુને જોવા છે. પ્રભુના માર્ગને જોવો છે. તો કઈ રીતે જોવો? ત્યાં એમણે સરસ વાત લખી. ‘વસ્તુ વિચારે દિવ્ય નયન તણો રે, વિરહ પડ્યો નિરધાર, તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર’ અત્યારે દિવ્ય નયન છે નહિ તો દિવ્ય નયનની અવેજીમાં બીજું શું ચાલી શકે?
તો એમણે કહ્યું; ‘તરતમ યોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર’ વાસિત બોધ. આપણી પાસે જ્ઞાન છે, બોધ છે. પણ એ શાબ્દિક બોધ છે? વૈચારિક કક્ષાનો બોધ છે કે વાસિત બોધ છે? વાસિત બોધ એટલે ભાવિત બોધ. એકદમ અનુભૂતિની કક્ષાએ પહોંચેલું જ્ઞાન.
મોટા ઝેન ગુરુ હતા. રિંઝાઈ. એમણે એકવાર પ્રવચનમાં કહ્યું; રાગ-દ્વેષ-અહંકાર બધું જ વ્યર્થ છે, અસાર છે. સામે જે શિષ્ય બેઠેલો. એણે કહ્યું; સાહેબ બરોબર રાગ-દ્વેષ-અહંકાર અસાર જ છે. ગુરુએ માથું ધુણાવ્યું. ‘ના’મા (ના કહ્યું.) કેમ સાહેબ? તમે તો હમણાં બોલ્યા, રાગ-દ્વેષ અહંકાર અસાર છે. ગુરુએ કહ્યું; હું બોલ્યો ત્યારે સાચું હતું. તું બોલ્યો ત્યારે ખોટું છે. મારી પોતાની અનુભૂતિ છે. તારી પાસે અનુભૂતિ છે નહિ. તું ખાલી શબ્દોને રિપીટ કરે છે.
તો વાસિત બોધ શી રીતે મળે? એના માટેની આખી જે છે રીત બતાવી. ‘તરતમ યોગે રે તરતમ વાસના રે.’ તર અને તમ યોગથી, તર અને તમ જે વાસના થાય એ વાસનાથી વાસિત બોધ જે છે, એના દ્વારા પ્રભુને-પ્રભુના માર્ગને જોઈ શકાય.
એટલે યોગના બે પ્રકાર પાડ્યા – એક સામાન્ય, એક વિશિષ્ટ. યોગ એટલે સદ્ગુરુ યોગ. કારણ સદ્ગુરુ વિના તો કાંઈ મળવાનું છે નહિ. ભલે આપણી પાસેના સદ્ગુરુ વિશિષ્ટ શ્રુતજ્ઞાની નથી કે અવધિજ્ઞાની નથી. અતિન્દ્રિય જ્ઞાની નથી. પણ સામાન્ય શ્રુતજ્ઞાની તો છે જ! હવે એ જે સદ્ગુરુ છે એનો યોગ બે રીતે થશે. સામાન્ય રીતે અને વિશેષ રીતે. તમારી પાસે એક સામાન્ય સમર્પણ છે ગુરુ પાસેનું, ગુરુ માટેનું, તો એ સામાન્ય યોગ બનશે. એટલે બીજું બધું પણ ગમે છે, ગુરુ પણ ગમે છે. સમર્પણ કેવું છે? માત્ર ગુરુ પ્રત્યેનું સમર્પણ નથી. પણ ક્યારેક ઈચ્છાઓ પ્રત્યે પણ સમર્પણ રહે છે. ક્યારેક ઈચ્છાઓ પ્રત્યેનું સમર્પણ, ક્યારેક ગુરુ પ્રત્યેનું સમર્પણ.
પણ તો પણ આનંદઘનજી ભગવંતે ઉદારતા કરી કે ક્યારેક ક્યારેક તો એ સદ્ગુરુને સમર્પિત થાય છે. તો આવી કક્ષાની જે વ્યક્તિ છે એની પાસે સામાન્ય સદ્ગુરુયોગ છે. અને જે Choiceless person થઈ ગયો. Totally! ઈચ્છાવિહીન થઈ ગયો. એના માટે એક જ વાત છે- જે સદ્ગુરુની આજ્ઞા હોય તે. ‘आज्ञा गुरूणाम् अविचारणीया’. સદ્ગુરુની આજ્ઞા આવી, તમારે વિચાર કરવાનો નથી હોતો! તમારે માત્ર એને ઝીલવાની હોય છે. આવો સમર્પિત સાધક હોય. જેની પાસે કોઈ જ ઈચ્છા નથી. માત્ર આજ્ઞા પ્રત્યેની સમર્પિતતા છે. એની પાસે વિશિષ્ટ સદ્ગુરુયોગ છે. એટલે સદ્ગુરુયોગના બે પ્રકાર થયા: સામાન્ય અને વિશિષ્ટ.
હવે વાસનાના પણ બે પ્રકાર થશે: સામાન્ય અને વિશિષ્ટ. ‘વાસના’ શબ્દ હરિભદ્રસૂરી મહારાજને બહુ પ્રિય છે. આપણે જે લયમાં ‘ભાવના’ શબ્દ વાપરીએ છીએ ને એ જ અર્થમાં એ જ સંદર્ભમાં વાસના શબ્દ છે. ચિત્તને જે વાસિત કરે તે વાસના. ચિત્ત ને ભાવિત કરે તે ભાવના. ચિત્ત ને વાસિત કરે તે વાસના.
તો હવે વાસના પણ બે પ્રકારની: સામાન્ય અને વિશિષ્ટ. સદ્ગુરુયોગ વિશિષ્ટ હોય તમારી પાસે કે સામાન્ય. પણ ક્યારેક તમે એટલાં બધા એકાગ્ર બની ગયા છો કે સદ્ગુરુના એક-એક વચનને પી રહ્યા છો. અને અસ્તિત્વના સ્તર ઉપર સદ્ગુરુના વચનોને તમે મૂકી રહ્યા છો. ગુરુ પ્રત્યેનું સમર્પણ તો હતું જ પણ એ સમર્પણની પૃષ્ઠ ભૂમિકા ઉપર હવે શું થાય છે. ગુરુનું એક-એક વચન અસ્તિત્વના સ્તર ઉપર પહોંચી જાય છે. અને આવી રીતે એક-એક વચન અસ્તિત્વના સ્તર ઉપર પહોંચી જાય. એટલે કે વાસિત સ્વરૂપમાં પહોંચી જાય તો વિશિષ્ટ વાસના. અને કદાચ મન બીજા વિચારોમાં લાગેલું છે. મન આડે-અવળે ભટકી પણ રહ્યું છે. અને વાચનાનો સમય થઈ ગયો અને આવી પણ ગયા. કાન સાંભળ્યા કરતુ હોય અને મન બહાર ફર્યા કરતુ હોય તો સામાન્ય વાસના થશે.
કબીરજીએ એક સરસ વાત કરી છે આ જ સંદર્ભમાં. કે વિશિષ્ટ વાસના ક્યારે થાય. ‘સબ તન શ્રવણ કરી જાના.’ ‘સબ તન શ્રવણ કરી જાના.’ માત્ર આ બે કાન જે છે એ શ્રવણેન્દ્રિય તમારું ન હોય! સબ તન.. પૂરું શરીર… પૂરું અસ્તિત્વ.. સદ્ગુરુને પીતું હોય! સદ્ગુરુ તમને દિવ્ય મળી ગયેલાં. યોગ કેવો થયેલો, મને ખબર નથી. વાસના કેવી થયેલી, મને ખબર નથી. આવા સદ્ગુરુ મળેલાં હોય. તમે totally surrender થઈ ગયા. અને પછી એ ભાવધારાની સાથે આવ્યા, બસ સદ્ગુરુ એમની ઈચ્છા હોય એટલાં અનુકુળતા પ્રમાણે બે-ચાર વાક્યો મને કહે. અને એને હું અસ્તિત્વના સ્તર ઉપર લઇ જાઉં. આ ભાવનાથી તમે સાંભળો અને એ શબ્દો અસ્તિત્વના સ્તરે પહોંચે તો એ વિશિષ્ટ વાસના. અને મન આડું-અવળું ભમતું હતું. છતાં વાચનાનો સમય થયો અને આવી ગયા. સદ્ગુરુને સાંભળી પણ લીધા તો સામાન્ય વાસના.
તો વિશિષ્ટ સદ્ગુરુયોગ હોય અને વિશિષ્ટ વાસના હોય એના દ્વારા જે વાસિત બોધ થયો. એ બોધ દ્વારા પ્રભુને આપણે જોઈ શકીએ. એટલે પ્રભુને માત્ર આ ચામડાની આંખથી આપણે જોઈ નહિ શકીએ.
અને એટલે બહુ સરસ વાત એમણે કરેલી આગળ, ‘ચરમ નયન કરી મારગ જોવતા, ભૂલ્યો સયલ સંસાર’. ચામડાની આંખોથી પ્રભુના માર્ગને જોવા જનારા બધા ભૂલ્યા. ત્યાં એમણે ‘ભૂલ્યો સયલ સંસાર’ લખ્યું. એટલે કે તથાકથિત જ્ઞાનીઓ, તથાકથિત સાધકો, ને તથાકથિત યોગીઓ એ પણ ભૂલા પડી ગયા. કારણ કે બુદ્ધિનો વિષય જ નથી. માત્ર અને માત્ર શ્રદ્ધાનો વિષય છે. એટલે બહારની આંખોથી પ્રભુ નહિ દેખાય. સદ્ગુરુએ જે શ્રદ્ધાની આંખ ખોલી આપી છે એના દ્વારા તમે પ્રભુને જોઈ શકો.
એ રીતે તમે પ્રભુને જુઓ તો શું થાય? પ્રભુ રૂપનું દર્શન, ચિત્તની સ્થિરતા.
એ ચિત્તસ્થૈર્ય માટે ભગવદ્ગીતા એ મજાનો શ્લોક આપેલો જેણે આપણે ગઈકાલે જોતા હતા. ‘दु:खेषु अनु द्विग्नमना:, सुखेषु विगतस्पृह:’ ભૌતિક તમામ સુખોમાં જેની ઈચ્છા થતી નથી. આવું ક્યારે બને? અસંયોગજન્ય આનંદની અનુભૂતિ તમે કરેલી હોય તો સંયોગજન્ય સુખ તમને ક્યારેય પણ આકર્ષિત ન કરી શકે. અને એક વાત નક્કી રાખો. અસંયોગજન્ય આનંદ તમને મળ્યો નથી અથવા એની ઝંખના પણ તીવ્ર થઈ નથી. તો ખાલી વાતોમાં એ આવશે, બાકી અનુભવના સ્તર ઉપર સુખની સ્પૃહા રહેવાની છે.
सुखेषु विगतस्पृह: તમે ક્યારે બની શકો? સુખની વ્યાખ્યા આ જ છે: સંયોગજન્યતા એ સુખત્વ, અને અસંયોગજન્યતા તે આનંદ. પદાર્થોનો સંયોગ થયો. તમને મનગમતો પદાર્થ મળી ગયો. જે રતિભાવ થયો એને આપણે સુખ કહીશું. અણગમતો પદાર્થ મળ્યો ને અરતિભાવ થયો એને આપણે દુઃખ કહીશું. મનગમતી વ્યક્તિ મળી રતિભાવ થયો એને આપણે સુખ કહીશું. તો સુખની વ્યાખ્યા આટલી, જે સંયોગજન્ય છે. દુઃખની વ્યાખ્યા આ જે વિયોગજન્ય છે. આનંદ જે છે એ અસંયોગજન્ય છે.
એટલે તમારે સાધના શું કરવી છે? Actually ભગવાનનો મુનિ, ભગવાનની સાધ્વી વિગતસ્પૃહ: હોય જ છે. કારણ કે આપણે બધું છોડીને આવ્યા છીએ ને! ઘરે બધું જ હતું. છોડીને કેમ આવ્યા? એટલે સામાન્ય સાધકોને ભલે આપણે કહીએ આ સુખ દેખાય છે, પરિણામે દુઃખ મળશે માટે તું એને છોડી દે. એમ છૂટતું નથી! આ અનુભવ છે તમારી પાસે. તમે કેટલાય સાધકોને ઉપદેશ પણ આપ્યો હશે. શું છે આમાં? છે શું આમાં, એ તો કહે? એટલે તમે તમારાં હૃદયને ટટોળો હજુ પરમાં સુખબુદ્ધિ છે તમારામાં. થોડાક માણસો કહે; મહારાજ બહુ સરસ વ્યાખ્યાન આપે છે. તમને રતિભાવ થાય જ છે.
એટલે આ સુખ જે છે એને પરિણામે દુઃખ મળે છે માટે સુખ ન વાપરવા. એ તો શું થઈ ગયું? એક ભયજન્ય પ્રીતિ થઈ ગઈ. મારે નરકમાં જવું પડશે મારે. ભયજન્ય પ્રીતિ લાંબો સમય નહિ ટકે. અનુભૂતિજન્ય જે પ્રીતિ હશે એ જ લાંબી ટકશે.
અને અસંયોગજન્ય જે આનંદ છે એની અનુભૂતિ તમને થઈ ગઈ; આ સુખ તમને સુખાભાસ જ લાગવાનું છે. પછી તમારી ભીતર જે આનંદ છે એનો અનુભવ કરો. સાક્ષીભાવમાં આવો. ઉદાસીનભાવમાં આવો. તમારા આનંદને માણો. અનંત આનંદની એક સરવાણી તમારી ભીતર ચાલી રહી છે.
હું ઘણીવાર કહું છુ કે ભાઈ તું આનંદઘન છે અને ચપટી સુખ માટે વલખા મારી રહ્યો છે? કરોડપતિનો દીકરો એક ચોકલેટ લેવા માટે લાઈનમાં ઉભો રહ્યો છે! એને ખબર નથી કે મારો પિતા ચોકલેટના સ્ટોલ ના સ્ટોલને ખરીદી શકે એમ છે. તો આનંદઘન તમે, ચપટી સુખ માટે વલખા મારી રહ્યા છો!
તો હવે વાત એ આવી કે ‘सुखेषु विगतस्पृह:’ થવું જ છે. અને તો જ તમે સ્થિતપ્રજ્ઞ બનશો. દુઃખોમાં જો તમે પીડિત થયા. ઉદ્વિગ્ન થયા. તો તમારી ચિત્તની સ્થિરતા ક્યાં રહેવાની? મને રોગ આવી ગયો. કોરોના આવ્યો નથી તો પણ કોરોનાનો ભય હોય! કોરોના લાગુ ન પડી જાય! આ દુઃખની ચિંતા હોય. શારીરિક, માનસિક કોઈ પણ. તો તમે સ્થિરચિત્ત કેમ બની શકવાના? એ જ રીતે સુખની ઝંખના હશે તો પણ તમે સ્થિરચિત્ત કેમ બની શકવાના? આ જોઈએ, આ જોઈએ, આ જોઇએ. અને આ ન મળે તો?
તો ‘सुखेषु विगतस्पृह:’ કેમ બનવું? રસ્તો એક જ છે – આનંદની અનુભૂતિનો. There is no other way! બીજો માર્ગ છે જ નહિ! અનુભૂતિ થઈ; સુખ છૂટી ગયું! બધું જ સુખ સૂખાભાસ રૂપે કચરાટોપલીમાં જતું રહે.
પછી અપૂર્વ અવસરમાં શ્રીમદ્જીએ લખ્યું છે તેમ. ‘માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો’ એકમાત્ર દેહ છે અને સંયમના હેતુરૂપ છે. એને રોટલી-દાળ આપી દો બસ. આથી વધારે કોઈ વાત નહિ.
એ રોટલી-દાળનો સંયોગ પણ સાધકને થતો નથી! એના શરીરને થાય છે! ખાનાર કોણ? સવારે ચા કોણે પીધી? ચા કોણે પીધી? શરીરે પીધી કે તમે પીધી? મેં ચા પીધી. તે ચા પીધી? તું તો આનંદઘન આત્મા છે. અશરીરી આત્મા છે. તારે ક્યાં ચા પીવાની હોય? આ શરીરમાં તું રહે છે. તો શરીરે ચા પીધી. ચા પીનાર શરીર અને જોનાર તમે. તો માત્ર દ્રષ્ટા છો. પરની કોઇ પણ પરિસ્થિતિમાં તમે માત્ર અને માત્ર દ્રષ્ટા છો. એક સાધકની કક્ષાએ વિભાવો કદાચ તમારી પાસે ન પણ આવે પણ આ દેહને માટે અમુક પરિસ્થિતિમાંથી તમારે પસાર થવું જ પડે છે. ખાવું પડે, પીવું પડે. કપડાં પહેરવા પડે, આરામ કરવો પડે. પણ એ બધી જ શરીરના સ્તરની ઘટના છે. એમાં તમારે તમારા ઉપયોગને નાંખવાનો નથી.
મહાપુરુષો કહે છે; ભાઈ! તારો ઉપયોગ હીરા જેવો છે એને કચરામાં કેમ તું નાંખે છે? રાગનો કે દ્વેષનો વિચાર કર્યો એટલે શું કર્યું? તમારાં ઉપયોગને મનોયોગમાં, દુષિત મનોયોગમાં તમે ફેરવ્યો અને ઉપયોગને કચરામાં લઇ ગયા! આવી કોઇ પણ પરિસ્થિતિના માત્ર દ્રષ્ટા બની જાઓ. દ્રષ્ટા ત્યાં. કર્તા અંદર. બહાર બિલકુલ doing ખરી પડ્યું છે. Being છે. અને એ જ being નો આસ્વાદ તમને અંદર મળશે. માત્ર હોવાપણાના આસ્વાદ. તમારા અનંત આનંદનો આસ્વાદ. એકવાર એ આનંદ મળી ગયો ને; બસ સુખ છૂટી ગયા. ‘सुखेषु विगतस्पृह:’
પછી કહે છે – ‘गत राग भय: क्रोध:, स्थित धीर मुनि रुच्यते’ (वीतरागभयक्रोधः स्थितधीर्मुनिरुच्यते)
‘गत राग भय: क्रोध: – જેનો રાગ ગયો, દ્વેષ ગયો અને ભય પણ ગયો.
અભયની વ્યાખ્યા આનંદઘનજી ભગવંતે બહુ સરસ કરી. એકદમ મનોવૈજ્ઞાનિક લયમાં. આપણે અભયનો અર્થ કરીએ ભયનો અભાવ. પણ એ જરા ઊંડાણમાં ગયા, કે ભયના વખતે શું થાય છે? થાય છે શું? તો કહે; મનમાં એક પ્રકંપન થાય છે. તો જોયું એકદમ ભય લાગે ને, એકદમ શરીર રોમાંચિત થઈ જાય. તો શરીરના સ્તર ઉપર પ્રકંપનો થશે અને મનના સ્તર ઉપર પ્રકંપનો ચાલ્યા કરશે. આનંદઘનજી ભગવંત અભય શબ્દ દ્વારા ચિત્તની સ્થિરતાની વાત કરવા માંગે છે.
‘સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ’. પહેલા જ અભય જોઇશે. ચિત્તની સ્થિરતા.
તો અભય એટલે મનની અંદર કોઇ પણ બાબતનું પ્રકંપન ન જોઈએ. રતિભાવનું પણ એક પ્રકંપન છે. અરતિભાવનું પણ એક પ્રકંપન છે. સુખનું પ્રકંપન, દુઃખનું પ્રકંપન. પ્રકંપનની પેલે પારની અવસ્થા કઈ? તમારો આનંદ છે તે. આનંદ એ નિષ્પ્રકંપ અવસ્થા. સુખ-દુઃખ, રતિ-અરતિ, ગમો-અણગમો આ બધું જ પ્રકંપન છે.
શરીરમાં પણ છે ને પ્રકંપન ચાલ્યા કરે છે. એક તો પ્રકંપન ચાલે જ છે – નસમાં લોહી વિગેરે દોડ્યા કરતુ હોય છે. બીજું પ્રકંપન કારણીક થતું હોય છે. એક માણસ બાર વાગે જમતો હોય ને તો સાડા અગિયાર વાગે લાળગ્રંથિ જે છે ને કામ શરૂ કરી દે છે. લાળ ટપકવાની શરૂ થાય છે. અને જઠરાગ્ની પણ જે છે ને તૈયાર થાય છે કે મારા ઉપર વજન આવી જશે. એટલે સામાન્યતયા આરોગ્ય વિજ્ઞાન એમ કહે છે કે સમય જમવાનો નક્કી રાખવો જોઈએ. એક દિવસ એક માણસ અગિયાર વાગે જમે. બીજા દિવસે બે વાગે જમે. ત્રીજા દિવસે એક વાગે જમે. તો શરીરનું તંત્ર ગુપચાઈ જાય છે. તો શરીરના તંત્રમાં પણ પ્રકંપનો ચાલે છે. પણ શરીરના તંત્રમાં આ પ્રકંપનો થોડા ઘણા ચાલે. મનમાં તો પ્રકંપન સતત ચાલ્યા કરે. ઊંઘમાંયે સ્વપ્નો આવે એટલે પ્રકંપનો ચાલુ.
એટલે એમણે બહુ સરસ શબ્દો આપ્યા: ‘ભય ચંચળતા હો જે પરિણામની’ ભયની વ્યાખ્યા આપી. જે તમારા ચિત્ત પરિણામમાં ચંચળતા આવી એ ભય છે. એટલે દુઃખમાં તમે અનુદ્વીગ્ન બનો. સુખમાં વિગતસ્પૃહ બનો. તો શું બનશે? રાગ ગયો. દ્વેષ ગયો. ભય પણ ગયો. પ્રકંપનો જ ગયા. પ્રકંપનોનું કારણ આ જ હતું: દુ:ખો નહતા ગમતાં, સુખો ગમતા હતા. અણગમાને કારણે અરતિભાવનું પ્રકંપન થતું હતું. ગમાને કારણે રતિભાવનું પ્રકંપન થતું હતું. આ બધા જ પ્રકંપનો છે જે બંધ થઈ ગયા.
બોલો ચિત્તની સ્થિરતા અઘરી બાબત છે કંઈ? પ્રભુને જોયા, પ્રભુના ચહેરા પરનો દિવ્યઆનંદ જોયો, તમારી ભીતરનો જે દિવ્યઆનંદ છે એનો અણસાર તમને આવ્યો, ને તમે પ્રભુના આનંદના પગલે-પગલે તમારા આનંદની ખોજમાં પહોંચી જાઓ; અને સહેજપણ તમારા આનંદની ભનક તમને મળી જાય એટલે આ સુખ બધા ગયા, દુઃખ પણ ગયા. તમે કેવા થયા? સ્થિતપ્રજ્ઞ બની ગયા.
